ગઝલશાસ્ત્ર (કાવ્ય વ્યાકરણ)

Posted by Jaydeep in ગઝલનો ઈતિહાસ. trackback

1995 માં IAS પરીક્ષાની તૈયારી કરતી વેળાએ ગુજરાતી ગઝલો વિષે બનાવેલી વિસ્તૃત નોંધનો એક હિસ્સો અહીં મૂક્યો છે:

 

ગઝલ એ એક અરબી-ફારસી સાહિત્યપ્રકાર છે. ગઝલનો શાબ્દિક અર્થ થાય છે, તીરથી ઘવાયેલા હરણની ચીસ.  ગુજરાતીમાં ગઝલની શરૂઆતને સો કરતા પણ વધુ વર્ષો થઈ ગયા છે. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ એ સાથે જ ફારસી ભાષાનો પ્રયોગ વધ્યો. મુઘલ લશ્કરમાં સામેલ ભારતીય અને મુઘલ સૈનિકોની ભાષાના સંમિશ્રણથી ઉર્દૂ ભાષાનો જન્મ થયો. ગુજરાતમાં મુસ્લિમ શાસનનાં પ્રારંભ સાથે ફારસી પણ આવી. ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન ગુજરાતના નાગરોએ ફારસી શીખી અને તેમાં ગ્રંથો પણ લખ્યાં. ધીમે ધીમે તેઓનો પરિચય ઉર્દૂ સાથે પણ થયો અને તેમના દ્વારા ગુજરાતીમાં ગઝલની શરૂઆત પણ થઈ. પ્રારંભમાં દયારામે રેખતાઓ લખ્યા. રેખતા એ ઉર્દૂ માટે પ્રયોજાતો શબ્દ છે.

ગઝલ લખવા માટે કુલ 19 છંદો છે: તવીલ, મદીદ, બસીત, વાફિર, કામિલ, હઝજ, રજઝ, રમલ, મુક્તઝબ, મનસરિહ, સરિહ, ખફીફ, મુજતસ, મજગરિઅ, મુતકારિબ, મુતહારિફ, કરીબ, જદીદ અને મશાકિલ. ગઝલનાં સ્વરૂપને સમજવા માટે મત્લા, મક્તા, શેર, રદીફ, કાફિયા, બહેર, ઉલા અને સાની જેવા કેટલાંક શબ્દો સમજવા જરૂરી છે. ગઝલના પ્રથમ શેરને મત્લા અને અંતિમ શેરમાં જ્યારે કવિ પોતાના નામ કે તખલ્લુસનો સમાવેશ કરે, ત્યારે તેને મક્તા કહેવાય છે. પ્રત્યેક શેરના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ-ને રદીફ તરીકે ઓળખવામાં આવે છે. રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે શબ્દને કાફિયા કહેવાય છે. જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને બહર કહેવાય છે. શેરની પ્રથમ પંક્તિને ઉલા અને દ્વિતીય પંક્તિને સાની કહેવાય છે. ગઝલમાં સામાન્યત: પાંચથી ઓગણીસની સંખ્યામાં જ શેર હોવા જોઈએ.   

દયારામ અને નર્મદે રેખતાઓ જરૂર આપ્યાં, પરંતુ, બાલાશંકર કંથારિયાએ રચનાને ર્દષ્ટિએ ઉત્તમ ગઝલો આપી. જો કે કેટલાંક સાહિત્યકારો ગુજરાતી નાટકમંડળીઓ દ્વારા નાટક માટે રચાયેલી બેતને શરૂઆતની ગઝલ ગણે છે. પણ નામ સૂચવે છે તેમ મોટાભાગની બેત બે પંક્તિની હતી, પૂર્ણ ગઝલ નહોતી. ત્યાર બાદ, કવિ કાન્તે પણ ગઝલ પ્રકાર ખેડ્યો. પણ ગઝલને જનતા સુધી પહોંચાડી કલાપીએ. બાલાશંકર કંથારિયાએ સૌપ્રથમ ગુજરાતીમાં ચૂસ્ત ગઝલો આપી. ત્યાર બાદ, મણિલાલ દ્વિવેદી, સાગર, કલાપી, કાન્તને ગઝલના નોંધપાત્ર રચયિતાઓ કહી શકાય. ગુજરાતી ભાષા પણ ગઝલ માટે સમર્થ છે એમ પોતાને વિપુલ રચનો દ્વારા સાબિત કર્યું શયદાએ. એ ગાળાનાં બીજા નોંધપાત્ર ગઝલકારો છે સાબિર મજનૂ, નસીમ અને સગીર. શયદા, શાહબાઝ, મરીઝ, શૂન્ય, સૈફ તથાં ગની દહીંવાલા જેવાં સર્જકો દ્વારા ગઝલ વધારે ખીલી અને તેમનાં અનુગામી કવિઓએ ઉત્તમ રચનાઓ દ્વારા ગુજરાતીમાં ગઝલને ઉચ્ચ દરજ્જો અપાવ્યો.

મરીઝના આગમન સાથે જ ગુજરાતીને સંપન્ન ગઝલકારોને જાણે કે એક સમૂહ મળી ગયો. જેમાં મરીઝની સાથોસાથ, શૂન્ય, સૈફ, ઘાયલ, ગની, બેફામ, પતીલ, અનિલ, ગાફિલ તથાં મકરંદ દવેનો સમાવેશ થાય છે. આ પછીની પેઢીમાં શેખાદમ આબુવાલા, આદિલ મન્સૂરી, મનહર, ચિનુ મોદી, રાજેન્દ્ર શાહ, મનોજ ખંડેરિયા ઉપરાંત, વ્રજ, જલન માતરી, કાબિલ, હરીન્દ્ર દવે, નૂરી, ઓજસ અને નઝીર ભાતરી આપણા નોંધપાત્ર ગઝલકારો છે. આ બધામાં મરીઝ ટોચ પર રહે છે.

આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ. ઉપરાંત, શેખ ગુલામ મોહમ્મદ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રાસન્નેય, લાભશંકર ઠાકર, શ્રીકાન્ત, ચિનુ મોદી, મનહર મોદી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, પ્રબોધ પરીખ, દિલીપ ઝવેરી, મણિલાલ દેસાઈ  નોંધપાત્ર પ્રદાન કરે છે. આ પછીનાં તબક્કામાં ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, અદમ ટંકારવી, હનીફ સાહિલ, જયેન્દ્ર શેખડીવાળા, સરૂપ ધ્રુવ, શ્યામ સાધુ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ, દિલીપ વ્યાસ, જગદીશ વ્યાસ, હરીશ ધોબી, હર્ષદ ત્રિવેદી, બાપુદાન ગઢવી, મુકુલ ચોક્સી, વિનોદ જોશી જેવા સર્જકો નોંધપાત્ર છે.

આ ઉપરાંત પણ બીજા ઘણા નામી-અનામી સર્જકો ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રવૃત્ત છે.

ગઝલ
ગઝલ કવિતાથી જુદી ન પાડી શકાય. જેમ હાઈકુ, સૉનેટ, ગીત, અછાંદસ, તાન્કા, ખંડકાવ્ય, મુક્તક એ સૌ કવિતાના અલગ અલગ પ્રકાર છે, એ જ રીતે ગઝલ પણ કવિતાનો જ એક પ્રકાર છે. સમયની સાથે સાથે હવે કદાચ ગઝલ એ કાવ્યનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. ગઝલ મૂળ ઉર્દૂ અને ફારસી કાવ્યપ્રકાર છે જેનો શાબ્દિક અર્થ ‘પ્રિયતમાને સંબોધન’ થાય છે. શરૂના દાયકાઓની ગઝલો આ અર્થને વળગીને જ લખાતી હતી અને ગઝલમાં પ્રેમિકા, સાકી-શરાબ અને ઈશ્વરની વાતો જ થતી હતી. કાળક્રમે ગઝલમાં નવા સંદર્ભો ઉમેરાતા ગયાં અને આજે ગઝલ સૌથી વધુ વંચાતો, ગવાતો અને સંભળાતો કાવ્ય પ્રકાર છે.

ગઝલની વિશેષતા એ છે કે એ બે-બે પંક્તિથી બનેલા શેરોનું સંકલન છે. પહેલા શેરને મત્લો અને આખરી શેરને મક્તા કહે છે. ગઝલમાં દરેક શેર સ્વતંત્ર છે. બે કડીથી બનતો દરેક શેર એ પોતે એક સ્વતંત્ર કાવ્ય છે અને એ ગઝલની મૂળ વિચારધારાથી સાવ અલગ હોય શકે છે.

એક ગઝલના ઉદાહરણથી વાત સમજીએ:
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

અહીં ‘બનશે’, ‘ટકશે’, ‘મળશે’, ‘જડશે’, ‘ભજશે’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે. જ્યારે ‘નહીં’ શબ્દ મત્લાની બંને કડીના અંતમાં તથા દરેક શેરની બીજી પંક્તિના અંતમાં એક સરખો જ રહે છે અને બદલાતો નથી, જેને ‘રદીફ’ કહેવાય છે.
મને લાગે છે કે શરૂઆતમાં આટલું પૂરતું છે.

-વિવેક ટેલર
ગઝલ શું છે ?

ગઝલ લખવા માટે શું જોઈએ? મુકુલ ચોક્સીની એક પંક્તિ યાદ આવે છે:

‘ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ…’

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.
ગઝલ શી રીતે લખાય છે એ તો કદાચ મને પણ નથી ખબર. દસ વર્ષની ઊંમરે નારગોળના દરિયાકિનારે મસ્તીમાં જોડકણાં લખવાની શરૂઆત કરી હતી. એ પછી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને મા-બાપ દ્વારા આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં પુસ્તકાલયના માધ્યમ વડે ભાષાના ઉત્તમ પુસ્તકો સાથે કરાવાયેલું અનુસંધાન ધીમે-ધીમે વિકસીને વૃક્ષ થયું…. કવિતાને જેમ જેમ સમજતો ગયો તેમ તેમ મારી અંદરથી નીકળતા શબ્દો પણ વિકાસ પામતાં ગયાં…

એ સમયની કવિતાઓ કદાચ સાહિત્યની દ્રષ્ટિએ આજે સાવ જ અર્થહીન કહી શકાય, પણ એ મને મારી સર્વશ્રેષ્ઠ કૃતિ કરતાં ય સદા વધુ જ વ્હાલી રહેશે કેમકે એ પગથિયું ન હોત તો આજે થોડું ઘણું ચડાણ પણ જે કરી શક્યો છું એ ન કરી શક્યો હોત…. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. કવિતા લખવાની ક્રિયા અંગે કવિઓ પોતે શું કહે છે તે પણ જાણીએ:

મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા પ્રથમ તપાસીએ:

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પતિભા થઈ નથી શકતી.

રઈશ મનીઆર પણ સરસ વાત કરે છે:

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.

એ ય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.

જવાહર બક્ષીનો અંદાજ બધાથી નિરાળો છે. એ ગઝલને તાબે જ થઈ જાય છે:

કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.

એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં

રમેશ પારેખ એમની નોખી શૈલીમાં આ રીતે સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ નાંખે છે

છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?

રમેશ, હું પયગંબર થઈને વરસું છું,
કાગળિયા છલકાવું છું સરવરની જેમ

રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.

કલમમાં ઘસઘસાટ ઊંઘતી રહી પીડા,
શબ્દ નળ જેમ અર્ધવસ્ત્ર ધોધમાર આવ્યો.

પરોવું મોતી જેમ શૂન્યતાના ઝુલ્ફોમાં
ન જાણું ક્યાંથી આ શબ્દોનો ખજાનો આવ્યો.

અમૃત ઘાયલ ખૂબ મીઠી રીતે ગઝલના મૂળ સુધી પહોંચે છે:

છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.

મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.

વાહ, ‘ઘાયલ’, ગઝલ !
જ્ઞાન સાથે ગમત.

વાંચીએ અને તરત ગમી જાય, એવું કંઇક લખવું હોય, તો એ શીખી શકાય ખરું?

ચિત્રકળા અને તરણકળા – આ બે ને સરખાવીએ…. તરતાં ન આવડતું હોય એવો કોઈ પણ માણસ ધારે તો ગમે તે ઉંમરે યોગ્ય પ્રશિક્ષણ પામીને તરતાં અવશ્ય શીખી શકે છે. પણ શું કોઈપણ માણસ ચિત્રકળા શીખી શકે? ચિત્રકામ ન આવડતું હોય એ માણસ પ્રશિક્ષણ વડે ચિત્રો દોરતાં જરૂર શીખી શકે પણ સારા ચિત્રો તો એ જ બનાવી શકે જેને કુદરતી બક્ષિસ હોય… Skilled work અને art work આ બંનેમાં એક જ તફાવત છે અને તે છે તમારી કોઠાસૂઝનો. દસ ચોપડી ભણેલો માણસ રમેશ પારેખ થઈ શકે અને આર્ટસમાં પી.એચ.ડી.કરનાર કવિતા સમજી પણ ન શકતો હોય એવું નથી બનતું? ટેનિસ રમનાર દરેક માણસ સ્ટેફી ગ્રાફ નથી બનતો….
મારે કશુંક કહેવું હોય તો શું કહું? :
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
-વિવેક ટેલર
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
-વિવેક ટેલર
ગઝલના છંદ
ગઝલ કાવ્યપ્રકારના મુખ્ય 11 ગણો આ પ્રમાણે છે
1. ફઊલુન – લગાગા
નહીં પંથ એક્કે નકામો હશે
જરા દૂર જઇએ વિસામો હશે
-ડૉ. નીરજ મહેતા
ઉન્હેં દિલ હી દિલ મેં ઉતારા કરેંગે
વો રુસ્વા હો કબ યે ગંવારા કરેંગે
2.ફઉલાત – ગાગાલ
3.મફાઈલુન – લગાગાગા
બને તો એમને કહેજો કે ખુશ્બૂ મ્યાનમાં રાખે
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે
– મનહર મોદી
અમે તો એટલું કહેશું સ્મરણથી પૂરજે સેંથો
અમારું નામ લઇને તું સ્મરણથી પૂરજે સેંથો
-ડૉ. નીરજ મહેતા
4.મફઊલાત – ગાગાગાલ

5.ફાઇલુન – ગાલગા
ઢોળશું નિતનવા રંગ કેન્વાસ પર
ઊગશે રોજ ઉમંગ કેન્વાસ પર
પ્રેમનું નામ લઇ પીંછી મેં ફેરવી
રંગ પણ ખુદ બન્યા દંગ કેન્વાસ પર
-ડૉ. નીરજ મહેતા
થાય સરખામણી તો ઉતરતાં છીએ
તે છતાં આબરુ અમે દિપાવી દીધી
એમના મ્હેલને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી
-બેફામ
6.ફાઇલાતુન – ગાલગાગા
પ્રેમ વાંચ્યો’તો નજરમાં ‘ને અભણ થઇને રહ્યાં
પાંખની તાકાત છે તોયે ચરણ થઇને રહ્યાં
-ડૉ. નીરજ મહેતા
એક તું છે એક તારો પ્યાર છે
જિંદગીનો એ જ તો આધાર છે
-ડૉ. મનોજ જોષી
7.મુસ્તફાઇલુન – ગાગાલગા
મેં આપને ચાહ્યાં હતાં એ વાતને વર્ષો થયાં
ને આંસુઓ સાર્યાં હતાં એ વાતને વર્ષો થયાં
-ડૉ. નીરજ મહેતા
8.ફાઈલાતુન – ગાગાગાગા
ખારા દરિયા વચ્ચે તરવું
પ્યારા દરિયા વચ્ચે મરવું
દરિયા સાથે દિલ બાંધ્યું છે
મોજાંઓથી શાને ડરવું
-ડૉ. નીરજ મહેતા
9.મફાઇલાતુન – લગાલગાગા
સુમન સમયના ખર્યા કરે છે
અતીતને પાથર્યા કરે છે
દશે દિશાઓ ફરી વળ્યો છું
બધેય તું સાંભર્યા કરે છે
-ડૉ. નીરજ મહેતા
છુપા લો દિલમેં યું પ્યાર મેરા
કિ જૈસે મંદિરમેં લૌ દિયે કી
10.મુતફાઇલુન – લલગાલગા
ફરતાં રહ્યાં ગમતી ગઝલ લલકારતાં લલકારતાં
સ્મરતાં રહ્યાં ગમતી ગઝલ લલકારતાં લલકારતાં
હળવાશની સરિતા મહીં સ્મરણો થયાં સુરખાબ ‘ને
તરતાં રહ્યાં ગમતી ગઝલ લલકારતાં લલકારતાં
-ડૉ. નીરજ મહેતા
ગઝલનો પિંડ

મકરંદ દવેએ ગઝલના પ્રાણને ચાર ભાગમાં મૂલવ્યો છે. એમણે સૂચવેલા પ્રકાર હું મારી ભાષા અને મારા ઉદાહરણ દ્વારા કદાચ વધુ સારી રીતે અહીંના વાંચકોને સમજાવી શકીશ. ગઝલનો પિંડ ચાર તત્ત્વથી બંધાય છે:

1) હુસ્ન-એ-ખયાલ : વિચાર સૌંદર્ય…. ગઝલમાં પહેલી અગત્યની બાબત છે, વિચારોનું સૌંદર્ય. ‘એક થોર પર ફૂલ ઊગ્યું છે’ એમ કહીએ તો શું મજા આવે? પણ ‘ઊગ્યું છે રણના એક થોરની સમીપે પુષ્પ મજાનું’ કહીએ તો વાત એ જ રહે છે, પણ મજા બદલાઈ જાય છે.

2) અંદાજ-એ-બયાં : અભિવ્યક્તિ… વિચારોને રજૂ કરવાની છટા…. તમે જે કહેવા માંગો છો એ વિચારમાં માત્ર સુંદરતા હોવી જરૂરી નથી. એ વિચારની સુંદરતા તમે કેવી રીતે પેશ કરો છો એ વધુ અગત્યનું છે. ઉપરના જ વાક્યને ‘એક થોરની આંખોમાં ઊગ્યું છે પુષ્પ નામનું શમણું’ એ રીતે વાંચીએ તો સમજી શકાય છે કે એમાં હવે અંદાજે-બયાં પણ ઉમેરાયો છે.

3) મૌસિકી : એટલે સંગીત. ગઝલમાં માત્ર છંદ જ સંગીત નથી લાવતાં. વાતમાં છુપાયેલું સંગીત ક્યારેક છંદને પણ વધુ સુંદર બનાવે છે.
‘આંખોમાં આ થોરની આવ્યું છે શમણું પુષ્પનું’ – આ લીટી હવે છંદમાં છે એટલે વાંચતી વખતે એક લયની સુરખી મનમાં લહેરાતી હોવાના કારણે પંક્તિ કાયમ માટે યાદ રહી જવાની શક્યતા પણ વધી જાય છે. પણ આ પંક્તિ જો આ રીતે વાંચીએ તો?
‘થોરની આંખોમાં આવ્યું પુષ્પ નામે શમણું એક’ – આ રીતે વાંચીએ તો મનમાં કશુંક વધુ સારી રીતે રણકતું હોય એમ નથી લાગતું? પંક્તિ બંને છંદમાં જ છે. પણ આ બીજા પ્રકારમાં છંદ ઉપરાંત મૌસિકી યાને સંગીત હોવાને કારણે એ વધુ આહલાદક લાગે છે.
4) મારિફત : યાને આધ્યાત્મિક્તા. ઉપરના ત્રણ પાસા અગર ગઝલનો દેહ રચે છે તો મારિફત એમાં પ્રાણ ફૂંકે છે. એ અંદરથી આવે તો જ કવિ સાચો. આયાસે અને અનાયાસે રચાયેલી ગઝલોનો ફર્ક આધ્યાત્મિક્તા અથવા શેરમાં છુપાયેલું સારતત્ત્વ પકડી પાડે છે.
‘થોરની આંખોમાં આવ્યું પુષ્પ નામે શમણું એક
આયખાના રણમાં સઘળે થઈ ગયો શેં મઘમઘાટ ?’
-એક લીટીમાં એક જ વાતમાં ક્રમશઃ કેટલું પરિવર્તન આવ્યું એ સરળતાથી સમજી શકાય છે હવે?
ગઝલના પિંડને આટલો સમજી શકાય તો કવિતા કરવી સરળ થઈ જાય. કવિતા કરતી વખતે એ યાદ રાખવું ખૂબ જ આવશ્યક બની રહે છે કે કવિ એ કોઈપણ ભાષાનો મોભ છે. કવિના ખભા નબળા હોય એ સમાજમાં ભાષા કદી જીવી ન શકે. કવિતા એ માત્ર નિજાનંદ નથી, એક સામાજીક જવાબદારી પણ છે એટલું સમજી શકીએ તો ભાષાની સેવા સારી રીતે કરી શકાય.
– વિવેક ટેલર

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧”

ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!

લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો

વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.

કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,

ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,

ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,

સમયની હો જે પાબંદ, તે પતિભા થઈ નથી શકતી.

સુરતના જ ડૉ. રઈશ મનીઆરના કહેવા પ્રમાણે ગઝલ એટલે પોતાની જાતથી અલગ થવાની પ્રક્રિયા:

ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,

સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,

જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

એ ય સાચું કે મારું દર્દ ગઝલ,

એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,

લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.

જવાહર બક્ષીનો અંદાજ બધાથી નિરાળો છે. એ ગઝલને તાબે જ થઈ જાય છે:

એ કહે તે કરવાનું,

આ ગઝલ છે, ડહાપણ નહીં

કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,

મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.

રમેશ પારેખ એમની નોખી શૈલીમાં આ રીતે સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ નાંખે છે

છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,

પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?

એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?

રમેશ, હું પયગંબર થઈને વરસું છું,

કાગળિયા છલકાવું છું સરવરની જેમ

રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં

સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.

કલમમાં ઘસઘસાટ ઊંઘતી રહી પીડા,

શબ્દ નળ જેમ અર્ધવસ્ત્ર ધોધમાર આવ્યો.

પરોવું મોતી જેમ શૂન્યતાના ઝુલ્ફોમાં

ન જાણું ક્યાંથી આ શબ્દોનો ખજાનો આવ્યો.

અમૃત ઘાયલ ખૂબ મીઠી રીતે ગઝલના મૂળ સુધી પહોંચે છે:

છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,

માત્ર ભાષાની ઘાલમેલ નથી.

મીઠાં શમણાં વસમાં શૂળ,

મારી ગઝલોનાં બે મૂળ.

વાહ, ‘ઘાયલ’, ગઝલ !

જ્ઞાન સાથે ગમત.

મનોજ ખંડેરિયા પણ કવિતાની આગ ઝરતી તાકાતથી અજાણ્યા નથી જ:

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,

આ હાથ આખેઆખો બળે એમ પણ બને.

કવિ અનિલ જોશી કહે છે:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તાજી,

શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતાજી.

અંતે આ ઈશ્વરદત્ત બક્ષીસ વિશે મારે કશુંક કહેવું હોય તો શું કહું? :

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,

બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,

વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી

કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ !

-વિવેક ટેલર

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨ -વિવેક ટેલર
કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.
નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:
તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:

શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.

શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

શોભિત દેસાઈનું મન અલગ જ ગાડીમાં મુસાફરી કરે છે:

કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
ભીતરમાં લાંગર્યો છે એક કાફલો અયમન

શબ્દની ગાડીમાં સાવ જ મન વગર
મારી ઈચ્છાને ઢસેડી હોય છે

સુરેન ઠાકર ‘મેહુલ’ ગઝલ લખ્યા પછીની સંતુષ્ટિથી અભિભૂત છે:

‘મેહુલ’ ગઝલ લખીને એવું અનુભવું છું,
જાણે અમીનો મીઠો એક ઓડકાર નીકળ્યો

સર્જકોની મહેફિલ હોય અને પાલનપુરી ન હોય? શૂન્ય વિનાના સૌ એકડા નિર્માલ્ય છે. જે પ્રેરણા સદૈવ ચર્ચાનો વિષય રહે છે, એ પ્રેરણાની કબૂલાત કર્યા પછી પણ એને મોઘમ જ રાખે તે ‘શૂન્ય’ પાલનપુરી:

અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી ‘શૂન્ય’ની ગઝલો લખાઈ છે !

જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય,
ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.

અમૃત ‘ઘાયલ’ ગઝલ એ દર્દ અને લોહીની પેદાશ હોવાની વાતને સિક્કો મારી આપે છે:
દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં !

લખતા લહિયો થવાય એ કદાચ આદિલ મન્સૂરીની ફિલસૂફી છે:

શબ્દ સાથે ક્યાં હતો સંબંધ પણ,
લખતા લખતા અંતે લહિયો થઈ ગયો.

હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિશે.

મનહર મોદી ગધેડા જેવા પ્રતીકથી અક્ષરોનું વહન કરવાની વાત ટૂંકમાં અને સચોટ કરે છે:

કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.

મરીઝ એની સરળ ભાષામાં કવિની મર્યાદા સ્વીકારે છે:

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.

મનોજ ખંડેરિયા શબ્દોની દાદાગીરી સામે નમતું જોખે છે:

“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો

આ સતત લખવાનો આશય એ જ કે
સ્વપ્નની જેવું જ કંઈ લગભગ દઉં

શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો,
એક ઝંઝાવાતને ખાળી લીધો.

કાવ્યલેખનની પ્રક્રિયામાંથી હું શી રીતે પસાર થાઉં છું કે શા માટે હું કવિતા લખું છું એની કેફિયત મારે આપવાની હોય તો શું આપું? :

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’

હણહણી ગઝલો મહીં એથી સદા,
શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

-વિવેક ટેલર

Courtsey: Suresh B Jani
http://kaavyasoor.wordpress.com/grammar/

13 Responses to ગઝલશાસ્ત્ર (કાવ્ય વ્યાકરણ)

 1. Subodh Shah says:

  1. Great article. Congrats.
  2.The word gazal in Arabic means which of the following two? A cry of a deer pierced by an arrow? Or Address to a beloved? Can any good knower of Arabic clarify? Not opinions but only the facts from the dictionary, please.
  3. Most gazals today fall under the definition given by Manhar Mody (and quoted by you) using the donkey symbol carrying a big burden of words. Thanks.—-Subodh Shah—10/14/06

 2. Dr. Chandravadan Mistry says:

  I had aglimpse of the article of the different views on the meaning of GAZAL.I enjoyed . CONGRATS. Did any
  body answer SUBODHs questions? CHANDRAVADAN.

 3. Dr. Chandravadan Mistry says:

  Thanks VIJAYBHAI for your encouragment. Please respond to my suggestions in my letter which Imailed to U.CHANDRAVADAN.I M enjoying your all web sites. My suggestions can bring VIJAY&FAMILY to web and it will be like meeting everyone and knowing everyone as ONE FAMILY. CHANDRAVADAN.

 4. Congratulations! The article on Ghazal is very good. The writer has given good detail. However Ghazal means talking to women or praise women’s beauty and splendor. The writer has erred when he says Ghazal means cry of an arrow-wonded deer. તીરથી ઘવાયેલા હરણની ચીસ. Yes Ghazaal in Arabic means a deer, a gazelle but Ghazal has short vowel A while Ghzaaal has long vowel AA

  Asghar

 5. ગઝલનો શાબ્દિક અર્થ થાય છે, ‘પ્રિયતમાને સંબોધન’.

  ‘તીરથી ઘવાયેલા હરણની ચીસ’વાળો શબ્દાર્થ તાત્વિક દૃષ્ટિએ ખોટો લાગે છે. ઉપરોક્ત ગઝલશાસ્ત્રવાળી વાત ચિનુ મોદીના ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ પુસ્તકમાંથી લીધી હોય એવું લાગે છે. ચિનુ મોદીએ ફિરાક ગોરખપુરીને ટાંકીને હરણવાળો અર્થ દોહરાવ્યો છે પણ ઉર્દૂમાં હરણના બચ્ચા માટે બીજો જ શબ્દ છે અને તે છે- गिजाला.. ગિઝાલા પરથી અપભ્રંશ થઈ ગઝલ શબ્દ બન્યો હોવાની વાત તાર્કિક રીતે ખોટી છે. એક શેર ગિઝાલા શબ્દ સાથેનો-

  हम से भागा न करो दूर गिजालों की तरह,
  हमने चाहा है तुम्हें चाहनेवालों की तरह ।

  કોઈ વધુ પ્રકાશ પાડી શક્શે તો ગમશે…

 6. Great ! It is very useful article for who keenly interested in gazal.
  I like it.

 7. Pingback: ગંગોત્રી-SARYU PARIKH » Blog Archive » ઉપેક્ષા

 8. Rakesh Joshi says:

  good artical.it is ver much use fll for New person.

 9. Abdur Razzaq says:

  gazal per Prof Suman Ajmeri nu pustak sauthee sreshtha chhey

 10. Rajiv Trivedi says:

  oh very nice first time i understand the grammer of the gazal, thnks for that.

 11. usha says:

  વિવેકભાઈ, ગુજરાતી ગઝલ અંગે વિસ્તૃત માહિતીસભર લેખ આપ્યો અને ઘણું જાણવાનુંય મળ્યું. મનેય પદ્ય રચનાઓની સાથે સાથે ગુજરાતી ગઝ્લો પણ ગમે છે. કવિતાની રચના કરતા પહેલાં વિચારસાગરમંથન કરવું પડે છે અને કેટલાંક કવિઓ જન્મજાત પણ હોય છે. એક કારીગરના બાળકમાં કારીગરીના જન્મજાત સંસ્કાર હોવાથી તેની કળામાં નાનપણથી જ હથોટી બેસી જતી હોય છે. તેમ જન્મજાત કવિઓ હોય તો તે બાળપણમાં જોડકણાં ગાતા હશે કે રચતા હશે. જ્યારે કેટલાક કવિઓ જીવનના સારામાઠા અનુભવો ના પરિપાકરૂપે કવિતા ઓ લખવાનો શોખ કેળવીને બનતા હોય છે. ગુજરાતી ગઝલો ભાવાત્મક સ્તરે જોઈએ તો દર્દભરી દાસ્તાન બયાન કરે છે, હિન્દી-ઉર્દૂ ગઝલોની માફક, એનું સર્જન પણ દર્દને વ્યકત કરે છે. ત્યારબાદ ગઝલ પછી હઝલ આવી પણ હાસ્ય ઉત્પન કરાવવા, પણ ગઝલ નું સ્થાન એ ન લઈ શકે. ક્યાં દર્દ? અને ક્યાં હાસ્ય? કેવી રીતે મેળ પડે? સાચું હાર્દ તો ગઝલનું દર્દમાં જ છુપાયેલું છે. દર્દ એ પણ જીવનનો એક રંગ જ છે અને એ દર્દને બહાર લાવવાનો એક સુંદર ઉપાય એ ગઝલ છે. મને એક અજાણી હિન્દી ગઝલ લખવાનું મન છે. જણાવું? આકરકે મેરી કબ્રપે કિસને દિયા જલા દિયા;
  બિજલી ચમકકે ગીર પડી સારા કફન જલા દિયા.

  હોગા તુમ્હારા ફૈંસલા અબ તો ખુદાકે સામને,

  હમને તુમ્હારે પ્યારપે મરકર તુમ્હે દિખા દિયા.

  અબ ના કહીયેગા કિસીસે વાદાયે ઈશ્ક હૈ ગલત,

  ખુદકો પ્યારકે નામ પે કુર્બાં કરકે દિખા દિયા.

  એક નાની મારી કૃતિ છે. જીવનદીપ જલતા હૈ મેરા ગમોં કે દમસે ;
  ડર હૈ કહીં યે બુઝ ન જાય ખુશી કી આંધીસે.

  જો ફૂલોંસે ડરકર ચલતે હૈં,

  વો કાંટોસે ઘાયલ હોતે હૈં.

 12. usha says:

  Comment:
  ઉપરોક્ત લખાણ મેં ફરીથી ધ્યાનપૂર્વક વાંચ્યું કારણ મને વધુને વધુ એમાં રસ જાગ્યો. આ આર્ટિકલના લેખક બહોળું જ્ઞાન ધરાવતા હશે , આથી એક જીજ્ઞાસુ તરીકે મને પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જો તે માત્ર “પ્રિયતમાને સંબોધીને” લખાતી હોય, નો ડાઉટ બીજા અન્ય કારણોસ પણ લખાઈ હોય છે, પરંતુ ખાસ હું એ અંગે જાણવા માગું છું. માટે પૂછી રહી છું કે તો પછી જો કોઈ નામી-અનામી કવિ ગઝલો સૂફી કવિઓની માફક અથવા પોતાના ”
  પ્રિયતમને સંબોધીને” લખવા માગતા હોયકે લખતા હોય ,અથવા સ્ત્રી ગઝલની રચના કરવા માગતી હોય પોતાના ‘સ્વજન’ ને સંબોધીને તો કઈરીતે ગઝલમાં સમાવિષ્ટ કરી શકાય? અથવા સૂફી ગઝલકાર ગણી શકાય? તો પછી તો માત્ર ગઝલનો અર્થ “પ્રિયતમાને સંબોધીને” એ અર્થ તો આપોઆપ ખોટો જ ઠરેને? આ વિવેચનનો હેતુ માત્ર વિશેષ જાણવા અને જો ખામી હોય તો ખુલ્લાદિલે ઊભયપક્ષે સમજશો. કૃપયા મારી જીજ્ઞાશાને યોગ્ય પ્રત્યુત્તર આપવા
  મારે નમ્રવિનંતી જેથી વિદ્યાર્થીઓની જીજ્ઞાસાને સંતોષી શકું. ધન્યવાદ. ઉષા.

 13. Raj Macwan says:

  ખુબજ ઉમદા લેખ.. આપનો ખુબ ખુબ આભાર….

Thanks for Inspiring me by your gracefull visit