માતૃભાષાનુ દેવુ

ગત વર્ષે ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ડ્પ્રેસ બ્લોગ ઉપર રજુ થયેલ મારી માતૃભાષાનુ દેવુ  ની ચર્ચા અત્રે પેજ સ્વરુપે ફરી મુકું છું. આ વિષય ગહન છે તેની ઉપર વધુ ચર્ચા થાય તે આવશ્યક છે અને એવું પણ મારુ માનવું છે કે આ વિષયને જેટલો લોકભોગ્ય બનાવાય તેટલુ માતૃભાષાનાં સંવર્ધન માટે સારું છે


રાષ્ટ્રપિતા ગાંધીજીએ જોડણી કોશની પહેલી આવૃતિ બહાર પડી ત્યારે ઇ.સ. 1929માં લખ્યુ હતુ કે નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ,તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું. આગળ જતા તેઓ લખે છે જે ગુજરાતીને ભાષાનો પ્રેમ છે, જે શુધ્ધ ભાષા લખવા ઇચ્છે છે, અથવા જે રાષ્ટ્રીય હિલચાલમાં ગૃંથાયેલ અસંખ્ય ગુજરાતીઓ લખવા માગે તે જોડણીનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય તે બધાએ જોડણીકોશ મેળવી લેવો ઘટે.

પોતે સારા લેખક હોવા છતા તેમનુ એક વાક્ય જે વિનયપુર્વક અને નમ્રતાથી લખ્યુ હતુ કે જોડણી ખરી કે ખોટી તે વિવાદમાં જવાને બદલે ઠીક ઠીક ગુજરાતી જાણનારા વ્યાકરણ શુધ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમે થી જે જોડણી ઉતરી તે ખરી કહીને તે સમયનાં ગુજરાતી જોડણીનાં વિચાર વંટોળને શમાવવાનો અલ્પકાલીન પ્રયત્ન કર્યો.

તેમના પત્રની મને ગમતી વાત જે તે સમયે પણ સાચી હતી અને આજે પણ છે તે અત્રે મુકતા આનંદ અનુભવુ છું

અંગ્રેજી ભાષાનાં શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ લાગે છે તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતા આપણને વધારે શરમ લાગવી જોઇએ. હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. મારા જેવા અધૂરું ગુજરાતી જાણનારને આ કોશની મદદ લઇને જ કાગળપત્રો લખવાની હું ભલામણ કરું છું.

ખૈર..આતો 1929ની વાત હતી ત્યાર પછી કંઇ કેટલાય વિચાર ભેદો અને વિવાદો આવ્યા અને ગયા.

કવિ લોંગ્ફેલો કહે છે તેમ ગમે તેટલી ઉત્કંઠાથી કામ કરો છતા કંઇક બાકી રહે છે તેમ જોડણીતો હજી અધુરો વિષય છે ત્યાં ભાષામાં ઘર કરી ગયેલી અંગ્રેજીની મમત હવે તો હદ કરી રહી છે. હું સમજુ છુ કે વિદેશી કાર્યપધ્ધતિ સમજવી અને અપનાવવી તે બે અલગ બાબતો છે. ટી.વી. કોમ્પ્યુટર અને ફિલ્મોનાં માધ્યમોની ઘણી મોટી અસરો અખબાર જગત દ્વારા ભણતર ઉપર આવે તે ચિંતાનો અને ખેદનો વિષય છે. આપણા પાડોશી રાષ્ટ્રોને જોઇએ તો ચીન રશિયા અને જાપાનમાં ઔદ્યોગીક ક્રાંતિ નથી આવી? તેમની માતૃભાષાઓ માં આપણા જેટલો બગાડ નથી.

આયુર્વેદમાં અને વૈદક નિદાન પધ્ધતિમાં કહે છે તેમ રોગને ઓળખો અને તેના મુળમાં જઇ તેનો ઇલાજ કરો વાળી વાતને ધ્યાનમાં લ્ઇ થોડાક સુચનો કરુ ?

* માતૃભાષામાં બાળક સામે બોલવાનો આગ્રહ રાખો..ભલે તેને બે ભાષાઓનો બોજ બાળપણમાં પડે.

*અંગ્રેજી સાથે સાથે ગુજરાતી વાંચન અને લેખન માટે પ્રોત્સાહન આપો

*બે ગુજરાતી ભેગા થાય ત્યારે ગુજરાતીમાં બોલવાનો આગ્રહ રાખો ( વિશ્વમાં આપણી કોમ એકલીજ એવી છે જે પોતાની દ્રષ્ટિમાં પૈસાને પામવા પારકું તેટલું સારુંની ભ્રમણા સેવે છે.)

*માતૃભાષા સંસ્કાર છે. સાચી માતૃભાષા બોલવી અને લખવી તે ગૌરવ નો વિષય છે.

*વિશ્વને તમે સુધારવા ઇચ્છતા હશો તો શરુઆત પોતાની જાત થી કરવી પડશે કહે છે ને બહારની ગંદકી ઘરમાં ન લાવવી હોય તો પગે જોડા પહેરો કે પોતાનું આંગણું ચોખ્ખુ રાખો

ગાંધીજી એમ સ્પષ્ટપણે માનતા હતા કે ગુજરાતી શબ્દોની જોડણી અંગે જે અરાજકતા પ્રવર્તે છે તેવી અરાજકતા મરાઠી, બંગાળી, તામીલ કે ઉર્દૂમાં નથી. યુરોપની પણ કોઇ ભાષામાં નથી. જે ભાષાની જોડણી બંધાઈ ન હોય તે ભાષાના બોલનારા જંગલી ( પછાત) ન કહેવાય તો શું કહેવાય? મનુષ્ય જેમ આગળ વધે તેમ તેની ભાષા વધે જ છે. નબળી ભાષા બોલનાર પછાત કે અભણ કહેવાય તે તો સાવ સીધુ પરિમાણ છે.

ગુજરાતી લેખકોને પોતાની ભાષાની શુધ્ધિ વિશે એટલો ગર્વ રહેવો જોઈએ જેટલો અંગ્રેજોને પોતાની ભાષા વિષે હોય છે અને તેથી જે સાચો શબ્દ ન લખી શકે તેને તે માન ની નજરે નથી જોતો. અંગ્રેજોને જવા દઈએ અત્યારે અંગ્રેજી શાળાઓમાં અંગ્રેજી શબ્દોની જોડણી ઉપર જેટલો ભાર દેવાય છે તેટલો ગુજરાતી ભાષા માટે લેવાય છે ખરો?

ભૂતકાળ ને ફક્ત ભુલો સમજવા જ જોવો જોઇએ એવુ ક્યાંક વાંચ્યું હતુ તેથી વધુ પાછલી વાતો કરવાને બદલે આજે અને આવતી કાલે શું કરી શકીયે કે જેથી માતૃભાષાનુ દેવુ ઘટે.

(1). અમેરિકામાં ભારતીય બાળકો સ્પેલ બી ની સ્પર્ધાઓમાં ઘણા જ આગળ હોય છે. તેને માટે મા બાપ બાળકોને ઓક્ષ્ફર્ડ જોડણી કોશ કંઠસ્થ કરાવતા હોય છે. આમ કરવાનુ મુખ્ય કારણ બાળક્નુ શબ્દ ભંડોળ સારુ તો ભાષા સારી. આપણી શાળાઓ કે આપણા ગુજરાતી સમાજો આવુ આયોજન કરી શબ્દ ભંડોળ સમૃધ્ધ કરી શકે.( સ્વમીનારાયણ સંસ્થા સ્ટેફોર્ડ ટેક્ષાસ મા હાલમાં આવો પ્રયોગ થયો હતો તે સ્તુત્ય કદમ છે અને તેવુ દરેક ગુજરાતી શીખવતી શાળાઓ અને ગુજરતી સમાજો કરે તેવી અપેક્ષ ઉચિત ગણાય)

(2) નિબંધ સ્પર્ધા, વાચન સ્પર્ધા, કાવ્ય રસ દર્શન જેવી પ્રવૃત્તિની સાથે સાથે નાની ભેટ દાતા આપે કે જેથી ઇનામ વિજેતાને ઇનામ જાહેર કરવા જોઇએ કે જેથી પુસ્તકાલયોનાં પુસ્તકો અભરાઈ કે કબાટમાં બંધ ન રહે અને વાચક્ને વાંચન મળી રહે

(3) ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે લોક મેળાનું આયોજન કરેલું ત્યારે અમેરિકામાં સર્જન કરતા દરેક લેખકોને તેમનાં પુસ્તકો મોકલવા વિનંતી થયેલી અને 30 જેટલા કવિ અને લેખકોનાંઅંદાજે 150 જેટલાં પુસ્તકો પ્રદર્શનમાં મુકાયાં હતાં.

(4) પ્રસંગોપાત્ સારાં પુસ્તકો ભેટમાં આપી શકાય. ફૂલો તો બીજે દિવસે મુરઝાઇ જશે જ્યારે પુસ્તક તે ઘરનાં બધા વાંચશે.

(5) નાની કુટુંબ પાર્ટીમાં ગુજરાતી ગીતો અને લોક સંગીતનો ફાળો, ભજન અને દુહાઓની રમઝટ બોલાવવી.

(6) શુધ્ધ અને સ્પષ્ટ ગુજરાતી ભાષાનાં બોલનાર નાના મોટા સૌને પુરસ્કાર આપી પ્રસન્ન કરવા. કારણ સારું ગુજરાતી બોલવું તે પણ સંસ્કાર છે.વાપીનાં શ્રી ગોપલભાઇ પારેખે તેમનો માતૃભાષા પરત્વેનો પ્રેમ બહુ સુંદર રીતે રજૂ કર્યો. તેમના ઘરની નજીક જેટલી શાળામાં તેમનાથી પહોંચી શકાય તેટલી શાળામાં જઈ સારી સારી વાંચવા લાયક પુસ્તકોની થપ્પી પુસ્તકાલયને દાન તો આપે, પણ તેટલેથી નહિ અટકતાં તે પુસ્તકો વંચાય તે હેતુ થી તે પુસ્તકોમાં વાચન સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા ગોઠવે અને તે બહાને સમજ પૂર્વક ગરવી ગુજરાતીનાં અમિનું પાન ભુલકાંઓ અને તેમના વડીલોને કરવા પ્રેરે છે.

(7) સાવરકુંડલાનાં ડો. પ્રફુલ્લ શાહ જેઓ વ્યવસાયે તબિબ હોવા છતા માતૃભાષાનું દેવુ તે વિસ્તારની 340 કરતા વધુ પ્રાથમિક શાળાઓમાં અંદાજે 7000 જેટલા રૂપિયાનાં પુસ્તકોનું દાન કરી ભુલકાંઓને વાચન પ્રીતિ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(8) સમગ્ર વિશ્વમાં વેબ જગતને દિન પ્રતિદિન જે સફળતા મળી રહી છે તેનું કારણ દરેકે દરેક વેબ સંચાલકો તેમને જે ગમે છે તે સાહિત્ય તેમનાં વાચક મિત્રોમાં વહેંચવા માંગે છે. તેમાં જતો સમય અને પુરુષાર્થની પાછળ માતૃભાષાનાં પ્રચાર અને પ્રસારનો હેતુ છે જ.

(9) પ્રો. સુમન અજમેરી અને રસિક મેઘાણીએ 15000 કરતા વધુ શેર અને ગઝલોનો સંગ્રહ કક્કાવારી પ્રમાણે કર્યો. આવનારા સમયમાં તે પુસ્તક ગઝલોની અંતાક્ષરી જેવા પ્રોગ્રામોને માટે આશીર્વાદ સમાન થઈ જાયે તો નવાઈ નહિ.


<a href”>=”http://gujaratisahityasarita.files.wordpress.com/2007/06/sumanshah2.pdf”>માતૃભાષની સ્થિતિ સારી નથી- સુમન શાહ-2

<a href=”http://gujaratisahityasarita.files.wordpress.com/2007/06/sumanshah.pdf”> માતૃભાષાની સ્થિતિ સારી નથી-સુમન શાહ-1

જે લેખે મને આ શ્રેણી લખવા પ્રેર્યો તે લેખ મુ કિશોર દેસાઇનાં આશિર્વચન અને સંમતિ થી અત્રે મુકું છું. સાથે સાથે શ્રી જય ભટ્ટનાં વિચારો અમેરિકામાં જે ગુજરાતીનું અમેરિકન સ્વરુપ્ જોઇ દેખાયા છે તે અહીં મુકું છું.

એ ક્દાચ સાચું હોઈ શકે કે અહીં મોટાં થતાં બાળકો ને ગુજરાતી ભાષા માટે આપણને જેટલો લગાવ છે તેટલો એમને ક્દાચ ન હોય,અને તેઓ ધીમે ધીમે ગુજરાતી ક્દાચ ભુલી પણ જાય. આ વસ્તુ મેઁ પ્રત્યક્ષ જોઈ છે. પણ સાથે સાથે નવાં ગુજરાતીઓ પણ દર વર્ષે અહીં આવી રહ્યા છે. ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી શાળાઓ બંધ થવા માંડી છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ, માતા-પિતા પણ ફટાફટ બોલતાં અંગ્રેજી બાળકોને જોઈ ગર્વ અનુભવે. ઘણી વખત માતા-પિતા બાળકોને કહેતાં થાકે કારણકે બધાં જ અંગ્રેજીમાં બોલતાં બાળકો વચ્ચે પોતે કદાચ જૂનવાણી લાગે એ બીકે. ઝી ગુજરાતી પર ‘પાર્થિવ ગોહિલ’ સંચાલિત ‘સા રે ગ મ’ કાર્યક્રમ આવતો તે પણ હવે બંધ થઈ ગયો છે. હિંદી ‘સા રે ગ મ’ બધાં પૂરજોષથી નિહાળે છે. અહીં અમેરિકાના પૂર્વના રાજ્યોમાં તુષાર શુક્લ સંચાલિત ‘મહેફિલ’ પ્રોગ્રામ આવે છે ત્યારે જ હિંદીમાં ‘સા રે ગ મ’ આવે છે. આપણાં ગુજરાતીઓમાંથી કેટલાં સા રે ગ મ છોડીને ‘મહેફિલ’નો રસ પીશે? ‘અંગેજી’, ‘હિંદી’ કે ‘ગુજરાતી’ ભાષા વચ્ચેનો આ વિવાદ નથી. માત્ર મારૂં કહેવું એટલું જ છે કે ગુજરાતી ભાષાનું સહ-અસ્તિત્વ હોવું બહુ જ જરૂરી છે. ગુજરાતી સાહિત્ય રૂપાંતર સ્વરૂપે બીજી ભાષાઓમાં પણ આવે એ અત્યંત જરૂરી છે.
દરેક ભાષા એ દેશની સંસ્કૃતિને જીવાડે છે.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકો એ સહિયારાં બ્લોગ બનાવવાનું વિધાર્થિઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચર્ચાત્મક બ્લોગ્સ ગુજરાતી ઉપરાંત સર્જનાત્મક વિચારોને બહાર લાવશે. અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં એક ગુજરાતી વિષય રાખવો. અહીં અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ્ અહીં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે. બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યાર થી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.
ગુજરાતી સારસ્વત પરિચય પર ‘વેબ પર જાણો અને માણો’ http://sureshbjani.wordpress.com/web_info/ નો વિભાગ પૂ. સુરેશદાદા અને પૂ. જુગલકાકામાંથી પ્રેરણા લઈ શરૂ કર્યો. આ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી માહીતિ કે ગુજરાતી ભાષાને લગતી માહીતિ આપવનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષાને જીવતદાન આપવા માટે સંયુક્ત પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. ભાષાનું ભાવિ ઘણું જ ધૂંધળું લાગે છે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ.

જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

જય ભટ્ટ સારા લેખક અને સંશોધન કર્તા છે જેઓ ગુજરાતીને જીવંત રાખવાનાં આ પ્રયાસોનો એક ભાગ છે તે જ્યારે તેમની વેબ સાઇટ www.bansinaad.wordpress.com જોશો ત્યારે સમજાશે… જયભાઇની જેમ દરેક ગુજરાતી ભાષાનાં ચાહક અને ચિંતક્ને આ મંચ ઉપર આમંત્રણ છે.

શુભ ચિંતક મિત્ર અને માતૃભાષાનાં રખેવાળ જેવા વાચક મિત્ર શ્રી મહેન્દ્ર પંચાલે ચીંધેલ દરેક ક્ષતિઓ ને સુધારી માતૃભાષાનું દેવુ (2) ફરી મુક્યો છે. તેમનો આભાર કે તેમણે તે ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યુ. તેમનો એક વધુ પ્રશ્ન હતો અને તે એક હ્ર્સ્વ ઉ અને દીર્ઘ ઇ નાં ઉપયોગ વિષે મારા વિચારો શું છે તે વિષયે આ શ્રેણીમાં ઉલ્લેખ કરવો.

મને આ એક પ્રકારની મમત લાગે છે. હું આ વિષય ઉપર જે વિધ્વાનો નાં મત છે તેની સાથે ન હોવાની મારી વાતને બહુ મહત્વ નથી આપતો કારણ કે દરેક્ને પોતાનો મત હોઇ શકે અને તે સાચો છે તેવો ભ્રમ તેઓને સેવવો હોય તો તેઓ તે ભલે સેવે. તે મમત સગવડીયા છે તેવુ તો હું જરુર માનીશ. બાળકોને સગવડ મળે તે હેતુ થી જોડણીમાં ધરખમ ફેર પાડવા તે મિત્રો “પિતા” અને “પીતા” કે “દિન” અને “દીન” કે “પતિ” અને “પતી” વચ્ચે જે ભાષાકીય ભીન્નતા છે તેને ભુલી જઇ ભુલકાની યાદ શક્તિ ઉપર જોર ન પડે… અને તેમ કરતા વડીલો તરીકે અમારે પણ ફરી ગુજરાતી ન શીખવુ પડે તેવી સગવડીયા વૃત્તિથી તેનો પ્રચાર કરે છે અને હવે એવો પણ પ્રયત્ન છે કે અનુસ્વારની પણ શું જરુર છે…

ગુજરાતી તરીકે જ્યારે જ્યારે મેં ઉંઝા જોડણી વાંચી છે મને તે આંખે ડંખી છે પણ તેના કરતા પણ વધુ દુ:ખ હવે તો જરુર ન હોય ત્યાં પણ વપરાતા વધુ અંગ્રેજી શબ્દોની સામે થાય છે. શ્રી ઉત્તમ ગજ્જર, જુગલકિશોરભાઇ,કે સુરેશ જાની જ્યારે મૈત્રી ભાવ થી પણ તેમનું લખાણ વાંચવાનો આગ્રહ કરે છે ત્યારે મનથી માતૃભાષાનાં આ ભટકાઇ ગયેલા ચાહકો માટે કરુણા ભાવ થતો હોય છે.  અને એવુ દુ:ખ થતુ હોય છે કે ભીષ્મ પિતામહને જોઇને પાંડવો ને થતુ ના હોય..

હું એવુ માનુ છું કે ભાષાનાં સિધ્ધાંતો મજબુત રીતે બાંધી રાખવાનું કાર્ય જે લોકોની માતૃભાષા છે તેમનું છે. સારો સંતાન માતાનાં પૂતળાનું પણ અપમાન થવા દેતો હોતો નથી ત્યારે આપણે આપણી ભાષાનાં હયાત સૌંદર્યને સુધારાવાદી વલણોનાં નામે કે વણ જોઇતુ વજન છે તે કાઢી નાખોનાં નામે જે સુધારાનો ઝંડો લીધો છે તે સર્વથા ભાષા માટે અયોગ્ય છે. આ મારું અંગત મંતવ્ય છે. હું આશા રાખીશ કે આ મારી ચર્ચાનો મુદ્દો નથી ફક્ત મહેન્દ્રભાઇ પંચાલનાં પ્રશ્ન નો જવાબ છે.

મારા મતે અંગ્રેજીભાષા જે ગૌરવ અને માનથી બોલાય છે તે ગૌરવ માતૃભાષાને પણ મળવુ જોઇએ અહિ એક વાત સ્પષ્ટ છે અને તે મારો વિરોધ અંગ્રેજી સામે નથી પણ માતૃભાષાનાં ભોગે જે મહ્ત્વ અપાય છે તેની સામે છે. શ્રી સુમન શાહનાં લેખમાં જેમ સમજાવ્યુ તેમ સબંધોનું સમીકરણ આપણી ભાષામાં જેટલુ સ્પષ્ટ છે તેવુ અંગ્રેજીમાં નથી. આવુ ઘણુ બધુ આપણે શોધી ભાષાનું બહુમાન કરી શકીયે છે.

હું સ્પષ્ટ રીતે માનું છું કે  આપણી જોડણીઓમાં ઘણા બધા અપવાદો છે તો શું અંગ્રેજીમાં નથી? ક્ટ બ્ટ અને પુટના સ્વરોચ્ચાર અને લખાણ ભેદ છે જ પણ તેનો આપણને કોઇ વાંધો નથી અને આપણા ગ્રામ્ય વિસ્તારનાં ઉચ્ચારણોમાં દીર્ઘ અને હ્રસ્વનો ભેદ નથી પકડાતો તો સગવડનાં નામે નવો કોશ તૈયાર કરવા પાછળ આટલો સમય બરબાદ કરવાને બદલે હાલ શરુ થયેલ માતૃભાષા સુધારાના અભિયાનને વધુ વેગવંત ન બનાવી શકાય?

જુગલકિશોરભાઇ સાથે જ્યારે રુબરુ વાત કરતો હતો ત્યારે બહુ સાચા મનથી તેઓ બોલ્યા હવે પછી હું મારા લખાણોમાં અંગ્રેજી જરુરી નહિ બનાવુ. મારા વડીલ અને ગુજરાતીનાં પ્રાધ્યાપક પાસેથી આ વાત જ્યારે મળે ત્યારે સલામ ખુદ બ ખુદ થઇ જ જાય? હું જાન્યુઆરી કે જે અંગ્રેજી શબ્દ છે તેનુ ગુજરાતી નથી ઇચ્છતો. હું ઇચ્છુ છું કે સામાન્ય વાક્ય રચના જે ઘરમાં બોલાય ત્યાં અંગ્રેજીને છોડો..

ટી તૈયાર છે તુ શાવરમાંથી સીધો બહાર આવ..
જેવી વાક્ય રચનાથી શરુ કરો..
 ચા તૈયાર છે નહાઇને સીધો બહાર આવ

મને નવાઇ એ વાતની લાગે છે કે અંગ્રેજો તો જતા રહ્યા પણ તેમના સમયની માનસીક ગુલામી હજી નથી ગઇ. તે કાઢવા પહેલા આપણે મીડીયાને સગવડનાં નામે પીરસતા અંગ્રેજીનો બહિષ્કાર કરવો પડશે અને તેમ કરીશું તો નવી પેઢીમાં મારો દિકરો કેવુ ફાંકડુ અંગ્રેજી બોલે છે તેમ ગર્વ લેતા લેતા સાથે સાથે શુધ્ધ ગુજરાતી પણ બોલાવવુ જોઇશે…

મરીઝ ની આ ગઝલ સાથે આ શ્રેણી પુરી કરું છું

જો પહોંચવુ હો તો મંઝીલનો પ્રેમ પણ રાખો
ફક્ત ગતિનાં સહારે સફર બનતી નથી

ગુજરાતી ભાષાને નબળી માનીને ચાલનારા સૌને તેમના અજ્ઞાન ઉપર શરમ આવવી જોઇએ. તેવુ મંતવ્ય ધરાવતા નર્મદે જ્યારે નર્મદકોશ  તૈયાર કર્યો ત્યારે સંસ્કૃત માતાની કોઇ પણ ભાષા નબળી ન હોય તે સિધ્ધ કરવા તે વર્ષો સુધી ઝઝુમ્યા. અંગ્રેજીકાળમાં તેમને જરુરી ક્લાર્ક જમાતને તૈયાર કરતા તેઓ એ જે ભાષા તેઓ સમજી શકે તે ભાષા કરતા બીજી દરેક ભાષા ઉતરતીનું જે વિષ પીવડાવ્યુ હતુ તેની માઠી અસરો હજી ઉતરી નથી. જે બ્રીટીશ કંપની દેશને 200 વરસ ચુસીને ગઇ છતા તેમના હજી કેટલાક અનુયાયીઓ માનવા નથી માંગતા કે તેમનામાં અને આપણી ભાષામાં ઘણો ફેર છે.

ચાલો મુળભુત વાતો પહેલા કરીયે

અંગ્રેજી માં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા? અને ગુજરાતીમાં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા?
અંગ્રેજીમાં સ્વર પાંચ અને વ્યંજનો એકવીસ
ગુજરાતીમાં સ્વર બાર વત્તા બે ( ભુલાયેલા) અને વ્યંજન છત્રીસ
. વળી પ્લુત ગુજરાતી વ્યાકરણમાં છે જે અંગ્રેજીમાં જોવા નથી મળતુ.

ગુજરાતી ભાષામાં ભુલાયેલ ઘણી બીજી બધી બાબતો જેવી કે ‘હ’શ્રુતિ ‘ય’શ્રુતિ, ચંદ્રબીંદી, અનુસ્વાર અને શાંત વ્યંજનો જેવુ ઘણુ બધુ કામ છે જેનાથી ગુજરાતીને વાકેફ કરીને ભાષાનુ ગૌરવ વધારવુ જોઇએ.

અત્રે મને એક તર્ક વધુ સાંભળવા મળે છે અને તે ગુજરાતી શીખવતા  શિક્ષકો જ આ બધુ ભુલી ગયા છે ત્યાં દોષ કોને દેવો?

મારી માન્યતા એ છે કે તે વાત જો હોય તો તે રોગ છે જેને દુર કરવા ગુજરાતી પ્રાધ્યાપકો અને પંડીતો તે અભિયાન ઉપાડી શકે છે જેમ અંગ્રેજી ભાષા શિખવવા જે ચોક્કસાઇથી શિક્ષક શિખવે છે તે ચોક્કસાઇ અને સખતાઇ ગુજરાતમાં અને ગુજરાત બહાર લાવી શકાય તો લાવવી જોઇએ. આ એક મારું મંતવ્ય ગુજરાતી તરીકેનું છે.

( હું ભાષા વિદ નથી તે મારી મર્યાદાને ધ્યાનમાં રાખી હાલમાં ચાલેલા  જોડણીનાં વિવાદનાં કારણે હું ગુજરાતીમાં ઉંડો ઉતર્યો અને એવા નિશ્કર્ષ પર આવ્યો કે ભાષા નબળી બનાવવાનાં નામે પ્રજા પાસેથી અંગ્રેજો ઘણું લઇ ગયા અને તેમનું ઘણુ બધુ બીનજરૂરી આપણી પાસે છોડી ગયા. હવે તકનીક અને કોમ્પ્યુટરની સગવડતાનાં નામે સ્વરો દુર કરો વ્યંજનો ઘટાડો અને અનુસ્વાર કે ત્રણ સ શ ષ ની શું જરુર છે વાળા આત્મ ઘાતી વલણો થી માતૃભાષાનાં કલેવરને ઉઘાડુ કરવુ જોઇએ કે જે છે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવુ જોઇએ તે પ્રશ્નને ધ્યાનમાં લઇને હું મારી જાતને જવાબ આપુ છું. હું તે વિષયમાં વધુ સંશોધન  કરીશ. આ મારા જેવા નાના ગુજરાતી પ્રેમીનો માતૃભાષાનુ દેવુ ચુકવવાનો સંનિષ્ઠ પ્રયત્ન છે. )

મારા સંશોધનોની શરુઆત મેં વિદ્વાન કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક્નાં ‘બૃહત પિંગળ’ થી કરી.

તેમના જ શબ્દોમાં

અક્ષર એ બોલાતી વાણી નો એકમ છે. બોલાતી વાણી નાં દરેક સ્વરો અક્ષરો છે અને તે સ્વતંત્ર છે. એટલે કે દરેક સ્વરો અક્ષર સ્વરુપે એકલા હોઇ શકે છે. જ્યારે વ્યંજનને સ્વરનો આધાર મળે તો તે પુરો અક્ષર બને છે જેને ઉચ્ચાર પિંડ કહી શકાય. ઉચ્ચારમાં સ્વર પહેલા અને વ્યંજન પછી બોલાય છે જેમકે ‘અ’ ‘ક+ ષ’ બે વ્યંજનો ભેગા થઇને ક્ષ બને છે. અને પછી ‘ર’ ત્રીજો સ્વર એમ અક્ષર શબ્દ બને છે.’

સ્વર થી ઉચ્ચારણ થતુ હોય તેનુ લઘુ ઉચ્ચારણ અને ગુરુ ઉચ્ચારણ તે માપ છે. તેથી સાચી ઉચ્ચારણની અભિવ્યક્તિ માટેની બંને સંજ્ઞા હ્રસ્વ અને દીર્ઘ લીપીમાં આવે છે. વ્યાકરણમાં આજ કારણે બધા દીર્ઘ સ્વરો ગુરુ છે અને બધા હ્રસ્વ સ્વરો લઘુ છે.( કેટલાક અપવાદો આ નિયમમાં છે )

કાળક્રમે ઉચ્ચારણમાં આવતા તળપદા શબ્દો અને તેને યોગ્ય સાચા ગુજરાતી શબ્દોને પ્રયોજવાને બદલે ઝડપથી અંગ્રેજી માધ્યમના શબ્દો જ્યારે આપણા થી પ્રયોજાય ત્યારે જ્યારે જે મા બાપને શરમ આવશે ત્યારે તેના બાળકો શુધ્ધ અને સાચુ ગુજરાતી બોલી શકશે તેવુ હું માનુ છુ.

માતૃભાષા જો નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર તે વાપરતો ગુજરાતી જન છે અને તે સૌ ગુજરાતીને વિનંતી કે લાઇબ્રેરીમાં જાવ અને સારા પુસ્તકો જેવા કે સરસ્વતિચંદ્ર. ગુજરાતનો નાથ કે કલાપીનો કેકારવ કે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલી વાંચો અને મોટા થતા બાળકોને ગુર્જર સંસ્કારની સુંદર વાતો સમજાવો. લોકભાષા નબળી પડે છે કારણ કે ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.

હું એ પણ સમજુ છું કે આભનાં પાણી ને ન રોકી શકાય પણ છત્રી આપણે ધરીને વરસાદથી બચી જઇ શકાય. અને પહેલો સુધારો મારી જાત ઉપર જે જોતા મને મારી ભાષામાં ઉચ્ચાર શુધ્ધી અને લખાણમાં શક્ય તેટલી ભાષા શુધ્ધી લાવવા મથીશ અને આપ મારા સૌ વાચકોને પણ તેમ કરવા વિનંતી.

અત્રે હાસ્ય લેખક શ્રી નિર્મિશ ઠાકરનો લેખ મુકું છું જે વાંચીને જો આપને હસવુ આવશે તો માનીશ કે આ લેખકે મારેલા ચાબખા આપ સમજી નથી શક્યા. આ હાસ્ય લેખ ઓછો અને આપણી અંગ્રેજી ભાષા પાછળની માનસિક ગુલામી વધુ છે.

 

Brief introduction of Nirmish Thakar:
Brief introduction of Nirmish Thakar:

Nirmish Thakar

Nirmish is a Supr. Engineer in ONGC LTD. Cartoonist-Humorist-Poet-Novelist-Dramatist & Tabla-Player of Ajrada Gharana.Total books published 30 , which include 3 cartoon/caricature collections, 1 Humour-Novel,1 full length Drama , 2 Poem-collections, 4 parody-collections,5 satirical poem-collection , 4 humour Article-collections …etc. I’m a Humour-columnist of Newspaper ‘Divyabhaskar’ [weekly 2 columns- 1.’ Haasya thi Roodan Sudhi ‘ & 2.’ VyangRang ‘ ]
Awards: Jyotindra Dave Hasya Paritoshik [ Guj. sahitya Parishad ] , Best Book Award of Guj.sahitya Academi – 5 times,Saurashtra Bhumiputra-best journalist[cartoonist] award…etc.

ઇન અવર સ્કૂલ…યુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીક‘ સેલિબ્રેટ કરવાની છે, એટલે મેં પન આ નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, આ મેં લખિયું એ તો બેટર છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક જ સર્વાઇવ કરશે, આઇધર ‘ઊઝા-જોડની‘ ઓર ‘ગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ નાનો છે, ‘ગુજરાતી‘ને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરી…બી હેપી…એન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ!

આપણું કન્ટ્રી

વન્સ અપ ઓન અ ટાઇમ, એક ‘ભરત‘ નામનું કિંગ હતું. વેરી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ! વેરી પાવરફૂલ, એને તો સિકસ પેક એબ્સ પન હતું, સમ વન ટોલ્ડ મી લાઇક ધેટ! ઇન શોર્ટ, ‘ભરત‘ના નામ પરથી આપણા કન્ટ્રીનું નામ પડિયું ‘ઇન્ડિયા‘ ગોટ માય પોઇન્ટ?

ફોર અવર કન્ટ્રી…યુ સી, સૌથી મોટું હેડેક છે… લાઇન ઓફ કન્ટ્રોલ! ચારે બાજુ અનસેફ. ઓન પેપર, કાશ્મીર ઇઝ અવર્સ! હિમાલય પર ચાઇનાનું ડેન્જર છે જ. ને ત્રન બાજુ સમંદર છે, એટલે ટેરરિઝમને કન્ટ્રોલ કરવું ઇમ્પોસિબલ છે. એમ આઇ રાઇટ?

લિવિંગ રાજ ઠાકરે એપાર્ટ, સ્ટીલ વી આર ટુગેધર. મારા ઘરમાં પન ઇવન, મારા ફાધર મને સમટાઇમ્સ ફટકારે, એટલે યુ.પી.વાલાને બોમ્બેમાં થોડો માર પડે, તો ઇટ ઇઝ ટોલરેબલ, ઇફ લિમિટ ઇઝ નોટ ક્રોસ્ડ! ઓવરઓલ જૉવો તો…વી આર ટુગેધર! નો પ્રોબ્લેમ! એમ તો અમારા સુરતમાં બિહારી રિક્ષાવાલાઓ એટલા ઇનક્રિઝ થયા કે સિટીબસ પન ફૂટપાથ પર રન કરતું હતું, પછી આર.ટી.ઓ.માં રિક્ષાઓનું રજિસ્ટ્રેશન પન કલોઝ થઇ ગીયું.

સો, વ્હેર ધેર ઇઝ અ વીલ, ધેર ઇઝ અ વે! એટ એની કોસ્ટ, આપણું કન્ટ્રી સુપરપાવર તો બનવાનું જ, એ તમે હાલ જ લખી લો! (લખીને મારી પેન પાછું આપજૉ! ડોન્ટ ટ્રાય ટુ બી ઓનર ઓફ માય પેન, માઇન્ડ વેલ!)

આપણું ગુજરાત પન આર્ટ ઓફ ધ કન્ટ્રી કહેવાય, એટલે એના માટે ફયુ વડ્ર્ઝ રાઇટ કરું તો, યુ વિલ નોટ ઓબ્જેકટ, ધેટ આઇ નો વેરી વેલ. વલ્ર્ડ મેપ પર, એઝ કમ્પેર્ડ ટુ પોરબંદર, ગોધરા ઇઝ મોર ફેમસ! ત્રણ દિવસ તો આખું ગુજરાત એવું વાઇબ્રેટ થયેલું કે એના વાઇબ્રેશન્સ પન આફટર-શોકની જેમ યુ સી, વી કેન ફીલ. ઇન ધેટવે ઓલ સો, આપણે… ‘વાઇબ્રન્ટ ગુજરાત‘ કહીએ તો, નથિંગ રોંગ.

બટ વન થિંગ ઇઝ ધેર, યુ સી. ગુજરાતનો સ્પિરિટ કવિ નર્મદે બિલ્ટ અપ કરેલો… કે વન્સ ધ સ્ટેપ ઇઝ ટેકન, વુડ નોટ બી ટેકન બેક…આઇ મિન ડગલો ભર્યો કે…ના હટવું…સમથિંગ લાઇક ધેટ! વી આર પ્રાઉડ ઓફ સચ પોએટ્સ એન્ડ રાઇટર્સ.

આપણા કન્ટ્રી માટે નિબંધ રાઇટ કરતું હોય… ને ઇફ વી ફર્ગેટ રાષ્ટ્રપિતા… આઈ એમ સોરી… રાષ્ટ્રપતિ…મહાત્મા ગાંધી, તો નો વન વિલ ફર્ગીવ અસ. એમનાં બા, ઇફ આઈ એમ નોટ રોંગ, કસ્તુરબાએ પન આ કન્ટ્રી માટે બહુ મોટો બલિદાન આપિયો હતો! અનફોરર્યુનેટલી, આજે પીપલ સ્કેર્ડ ટુ ગીવ બલિદાન. બટ આઇ ઓલવેઝ થિંક લાઇક સંજય ગાંધી, ઇફ યુ નો હીમ!

પીપલ જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન પીપલ જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન ‘બોચી પકડીને બલિદાન અપાવો!’ બાત ખલાસ!
મારો એક દેશભકિતનો સોંગ રાઇટ કરીને… આઇ ફિનિશ ધીસ ગુજરાતી નિબંધ:
ઓ માય કન્ટ્રી… યુ ડોન્ટ વરી,
બી હેપી!
ઇન્ડિયા તું છે મારું કન્ટ્રી,
બી હેપી, બી હેપી!
આઇ નો એવરીવ્હેર
શેઇમલેસ સાઉન્ડ-સાઉન્ડ
વલ્ર્ડ-પીસ જતું રહ્યું
સમવ્હેર અન્ડરગ્રાઉન્ડ!
કન્ફયુઝ માય માઇન્ડ.
રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ !
ઇન્ડિયા તું છે મારું કન્ટ્રી,
બી હેપી, બી હેપી!
સો… આણે બધાં ત્રન વાર સાથે શાઉટ કરવાનો છે… મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે! ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ!
——————————–

આ હાસ્ય લેખ વાંચ્યા પછી ગુજરાતી ભાષા માટેનો લેખક્નો પ્રેમ ગુજરાતી ગણાવતા સૌને અખાનં છપ્પાની જેમ ચાબખાં મારે છે. મને અંગત રીતે તો તે બચપણ ઉપર દયા આવે છે કે જેઓને તેમના વાલીઓ તેમને મળેલો દેખા દેખીનો કાદવ (અંગ્રેજોની ગુલામીનો) આપે છે અને જે ભાષા આપણો શણગાર બની શકે છે- જે ગર્વથી કહે છે “જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત ” કહીને ગર્વ લે છે તેમના ગુજરાતમાં જ ગુજરાતી રહેશે કે કેમ નો ભય વ્યક્ત કરે છે.

જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે માતૃભાષાને જાળવો અને માન વધારો.. કમસે કમ તે જ અંગ્રેજો પાસેથી એટલુ તો શીખો કે તેઓ તેમની ભાષામાં આટલા બધા તમારી ભાષાનાં શબ્દો વાપરે છે ખરા? દેશ આઝાદ થયે અર્ધા ઉપર દાયકો ગયો પણ તેમની ભાષાને હજીય જળોની જેમ વળગી રહેલ ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…આ હાસ્ય લેખ જબરો કટાક્ષ છે જે ના સમજવા માંગે તે ભલે ના સમજે પણ જાણકારો જે કૂંભકર્ણ નિંદરે સુતાછે તેમને જગાડવાનો  બુંગીયો ફુંકતા સુરતનાં નિર્મિશભાઈને રજુ કરતા હું આનંદ અનુભવું છું. ને સાથે શ્રી કીરીટ મોદીનો પણ આભાર કે તેમણે ઇ-મેલ દ્વારા આ લેખનો પરિચય કરાવ્યો – વિજય શાહ

11 Responses to માતૃભાષાનુ દેવુ

 1. ગાંડાભાઈ વલ્લભ says:

  હાર્દિક ધન્યવાદ. ગુજરાતીને સમૃદ્ધ અને શુદ્ધ બનાવવાની ખાસ જહેમત ઊઠાવવાની જરૂર છે. જોડણીની બેદરકારી કદાચ ગાંધીજીના સમયમાં હતી તે કક્ષાએ પહોંચી જશે એમ લાગે છે.

  -ગાંડાભાઈ

 2. વિજયભાઈ,
  આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી. ખુબ સુંદર બનાવ્યો છે. ખાસ કરીને વિવિધ લેખકો દ્વારા વાર્તા લખવાની વાત સૌપ્રથમ જાણી. અભિનંદનીય પ્રયોગ.
  માતૃભાષા વિશેની આપની વેદના વાંચી … ખુબ ચિંતન માંગી લે એવી વાત છે. કમનસીબી એ છે કે માતા અને માતૃભાષા – બંનેની વાત વાંચવા માટે લોકો પાસે સમય નથી. આપણે ગુજરાતીઓ ઘણુંખરું વાંચવામાં માનતા નથી, રૂપિયા ગણવામાં જ પાવરધા થવામાં માનીએ છીએ.
  રમેશ પારેખ યાદ આવે છે …
  ટપાલ થઈ તમે ઘેરઘેર પહોંચો પણ
  સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને..
  … પણ આશા અમર છે … અમર રહેવી જોઈએ …

 3. શ્રી વિજયભાઈ,

  આપનો માતૃભાષા પ્રેમ અને આગ્રહ ખૂબ જ અભિનંદનને પાત્ર છે.

  કોઈ વખત મારી ગુજરાતી વેબ સાઈટ http://www.mavjibhai.com ની આપ કે શ્રી વિશાલભાઈ મૂલાકાત લેશો તો મારી જાતને ધન્ય સમજીશ.

  -માવજીભાઈના પ્રણામ

 4. Pingback: વિજયનું ચિંતન જગત « ગુજરાતી બ્લોગ જગત ને એક તાંતણે બાંધતી કડી

 5. વિજય ધારીઆ says:

  વિજયભાઈ,

  નિર્મિશ ઠાકરનો લેખ બહુ ગમ્યો. માતૃભાષાનું દેવું ચુક્વવાની વાત જ્યારે પણ નીકળે છે ત્યારે આપણી ભાષાના સુપ્રસિધ્ધ લેખક ડૉ.ગુણવંત શાહનો એક લેખ ‘ગુજરાતી ભાષા બકરી બેં‘ વાંચ્યાનું અચૂક યાદ આવે છે. આશા છે અહીં વાચકોને પણ એ લેખ વાંચવો ગમશે.

  વિજય ધારીઆ,
  શિકાગો

  ગુજરાતી ભાષા બકરી બેં

  કેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિંદીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ જેવા કાઠીયાવાડી શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિંદીમાં ઉતારવા પ્રયત્ન કરી જોજો. સુરત બાજુ સ્ત્રીઓ છોકરાને ‘ભોંયનાખ્યા’ કહીને ગાળ દે છે. આ શબ્દપ્રયોગ અનુવાદથી પર છે. આપણી સ્ત્રીઓ વાતવાતમાં કોઈને ‘મૂઆ’ કહે છે. તેના જેવો અર્થ ‘ભોંયનાખ્યા’નો થાય છે. ‘મૂઆ’ ગાળમાં ઉગ્રતાની માત્રા વધે અને જો સામેવાળો વધુ પડતો દુષ્ટ હોય કે મરવાપાત્ર હોય તો સ્ત્રીઓ એને ‘ફાટી મૂઆ’ કહીને ભાંડે છે. જેની માતાએ સવાશેર સૂંઠ ખાધી હોય તે ‘ફાટી મૂઆ’ શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિંદીમાં ઢાળી બતાવે.

  આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાવ અને વળી ભારતમાં બધાં રાજ્યોમાં ઘૂમી વળો, પરંતુ પોતાની માતૃભાષા પ્રત્યેના ગૌરવનો અભાવ તમને ગુજરાત જેટલો ક્યાંય નહીં જડે. સુખી ગુજરાતીઓના કૂતરાઓ પણ અંગ્રેજી માધ્યમમાં જ પ્રત્યાયન કરી શકે છે. ગુજરાતી બોલતાં નથી ફાવતું એમ કહીને અંગ્રેજીમિશ્ર ગુજરાતી બોલનારું કોન્વેન્ટ ક્લચર સુખી ગુજરાતી પરિવારોમાં પાંગરી રહ્યું છે. આવા પરિવારોનાં નાનડીયાં મને સુખવૈભવથી છલકાતા અનાથાશ્રમનાં ફરજંદો જેવાં દીસે છે. આવા પરિવારોમાં બારીક નજરે દેખાતો સંબંધવિચ્છેદ (alienation) ઝટ ધ્યાનમાં નથી આવતો. બાપુજીમાંથી પપ્પા અને પપ્પામાંથી Dad બનેલાઓને ખ્યાલ પણ નથી આવતો કે પોતે શું ગુમાવી ચુક્યા છે.

  કોન્વેન્ટ કલ્ચરમાં ઝબોળાઈને ગુજરાતી બોલવામાં નાનમ અનુભવતા, ખોટું ભળસેળીયું ગુજરાતી બોલવામાં ગૌરવ અનુભવતા અને માટીના મહેકતા સાદનું સૌંદર્ય ગુમાવી ચૂકેલા દુર્વિદગ્ધ ગુજરાતી પરિવારોને અંગ્રેજ કવિ કિટ્સનું વિધાન અર્પણ કરું છું. કહે છેઃ
  ‘શિક્ષણનું અંગ્રેજી માધ્યમ
  એ ભારત પરની બ્રિટનની
  મોટામાં મોટી બૂરાઈ હતી.
  એણે ગૌરવવંતી પ્રજાને રંગલા–જાંગલા જેવી
  આત્મગૌરવવિહોણી બનાવી દીધી.’

  જો ગુજરાતીઓ આજથી નહીં જાગે તો ગુજરાતી પ્રકાશકોની દુકાનો આવતા દાયકાઓમાં ક્યાં તો પસ્તીભંડાર કે પછી વિડિઓકેસેટ લાઈબ્રેરીઓ બની જશે. ગુજરાતી ભાષા જાણે આમરણ ઉપવાસ પર ઉતરી છે અને ગુજરાતીઓ નસકોરાં બોલાવે છે. ગુજરાતી ભાષા ધીરે ધીરે મરી રહી હોય એવી લાગણી છેક બિનપાયાદાર નથી. કોઈ પણ પ્રજાની અસ્મિતા માતૃભાષાના ધાવણ પામ્યા વગર ન જળવાઈ શકે. ગુજરાતી ભાષા બકરી બેં જેવી સ્થિતિમાં હોય તો ગુજરાતીઓ કદી સિંહ જેવા ગૌરવશાળી ન હોઈ શકે. માણસ એની ભાષા થકી પ્રગટ થતો હોય છે. ઉચ્ચ શિક્ષણમાં પણ માધ્યમ તરીકે ગુજરાતી જ હોય એવો દઢ આગ્રહ રાખનાર સ્વ.મગનભાઈ પ્ર. દેસાઈનું સ્મરણ થાય છે. ગુજરાતના ભદ્ર વર્ગની એમણે ઘણી ગાળ ખાધી પણ તેઓ એકના બે ન થયા. તેઓ અંગ્રેજીના વિરોધી ન હતા. એમનું અંગ્રેજી અંગ્રેજીના ચુસ્ત હિમાયતીઓ કરતાં અનેકઘણું સારું હતું. અંગ્રેજીનો વિરોધ ન હતો; અંગ્રેજી દ્વારા ભણવાનો વિરોધ હતો.

  શેખાદમ આબુવાલાને જ્યારે ખબર પડી ગઈ કે પોતે માત્ર થોડાક દિવસોના જ મહેમાન છે ત્યારે એક દિવસ ઓચિંતા વલસાડ પહોંચી ગયા, ત્યાં સરકીટ હાઉસમાંથી એમણે આચાર્ય રમેશ દેસાઈને ફોન કરી બોલાવી લીધા. બન્ને મિત્રો ખૂબ ભેટ્યા અને ખૂબ રડ્યા. પછી તો કલાકો સુધી વાતો થતી રહી જેમાંની એક વાત આ હતી.

  શેખાદમ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન વચ્ચે મુલાકાત થયેલી એ વાત ઝાઝી જાણીતી નથી. આઈન્સ્ટાઈન જ્યાં રહેતા હતા તે જ નગરમાં પહોંચેલા શેખાદમે આઈન્સ્ટાઈનને ફોન જોડીને થોડોક સમય ફાળવવા વિનંતી કરી. આઈન્સ્ટાઈન પાસે સમય ન હતો પરંતુ શેખાદમે આગ્રહ કર્યો ત્યારે મહાન વિજ્ઞાનીએ રસ્તો કાઢ્યો અને ક્હ્યું; સારું તમે ઘરની પ્રાર્થનામાં જોડાઈ શકો છો.

  શેખાદમ આપેલા સમયે પહોંચી ગયા અને પરિવારની પ્રાર્થનામાં સામેલ થયા. પ્રાર્થનાને અંતે કોઈ એક પુસ્તકમાંથી થોડુંક વાંચવાનો રિવાજ હશે એટલે આઈન્સ્ટાઈને વાંચવાનું શરુ કર્યું. મહાત્મા ગાંધીની આત્મકથામાંથી તેઓએ બે–ત્રણ ફકરાં અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યા. આ વાત કર્યા પછી શેખાદમે રમેશ દેસાઈને કહ્યું; ઝાઝી વાતો ન થઈ શકી પરંતુ એક વાત હું ભૂલી શકું તેમ નથી. અમદાવાદના નવજીવન પ્રકાશન તરફથી થયેલા એ અંગ્રેજી પુસ્તકના પુંઠા પર રિવાજ મુજબ logoના વર્તુળમાં ગુજરાતીમાં જ ‘નવજીવન’ લખેલું તે વાંચીને એક ગુજરાતી તરીકે હું અંદરથી હરખાયેલો.

  આ પ્રસંગ અંગ્રેજી માધ્યમની નિશાળમાં જ પોતાના બાળકો ભણે એવા ફેશનેબલ રિવાજના ભમ્મરીયા કૂવામાં હોંશે હોંશે ઝંપલાવનારાં નાદાન માતાપિતાને અર્પણ કરું છું. આમ કરવામાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી કે નથી એમાં સંકુચિત ગુજરાતીવાદી આક્રમકતા. સંકુચિતતા બીજા બધાને પાલવે; ગુજરાતીને નહીં. અંગ્રેજી ભણવું અને ખૂબ સારી રીતે ભણવું, પરંતુ માધ્યમ તો માતૃભાષાનું જ યોગ્ય ગણાય. અંગ્રેજી ભણવું એક વાત છે અને અંગ્રેજી દ્વારા ભણવું એ સાવ જુદી વાત છે. ગુજરાતી માધ્યમની શાળામાં ઉત્તમ ગુજરાતી સાથે ઉત્તમ અંગ્રેજી ભણવાની જોગવાઈ થવી જોઈએ. આમાં અંગ્રેજીનો વિરોધ ક્યાં રહ્યો ?

  એક જમાનો હતો જ્યારે મુંબઈના ગુજરાતીઓ અશુધ્ધ મરાઠી જાણતા અને મહારાષ્ટ્રીઓ અશુધ્ધ ગુજરાતી બોલી જાણતા. હવે થોડી પ્રગતિ થઈ છે. હવે અહીંના ગુજરાતીઓ અશુધ્ધ ગુજરાતી બોલે છે અને મહારાષ્ટ્રીઓ અશુધ્ધ મરાઠી બોલે છે. વળી બન્ને પ્રજાઓ સરખી ક્ષમતા સાથે લગભગ ખોટું અંગ્રેજી ખાસી ઝડપથી બોલી જાણે છે. નહી ત્રણમાં, નહીં તેરમાં અને નહીં છપ્પનના મેળમાં ! પરદેશી ભાષાઓમાં આપણને અંગ્રેજી તરફ પક્ષપાત હોય તે ક્ષમ્ય છે. આપણું કોલોનીઅલ માઈન્ડ અંગ્રેજી તરફ ઢળે તેમાં ઈતિહાસનો વાંક છે, આપણો નથી. બાકી નગરોની કેટલીક નિશાળોમાં અંગ્રેજી ઉપરાંત રશિયન, ફ્રેન્ચ અને સ્પેનીશ શીખવા માટેની સગવડ હોવી જોઈએ.

  માતૃભાષા આપણી આંખ છે. એ આંખ વધારે સારું જોઈ શકે એ માટે અન્ય ભાષાના શ્રેષ્ઠતમ ચશ્માંની મદદ લેવી જોઈએ. ટપાલી તો કોરો પોસ્ટકાર્ડ પણ યોગ્ય સરનામે પહોંચાડી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન થાય છે પરંતુ પ્રત્યાયનનું વસ્તુ (content) માણસની સમજણમાં ઊતરે તો જ પ્રત્યાયન કામનું. શિક્ષક વિદ્યાર્થીઓને ગુરુત્વાકર્ષણ વિશે ભણાવી રહ્યા છે. ‘ગુરુત્વાકર્ષણ’ એક સંકલ્પના (concept) છે; માત્ર માહિતીનું પાર્સલ નથી. માહિતી ગોખી શકાય, યાદ રાખી શકાય અને જરુર પડે ત્યારે ઓકી પણ શકાય. સંકલ્પનાનો સંબંધ સમજણ સાથે છે અને સમજણ પામવામાં માતૃભાષા જ વધારે ખપ લાગે. પાઉડરના દૂધનો વિરોધ નથી, પરંતુ પાઉડરના દૂધને માતાના ધાવણ કરતાંય વધારે આદર મળે તેનો વિરોધ જરુર છે. કોઈ અંગ્રેજી બચ્ચાને ગુજરાતી દ્વારા ભણાવી જોજો. મોંએ ફીણ આવી જશે.

  મુંબઈના માળાઓમાં રહેતાં લાખો ગુજરાતી પંખીઓનાં કોન્વેન્ટગામી બચ્ચાંઓ હ્રસ્વ અને દીર્ઘ વચ્ચેનો તફાવત ભૂલી ગયાં છે. તેઓ હવે હ્ર, ષ, જ્ઞ, ૠ અને ક્ષ લખવામાં ભારે મુશ્કેલી અનુભવે છે. ગુજરાતી ભણાવનારા શિક્ષકોને સાર્થ જોડણીકોશ વાપરતાં આવડતું નથી. અનુસ્વારની તો વાત જ ન કરશો. એક જમાનામાં કવિ સુન્દરમે અનુસ્વારના નિયમોને વણી લેતું સુંદર કાવ્ય લખેલું. ગુજરાતના અખબારોમાં પ્રુફ સુધારનારાઓ મૂળ લખાણમાં લેખકે સમજપૂર્વક અનુસ્વાર ન મૂક્યું હોય એવી જગ્યાએ પણ અનુસ્વાર ઉમેરીને પોતાની મૌલિકતા માથે મારે છે.

  શુધ્ધ ગુજરાતીમાં પાંચ વાક્યો બોલનારો યુવાન ક્યાંક ભેટી જાય ત્યારે દિવસ સુધરી ગયો હોય એવી લાગણી થાય છે. એ વળી ખરું અંગ્રેજી બોલે ત્યારે લાગે કે ભવ સુધરી ગયો. મને ગુજરાતી બોલતાં ફાવતું નથી, એમ કહીને સાવ ખોટું અંગ્રેજી બોલનારને લાફો મારવાનું મન થાય છે.

  મુંબઈના ગુજરાતીઓને ખાસ ભલામણ છે. તમારા નાનડિયાને સુરેશ દલાલ કે હરિન્દ્ર દવે કે અનિલ જોષી કે રમેશ પારેખની કવિતાઓનો ચસકો લગાડો. કવિતા ન પચે તો ગીતોનું ઘેલું લગાડો. આમ કરવામાં ક્યાંક થોડી અકવિતા ઘૂસી જાય તો તેની દરકાર ન કરશો. સર્વનાશે સમુત્પન્ને અર્ધ ત્યજતિ પંડિતઃ આગ લાગે ત્યારે બંબાવાળાઓ ટ્રાફિકના બધા જ નિયમો પાળતા નથી. બહુ વાયડા થવામાં ગુજરાતી સપૂચું છૂટી જશે અને પોતાના જ છોકરાં પરાયાંપરાયાં જણાશે. આ પરાયાપણાનું રસાયણશાસ્ત્ર સમજી રાખવા જેવું છે.

  અંગ્રેજી માધ્યમમાં ભણનારાં ગુજરાતી બાળકો નરસિંહ મહેતાના કાવ્ય ‘નાગદમન’થી વંચિત રહ્યાં અને વળી Wordsworthના કાવ્ય ‘The Daffodils’નું સૌંદર્ય પણ ન પામ્યાં. કલાપીની ‘ગ્રામ્ય માતા’ ન ભણ્યાં તે તો ઠીક પરંતુ Thomas Hardyની ‘Weathers’ની સૌંદર્યાનુભૂતિ પણ ન પામ્યાં. તેઓ પ્રેમાનંદ કે મેઘાણીને ન પામ્યાં અને વળી Walt Whitmanથી પણ અનભિજ્ઞ રહી ગયાં. બિચારાં ન ઘરના રહ્યાં, ન ઘાટના. નાદાન માતાપિતાને આ બધું કોણ સમજાવે ? વિચારવાની ટેવ છૂટી જાય પછી તો પોપટની માફક ‘થેંક્યુ’, ‘ઓકે’ અને ‘સોરી’ બોલનારો ગગો પણ સ્માર્ટ લાગે છે.

  સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એર કંડીશનર જેવી કે પછી રીફીલ વગરની રૂપાળી બૉલ પેન જેવી લાગે છે.

  સુરેશ દલાલ સંપાદિત ટહુકો–ગુણવંત વિશેષમાંથી સાભાર –ગુણવંત શાહ

 6. harsh says:

  વિજયભાઈ,
  આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી. ખુબ સુંદર બનાવ્યો છે. ખાસ કરીને વિવિધ લેખકો દ્વારા વાર્તા લખવાની વાત સૌપ્રથમ જાણી. અભિનંદનીય પ્રયોગ.
  માતૃભાષા વિશેની આપની વેદના વાંચી … ખુબ ચિંતન માંગી લે એવી વાત છે. કમનસીબી એ છે કે માતા અને માતૃભાષા – બંનેની વાત વાંચવા માટે લોકો પાસે સમય નથી. આપણે ગુજરાતીઓ ઘણુંખરું વાંચવામાં માનતા નથી, રૂપિયા ગણવામાં જ પાવરધા થવામાં માનીએ છીએ.

 7. shree. વિજયભાઈ

  આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી.

  ખુબ સુંદર બનાવ્યો છે.

  Dr. kishorbhai M. Patel

 8. Piyush S. Shah says:

  Kharekhar uttam prayas..Khub khub abhinandan Vijaybhai ne.. aape jagaveli aa mtru bhasha ni jyot sada prajvalit raheshe j .. Chookas

 9. pratik says:

  ઓ માય કન્ટ્રી… યુ ડોન્ટ વરી,
  બી હેપી!
  મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે

 10. Rakesh Nagar says:

  સરસ પ્રયાસ…અમે પણ માતૃભાષા ના પ્રેમ માં સહભાગી થવા માટે તત્પર છીએ…

 11. GUJARATPLUS says:

  Very good article.

  I think Devanagari Script is a threat to simple Gujarati Script not English?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

Thanks for Inspiring me by your gracefull visit