પૂ મોટાભાઈ

 

 

 વિજય શાહ ની પત્ર શૈલી નવલક્થા

 

અર્પણ
અમારા ઘડવૈયા બા મોટાભાઇને

 

ઋણ સ્વિકાર


• આ પત્ર શ્રેણીનો પ્રથમ આભાર તો પત્રમિત્ર અને નાની બેન વેબ સાહિત્ય જગતની વિદુષી લેખીકા નીલમ દોશી નો કેમ કે તેમની પત્ર શ્રેણી ” મારું ભાવ વિશ્વ” નિયમીત વાંચતા આ પત્ર શ્રેણીનો માનસિક જન્મ થયો.
• અમેરિકન અનુભૂતિઓ જેવી છે તેવી ઉપર  લખવાનો અને વારંવાર પ્રેમ પુર્વક આગ્રહ કરનારી પૂ મોટીબેન ડો. પ્રતિભા શાહ નો અને કશુંક નવતર તુ લખ એમ કહેતી અને મને સતત વાંચતી અને કડક વિવેચક સખી અને જીવન સંગીની રેણુકા શાહનો.
• ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ વાચક મિત્રો અને પ્રોત્સાહકો (સર્વ શ્રી દેવિકા બેન ધ્રુવ, પ્રવિણા બેન કડકીયા, કીરિટકુમાર ભક્ત, રસેશ દલાલ, મુકુંદભાઇ ગાંધી.અને ઘણા મિત્રો)
• અન્ય વાચક મિત્રોમાં વડીલ ડો રજનીભાઇ પી શાહ , ઉર્મી સાગર, જયશ્રી ભક્તા ,ગોપાલ પરીખ, ડો દિનેશ શાહ , હર્નીશ જાનીની નોંધ ન લઉ તો હું નગુણો કહેવાઉં
• મારા બ્લોગ ઉપર અનેક મિત્રોએ તેમની લાગણી ઓ વ્યક્ત કરી છે તે સૌનો ઉપકાર..

પૂ. મોટાભાઇ-(એક)

દસ હજાર માઇલ દુર અમેરિકાનાં ખૂણામાં જઇ બેઠેલા આ દીકરાનાં સાદર શત શત પ્રણામ…
આમ તો ટેલિફોન ઉપર વાત થઈ શકે છે પણ કોણ જાણે કેમ એ વાતો થી કદી મન તૃપ્ત થતું નથી હોતું અને એક અફસોસ મન ને કોર્યા કરે છે. તમે સુખ શાતામાં છો ખરાને? તમારા અવાજ ઉપરથી તમે કહો કે ના કહો મારુ મન તમારી વ્યથાઓ કલ્પીને સદાય વ્યથિત થઈને રહેતું હોય છે.તેથી આ પત્રોનાં પાના ભરવાનાં શરુ કર્યા.
મને યાદ છે કે તે વખતે કદાચ હું 8માં ધોરણમાં હતો અને રાણા પ્રતાપ ઉપરનું ચલચિત્ર ‘ચેતક’ ની એક વિજ્ઞાપન પરથી હું ચિત્ર દોરતો હતો અને તે ચિત્ર પુરુ કરી હું તમને બાળ જિજ્ઞાસા વશ શાબાસીની અપેક્ષા સાથે આવ્યો અને તમે તે ચિત્ર જોઇ અતિ પ્રસન્ન થયા.અને સમજાવ્યું કે આંખને જીવંત જેવી બતાવવી હોય તો કીકીનું સફેદ ટપકું યોગ્ય સ્થાને હોવું જોઇએ.
મને તો ટકોર જચી નહિ તેથી બીજું ચિત્ર ત્રીજું ચિત્ર અને એમ જ બેઠાં બેઠાં 4 ચિત્રો બનાવ્યા પણ તેમના સૂચન પછીનાં ચિત્રો વધુ સારા બનતા ગયા પણ પછી એ ચિત્ર ઉપર કંટાળો આવતો ગયો. મને યાદ છે ત્યારે તમે કહ્યું હતુ
‘સોહમ્ તારા મનને આનંદ ના આવે અને તુ જે કરે તે વેઠ. કળા અન્યને આનંદ દેય તો સર્જન પુરુ થયા પછી બને પણ સર્જન નો તેનો આનંદ સર્જન દરમ્યાન મળવો જ જોઇએ. હું જે રીતે જોઇ રહ્યો છું તેમ તુ મને સારુ લાગે તેવું ચિત્ર સર્જતા તારો આનંદ ખોઇ બેઠો છું

પ્રિય સોહમ (એક)

હું અહોભાવ થી જોતો રહ્યો.. મનમાં વિચાર્યું કે તેમને કેવી રીતે ખબર પડી ગઇ કે મને મઝા નથી પડતી.અને હું હસી પડ્યો અને તમે મને હજી યે યાદ છે મને પ્રેમથી માથા ઉપર વહાલનો હાથ ફેરવ્યો હતો. આજે પણ ક્યારેક સંસારની કનડગત અને એક ધારા યંત્ર વત જીવનથી થાકી જઉ છું ત્યારે તેવો હેતાળ વો વહાલનો હાથ ઝંખી જઉ ત્યારે ખરેખર એમ થાય કે આ દસ હજાર માઇલ દૂરની દેશ નિકાલની સજા જાતે કેમ વહોરી?
મનથી તો તમારા પુનિત દર્શનોને પામવા તરસતો હું મારી જાતને કોસતો હોઉં છું કે

આંખથી આંસુ સરે! થાય કેવો ઉદય આવ્યો શ્રાપ
ચાલતા શ્રવણનાં પગમાં બંધાયો ડોલર કેરો નાગ

ખૈર! ત્યાં બંને બહેનો છે તેથી થૉડોક ઉચાટ ઓછો છે પણ મનથી એવું થાય કે છોકરાઓનું ભવિષ્ય તો બનતા બનશે પણ તમારું ઘડપણ તો હું જરૂર ગુમાવી રહ્યો છું.હમણાં ડો અરુણા લઠ્ઠાનું પુસ્તક “મરણ સમાધિ”વાંચવામાં આવ્યું તેમની એક વાત જે મને બહુ ગમી તે ફક્ત જાણ ખાતર અહિ નોંધી છે

જન્મ-દુ:ખ દાયક છે__
જીવન સંઘર્ષ__
મૃત્યુ મુક્તિ દ્વાર__
હવે કંઇક એવું કરો કે તે દ્વાર થી કદી પાછું ફરવું શક્ય ન બને…”

કેટલી ઊંચી વાત ધર્મ સમજાવે છે. જે નિયમિત ધર્માચરણ કરે છે તેમનો જન્મ-જીવન યોગ ક્ષીણ થાય છે અને કાળાંતરે મુક્તિનું દ્વાર આવે જ છે. બાનાં ધર્મ આરાધન ચાલતા જ હશે તમને તેમના દરેક ધર્મ કાર્યોમાં સહભાગી બનાવી તે પણ આ સંસ્કૃતિને સુંદર રીતે જીવી રહ્યાં છે.હર્નીશ જાનીનું એક વાક્ય અહિ ટાંકીને પત્ર સંપન્ન કરું

જો આવતા ભવે પણ તમે જ મારા માબાપ થવાનાં હો
તો હું મોક્ષ જો મળતો હશે તો ત્યાગી દઇશ.

સોહમ નાં પ્રણામ

પ્રિય સોહમ (બે)

તારો લાગણીથી નીતરતો પત્ર મળ્યો.તુ જ્યારે અમેરિકા જવું કે ન જવું ની દ્વિધા માં અટવાતો હતો ત્યારે તને કહેલા શબ્દો અત્યારે ફરી થી દોહરાવુ છું “અમે તો પીળું પાન હવે કેટલું જીવશું તે ખબર નથી પણ તારી ફરજ તારા સંતાનો માટે પણ એટલી જ છે ને કે જો તેમનું ભવિષ્ય બનતું હોય તો તારે જવું જોઇએ” તારો પ્રત્યુત્તર પણ હતો કે તુ જે અમારા ઘડપણ નો ટેકો બનવાનો હતો તે ખરે સમયે ટેકો ન બનતા તને તકલીફો થતી હતી.
ધર્માચરણ થી અમે એટલું તો શીખ્યાં છે કે અન્નજળ હોય ત્યાં સુધી સાથે છીયે પણ મનથી તો આ સંબંધ અમર છે. તેથી તુ અમારી ચિંતા ન કર અને સુખેથી તારા સંતાનોને ભણાવ. પહેલાનાં જમાનામાં વિદેશથી લોકો આપણા દેશમાં ભણવા આવતા હતા જેનું કારણ “જ્ઞાન” હતું પણ વીસમી સદીમાં આપણે ત્યાં ભણવા જઈએ છે તેનુ કારણ “વિજ્ઞાન” છે.
દરેક સંતાનો તેમનું માગતું લેવા આપણે ત્યાં આવે છે અને તેમના સમે તે માળો છોડી જાય તો અફસોસ ન હોય. તુ પણ અમારી સાથે આ રહ્યો તેથી લગાવ વધારે રહે. પણ તે હરિ ઇચ્છા. ફરીથી એજ વાત કરું તો પ્રયોગ તરીકે ભલે તુ તેમની સાથે રહે. અહીંનું ઘર તારુ જ છે અને તારા માટે તે દ્વાર કદી બંધ થવાનાં નથી.
તેં તારા બચપણની વાત લખી ત્યારે તે વાત ફરી યાદ આવી કે અમારી ઇચ્છા તો બચપણથી જ તુ ડોક્ટર બને તે હતી અને એફ વાય બી એસ સી માં તુ મર્યાદા પર આવીને અટકી ગયો અને તને મેડિકલ કોલેજ માં દાખલ થવાનો યોગ ના માળ્યો ત્યારે સૌથી નિરાશ હું હતો તે વાત ની તને ખબર હતી. અને મને સારુ લગાડવા તેં પેરા મેડિકલ વિષયો લીધા. મને તે વખતે તારા માટે થોડાક પૈસા ખર્ચીને દોડધામ કેમ ન કરી તે વાતનો હજી યે અફસોસ છે.આ વાત એટલાં માટે તને યાદ કરાવું છું કે બંને બાળકોને ભણતર માટે પેટે પાટા બાંધીને પણ ભણાવવા પડે તો ભણાવ જે કે જેથી મારા જેવો અફસોસ નો ભોગ તુ ના બને. ભણતર એ સૌથી ઉચ્ચ કર્તવ્ય છે.સંસ્કાર છે અને મા બાપ નુ અભિમાન પણ..તારી બાને ડાયાબીટીસ કાબુમાં રહે છે. તારો પત્ર આવે તે દિવસ અમારા બંને માટે આનંદનો દિવસ હોય છે કેમ કે તમારા જવા થી સર્જાયેલો શૂન્યાવકાશ તે દિવસ પૂરતો ભરાઈ જાય છે.પત્ર આવે તો મળ્યા જેટલો આનંદ થતો હોય છે.શિખા,આશકા અને અંશને વહાલ, તબિયત સાચવશો, ખંત કરકસરથી અને સાચવીને રહેશો દર રવિ વારે મંદિર જવાનું રાખો છો તે જાણી આનંદ.
મોટા ભાઇનાં આશિષ.
પૂ મોટાભાઈ

આપનો પત્ર મળ્યો
આપની વાતો સાચી છે ખંત થી રહેવું જોઇએ અને કરકસરથી રહેવું જોઇએ..જે કરકસરથી હું રહેતો નથી. કારણ તો એવું ખરું કે હું મારા બિનજરૂરી ખર્ચને જરૂરી બનાવી દેવાની કુટેવ વિકસાવી ચૂક્યો છું. હમણાનીજ વાત કહું અંશ તો હજી 12 વર્ષનો છે અને મેં તેને તેનું ઘરકામ કોમ્પ્યુટર ઉપર કરતો જોયો.એટલે મેં કહ્યું તને લેપટોપની જરર ખરી? એટલે એણે ભોળા ભાવથી હા કહી અને મેં તેને તે ભણે છે અને કોમ્પ્યુટરની જરર છે તેમ વિચારીને 2300 ડોલરનું કોમ્પ્યુટર અપાવ્યું કુલ રૂપિયામાં ગણતો 95000 રૂપિયા થાય.
મારી અંદરનો “બાપ” અતિ પ્રસન્ન થયો. મોડે મોડે સમજાયું કે તે લેપ ટોપ તેને માટે જરૂરિયાત ઓછી ને સ્ટેટસ સિમ્બોલ વધુ હતું.આ કરકસર નહોતી કદાચ ખોટો ખર્ચ હતો પણ મેં મનને મનાવ્યું કે આ ખર્ચ નથી આ અંશને આપેલુ રૂપાળું સ્વપ્ન છે.
આ પત્ર લખાતો હતો ત્યાં બાની માંદગીનાં સમાચાર જ્યારે કિંજલે એટલાંટાથી આપ્યા ત્યારે મન અતિ વિહ્વળ બની ગયુ. પહેલા સેમેસ્ટરની પરીક્ષાઓ માથે હતી અને તમને હોસ્પિટલ અને માંદગી બંને એ વિહ્વળ બનાવ્યા હતા. દસ હજાર માઇલની દુરી તો નડતી જ હતી પરંતુ વરસમાં રોગ ઘર કરી જશે તેવી તો કલ્પના પણ ક્યાંથી હોય? પારુલબેન્ અને જાહ્નવીનાં વર્ણન પરથી તો એમ જ લાગ્યું કે આઇ.સી.યુ. માં બહુ ગંભીર રીતે જિંદગી માટે ઝઝૂમી રહ્યા છે. હર્ષલ ભાઇનો કેલિફોર્નીયાથી ફોન હતો કે તુ ચિંતા ન કર અને પરીક્ષાઓ આપી દે. તે તાબડતોડ જવા નીકળી રહ્યો છે.

દરેક પ્રસંગ નવું શિખવાડી જતો હોય છે. બસ કિંજલ નાં ફોને એક વાત સ્પષ્ટતા થી કહી કે જીવનમાં ધારેલુ તો ધણીનું જ થાય છે. અને દરેક ઘટનાઓ તેની રીતે ઘટતી હોય છે. હજી તો વરસ થયું છે અને સારા સાજા માણસોને એવા તે કેવા રોગો લાગી જતા હોય કે તત્કાલીન તબીબી સહાય માટે દાખલ થવું પડે અને સતત દેખરેખ આપવી પડે?

ફોન ઉપર તો વાતો થઈ છે અને જરૂર પડશે તો આવી પણ જઇશ પણ આ અસમંજસ નો કોઇ અંત નથી. પ્રભુ પ્રાર્થના અને સમય સર માવજતથી તેઓ આ ઘાતમાંથી ઉંગરી તો જશે પણ મને દસ હજાર માઇલની દુરી ખૂબ જ ડંખે છે. મારો આર્દ્ર ભાવ અને ચિંતા જોઇ શિખા પણ વ્યથિત રહે છે. મારા મન નો ઇલાજ તો તમને ખબર છે જ. અને ડાયરીમાં ટપકાવ્યું તે તમને વાંચવા મોકલુ છું.

મીઠા જળનું હુ માછલું. ખારા રે વિદેશી જળ
કેમ કરી રે જીવાય અહીંયાં, એકલતા દે ડંખ,

વતન માં સૌ સ્નેહીઓ, એકલતાની આ પળ
દે મને ઓ પ્રભુ ઊડવાને, તહીં મન પંખ.

મમતાનું નામ મોહ તેથી આકળ વિકળ
આક્રંદે મન જ્યારે લૂંટાય, સોના જેવી લંક.

મા બાપ વતને, ને અહીં સંતાનો સજળ
આંસુ બનીને ખરતો દિ’,મન તો જાણે અંધ.

લખ્યા પછી મનનો ઉચાટ થોડો શમ્યો છે અને પ્રભુ ઉપર ભરોંસો રાખીને શાંત થઈ જઇશ .

રહી રહીને પેલી રૂબિક ક્યૂબની રમત યાદ આવે છે જેમા મોટો ચોરસ દરેક બાજુમાં નવ ચોરસ અને છ રંગ… એક ચોરસ બદલાય અને પાછળનું ચોરસ પણ બદલાય.. ક્યારેય છ રંગ નાં નવ ચોરસ એક જ બાજુ પર આવે જ નહિ. વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય તે બદલી નાખે.

સોહમ નાં પ્રણામ,

પ્રિય સોહમ-(બે)

તારા પત્રનો જવાબ આપવામાં વિલંબ થયો તેનુ કારણ તો સ્પષ્ટ છે. તારી બાની તબિયત નાદુરસ્તી અને તેને થતી પીડાઓ પરોક્ષ રીતે સહન કરતા કરતા અધમુઓ થઇ ગયો. તે સત્તરની હતી ત્યારે હસતી અને કિલ્લોલતી મારે ત્યાં આવી. આજ દિન સુધી સંગાથે સહ જીવન વિત્યું અને વિદાયની કલ્પના પણ થતી નથી..કદાચ તારી બાની ભાષામાં આ મોહ છે જે રડાવે છે પણ વહેવારની દ્રષ્ટીએ એકલા પડી જવાનો ભય મને સતાવે છે.

પહેલી વખત મને સંતાનો હોવાની સુખદ અનુભુતી જરા જુદી રીતે થઇ દરેકે દરેક્ની આંખો રડતી હતી અને મને પણ તેમની હુંફનો અહેસાસ થતો હતો. જોકે આવા સમયે હુંફની સાથે સ્થિર મગજથી પરિસ્થિતિ સંતુલીત કરવાનું કામ તુ કે હર્ષલ જ કરી શકે. કદાચ લાગણીનું તત્વ મને અને ત્રણેય બહેનો ને થોડુંક કુંઠીત કરી શકે તેવુ મને જણાયુ.

ખૈર ડોક્ટર તરીકે સાચુ નિદાન મળવાને બદલે ભયભીત્ત વધુ કર્યા. જ્યાં જરુર ન હોય તેવી રીતે રુગ્ણાલયોમાં ત્રસ્ત રહેવાનુ થયુ. જો કે હર્ષલ અમેરીકાનાં તેના ડોક્ટર મિત્રની સલાહ થી પરિસ્થિતિને સહજ કરી ગયો અને હવે બહુ સારુ છે.

રૂબિક  ક્યુબની તારી કલ્પના બહુ સચોટ છે.ઘણી વખત એવુ બને છે કે જ્યાં જે હેતનાં ઢગલાની અપેક્ષા હોય ત્યાં કોરા અને સુક્ક ભઠ્ઠ રણ નીકળે અને જ્યાં કોઇ જ અપેક્ષા ન હોય તે મીઠા જળની વીરડી બની પ્રસંગની તરસ શમાવી જાય.તને તો ખબર છે મને મારા જ્યોતિશ અને મિત્ર ચંપૂ વ્યાસ સાથે રહી જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો, તેમનુ સ્પષ્ટ માનવું છે કે મારી અને તારી બાની ઉંમર 90 પછી બગડશે ત્યાં સુધી તો અમારુ જીવન સહિયારુ અને સુંદર છે જ, પણ આ માંદગી અને આઇ. સી.યુ. ના સમય દરમ્યાન હું ખરેખર જ્યોતિષ ઉપર થી વિશ્વાસ ગુમાવી ચુક્યો હતો.

તારો મિત્ર અનિલ તે વખતે અહિ હતો અને તેણે મને સ્પ્ષ્ટ કહ્યુ હતું કે કાકા! માસીને કપરો કાળ રવિવાર સુધી છે અને રવિવાર પછી તમારો શની લગ્ન સ્થાન છોડી જતા સૌ સારુ થઇ જશે. બનવા કાળ એવું જ થયુ હર્ષલ શની વારે આવ્યો અને તેણે ડોકટરની કાલ્પનીક ભય માવજતમાં થી અમને બહાર કાઢ્યા.

ડોક્ટર એક જ વાત કહે તમે ઓક્ષીજનની ટ્યુબ કાઢી નાખશો તો તમારી જવાબદારી… બે કલાકમાંજ દર્દી ખલાસ થઇ જશે. હર્ષલે નર્સને કહ્યુ ‘ ડોક્ટરની ફરજ છે અમને ચેતવવાની પણ આપણે થોડીક વાર તે કાઢીયે અને જોઇએ તકલીફ થશે તો પાછી ટ્યુબ ચઢાવતા વાર શું? પંદર મીનીટમાં તેમને કશુ ન થયુ પછી અર્ધો કલાક અને મને તો રીતસર ની બીક લાગે પણ હર્ષલ કહે તમે ચિંતા ના કરો તેમને ટ્યુબથી જ તકલીફ છે. અને મારો અમેરીકા નો ડોક્ટર આ બધુ સમજીને કહે છે. ચાર દિવસે તો જેમની છેલ્લી ઘડીયો ગણાતી હતી તે સાવ સાજા હોય અને અહીંથી મને ઘેર લઇ જાવની વાત ઉપર આવી ગયા.

મને કહેવા દે આવુ જોખમ હું કે કોઇ બહેનો ના લેત, દિકરા અને દિકરી માં ફેર છે અને બંને નુ સ્થાન તેમની રીતે અલગ છે. કદાચ તેનુ કારણ બંને નો અલગ ઉછેર પણ હોય. આ પ્રસંગે પોતાના કેટલા અને પારકા કેટલાનો પરિચય થઇ ગયો. એક્વીસ દિવસની માંદગીમાં ત્રણ પ્રકારનાં સગા અને સબંધીઓ જણાયા.. કેટલાક્ને માટે આ લોટરી હતી ( દવાખાનુ, દવાની દુકાન અને દાક્તરો માટે); કેટલાક્ને માટે આ મો સંતાડવાનો કે બહના કાઢવાનો ઉત્સવ હતો; જયારે કુટુંબ માટે જીવન મરણ નો પ્રશ્ન હતો બધાએ તેમનો રંગ બતાવ્યો. મનમાંથી એક્જ આહ નીકળે છે જો કશું હતુ નહિ તો આ દોજખ અમને પ્રભુ એ કેમ બતાવ્યુ? પછી રહી રહીને જવાબ મળે છે કર્મનાં બંધન બીજુ શું?
તબિયત સાચવજો અને અમારા વ્યાજ્ને ઉછેરી ગુણ અને સંસ્કારનો સરસ વડલો બનાવજો.તે ફોન ઉપર જણાવ્યુ તેમ તુ પરિક્ષામાં સફળ થયો તે આનંદની વાત છે. અમારા અભિનંદન.
તારુ સુંદર કાર્ડ અને બા માટે કરેલી પ્રભુ પ્રાર્થના સ્વરુપ કવિતા વાંચી તેની અને ઘરનાં સૌની આંખો ભીની થઇ હતી. તારુ આધ્યાત્મીક જ્ઞાન તને આવી સુંદર વાણી અને ભાવો આપે છે. તારો સાહિત્યિક બાબતે થતો વિકાસ જોઇને ગર્વ અને આનંદ અનુભવાય છે. જે હું થવા ઇચ્છતો હતો તે કવિનું સ્વપ્ન તારામાં પુરુ થતુ દેખાય છે.

શીખાની અને તારી આ માંદગીમાં ખુબ જ ખોટ સાલી પણ અંતે જેનુ સારુ તેનુ બધુ સારુનાં ન્યાયે હવે બધુ થાળે પડતુ જાય છે.

મોટાભાઇનાં આશિષ
પૂ. મોટાભાઇ (ત્રણ)

શીખાની અને તારી ખોટ ખુબ જ સાલી શબ્દોને વાંચી ખુબ જ મન ભરાઇ ગયું. ખબર નહિ ક્યા પાપનો ઉદય જે દેશનિકાલાને વિદેશગમનનું રુડુ નામ આપી સોનેરી સોણલાને આંખમાં સજાવી વિધાતા એ અમને આપની છાયામાંથી દુર કર્યા.

તમને કેમ કહું કે

અમે પણ અહિ સોનેરી ભ્રમોને પાળીયે છે.
કાલે ઉઠીને છોકરા મોટા થશે અને તેમનુ પોતાનુ સ્વર્ગ થશે
પછી મનમાં એક કસક ઉઠે કે આ અમેરિકા છે ભાઇ!
તમે જેવા છો તેવા તમારા સંતાનો નીકળશે
તે ભ્રમ છે ભાઇ સોનેરી ભ્રમ..!

ખૈર.. કાલની વાત લખુ છુ. આશ્કા 12માં ધોરણમાં પાસ થઇ અને તેનુ graduation હતુ. સ્કુલમાં થતા આ કાર્યક્રમોમાં તેનો આખો વર્ગ હતો. બાપ તરીકે મને આગળ તે કેવી રીતે ભણશે તે ચિંતા હતી ત્યારે તે તો તૈયાર હતી લોન લઇને કોલેજમાં જવા. તે કોલેજ બસમાં જાય તેવો શીખાનો અને મારો ઇરાદો નહોંતો તેથી તે મને ઓફીસે છોડી મારી ગાડીમાં કોલેજ જતી… મહિનો થયો બોનસ આવ્યુ અને તેને માટે નવી ગાડી લીધી.

મને કોણ જાણે કેમ એમ લાગ્યા કરે છે કે આ ગાડી આશ્કાને અકસ્માતે છુંદી નાખશે..મા-બાપોને હોય તેવી સહજ ભીતી..આશ્કા શીખા જેટલી ચોક્કસ નહિ તેથી ચિંતા થાય. શીખા કહે છે એવુ કશુ નહિ થાય છોકરા ભણાવવા આપણે આવ્યા છે તો જે જરુરી છે તે કરીયે..મનમાં અમારો ભુતકાળ જન્મી ગયો તમે દસ પૈસા બચાવવા 3 માઇલ ચાલતા હતા કે બા ઘઉંનો લોટ ઘંટી એ મુકવાને બદલે ઘર ઘંટીમાં કસરત નામે દળી નાખતા.. હવે આ અમારો સમય છે. પેટે પાટા બાંધી અમારા છોકરાને ભણાવવાનો..ધર્મગ્રંથો કહે છે તેમ

હવે અમારુ ધર્મચક્ર સંસ્થાપીત કરવાનું છે..
દાદાએ એકમ રુપે રચવાનું શરુ કર્યુ હતુ
તમે દસક રુપે કર્યુ
મારે તે શતક્ રુપે કરવાનું છે.

આપના આશિર્વાદો થી ઉજળા છીયે કંઇ કેટલીય વખત કહ્યું અને હજી કહેવુ ગમે છે કારણ કે તમે જે કર્યુ તે સર્વ હવે અમને સમજાય છે કારણ તે કરવામાં ફક્ત એકલી વાત્સલ્યમયી તરસ હોય છે.. શું કરું તો મારું સંતાન ખીલે..એ વાત્સલ્યમયી તરસ આજે આશ્કા અને અંશ માટે જન્મે છે અને કૃતજ્ઞતાનો ભાવ આપને માટે મનમાં આદર સ્વરુપે ફુટે છે. આજે મધર ડે છે ત્યારે સ્ફુરયુ તે લખુ છુ અને એ વાત્સલ્ય પાન માટે કોટી કોટી આભાર,પ્રણામ અને આદર ભર્યા સન્માન

બા-મોટાઇ
તમારા અંતરનું અમિ તો આકંઠ પીવડાવ્યું
અને સંસ્કાર વર્ષા પણ કરી અનરાધાર
પોષણ, શિક્ષણ અને લાલન પાલન
તો દીધા સવાયા બા મોટાઇ
સંસારા સંગ્રામે જીતવા દીધી કળાઓ હજાર
અને હજી દો દુલાર દરેક શ્વાસે શ્વાસે
આટલું આપ્યુ છતા હજી એક વરદાન વધુ માંગુ?
મોક્ષ નથાય ત્યાં સુધી બની રહેજો
દરેક ભવે અમારા બા મોટાઇ

બા સંપૂર્ણ સાજા થઇ જશે અને તમે પણ હવે સ્થિરતા તરફ વળશો તેવી પ્રભુ પ્રાર્થના

સોહમ-શીખાનાં પ્રણામ

પ્રિય સોહમ-(ત્રણ)

તારા જેવા ડાહ્યા અને ગુણિયલ સંતાનો માટે ભવોનાં ભવો માતા પિતા બની રહેવુ ગમે…
પણ આપણુ ધાર્યુ ક્યાં થાય છે? ધાર્યુ તો ઉપરવાળાનું થતું હોય છે. ઉમરનો તકાજો છે. હવે થાક લાગેછે અને ખબર પણ નથી કે આ ખાડામાંથી હવે કયા ખાડામાં બીજો જન્મ મળવાનો છે. જન્મની વેદના કરતા તે પહેલા આવનારું મૃત્યુ કેવા કેવા દુ:ખો લઇને આવશે તે વિચારી વિચારીને મન બહેરું થઇ જાય છે. મનમાં સંતોષ છે તમે સૌ ભાઇ બહેનો પોત પોતાનો સંસાર સારી રીતે નિભાવો છો. પણ અમારા સંસારની કથા કરવા જઉં તો એક વાત સ્પષ્ટ છે લાંબુ આયુષ્ય જો પરવશ બનીને જીવવાનુ હોય તો તે શ્રાપ છે.

તુ કદીક કહીશ કે મોટાભાઇ તમે તો ખમીરવંત અને ખુબ જ મજબુત મનનાં આખા કુટુંબનાં મોભી છો અને આવી પોચકા મુકતી વાતો શીદને કરો છો?

ભાઇ મને એમ હતુંકે સીત્તેર બોંતેર થશેને ઉકલી જઇશું તો થોડુક વંશજોને આપતા જઇશું.. પણ આ આયખું તો ખુટતું જ નથી..શાંતિ આત્મધ્યાન કે ધર્મ ની વાતો કરવાનાં સમયે શરીરનાં દુ:ખો બહુ જ હેરાન કરે છે. તારી બા જે વારંવાર કહે છે આ છોડો બધી જફા અને લો હાથમાં માળા.. પણ આ થાકેલા દુ;ખતા શરીર સાથે મનનો અશ્વ ફરી ફરી એજ વીતી ગયેલી જિંદગી અને તેના સારા નરસા વિચારોનં વન્ય પ્રદેશોમાં બે-લગામ ઘુમ્યા જ કરે છે.

સાચી વાત કહું? તારા ગયા પછી હું માનતો હતો તેવું કશું થતુ નથી. અને જે બધુ થાય છે તે કદી અમારી સાથે થશે તેવુ વિચારેલું પણ નહિ. તુ હતો ત્યારે શાંતિથી બપોરે બે કલાક સુઇ જતો રાતનાં પણ આરામથી સુતો હતો કેમકે જુવાન ડાહ્યો અને વિનયી દિકરો ઘરનો આધાર સ્તંભ બનીને રહેતો હતો. તારી બાનાં વરસી તપ કે ઉપધાન તપશ્ચર્યામાં બધા ખડેપગે તેમને ધર્મધ્યાનમાં ઉપયોગી થતાં અને કેટલો વિનય અને આદર આપતાં તે વિચારી મન ગદ ગદ થઇ જાય.ઘરમાં ખુટ્યુ વધ્યુ કે સગુ વહાલુ આવે ત્યારે સરભરા અને ચાકરી કરનારા ચાકરી ‘સ્વ’ ભાવ થી કરતા હતા. કોઇ બાબતનું ધ્યાન રાખવાનું નહિ. અને એ નિશ્ચિંતતા રહેતી જ કે શીખા કે સોહમને સોંપાયેલ કામ થાય જ. તેમાં જોવાનુ જ નહિ.
આજે તમારા બે ને બદલે ઘરમાં કામવાળી, રસોયણ, કાર ડ્રાઇવર, માળી અને ચોવીસ કલાકની નર્સ હોવા છતા તે નિરાંતની ઉંઘ આવતી નથી કદાચ તે ‘પર’ ભાવ છે ચાકરો ને કહેવું પડે દિકરાઓ તો કહેતા પહેલા બધુ જ કરી દે. આતો મારા મનનો ઉકળાટ કહું છું તેથી તારે અહિ દોડી આવવાની જરુર નથી..તુ તારા યજ્ઞમાં તારી આહુતી આપ. ફરી થી કહું તો પીળા પાનની વ્યથા પીળુ પડી ગયેલુ પાન જ સહે..દાંત નથી પણ ખાવાની વૃતિ ઘટતી નથી. ખાંડીને ખાધેલુ બરોબર પચતુ નથી અને તેથી પેટ સાફ નથી આવતુ, બેઠાબેઠ શરીર વધે છે અને પેલુ ગીત મન ને વારંવાર સંભળાયા કરે છે

અંગનાતો પરબત ભયા ઔર શેરી ભઇ બીદેશ

શાસ્ત્રીજીનું કહેવું છે મારી તાંબાનાં પાયે પનોતી જુલાઇ સુધી છે અને પછી જેટલુ જીવ્યાં તેટલુ બોનસ. એક વખત હવે આવી જા. અંતિમ સફરની તૈયારી થાય ત્યાં સુધીમાં તમે બંને સમય કાઢીને આવી જાવ.. પછી તો અન્નજળ હશે તો મળશુ. તારી બાની પણ મને ચિંતા ખાયે જાય છે. તમે બંને ભાઇઓ ડાહ્યા છો પરંતુ અહિ એની સાથે તો કોઇ નહિને? વ્યથીત મનથી લખાયેલ આ પત્ર કદાચ અગાઉ ઘણા પત્રોની જેમ કચરા પેટીમાં કાલે સવારે નાખી દઇશ. અત્યારે તો મન હળવુ કરવા જે વિચારતો હતો તે તને લખી દીધુ. રાત પુરી થતી જણાય છે. તારી બા ઉઠશે તેથી અહિ અટકુ અને સુવાની કોશિષ કરુ.

મોટાભાઇનાં આશિષ.

પૂ. મોટાભાઇ-(ચાર)

તમે પત્રો લખીને કચરા પેટીમાં નાખી દો છો તે ના સમજાયુ. મે ટીકીટો બુક કરાવી લીધી છે.. કદાચ આ પત્ર અને હું બંને ત્યાં સાથે હોઇશું. મને ખબર છે કે મારા આવવાથી તમને રાહત થશે તેથી કપાતા પગારે ત્યાં આવુ છું. તમારા શબ્દોનું વજન એટલું ભારે હોય છે કે ‘અંતિમ સમય જેવા શબ્દો તમારા વિચારોમાં આવે તે અસહ્ય બને છે.
મને યાદ છે આઠમા ધોરણમાં કિશોર ઠક્કર કરીને એક છોકરો મને બહુ હેરાન કરતો હતો તેથી તેનો ત્રાસ દુર કરવા તમે મને બે વાત કહી હતી. એક જો આપણે ગુનામાં ના હોઇએ તો કોઇનાં બાપની તાબેદારી નહિ સહેવાની અને જો ગુનામાં હોઇએ તો વર્ગ શિક્ષક્ને વાત કહિ જે તે સજા ભોગવી લેવાની. અને તે વાક્યો બરોબર યાદ રહ્યાં હતાં. અને કિશોર જેવો મારી પાસે મારો ડબ્બો લેવા આવ્યો અને મેં જોરથી તેની સામે આંખ કાઢી મોટે અવાજે શિક્ષક સાંભળે તેમ ઘાંટો પાડ્યો તે દિવસથી તેના થકી હું કદી હેરાન નથી થયો.

આ વાત અત્યારે મને એટલે યાદ આવી કે તમે મૃત્યુ થી ભયભીત છો. તમને થાય છે કે આ ખાડામાંથી બીજા કયા ખાડામાં જન્મવાનુ થશે? કાલ્પનીક ભયોથી તમે પીડીત છો. એક વાત મેં ક્યાંક વાંચી હતી ..જિંદગી જેટલી લાંબી અને દુ:ખ દાયક છે તેટલુ મૃત્યુ દુ:ખદાયક નથી. ક્ષણનાં ત્રીજા ભાગમાં આતમ રાજ ખોરડું બદલી નાખે છે. જિંદગી વર્ષોનાં વર્ષો જીવવી પડે છે અને તે તમે જીવી ચુક્યા છો તમે હજી તેમા માહેર છો. મૃત્યુ તો ક્ષણ માત્રની ઘટના છે. દિકરાઓની આ વેદના તો જુઓ તમે જેમણે અમને જીવન આપ્યુ તેમની સાથે અમારે મૃત્યુની વાત કરવી પડે છે..તે બદ નશીબી નહિ તો બીજુ શું?

પછી બીજો વિચાર આવે છે કે અહિનુ છોડીને જવાનું છે તે તો સાચુ પણ એક વાત તો નક્કી છે જે મૃત્યુનાં પ્રદેશમાં પહોંચી જાય છે તેમાંનુ કોઇ પાછુ આવતુ નથી તેનો અર્થ એવો પણ થાયને કે ત્યાં એકલુ સુખ અને સુખ જ છે તેથી અહિનું કશુ યાદ રાખ્યા વિના તે ત્યાંની પરિસ્થિતિને માણે છે. અહિ દિકરા દિકરીઓને ત્યજવાનાં છે પૌત્ર પૌત્રીને ખોવાનાં છે પણ ત્યાંથી કોઇ પાછુ નથી આવતુ તેનો અર્થ એ થાયને કે ત્યાં અહિનાં કરતા વધુ પ્રિય જન સાથે મુલાકાત થાય છે શક્ય છે તે વરસો પહેલા વિખુટા પડેલા ભાઇ બહેન કે માતા પિતા પણ હોય..દાદા દાદી પણ હોય..અનેક મિત્રો હોય! ખરી વાત તો એ જ છે કે તમે મને નિર્ભય બનાવવા જે કહ્યું હતુ તેજ સત્ય પ્રભુને તમારે કહેવાનું છે.

હે જગનિયંતા! મારા આયુષ્ય કર્મનો ક્ષય થઇ ગયો હોય તો મને લઇ લે પ્રભુ એક ક્ષણ નો વિલંબ મને ના જોઇએ અને જો ના થયો હોય તો તારા સમયે મને લઇ જજે. પણ મને આ રોજ જીવવાનું કે રોજ મરવાની ભીતી થી ડરવાનું જોઇતુ નથી.

ધર્મ તો કહે છે મૃત્યુ એ બદલાવ માત્ર છે. એક જંક્શન કે જ્યાંથી મુસાફરી બદલાય.આત્મા ખુબ જ શક્તિશાળી છે તેને એક દેહ ત્યજતા અને નવો દેહ ધારણ કરતા બીલકુલ સમય લાગતો નથી. જેમ નવા વસ્ત્રો પહેરતા આનંદ થાય તેમ નવો દેહ જે મળશે, જ્યારે મળશે ત્યારે તે મને સ્વિકાર્ય છે. તેને ચિંતાનો વિષય બનાવી તમે પરમ કૃપાળુ પરમાત્માની જે કૃપા અવતરવાની છે તે કૃપા નો રસ્તો કુંઠીત ન કરો તેવી પ્રાર્થના.

વધુ જ્ઞાની પુરુષોતો એમ પણ કહે છે કે મૃત્યુ તો મહોત્સવ છે. જેમ જન્મ લગ્નનાં પ્રસંગો ઉજવાતા હોય તેમ આ પ્રસંગને સ્વર્ગારોહણનાં રુડા નામથી સંબોધવો જોઇએ… પણ આપણે અલ્પમતિ તેથી તેને રડી કુટીને સ્વાર્થગાન કરતા હોઇએ છે. હાય! હવે મારુ શું થશે? કહી રુદન કરતા હોઇએ છે.તમારો પ્રતિભાવ હું 10000 માઇલ દુરથી પણ જોઇ શકુ છુ. ભાઇ કહેવામાં અને કરવામાં બહુ ફેર છે. અને તે તદ્દન સાચુ છે પરંતુ મન આપણું મરકટ છે. તેને નિયંત્રણમાં રાખવાનાં ઘણા બધા ઉપાયોમાંનો એક સર્વોત્તમ ઉપાય છે જીવનની સારી બાબતો પર ધ્યાન વધુ કેંદ્રીત કરી પ્રભુનો તે દરેક બાબતો માટે ઉપકાર માનવો.

મેં તમને ડાયરી લખવાની વિનંતી કરી હતી તેનુ કારણ આ જ હતુ. તટસ્થતાથી જોશો તો તે ડાયરીમાં સુખનાં પાના વધુ અને દુ:ખનાં પાના ઓછા હશે.હવે રુબરુ મળીશું ત્યારે વધુ વાત કરશુ. બાની તબિયત સારી છે તે જાણી આનંદ.

સોહમનાં પ્રણામ.

પ્રિય સોહમ (ચાર)

તુ તો કળયુગનો શ્રવણ નીકળ્યોને ભાઇ!
મને બહુ આશા તો નહોંતી પણ મનનો ઉભરો અને તને ન જોયાનો અભાવો થૉડોક તીવ્ર નીકળ્યો અને તારી બા એ તે પત્ર મને પુછ્યા વિના ટપાલમાં નાખી દીધો. અને જો કેવો થયો ચમત્કાર! તુ ઉભા શ્વાસે દોડી આવ્યો મારી પાસે. આ ગુણીયલ દીકરા હોવાની નિશાની… પણ તને તેથી જો જરુર કરતા વધુ દોડધામ અને અગવડો પડી હશે તો મારુ મન પાછુ મને માફ નહિ કરે.દસ હજાર માઇલની દુરી તો ભાઇ અમને પણ નડે છે વધુ તો શું કહું?

આ ડોક્ટરો કશુ હોય કે ના હોય પણ રોગનાં નામો જબરા આપતા હોય છે. મને રુપાળો રોગ કહે છે..હાઇ બ્લડ પ્રેસર.. ખવાતુ તો નથી જ પણ દવા તો ખાવી જ પડેને? અને પાછી ડરાવણી ચેતવણી તો ખરીજ કે સાચવશો નહિ તો કેસ બગડી જશે..ડીપ્રેસનમાં જતા રહેશો..મને ખબર છે જેમ હર્ષલ તારી બાને આવી ઉભી કરી ગયો ની જેમતુ પણ આવીને મને ઉભો કરીને જઇશ.
આ કેવુ છે હેં? તુ આવવાનો છે તે વાત થીજ જાણે અંદરની બળતરા ક્યાંય હવા થઇ ગઇ તે ખબર સુધ્ધા ન પડી . ચાલ તુ આવશે તેનાથી અમે બંને રાજી થઇ જવાના છીયે..

આ લખું છું ત્યાં નીચે ખડ્ખડાટ જોયો અને થયુ તુ આવ્યો.

હા તુ આવ્યો.. થૉડોક દુબળો પડી ગયો છું. મને ખબર છે તુ આવીને મને પગે લાગીશ. અને હૈયામાં તો આશિર્વચનો નો ધોધ વછુટે છે. તારી બાની આંખો ભરાઇ જશે અને મારુ મન પણ તેના આંસુની જેમ જો ને વરસે છે મબલખ ધારે..

આવ મારા દિકરા કહેતા ભીંજાણી મારી આંખ!
ઉજ્વળ લાગણીઓ લઇ આવ્યો ફેલાવી પાંખ!

પૂ. મોટાભાઇ (પાંચ)

સોહમે ડાયરી ખોલી અને મન ખાલી કરવા માંડ્યુ.મારા આવ્યાની ખુશી તેમના ચહેરા પર આવી તો ખરી પણ લાંબી ના રહી..હજી તો ત્રણ વર્ષ જ થયા છે મને અમેરીકા ગયે અને આ શું હું જોઉં છું?

તમને દવા લેવામાં તકલીફ થાય છે.શરીર સારુ એવુ ઉતરી ગયુ છે.ખાવામાં એવુ લાગે છે કે ખાવાનું ભાવતુ નથી. શરીર હવે કળ્યા કરે છે કશું ગમતુ નથી…

મારામાંનો દિકરો તમને એક્ષ રે ની નજરે જોઇ રહ્યાં છે તમારુ અસુખ મને ડંખે છે..
બા તમારી તકલીફો કહે છે..સાથેની નર્સો પાસેથી તમારા બધા જ રીપોર્ટ જોયા છે
શરીર તમારુ ઉંમર સાથે ઘસાય છે..
મને કેમ એવુ લાગે છે કે તમને ભર્યા ભાદર્યા ઘરમાં
અનંત ન શમનારુ ઘેરુ કાળુ ડીબાંગ એકાંત..જ અનુભવાય છે…
મોટાભાઇ ઉંમર વધતા શરીર કરતા મન વધુ નબળું પડ્યું છે.
એકલા પડ્યાનો અહેસાસ એકલા પડતા પહેલા લઇ આવી તમને વધુ નબળા પાડે છે
ચાર ચાર પેઢીઓ લાંબી દડમજલ એટલુતો જરુર કહે છે તમે લીલી વાડી માણો છો
તમને યાદ છે કે નહિ તે તો ખબર નથી પણ..
તમે જ એક વખત કહ્યું હતુ કે
પ્રભુની કૃપા કેવી રીતે ક્યાં ઉતરે છે તે કોઇ સમજી શકતુ નથી
પણ દરેક જણ્ અનુભવી શકે છે.
આ વાત તમે દાદાને કહેતા હતા
ત્યારે તે નહોંતી સમજાઇ પણ્
અત્યારે મને એવુ લાગે છે કે તમે
તે કૃપા તમારા પર ઉતરશે તેવો ભરૉંસો છોડી બેઠા છો
કેમ
? કેમ? કેમ?
હાલ તો જેટ લેગની અસર છે તેમને ટીવી સીરીયલ જોવી છે..કાલે ફરીથી નવી વાત કરીશ.સોહમે ડાયરી બંધ કરી
શીખા સોહમનાં મનોભાવને વાંચતી હતી.. મનો મન તે સોહમનાં માબાપને તે વંદતી હતી કેવા ગુણીયલ અને કેળવેલા સંતાનો છે?
પ્રિય સોહમ (પાંચ)

આ બાજુ મોટાભાઇ અને બા તેમના રુમમાં ચિંતા કરતા હતા આ છોકરાને દસ હજાર માઇલ દુરથી દોડાવ્યો. હવે ડોક્ટરોને બતાવી થતી તકલીફો નિવારી દઇએ. પગ અને હાથ ધ્રુજે છે અને આ મગજ નો એક્ષરે કઢાવવાનો છે તે કરી નાખી આ સમગ્ર બીમારી શેની છે તેનુ નિરાકરણ લાવી દઇએ. બા કહેતા હતા કે આ તમારાથી ખવાતુ નથી અને ગોળીઓ ગળાતી નથી તેનો પણ નિકાલ લાવી દઇએ

ડો શાહ અને સોહમ ખાસ મિત્રો તેથી તેમને દવાખાને લઇ જઇ પહેલા તેમનાથી ખવાતુ નથી તે પ્રશ્નનો ઉકેલ લાવવા સોહમ કટી બધ્ધ થયો. બેરીયમ ટેસ્ટ કરાવવાનો હતો ભુખ્યા પેટે એક્ષરે નાં મશીન સામે સોહમને ઉભો રાખીને મોટાભાઇને બેરીયમ પીવડાવ્યુ અને સોહમ અને ડો શાહે બંનેએ જોયુ તો બેરીયમ ક્યાંય અટક્યુ નહોતું અને ભારેમાં ભારે ડોઝ પણ સહજ રીતે ગળામાંથી કોઇ પણ તકલીફ વિના પસાર થઇ જતા જોઇ બંને આનંદ વિભોર થઇ ગયા. તેમને ગળા માં કે અન્નનળીમાં બ્લોક કે કેંસર નહોતુ.

હવે નિદાન આગળ ચાલ્યું કે જો બેરીયમ ટેસ્ટ સફળ હોય તો દવા કેમ ગળાતી નથી તો તાર્કિક પરિણામો બે જ હતા કાંતો તેમના મનમાં ડર છે અથવા તો તેમના મગજમાંથી સતત એવા સંકેતો જાય છે જે એમને તેમ માનવા મજબુર કરે છે કે તેમની અન્નનાળી સાંકડી થઇ ગઇ છે.હવે તે નિદાનને સ્પષ્ટ ગણવા માટે ચેતા તંત્ર નિષ્ણાત ડો બુચને બતાવવા લઇ જવાનુ નક્કી થયુ

તેમણે વિધ વિધ પરિક્ષણો ને અંતે નિદાન આપ્યુ તેમને અશક્તિ છે. સારુ ખાવાનુ આપો. આખુ ઘર જે કહેતુ હતુ તે કહેતા પહેલા હજારો રુપિયાનાં ધુમાડાને અંતે કહેવાનુ સોહમનાં ભાગે આવ્યુ કે હવે આ જિદ છોડો અને “સ્વ” ડોક્ટર બનવાનુ છોડો…બા હસતા હસતા બોલ્યા..હવે તો સંતોષ થયો? તમારો દિકરો પણ અઠવાડીયા પછી તે જ કહે છે જે અમે તમને કહીયે છે.

સોહમ તેની ડાયરીમા લખતો હતો

જિંદગી બહુજ લાંબી સફર છે
તેમા થાકવાનું તો પરવડે જ નહી.
જોઇ લો સમુદ્રનો કિનારો
ક્યારેય મોજા આવતા અને જતા અટ્ક્યા છે?
શ્વાસ અને ઉચ્છશ્વાસની ગતિવિધિ એજ તો છે
થાક્યાની વાત તો શું?
સ્વપ્નમાં પણ ચાલવાનું ક્યાં અટકે છે?

પ્રિય સોહમ (છ)

તેં સુચવેલો ડાયરી લખવાનો રસ્તો તો બહુ જ ઉપયોગી નિવડી રહ્યો છે.
સમય નથી જતો વાળી ફરિયાદ હવે તેનુ સ્વરુપ બદલે છે અને તારી બા હવે મને કહે છે તમે તો હવે લખ લખ જ કરો છો. જો કે તેમ કહી તે આનંદ જ વ્યક્ત કરે છે કારણ હું વ્યસ્ત રહું તો તેના ધર્મ ધ્યાનમાં મારા કારણે થતો હસ્તક્ષેપ ઘટે છે.
આજે તને મારા જીવનમાં અસર કરી ગયેલા મારા બોસની સલાહ વાળી બે વાત લખું છું આશા છે કે તે તને ગમશે.
નવો નવો સરકારી નોકરી ઉપર લાગ્યો હતો અને તે સમયે ગ્રામ સેવક્ની ભરતીનો સમય શરુ થયો હતો. સોમાકાકા જે મારા સાહેબ ઉપરાંત વડીલ હતા તેઓ ઇંટરવ્યુ શરુ થતા પહેલા મને અને રમણભાઇને કહેવા આવ્યા.
“આ જગ્યા એવી છે કે જ્યાં બેસીને તમને બે વિચાર આવશે.

1.જો હું આ માણસને નોકરી નહિ આપુ તો રવડી જશે અને તેની તેને ખબર છે તો તે તકનો લાભ ઉઠાવુ.
2. લાયક માણસ છે તેને નોકરી આપીને મને પ્રભુએ આપેલ તેના જીવનને ઉજળુ કરવાની તક લઉં.
પહેલુ કામ કરશો તો લાંચ લેતા થશો ક્યારેક પકડાશો અને જેલમાં જશો કે અયોગ્ય માણસ તમારા થકી નિમાઇ જતા તકલીફો થશે અને બીજુ કામ કરશો તો કોઇક મા બાપની આંતરડી ઠરશે અને તેના આશિષથી જીવન પર્યંત સુખી રહેશો…તમારુ કામ સરકાર તરફ્થી ફક્ત એટલું જ છે કે માણસ યોગ્ય અને લાયક હોવો જોઇએ.”

કેટલુ સાચુ અને મનનીય કથન તેમનુ હતુ? આજે 40 વરસો પછી પણ તે કથન તમને બધાને સુખી રાખે છે…તમને ક્યારેય બેકારી નડી છે? જ્યારે રમણભાઇ કહે હું સોમાકાકા કહે તેમ કરવાનો નથી.. મને કમાવાની તક મળે તો શું કામ છોડુ? આજે તેઓ તો નથી પણ તેઓના ઉપર ઘણી તવાઇઓ આવી જેલમાં જતા જતા બચ્યા અને એક પણ સંતાન તે પાપની કમાઇને લીધે સુખી નથી. આ વાતનો સારાંશ એવો પણ નીકળે કે તમે લોકો સુખી છો તેના પાયામાં ક્યાંક કોઇક માબાપની ઠરેલ આંતરડીનાં આશિર્વાદની રજ છે અને તમારે તે સુખની રજ સાચવવી હોય તો એટલુ જરુર વિચારજો કે કોઇકને મદદ રુપ થવાતુ હોય તો થજો અને ન થવાય તેવુ હોય તો કોઇને તમારા નાના લાભ માટે નડશો ના.

બીજી તેમની વાત મને ઘણી જ પ્રભાવિત કરી ગઇ હતી તે હતી 1948માં અમે કળોદ થી સુરત પાછા આવતા હતા ત્યાં મંદિર પાસેથી અમારી જીપ જતી હતી અને રેલ્વે ફાટક બંધ હતુ તેથી એક હૃષ્ઠપૃષ્ઠ ભિખારી અમારી નજીક આવ્યો ત્યારે હું અને રમણભાઇ બંને ચીઢાઇ ગયા.. મજુરી કર. ભીખ ના માંગ જેવું છાંછીયુ કર્યુ ત્યારે તે અબોલ ની આંખ સોમાકાકાને કહેતી હતી ‘સાયેબ! કામ પણ નથી કોઇ આલતુ’. ફાટક ખુલી ગયા પછી સોમાકાકા બોલ્યા

ભીખારી ભીખ માંગે ને શીખ આપે ઘરે ઘરે
મેં ન દીધુ દાન તેથી મારા આ હાલ અરે અરે

ભીખારી ને ભીખ ન આપવી હોય તો ભલે ન આપશો પણ તેનો ઉપાલંભ કરવાને બદલે બે હાથ જોડી આગળ જાવ કહેવાથી તેનો નિ:સાસો આપણને લાગતો નથી, તેની બદદુઆ લાગતી નથી. આ સંસ્કાર કહેવાય.

આજના જમાનામાં તો કદાચ તે ભિખારી એમ પણ બોલે કે મારી સાથે આવી જાવ.. પણ સંસ્કારી અને વિવેકી માણસ નોંધાયા વિના રહેતો નથી તે તો અચળ સત્ય છે.

અટ્કું? હવે નહાવાનો સમય થયો છે અને કામવાળા બહેનને પણ મારે લીધે ખોટુ થાય તે સારુ તો નહિ જ ને? બાળકોને આવા ઉત્તમ સંસ્કાર આપજે. બાળકો અને શીખાને આશિષ.
તબિયત સાચવજે અને પ્રત્યુત્તર પાઠવજે

મોટાભાઇનાં આશિષ.

પૂ. મોટાભાઇ (સાત)

તમારો પત્ર મળ્યો.
અત્યારે અહિ પહેલી વખત તાપમાન 32 ફેરન હાઇટ જેટલું છે. વરસાદની સાથે સાથે થોડાક મોટા મોટા હીમ કણો રાત્રે પડે તેવી શક્યતા છે. સામેની ખાડીમાં પાણી ભરાતુ હતુ ત્યારે પહેલી વખત ફ્લેટ નીચે હોવાનો ડર લાગ્યો કારણ કે વરસાદને લીધે પાણી નું સ્તર વધે અને તેની સાથે જળચરોમાં દેડકાં અને સાપ આવી શકે.
જો કે કર્મ જ્ઞાન તો એમ કહેતુ જ હોય છે કે વણ જોઇતી ચિંતા ન કરવી પણ જરુર જેટલી સાવધાની પણ વર્તવી જોઇએ. સંત સમાગમમાં હમણા એક વાત આવી જે મને ગમી તેથી લખુ છું આશા છેકે તમને પણ તે ગમશે.
કામ ક્રોધ મોહ અને માયામાંથી નીકળવા જરુરી જ્ઞાન તમે જો સચીત્ત થઇને શોધો તો રોજ બરોજની વાતોમાંથી મળી જશે. તેમણે સુચવેલા ચારેય બંધનોનાં રસ્તામાં મને માન છોડવાનો તેમનો રસ્તો બહુ ગમ્યો. . ક્યારેક માનભંગ થવાની પરિસ્થિતિ આવે ત્યારે કાછીયાનાં કોથમીર અને મરચા યાદ કરો. આ બીન તાર્કીક વાત સાંભળી મારા કાન ઉંચા થયા તેમણે તેમના વક્તવ્યને આગળ વધારતા કહ્યુ શાક ખરીદ્યા પછી કાછીયા પાસે બે મરચા જે કોથમીરની બે ચાર ડાળખી મફત લો છો તે કોથમીર કે મરચા ક્યારેક વનસ્પતિ કાય રુપે આપણે પણ વેચાયા હોઇશું તો આ દેહનો માન અને મોહ શું? આવી રીતે જે વિચારી શકે તે જ્ઞાની. જે સામાન્ય રીતે જે ન વિચારે તેવુ તર્ક સંબધ્ધ વિચારે.

લીંકન એંડરસન નામનાં એક વૈજ્ઞાનીકે આવીજ વાત કોઇક જુદા સંદર્ભમાં કરી હતી.એ કહે છે કે તમે જે કાર ચલાવો છો તેનો આગળ જોવાનો કાચ ખુબ જ મોટૉ અને પાછળ જોવાનો કાચ ખુબ નાનો કેમ છે તેવુ જો કદી વિચારો તો સમજાશે કે પાછળ જોવાનો કાચ સરખામણીમાં ઓછો વપરાય છે મહદ અંશે આગળનો કાચ જ વપરાય છે તેવુ ભવિષ્ય કાળ અને ભૂતકાળનું છે. ક્યારેક ગાડી પાછળ વાળવાની હોય તો જ તે અરીસાનો ઉપયોગ થાય. સામાન્ય રીતે તો આગળ જ જોવાય. જે જીવાઇ ગયું તે તો અનુભવ માત્ર..

આ વાત કહી હં તો ફક્ત અહીંની મારી વરાળ કાઢવા મથુ છુ કારણ ત્યાંનાં મારા અનુભવને અહિ કોઇ મહત્વ નથી અને 44 વરસે નવી નોકરી નવી વાતો જચતી નથી પણ્ હવે એ નક્કી થઇ જ ગયું છે કે મારે અહિ ભણી ને આગળ આવવાનું છે. બંને બાળકોની જેમ મારે પણ કોલેજમાં ભણવા જવાનું છે.

કદાચ અહિનુ ભણતર પોપટીયું જ્ઞાન ન હોવાને કારણે કે પૈસા પેદા કરવાનો એક ઉપાય તરીકે દરેકે દરેક ક્ષેત્રે લાયસંસો છે અને તે લાયસંસો મેળવવા વહેકવારીક સ્તરે ભણવુ પડે તો તેમા કોઇ નાનમ જોતુ નથી. તે આદર અને માનની રીતે જોવાતુ હોય છે. લાયબ્રેરી સાથે આમેય મારો સબંધ બહુ નાનો હતો ત્યારનો જાણીતો હતો. આ ઢળતી ઉંમરે તે વધુ મજબુત થશે. અમેરીકન ભણતર વિશેનો મારો અભિપ્રાય થોડોક જુદો છે. તે વ્યવહારીક ભલે હશે પણ સંસ્કારીક નથી તેવુ માનવાને ઘણા બધા કારણો મને મળ્યા છે.સ્વકેન્દ્રી વિચારોને પોષણ આપતી અહીની પધ્ધતિઓ અંતે તો ખાવ પીઓ અને સરકારનો વેરો ભરો વાળી વાતોને ચગાવે છે.
કદાચ આ પરિતાપ પહેલી પેઢીનાં માણસોને વધુ નુકશાન દેય છે પણ એતો ડોલરનું સ્ટીમ રોલર..તેમાં ભીંસાયા વગર ચાલે નહિ અને ભીંસનો ભાર વધે ત્યારે છેતરાયાનો અહેસાસ વધુ તીવ્ર બને.. બીજાની તો ખબર નથી પણ મને તો કોથળામાં પાંચ શેરી ભરીને જે માર વાગતો હોય તેવુ લાગતુ હોય છે.

શીખા કહે છે કર્મ ઉણા હોય ત્યારે સુરજ ડુબશે અને રાત આવશે તે ચિંતા ન કરતા હવે સવાર ઉગશે તેની કલ્પનામાં કાળી રાત કાઢી નાખો તો બીજો દિવસ આશાવંત થશે.

આ વાત ને મમળાવતા પત્ર પુરો કરું?તબિયત જાળવજો અને બાનાં ધર્મધ્યાન સાથે તમે પણ ધર્મ કરશો તેવી શ્રધ્ધા સાથે વિરમુ

સોહમનાં શત શત પ્રણામ

પ્રિય સોહમ (સાત)

તારો પત્ર મળ્યો.. શીખાની વાત તદ્દન સાચી છે અને તે રીતે હકારાત્મક વલણો અપનાવાય તો જિંદગી જરુર આનંદ દાયક બને. પણ ભાઇ 82 વરસનો મારો અનુભવ મને એટલુ તો જરુર સુચવે છે તન અને મન બે જુદા અશ્વો છે. તનને કાબુમાં રાખવુ ઘણું સહેલુ છે પણ મન નિત્ય યુવાન છે અને તેને કારણે દેહનાં દંડ ઉંહકારા નાખીને કે દવાઓ લઇને મટાડાય પણ આ મન મર્કટ કેમ નાથવુ? તે ન સમજાય.
ખૈર! હમણા છાપામાં 911ને કારણે વિના કારણ હેરાન ગતિનાં સમાચારો આવે છે અને મન વિહ્વળ થઇ જાય છે અને પાછુ એવુ પણ સાંભળ્યુ કે સરદાર કોમને બીન લાદાન ના અનુયાયી સમજી ને પાછા જાવ તેવુ કહે છે અને શાહ એટલે મુસ્લીમ તેમ માનીને પણ ખુન્નસથી હેરાન કરાય છે તેથી વધુ ચિંતા થાય… કદાચ અંશને ગન બતાવીને લુંટી લીધો તેની પાછળ કોઇ આવુ કારણ તો નહીં હોયને..?
તમે બધા સમજુ અને વહેવાર કૂશળ છો તેથી વધુ કહેવાનું ન હોય પણ બે વાત દરેક કાળે સાચી છે તે અત્યારે લખુ.
1. ચપટી ધુળનો સમય આવે ઉપયોગ નીકળે.
જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે મારા બાપુજી કોઇ પણ વસ્તુ ફેંકી દેતા પહેલા બહુ વિચારે. તેમના મનમાં એવું કે ક્યારેક ભાંગ્યુ તુટ્યુ ખપમાં આવે. જો કે આવા કારણોસર ઘર હંમેશા વણ જોઇતી વસ્તુનાં ઢગલાથી ભરાતુ રહેતુ અને અમને ઘણી વખત નાનમ પણ આવતી પરંતુ એક વખત તેમને ત્યાં જ્યારે ચોરી થઇ ત્યારે લગભગ ચોરોને હાથ કોઇ પણ કામની વસ્તુ મળી નહોંતી.. કદાચ ઘર ખોલવાની તેમની મહેનત તેમને માથે પડી હતી. આ કહેવાનું બીજુ પ્રયોજન એ પણ છે કે માઠા સમયે આ ધુળ ચોક્કસ ખપમાં લાગે છે.
2. પહેલો સગો પાડોશી તેથી તેમની સાથે સારા સબંધો રાખવા.
તમે ત્રણેય ભાઇ બહેનો અમેરીકાનાં ત્રણ ખુણે છો તેથી કોઇ આવી આપત્તી આવી પડે તો પડોશી પહેલા ખપ માં આવે તેથી વખતો વખત તેમના સુખ દુ:ખમાં સાથ આપવો અને વાટકી વહેવાર કે ત્યાંની ભાષામાં કોફી કે કેક વહેવાર રાખવો. આ સબંધો ઘણી વખત મોટી તકલીફોમાંથી બચાવતા હોય છે.

હમણા અહીં ધરતીકંપને કારણે મકાનો માં નાની વા તડો પડી છે. જિંદગીમાં પણ તેવીજ આત્મ વિશ્વાસમાં તડો પડી છે. ક્યારેક એવુ થઇ જાય છે કે તુ અહીં અમારી સાથે હોત તો નિરાંતે સુઇ શકાત. રાત પડે અને ઘર સુનુ થઇ જાય અને વિચારોનું વાવાઝોડુ મનમર્કટને કુદા કુદ કરાવે ત્યારે થાય કે આ ઘડપણ માં તન એકલુ કેમ નબળુ પડે અને મન કેમ તે ન સ્વિકારે તે ના સમજાય.

ખૈર! ધર્મ અને કર્મનાં નામે તેને શાંત કરવા મથીયે અને ડોક્ટરને કહીયે એટલે એક વધુ દવા આવે અને ઉંઘી જવાની વાત આવે. બાકી બધુ અહી જેમ છે તેમ છે. તારા પત્રો આવે છે તેથી મળ્યા જેટલો સંતોષ થાય છે.
દિવાળી નજીક આવે છે અને ધડાકા આખી સોસાયટીમાં થશે…પણ આપણા ઘરે ઘીનાં દિવા માત્ર..કેમકે ધડાકા કરનારા આશ્કા અને અંશ અહી ક્યાં છે? ખરુને…
મોટાભાઇનાં આશિષ

પૂ. મોટાભાઇ (આઠ)

સાદર શત શત પ્રણામ
ગયા પત્રમાં આપે આપની તકલીફોનું વર્ણન કર્યુ. દુ:ખ અને ગ્લાની થી મન ભરાઇ ગયું ખાસ તો તમે લખ્યું કે
“જિંદગીમાં પણ તેવીજ આત્મ વિશ્વાસમાં તડો પડી છે. ક્યારેક એવુ થઇ જાય છે કે તુ અહીં અમારી સાથે હોત તો નિરાંતે સુઇ શકાત. રાત પડે અને ઘર સુનુ થઇ જાય અને વિચારોનું વાવાઝોડુ મનમર્કટને કુદા કુદ કરાવે ત્યારે થાય કે આ ઘડપણ માં તન એકલુ કેમ નબળુ પડે અને મન કેમ તે ન સ્વિકારે તે ના સમજાય.”

શનીવારે તમે ત્યાં દૈહીક તકલીફોમાં હતાં અને હું પણ અહીં આકળ વિકળ હતો. જીવ બળતો હતો અને મનમાં થયા કરતુ હોય કે આ ” વનવાસ”ની સજા મને તમને અને તમારા પૌત્ર પૌત્રીને ભગવાને કેમ આપી હશે? ભૌતિક દુનિયા અને આધ્યાત્મનાં મારા સ્વપ્ના વચ્ચે આ “ડોલર”નું સ્ટીમ રોલર એવી ખરાબ રીતે મનને ખંડીત કરે છે કે જેની વાત નહિ. બાળકોનું ભવિષ્ય બનશે કે નહિ તે તો સમય કહેશે પણ તમારા ઘડપણ માં ન ઉપયોગી થઇ શકવાનું માનસિક કળતર અસહ્ય બની જાય છે.
સમજાતુ નથી કે આ વેદના મારી, અન્ય ભાઇ બહેનો કરતા વધુ કેમ અનુભવાય છે. કદાચ હું સંવેદંશીલ છુ અને જ્યાં તમારી કે બા ની વાત આવે ત્યારે દરેક વેદના સંવેદના બનીને મને પીડે છે. પેલા પરસુ રામની માતા જેટલી વખત છાતી કૂટે તેટલી વખત પરસુરામ કૃધ્ધ થાય તેમજ તમારા આવા વાક્યો મને પસ્તાવા તરફ લઇ જઇને સંતાપ વિષ પીવડાવે છે.વળી કોઇ પાર્વતીની આણ તો મને છે નહિ તેથી તે ઝેર આખા શરીરને વિષમય બનાવી દે તે પહેલા કર્મ અને ધર્મનો આશરો શોધી લઉં છુ. કારણ નું મારણ કાઢી લઉં છું.

અંશનો ગન પ્રસંગ એક આમ પ્રસંગ હતો તેને કોઇ રંગભેદ કે 911 સાથે સબંધ નથી. પણ તે વખતે એવુ જરુર લાગ્યું કે તેની પાસે સાયકલ હતી અને તેથી તે લુંટાયો પણ જો તેની પાસે કાર હોત તો કદાચ આવુ ના થતે. તે ગન જોઇને બી જરુર ગયો હતો પણ પહેલી વખત અસામાજીક તત્વોનો સામનો કર્યો. તેનુ હીર ઝળક્યું. માબાપ તરીકે આ સમયે તેની સાથે રહેવું જોઇએ પરંતુ તેમ ન કરતા તેને ગાડી અપાવી દેવાનું નક્કી કર્યુ.. કદાચ આ ગાડી તેને સગવડ આપશે અને તેને ભણવા વધુ સમય મળશે.
તમારી બે વાતો માં અહિ પહેલી વાત કોઇ માનતુ નથી કારણ કે જે વસ્તુની અઠવાડીયા સુધી જરુર ન પડી તેથી તેને ફેંકી દેવાનુ અહિ વધુ લોકો કરે છે. જ્યારે બીજી વાતમાં પણ લોકોને ડર વધુ લાગે છે તેથી પડોશી સાથે હાઇ અને હેલોથી એ વધુ વાત નહિ કારણ કે અહિ કોઇજ વાતમાં શરમ કે સંકોચ નહિ. જે મનમાં આવે તે કહે અને કરે..નીતિ અને નિયમો ડોલર પાસે સાવ પાંગળા..તેથી અહિ દરેક કોમો પોત પોતાને કોમનાં કે ચર્ચનાં ટોળામાં ફરે.. તમે કદાચ નહિ માનો પણ મારા પડોશીનુ નામ કરતાં કશુ પણ વધારે વાતો કરવાનો પ્રયત્ન કરું તો કદાચ તે લાલ બત્તી તરત ધરી દેશેકે તે તેમની અંગત બાબત છે જે કોઇ સાથે તે ચર્ચશે નહિ.
બીજો વિચાર આ લખતા લખતા આવ્યો કે એ તમારી લાગણી છે જે તમે તમારા અનુભવોનાં નામે અમને આપો છો પણ્ તે અનુભવો 30 વર્ષ જુના છે,, ભારતનાં છે. તે હવે એકવીસમી સદીમાં કેવી રીતે ચાલે?

આ વાત તમને એટલા માટે લખું છું કે અંશ આજ કાલ મને ‘I do not believe you” ટીપણું બહુ વખત આપે છે. તે પણ એવું જ માને છે કે બાપા તમે હજી નવા નવા છો તમને શું ખબર? અને બહુજ માન અને આદરથી તમારા વર્તનો પર મસ્તક નમી ગયું. તમે પણ અમારી યુવાનીનાં આવા કડવા વખ જેવા ઉધામા સહ્યા હશેને? અને છતા પણ મારો સોહમ મારો સોહમ કરતી માની આંખમાંથી નીતરતા નેહનું અમિ, બુંદ માત્ર ઘટતું નથી.

શીખા પણ અંશ બે અઠવાડીયે આવે ત્યારે બાની જેમજ દિકરાને શું કરી આપુ તો તેને તકલીફ ઓછી પડે અને દિકરા તારી તબિયત જાળવજેનો વહાલ વરસાદ્ કરે ત્યારે તમે બહુ જ યાદ આવો. મનમાંથી તો ફડફડતો ઉનો નિ:સાસો જ પડે કે મા તબિયતની તો વાત જ જવા દે.. અહિ તો શરીર દુખાવાની ગોળીયો ખાવ અને કામે જાવ…

ઉગતો દરેક દિવસ હરિકેનની ઘનઘોર આંધી લાવે અને આથમતો દિવસ એ હરિકેન વહી ગયાપછીનો કાદવ અને કીચડની દુર્ગંધો લાવે છે. સંતાપોથી પીડીત વ્યગ્ર મન અશાંત અને અવ્યક્ત ત્રાસોથી દાઝ્યા પછીનાં ફફડતા ફોડલાની વેદના વેઠ્યા કરે છે તેથી
હે માતાપિતા!
દેશનિકાલાની સજા પામેલ અમ વનવાસીઓને
 તમારી આપત્તીનાં સમયે હાજર ન રહી શકવા બદલ ક્ષમા કરજો.
તબિયત જાળવજો અને શાતામાં રહેશો
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ (આઠ)

તારો લાગણીથી નિતરતો પત્ર મળ્યો.
હા એ કદાચ કરમોની કઠણાઇજ.. કે તુ અહિ હતો ત્યારે તબિયત સારી હતી અને હવે નથી ત્યારે પડ્યો અને મોટુ ઓપરેશન કરવુ પડ્યું. અત્યારે તો થાપાનાં ઓપરેશન પછીની દેહ પીડા ભોગવું છું. તમે બધા મારી તકલીફોથી માનસિક રીતે પીડાવ છો જ્યારે હું બંને પીડાઓ જેવી કે શારીરીક અને તમારા બધાની માનસિક પીડાનું હું નિમિત્ત છું તેમ બંને રીતે પીડાઉં છું.

‘ઘડપણ’ ઉપરનું આ કાવ્ય વાંચ્યું અને ઇચ્છા થઇ કે તને લખી જણાવુ કારણકે લેખકે જાણે મારા મનની વાત શબ્દ સ્વરુપે મુકી હોય તેવું મને લાગે છે.

શ્વાસ શ્વસંતા સીત્તેર ગયા, લેખ લખંતા પચાસ થયા
કાળા હતા તે ધોળા થયા, ધોળા હતા તે થોડા રહ્યા

આંખનાં દિવા ઝાંખા થયા, કાનના પડદા પોળા થયા
દાંત પડ્યા ને પેઢા રહ્યા, જીભનાં લોચા વળતા ગયા

પ્રભાત પહોરને બપોર ગયો, સાંજ ઢળીને રાત પડી
પડખાં ઘસતાં પરોઢ થયું તોય ન મનને ચેન પડ્યુ

વિસ્મૃતિનો વિકાસ થયો, સારાસારનો વિવેક ગયો
હાથપગમાં ધરતીકંપ, તો ય ન બેસે વાળી જંપ

કામના વકરી કરતી કૂદાકૂદ, મનમર્કટની હૂપાહૂપ
વળગેલું તે છૂટતું ગયુ, વળગેલા સૌ છોડતા ગયા

મન દુ:ખી થઇને રડવા ચહે છતા હવે રડવુ નથી આવતુ કારણ કે હજી મનમર્કટ તો સાબુત છે. મારા અંદર નો વડીલ / અધિકારી હજી એવા નશામાં છે કે તે સમજે છે કે કુકડો બાંગ પુકારશે તો જ સવાર પડશે. આ પત્રમાં મને કહેવા દે કે તુ અને તારી બા મને સદા કહ્યાં કરો છોને કે ધર્મ કરો જપ કરો તે વાત કંઇ હું સમજતો નથી તેવુ નથી પણ આ સતત પગની પીંડીઓ જ્યાં દુખ્યા કરતી હોય ત્યાં મન તે દુ:ખમાંથી બહાર ન નીકળેતો હું કેવી રીતે મનમાં પ્રભુનું નામ લઉં? હા તુ હતો ત્યારની વાત જુદી હતી પરંતુ તે દિવસો હવે તો ગયા…
તારા પત્રમાં તુ વરંવાર દેશનિકાલાની સજાની વાત કરે છે ત્યારે એક વાત સમજ કે આ દેશનિકાલાની સજા જે તેં સ્વયંભુ લીધેલી છે. ધારે ત્યારે બદલી શકાય છે. હજી તારુ પોતાનુ ઘર અને પૈસા છે તેથી ‘ભુલ્યા ત્યાંથી ફરી ગણીયે’ વાળા ધોરણે પાછુ ફરી શકાય છે.અને તુ જો આવી શકે તો મારા ઘણાં માનસિક દુ:ખો ઘટી શકે પણ હવે તે શક્ય બને નહી.તેથી વધુ લખતો નથી શીખા આશ્કાનાં કોલેજ ગમનને કારણે અને સોળ વર્ષ પછી આવતા દરેક પરિવર્તનોથી ચિંતિત હોય તે સમજી શકાય છે. પણ તે ચાર વર્ષ દરેક માતા આ પ્રકારનાં ભયોથી પીડાય તેમા નવું કશું નથી. ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું ..

જો કે આમ કહીં મેં પણ હંગામી સમાધાન મારે માટે મેળવી લીધુ તેમ કહુ તો કશુ ખોટુ નથી. તબિયત સાચવજો અને સંપર્કમાં રહેજો એમ કહી અટકુ?
મોટાભાઇનાં આશિષ
પૂજ્ય મોટાભાઇ (નવ)

તમારો વેદનાઓથી ભરેલો પત્ર મળ્યો.
હું જે સમજુ છુ તે પ્રમાણે વેદનીય કર્મોનાં ઉદયે વેદના તો મળે જ છે પણ જિંદગીનાં ઉતરાર્ધે તમને તે મળે તેથી તે દુ:ખ સહન કરવાની શક્તિ ઓછી હોય અને તે અનુભુતી મનની મજબુતીથી સહ્ય કરવી રહી.

આશ્કા અને શીખાની વાતો આમ તો સામાન્ય અને સહજ છે પણ બે પેઢી વચ્ચેનો તફાવત દેખાયા વિના રહેતો નથી કારણ કે આશ્કા 2000માંજીવે છે અને શીખાનાં અનુભવો 1970નાં છે તે બે ના મેળ ક્યાં પડે? આશ્કાનાં મિત્રોમાં અમેરિકન ઓરીએંટલ અને સ્પેનીશ હોય..
દરેક્નાં વિચારો જુદા અને દરેકનાં માપદંડો આપણા માપદંડો કરતા જુદા અને પ્રશ્નો થાય આપણામાં આમ કેમ? અને જે જવાબે આશ્કા શાંત થાય તે જવાબે તેની મિત્રો શાંત થોડી થાય? જેમકે વિજાતિય મૈત્રી ફક્ત લગ્ન પછી કેમ?

આશ્કા સ્વિકારીલે કે આપણી સંસ્કૃતિ અલગ છે પણ ફરી કોલેજમાં જાય અને આવા આપણીજ સંસ્કૃતિનાં વિકૃત જોડા મળે અને કહે આપણે અઢારનાં થયા એટલે આપણી જિંદગી આપણી.. માબાપ ને કંઇ બધુ પુછ્યા ના કરવાનું હોય..આ ઉંમરની મઝા આ ઉંમરમાં નહીં કરીયે તો ક્યારે કરશું?

શીખાનાં અનુભવો તેના સમયનાં_ જ્યાં તેમણે આ પરિસ્થિતિ જોઇ પણ ના હોય અને વિચારી પણ ના હોય. હવે તે પરિસ્થિતિનું સમાધાન તે આશ્કાને આપે તો તે કેટલુ સચોટ હોય તે આશ્કા જ કહી શકેને? ખૈર દાદ આપવા જેવી વાત તો એ છે કે બંન્ને વચ્ચે વાત ચીતનો દોર બે સખીઓ નો હોય તેમ છે. મા દિકરી નો નહીં

ઘણી વખત શીખાને અમેરિકન ક્લ્ચરની વાતો તે શીખવતી હોય… અને ત્યાં સુધી કે મેં રાતના દસ પછી બહાર નહીં રહેવાનુ કહ્યું હોય અને તે વખતે ” પપ્પા તમે પણ શું? અમારા પર ભરોંસો નથી?”નું શસ્ત્ર એક કાબેલ સિપાહીની જેમ અજમાવી એકાદ કલાકની છુટ લઇ લે.

તેને હું બાપની વ્યથા શું સમજાવુ? કે મને બેટા તારા ઉપર પાકો ભરોંસો પણ સમાજ્ની કુરુઢીઓ પર બીલ્કુલ જ નહીં. ડેટીંગ, બોય ફ્રેંડ,પાર્ટીઓ અને વેલેંટાઇન ના ભદ્દા સ્વરુપો જ્યારે કુંવારી માતા અને જાતિય રોગોનું દુષણ લઇ બેસે ત્યાર પછી શું?

અમે અહીં તમને સારુ શિક્ષણ અને વિકાસ અપાવવા આવ્યા છે આ બધુ તે મેળવ્યા પછી ન કરાય? મારા આ પ્રશ્નનો જવાબ આશ્કાએ ભરોંસાનાં કવચ હેઠળ ખાળી દીધો. પણ મન અશાંત તો જરુર હતુ. કાજળની કોટડીમાં કાજળનો ડાઘ ક્યાં સુધી લાગ્યા વિના નહીં રહે? શીખાનો ભય અને મારી ચિંતા તમેજ કહો ક્યાં સુધી અવાસ્તવિક છે?

શીખા એ કહ્યુ સોહમ તેં મોટાભાઇને પ્રશ્ન તો પૂછ્યો પણ તેઓ પણ મારી જેમજ 1955 કે 1960નાં જ અનુભવો નહીં કહે?

તેની વાતોનો જવાબ મારી પાસે પણ નહોંતો જ..ધર્મ જ્ઞાન અહીં મદદે આવે છે..આપણને કર્મ કરવાનોજ અધિકાર છે..ફળતો જે હશે તે એના સમયે આવશે જ. તમારી વાત સાચી છે જાતે લીધેલ વનવાસ ચોક્કસ જાતે તોડી શકાય છે અને તે તોડવો અઘરો નથી પણ હું અહીંનાં કાદવે એવો ફસાયો છું કે અંશ હાલ કોલેજ્નાં પહેલા વર્ષ માં છે તેનુ ભણતર પુરુ કરુ ત્યાર પછી વનવાસ પુરો કરાય…

આંતરમન તો કહે છે તમે સાચા છો મારે નીકળી આવવુ જોઇએ
પણ તોંતેર મણનો નડે છે અને તે ચારેય જણા નાં ભવિષ્ય માટે છે..
.
બા ને મારા સાદર પ્રણામ મને ખબર છે તેઓ મારા માટે ચિંતીત છે અને હું તમારા બંન્ને ઉપરાંત અહીં સૌના માટે ચિંતીત છું.

પ્રભુને પ્રાર્થના કે સૌને સન્મતિ દે.

અટ્કુ?
સોહમ નાં આદરભર્યા પ્રણામ

પ્રિય સોહમ (9)

તારા કાગળમાં લખેલી વાત ફરી લખું તો

‘વેદનીય કર્મોનાં ઉદયે વેદના તો મળે જ છે પણ જિંદગીનાં ઉતરાર્ધે તમને તે મળે તેથી તે દુ:ખ સહન કરવાની શક્તિ ઓછી હોય અને તે અનુભૂતી મનની મજબુતીથી સહ્ય કરવી રહી.’

આટલી ગહન વાત તુ સહજ રીતે કહી ગયો તેથી મારી છાતી ગજ ગજ ફુલી. તારા દરેક સુચનો મને ચોક્કસ રાહત આપે છે છતા એક વાતનું મને દુ:ખ પણ છે અને તે તારા સંઘર્ષમય જીવનમાં શું ક્યારેય સારી ઘટના નથી બનતી?

હું એવુ નથી માનતો કે પ્રભુ અમેરિકામાં તને દુ:ખોનાં જ ઢગલામાં રાખે છે. ક્યારેક મને અહીં તુ જેવી તારી રોજનીશી કહેવા આવતો હતો તેવું તારા પત્રમાં જણાતુ નથી. હું તારો બાપ અને મિત્ર બંને થવા માંગુ છુ અને છુ પણ છતા કોણ જાણે કેમ તુ ખુબ જ ભાર જિંદગીનો અનુભવતો હોય તો મને કહેવા દે

સુખ અને દુ:ખ બંનેમાં જેને પ્રભુની પ્રસાદી દેખાય તે હળવો થાય અને થાય જ

મારા પગનાં દુખાવાની બાબતે હું એવુ માનું છું વેદના અને સંવેદના બંને વેદના હોવા છતા ફેર છે તેથીજ એક વેદના છે અને બીજી સંવેદના. વેદના દેહને થાય છે જ્યારે સંવેદના દેહ અને મન બંને ને થાય છે. મનની વેદના તુ મને મજ્બુત મન કરીને સહેવા કહે છે. તે નથી અને કદાચ તેનુ કારણ એ પણ છે કે જે વેદના વહેંચાતી નથી ત્યાં જે કશું ન થઇ શકે ની “લાચારી” નડે છે. બાકી એક બુમ પાડુ અને ડોક્ટર અને નર્સોની લાઇન હાજર થઇ જાય છે. તારી બા તો ચોવીસે કલાક મારી સાથે અને સાથે છે દવા ઇંજેક્શનોથી દુ:ખ હંગામી સ્તરે દુર થઇ જાય પણ મન ફરી ફરી એજ વાત કરતુ હોય કે આ દર્દ મને કેમ? મારે કેમ વેઠવાનુ? અને તે “લાચારી” મને પ્રભુધ્યાન કે મારે આ ઉંમરે કરવા જેવા દરેક કામોમાંથી રસ ઉડાડી દે છે. અકસ્માતમાં થયેલ અસ્થિભંગે મને ઘરમાં નજર કેદ કર્યો તે વાતે મારો જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો. પણ ખૈર..
તારી વાત કરું

સાંભળ મારા દિકરા! મેં અને તારી બાએ સારુ એવું જીવન પુરુ કર્યુ..સતત સફળતા અને નિષ્ફળતાઓનાં ઝોલાઓએ એમ શિખવ્યુંકે
સુખ માણવુ એ એક કળા છે. તેને બહુ તપશ્ચર્યાથી સિધ્ધ કરવુ પડે છે જ્યારે દુ:ખ તો જંગલમાં ઉગી નીકળતું બીન ઉપયોગી ઝાડીનું અડાબીડ વન છે.

તમે સૌ છોકરાઓ જ્યારે ફોન કરો તે દિવસે મન અમારું અતિ પ્રસન્ન હોય..પણ જો રડતા સમાચારો આપો ત્યારે થાય કે અમે સારા માળી ના બન્યા અને તમને એ બીન જરુરી નિંદામણોને કાઢી ફેંકતા ના શિખવ્યું.

તારા પત્રોમાં આશ્કા અને શીખાની વાતો અને તારી ચિંતાઓ હું સમજી શકુ છું પણ મને તુ જ કહે આશ્કા અને અંશ બંને નવી સંસ્કૃતિની વચ્ચે છે અને તેઓને તે સંસ્કૃતિમાં તારા કરતા કદાચ વધુ લાંબુ રહેવાનું છે તેથી તમારા કરતા વધુ સારા નારસાની દ્વીધા અનુભવતા હોય ત્યારે તારી જગ્યાએ હું તેમને કહેવા જેવુ કહીશ જરુર પણ સાથે સાથે તે આચરણ કરે તેવો આગ્રહ પણ નહીં રાખુ કારણ દરેક્ને જે મળેલ પરિસ્થિતિ છે તેમા જીવવાનુ છે.

હવે આ વાતમાં નિંદામણ કયુ? તારી જરુર કરતા વધુ ચિંતા. તુ અહીં હોત તો જે ખુલ્લા મને શીખા સાથે ચર્ચા કરે છે તે ન કરતી હોત..અને મા કરતા સારું કોણ શીખવાડે. તેથી તો કહું છું દુધ બગડી જશે તેની ચિંતા કરવાનુ છોડી દઇ દુધનું દુધ નહી રહે તો દહિં થવાદે તેમાંથી શિખંડ ક્યાં નથી થતો હેં? ઉમાશંકર જોશીની એક વાત મને જે બહુ ગમે છે તે ટાંકીને પત્ર પુરો કરુ.

જે જે પ્રાપ્ત થતો ઉપાધિ યોગ્
બની રહો તે તે લબ્ધિ યોગ

પરમ પિતા પરમેશ્વર સુખ અને દુ:ખ બંને આપશે. સુખને ઓળખો અને તેને તમારે ત્યાં ખીલવાની તક આપો તે કળા છે. જે દુ:ખનાં નિંદામણને ખેંચી નાખવાથી પણ મળે છે.

શીખા આશ્કા અંશ સૌને વ્હાલ

તને ઉષ્માભર્યા પ્રેમાળ આશિષ.

પૂ. મોટાભાઇ (દસ)

સોહમનાં પ્રણામ

આપના પત્રની બધીજ વાત સાચી છે. કદાચ છત્ર છાયામાંથી બહાર નીકળ્યા પછી મેં મારી જિંદગીને બહુ ગંભીરતાથી લેવા માંડી હતી અને તેથી ચોક્કસ સિપાહીની જેમ હું મારા કુટુંબને કોઇ પણ પ્રકારે દુ:ખ ન પડે તેની સાવચેતી રાખતા રાખતા ક્યારે દુ:ખો શોધવાની કુટેવ કેળવી બેઠો તે ન સમજાયુ. સુખદ પ્રસંગો તો ઘણા છે પણ કોણ જાણે કેમ તમને વાત કરું ત્યારે જાણે મન ખાલી થતુ હોય તેવા ભાવો આવે અને તેમા જે જિંદગીની અગત્યની બાબતો ભુલાવા માંડી. હું મારા કાન પણ પકડીશ કારણ કે તમને હકારાત્મક અભિગમો કેળવો તેવુ કહેતા કહેતા મેં મારો હકારાત્મક અભિગમ ક્યારે ગુમાવી દીધો તે ન સમજાયુ.

આપની સાથે આજે અમારા સુખનાં પ્રસંગો વ્યક્ત કરું.

એક પછી એક એમ બે વર્ષનાં ટુંકા ગાળામાં  બેંક લોન વડે 3 કાર લીધી. તે ત્રણેય કારોને જ્યારે ઘરનાં આંગણે પાર્ક કરેલી હું જોતો ત્યારે પહેલો વિચાર સુખનો જ આવતો..પછી થતું કે હપ્તા અને તે ગાડીઓનાં વિમામાં 1300 ડોલર જતા એટલેકે શીખા નો આખો પગાર જતો. પણ તેનાથી બંને છોકરા અને હું રાજી હતા.

વર્ષનાં અંતે જ્યારે માર્કેટીંગમાં ઓફીસમાં સર્વ પ્રથમ આવ્યો ત્યારે જે બહુમાન થયું ત્યારે તમને સંભાર્યા હતા.મારે માટે બ્રાંચ મેનેજર જે સારા અભિપ્રાયો આપતા તે આનંદ દાયક હતુ.  આ વર્ષે આશ્કા અને અંશ બંને સ્નાતક થશે..આશ્કા કોલેજમાં અને અંશ નિશાળમાં પણ તે અમારા માટે તો આનંદનો જ વિષય છે જ ને? વળી અંશને તેના કોમ્પ્યુટર ક્લબનાં માનદ કાર્ય માટે 5000 ડોલર જેટલો પુરસ્કાર મળ્યો તે તેની નવી કોલેજ જિંદગીની શરુઆત માટે મોટો ટેકો હતો..

આમ સુખો પણ આ ચાર વર્ષ દમ્યાન ઘણા મળ્યા. પણ તમે સાચુ જ કહ્યું કે સુખ ને માણવુ એ પણ કળા છે,, કદાચ તે માણવાને બદલે મેં દુ:ખ શોધ પ્રવૃત્તિને મુખ્ય બનાવી હતી.
વડીલ તરીકે તમે મને મારી તે કચાશ તરફ ધ્યાન દોરી મોટો ઉપકાર કર્યો. વળી આજે ડો મયુરે એક સરસ ઇ મેલ મોકલી તેનો ગુજરાતી તરજુમો અત્રે મુકુ છુ જે તમને પણ ગમશે તેવી અપેક્ષા સહ અટકું.

સતત બદલાતી દુનિયાનાં બદલાતા વલણોથી ના ડરો,
 નિર્ભય બની બદલાતા રહો
 દરેક બદલાવ લાવશે નવી ખુશી.
 ખુશીને રહો માણતા સદા કે જેથી ન થાય અફસોસ જ્યારે થાય તે જુની.
 ખુશી છે રાહ ચીંધતી હરદમ નવી દિશાઓની, નવી ખુશીઓની. તેથી તો કહું ખુશીઓને સુંઘતા રહો, માણતા રહો, પામતા રહો.
 સુખ ઘટે તે પહેલા નવું સુખ શોધતા રહો
 જુની માન્યતા નવા સુખો કદાચ ના લાવે તેથી જ કહુ
 નવા સુખોને શોધવા બદલાવને અપનાવો.
 કારણ બદલાવ જ નવુ સુખ લાવે છે
 બદલાવ સતત છે
 બદલાતા રહો નહિતર ખુશીઓ સુકાતી જશે
 નવી ખુશીઓ પણ સતત બદલાતી હોય છે.
 નવી દિશાઓ દેખાય તેનો તુરંત સ્વિકાર.
 તે રાહ છે જિંદગીમાં સુખોને વાવવાનો
 જે બદલાય તે નવા સુખો પામે ( કવચિત નવા દુ:ખો પણ)
 ના બદલાય તે જુના મુલ્યે નવી ખુશીથી વંચિત રહી જાયે
 બદલાનારો થયો એપ વાનરમાંથી
 આજનો આધુનિક અણુયુગી માનવ
***
આ સ્વાભાવાનુવાદ છે નીચેના ઇ-મેલ નો જે ડો મયુર કાપડીયાએ મને ભરુચથી મોકલ્યો હતો.
Crux of the Book by Dr. Spencer Johnson : “Who moved my cheese”
તબિયત સાચવશો અને સુખાકારીમાં રહો તેવી પ્રાર્થના.
સોહમનાં વંદન

પ્રિય સોહમ (દસ)

બદલાવની વાત તુ સરસ લઇ આવ્યો.. પણ ધીરી બાપુડીયા કારણ બદલાવ બે રીતે આવે છે.
1. એક જે છે તેમાં સારુ સાચવીને નવુ શીખીયે તે અને બીજી રીત
2. જે છે તે બધુ નકામુ છે માટે નવુ અપનાવો.

કદાચ નવો વાવડ હંમેશા દરેકને આકર્ષે છે પણ જ્યારે તે બદલાવ નુકસાનદેય પરિણામ આપે છે ત્યારે સમજાય છેકે દરેક બદલાવ આવકાર્ય નથી હોતા. અને તેથીજ ઍપ વાનરમાંથી અણુ યુગનો આજ નો માનવ થવામાં આટલા બધા વર્ષો લાગ્યા

મારી વાત કરું તો ગામડામાંથી પાંચમા ધોરણમાં હું તાલુકાની શાળામાં ભણવા ગયો ત્યાંથી શહેરની શાળામાં હોસ્ટેલમાં રહી મેટ્રીક પાસ કરી અને વધુ ભણવા બહારનાં રાજ્યમાં ગયો..નવુ અપનાવતો હતો પણ સાથે સાથે મા બાપ સાથે રહેવાનો સુખમય સમય ગુમાવતો  હતો.. તુ તો જાણે છે મોટાકાકા ફાઇનલ સુધી ભણ્યા અને વચલા કાકા મેટ્રીક સુધી.. તેમણે ઘરની હુંફ મારા કરતા વધારે ભોગવી એમના સંતાનો ને તેઓ જેટલુ આપી શક્યા તે તમારા અનુભવે તમે જ નક્કી કરો તમે આગળ છો કે નહીં?

હવે અહીં એટલુ વિચારવાનુ છે કે ભલે હું ઘરની બહાર નીકળી ગયો પણ મારા પિતા અને માતા માટેનું મારું આત્મિક કે માનસિક લગાવ સ્તર કદી નીચો ગયો નથી. તેઓ તો બે ચોપડી ભણેલા હતા છતા દરેક મંગળવારે તેમના પોસ્ટકાર્ડ આવે અને હું તેમને બુધવારે ભુલ્યા વિના જવાબ આપુ અને તે રિવાજ તમે લોકો એ પણ ચાલુ રાખ્યો સમય બદલાયે શક્ય છે પોસ્ટ્કાર્ડને બદલે ફોન આવે પણ તે થઇ પહેલી વાત કે જ્યાં તમે ત્રણ ભાઇ બહેનો નો દેશ બહાર નિવાસ છે.

શક્ય છે તમે એવા દેશમાં છો જ્યાં માબાપને ભગવાન સમજવાનો રિવાજ ન હોય..અને શક્ય છે અંશ પછીની પેઢી અંશને ન પણ ગણે ત્યાં જુનુ સાચવવાનો પ્રયત્ન તારે કરવાનો આવે. નવુ શીખતો અંશ નવા વાતાવરણમાં સંસ્કારને ગૌણ કરી પૈસાને મહત્વનાં બનાવી દે તે બને પણ વડીલ તરીકે મેં જે કર્યું તે તુ કરી શકે તો કદાચ સંસ્કારોનો વારસો આગળ ચાલશે. વડીલો વારસામાં પૈસા આપે દેવુ પણ આપે પણ સંસ્કાર તરફ્ની બેદરકારી પશ્ચિમનાં દેશોની નબળાઇ છે. તેઓની સંસ્કૃતિ આપણા જેટલી જુની નથી તેથી સંસ્કૃતિ પ્રત્યેની આપણી જાગૃતિ ખુબ જ જરુરી છે.

અંશ સોળનો થયો અને હવે કોલેજ જવાનો અને તુ કહે છે તેમ તે બીજા શહેરમાં જવાનો તેથી તે વધુ ભ્રમોનો શિકાર થશે બને તો તેના ભણતરનાં વર્ષોમાં ભણતર સિવાય બીજુ કશું ન કરે તે સમજાવતા રહેજો. જોકે આશ્કાનુ કહ્યું તે વધુ માનશે તેથી આશા રાખીયે કે તારા વનવાસનો બાકીનો તબક્કો સરળતા થી પસાર થાય. આ સમયે મળતા મિત્રો સમજુ અને સંસ્કારી હોય તો બહેકી જવાની શક્યતા ઘટે. આપણે તો કહી શકીયે પરંતુ અંતે તો ધાર્યુ ધણીનુ થાય તે તો સત્ય વચન છે ને?થોડીક અહીંની વાત લખુ?

તારી બાનો ડાયબીટીસ કાબુમાં છે. કામવાળા આવે છે તેઓ તેમનુ કામ કરે છે અને શક્ય તેટલો ધર્મ કરીયે છે. ટુંકમાં અહીં બધુ મઝામાં છે.

શીખા અને તને આશિષ
આશ્કા અને અંશને વહાલ

પૂ.મોટાભાઇ (અગીયાર)

બદલાવ વિશેનું તમારુ સુચન ગમ્યું..
તમારા સુચનો જેવું જ મને ક્યાંક વાંચવા મળેલ કે
નવી વસ્તુ સ્વિકારતા દસ વખત વિચારવુ પણ જુનુ ત્યજતા સો વખત વિચારવુ.
પણ કેટલાક બદલાવ સામે તમને કોઇ તક જ નથી હોતી. અગાઉનાં પત્રોમાં ક્યાંક મેં “ક્રીપ્ટો ક્યુબ” નામની રમત નો ઉલ્લેખ કર્યો હતો. તેવુ જિંદગીનું પણ છે તમે એક રસ્તો બહુ વિચારીને લો પણ તે રસ્તો લીધા પછી ખબર પડે કે તમે જે ધારો છો તે પરિણામ કે તે અંતિમ ધ્યેય નથી. વચ્ચે ઘણા જો અને તો માંથી પસાર થતા થતા જ્યારે તમે ધ્યેય પાસે પહોંચો ત્યારે ખબર પડે કે કંઇક જુદુ જ બની રહ્યું છે.
હર્ષલ મને કાયમ સમજાવે છે કે

અમેરિકા એ તો મોટું મેલ્ટીંગ પોટ છે. તે તમને ક્યારેય એવી તક નથી આપતું કે આ હું લઉં અને આ ના લઉં. ડોલર લેવા આવ્યા છો તો ડોલર સાથે જે આવશે તે બધુ જ મળશે.
તે કહેતો જેવો દેશ તેવો વેશ કરી લઇશ તો જલ્દી સ્થિર થઇ શકીશ.પણ હું થૉડોક વધુ આ દેશને સમજવા ગયો. અહીં વેજીટેરીયન ખાવા હવે મળે છે તો શા માટે આગ્રહ રાખવો કે તેઓની સાથે તેમના જેવુ થઇને માંસ મદિરા અને ઇંડા ખાવા.. અને પહેલી વાત તો એ કે આટલા વર્ષે હવે તો તે ગળે પણ ના ઉતરે..તે કહેતો કે તુ ભલે તારુ ગાણુ ગાયા કરજે આશ્કા અને અંશ તો જરૂર અભડાશે અને ખાતા થઇ જશે.( પછી તરત જ તેના જ મિત્ર ગૌરવ ની વાત મને મનમાં ઝબકી તે વર્ષો થી અહીં રહેતો હોવા છતા બદલાયો નહોંતો…) જો કે તે ચર્ચા તો પછી ઘણી આગળ ચાલી હતી અને તેમા તેવુ સ્પ્ષ્ટ ફલિત થતુ હતુ કે તેણે અમેરિકન સંસ્કૃતિની દરેકે દરેક વાત સહજતાથી અપનાવી હતી. અને તેની વાતો પર તે સમયે બહુ ધ્યાન નહોંતુ આપ્યું..અને માનતો હતો કે આશ્કાએ ત્યાંનુ જીવન જોયુ છે તે સમજુ છે અને અંશ તો છોકરો છે તે તો જોડે રહેશે તેથી સંસ્કાર કમી જે રહી હશે તે પુરી કરી દઇશું

હાલમાં આશ્કાની સખી પ્રિયંકા સૈયદ પીર્જાદા સાથે લગ્ન કરીને ડલાસ રહેવા ગયા.પ્રિયંકા ડોક્ટર છે અને સૈયદ મોટેલ ચલાવે છે. ત્યારે શીખાને આશ્કાએ પુછ્યું” મમ્મી! પ્રિયંકાની મમ્મી આટલો કકળાટ કેમ કરે છે? હિંદુ મુસ્લીમ ધર્મ જુદા હોવાથી તેમનુ લગ્ન જીવન નહીં ચાલે તેવુ કેમ મનાય?”

શીખા એ બહુ જ ઠરેલ જવાબ આપ્યો.

“લગ્ન એ બે વ્યક્તિનાં મિલનથી વધુ બે કુટુંબોનું મિલન છે. તેમા બને તેટલા વિરોધાભાસ ઓછા હોય તેટલુ સારુ. તેના કેસમાં ધર્મ,પૈસો અને ભણતરની વિસંવાદીતા ઉમેરાશે. તેથી તેના ઝઘડા થઇ શકે છે.”

આશ્કાએ બીજો પ્રશ્ન એ પુછ્યો

“તમારા બે વચ્ચે પણ કુટુંબને કારણે વિખવાદ તો થતા જ હોય છે તેથી હું માનુ છું કે એક મેકને ગમતા હોય તો આ ગૌણ કારણ છે. એવુ અહીં કોલેજમાં બધા માને છે.”

શીખા એ કહ્યું
“આ જ કારણે અહીંનું લગ્ન જીવન વારંવાર છુટાછેડા થી ખરડાતુ રહે છે. સરળ અને લાંબુ લગ્ન જીવન જોઇતુ હોય તો ગમવા ઉપરાંત કુટુંબ, ધર્મ, પૈસો વિગેરે ઘણી બાબતોમાં સામ્ય જોઇએ અને એ જેટલુ વધુ તેટલુ આજની સંઘર્ષમય જીવનમાં પ્રશ્નો ઓછા સરજે.”

આશ્કા કદાચ પહેલી વાર કલ્ચર અને નિયમોનુ મુલ્ય આ દ્રષ્ટીકોણ થી સમજી. પરંતુ શીખાએ તરત જ તેના માટે મુરતિયો શોધવાનાં પ્રયત્નો જોર શોર થી શરુ કરી દીધા.
મારુ મન પ્રિયંકાની મમ્મીની વેદના વેઠતું હતું.
હા તેઓ જો સુખી થશે તો સારુ પણ પ્રિયંકાની મમ્મી જેમ જોતી હતી તેમ મારુ આંતરમન આ આવનારા ભય થી કંપી ગયુ.
અહીં આવ્યા ત્યારે સારુ ભણતર અને સારુ કુટુંબ મળશે તે કલ્પનાથી પ્રફુલ્લીત હતુ..આજે 5 વરસે એવુ લાગે છે કે જો આશ્કા આવી કોઇક ભુલ કરે તો અહીંના લોકોને તો નવાઇ નહીં લાગે પણ મને તો હું મારુ સર્વસ્વ ગુમાવી બેસીશ તેવુ લાગશે..

ના મોટાભાઇ હું આવા જલદ બદલાવથી હજી તૈયાર નથી. અહીંના લોકો તો એવુ વિચારે છે કે 18 થાય ત્યારથી છોકરાઓને રોડ ઉપર રખડતા મુકી દો તો જ તેઓ જાતે કમાય લોનો લઇ ભણે અને ઠેકાણે પડે… મારામાંનો બાપ તો હું દેવુ કરીને તેમને ભણાવુ તેમ ઇચ્છતો હોય છે.શીખા મને આશ્વાસન આપતા કહેતી આપણા બાળકો આવુ ના કરે.. તેમના તેવા સંસ્કાર નથી…
ખૈર…

મને તમે કહેલી વાત યાદ આવે છે.

ભય કરતા ભયની કલ્પનાઓ વધુ ભયજનક હોય છે. અને જે ડરે છે તેને બધા જ ડરાવે છે

તબિયત જાળવજો અને સૌ યાદ કરતાને અમારી યાદ આપશો.

અટકું?

સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ ( અગીયાર)

તારો પત્ર મળ્યો તમારી અમેરિકન દ્વીધાઓ માણવાનો એક વધુ મોકો મળ્યો.
કદાચ સાત વર્ષમાં અહીં કેટલુ પરિવર્તન આવ્યું છે તેનાથી તુ કે શીખા એટલા વાકેફ નથી તેથી તુ તારા સંતાનો ની અંગત જિંદગીમાં લાગણીભરી દખલ કરી રહ્યો છે. અહીં ટીવી અને સંદેશ માધ્યમોને કારણે પશ્ચિમનાં દરેક દુષણો રોકેટ્ની ઝડપે પ્રસરી રહ્યાં છે. ડેટીંગ, વિવાહો તોડવા, છૂટા છેડા અને સ્વ કેન્દ્રી વિચાર ધારા અહીં પણ ઝડપ ભેર સંસ્કૃતિને મલિન કરી રહ્યા છે. તે બધુ હોવા છતા અહીંનો માણસ ગરીબીને ઝેલી રહ્યો છે સારી તકનીકી વિકાસધારામાં આગળ વધી રહ્યો છે.

આમેય મને ક્યારેક એવુ લાગે છે કે તારુ વિચાર તંત્ર દુ:ખ તરફી વધુ છે અને તેથી ક્યારેક મને થાય છે કે આ ખોટા હોકાયંત્રની સાચી વાત સમજાવવવા મારે તને શું કહેવુ? એક વાત સમજ દરેક હોકાયંત્રની સોય ઉત્તર જ દિશા બતાવે અને તેજ રીતે દરેક જણ પોત પોતાના સુખો કે દુ:ખો પ્રભુ પિતા પાસેથી લખાવીને જ લાવતા હોય છે. તમને તો તે નાના ભુલકાને તાપ અને તડકો ના લાગે ત્યાં સુધી છાંયડો આપવામાટે નિરમ્યાં છે. દરેક સંતાનો ને તેના સમયે તેમનું જીવન સાથી મળશે અને તેમનુ જીવન જે રીતે વિધાતાએ નિરમ્યું હશે તે રીતે જશે.
ધર્મ આને કર્તા ભાવ કહે છે, જાણે તુ નહીં હોય તો બીજે દિવસે સુરજ નહીં ઉગે.

લાગણીઓને પણ મર્યાદા હોય છે તેને પણ નિયંત્રણમાં રાખવાની હોય છે. હા અહીંનાં નિયમો પ્રમાણે દિકરી મોટી થઇ એટલે તેના માટે મુરતિયો શોધવાનો તે શીખાનો નિર્ણય સાચો પણ તેની કોઇ સખી પર ધર્મી સાથે નાસી ગઇ તેથી આશ્કા પણ તેવુજ કરશે તેવો ભય એટલે હોકાયંત્રની દિશા ખોટી જોવી.
લાગણીનુ કવચ આપણને ભીરુ બનાવે તે ન ચાલે અને સાથે સાથે પ્રભુની કૃપા જોવામાં વિઘ્ન નાખે તે પણ ન ચાલે. ચાલ તને બતાવુ તારા ઉપર પ્રભુ ની કૃપા ક્યાં ક્યાં છે.

હર્ષલે જે તકલીફો જોઇ તેમાની તારે ભાગે કેટલી આવી?
છ મહિનાનાં ટુંકા ગાળામાં સારા લાભો વાળી નોકરી મળી તેથી આશ્કા અને અંશ નું ભણતર વિના વિઘ્ને પુરુ થયું?
ભાડાનાં ઘરમાંથી તારુ પોતાનુ ( ભલે બેંક માલિક હોય) ઘર થયું.
ત્રણે જણા કામ કરો અને શીખા બધાના સમયો સાચવે આ એક ઉત્તમ અન્યોન્ય સહાય થી બધાનો સામુહિક ઉત્થાન થઇ રહ્યો છે.
હા હજી ત્યાં તમને અહીં હતુ તેવુ ઘર નથી. ઘાટી રામલો કે પટાવાળો નથી. કે અહીંનાં જેવા મિત્રો અને સગા વહાલા નથી તો હા તે સ્વિકારવુ રહ્યું કે તે નથી.
અને જે નથી તેને ગાયા કરવાને બદલે ત્યાં જે છે તેને માણો અને શક્ય હોય તો ધર્મ અને સમતા કેળવો. કાલે ઉઠીને અંશ સારુ ભણી રહેશે પછી અહી છે તેવુ બધુ મળશે તેવો આશાવાદ રાખો અને એક વાત સો ટચનાં સોના જેવી હંમેશા યાદ રાખો દિકરા અને દિકરીઓ કંઇ કાયમ પૈસાનાં જ હક્ક કરે છે તેવું નથી તેમના માટે માવતરનાં આશિર્વાદો પણ એક મૂડી છે. જ્યારે મારા મનમાંથી તારી સુખાકારી માટે આશિર્વાદ નીકળે તે સમયે બધા જ પૌત્રો અને પૌત્રી માટે તે નીકળે જ.

છેલ્લે એક વાત લખી તારા મનનાં સંવેદનો ને વહેવારુક વાતોનો લેપ લગાવુ?

નિયંતાએ જ્યાં પૂર્ણ વિરામ કર્યુ ત્યાં
શકટની નીચે ચાલે શ્વાન ની જેમ ના વલોપાત કર.
નિયંતાનું સર્વ વિધાન હોયે હરદમ સત્ય માની લે
અને જીવ સંતોષથી આજમાં ને પ્રભુ ધ્યાન ધર.

પૂ મોટાભાઇ (બાર)

તમારી દરેક વાતો સાચી છે. અને સાથે સાથે એક વાત એ પણ સાચી છે કે અહીં આવ્યા પછી જ સમજાય કે દેશની ભીની ભીની માટીની સુગંધ શું છે? સવારનાં પહોરમાં ઝણકતી મંદિરોની ઘંટડીઓનો રણકાર શું છે કે બાનાં ધર્માચરણોનો અર્થ શું છે? ત્યાં હતા ત્યારે કદાચ જે સહજ હતુ તે દસ હજારમાઇલ દુર આવ્યા પછી સમજાયુ કે તે સુપેરે કેવુ સુંદર હતુ? કહે છેને ત્યાં સ્વર્ગ ક્યાં તેમ પુછીયે તો ઉપર આકાશ ચિંધાતુ અને નર્ક ક્યાં છે તો નીચી ધારે પાતાળ દેખાડાતુ. બસ તેમજ જો કાલ્પનીક રીતે જમીન ખોદતા ખોદતા આવો તો તમે અહીં અમેરીકામાં દેખાશો.
જો કે એવુ પણ ત્યારે મનને સમજાતુ હતું કે જે પોતાનાં સમુદ્રનાં કિનારા ના છોડે તેને નવા સમુદ્રો ક્યાંથી જોવા મળે? હું તો જરુર કહીશ કે મારા હિસાબે આ સમુદ્રો મારા દેશનાં સમુદ્રોથી સહેજ પણ અધિકા નથી. આ વાત હું બીજા સમુદ્રો જોયા પછી લખું છું. કદાચ અંશ આશ્કા અને શીખાનો અભિપ્રાય મારા કરતા જુદો હોઇ શકે પણ મને એમ લાગે છે
ભલેને અહીંનાં ટીવી ને કારણે ત્યાં જે બગડતુ હશે તે અહીંનાં બગાડની સરખામણીમાં ઓછુ હશે… અહીં હર્ષલને પુછશો કે તેની પેઢીનાં દરેકને પુછશો તો કહેશે અહીં તેવુ સર્જન કરો પણ અહીં રહો. તેથીજ તો દરેક મોટા ગામો અને જગાઓમાં મંદીરો અને ભારતિયતા જાળવવા બને તેટલા પોતાના ભારતિય ટોળાઓમાં શનિ રવિ નીકળે છે. હું તો ભલે સુધારાવાદી હોવાનો દેખાવ કરું પણ મનથી તો એવુ ઇચ્છુંજ છું કે મારું કુટુંબ બને ત્યાં સુધી ભારતીય સંસ્કારીતા જાળવે. અને પહેલુ ચરણ જુઓ આશ્કા ને માટે સારો મુરતીયો શોધવાનો પ્રયત્ન સફળ થયો. અહીં ઉંમરલાયક છોકરા અને છોકરીઓનાં પરિચય સમારંભો યોજાય અને મારી મીઠ્ડીને એને ગમતો છોકરો મળી ગયો. કુંતલની મમ્મી તેને માટે હીરાનો હાર અને મીઠાઇનો થાળ લઇને આવી…દિકરી અને બેટા કહેતા તેની જીભ ના સુકાતી.

શીખા ખુબ ખુશ હતી અને આશ્કાતો કુંતલની સાથે સાથે સપનાનાં મહેલો સજાવતી હતી.
પણ આ આનંદ સાથે સાથે એક કમનશીબી પણ આવી. અંશ જે ધારતો હતો તે વિષયમાં નિષ્ફળ નિવડ્યો તેને અમારા વધુ પડતા ભણતર અંગેની અપેક્ષાઓમાં ઉણો ઉતરશે તો પપ્પા મમ્મીને હું શું મો બતાવીશ તેવી બીકમાંને બીકમાં માનસિક રીતે ઘસાતો ગયો…

શીખા મને આશ્વાસન આપતા કહે કે એક વર્ષ બગડ્યુ તો શું થયું? તેથી તેને ઠપકો ન આપશો કે જેથી તેનુ મન ઉદાસ ન થઇ જાય.
શીખા મને આશ્વાસન તો આપતી જાય પણ તેની આંખ પણ રડતી હતી.. તેને તો અંશને બહાર ગામ મોકલવો જ નહોંતો..છતા થનાર થઇને રહે છે. બહુ મોડેથી ખબર પડી કે ગન પ્રસંગ પછી ભાઇએ કુતરુ રાખ્યું છે.. અને કુતરાને કંપની મળે તે હેતુ થી તેની રૂમ પાર્ટંનરે પણ બીજી કુતરી રાખી છે અને તે સંગત તેને લાગતી બીક ઉડાડવા કરી છે. હું તો અંદર થી ધ્રુજી જ ગયો… સાયકોલોજીસ્ટ કહે છે માટે સારવારનાં ભાગ રુપે શેરીમાં રખડતા કુતરાને જીવ બચાવવા જીવદયાનાં નામે ઘરમાં રાખવાનાં…

મોટાભાઇ આ સંસ્કાર આપણાં નથી. આ નખરા આપણને ના પોષાય…તેને ના પાડી તો તેણે ઘરે આવવાનુ બંધ કર્યુ. તેને નોકરી અપાવવા પ્રયત્ન કર્યો તો મને જરુર નથી કહી મોટી મોટી લોનો લેવા માંડી. હવે હું અઢારનો થઇ ગયો છું. મારી જિંદગીનાં નિર્ણયો લેવાનું કામ તમે ન કરો. જે દિકરો મારો હૈયાનો હાર હતો જેના ઉપર મારી આખી જિંદગીનો આધાર હતો તે કહે છે… તમારુ તમે જાણો અને મનમાંથી જન્મી આ વાત..
મારામાં રહેલો હું જ્યારે પુત્ર બનુ છું
તો દ્રવી જાઉ છું એ પિતાનાં સંસ્કાર દાનથી
અને એજ હું જ્યારે બાપ બનુ છું ત્યારે
બનવા ચહું મારા પિતા સમ- પણ ન બની શકુ
ને ફરીથી દ્રવી ઉઠું જ્યારે ન જોઉ તને મારા જેવો
કે ન કેમ બનાવી શક્યો તને જેવો હું બન્યો
દરેકનાં કર્મ જુદાં,
દરેકનાં કર્મફળ જુદા
ફક્ત શ્વસુ નિશ્વાસે!
આ કેવુ ભાગ્ય નિયંતા તેં દીધુ?
વધુ તો શું કહું ? શ્રવણ તો બનીશક્યો હું
પણ ન બની શક્યો શ્રવણનાં પિતા સમ્
આપત્ર લખતા વધુ એક ધર્મ કડી મનમાં ગુંજ્યા કરે છે અને તે બા પાસેથે બહુ સાંભળી હતી

શું બાળકો માબાપ પાસે બાળક્રીડા નવ કરે
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે
તેમજ તમારી પાસ તારક્ આજ ભોળા ભાવથી
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી

આ હૈયુ હળવુ કરવાની વાતો છે. જે ત્યાં મિત્રો અને સગા વહાલા હતા અહીં જે છે તે બધા છે જ. છતા મોટાભાઇ આપની સાથે મન ખાલી કરવાની એક શાંતિ છે તે ઋણસ્વિકાર સાથે અટકુ. સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ ( બાર)

તારો પત્ર લગભગ સાત વાર વાંચ્યો

દરેક વખતે તારા મનની કથા અને વ્યથા વાંચી. મને સમજાતુ નથી કે દુ:ખ તારુ દ્વાર શોધતું આવે છે કે તુ તેને આમંત્રણ આપીને તેડી લાવે છે હેં?

આશ્કાને કુંતલ મળ્યો કેવી સુંદર વાત તે ફક્ત ચાર લીટીમાં લખી અને અંશ નિષ્ફળ નિવડ્યો તેના સંવેદનોમાં તે લગભગ પત્ર પુરો કર્યો. મને સમજાતુ નથી કેમ તુ વારંવાર ભગવાનનાં ન્યાય કે વિધાતાનાં વિધાનોને બદલવા મથ્યા કરે છે? તારાથી બન્યુ તે તેં કર્યુ હવે તારુ ધાર્યુ ન થાય તો તેનો સંતાપ છોડ અને સહજ બનીને જીવતા શીખ. પચાસ પછી અહીં વેદોમાં એવુ સુચવે છે કે જ્યારે પુત્ર પુખ્ત થાય ત્યારે તે મિત્ર વધુ થાય અને પિતા વાનપ્રસ્થાન તરફ પ્રયાણ કરે. આજની ભાષામાં કદાચ તે નિરિક્ષક માત્ર બનતા હોય છે.

મને એક વધુ વાત સમજાય છે અને તે કદાચ ભરોંસો તારો આશ્કા ઉપર વધુ છે તેટલો ભરોંસો અંશ ઉપર રાખ. આખરે બંને સંતાન છે. સમજણા છે. મને શાંત મને વિચારતા એવુ લાગે છે કે તેણે તારી નાણાકીય ક્ષમતા અને તેના પર પડતા ભારણ થી મુક્ત કરવા જ લોન નો રસ્તો લીધો છે. અને જરા વિચાર તો કર જેણે વીસ વર્ષની કુમળી વયે કાન ઉપર બંદુક સ્વરુપે મોત જોયુ હોય તેના મનની બીકને દુર કરવામાં એક વર્ષ બગડે તો તે કોઇ મોટી વાત નથી. શીખાનું નિદાન સાચુ છે. તેને ગાડી આપીને બસ પ્રવાસથી વેગળો કર્યો તેની સુરક્ષા વધી અને ભણવામાં વધુ સમય ગાળશે તેવો આશાવાદ અસ્થાને નથી જ.

વાત ચીતનો દોર તોડી તેણે ભુલ જરુર કરી છે. શક્ય હોયતો ભણતર ઉપર ભાર વધારાવીને માઠો સમય કાઢવામાં તેને સહાય કરજો. અહીં જુના જમાનામાં આવતી નાટય મંડળીઓની કેટલીક સચોટ અને ટુંકી વાતો કહું તો

જે થયુ તે ન થયુ થવાનુ નહોંતુ.
તેથી જે થયુ તે સારુ અને
હવે પછી જે થશે તે પણ સારુ

એમ વિચાર. અને પેલુ ફીલ્મી ગીત છે ને

મૈં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા હર ફીક્રકો હવામેં ઉડાતા ચલા ગયા

ની જેમ વણ જોઇતો ભાર વેંઢારવાને બદલે જિંદગી જે આપે તે હસતા હસતા લે. કદાચ તે સંવેદનાઓનું જોર ઘટાડશે.

મેં આગળનાં કાગળોમાં લખેલું તેમ સુખને શોધવાની એક કળા છે. અને તે છે પોતાની લીટીને જરુરિયાત પ્રમાણે નાની મોટી કરવાની. જ્યારે દુ:ખ વધતુ દેખાય ત્યારે નીચે જોવાનુ. હા અંશ ની નિષ્ફળતાઓ તને દુ:ખી કરે છે પણ ઘણા માબાપો એવા પણ છે જે તેમના સંતાનોને અંશ જ્યાં ભણે છે ત્યાં ભણાવવા માંગે છે પણ તેઓ ને પ્રવેશ નથી મળતો ત્યારે તેને પ્રવેશ મળ્યો અને કદાચ એક વર્ષ મોડો તો મોડો પણ તે સ્નાતક થશે અને તેં ધારેલ સારી આવકો અને સારી જિંદગી તેની થશે ને? તો પણ તારું પિતા તરીકેનું કામ પૂર્ણ થશેની શ્રધ્ધા રાખ.

સફળતાઓ ભોગ માંગે છે અને તે આ સ્વરૂપે તુ આપે છે.તને ખબર છે ને મંદિરમાં જેટલું મુલ્ય મુર્તિનું છે તેટલું જ પાયાનાં પથ્થરનું પણ હોય છે.

આશા રાખું કે તને મારી વાતો થી થોડીક રાહતો થશે.
ગમે તે દિશાથી જોઇશ તો હોકાયંત્ર ઉત્તર દિશા જ બતાવે તેવુ પ્રભુનાં ન્યાય અને આસ્થાનું છે. તેમના આશિર્વાદો ગગનની ગોખથી આપણા ઉપર ઉતરે અને આપણી પ્રાર્થનાઓ તેમના પ્રતિ આસ્થા સ્વરુપે ગગને ચઢે.

ફરિયાદો કરીકે મેં આવુ નહોંતુ ધાર્યુ..અરે ભાઇ તને ધારવાનુ કહ્યું જ ક્યાં હતુ? તુ તો ચીઠ્ઠીનો ચાકર છે ધાર્યુ તો હંમેશા ધણીનુ થાય.

હમણા ક્યાંક વાંચ્યુ અને ગમ્યુ તે લખુ છુ

જિંદગીનાં 50 વર્ષ પછી જો તમે કોઇને ના નડો, કે ના વઢો કે ના પડો.
તો ચોક્કસ તમે વૃધ્ધાશ્રમે નહીં રડો.

હું પડી ગયા પછી અત્યારે જે પરાધીનતા અનુભવું છું તે પીડાને કારણે મને આ વાક્ય ગમ્યું પણ પછી તારી જ કહેલી વેદનીય કર્મનાં ઉદયોની વાત યાદ આવી. ખાલી જાણ માટે લખુ છું.
અત્રે સર્વે મઝામાં છે. પણ દુ:ખની વાત એ છે કે આપણા કુટુંબની એક દિકરી સાસરેથી ત્રાસીને ઘરે આવી અને છુટા છેડા માટે સક્રિય થયા છે. હવેનો જમાનો અંગત સ્વતંત્રતાને મહત્વ વધુ આપે છે અને તેથી જ સંયુક્ત કુટુંબો તુટે છે. અને વિભક્ત કુટુંબો વધે છે.. કદાચ સંસ્કારો તેથી મોળા પડે છે. મા દિકરીને કહે તુ ખોટુ કરે છે તે સાંભળવાની દિકરીની તૈયારી નથી અને તેથી કોર્ટે ચઢી નાના બાળકોને માનસિક ત્રાસ વધુ પડે છે.

મને લાગે છે આ વાતોમાં આશ્કાને અમારા અભિનંદનો આપવાનુ ભુલી ગયો. બંને તેમની જિંદગી હાસ્ય ઉલ્લાસ અને ઉમંગથી જીવે તેવા અમારા શુભાશિષ

પૂ મોટાભાઇ (તેર)

આજે જ્યારે તમને પત્ર લખુ છુ ત્યારે મારુ મન ઘણું જ ઉદાસ છે.
અહીં ક્રેડીટ રેટીંગ સારુ રાખવુ તે ખુબ જરુરની બાબત છે. અને તે ચેક કરતો હતો અને અંશના નામે લગભગ 15 જેટલા ખોટા રીપોર્ટ દેખાયા. અને તે આખા અમેરિકાના જુદા જુદા સરનામે ….અને તે પણ બે મહીનાનાં ગાળામાં…સગવહાલાનાં નામો માં અમારા નામો દેખાય..મને ચિંતા થઇ પણ ફોન સંપર્ક નહીં તેથી શું કરવુ? બીજે દિવસે મારુ ઓફીસમાં કામ પતાવી હું તેને ગામ પહોંચ્યો…મેં બેલ માર્યો અને ઘરનાં બારણા પાસે ઉભો રહીને કહે
“તમે?”
મેં કહ્યું “હા તારુ થોડુ કામ છે તેથી આવ્યો છું”
” પપ્પા કદી આવી રીતે ફોન કર્યા સિવાય તમારાથી ના અવાય.”
મેં કહ્યું “અંશ..હું હજી તેટલો અમેરિકન નથી થયો કે મારે તારી રજા લઇને આવવુ પડે.”
બે ચાર ક્ષણો તેના ચહેરા ઉપર મારા પ્રત્યેનો “પછાત્ બાપા” જેવા ભાવને ગળી જઇને હું બોલ્યો
” આ તારો ક્રેડીટ રીપોર્ટ આટલો બધો ખોટો કેમ બતાવે છે? મને ચિંતા થાય છે તેટલા માટે દોઢસો માઇલનું ચક્કર ખાધું”
“પપ્પા! મને કેટલા વર્ષ થયા?”
“એકવીસ”
“આપણે ક્યાં રહીયે છે?”
” મને બધી ખબર છે હવે તુ તારા પગભર છે તેથી કંઇ હું બાપ મટી નથી જતો. તારુ આટલુ ખરાબ રેટીંગ તને ક્યાંયનો ય નહી રાખે..તે કહેવા આવ્યો છું” ક્ષણની ચુપકીદી પછી હું બોલ્યો “અને આ ફોન નંબર કેમ બદલી નાખ્યો છે?”
” મમ્મી બહુ ફોન કરી કરી હેરાન કરે છે અને ગમે તેવુ બોલ્યા કરે તો મારે શું કરવાનું?”
” અંશ! તે તારી મમ્મી છે તેને તારી ચિંતા થાય અને તુ ફોન ન ઉપાડે તો શું કરે?”
” પણ કલાકનાં પંદર ફોન? મને પણ મીટર ચઢે છે.”
” જો સાંભળ તુ ભણી રહે અને સારી નોકરી એ લાગી જાય અને ભણવાનુ દેવુ પુરુ કરે ત્યાં સુધી બાપ તરીકે મારી જ્વાબદારી છે અને તેથી તારી બાબતોમાં માથુ મારુ છું. આશ્કા ભણી ને સાથે રહે છે તો પગાર પણ બચે છે અને છ મહિનામાં તે સંપૂર્ણ મુક્ત થઇ જશે.”
“પપ્પા! તમે મને સલાહો આપવાનું બંધ કરો તમને ખબર જ ક્યાં છે દુનિયા અત્યારે ક્યાં છે? મને ભણવાની કોઇ જ ઉતાવળ નથી. હું જેમાંથી પૈસા બનાવુ છું તે હજી બે પાંચ વરસ મને પૈસા આપશે. ભણવાનું દેવુ તો એક વરસમાં હું પણ કાઢી નાખીશ.. અને હા આશ્કા ભલે ઘરમાં રહેતી હોય પણ તે ઘણું બધુ તમારાથી છુપાવીને કે ખોટુ બોલી ને કરે છે જ્યારે હું મને જે ગમે છે તે ખુલ્લે આમ કરીશ”
મને મનમાં ખુબ જ ગુસ્સો આવતો હતો પણ મને સંસ્કૃતનો પેલો શ્લોક્ પણ યાદ હતો પ્રાપ્તેતુ ષોડ્શે વર્ષે પૂત્રં મિત્ર વદાચરેત… મેં બને તેટલા મારા અવાજને નિયંત્રિત કરતા કહ્યું
‘અંશ કમાવાનુ તો આખી જિંદગી છે હાલ એક વર્ષ બાકી છે તો ભણી લે અને આશ્કાનાં લગ્ન નક્કી થયા છે તો તે સમયે એક્ના એક ભાઇ તરીકે તારી લગ્નમાં જરુર પડશે.”

તેના સેલફોન ઉપરથી ફોન કરી શીખા સાથે વાત કરાવી. તેણે કહ્યું મમ્મી તુ મને બહુ ફોન કરે છે તેથી થાકીને મેં નંબર બદલી નાખ્યો હતો.. શીખા કહે ભલે દિવસમાં સાંજે એક વખત અંશ ફોન કરશે.

પાછા ફરતી વખતે શીખાની દરેક વાતો યાદ આવતી હતી..તેણે તો ના જ કહ્યું હતુ છોકરાને સમજણો ના થાય ત્યાં સુધી કાંખમાંથી ના કઢાય.. આપણે એને ક્યારેય એકલો રાખ્યો નથી અને તે ભટકાઇ જશે..હા આજે તે મારો નાનો અંશ નથી તે તો પૂખ્ત હોવાનો દાવો કરતો અને સામ દામ દંડ ભેદે ડોલરોને પાડતો અંશ છે..ક્રેડીટ્માં પડેલા દરેક વાંધા મને એમ સુચવે છે કે કાંતો અંશ બુરી લતે છે કાં તે ભ્રમિત છે..

હે પ્રભુ! શું આ ભવિષ્ય આપવા હું આ ફૂલને અહીં લાવ્યો હતો? મનનું લોલક ભુતકાળ તરફ વળ્યું. શક્ય છે મેં પણ નાદાનીમાં આવી જ કોઇ ઉધ્ધતાઇ કરી હશે જેનો મને આ બદલો મળે છે તેમ વિચારી વિચારી ખુબ જ આંખો છલકાઇ..આજે જો તેવું કંઇક મારાથી થયુ હોય તો ક્ષમા પ્રાર્થી લઉં

ભરોંસો જ્યારે ખોટો પડે છે
ખામોશ હૈયે રુદન જ રહેને?

પોતના જેને માન્યા તે નડે છે
ત્યારે વેદનાનું જોર બહુ રહે છે

ભરોંસો ન કરવો તેવુ સમજ કહે
અને ભરોંસો તુટે ને હૈયુ રડે છે


જ્યારે દેશ છોડીને અહીં આવ્યા ત્યારે થતુ હતુ કે કદાચ ભારત કરતા વધુ તકો અહીં છે..હા તકો તો ઘણી છે તેને રોકડી કરવા કિંમતો પણ ઘણી ઉંચી અપાય છે મોટાભાઇ.. ડોલર તો મળશે પણ ઘરનાં હીરાની સાટે…

અટકું?
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ (તેર)

તારા આટલા બધા પત્રોમાં જેને દુ:ખ કહેવાય તે દુ:ખ ને તેં અક્ષર દેહ આપ્યો..
મારા પગનાં દુ:ખાવા કરતા તારું છેલ્લુ વાક્ય બહુ જ દર્દ જ છે બહુ મોટી કિંમતો ચુકવવી પડે છે અને હું પણ માનુ છું કે આ દુ:ખ છે. તારો પત્ર પુરો થયો અને તારી બા પણ ખાસુ રડી…હું એને શાતા આપુ કે મારી ઉદ્વિગ્નતાને ખાળુ તે સમજાતુ નથી. હર્ષલને આ વાત કરી તો એને એવુ લાગ્યું કે આવુ ના થાય તો અહીં નવાઇ લાગે.
મીઠા જળનુ માછલુ દરિયે જઇ ચઢે તેવુ થયુ ભાઇ તારે તો..
બહુ વિચારતા મને બે વાત સમજાય છે. અને તે એ કે તુ બહુ જલ્દી મુક્ત થઇ ગયો ભાઇ! તે અમેરિકન પધ્ધતિનો લાભ પણ હવે ઘડપણમાં એકલા રહેવા માટે આજથી જ કમર બાંધો ભાઇ!..

કદાચ તમને અમારા જેવુ સંતાનોનુ સુખ નશીબમાં નથી .દેહનાં દંડ તો ભોગવાશે પણ આ અપેક્ષા અને ઉપેક્ષાનાં ઝેર બહુ વસમા! મેં તો તને 45 વર્ષે અળગો કર્યો હતો જ્યારે તેં તો અંશને 20માં વર્ષે ખોયો. અહીંનું ગણિત એવુ સમજાવે છે કે દિકરો ઉદ્દંડ થાય તેનો અર્થ એવો થાય કે તે કુછંદે છે અથવા આપણને એમની ઝડપે બદલાતા નથી આવડ્યું. હું શાંત મનથી વિચારું છુ તો એવુ લાગે છે કે છોકરો કુછંદે વધારે છે. કદાચ તે અમેરિકન થવા માટે રોકેટ ગતિ થી આગળ વધે છે અને કદાચ તારી અને શીખાની વાતો થી તે ઉશ્કેરાય તેવા પરિબળો છે.

મારુ મન વધુ આક્રંદે એટલા માટે ચઢે છે કે આ તારી સાથે થાય છે..જેણે કદી પોતાના માબાપનો એક પણ અક્ષર ઉથાપ્યો નથી તે જ દિવા તળે અંધારુ? બાપ થઇને આ કહેતા દુ:ખ થાય છે પણ ભાઇ તારા મનને તેના મોહમાંથી છોડવામાં મઝા છે અને ક્યાંક ધર્મગ્રંથોમાં વાંચેલુ છે તેમ સારા દિવસો આવતા પહેલા ખુબ જ વિપૂલ પ્રમાણમાં દુ:ખો આપીને પ્રભુ માનવીને તૈયાર કરે છે. તુ જે મને કહે છે તેજ સત્ય મને અત્યારે કહેવુ ગમે છે-અમેરિકામાં આવુ ન હોય તો કેવુ હોય?
હાય ને હોય કહી દુ;ખને હલકુ કર. તબિયત સાચવ.. એવા એંધાણ છે કે હવે ડોક્ટરને ઘરમાં ન લાવ વો હોય તો માનસિક તાકાત કેળવ હજી તારા હાથ પગ અને મગજ ચાલે છે બને તેટલુ ઘડપણનું તારા માટે ભેગુ કર અને મનમાં વિચાર કર બગડેલુ સંતાન એ ઉતરેલુ ધાન છે તેના બગડવાનો અફસોસ ન કર અને સ્વસ્થ મન થી તેને નાણાકીય સહાયો આપવાની બંધ કર.એ જો અમેરિકન પધ્ધતિ પર જીવવા માંગતો હોય તો તુ ભારતિય બાપ ના બન.

શીખાને અને તને બંનેને એક જ વાત કહેવાની કે જ્યાં
આવ નહિ આદર નહિ, નહિ નૈનનમાં નેહ,
તે ઘર કદી ન જઇએ, ભલેને કંચન વરસે મેહ!

હું તારી પરિસ્થિતિ માં હોઉં તો મારા વાત્સલ્યને ગળે ટુંપો દઇને સંતાન ને ઉત્સર્જન સમજીને ભુલી જવા મથુ. બીજુ મન મને એમ કહે છે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય. તે ધારે જો તેને તારી જરુર પડે તો ચોક્કસ તારુ બધુ એને આપજે પણ જો તે ન આવે તો સજ્જનતા દેખાડી દોડીશ ના. આ તારો તેમજ એનો જમાનાની કટુતા સહેવાનો પહેલો પ્રસંગ છે. પ્રભુને પ્રાર્થના કે તેને અને તને આ દુ:ખ સહેવાને શક્તિ આપે
મોટાભાઇ નાં આશિર્વાદ

પૂ મોટાભાઇ ( ચૌદ)

ના મોટાભાઇ ના દિવા તળે સંપૂર્ણ અંધારૂ નથી….
આશ્કા મારી જ પ્રતિકૃતિ છે અને ખુબ જ લાગણી ની ભરેલી છે અને તે સતત અમને કહેતી રહે છે પૈસા બચાવો.. પણ અમને થાય કે જે કામ માટે આવ્યા છે તે પુરુ કર્યા પછી બચતની વાત! અને હવે તો દિકરીનાં લગ્ન આવશે એટલે તેને તૈયારીઓમાં પડીશુ…(ભારતિય માબાપ છીયેને..)તેને નજીકનાં ગામમાં ઘણી સારી નોકરી મળી છે એટલે લગ્ન પછી તે ત્યાં જશે…પ્રભુનો આ મોટો ઉપકાર જ ને…વળી હૈયાનાં હારને તેને ગમતો સજન સામે થી માંગતો આવે અને લાડે કોડે મારી દિકરી તેનાં ઘરે સીધાવે તેના થી રુડુ બીજુ શું હોયે? એના સાસુ તો બહુજ આશ્કા આશ્કા કરે છે. હમણા સુંદર ચણીયા ચોળીનો સેટ મોકલ્યો અને તાકીદ કરી કે તે પહેરી ફોટા પાડી તાકીદે મોકલવા… તેમને લગ્નની બહુ ઉતાવળ છે. તેમની સહેલીઓ અને કુટુંબીઓમાં આશ્કાનાં વખાણ, ફોટા અને તેમનો દિકરો કેટલી સરસ છોકરી લાવ્યો તેની ખુશી વહેંચવી છે.
મારુ અને શીખાનું મન માનતુ નથી.. આટલી જલ્દી લગ્ન ઉકેલી શકાય તેવી કોઇ જ શક્યતા નથી. હોટેલો માં જગ્યા નથી મળતી, તારીખો અથડાયા કરે છે.
બહુજ શાંતિ થી વિચાર કર્યા પછી તેના સસરાને મેં વાત કરી કે તમારે ત્યાં તો બીજુ લગ્ન છે મારે તો એક જ દિકરી છે અને મારે તો તેને રંગે ચંગે પરણાવવી છે.. અને અહીં અમેરિકામાં છ મહિના પહેલા શક્ય નથી.. હા ભારત આવો તો રાજા ઠાઠમાં દિકરીને વળાવું…

બસ આટલુ મારું બોલવુ અને તેમણે તો તરત હા કહી દીધી.. અને મને પણ ઉંડે ઉંડે એવુ તો હતુ જ આશ્કાનાં લગ્ન હોય અને બા મોટાભાઇનાં આશિર્વાદ હોય પણ તે ના હોય…આખરે આશ્કા તેમની પહેલી અને મોટી પૌત્રી છે. મોટાભાઇ! આ પ્રભુનો મોટો ઉપકાર જ ને? આ તમારા આશિર્વાદ જ ને?

હવે અમે બધા આવીયે છે. ઘરને આનંદમાં તરબોળ થવા અને કરવા…દિકરીને રંગે ચંગે વળાવવા…..બસ મહિનામાં આવીયે છે..અંશ અમેરિકન છોકરીનાં સંપર્કમાં છે તેવી વાત આશ્કા લાવી હતી..તેને તેની ઉંમર કરતા વધુ ઝડપે મોટા થવું છે… અને જે રીતે તે બદલાતો જાય છે તે જ સુચવે છે કે તે હજી કાચા કાનનો છે અને તમે જે રસ્તા સુચવો છો તેની કોઇ આડઅસરો ના આવે તે ધ્યાન રાખી ઘટીત કરીશું તે કદાચ પૈસા નથી ના નામે આશ્કાનાં લગ્નમાં ના આવે તેવુ ના બને તે માટે તેની ટીકીટો ખરીદી લીધી છે…

મનમાં આવતા વિચારોની નોંધ અહીં મુકુ છુ…

અંશ અને મારી વચ્ચે છે એક મોટો જનરેશન ગેપ
હું વસું મારા ભુતકાળમાં અને
તે વસે તેના ભવિષ્ય કાળમાં
મને જે જોવા મળી
તે તો છે ભિન્ન વિચાર ધારા
અમેરિકન રિવાજોનાં તાણા વાણા
જે વિચારોની ત્રિજ્યા જુદી ત્યાં
હું કે તે કેવી રીતે જુએ એક દ્રશ્ય
અને કેવી રીતે બને તે સમદ્રષ્ટીનું દ્રશ્ય?
જનરેશન ગેપ ગોઝારો ભાઇ
જનરેશન ગેપ ગોઝારો

અટકું?
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ (ચૌદ)

ગમી તારી લાગણી ભરી વાતો..અમારા માટે સંતાનોનું જવાબદારી ભર્યુ વલણ અમને અધમણ લોહી ચઢાવી ગયુ. ગઇ કાલે ‘બાગબાન’ ચલ ચીત્ર જોતા હતા અને તેમાં મૂળ નાયક જે વાતો કહેતા હતા તેમ મા બાપ એ નીસરણીનું છેલ્લુ પગથીયુ નથી પણ તે વટ વૃક્ષનું મૂળ છે અને સંતાનો તેમની વડવાઇ, તે વધતા વૃક્ષની બાજુઓ છે તે વાત તેં સાબિત કરી દીધી.

તમારા જેવા સંતાનોની શુભ ભાવનાઓ તો મનને ચંદન નો શિતળ લેપ આપે છે.હવે તો બેચેનીથી તમારા આખા કુટુંબને જોવા અને સાથે રહેવા અમે બંને ઉતાવળા થઇ રહ્યા છીયે. કામવાળા બહેનો પણ કહે છે સોહમભાઇ આવવાના છે અને બા અને દાદા બંને ખીલી ગયા છે. અંશ અને આશ્કા અહિથી ગયા પછી સાત વર્ષે આવે છે. કિશોરાવસ્થામાં અહિથી ગયા હતા હવે યુવાન થઇ ને આવે છે.આવો સૌ અને ખાલી માળાને પાછુ ભરી દો આનંદો થી…હવે તો રુબરુ જ ઘણી વાતો કરીશુશીખા આશ્કા અને અંશનાં અમને મીઠા ભણકારા થાય છે અને તુ તો જાણે તારા પત્ર સાથે આવીને બેસી ગયો છે અમારા ચિત્તવનમાં…

પૂ. મોટાભાઇ (પંદર)

એરપોર્ટ ઉપર જ્યારે ઉતર્યા ત્યારે ચારે જણા થાકેલા હતા.. બેગો લઇને બહાર નીકળ્યા ત્યારે દેખાતો સમગ્ર સ્નેહીવર્ગ અને મિત્રોને જોઇ સહુ ગદ ગદ થઇ ગયા. આશ્કાને લેવા તેનુ આખુ ટોળુ અને અંશને લેવા પણ તેના મિત્રો હતા ફુલ અને હાર સાથે સૌ પ્રેમાળ ઉષ્મા અને વહાલ લાવ્યા હતા..શીખા અને સોહમનાં પણ કુટુંબીઓ હતા..સોહમનાં આનંદને દ્વીગુણીત કરતા બા અને મોટાભાઇ આવ્યા હતા. આશ્કા દોડીને પહેલા દાદાજીને પગે લાગી બાને વળગી પડી પછી અંશ અને સૌ પગે લાગ્યા..ભારતીય સંસ્કારો હજી જીવંત હતા

સોહમ તો ક્યારેય કલ્પના નહોંતો કરી શકતો કે બા અને મોટાભાઇ વ્હીલ ચેરમાં એરપોર્ટ આવે. ઘરે પહોંચ્યા તો આસ પાસ અને દુર અને નજીકનાં પડોશીઓમાં પણ એજ સ્વત્વ અને આવ ભાઇનો આદર અને મીઠેરો ટહુકો મળ્યો..ભાવતા ભોજન અને ગમતીલા હાસ્યો સાથે દિવસો તો ઝડપભેર પસાર થતા ગયા. અને લગ્ન નાં દિવસો નજીક આવી ગયા.
તે દિવસે મોટાભાઇ જે લાકડીનાં ટેકા સિવાય ચાલતા નહોઁતા તે દિવસે વાતો વાતોમાં લાકડી વિના દિવાન ખંડથી રસોડા સુધી ચાલી ગયા…કામવાળા બેન બોલ્યા અંશભાઇ જુઓ તમે શું ચમત્કાર કર્યો..દાદાની લાકડી જતી રહી..બા બોલ્યા હવે તો એક નહિ બે લાકડી છે તો પછી નિર્જીવ લાકડીની શું જરુર?
તે દિવસે મોટાભાઇ બહુજ ખડખડાટ હસ્યા..નાના બાળક જેવુ નિર્દોષ અને નિર્મમ..પછી જાણે ચોરી પકડાઇ ગઇ અને પોતાની જાતે જ બોલ્યા અરે લાકડીનો હું કેદી હતોજ ક્યાં? આતો હાથવગી હોય તો અડબડીયુ ન ખવાઈ જાય તેની અગમ ચેતીજ તો વળી…હું અને અંશ તેમને વહાલભરી નજરથી જોઇ રહ્યા હતા જાણે તેમનુ બચપણનું અમારા ઉપર વરર્સેલુ વ્હાલ એમના બાળ સ્વરુપે અમે પાછુ ન આપતા હોઇએ..
પછી તો અંશે દાદા સાથે ખુબ જ વાતો કરી તેમના દાદાની, મારા દાદાની અને તેના દાદાની…અને મોટાભાઇ પણ બહુજ પ્રસન્ન હતા. સોહમ મન ભરીને ત્રણેય પેઢીનાં સંવાદો માણતો હતો તે દિવસે સાંજે રીક્ષામાં બેસી આશ્કાનાં લગ્નસ્થળની મુલાકાત લીધી. ઘરમાં સૌને સુખદ અને આનંદ દાયક આશ્ચર્ય હતુકે સાત વર્ષની સ્વૈચ્છીક નજર કેદ ભોગવતા મોટાભાઇ બહાર નીકળ્યા..કદાચ દિકરો સાથે હોવાનું સુખ તેમણે અનુભવ્યું…સોહમ પણ અતિ પ્રસન્ન હતો.

પ્રિય સોહમ (પંદર)

સોહમ અને અંશ સાથે આવ્યા છે ત્યારથી મનને કેમ બધુ ભર્યુ ભર્યુ લાગે છે તે હવે સમજાઇ રહ્યુ છે. જિંદગી જ્યારે ભોગ માંગે ત્યારે સમજ્થી તે ભોગ આપી જરુર દેવાય પરંતુ તેની એષ્ણા નામશેષ થતી નથી. નાનો અંશ જ્યારે અહિ હતો ત્યારે તેની દરેક કાલી કાલી વાતો અને પ્રશ્નોનાં જવાબો આપતા એક અવર્ણનીય આનંદ થતો હતો..જે છેલ્લા સાત વર્ષથી સમજણનાં ભાર હેઠળ દબાઇ ગયો હતો..ભલે મહિના માટે તો મહિના માટે પણ ઘર ગુંજતુ કરી નાખ્યુ સોહમ અને શીખાએ..
દિકરીનાં લગ્નની તૈયારી ચાલે છે. ઘરમાં રંગ રોગાન ચાલે છે.. શીખા આશ્કા ખરીદીમાં પડ્યા છે. અંશ કોમ્પ્યુટરમાં મારા ચિત્ર ઉપર જુદી જુદી કારીગરી કરી મને હસાવે છે અને મને હસવુ પણ બહુ જ આવે છે. સોહમ મારો વિડીયો ઉતારે છે અને સાથે સાથે પ્રશ્નોનાં ટહુકા કરી કરી મને વાતો કરાવવા મથે છે અમને બંનેને હસતા તેના વિડીયોમાં લઇને જશે..
વાતોનાં વહેણમાં કોઇક પ્રશ્ન નાં ઉત્તરમાં હું લાકડી છોડીને બીજારૂમમાં પહોંચી ગયો અને ત્યારે સમજાયું કે સોહમ અહિ હતો અને વચ્ચે નહોતો અને પાછો આવ્યો તે સમય વચ્ચે અસલામતિનાં વિચારોએ મને કેટલો પાંગળો કરી નાખ્યો હતો.. ખરી વાત છે સંતાન હોવુ અને સાથે હોવુ તે બે અલગ ઘટનાઓ છે. તેમની ગેર હાજરી મનને ઉદ્વિગ્ન વધારે કરતી હોય છે. લીલી વાડીની કલ્પના અને તેનો સાદ્રશ્ય અનુભવ અત્યારે પ્રભુ મને કરાવી રહ્યો છે. હે પ્રભુ તારા ઉપકારો અનંત છે..મારા સંતાનોને સદા કૂશળ અને આવા જ હસતા અને ખેલતા રાખજે..

 પૂ મોટાભાઇ ( સોળ)

આજે ઘર ભર્યુ ભર્યુ છે..લગ્નની ચહલ પહલ શરુ થશે..ગણેશ પુજનમાં આનંદનાં ગીતો ગાતી બાને જોઇ મન અતિ પ્રસન્ન થઇ ગયું. ગોર મહારાજ વિધિ વિધાન સમજાવતા જતા હતા અને આશ્કા નાના બાળક સમ નિર્દોષ ભાવોથી સાંભળતી અને ઝરણા જેવુ ખીલ ખીલ હસતી. મારી જેમ તેને પણ બાએ ગીતો ગાયા તે ગમ્યું. પીઠી ચોળતા મામાનું હેત છ્લક્યું માસીઓ ફોઇઓ અને મિત્રો સૌએ મન ભરીને આશ્કાને હળધર થી સુગંધી. વહાલ્ થી પ્રિયતમને જોવી ગમે તેવી રુપાળી બનાવી. કાકા કાકી પિત્રાઇ ભાઇઓએ મંડપ ની થાંભલી રોપી અને ઘર શણગારાયુ..
વાતાવરણમાં અનેરો આનંદ છે. સાંજે મહેંદીમાં ધમાલ અને મસ્તી ઘરને ઘમરોળતી હતી. મોટાભાઇનો પુલકીત ચહેરો અને બાનું મલકતુ વદન ઘરનો સર્વ શ્રેષ્ઠ આનંદ હતો અંશ કેમેરા થી સૌને પ્રસન્ન રાખતો હતો જ્યારે શીખા વારંવાર આશ્કાને જોતી અને તેના ભુતકાળમાં સરી પડતી. કયારેક તેની સદગત મા અને બાપને સંભારીને રડી પડતી.. કદાચ લગ્ન જેવા પ્રસંગે મા બાપ યાદ આવે તે જ તો સંસ્કાર પણ છે ને?આ ધમાલમાં પારુલબેના અચાનક ઝળઝળતી આંખે ગણગણ્યા
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..
કાળજા કેરો કટકો મારો….
અને આ ગણગણાટ સાંભળતા હું અને મોટાભાઇ ક્ષણમાં આંસુનાં તોરણો બાંધી બેઠા..બા બોલ્યા દિકરી તો પારકી થાપણ. તે તેના ઘેર જાય તેનો અફસોસ ના હોય. તેનુ તો કન્યાદાન કરાય અને થાપણ મુક્તિનો આનંદ ઉજવાય… વળી સારે ઘેર તેડીજવા સાજન અને મહાજન આવશે તો તેના રુડા ઢોલ વગડાવો … આમ પોચકા ના મુકો. પણ બાબુલનાં મન એમ શીદ માને..?
લગ્ન મંડપ સજાવાતો હતો ગરબાની તૈયારી થતી હતી અને યુવા પીયરીયા અને સાસરીયાની હાજ્રરીમાં ગરબા રંગે ચઢ્યા..બા અને મોટાભાઇ આનંદ થી પ્રસંગને માણતા હતા..હું મોટી બેનની અને બાની વાતો વાગોળતો હતો.. પોતાનું સંતાન આંખનાં પલકારામાં માળો છોડીને પારકુ થઇ જશે?આશ્કાનાં સાસુ બાજુમાં આવીને ટહુક્યાં અમે દિકરી લઇ જશું પણ દિકરો દઇ પણ જશું. વેવાઇ આમ ઉદાસ ના બનો!ગરબામાં સુર ગુંજતા હતા મનમાં અજબ બેચેની હતી..મન રડવા ઇચ્છતુ હતું અને હ્રદય કહેતું હતું

આ ક્ષણ ને માણી લે.. આ ખોટને આનંદ બનાવી લે
કન્યાદાનનું કુમકુમ ભાલે લગાવી લાડલીને વિદા દે

પ્રિય સોહમ ( સોળ)

લગ્નની ચોરીમાં કન્યાદાન દેવા તુ બેઠો છે શીખા બેઠી છે. કુંતલનાં પગ ધોવાય છે આશ્કાનાં મામા લગ્ન મંડપમાં તેડીને આવે છે. આશ્કા તેના પગ મમ્મી ધુએ તે રીત થી ખુબ જ સંકોચાય છે આંખમાં આંસુ દેખાય છે. સ્વજનો સાજન અને મહાજનોની વચ્ચે કુંતલ તેની માંગ ભરે છે. મંગળ સુત્ર પહેરાવે છે. ગઇ કાલે એવુ નક્કી કર્યુ હતુ કે આશ્કાને તેનો માનેલો મનમીત મળ્યો છે તેથી તેની વિદાય વખતે રડવુ નહીં પણ મને વંશ આગળ વધશે ચોથી પેઢી જોવા મળશે તેવા આનંદો કરતા હવે તુ એકલો પડીશ દિકરી ની હુંફ હવે નહી મળે એવુ વિચાર વમળ આવ્યા કરે
તુ અમેરિકા ગયા પછી એ ખાલીપો આવ્યો વેઠ્યો અને પચાવ્યો..સોહમ બહુ જ અઘરુ છે તે.. ગોર મહારાજ વિધિ સમજાવે છે કુંતલ અડધુ પડધુ સમજે છે અને આશ્કાને કહે છે હવે જરા જલ્દી પતાવે તો સારુ પણ વરરાજાની આજે ક્યાં કોઇ સાંભળે છે. લગ્ન પત્યા જમણવાર પત્યો અને એ વિદાયની ક્ષણ આવી ઉભી. કુંતલની મમ્મી હરખે ગાતી હતી
લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે
ત્યારે મારા મનમાં સોહમ અત્યારે શું વેઠતો હશે શીખા કેમ કરી તેની લાડલીને વિદાય આપશેનું મંથન ચાલતુ હતુ અને મનમાં આશિર્વચનો નીકળતા હતા
બાબુલ કી દુઆએ લેતી જા …જા તુજકો સુખી સંસાર મીલે

આશ્કા તેના કુંતલ સાથે હનીમૂન માટે નીકળી ગઇ … અને આવતી કાલે આ હલચલ અને કોલાહલ શમી જશે…પરદેશી પંખીડા ઉડી જાશે આ માળો ખાલી કરીને…સોહમ શીખા અને અંશ ત્રણેય અમેરિકા પાછા જતા રહેશે. સોહમ! તારી બા તો ધર્મમય જીવન પાછુ કરશે પણ સાચુ કહુ ભૈલા મને બહુ ખાલી ખાલી લાગશે! તારી હાજરી માત્રથી મન મારુ નિર્ભયતા અનુભવતુ હતુ.
ગાડીમાં પાછા જતા અંશ મારી સાથે હતો.. તે પણ સારો એવો ગમગીન હતો.
બહુ ઠરેલા ભાવે તે બોલ્યો.. દાદાજી મારા લગ્ન હું આટલા ધામધૂમથી નહીં કરુ..આટલા બધા માણસોને બોલાવવાના, જમાડવાના અને ખોટા ખોટા હેતનાં અને વહાલનાં દેખાડા કરવાના ને હું તો બેવકુફી સમજુ છું. મારે કહેવુ પડ્યુ ભાઇ વહેવાર છે કરવો જોઇએ અને આ વહેવારમાંજ કેટલી નવી ઓળખાણો થાય અને જિંદગી આગળ વધે…

હું જોઇ શક્તો હતો કે તેર વર્ષનાં ભારતીય અંશમાં અમેરિકા એ આઠ વર્ષમાં કેટલો બદલાવ લાવી દીધો છે. તે પોતાનુ વિચારી શકે છે..સમાજ માટેનાં તેના માપદંડો કેટલા જુદા છે. મેં તેને હસતા ટકોર કરી લગ્ન એ માબાપનું બહુ લાંબા સમયથી સંતાનો માટે જોવાતુ સ્વપ્ન છે..જે અહીં બહુ સરસ રીતે સોહમે પુરુ કર્યુ..આશ્કા માટે તો આ સ્વપ્ન અમારુ પણ હતુ.. આ ભારતીય સંસ્કૃતિ છે.
તમે અમેરિકનો એટલે તો સમૃધ્ધ બનો છે પૈસાથી અને કંગાળ બનો છો સંસ્કારોથી..
હું જોઇ શકતો હતો તેને મારી ટકોરમાં તુ દેખાયો હતો.. પણ સંસ્કાર તો હતા તેથી તેને ન ગમેલી વાત તે દલીલ કર્યા વિના સાંભળી ગયો…અને ઘર પણ નજીક આવી ગયુ હતુ.. સોહમ હું ધારતો હતો એટલો થાક્યો નહોંતો પણ દિકરી વળાવ્યાનો થાક તો વરતાતો હતો..
દુલા કાગની પંક્તિઓ સંભળાતી હતી.

લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ હું જોતો રયો;
જાન ગઇ જાણે જાન લઇ; હું તો સૂનો માંડવડો-
કાળજા કેરો કટકો મારો.

પૂજ્ય મોટાભાઇ (સત્તર)

સામાન્ય રીતે હવાઇ જહાજ્માં મને નિંદર ના આવે અને શીખા ઘસઘસાટ સુઇ જાય પણ આ વખતે અંશ સાથે હતો તેથી હું બહુ ચેન થી સુઇ ગયો.. આશ્કા નાં લગ્ન નો માનસિક થાક કે પછી અંશ સાથે છે તેની હાશ.. ગમે તે કારણ હોય પણ કન્યા દાનનું કુમકુમ ભાલે લાગ્યુ જાણે જિંદગીનાં કરવા લાયક કામોમાં એક કામ રંગે ચંગે પત્યુ તેની હાશ હતી

એરપોર્ટ પર ઉતર્યા પછીથી ફોન કરીયે ત્યારે ખબર પડે કે જે લેવા આવવાના છે તે ક્યાં છે? ઘણી વખત એવુ પણ સાંભળવા મળે કે હજી અર્ધો કલાક લાગશે..અને યાદ આવે દેશમાં તેડવા ફુલ અને હાર તોરા સાથે કુટુંબી અને મિત્રોનુ મોટું ટોળું હોય…ખેર! મનને ટપાર્યુ ભાઇ અહીં ડોલર લેવા આવ્યો છુ તો ડોલરની કિંમત તો આપવી જ પડેને? ખૈર અમારી અને અંશની બે કાર હતી અને અંશ તો સીધો જ નીકળી ગયો..
શીખાને ઘરની ચિંતા હતી..ઘર સલામત જોયા પછી થોડીક કળ વળી અને તમને ફોન કર્યો.
આશ્કા હતી દિકરી પણ દિકરાનુ બધુ જ કામ કરતી.ઘર્_ જીવન્_ વહેવાર્_ કે તહેવાર દરેક સમયે તેના નિર્ણયો બહુ જ સ્પષ્ટ આપતી. ઘણી વખતે એવુ બન્યુ કે તે જ્યાં સુધી સાથે હતી ત્યાં સુધી તેની ઉપયોગીતા હાજરી અને કલબલાટ સહજ હોય..અને હવે જ્યારે તે નથી ત્યારે તેના ભણકારા હોય તેના કરતા વધુ લાગે… ઘર શાંત થઇ ગયુ છે. શીખા તેના લગ્નની વીડીયો જુએ છે અને ક્યારેક હસે છે તો ક્યારેક રડે છે. વિદાય થતી દિકરી ને હસતી હસતી જતી જોઇ મનમાં થયું

કર્યુ અમે કન્યાદાન
કે મળ્યું અમને વરદાન્
નયને આંસુ તો આવ્યુ હતું પણ
સમજાયું ના તે ગમનુ કે ખુશીનુ
દિકરી હસતી હતી તેથી ત્યારે તો
મન મજ્બુત હતુ ,આનંદે હતુ
ખાલીપો હવે હીબકે ચઢ્યો છે
ફોટાનાં પુષ્પો તો સુકાવાનાં નથી
તે શહેનાઇની ધૂન શમવાની નથી
ખાલીપો હવે ડુસકે ચઢ્યો છે
પામ્યા હતા જે અંતરનાં આશિષો
અમ વડીલો પાસેથી અમારા લગ્ન સમયે
શત ગણા થઇ વહે નવદંપતિ કાજે
ન આ કન્યાદાન કે વરદાન

આતો જીવન કાર્યની પુર્તિનું
એક સફળ શાંતિ દાયક યોગ દાન.

જીવનમાં દિકરો અને દિકરી બંને હોવા તે પ્રભુનો આશિર્વાદ છે. તેઓ સમજુ અને લાગણી શીલ હોયતો સોનામાં સુગંધ..પરંતુ સહુથી મોટી કૃપા તો ત્યારે જ કહેવાય જ્યારે તેમને પણ મળેલા પાત્રો એટ્લે કે જમાઇ અને વહુ બંને તેટલા જ સમજુ અને લાગણી શીલ હોય. દિકરી વળાવી ત્યારે સમાજની રીત સમજાઇ લગ્ન એ બે જીવોનું નહીં બે કુટુંબો અને ઘણી વખત બે સંસ્કૃતિનુ મિલન હોય છે. તેથી તો અહિ કુંતલ તેને extended family કહે છે.

પરણી ને પગે લાગતી વખતે તે બોલી ‘પપ્પા મારા તો લગ્ન થઇ ગયા oh my god I can not beleive..” મને તે વખતે લાગ્યુ કે આંબાડાળે જાણે કોયલ ટહુકતી ના હોય..

ઘરનાં આંગણે કંકુના થાપા મારતી દિકરી સાંકેતીક ભાષામાં કહેતી ગઇ

“હે બાબુલ! તમારા લાડ,સંસ્કાર, દુલાર અને વાત્સલ્યનાં ભાથા ભરી જાઉં છું પારકાને પોતાના કરવાનાં કોલ દેતી જાઉ છુ પણ હે માત પિતા તમે મને સંસારની દોડમાં વિસરી ન જાવ તેથી આ બે થાપા સ્વરુપ મારી યાદગીરી મુકતી જાઉં છુ.”

માવતર પણ દિકરીને મૌન અને આંસુ ખાળતી આંખે કહેતા હોય છે

“આ ઘરનુ આંગણુ તારા માટે હરદમ ખુલ્લુ છે તુ ઉદરે સમાણી, ભોજને સમાણી તો તારા સારા માઠે પ્રસંગે જરુર સમાઇશ તને વિદાઇ દીધી છે તારા ભવિષ્યનાં સુંદર જીવન માટે ..પણ આ તારુ જ ઘર છે અને તુ અમ હૈયે એટલી જ વહાલી રહેવાને જેટલી તુ જ્યારે અહીં હતી”

ઘણી આવી અણ કહી વાતો માબાપ અને સંતાનો એક મેકને કહેતા હોય છે અને સમજતા હોય છે. વહેલી સવારનું પરોઢ પડે છે ભજનોની કેસેટ શીખા શરુ કરે છે.. ખાલી ઘરનાં ખાલીપા સાથે મારુ અને શીખાનું ( દિકરા અને દિકરી વિનાનુ) જીવન શરુ થયુ..
મનમાં ફરી એક આશિર્વાદ ગુંજ્યો

તારા સુહાગને ચાંદલાને અમરપટો મળે
બાબુલ તેથી વધુ શું પ્રભુ પાસે માંગી શકે..

હજી દેશ નો નશો મનમાં ઘુંટાય છે..
જેટ્લેગનાં નામે..

તબિયત સાચવજો અને સુખ શાતામાં રહેજો
સોહમનાં પ્રણામ.

પ્રિય સોહમ (સત્તર)

તુ સુખરૂપ પહોંચી ગયાનો ફોન આવ્યા પછીની રાત્રે ફરી હું પડ્યો.. વહેલી સવારે થયેલી તકલીફ માં થોડીક રોકકળ અને ધમાલ થઇ ગઇ. ડોક્ટર દવાખાનુ અને હોસ્પીટલોનુ એ ગુંગળાવનારુ ચક્ર ત્રણેક દિવસ મને નડી ગયું. મનમાં બે વાતો ઉઠતી હતી.. આ કેવુ વિધાતાનું શુભ ફળ છે કે આશ્કાનાં લગ્ન સુખરૂપે ઉકલી ગયા સોહમ પાછો પહોંચી ગયો પછી મને આ વેદના આવી. અને બીજો વિચાર આવ્યો દેહનાં કેવા ભારે કર્મો છે કે આટલી ઢળતી ઉંમરે વેદના આવે છે.
તારો પત્ર આજે મળ્યો તારા ખાલી માળા ની કલ્પના મને તમે લોકો અમેરિકા જવા નીકળ્યા પછી જે અમને ખાલીપો જણાતો હતો તેની પ્રતિકૃતિ સમ છે. વિધાતા જે સ્વરુપે જે પણ આપે તે ક્યારેક હસતા તો ક્યારેક રોતા લેવુ જ પડે છે અને તેમાથી કોઇ બીજા થકી ભોગવટો કે સાંસારિક સમાધાનો ચાલતા નથી. વધુ તો શું કહું.

તારી બા તને બહુ યાદ કરે.. ખાસ તો ધર્મની બાબતોમાં તેને પૈસો ખરચવો હોય અને તે તુ ફટ્ટ કરીને આપી દે તે વાતનો તેને બહુ જ ગર્વ.. મારો સોહમ તમારી જેમ આટલો બધો વિચાર ન કરે..વળી શીખાતો સોહમની ધર્મની વાતોમાં દરેક દાન ને દસ ગણુ કરીને મુકે. મારો જીવ માનવ ધર્મ માં માને. જીવ દયામાં માને તેથી મને તે વધુ ગમે. જો કે તુ પણ તે બધુ કરે જ આખરે લોહીનાં સંસ્કારો અમારા બંને પાસેથી તને મળેલા તેથી બંને બાજુની સારી વાતો તુ બોલતો.. પણ્ હું અને તારી બા જાણીયે કે તુ બંને ને ખુશ રાખવા મથે અને તારુ મન અમને ઠરેલા જોવા સદા તલશે. તને પૈસાની છત હોય કે અછત.. તુ વાત જણાય કે તેને ન્યાય કરે જ…

વેદનાનો ભાર વેઠવાની એક જાણે ટેવ પડી ગઇ હોય તેમ આ વેદનીય કર્મનો ભાર સહેતો જાઉ છું અને પ્રભુનો એક એવો ઉપકાર માનતો જાઉં છુ કે તુ હજી મને વધુ ને વધુ સમય આપતો જાય છે કે તારુ ભજન હજી વધુ કરી શકુ. અને સંતો તો કહે જ છે ને દુ:ખ જેટલુ આવે એટલુ એવુ મનાય કે ઉપરવાળો તેના સંસારમાં પડેલા ભક્ત નાં કાદવ દુર કરી તેને તૈયાર કરે છે તેની પાસે બોલાવવા અને તેથી જ તો કહ્યુ છે ને

સુખમેં સુમિરન ના કરે, દુઃખ મેં કરે સબ કોય,
 સુખમેં જો સુમિરન કરે, તો દુઃખ કાહેકો હોય?...

એક વાત કહુ ભૈલા!
તારી વનવાસની સજા અંશ ભણી રહે એટલે પુરી કરી દેજે..તારી બાનો વલોપાત ઘણી વખતે મને ધ્રુજાવી દે છે. કારણ મેં તો મારી લાગણીઓ તારા તરફની જે હતી તે ફરજનાં નામે દાટી દીધી પણ મારી સાથે તારી બાની લાગણીઓ ક્યારેક તારી તબિયતનાં નામે કે ઘરની વાતોમાં ક્યારેક સોહમ અહી હોત તો.. કહી નખાતા નિ:સાસાના સ્વરૂપે મને જોવા મળે છે અને મને ક્યારેક થઇ જાય છે કે મેં આ નિર્ણય લીધો તે ટુંકા ગાળાનો હોવો જોઇતો હતો..અને મને લાગે છે કે હવે અમને બંને ને તારી હાજરી હુંફ અને લાગણી ની જરુર છે. હવે અમને તારી સાર સંભાળ ની જરુર છે. શીખાની જરુર છે.
ચાલ તબિયત સાચવજે અને પત્ર લખતો રહેજે
મોટાભાઇનાં આશિષ

પુ. મોટાભાઇ ( અઢાર)
તમે બોલ્યા તે હુકમ સર આંખો ઉપર.. જો કે હું તો આજે પણ સજા ભોગવતો કેદી છું તેને જેવી મુક્તિની વાત આવે એટલે કેવો આનંદ થાય..એ આનંદની સાથે સાથે ફરીથી તમે પડ્યા તે વાતનુ દુ:ખ પણ ઘણું છે. જો કે હવે તમે સ્થિરતા પકડી રહ્યા છો તે તમારી ચાકરી કરતા દરેક્ની સામુહિક મહેનત છે. ડોક્ટરની દવાઓ અને માવજત બંને અસરકારક છે વધુ તો શું કહું?
તમે કહેતા હતા તેમ શીખા ઘરમાં બેસી રહેવાને બદલે ફરી થી સ્કુલ શરુ કરી છે.
આશ્કા તેના નવા ગામમાં નવા કામમાં વ્યસ્ત છે. કુંતલનાં ઘેર અત્યારે રીસેપ્શનની તૈયારી ચાલે છે..
અહીંનાં રીવાજો પ્રમાણે નવવધુને સાસરે સારી રીતે આવકારવાની વિધિ કરી.. કંકુ પગલે આશ્કા ઘરમાં રુમ ઝુમ રુમ ઝુમ રીતે દાખલ થઇ મોટા નણંદ બાએ ઓવારણા લીધા સાસુમા એ પાંચ પકવાન બનાવ્યા અને સારુ એવુ પાર્ટી માહોલ આગલા દિવસે ઉભુ કર્યુ.

રીસેપ્શનનાં દિવસે નવયુગલને સ્ટેજ ઉપર અમેરીકન નૃત્ય કરાવ્યું. મારો માહ્યલો આમતો કચવાતો હતો પણ શીખા પ્રફુલ્લિત હતી આશ્કા કોઇ પણ રીતે ઉણી નહોતી ઉતરી..આશિર્વચનો નો દોર શરુ થયો.. સૌએ પોત પોતાની રીતે શુભેચ્છાઓનાં પુષ્પો આપ્યા..કવિ મિત્ર વિશ્વદીપ બારડનાં કાવ્ય મેરી લાડલી નું શબ્દ સહ મેં પુનરાવર્તન કર્યુ ત્યારે આશ્કાને બહુ જ આનંદ થયો. મેં થૉડા ભાવોને ગુજરાતી દેહસ્વરૂપ આપ્યુ

દિકરી
તને આપ્યુ ઘણું છતા લાગે ઓછુ
તારા જીવનમાં ધારેલ સુખ મળે બધું
ભણતર ગણતર સંસ્કાર અને વિનયથી
કરજે દ્વીગુણીત તુજ સાજન ગૃહ વિવેકથી
કદાચ સંસારનો તાપ ક્યારેક નડે તો
અનુભવનો દરિયો બંને માબાપ તમારા
ન ડર, ન કંપ, ન ખચકાટ અનુભવતી
સત્ય, ધર્મ ને નિષ્ઠા કાયમ સહાય કરતા
તારા હાસ્યોથી બેવડાય હાસ્યો અમારા
તેવું જ બને તુજ રુદનોથી છતા
સંસારે મારુ ત્યજી અમારુ બનાવીશ
તો સહજતા થી જીવાશે આ જીવન સારુ!
જેમ ખુશી આનંદ થી ભર્યુતુ આપણું ઘર
તેમજ ભરજે હાસ્યોથી તારા સાજનનું ઘર.
તારા સુહાગનાં ચાંદ્લાને અમર પટો મળે
બાબુલ તેથી વધુ શું પ્રભુ પાસે પ્રાર્થી શકે

રીસેપ્શનમાં હાજર કેટલાય બાબુલોને કવિતા તેમની દિકરીઓની યાદ અપાવી ગઇ.સાથે આપ્રસંગોનાં ફોટા મોકલ્યા છે
તમારી તબિયત સાચવશો
પ્રિય સોહમ ( અઢાર)

તારો પત્ર મળ્યો.

વેદના સભર દિવસો તો જાણે પુરા થયા અને ઠેલણ ગાડીથી જેમ તમે ચાલતા હતા તેવી ઠેલણ ગાડી હવે સાથીદાર થઇ ગઇ છે. એકલા પડ્યાના ફાયદા ઘણા છે તેવુ હું માનતો હતો પણ તે ખોટુ છે. એકલા પડવુ અને પછી અપંગ બનવુ તે તો શ્રાપ છે. કદીક એવુ થાય કે આ જીવન જે અર્થહીન રીતે જીવ્યા કરવાનો કોઇ અર્થ ખરો? ઘણી વખત આલ્બમો માં તમારા હસતા ચહેરાઓ જોઇ થાય કે આ તે મને શું સુજ્યુ કે જ્યારે દિકરાઓને ઘેર દિકરાઓ અને તેમના દિકરાઓને ત્યાં દિકરા આવે અને તેમનુ બચપણ જોવાનાં સમયે આ કેવી દસ હજાર માઇલની દુરી?

બીજી દ્રષ્ટીએ જોઉં તો થાય કે હું અહીં કેમ રહ્યો છું? હું ત્યાં તારી સાથે કેમ નથી? હર્ષલ અને તુ બંને જણા મોટાભાઇ આવો આવો કહીને થાકી ગયા અને આ એકલતાની સજા જાતે વહોરી. તારી બા કહે ભલે શની રવિ તો શની રવિ તમે લોકો જીવતા હો તે જીવન અહીના એકલવાયા જીવન કરતા સારુ. કોણ જાણે કેમ તે વાતો ત્યારે જચતી નહોંતી અને આ પગ ભાંગ્યા પછી કાં તુ અહીં આવ કા અમને ત્યાં લઇ જા વાળી વાતો નાના બાળકની રમકડા માટેની જીદ હોય તેમ વધતી જાય છે.

તુ વિચારતો હોઇશ આ વાતો અમે હમણા આશ્કા નાં લગ્ન પ્રસંગે ત્યાં હતા ત્યારે બોલ્યા હોત તો અમારી સાથે જ તમને લઇને આવ્યા હોત…પણ ભાઇ તે વખતે આ યાતના પણ નહોંતીને? ખૈર! વહેવારે જે થતુ હોય અને અન્નજળ હોય તો જ ધારેલુ બધુ સુખ સૌને મળતુ હોય છે ને? તારી બા જ્યારે જ્યારે તારી વાત કરે ત્યારે ત્યારે મનમાં એવુ થઇ જાય કે આપણે માણસ છીયે અને ક્યારેક ભોગ આપવા કરતા જે પોતાનુ છે તેને માણવાની ઇચ્છ થઇ જાય… અને દરેક વખતે મનમાંથી પ્રાર્થના નીકળે…

હે પ્રભુ!
મારા સંતાનો મારા એકલાનાં સંતાનો નથી
એ તમારા પણ સંતાનો છે.
એ સર્વનાં ભાગ્ય વિધાતા તમે છો
આપની સર્વ કૃપા અને કરુણા તેમના પર પણ ઉતરે
તેમને દુ:ખ ન પડે તેવુ સૌભાગ્ય ઇચ્છું
તેમને સદબુધ્ધીની આપ વર્ષા કરો
અને સૌનુ ભલુ કરો.

તારી બા આ પત્ર વાંચ્યા પછી ખુબ રડી.. કહે એ જ્યારે અહી હતો ત્યારે બધુ જ ભોગવ્યુ હવે આવુ લખી તેના જીવને ના દુભવો અને એતો કહે જ છેને તમે આવો, પણ ત્યાં ઘણુ બધુ છે જે અહી નથી. અહી જે છે તેમાનુ ઘણુ બધુ ત્યાં પણ નથી. સૌથી મોટો તફાવત છે ડોલરનો અને રુપિયાનો..અને તે તફાવત રહેવાનો જ..ખૈર! જેમ તુ તારા મનમાં ચાલતા વિચારો અમને કહે બસ તેમજ મને આવતા વિચારો તંને લખ્યા છે. કોઇ પણ ઉતાવળીયુ કદમ ના લઇશ અને જેમ નક્કી થયુ છે તેમ તારુ બંને બાળકોને ભણાવવાનુ કામ પુરુ થાય પછી યોગ્ય લાગે તો આવીશ…

પુ. મોટાભાઇ ( ઓગણીસ)

આપનો પત્ર, આપની વ્યથાઓ અને આપના ઉજળા મંથનો લઇને આવ્યો. બા કહે છે તેમ થોડીક વેદનાઓ પણ થઇ. અને આંખો ભીની પણ થઇ. પણ શું કહું અને શું કરું? ની વેદનાઓ નો મલમ તો સમય છે અને તે જેમ સુચવશે તે અને તે રીતે બધુ કરીશુ.

કુંતલ અને આશ્કા હાલ તેમને ગામથી આવ્યા અને બહુ સારા સમાચાર લાવ્યા..હા. આશ્કા તેના માતૃત્વનાં તબક્કામાં છે અને ભ્રુણ પરિક્ષણમાં તેમને તેમના પહેલા બાબાને જોયો..
તમને અભિનંદન..તમારી લીલી વાડી આગળ ચાલી અને તમે તમારી ચોથી પેઢી જોશો.. મમતાનો દરિયો તો આશ્કાને જોઇ છલકાઇ ગયો..શીખા પણ આનંદમાં છે.
હવે આ સમય થોડી ઝડપ પકડે તો જલ્દી જલ્દી એ નવશીશુને જોવા અને રમાડવા મન તલપાપડ થયું છે. આશ્કા અને કુંતલ તો બેહદ ખુશ ખુશાલ છે. હજી તો છ અઠવાડીયા થયા છે. આશ્કાને સંપૂર્ણ માતૃત્વ ધારણ કરેલી જોઇ મારા માહ્યલામાં તે વખતે સુજ્યું અને બંને ને સંભળાવ્યુ કે

તમે જોયો આજે તમારો બાળ
જે આનંદે તમે ઘેલા થયા તે
આનંદ એક દિ અમારો પણ હતો
પ્રેમાળ જવાબદારીઓ હવે આવી
સંતાનો ની એક હસી ઉપર
જીવન આખુ જશે
તેના ઉંઉં ઉપર મન વારી જશે
અભાર તમારો અમને નાના નાની બનાવ્યા.

હવે ચાલી છે મીઠી રકઝક શું નામ પાડશું? કુંતલને ગમે નાનુ નામ એક અક્ષર કે બે અક્ષરનું અને આશ્કા શોધે મોર્ડન નામ..ગુજરાતી નામ..અમારા સુચનો ઉપર તો નાક ચઢે અને તેઓનાં નામો સાંભળી ને થાય અરે! આ તો કંઇ નામ છે? સ્વીટુ, ચિંતુ,લાલુ, દેવ,સત્ય, કેવીન,એજે, કિન્નર,નિષધ, બાદલ, શૈલ, ખૈર બંને જણા કોમ્પુટર ઉપર બેસીને નામો શોધતા જાય અને બોલતા જાય અને ઠેકડી ઉડાવતા જાય. કુંતલ બહુ જ સ્પ્ષ્ટ હતો કે લાબા નામો રાખવા નહીંકે જેથી અહીં બોલનારને તકલીફ પડશે અને તે બીજુ નામ બોલે તેના કરતા સરળ ઉચ્ચાર કરે તેવુ નામ શોધોને?
બહુ રક ઝકને અંતે તમારો ઉપાય આશ્કાએ અજમાવ્યો.આઠેય જણા ભેગા થઇ ચીઠ્ઠી નાખો અને જે નામ આવે તે નામ રાખવુ કુંતલનાં પપ્પા મમ્મી અને મોટી બેન્ અને અમે પાંચ. દરેક્ની ચીઠ્ઠી લખી કુંતલે અને નામ આવ્યુ એજે. આશ્કાને શું સુજ્યું કે બાકીની બધી ચીઠ્ઠી ખોલી અને કુંતલની ચોરી પકડાઇ. એને એ જે નામ એટલે રાખવુ હતુ કે ભારતીય અને અમેરીકન બંને લાગે..આખરે થોડી ધમાલ કરીને તેના પપ્પાએ આશ્કાને પુછ્યું ફરી ચીઠ્ઠી નાખવી છે? આશ્કાએ નમતુ જોખ્યુ.. ના કુંતલને તે નામ ગમે છે તો ભલે રહ્યું મને તે થોડુક જુનવાણી લાગતુ હતુ…
અને આમ અજય કે એજે નાં નામકરણ વિધિ પુરી થઇ.
શીખા પ્રેમથી આશ્કાને થાબડતા થાબડતા હાલરડુ ગાવા લાગી આશ્કા વહાલા અને હક્કથી મમ્મીનાં ખોળામાં લપાઇ ગઇ.

કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે આપણે સમય ને કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમીનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.
તબિયત સાચવજો અને સૌ યાદ કરનારને અમારી યાદ આપજો
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ ( ઓગણીસ)
તારા પત્રનાં છેલ્લા વાક્યે મને વિચારતો કરી દીધો.
કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે
આપણે સમય ની કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમિનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.
આગળનાં પત્રો ફરીથી જોયા અને વાંચ્યુ તો તારી ક્રીપ્ટો ક્યુબની કલ્પના ફરી તાજી થઇ. તેં તે વખતે તે વાક્ય જે અનુસંધાને લખ્યુ હતુ તે અનુસંધાન અને આજનુ અનુસંધાન જુદુ હોવા છતા તે હકીકતે સત્ય લાગે છે. મારા શારીરીક કષ્ટ નાં સમયે હું વ્યથીત હોઉ તે સ્વાભાવીક હોવા છતા આશ્કાની માતૃત્વ ધારણ કરવાની વાતે તો અમને પણ પ્રફુલ્લીત કરી દીધા.એકલતાનાં સમયે જે ઘાતક શારિરીક દુ:ખ આવ્યુ તે દુ:ખ ફેડવા જાણે પ્રભુ એ આ પ્રપૌત્ર જોવાની ઘટના ન જન્માવી હોય? જિંદગી બોજ બને તે પહેલા આગળ જીવવાનું એક બહાનુ આપ્યુ..દિકરીને માથે વહાલથી અમારા વતી હાથ ફેરવીને આશિર્વાદ આપજે અને ઓવારણા લેજે..
નૂતન જિંદગી જ્યારે જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે એવુ મનાતુ હોય છે કે હજી પ્રભુને માણસ ઉપરનો ભરોંસો ખુટ્યો નથી.

જિંદગીમાં ઘણી વસ્તુઓ પહેલી વાર થતી હોય છે અને ત્યાર પછી તે ઘણી વાર થતી હોવા છતા પહેલી વાર જે બને તેનુ મુલ્ય ઘણું હોય છે.તને કદાચ યાદ હશે કે નહીં તે તો ખબર નથી પણ તું પહેલા ધોરણમાં હોઇશ પણ તારી બાની કોઇક વાત તને સ્પર્શી ગઇ હતી.અને તુ તેં કરેલી બે ખારેક અને ચાર કાજુની પુછ્યા વિના લીધેલી ખાઉની માફી સ્લેટમાં લખી મને આપી હતી ત્યારે હું બહુજ ભાવ વિભોર થઇ ગયો હતો. તને બીક હતી કે હું ખીજવાઇશ.પણ તુ તો અમારી તાલીમમાં પુરો ઉતર્યો હતો અને તારો આત્મા જાગૃત થતો હતો તેનો પુરાવો આપતો હતો. ભાઇ બહેનોમાં વહેંચીને ખાવુ તે સંસ્કાર તારા આત્માને કોશતા હતા કેમકે પુછ્યા વિના લીધુ એટલે અણ હક્કનું લીધુ..તે ખોટુ કહેવાય..ચોરી કહેવાય તે વિચારોથી તુ દુ:ખી થઇ ગયો હતો..અને મને તો આનંદ એ વખતે એ વાતનો હતો કે આમ મા બાપ પાસે ખોટુ કરેલ કર્મની માફી માંગવી તેવો સંસ્કાર તારી બાની વાર્તાઓમાંથી તેં કેવી રીતે શોધ્યો અને અમલમાં મુક્યો તે પ્રતિક હતુ કે મૉટા થયા પછી તુ અણ હક્કનું કદી ન પચાવે તે નક્કી થઇ ગયુ હતુ.

તુ નહાઇને જ્યારે બહાર આવ્યો ત્યારે તારી દ્ર્ષ્ટી નીચી હતી અને મેં તને પ્રેમથી સહેલાવ્યો અને પુછ્યુ તો તેં કહ્યું મને બા અને દાદા કહેતા કે કોઇનો એક જુવારનો દાણો લઇએ તો તે તો જાય પણ આપણા પણ બે દાણા લેતો જાય. તેથી તેવુ કદી ન કરાય..તારી વિચાર સરણીને સહજ બનાવવા મેં તને કહ્યું.તેં જે વિચાર્યુ તે વધારે સાચુ ત્યારે હોત કે તે લેતા પહેલા લેવાનો જે વિચાર કર્યો તે જ ના કર્યો હોત.પણ આજે તેં જે માફી માંગી લીધી તે બદલ આ ચાર ખારેક અને મુઠી કાજુદાણાનું ઇનામ…
એવીજ તારી પહેલી વાર્તા છાપામાં છપાઇને આવી ત્યારે તુ ખુબ રાજી હતો. આખા પાડોશને છાપુ બતાવી આવ્યો હતો. તારો પહેલીવાર કોલેજમાં પ્રથમ વર્ગ આવ્યો..પહેલી વખત તુ સ્ટેજ ઉપર અભિનય કરવા ગયો. પહેલી વખત તુ રેડીયો ઉપર વાર્તા વાંચવા ગયો. પહેલીવાર શીખાને મળવા ગયો…પહેલી વાર કાર લાવ્યો.. પહેલીવાર બાપ બન્યો..તારુ કંઇક નવુ કર્યાની ખુશી આજે પણ આ બુઢ્ઢી આંખોમાં જીવંત છે.

આજે જ્યારે તુ નાનો બનીશ ત્યારે તારી આંખની ખુશીની ચમક હું કલ્પી જ શકુ છું. અભિનંદન તમને સૌને..

ચાલ અટકું?
મોટાભાઇનાં આશિષ.

પુ. મોટાભાઇ ( વીસ)

આપના પત્રમાંની શુધ્ધ સુધવલ લાગણીઓની અમીધારામાં ફરી ભીંજાયો.
ફરી ફરી નમન કરતા ખુબ ખુબ હરખાયો

મને તમને અહીંની તણાવ યુક્ત જિંદગીનો અહેવાલ નથી આપવો પણ…લાગે છે ખુબ સુખ મારા નસીબમાં નથી..સુખનો અલ્પ અહેસાસ ઢગલો દુ:ખો પણ લઇને આવે છે.
સમય સમયનું કામ કરે છે,અંશ ફરીથી પરિક્ષામાં નિષ્ફળ નિવડ્યો..શરમજનક પરિસ્થિતિમાં માનસિક રીતે ઘવાઇને અહીંનાં કાતિલ રોગ બાઇ પોલર ડીપ્રેસન તરફ જઇ રહ્યો છે. કહે છે ઘરમાં એક કુતરુ,કુતરી,બિલાડી,અને કેટલા ય પ્રાણી રાખ્યા છે અને હવે હું પુખ્ત છું મને તમે કશું ના કહી શકો..મારી જિંદગી મારી છે. હું જે રીતે જીવવા માંગુ તે રીતે હું જીવીશ..છેલ્લુ વર્ષ ચાલે છે.. હવે તો તેને લોન પણ નહી મળે અને કદાચ આટલી સારી યુનિવર્સિટિમાંથી તે સારા માર્ક સાથે બહાર નહીં આવે.
ભગવાને આશ્કાને સર્વ સુખ આપ્યુ પણ અંશને જે હું ધારતો હતો તેમાનું કશું ન આપી શક્યો.. ક્રીપ્ટોક્યુબ.. ખરેખર તેનો રંગ બતાવે છે. અંશ ની નિષ્ફળતાઓનાં કારણો જ્યારે તેને ત્યાં ફરીથી અપમાનીત થવાની તૈયારી સાથે શીખાની બહુ જીદને કારણે ગયો ત્યારે ખબર પડી કે તેનો રોગ હવે કોઇ પણ રીતે સુશ્રુષાથી સુધરે તેમ નથી. તેની ગર્લ ફ્રેંડ સાથે લગ્નની જીદ લઇને બેઠો છે..કુંતલે એને જ્યારે એની હની સાથે જોયો ત્યારે તેને થયુ કે અંશને આના કરતા ઘણી સારી છોકરી મળી શકે.

શીખા તો સ્વિકારી જ નથી શકતી કે તેનુ સંતાન આટલી હદે નીચે જઇ શકે? ખૈર બનતા બધા પ્રયત્નોને અંતે એવુ લાગે છે કે જેટલુ સમજાવવા મથીયે છે તેમ વધુ કળણમાં ઉતરે છે.
આજે તો એમ કહીને બેઠો છે કે મમ્મી તને હું છોડી દઇશ પણ મારી હનીને નહીં.. એકલી શરમથી મસ્તક ઝુકી ગયું..સટા સટ ચાબુકોનાં સોળ મન પર પડતા હતા..વ્યથીત મને આખી રાત આવુ અમારી સાથે કેમ બન્યુ વિચારતા રહ્યાં. શીખા તો શોકમગ્ન થઇ ને કંઇ કેટલુય રડી..આ પરિણામ ભોગવવા આટ્લી મોટી ઉંમરે અહીં આવ્યા નહોંતા..બાઇ પોલરમાં મૂડ સ્વીંગ આવે પણ..? આવો વણાં ક જ્યાં મા બાપ પરાયા થઇ જાય.?
મેં વહેલી પરોઢે મારી ડાયરી નો સહારો લીધો

કેવુ ભાગ્ય નિયંતા તેં દીધુ?
મારામાં રહેલો હું જ્યારે પુત્ર બનુ છુ
તો દ્રવી જઉં છુ પિતાનાં સંસ્કાર દાન થી
એ જ હું જ્યારે પિતા બનીને,
બનવા ચહું મારા પિતા જેવો _
પણ ન બની શક્યો
બનવા ચહું હું જ અને ફરી થી દ્રવિ ઉઠું
હું ન બનાવી શક્યો તને જેવો હું બન્યો
દરેકનાં કર્મ જુદાં,
જુદા દરેકનાં કર્મફળ
વધુ તો શું કહું? શ્રવણ તો બની શક્યો
પણ ન બની શક્યો શ્રવણનાં પિતા સમ
શ્વસું નિ:શ્વાસે કેવું ભાગ્ય નિયંતા તે દીધુ?
શ્વસું નિ:શ્વાસે કેવું ભાગ્ય નિયંતા તે દીધુ?

દિકરાનાં નામનુ દુ:ખ ભુલવા અમેરિકા પાસે તો હજારો બહાના અને રસ્તા છે પણ તે અમારુ સંતાન છે તે અમેરિકન રસ્તે સુખી થાય તો વાહ! ન થાય તો તેના દુ:ખે અમે દુ:ખી.
કદાચ અમારા યૌવનનાં ઉધામામાં મેં ક્યારેક તમારુ મન દુભવ્યું હશે તેથી જ કદાચ પ્રભુ આવા દિવસો બતાવે છે..તમારી પાસે આજે ફરીથી માફી માંગી લઉં.
સોહમનાં પ્રણામ..
પ્રિય સોહમ ( વીસ)
ભાઇ તારો તો એક દિકરો તક્લીફોમાં છે. મારા તો બંને દિકરાઓ તકલીફમાં છે. તુ જ કહે હું શું કહું કે કરું? તને અંશની ચિંતા સતાવે છે મને તારી પણ ચિંતા અંશની સાથે સાથે થાય છે. બહુ વિચાર્યા પછી મને તો બસ એક વાર્તા તને અને અંશને કહેવાની ઇચ્છા થાય છે.
અલ્લાઉદ્દીન નાં ચિરાગની.. જુના ફાનસોની ખરીદી કરતા તેના હાથમાં તે જીન અને તેનો ચિરાગ અલ્લાઉદ્દીન ને મળી ગયા. ચિરાગને ઘસતા જીન બહાર આવે તે તબક્કામાં પહેલા અલ્લાઉદ્દીન ગભરાઇ ગયો હતો..પણ પછી જે મીનીટે જીન એમ બોલ્યો કે ‘હુકમ મેરે આકા” ત્યારે વિશાળ કદનો આ સેવક છે તે એને સમજાઇ ગયુ.
આપણે લોકો કાયમ કોઇ પણ વસ્તુ આપણા કદ કરતા મોટી આવે ત્યારે બસ આમ જ ડરી જતા હોઇએ છે ને? પણ અગત્યની વાત એ છે કે તે વસ્તુ આપણને માલિક બનાવે છે કે આપણએ તેને તાબે થવાનુ છે તે શોધવાનુ હોય છે. ‘હુકમ મેરે આકા” ને બદલે ‘મેં તુઝે ખા જાઉંગા’ કહે તો ડરવાનુ હોય..
બસ તેમજ આપણી અપેક્ષાઓથી વિરુધ્ધ ક્યારેય કંઇ બને ત્યારે એજ નક્કી કરવાનુ અગત્યનુ હોય છે કે આ ઉપાધી યોગ છે કે સિધ્ધિ યોગ?

અંશ માંદો છે તેમા તો કોઇ શંકા નથી કારણ કે તેં જ લખ્યું હતુ કે તેને મૂડ સ્વીંગ આવે છે. જ્યારે આ કઠોર સત્ય એ બોલ્યો ત્યારે તે શક્ય છે કે તેના માઠા મૂડમાં હોય.મા બાપ તરીકે આપણે તો આપણા સંતાનોનુ ભલુજ ઇચ્છતા હોય અને તેથી પેલો જીન જે બોલે તે સમજ્યા પછી રોકકળ કરવી જોઇએ. વિધાતા કાયમ જ આપણને દુ:ખ આપશે તેવુ સમજીને રડનારો માણસ કાયમ રડતો જ હોય છે. પરિસ્થિતિ એમ જ સર્જાઇ હોય તો ભલે એમ પણ પહેલા વિરોધ અને પહેલા ઘર્ષણ પછી બધા હોંશમાં આવતા હોય છે અને નફા તોટાનો હિસાબ થતો હોય છે. વિધાતા તમને જો હુકમ મેરે આકા કહે છે તે સાંભળવાનું શીખો. પ્રસંગ ઘટતો હોય તે સમયે શક્ય બનતુ બધુ તમે કર્યા પછી, મનમાં અવિશ્વાસ કે થશે કે નહીંની દ્વીધાઓ ના રાખો..કારણ કે તે ઉપરવાળાનો ન્યાય છે જ્યાં સુધી તે ઘટતુ હોય ત્યાં સુધી તેને જોવુ જોઇએ

અહીં મારી જિંદગીમાં એવા ઘણા ઉદાહરણો જોતો આવ્યો છું કે જ્યાં બાપ અને દિકરો મરું કે મારુ નાં અંતિમો જોતા હોય અને બહેન નો એક ટહુકે કે દિકરીને સમજ્ભરી વાતોથી તે વેર શમી જતા હોય છે. વળી આપ્ણે તો તે વિધાતાનાં સગ્ગા દિકરા તે આપણે માટે ખરાબ લખે તે શક્ય જ ક્યાં છે? ગીતામાં શ્રી કૃષ્ણ બોલ્યા હતાને કે ‘હાક મારતો રહેજે મદદ તૈયાર છે’ શક્ય છે તને જેટલુ દુ:ખ થાય છે તેથી વધુ તેને દુ:ખ થતુ હશે અને તે મનમાં વિચારતો હશેકે માબાપને મારી શોધેલી વ્યક્તિ ઉપર કેમ વિશ્વાસ નથી? અને એક રીતે જોઇએ તો તેને તેની હની સાથે આખુ જીવન જીવવાનું છે તે તો સત્ય છે ને? તારી સમજ એવી છે કે તે દુ:ખી થશે..તારા ઘડપણ ને તે રોળી નાખશે..તે કપોળ કલ્પના કરી કરી તમે ઇશ્વર નાં ન્યાય્ ને ઉવેખો છો.

હું અઠ્યાસી વર્ષનો મારો ગાગરમાં સાગર જેવો અનુભવ કહું?

જીન છે હકારાત્મક અભિગમ અને તે હરદમ કહે છે જો હુકમ મેરે આકા
સુખને આપણે ક્યારેય તક જ નથી આપતા..હવે તેને એક તક આપો.

શીખાને આ બધુ તારી રીતે સમજાવજે અને પ્રભુનો ન્યાય જે હશે તે મને મંજુર છે તેમ વિચારીશ તો જરુર વ્યથાઓમાં રાહત થશે.

મોટાભાઇ અને બાનાં આશિષ.

પુ. મોટાભાઇ ( એકવીસ)

સોહમનાં પ્રણામ

પેલુ ક્રીપ્ટો કયુબ જેવુ જીવનમાં સતત બન્યા કરે છે તેનો એક વધુ ભાગ ભજવાયો;
આજે હું ન્યુયોર્કમાં છુ અને શીખાનો ફોન આવ્યો ઘરમાં બારીનો કાચ તોડી કોઇ ચોર ઘુસી આવ્યો. સદનશીબે જ્યારે કાચ ઉપર તેણે હથોડો માર્યો ત્યારે શીખા ઘરમાં હતી અને તેન થયુંકે બાજુમાં પડોશીને ત્યાં કંઇક ભાંગ્યુ અને તે જોવા બહાર નીકળી અને તેના આશ્ચર્ય વચ્ચે તેણે ઘરની બારી તુટેલી જોઇ અને કોઇક કાળો માણસ ઘરની અંદર ફંફોસતો હતો.. શીખા થી અને તે ચોર થી બંન્નેનાં મોંમાથી એક સરખી ચીસ પડી ગઇ ઓહ માય ગોડ! બૂમાબૂમ કરી પોલીસ આવી અને ઘર ફંફોસ્યુ તો સારા નશીબે કશુ થયુ નથી ની ધરપત સાથે તુ દોડા દોડી ના કરીશ વાળી વાત સાથે એણે ફોન મુક્યો…

પણ મને કેવી રીતે ધરપત થાય એટલે બે ચાર મિત્રોને ત્યાંથી ફોન કર્યા અને શીખાને તાકીદ કરી કે રાત્રે એકલી ના રહીશ.. પણ હવે તો ઘરે પહોંચીશ અને શીખા ને જોઇશ ત્યારે શાંતિ વળશે..પચાસ પછી શરીર ઢળતુ જાય અને આ મગજ જેને આખી દુનિયાનાં અનુભવો તેથી તે બે લગામ ઘોડાની ગતિ એ દોડતુ જાય..શીખાએ તેને જોઇ લીધો છે તેથી તે કે તેની ગેંગ વાળો કોઇક આવીને તેને મારી નાખશે..અમારું ઘર ભાળી ગયા છે તેથી પાછો તે જરુર આવશે..હે ભગવાન શીખાને બચાવજે અને કંઇ કેટલીયે જાતની મનમાં પ્રભુને પ્રાર્થના કરી નાખી. મીટીંગમાં ચિત્ત નહોંતુ.. તાબડ તોડ ટીકીટો કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો..શીખા માટે આ પહેલો પ્રસંગ કે જ્યાં તેણે પોલીસ અને ગુંડાનો એકલા સામનો કર્યો. છોકરાઓનાં ગયા પછી પહેલી વિપદા..રાત બેચેનીમાં જાય છે અને આશ્કા તેને ત્યાં બેચેન છે.

અંશને જાણ કરવાનો પ્રયત્ન કર્યો..તે ફોન ઉપર ન મળ્યો..ઘરે રાત રહેવા મિત્રો આવ્યા પણ વહેલી સવારે દરેકને જણ જતા રહેશે અને મને પહોંચતા બપોરનાં બાર વાગશે..તે છ કલાક પાછી તે એકલી..અને બી ગયેલી…ફોન ઉપર તો હિંમત દાખવતી પણ હું જાણુંને તેની બીકો…
પ્લેનની 4 કલાક્ની મુસાફરી મને પણ બહુ અઘરી પડી.

આખરે ઘરે પહોંચ્યો ત્યારે શીખાને જોઇ.. અવાજ ઘાંટા પાડી પાડીને બેસી ગયેલો..કાચ તુટી ગયેલો અને પારેવડાની જેમ ડરતી પણ મને સાંત્વન આપતા તે બોલતી હતી કે પ્રભુનો ઉપકાર કે હું ઘરની બહાર દોડી ગઇ..જો ઘરમાં હોત તો ગળચુ દાબીને મારી નાખી હોત કે ગનથી ઉડાડી દીધી હોત્.. તારી સાથે હજી લાંબુ જીવવાનું છે તેથી બચી ગઇ . હું તેને વહાલથી પંપાળતો રહ્યો અને મનોમન પ્રભુનો ઉપકાર માનતો રહ્યો..કે વડીલોનાં પુણ્યબળો ફરી વળ્યાની વાતને દોહરાવતો રહ્યો. તે તો આખી રાત ઉંઘી નહોંતી અને પાછી 3 દિવસની રજાઓ એટલે તુટેલો કાચ પણ ક્યારે થશે તે અનિશ્ચીંતતા સાથે ત્રણ દિવસ રાત્રી જાગરણ કર્યુ.

ઘટના તો પાંચ મીનીટમાં ઘટી ગઇ પરંતુ લાંબા ગાળાની બીક શીખાનાં મનમાં પેંસી ગઇ. પેલો ચોર મને જોઇ ગયો છે તે મને મારી નાખશે…આ અમેરીકામાં બધાજ કાચનાં બારી બારણા એક હથોડો મારો અને ફ્રેંચ બારી ધડામ દઇને નીચે..સીક્યોરીટી એલાર્મ વાગે અને પોલીસ પાંચ મીનીટમાં આવે પણ એ પાંચ મીનીટમાં એક ગોળીનો ધડાકો કરતા વાર શું? હું બહુ જ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છું.. મારી પાસે શીખાને સમજાવવાનાં સૌ મંત્ર પોલા સાબિત થાય છે અને તેનુ કારણ એ પણ છે કે મારી કલ્પનાનાં ઘોડા તેની સાથે રહી રહી મને વધુ ભયભીત કરે છે. મિત્રો સગા વહાલા જેને વાત કરીયે તેઓની પાસેથી પાછી એક ભય જનક બીજી વાત મળે
‘અરે! સારુ છે કે તમને પકડ્યા નથી બાકી અમારા ફલાણા ભાઇને ત્યાંતો બધાને બંદુક્નાં નાળચે બાંધી દીધા હતા અને મારી મારીને ડુચા કાઢી નાખ્યા હતા…’

વળી બીજો તો એમ વાત લાવ્યો..’ઘરમાં હતા તેટલા પૈસા ફર્નીચર સીધુ સામાન બધુ ટ્રક્માં ભરીને લઇ ગયા અને ઘરનાં બધા ફોન કાઢીને લઇ ગયા અને ઘરનાં મુખ્ય માણસે વિરોધ કર્યો તો પગમાં ગોળી મારીને લંગડો બનાવી દીધો’

હર્ષલભાઇ તો વળી એમ બોલ્યા ‘ તેમના ઘરે ચોરી થયા પછી કેટલાય મહીન સુધી ધમકીનાં ફોન આવતા હતા આખરે ત્રાસીને તે ઘર અને ગામ બદલી નાખ્યું…’

મનમાં થયું કે આવા માઠા અનુભવો કોઇ ઘટના બન્યા પહેલા કેમ નહીં કહેતા હોય?
શીખા બોલી મને બાજુની દક્ષીણ કોરીયન્ સુ વાંગે કહ્યું હતું કે તેના ઘરે ચોરી થઇ ત્યારે તે લોકોએ આ જ પ્રકારે બારી તોડી હતી પણ તે વખતે મેં ન સાંભળ્યુ..હવે શું?

ત્રણ દિવસનું વેકેશન પુરુ થયુ અને ઘરમાં કાચ લાગી ગયો દરેક બારીને મજબુત જાળી લાગી ગઇ પછે હવે કંઇક ચેન ની નીંદર અમે લઇશું તેવુ લાગે છે.

તમે દસ હજાર માઇલ દુરીની લીધે થતી તકલીફો થી વાકેફ છો અને કહેશો કે ભાઇ ચોરીઓ તો ત્યાં પણ થાય છે ત્યારે તમને વિનય પૂર્વક જણાવું કે પરદેશમાં અને દેશમાં દરેક ઘટનાઓને અંતે સહ્કાર્ય કરો મિત્રો અને કુટુંબીજનૂની હાજરી અને હુંફથી તમને લાંબા ગાળાની કોઇ તકલીફો ન થાય જ્યારે અહીં ઠાલા કાગળનાં ફુલો જ બધે..સલાહ આપવા બધા શુરા પુરા પણ હુંફની વાત જ નહીં…
આક્રોશ મને
કડવું કહેવાની ઇચ્છા થઇ જાય
જેના પાપ ફુટે તે વિદેશ જાય
કાળા પાણીની આવી સજા પાય
કોણ જાણે કેમ
આ ડોલરીયા અમેરિકનો તો
સાવ એકલા રહી હરખાય
અટકું?
તમારી તબિયત સાચવજો
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ ( એકવીસ)

તારી કટોકટીની ક્ષણ નાં વિગતવાર વર્ણંનથી હ્રદય એક બે વાર તો ધબકારો ચુકી ગયા જેવું થયું…શીખાને થયેલ તકલીફો અને જે સહજતા પૂર્વક તેણે બાજી સંભાળી લીધી તે માટે તેને અભિનંદન. તારી સંવેદનશીલતા અને એકલા જ્યારે હોયે ત્યારે જે હૂંફ જોઇએ તે ત્યાં શક્ય નથી તેવુ માનવુ ભૂલ ભરેલુ છે. કહે છે પરદેશમાં પહેલો સગો પાડોશી અને બીજા સગા મિત્રો…
ખૈર.. જીવન જ્યારે જ્યારે જે જે આપે તે હસતા કે રડતા લેવુ જ પડતુ હોય છે..વહેવારિક સુચન કહું? આવા ઘાને વિસરાવા સમયનો મલમ જ કામ લાગે. શક્ય હોય તો ધર્મ જાપ અને મંત્ર ધ્યાન વધારો ખાસ તો જ્યારે બીક લાગતી હોય ત્યારે તો ખાસ..

મારી પાસે શબ્દો નથી અને કહેવા જેવું કશું નથી કારણ કે મને આવો અનુભવ કદી થયો નથી પણ હવે તો લાગે છે કે ડોલર કમાવા જેમ સહેલા નથી તે જ રીતે ત્યાં રહેવામાં જોખમ પણ ઓછું નથી. ઘરની બે વ્યક્તિઓને ચાર વર્ષમાં આવો કડવો અનુભવ થાય ત્યારે સાવચેતી ન વર્તે તો બેવકૂફ ગણાય જોકે અંશ તો તે ગામ થી પાછો આવી ગયો છે. તમે યોગ્ય નિર્ણયતો લેશો જ.. પણ અહીંની ભાષામાં તમે ઢીલા કે કાચા સાબીત થઇ ગયા છો તેથી તે ટોળકીનું કોઇ ભૂત ફરી આવશે..પણ શીખા ખુબ જ મજબૂત સાબિત થઇ છે…

મિત્રો ખુબ જ ઉપકારી રહ્યાં છે તેમનો મનથી ઉપકાર માન જે અને કદી એવું ન વિચારીશ કે તુ એકલો છે. તુ ક્યારેય એકલો નહોંતો અને નહી હોય.. સાત પેઢીનું વડવાઓનું પુણ્યબળ સાથે તપે છે..અને તેથી શુળીનો ઘા આ રીતે સોયથી સરી ગયો છે. દસ હજાર માઇલની દુરી ખરેખર આવા સમયે નડતી હોય છે. તારા મિત્રો પણ્ એજ રીતે તારા માટે ચિંતીત છે. શીખાની બહેનો અને ભાઇઓનાં પણ ફોન આવ્યા..ખૈર.. મન ને શાંત રાખજે અને શીખાને પણ સાચવજે..
કહે છે માઠી પળ જીવી ગયાતો નવી જિંદગી આવીને ઉભી રહે છે..

કદાચ તને ડંખતુ દરેક ખોટુ નસીબ તે ચોર લઇ ગયો અને સાથે સાથે તેનુ સારુ નશીબ તને સોંપતો ગયો છે. જો કે આ વાત જ્યારે તને લખું છું ત્યારે મનથી મને પણ ખબર છે કે આ દુ:ખનાં દહાડા જતા જાય છે અને નવા સુખની આશા આપતા જાય છે. વધુ તો શું કહું અમે પણ તારા દુ:ખમાં સહ્ભાગી છીયે..

બા મોટાભાઇનાં આશિષ

પૂ મોટાભાઇ ( બાવીસ)

એક ઘટનામાંથી હજી બહાર માંડ નીકળ્યા અને બીજી ઉપાધી આવી નથી..થોડાક સમય પહેલા કટરીના હરિકેન આવ્યું અને ન્યુ ઓર્લીંન્સમાં હાહાકાર મચાવીને ગયુ અને લગભ એક લાખ જેટલા અમેરિકનો હ્યુસ્ટનમાં ખસેડાયા..તેમની ભાષા અને તેમના મકાન ગુમાવ્યાનાં દુ;ખો સહ્ય કરતા હતા ત્યાં હ્યુસ્ટન ઉપર રીટા નામનુ હરિકેન આવવાનું છે તે વાવડ ઉપર હ્યુસ્ટન ખાલી કરવાનાં પડઘમો વાગવા માંડ્યા..શીખા માંડ માંડ હજી એક ઉપાધીમાંથી કળ મેળવીને ઉભી થતી હતી ત્યાં આ આંધીથી અધમુઇ જેવી થઇ ગઇ

તેને ઘર છોડી જવાનુ બહુજ આકરુ લાગતુ હતુ અને આશ્કા તે વખતે પુરા દિવસો ગણતી હતી…એક વખત તો સામાન બાંધતા તેના થી રડી દેવાયુ..હે પ્રભુ આ કેવુ..બહુ મહેનત અને જતનથી બનાવેલુ ઘર બગીચો અને સૌ ફર્નીચર અહીં સાવ રેઢુ મુકીને જાન બચાવવા દુર અજાણ્યા શહેરમાં રહેવા જવાનું..?આશ્કા હજાર માઇલ દુર હતી..અંશને ત્યાં જવુ નહોંતુ..અને હરિકેન કટરીના નો કાળો કેર દુરદર્શન ઉપર રોજ બતાવાતો હતો..

પોલીસો સતત શેરીઓમાં ફરી ફરી જાહેરાતો કરતા હતા ફલાણા રોડ થી નીકળી ગામ ખાલી કરો..જાનની રક્ષા કરો.. જીવતા હશો તો મિલકતો ફરી બનશે…વળી દરેક રોડ એક તરફી કરી દીધા છે..જાહેરાતોમાં દેખાડાતી ચિંતાથી એક પ્રકારનો ભય બહુગુણીત થયા કરતો હતો..ઘર છોડીને નીકળતા પહેલા અહીંનાં મિત્રોમાં બે અભિપ્રાયો નીકળ્યા..કોઇક નીકળી ગયુ હતુ તો કોઇક બહુ ચિંતીત નહોંતુ..જે ઓછુ ચિંતીત હતુ તે કહેતુ હતુ હરિકેન છેલ્લા ત્રીસ વર્ષમાં હ્યુસ્ટન ઉપર કેટલીય વાર આવ્યા. આપણા વિસ્તારમાં ક્યારેય આવ્યું નથી. જવું ના જવું નાં અવઢવમાં પ્રભુ પરની શ્રધ્ધા વધારતા બે ચમત્કાર દસેક મીનીટમાં થયા…

આશ્કાની સાસુનો ફોન આવ્યો..અજયનાં જન્મનો..અને આશ્કાનાં પુન:જન્મનો ( મા તરીકે) અને ટીવી ઉપર જાહેરાત થઇ હરિકેન ફંટાઇ ગયુ અને હ્યુસ્ટન ઉપરનો ભય પુર્વ તરફનાં ગામે જતો રહ્યો… મનમાં થયું.

કદીક સુખનાં અતિરેકે આવે આંખે આંસુ
કદીક દુ:ખનાં દરિયા વચ્ચે જન્મે હાસ્ય
કેવી છે આ જિંદગી મનવા કર વિચાર
ક્ષણે ક્ષણે જાય ઘટતી છતા જીવન છે
હરિકેન આવશે અને જશે કરી સૌ ત્રાસ
ફરી જિંદગી શરુ થશે એકડેએક થી કાશ!
વધતી ઉંમરે જ્યાં ઘટતી તન સ્ફુર્તી ત્યાં
કેમ શરુ કરશે નવી જિંદગી એમ વિચારી

હરિ એ તેનું હરિકેન વાળ્યુ બીજે ગામ
અજય પૌત્ર દાન તે પ્રભુ મોટો ઉપકાર.

આમ એક દુ:સ્વપ્ન પુરુ થયુ..શીખાની તકલીફો શબ્દસ: વર્ણવી શક્યો નથી પરંતુ નાની બનવાનાં આનંદે તેના હરિકેનથી થનારી કાલ્પનીક તકલીફોમાંથી બહાર કાઢી અને જિંદગીનું ક્રીપ્ટો ક્યુબ જેમ સુખમાંથી દુ:ખ જન્માવે તેવુ કાયમ નથી થતુ આ વખતે તેણે દુ:ખમાંથી સુખ જન્માવ્યું..તે જ્યારે આજે વહેલી સવારે સુઇ ગઇ ત્યારે તેનું મન ગણગણતુ હતુ.

રાત જીતની ભી સંગીન હોગી
સુબહા ઉતની હી રંગીન હોગી

હું પણ હવે સુઇ જઇશ..આ હરિકેને છેલ્લા 3 દિવસથી દુરદર્શન ઉપર ઘણા તણાવો આપ્યા છે.. બહાર ધીમો ધીમો વરસાદ વરસે છે..ફરી થી આશ્કાને ફોન કરી તેની તબીયતની સુખાકારી પુછી લીધી તે આનંદમાં છે..નાના જયનો ચહેરો કુંતલ જેવો છે..અને આશ્કા સ્વસ્થ છે. હરિકેને તબાહી તો ઘણી કરી છે..દુરદર્શન્ વિગતો આપે છે..ત્રણ વાગ્યા છે.મનમાં સૌ ઉપર પ્રભુની કૃપા ઉતરે તેવા મંગલ ભાવો સાથે થોડુક ઉંઘી જઇશ. થોડીક ભાવ ભક્તિ થશે તો તે પણ કરીશ.
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ (બાવીશ)

તારો પત્ર મળ્યો. ગયા વર્ષે ધરતીકંપ આવ્યો ત્યારે અહીં દુરદર્શન પુરી અને સાચી માહીતિ આપતુ નહોંતુ.. જોકે હું તો ઘરની બહાર નીકળ્યો જ નહોંતો અને તે ધ્રુજારી પાંચ મીનીટમાં જતી રહી હતી. તારો અનુભવ રોચક છે પરંતુ સાથે સાથે તુ આસ્થાવાન છે તેથી શીખા કરતા તને તકલીફો ઓછી પડી તે જાણી આનંદ. અજય અને આસ્થા બંનેની તબિયત સારી છે તે જાણીને આનંદ

આ વખતે અમે લોકો જીવત ક્રિયા કરાવવાનાં છીયે..તુ કહીશ તેવો વિચાર તમને કેમ આવ્યો..અમે બધા ભેગા મળીને ઘટીત બધુ કરશુંને.. હમણા વાંચેલી આ કવિતાએ મને તે દિશામાં વિચારતો કરી દીધો

શ્રધ્ધાંજલિ જાત ને…-નિલમ દોશી

હવે સાતતાળી..હાથતાળી દ ઇ…
કયાં સુધી છટકતા રહેવું ?
આખરે તો એક દિન..
જવું પકડાઇ …
આજની ઘડી રળિયામણી,
લે,હરિ હેઠા મૂકયા મેં હથિયાર સઘળા..
અલવિદાનો ફરકાવ્યો પાલવ…
લો તંયે..આવજો કરી દઇએ…
પણ..ના.. મારું કામ.. જાતે જ કરવાની
મને છે જૂની આદત..
જતાં પહેલાં ચાલ, લખી નાખું ..
શ્રધ્ધાંજલિ મારી…

છેલ્લી બે લીંટી એ મને વિચારતો કરી દીધો..પ્રભુએ બહુ સંતુલીત અને સંયમિત જિંદગી આપી બધા બાળકોએ ભણતર મેળવ્યું તેમના ઘર થયા વળી પ્રપૌત્ર પણ થયા 85 વર્ષ તો શાંતિથી પ્રભુની કૃપાથી જીવ્યા. હવે જ્યારે પાછુ વાળવાનો સમય છે તો ધાર્મિક રીતે કરવા યોગ્ય બધુ કરી લઇએ..તમે છોકરાઓ જે વાપરશો તે પણ પહોંચશે..તારા મનને આવી મારી વાતોથી દુ:ખી ના કરીશ પણ તારી બા અને તેની ઉંમરનાં સૌ માને છે કે હવે સંકેલવાનો સમય છે. હલકા થવાનો સમય છે.

ક્યાંક વાંચ્યુ હતું કે

જિંદગી એટલે મારું, અમારું અને તમારું વચ્ચેનું વહેતુ ઝરણું..!
અમારા વડીલોએ જ્યારે તમારું કહી અમને ભણતર ગણતર અને ધન આપ્યું તે સમયે મારું થયુ..
તમે સૌ એ બધું પામ્યા ત્યારે તે અમારું કે આપણું થયુ..
હવે જે અમારા વડીલોએ કર્યુ તે અમે કરશું..અમારાનો ખપ ઘટાડી ધીમે ધીમે તમારુ કરશું.
અને આમ અમે હલકા થઇશું

‘જીવત ક્રિયા’ એટલે બધુ જ ધર્મ માં વાપરવું તેમ નહીં પણ હવે મમત્વનો ભાવ ઘટાડવો તેવુ સ્પષ્ટ થઇ ગયું છે. મેં વીલ તો બનાવ્યું જ છે છતા મને એવુ છે કે હું ભણતરમાં સ્કોલરશીપો આર્થિક પછાત વિદ્યર્થીઓમાં આપીશ.તારુ આ દિશામાં કંઇ સુચન હોય તો મોકલજે. તારી બા આજે બહુ રાજી છે. અને કહે સોહમ અહીં હતો ત્યારે આવુ વિચાર્યુ હોત તો…

ખૈર.. અંશ ભણી રહે ત્યારે તુ પાછો આવીશ ત્યારે વધુ કરશું

તબિયત જાળવજે અને પત્ર લખતો રહેજે
મોટાભાઇનાં આશિષ
પૂ મોટાભાઇ (ત્રેવીસ)

જીવતકર્મ તમે કરો તે તો સારી ઘટના છે પરંતુ તેની સાથે એવો ભાવ આવતો હોય કે ચાલો હવે આપણે કોઇનાં માથે ભાર નથી બનવું તો મને કહેવાદો મોટાભાઇ તમે કે બા અમારે માટે ક્યારેય ભાર નહોંતા અને નહીં હોય.. કેમકે તમે જ તો અમને વડીલોની આમાન્યા અને માન રાખવાનુ શીખવાડ્યું છે..તમારા દાદા અને દાદીબા સાથેનાં વર્તનો થી.. હા કદાચ તમે જેટલુ મનથી તમારી રીતે જે દાન પૂણ્ય કરો તે વિશે અમને તકલીફ ક્યારેય ના હોય..મનમાં અને વાતોમાં આ જીવતરથી મન ઉતરી ગયુ હોય તો તેવું ન બને તેની કાળજી સૌ રાખે છે તેટલા પુરતું જ પુછવાનું..

અજય ને અમે જોઇ આવ્યા..હજી તો દસ દિવસનો છે તેથી હાથમાં લેતા થોડીક બીક લાગે પણ નાના પૌત્રને જોઇ અમે બંને આનંદીત હતા..જીયાણુ લઇને ગયા હતા. નાના હાથોમાં ભાર લાગતો હતો તેને પહોંચી પહેર્યાનો..લાગણીઓનો ઉભાર શબ્દો બનવા મથતા હતા પણ તે શબ્દો કરતા પણ રુડા રુડા એજે નાં હાસ્યો અને રુદનો હતા..નાની આશ્કા નજર સમક્ષ આવ્યા કરતી હતી..જે આજે મા બની ચુકી હતી. તે વાત મનને જિંદગીનો એક તબક્કો સુખરુપ પુરો કર્યાની સુખદ ક્ષણો આપતી હતી. શીખા તો તેને હાથ નીચે પણ મુકતી નહોંતી જાણે આશ્કાનું વધેલું બધું જ વહાલ એજે ઉપર ઉતારતી ના હોય…

મહિના પછી એજે સાથે આશ્કા આવી ત્યારે શીખા બધા મિત્ર વૃંદને બોલાવી તેને આશ્ચર્ય ચકીત કરી દીધી…નાના અને નાનીનો પૌત્ર પરનો તે વહાલ વરસાદ હતો..જિંદગી જ્યારે એક બીબાઢાળ બનતી જાય ત્યારે આવતો નવો વણાંક નવા વિચારો અને નવી ઉષ્મા આપી જાય. નાના નાની ને એક ગમતુ નવુ કામ મળ્યું..નાના હાસ્યો અને નાના પ્રયત્નો દ્વારા તે સમજાવવા કશું માંગે જે તેની મા ન સમજે અને અનુભવી નાની તે શું માંગે તે સમજાવે અને આમ બે માનું વહાલ તે પામે..

સાંજ પડે ને કુંતલનો ફોન આવે વેબ કેમ ઉપર એજેને જુએ અને તેની દરેક બાળ ચેષ્ટઓ જોઇ વારાફરતી આશ્કાને અને એજેને જુએ..દસ દિવસનું વેકેશન કુંતલને તો ત્રીજા જ દિવસે પુરુ કરી દેવું હતું ..પણ આશ્કાને આરામ આપવાને બહાને શીખાએ જવા ન દીધી તો છઠ્ઠા દિવસે તે અહીં આવી ગયો…હું એજેની સાથે રહેવા માંગુ છું નાં નામે..અમે બુઢા માબાપ જુવાનીયાઓ ની ચેષ્ટા ના સમજીયે તેવું તો નહોંતુ.. જો કે દિકરીનું દાંપત્ય જીવન હાલ ભરતી અનુભવે છે તેમ વિચારીને આનંદ જ અનુભવેને..!

ચાલો આતો થોડીક સુખની વાત કરી..અને સાથે સાથે એ પણ લખવાનું ચુકતો નથી કે
દુ:ખની વાતો લખતા પત્ર નાનો પડે અને સુખની વાતો કરતા પત્ર લાંબો પડે એવું કેમ?
મારા આ પ્રશ્નનો જવાબ પ્રવિણાબેન કડકીયાએ નાના મુક્તક સ્વરુપે આપ્યો

દુઃખના દહાડા વર્ષો લાગે
સુખના વર્ષો દહાડા લાગે

કેટલી સાચી વાત!
અટકું?
સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ (ત્રેવીસ)

તારી વાતનાં અનુસંધાનમાં એક વાત કહેવાની ઇચ્છા થાય છે. અને તે છે.. સુખના દિવસોને રોકી નથી શકાતા અને દુ:ખના દિવસોને જવા નથી દઇ શકાતા. સુખના દિવસો ટૂંકા લાગે અને દુ:ખના દિવસો લાંબા લાગે. બધી ઘટના મન સાથે જ સંક્ળાયેલ છે ને ? સમય તો એની રીતે જ સરતો રહે છે.

આ સમયની મને અને તારી બાને હવે ઉણપો વર્તાય છે.લીલી વાડી છે સુંદર તેમાં ઘણા ભુલકાં છે અને તે વાડી આગળ ચાલે છે પણ કોણ જાણે કેમ હવે બસ ક્યારે આ જિંદગીને રામ રામ કહી જીવન લીલા સંકેલી લેવાની વાત મજબૂત થતી જાય છે. સંપૂર્ણ વાસણમાં છલોછલ જીવન તો છે અને હજી તે સમય તે વાસણમાં જિંદગી ભર્યા કરે છે અને તે જીવન જળ છલ્કાઇને વ્યર્થ વહી જતુ હોવાનો અફસોસ થયા કરે છે.

તો કદીક એમ પણ થાય છે કે હવે જ્યારે બધી રીતે પરવારી ગયા છે તો પછી આ પંગુતાને કારણે કેટલા બધા જીવોને મારી નાની નાની જરુરીયતો માટે ક્યાં સુધી હેરાન કરવા? દાદા! ઉઠ્યા? ચા આપુ? આંટો માર્યો? છાપુ વાંચ્યું? નાના બાળક હતા ત્યારે મા જેટલી કાળજી લેતી તેટલીજ કાળજી ઘરમાં પોતાના અને પારકા લે છે પણ મને કોણ જાણે કેમ એવું લાગ્યા કરે છે કે મારી મા મને બોલાવે છે..બેટા ત્રીસ ત્રીસ વર્ષ થી તને જોયો નથી તુ આવ..સવારે પગે લાગતા બંને માબાપને જોઇને હું છુટો પડી ગયોનો અફસોસ થાય અને મારા થી રડી પડાય..મારી આંખમાં આકળ વિકળતા જોઇને તારી બા પણ આર્દ્ર થઇ જાય..તેની મૌન આંખોમાં મને છોડીને તમે ના જશો..તમારા કરતા વહેલી હું છુટું તો સોહાગણ મરું તેવી આજીજી હોય..

ઘણી વખત આ વિચારો એટલા પ્રબળ હોયકે વણ બોલ્યે તે બધું સમજી જાય અને મને કહે આ જીવન પ્રભુધ્યાન માટે છે ભગવાને આખી જિંદગી તેના ચીંધેલ માર્ગે ચાલ્યા છે તેથી ઇનામ સ્વરુપે મળેલું છે..નાના બાળક્ની જેમ નિશ્ચિંત થઇને જીવોને? ચાલો આપણે સાથે પ્રભુનું નામ લઇએ.. મારુ અશુધ્ધ જાય તો ક્ષમા પણ ભાવો શુધ્ધ છે અને તમે મનમાં બોલજો..આવી ભાવ સમાધીમાં પણ શરીર વેદના અને મનમાં પરવશતાનાં વિચારોથી વિઘ્નો પડે. વધુ તો શું કહું અને શું લખું પણ તપણ મને આ પરવશ જીવન અને દુ:ખતા પગનો દુ:ખાવો ભગવાનનું નામ પણ સારી રીતે લેવા દેતો નથી.. ડોક્ટરની દવા અસર કરે ત્યાં સુધી કે ગમતો દુરદર્શન પર કાર્યક્રમ હોય ત્યાં સુધી ભુલાઇ જતો એ દુ:ખાવો એકલા પડે ને તરત કડક લેણિયાતની જેમ આવી ને પજવે છે.

તુ આવે ત્યારે કે હર્ષલ આવે ત્યારે જે અનુભવાતી હૂંફ નાં અભાવા નડે છે. ખરું કહું તો વૃધ્ધ શરીર બાળદેહ બની જાય છે પણ આપુખ્ત સ્વાભિમાની મગજ તેનો કડપ છોડી પ્રભુધ્યાને વળતો નથી..કોઇનુંપણ સુખ જેટલુ આનંદ આપે તેના કરતા વધુ કોઇનું પણ દુ:ખ મને દુ:ખ આપે છે. આશ્કાનાં અજયનાં ફોટા જોઇ રાજીપો જરુર થાય પણ ઘર બહાર આડોશ પાડોશમાં મૃત્યુનાં સમાચાર આવે તો મન દુ:ખી લાંબો સમય રહે છે..ઘણી વખત તો છાપુ વાંચવું જ નથી ગમતું..તેમા માર ધાડ અને મરણનાં સમાચારો વધુ હોય છે ને?

જીવત ક્રિયા થઇ ગઇ અને એ ક્રિયાનો મૂળભૂત અર્થ જે છે તે પ્રમાણે મમત્વનાં ત્યાગ તરફ વળવા માંડવાની શરુઆત આ પત્રથી કરું?શીખા આશ્કા કુતલ અંશ અને તને બધાને બહુ વહાલ અને કદીક ક્યારેક ઉંચા અવાજે બોલી મનદુ:ખ કર્યુ હોય તો ક્ષમા.

મોટાભાઇનાં આશીર્વાદ

પૂ. મોટાભાઇ ( ચોવીસ)

આપના પગનો દુ:ખાવો અને હુંફનો અભાવ એ બે રોગ વિશે તમારી પાસેથી પહેલી વાર સત્ય સ્વરુપે જાણ્યું.

બા મને કાયમ કહેતા જ્યારે તુ ત્રણ વર્ષનો હતો ત્યારે મોટાભાઇ ઓફીસે જાય અને તને ન લઇ જાય ત્યારે તુ અચુક બારણું પકડી તેમની સાથે જવાની જીદ કરતો અને તેઓ હમણા મૉટાભાઇ આવશે અને તને લઇ જશે કહી પટાવતા. સાંજ પડે અને એજ બારણા પાસે તુ આતુર નયને તેમની રાહ જોતો…બીજા છોકરા ભણતા પણ તુ હજી નાનો તેથી તારી પાસે મોટાભાઇની રાહ જોવાનું કામ..અને જેવી તેમની જીપ આવે એટલે મોટાઇ આવ્યા મોટાઇ આવ્યા કરતો આનંદ મગ્ન થઇ જતો.. મોટાભાઇ જમવા બેસે એટલે તેમના ખોળામાં ભરાઇને કે તેમની પાસે બેસીને તેમની સાથે ખાવા તમે હેવાયો કરેલો.

આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે અત્યારે તેજ રીતે અને તેજ પ્રકારે તમે અમને યાદ કરો છો…અને અશ્રુબંધ 10000 માઇલની દુરીને શ્રાપ ગણીને જુદાઇ વેઠતા તુટે છે. તે વખતે બાળ સોહમ આ સાથ ઝંખતો પણ તમારું કામે જવુ જેવુ અગત્યનું હતુ તેવુ અગત્યનું અમારુ આ વિદેશગમન બન્યુ..તમારો જીવ જેમ તે વખતે તડપતો હતો તેમ મારો પણ અત્યારે જીવ તડપે છે.

આ દ્વંદનો અંત કેવી રીતે લાવવો તે વિચારતો હતો ને ત્યાં સમાચાર આવ્યા અંશ લગ્ન કરી રહ્યો છે.. તેની હની સાથે..હવે કદાચ તે ભણશે કે અધવચ્ચે રહેશે તે તો તેનું ભાવી જાણે..આશ્કા અને શીખા સાથેનાં અમેરિકન સ્વચ્છંદતા પૂર્ણ વર્તન નાં અંતે હવે લાગે છે તેણે મારી સાથે પણ સ્નેહતંતુ નો દોર છોડી નાખ્યો… ભગવાન તેનુ ભલુ કરે પણ તેણે મારા આ દ્વંદને નેસ્ત નાબુદ કરી નાખ્યું. હવે હું અહીં નિવૃત્ત થઇ તમારી સાથે રહેવા પાછો આવી શકીશ તેવી શક્યતાઓ ઉજળી થઇ છે.

કદાચ આ દુ:ખની ઘટના જ્યાં તમને તમારું સંતાન તેના અંગત સુખ માટે રઝળાવે તેવુ બને. મારે તો આ ઘટનાને પ્રભુ પ્રસાદી સમજવાની અને લશ્કરની ભાષામાં યુધ્ધ પુરું થયાના નિશાન જેવું રણશીંગુ વાગ્યું તેવુ લાગ્યું. શીખા અને આશ્કા અંશનાં આ નિર્ણયથી બહુ વ્યથીત નથી. હું મારુ ધારેલું કામ કરી શક્યો..પણ ભણતર બંનેનું પુરુ ન થયું નો અફસોસ જરુર છે. ઘણી વખત એવું મનાય છેને કે તમે ઘોડાને પાણીની વાવ્ સુધી લઇ જઇ શકો પણ પાણી તો તેણે જાતે જ પીવુ પડેને,,બસ બાપ તરીકે મારાથી બન્યું તેટલુ અને તેવુ ભણતર પુરુ પાડવા મથ્યો પણ તેને ભણતર કરતા દુન્યવી શોખો ને વહાલા કર્યા..તમે ભગવાન તો નથી અને તમારી પણ મર્યાદાઓ છે. તમે કહી શકો કે સમય ખોટો છે તે ખાડો છે તે દિશામાં ના જવાય..છતા તે દિશામાં જાય ત્યારે બીજુ તો શું કહેવાય..જાતે ચાલો ચાતરે છે તો જાતેજ પામશો પરિણામ.. બાપની તો વ્યથા એટલી જ કે તે જ્યારે દુ:ખી થશે ત્યારેય તે રડશે અને આજે પણ તે રડશે..
મારી પાછળ રેડીયોમાં મુકેશ ગુંજે છે..
આ અબ લોટ ચલે….નૈન બીછાંયે બાંહે પસારે…તુજ કો બુલાયે સુદેશ તેરા…
મોટાભાઇ હું આવુ છું આપની શીળી છાયામાં..આપની સેવા સુશ્રુષા અને સંભાળ કાજે…

પૂ. મોટાભાઇ ( પચીસ)

તમારા પત્રનાં અનુસંધાનમાં મને તમને જે નહોંતુ જણાવવુ તે જણાવી રહ્યો છું.
અમેરિકન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે નો તણાવ કહો કે માબાપ તરીકેનો આમારો સંતાનો પરનો આંધળો વિશ્વાસ આજે અમને અસહ્ય વેદના અને પરિતાપથી ઘેરી રહ્યા છે.
મારા મનને તો કદાચ હું ધર્મ અને કર્મના નામે વાળી લઉં પણ શીખાનાં મનને જે ધક્કો પહોંચ્યો છે તેની વાત કરવી લગભગ અશક્ય છે છતા થોડો પ્રયત્ન કરુ…
તેણે જ્યારે ગામ છોડ્યુ ત્યારે તે સ્પષ્ટ હતો કે તેનુ ભણવાનુ અને રહેવાનુ બધુ તે અમેરિકન છોકરાની જેમ કરશે..પણ હું એમ માનતો કે બાપ તરીકે તે મારી ફરજ છે..અને શીખા પણ તેને કહેતી રહેતી કે ભાઇ આપણી પહોંચમાં રહેવુ અંને કરકસરથી રહેવુ.તે નોકરી કરવાને બદલે પોતાની કંપની ખોલી પૈસા કમાવાની વાતો કરતો.. કદાચ તેને ભણવા કરતા અમેરિકન પધ્ધતિ પ્રમાણે રહેવાનું અને મુક્ત જીવન ગમ્યુ..પૈસાની મારી સલાહો તેને કદી ગમી નહોંતી પરંતુ તેને જરુરી બધી રહેવની અને ખાવાપીવાની સવલતો માટે એક ક્રેડીટ કાર્ડ આપેલુ અને દરેક બે અઠવાડીય્રે તે ગામ આવી શકે તે માટે જરુરી નાણાકીય સવલતો હાથ વગી રાખી હતી.
એવામાં તેને ગન બતાવીને કોઇએ લૂંટી લીધો તે દિવસે શીખાએ ખુબ જ ધમ પછાડા કરી તેને ઘરે બોલાવી લેવા કહ્યું ..તે નાનો છે એને હજી જમાનાનું શું ભાન કહી ખુબ રડી પણ હું અને આશ્કા માનતા હતાકે આ બે ચાર વર્ષનું દુ:ખ છે પણ આવી સારી કોલેજ માં થી ભણીને આવશે તો તેનુ જીવન બનશે અને આપણી તપસ્યા સફળ થશે..મારી બીલ્કુલ મરજી ન હોવા છતા તેને કાર અપાવી કે જેથી તેને રૂમ પાર્ટનરનાં સહારે ન રહેવુ પડે…હું જાણતો હતો કે એક નવી ગાડી એટલે મહીને વિમો અને હપ્તો ભેગો થઇ 560 જેટલા ડોલર નો ખર્ચ પેટ્રોલનાં બસો અને તેના એપાર્ટ્મેંટના ચારસો ડોલર તો મહિનાનાં પાક્કા…ચાર વર્ષનાં 55 થી 60000 જેટલી રકમ ની બચતો મારી પાસે નહોંતી કારણ મોટી ઉમરે અહીં આવી બે છેડા માંડ ભેગા થાય..તેથી શીખા તેને કહે પણ ખરી તુ હોટેલનાં “બ્રાઉન પડીકા” ના ખાઇશ અને દર પંદર દિવસે અહીંથી પંદર દિવસ ચાલે તેટલુ ખાવાનુ લઇ જા અને થોડુક ઘરે પણ બનાવતા શીખ. એક બે વરસ તો બરોબર ચાલ્યુ અને એક દિવસ ક્રેડીટ કાર્ડમાં પેટ સ્ટોરનું બીલ જોયુ તેથી મેં ફોન કર્યો ત્યારે ખબર પડીકે ભાઇ એક ગલુડીયુ પાળી રહ્યા છે.
મેં તેને સલાહ આપી ભાઇ અમે પેટે પાટા બાંધી ત્યાં તને ભણવા મોકલ્યો છે..શોખ કરવા નહીં ત્યારે બહાનુ આવ્યુ કે તેને રોડ પર રહેવા દીધુ હોત તો મારી નાખતે તેથી તેને બચાવી જીવદયા કરું છું. મને સગડ સારા ન લાગતા મારા સ્કુલમિત્રનો દાખલો આપ્યો..જે જિંદગીનાં ભણવાના સમયે ભણ્યો નહી તે આખી જિંદગી રીબાયો..ખૈર..તે અપાર્ટમેંટ અને રૂમ પાર્ટનર બદલતો ગયો અને સમજાવટ માથે પડતી જણાતા મેં ક્રેડીટ કાર્ડ તુ જાતે ભર. તારી કારનો વિમો અને કારનો હપ્તો હું ભરીશ કહી માથા પર થોડુ ભારણ નાખ્યુ અને વાત વટે ચઢી..કુતરુ કરડ્યુ ત્યારે હજાર ડોલરનો ખર્ચો થયો ત્યારે ફરીથી વાળ્યો..આ બધુ છોડ અને ભણવા પર ધ્યાન રાખ વાળી વાતનો પ્રતિભાવ આવ્યો હું કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી ઘણુ કમાઉ છુ. મારી ટેકનોલોજી આઉટ્ડેટેડ ના થઇ જાય તે માટે ભણવાનુ બાજુ પર મુકી હું કમાવામાં પડ્યો છું. હવે તેને ગામ આવવુ જરુરી નથી લાગતુ..
બાવીશ્મે વરસે તેનુ ભણ તર પુરુ થઇ જવાનુ હતુ ત્યારે ભાઇ હની સાથે પરણવાની વાત લઇ ને આવ્યા..તેને ખબર હતીકે શીખા ક્યારેય હા નહીં પાડે તેથી મોટે ઉપાડે જો તુ હા નહીં પાડે તો તને હું છોડી દઇશની વાત કરી. ત્યારે મેં એક ઝાપટ રશીદ કરી દીધી. એ ઝાપટ ભારતીય સંસ્કારોની બાબતે મારો આક્રોશ હતો..હું તેને કોઇ પણ રીતે તેવુ પગલુ તે ન ભરે તેમ ઇચ્છતો હતો અને અમેરીકન સંસ્કારોની ભાષામાં હું જંગલી હોવાની નિશાની હતી. શીખાને ભરોંસો હતો તેના લોહીનાં સંસ્કારો તેને પાછો લાવશે..તે ભરોંસો યુવાનીનાં ઉન્માદ સામે ઉણો પડ્યો.. ‘મારે શું કામ રાહ જોવાની? મેં મારો જીવન સાથી શોધી નાખ્યો છે. અને તમારી પાસે હજી જિંદગીનાં દસ પંદર વર્ષો છે હાથ પગ ચાલે છે કામ કરો..મારી જિંદગી પણ મારે જોવાનીને?
માફ કરજો મોટાભાઇ મને લાગતુ નથી કે હું તેને કે તેની હનીને કે તેના સંતાનોને તમારી પાસે લાવી શકીશ કે કેમ? કારણ સ્પષ્ટ છે કે તેની સાથે વાત કરવાની જેટલી ચેષ્ટા મેં આશ્કાએ કે શીખાએ કરી ત્યારે તેની પહેલી શરત હતી કે હનીની માફી માંગો અને અમેરિકન પધ્ધતિ થી તેને સ્વિકારો.. મને સમજાતુ નથી કે અમારે તેની હનીની માફી શું કામ માંગવાની? ખરેખર તો મને શરમ આવે છે કે આ શું મારું લોહી? જે ને માનાં આંસુ ના પીગળાવે અને હનીનાં માન માટે બાપ સામે બાંયો ચઢાવે..ખૈર એ જાતે ઘર છોડીને ગયો છે. એ ખુશ છે તો એની ખુશીમાં અમે ખુશ છીયે..બાકી આનાથી શરમ જનક પરિસ્થિતિ બીજે શું હોય કે જ્યાં પેટનો જણ્યો પારકી જણી માટે ઘર છોડી જઇ શકે..તેના ઘરે સીમંત થશે તેને ત્યાં પણ દિકરા દીકરી થશે ત્યારે કદાચ તે સમજશે..
ઘણી વાર મારુ મન મને કહેતુ હોય કે એકનુ એક સંતાન છે..માવતર કમાવતર કેવી રીતે થાય..પણ પછી થાય કે તેને મારા વિના ચાલી શકે તો મને કેમ ના ચાલે…કેટલાય માબાપોને તેમના સંતાનો ન હોવાનુ દુ;;ખ છે જ્યારે મને સંતાન હોવાનુ દુ:ખ છે કારણ કે તેને લીધે આ અપમાન નો ઘુંટડો પીવો પડે છે. અને છેતરાયાની તીવ્ર શૂળ હૈયે ભોગવવી પડે છે.
મારા કરતા પણ શીખાને આ શૂળનું દુ:ખ વધુ ભોગવવુ પડે છે.
કોણ જાણે કેમ છતાય મનમાં એના માટે એક જ વાત ઉઠ્યા કરે છે તે ભોળો છે તેની હની તેને સાચવશે તો ખરીને? અહીં તો જેમ હાયર અને ફાયર જેમ સામાન્ય છે તેમ ડાઇવોર્સ પણ ન જેવા કારણે મળી જતા હોય છે. જો તેમ ન થાય તો પ્રભુ તારો ઘણો ઉપકાર પણ જો તેમ થયું તો તેના બચપણમાં તેના તરફ ધ્યાન ન આપ્યાનું દુ:ખ મનને સદાય કોરશે. અમેરિકામાં ઘણુ બધુ મેળવવા ઘણુ બધુ ખોવુ પડે છે..જે આજે ખોયા પછી સમજાય છે કે ઉંચા ઉડવાનાં ખ્વાબ જોનારે તે ઉંચાઇથીગબડ્યા પછીનાં મારને સહેવાની પણ તૈયારી રાખવી પડે છે. જે અમારી નથી તેથીજ પાછા આવવા અને આપના પૂનિત ચરણોમાં જે શક્ય ઓછી વત્તી સેવા કરી ઉદ્વિગ્ન મનને શાંત કરવા ઇચ્છુ છું.
હા તમે સાચા છો..હું ભાગી આવુ છું…
હારીને..સર્વસ્વ લૂટાવીને
ડોલરનાં સ્ટીમ રોલરમાં નીચોવાઇને
જિંદગીનો એક દસકો હારીને આવુ છું
છેતરાયાની શૂળ હળવી કરવા આવુ છું
જો કે અહીં બધુ સમેટવામાં સારો એવો સમય અને નુકશાન લેવાનું છે..
પણ વંશજ્ને ગુમાવ્યાનાં નુકશાન જેટલું તો તે નહીં જ હોય..
અટકું?
આપનો સોહમ..

પ્રિય સોહમ-25
11 02 2008
મને તુ આવે છે તે ગમે છે પણ આવ રીતે અર્ધા યુધ્ધમાં હથિયાર નાખી દઈને આવે તે ગમતુ નથી. સમયે મને એ શિખવ્યુ છે કે કઠીન સમય તો આવે અને જાય પણ સાચો માણસ બંને પરિસ્થિતિમાં ખરો ઉતરતો હોય છે અને તે ખરો ઉતરવા ખુબ જ ધીરજ જોઈએ છે. જાગૃતિ જોઈએ છે. અમેરિકન થવાના અંશનાં પ્રયત્નો તેની અમેરિકામાં સ્થિર થવાની એક પધ્ધતિ હોય અને તુ ભારતિયપણાને તારી જીવન પધ્ધતી માનતો હોય તો બન્ને અશ્વો તદ્દન વિરુધ્ધ દિશામાં જઈ રહ્યા છે.
તને તો અંબુકાકા ૮૩માં ત્યાં આવ્યા અને ૮૩ થી આજ દિન સુધી રહ્યા તેમની જીવન પધ્ધતિ જો અને સમજ. એમ્ણે એમના ભારતિયપણાને છોડ્યા વગર સંઘર્ષ રહિત જીવનનાં ૨૫ વર્ષ કેવી રીતે કાઢ્યા તે જરા જો. તેમના જીવનમાં વહુઓ દિકરી બનીને આવી હતી અને તેમનુ દરેક વર્તન સંહિષ્ણુ બનીને કાઢ્યુ.. જતિન કહે તેટલુ જ કરવાનુ અને ઘરમાં બને તેટલુ સંપથી રહેવાનુ. હર્ષલ મને પણ તે રીતે અમેરિકામાં રહેવાનુ કહેતો હતો પણ મને તે ન સદ્યુ અને હું અહી વેરાયેલા કુટુંબ સાથે છીન્ન ભીન્ન છું.જ્યારે તેઓ આટલુ સહન કર્યા પછી છ દિકરા અને તેમની ચોથી પેઢી સાથે ૩૭ માણસોનાં કુટુંબમાં આદર અને માનથી જીંદગી જીવે છેને?
પ્રશ્ન એ છે કે તમને મળેલી જુદી જુદી પરિસ્થિતિમાં તમે જે નિર્ણય લો તે પ્રમાણે પરિણામ મળે છે.
મને ડર છે કે તુ પણ મારી જેમ જ છીન્ન ભીન્ન થઈને રહેવાના રસ્તે જઈ રહ્યો છું. મારો દિકરો છુ તેથી કહુ છુ મારો નિર્ણય આજે ૨૫ વર્ષે મને સાચો નથી લાગતો તુ જરા વિચારજે અને પછી ધીરજ પુર્વક તારા અંતરનાં અવાજને અનુસરજે.
બહુ વિચારતા મને એવુ લાગે છે કે અમારા અહી હોવા સુધીજ તને અહી રહેવુ ગમશે.. અમે નહી હોઈએ ત્યારે તારુ મન પાછુ ખેંચાવાનું જ. આશ્કા અને અંશ બંનેના સંસારમાં તારા પૌત્ર અને પૌત્રીઓ હશેજ્..
દરેક દુઃખ અને સુખ તેમનો નિર્ધારીત સમય લઈને આવે છે.. જે જતો પણ રહેતો હોય છે.
દરેક ઘન્ઘોર કાળી રાતની પાછળ સુર્ય પણ ઉગતો જ હોય છે. મને ઘણુ વિચાર્યા પછી એવુ જ લાગે છે કે તુ આવ પણ અહી સ્થિરતા તને મળશે કે નહી તે જાણ્યા વિના ભમ ભુસ્કા ન કરીશ. ફરીથી કહુ તો અમે તો પીળુ પાન.. અમારે માટે એવુ કંઈ ન કરીશ કે તારા પાછલા વર્ષો અમારી જેમ અફસોસ કરીને તુ ના જીવે.
તારી બાને પણ્ તારી આવીજ કંઈક ચિંતા કોરે છે…

પૂ મોટાભાઇ(26)
16 02 2008

તમારી વાત સાચી હોવા છતા મનમાં એવુ ક્યારેય થતુ નથી કે અહીં રહીને મારે તમારુ ઘડપણ બગાડવુ જોઇએ.મારી મારા સંતાનો તરફ કોઇ ફરજ છે તો તમારી તરફ પણ મારી ફરજ છે. ડોલરનો નશો તો કદી ઉતરે તેવો નથી અને માણસને સાચા ખોટાનુ ભાન ભુલાવી દે તેટલો નશો પણ શુ કામ કરવો જોઇએ?
હા આશ્કા તેના સાસરે સુખી છે અજય મોટો થઇ રહ્યો છે જ્યારે અંશ તેના જીવનમાં સુખી છે.ત્યારે મને અહીં હું મારો સમય વેડફી રહ્યો હોઉ તેવુ લાગે છે.
બહુ શાંતિથી તમારી વાત ઉપર વિચારતો હતો અને એક ઘટના નવી ઘટી..મારુ કોમ્પ્યુટર ક્રેશ થયું..સમજણ તો બહુ પડે નહીં પણ ડેટા પાછા કાઢવાનાં અને ફરી ચાલુ કરવાનુ આ ઉંમરે અઘરુ..આશ્કા ત્યાં બેઠી બેઠી ચિંતા કરે અને શીખા અંશની અસહકારની ચળવળથી ખુબ જ કૃધ્ધ અને વ્યથીત…મને તેના શબ્દો બરાબર યાદ હતા..જે બાપને છોકરા ના હોય તે બાપ જે કરે તે કરો..તેથી તેનો સહકાર લીધા વિના બે કલાક્ની માથાકુટ કરી કોમ્પ્યુટરને વાઇરસ રહિત કરી ચાલુ તો કર્યુ. પણ ડેટા બધા જ ન લાવી શક્યો.
ગુગલ પર સરતા સરતા અંશની સાઇટ મળી.એના પર એની ડાયરી વાંચી અને મારુ મગજ બંધ થઇ ગયુ..પહેલી વખત મને અહેસાસ થયો કે સંસ્કાર અને તાલિમ એ બે નેસ્ત નાબૂદ થતી પૂર્વની વાતો અહીં ફક્ત હાંસી અને મઝાકનું કારણ છે.અને પોતાની જાતને અમેરિકન બનાવવા તેણે જે પ્રયત્નો કર્યા તે જ તેની આજ છે.
હું અને શીખા તેને ભારતિય સંસ્કારો આપવા મથીયે ત્યારે તેનુ મન એને અમેરિકન ધારા ધોરણ થી મુલવે અને ખાસ તો પૈસા ખર્ચવાની બાબતે તે દેવુ કરીને ઘી પીઓમાં માને ત્યારે હતાશ બાપ મનમાં દ્રવતો દ્રવતો કહે_
મીઠા જળનું તુ માછલુ કેમ તરે તુ ખારા જળ
વળ મારા વંશજ પાછો ત્યાં દેખાયે અશ્રુ જળ

સો કમાયે ત્યારે કર ના ખર્ચ એકસો વીસ.
જેનો.તે તો જરૂર પડશે ઉંધો એકો દિન.

વાણિયાનો દિકરો પ્રેમના નશામાં કરે છે અવળી વાત!
પાંચ ખર્ચતા પતે જે વાત તેની પાછળ પાંચસો ખર્ચતો

સુર્ય કદી કોઇએ જોયો છે પશ્ચિમે ઉગતો કદી ભલા?
તે તેના જીવનને માણે છે ત્યારે મને થાય કે શા માટે મારે અને શીખાએ તેના જીવનની ચિંતા કરવી? તેને સમજાવ્યો.માઠુ .ભવિષ્ય બતાવી ડરાવ્યો .દરેક પ્રયત્નોનુ પરિણામ જ્યારે ઉંધુ જ આવે ત્યારે ડહાપણ મને એમ કહે છે જાગતાને જગાડી જાતને મુર્ખ બનાવવા કરતા તે ઉજાગરા અને રુદનો ને પાછળ રહી ગયેલી મારી ફરજો જેમકે તમો બંને તરફ વાળી કેમ તમારા પાછલી વયનાં એકાંતોને શણગારુ?
આ વિચાર જ્યારે પણ મને આવે છે ત્યારે દસ હજાર માઇલની દૂરી ખુબ જ નડે છે. તમે તો અમે તો પીળુ પાન કહી તમારુ મુરબ્બી પણુ દેખાડ્યુ. હવે મારો આ સમય છે કે મારે મારી દીકરા તરીકેની ફરજો બજાવવી.

પ્રિય સોહમ (26)
17 02 2008

તારો પત્ર મળ્યો.
મને નવાઈ લાગે છે કે અંશનાં લગ્નને સવા વરસ વીતી ગયા પછ અરે તેને ત્યાં દિકરો આવી ગયા પછી તને તેનુ આલ્બમ જોવા મળે છે? અને તે પણ અચાનક અને તેને તુ દુઃખનુ કારણ માની દુઃખી થાય છે? આ બતાવે છે કે હજી તુ કર્તૃત્વ ભાવથી મુક્ત નથી થયો…હજી તને ઉંડે ઉંડે એવી આશા છે કે દહીંનુ ક્યારેક દુધ થશે?તે તો તેના જીવનમાં તને તારા હાલ ઉપર છોડીને જતો રહ્યો..હવે જે થનાર છે તે અંગે વિચારી વિચારી દુઃખી થવાને બદલે થોડોક ભરોંસો ભગવાન ઉપર મુક અને ખાલી પ્રાર્થના કર કે તેનુ પણ ભલુ થાય અને તારી જિંદગીમાં તારે જે કરવાનુ હોય તે કર.
હમણા ક્યાંક વાંચેલુ તને લખવાનુ મન થાય છે
પ્રભુ એ સ્પેર વ્હીલ નથી સ્ટીયરીંગ વ્હીલ છે
ખુબ આસ્તિક અને મનને શાંતી આપે તેવો આ વિચાર છે.
કહે છે ભગવાનનુ એક સ્વરૂપ છે સર્જકનું. તેમણે આ દુનિયામાં ઘણુ સર્જન કર્યા પછી તેને સાચવવા અને સંભાળવા માટે તેની પ્રતિક્રૃતિ સમ માણસનુ સર્જન કર્યુ અને પ્રભુનાં સર્જનને સમજી શકે તે માટે તેનામાં હ્રદય મુક્યુ.. તેમના દરેકે દરેક જીવંત સર્જનો કરતા વિશિષ્ટ બનાવવા તેને મન આપ્યુ કે જેથી તે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ અને સૃષ્ટી સાચવી શકે..શયતાને તે મનમાં ‘હું’ નામનું એક વાઈરસ મુકી દીધુ જે યુવાવસ્થામાં રોગનાં લક્ષણો બતાવે. શયતાનને ખબર હતીકે પ્રભુનુ ત્યાર પછીનું સર્જન સ્ત્રી છે તેથી વાઈરસ ‘હું’ ના રોગો ત્યારે વકરે કે જ્યારે તે સ્ત્રીનાં સંપર્કમાં (પત્ની કે પ્રેયસી સ્વરુપે)આવે.
ભગવાન ની એન્ટી વાઈરસ સિસ્ટમે બધુ શોધી નાખ્યુ અને ઘણા સંરક્ષાણત્મક ઉપાયો યોજ્યા પણ તેઓ ઈવને નેસ્ત નાબુદ ન કરી શક્યા કારણ કે ભવિષ્યની પેઢી માટે માતા તેજ બનવાની હતી.
હવે સંતો એ સુચવેલા રસ્તા સમજ..સંતાન ને ૧ થી૫ વર્ષ સુધી ભરપુર પ્રેમ આપો,પાંચ વર્ષથી સોળ વર્ષ સુધી કડક રહી સંસ્કાર સિંચન ભણતર..અને ૨૫ વર્ષ સુધી વહેવારિક તાલિમો અને ત્યાર પછી લગ્ન…આ સમયે મા બાપ ૫૦થી ઉપર થયા તેથી ધીમે ધીમે તેમને વાન પ્રસ્થાશ્રમ… અને ૭૫ વર્ષે સંન્યાસ્તાશ્રમ…
હવે આજની પરિસ્થિતિ જો. સોળ વર્ષે શાળા પતે અને કોલેજમાં આવતાની સાથે ‘હું’ વાઈરસનો હુમલો થાય્.. જો મનભાવન સ્ત્રી પાત્ર મળી ગયુ અને તે પાત્રમાં પણ સંસ્કારિતાનો અભાવ હોય તો ‘હું’ વાઈરસને મોકળુ મેદાન મળે અને જે અવળ ગતિએ ચઢે તેને તો સમય જ બચાવે..આ સમયે પ્રભુ “સ્પેરવ્હીલ” બને અને અકસ્માતોની ભરમાર સર્જાય્.
આટલી લાંબી વાર્તાનો તારા માટેનો સાર એટલોજ કે તુ હવે પ્રભુને “સ્ટીયરીંગ વ્હીલ” સોંપ અને વણ જોઈતી ચિંતા ના કર.
તારા ગયા પછી મેં અને તારી બાએ પ્રભુને બધુ સમર્પણ કર્યુ છે અને તેના સુચવેલા રાહ પ્રમાણે જીવવા મથીયે છે.
શીખા અને તારી તબિયત સાચવજે
મોટાભાઈનાં આશિષ

પૂ મોટાભાઈ(૨૭)
20 02 2008

તમે કહેલુ સત્ય મને તો શીરાની જેમ ગળે ઉતરી જાય પણ આ પંડ એકલો ક્યાં છે? શીખા અને આશ્કાને આ સત્ય હું જેવો સમજાવા બેસુ એટલે તેમનો છેતરાયા નો ચચરાટ જ્વાળા મુખીની જેમ ભડકે…
કેમ? કેવી રીતે આવુ ચાલે અને એ આગને ઠારવા છેલ્લે આવીને ઉભી રહે આંસુઓની ફોજ… જે મને કદી ન ગમે.
મારી હાલત તો એવી કે મને જ જાણે મારુ બીજુ અંગ ઠપકારે…સાવ જ બિન વહેવારીક છે તુ. આવા છોકરાની પાછળ લોહી તે બળાતુ હશે જે તમને મોઢા પર કહે
તમને મે ક્યાં બોલાવ્ય છે તે આમ વિના અમંત્રણે ચાલ્યા આવો છો?”
શીખા તો રડતા રડતા બોલે કે હું તો એના ભલા માટે ના કહેતી હતી અને તેની ચિંતા થી રડ્યા કરતી હતી. એ ફસાયો છે તે ભોળો છે.અમેરિકન થવામાં તે અમેરિકન પણ નથી અને ભારતિય પણ નથી તેથી તો મને છોડીને જતો રહ્યો…આશ્કા પણ બોલે કે મારે અને એને શું વહેંચવાનુ છે? પણ મારો પણ ફોન ઉપાડતો નથી.. મને પણ હડધૂત કરે છે.
હું મને મારા મનમાં થતા દર્દને સહન કરું કે તે બંને ને શાંત કરુ તે સમજાતુ નહીં.
શીખા નો વિલાપ તીવ્ર થાય ત્યારે સહજ રીતે મારે તેને શાંત રાખવી જોઈએને? પણ હું કેવીરીતે એને શાંત રાખુ જ્યાં હું તેના કરતા પણ વધુ ઘાયલ હોઉં.
તમે લખ્યુ હતુને કે ‘તારો એક દિકરો ખોવાયો છે મારા તો બંને ખોવાવાનાં એ તે જ દશા મારી પણ છે હુંતો ભરે બજારે ચારે ને ખોઈ રહ્યો છું મને, શીખાને, આશ્કાને અને અંશને… શીખાએ તેને બધુ યાદ કરાવ્યુ તુ કહેતો હતો મમ્મી તુ તારુ ઘર માણ હું પહેલા બે પાંચ વર્ષમાં તને તારુ બધુજ કરી આપીશ.. તુ ખાલી રસોડુ સંભાળ અને બેજ મહિનામાં તે બોલ્યો હજી હાથ પગ ચાલે છે નોકરી કરો અને પૈસા બચાવો..ઘરડે ઘડપણ હું બેઠો છું ને? મારો દેવરુપ ગુણીયલ દિકરો બે જ મહિનામાં…ત્યારે વક્રોક્તિ કરતા બોલ્યો ત્યારે હું બેબી હતો આજે હું રીસ્પોન્સીબલ માણસ છું મારે પણ મારી જિંદગી જોવાની ને?
બદલાતી સ્વાર્થી મનોવૃત્તિ નો ચાબખો હજી દોઢ વર્ષે પણ એટલોજ ચચરાટ આપે છે.મનમાં થાયકે તમે એવાતો કેવા અમને કેળવ્યા કે આટલી મોટી ઉમરે પણ મને એવો વિચાર નથી આવતો કે મા બાપ અમારા કુટુંબનો ભાગ નહીં ..શીખા તેથી તો કહે છે આવુ ન હોયે મારુ સંતાન્..પણ હવે અફસોસ કરવાને બદલે બે રસ્તા છે કાંતો ભુલી જા અથવા જઈને માફી માંગ. એને હવે માની જરુર નથી..પણ માને દિકરો જોઇએ છેને..જેની ગરજ વધારે તે નીચો પડે ખરુને…શીખાની આંખે રોજ બોર બોર જેવા આંસુ પડે અને હજાર પ્રયત્નો પછી પણ તેની અંદરની “મા” જ્યારે ના મરે ત્યારે માર ડાયરીમાં આવુ ઉદાસ કવન સીસકે ચઢે
પેટ જ સાચુ ભાન કરાવે.
અમે તો દીઠા તુજમાં સ્વપ્ન હજાર
જ્યાં તુ ફક્ત સફળતાઓને વરતો
વાસ્તવે તુ તો સદાયે તારે રસ્તે ચાલતો
અને કહેતો જિંદગી મારી છે
તેને તમારા સ્વપ્નોનું રમ્ણીય ગામ ના બનાવો..
તમારા સ્વપ્નો કરતા સાચુ છે મારુ જીવનધ્યેય
તમારા તે તમારા અને મારા તે મારા
ક્ષણ માત્રમાં બાવીશ વર્ષનાં ઉપકારો ભુલી
બે વર્ષના સબંધો મૉટા કરે તે જ પેટ
પેટ ને ના રડ ને ના રડ તે મમતાને
ઇશ્વર ન્યાય માની ને સાચો, પામ સમતાને.

પ્રિય સોહમ (27)
24 02 2008

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!
હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો તે દુ:ખી થશે અને તે કહે છે મારી જિંદગી મારી છે દુ:ખી હું થઇશ તો મારા કરમ. તમે તેનુ આટલુ બધુ કેમ માતમ મનાવો છો? આટલીજ કહાણી છે ને? તમે બંને તમારી રીતે સાચા છો અને ભવિષ્યમાં દુ:ખ આવશે વાળી વાત થી કોઇએ પણ આજ શું કામ બગાડવી?
સત્ય એ છે કે વિધાતાનુ શું લખાણ છે તે બે માથી એકે ય જણ જાણતુ નથી. શીખાને તુ સમજાવજે કે ભવિષ્યની તો રાજા રાવણનેય ખબર નહોંતી કે નહોંતી ખબર રઘુનંદન રામને પણ..વિધાતા બની બેઠેલી મનોવૃત્તિ જ ડર આપે છે અને રડાવે છે.આગલા પત્રોમાં લખ્યુ હતુ તેમ જ હવે સમય આવી ગયો છે કે જિંદગીનું સ્ટીયરીંગ વ્હીલ પ્રભુને સોંપો અને નિશ્ચિંત થઇ જીવન ને જીવો.
ચંદુ મહેસાનવીની એક ગજલ મને યાદ આવે છે
છે સલામત સ્વપ્ન કોનુ વિશ્વમાં?
ક્યાં સિકંદરની કશી છાયા મળે?
મને લાગે છે જ્યાં કશુ ડંખ્યુ ત્યાં આપણને પ્રભુને ફરિયાદો કરવાની કુટેવ પડી ગઇ છે.મારી જેમ જ હું જેટલાની વાતો સાંભળુ છું તે બધા પોતાની જાતને કોઇ જ ગુનો કર્યો હોય તેવુ સ્વિકારવાને બદલે ભગવાને મારી સાથે અન્યાય કર્યો તે વાતો ઉપર જ વધુ ભાર મુકતા હોય છે. ભાઇ મારા સિકંદર સમા નિર્ધારો કરવાથી સિકંદર નથી બનાતુ..સિકંદર જેવી સેના પાલવવી પડે, તેટલા સંકલ્પો પુરા પાડવા પડે.
અજયની વીડીયો કેસેટ જોતો હતો અને તે જોતા વિચાર આવ્યો કે નાનો જીવ કેટલો પરિશ્રમ કરે છે તે પોતાની વાત કહેવાનો..હસવાનો, રડવાનો, દોડવાનો, ચાલવાનો ખાવાનો અને ઉંઘવાનો. માથા ઉપર ખમતીધર બાપ અને મા બેઠા હોવા છતા તેને ક્યાં જંપ છે? આટલી બધી આવડતો કેળવ્યા પછી સ્કુલે જશે ભણશે, રમશે અને મોટો થશે અને જીવનની ઘણી દસી વીશી જોશે અને એક દિવસ આવશે જ્યારે મારી જેમ આ રંગમંચ પરથી વિદાય લેશે. મનમાં પ્રશ્ન ઉદભવે કે આ જીવન ચક્રનું આદી નથી અંત નથી તો કેમ વારંવાર જન્મવુ અને વારં વાર મરવુ?
આ પ્રશ્ન જ્યારે મનમાં ઉઠે છે ત્યારે એકજ વાત યાદ આવે કે માણસ પોતે એક કઠ પૂતલી છે પણ જાણે પોતે સુત્રધાર હોય તેમ વર્તવા એટલો બધો ટેવાઇ ગયો હોય છે કે તે સ્વિકારીજ નથી શકતો કે વિધાતા સુત્રધાર છે. હું મારી વાત તને સમજાવી શક્યો છું કે નહીં તે મને ખબર નથી પણ એટલો પ્રયત્ન જરૂર છે કે તુ સમજ તારાથી બન્યું તે બધુ તેઁ કર્યુ.. હવે એને એના ભાગ્ય ઉપર છોડ. તારી જિંદગી તારી છે તેને તારી રીતે તુ જીવ. અને આજ સત્ય દરેક્ને લાગુ પાડ. શીખા અને આશ્કાને પણ..
આવી ક્ષણોમાં જિંદગી જીવવાની વાત “બેફામ”નાં આ શેરમાં બહુ રુપાળી રીતે જોવા મળે છે.
છે એ પણ દુ:ખ કે નીકળવુ પડ્યું મારે ફૂલોમાંથી
છે એ પણ સુખ કે ખુશબૂ જેમ ફેલાઇ રહ્યો છું
જે દુ:ખ છે તે સુખ પણ બની શકે છે જો જોવાનુ દ્રષ્ટીબીંદુ બદલીયે તો..ચાલ અહીં અટકું..
સમભાવથી રહેજે અને વેદનાઓનાં રણમાં પુષ્પ બનીની ખીલવાની લબ્ધિ કેળવજે..
મોટાભાઇનાં આશિષ
પૂ. મોટાભાઈ (૨૮)
27 02 2008

તમારો પત્ર મળ્યો. અક્ષરે અક્ષર સત્ય અને અનુભવ ભરેલ વાણી છે.
ઘણા લાંબા સમય પછી આજે મંદિરે ગયા હતા અને આજે એવુ ભયાનક દુઃખ જોયુ . દિલીપ દોશીનું કુટુંબ ખુબ ધાર્મિક અને સફળ વેપારી. દસેક વર્ષ પહેલા તેમની બંને કીડની ખલાસ થઈ ગઈ.સમાજમાં નામ મોટું તેથી પહોંચ ઉંચી તેથી જીવન બચ્યુ પણ કીડની ડાયાલીસીસ નુ દર્દ વેઠતા રહ્યા.પત્નીને સમજાવી તેમના ધંધા ઉપર બેસાડી.વીલ કર્યુ ભાગીદારી છુટી કરી અને હવે જિંદગી ઓછી છે કરીને ધર્મ માર્ગે ચઢ્યા
દિકરો વિકી મેડિકલમાં દાખલ થયો..દિકરી મોના કોલેજમાં દાખલ થઈ.આખુ કુટુંબ દિલીપભાઈની શારિરીક વેદનાને મનથી વેઠતુ હતુ..ત્યાં એક દિવસ કાર અકસ્માતમાં દિકરી મોના મૃત્યુ પામી. શીલાબેન અને વીકી એક અજીબો ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા..વીકી એ શીલાબેન અને દિલીપભાઈને મોના નાં દેહ દાન માટે તૈયાર કર્યા..દિલીપભાઈ સહિત પાંચ દર્દીને કીડની, આંખો અને હ્રદયનાં દાન થયા..
આજે સમાચાર આવ્યા તેમનો ૨૭ વર્ષનો વીકી અકસ્માતમાં મૃત્યુ પામ્યો… દિલીપભાઈ અને શીલાબેન છતા સંતાને નિઃસંતાન થયા..ખરેખર કોઈ ની ઉંમર મૃત્યુ માટે નથી..અઢળક પૈસો પણ પૈસાને જાળવનાર કે વાપરનાર ના રહ્યો. અને આ બધુ દસ વર્ષનાં ટુંકા ગાળામાં…
દિકરાની ચીતાને આગ દેવા જેવું કઠોર કામ જ્યારે દિલીપભાઈ કરશે ત્યારે તેમના માથે શું વિતશે તે કલ્પના કરતા મારું મન ધ્રુજી જાય છે. શીલાબેન નું કલ્પાંત અને વીકીની વિવાહીતા ચાંદનીનાં દુઃખ સામે અમારું કલ્પાંત બહુ જ વામણુ અને અર્થ હીન છે.મને લાગે છે ભલે અંશ મારી સાથે વાત ન કરતો હોય્. મને તેણે છેતર્યો હોય છતા એ હયાત છે તે પ્રભુ નો ઉપકાર છેને…
શાસ્ત્રો કહે છેને કે તમારા દુઃખને નાનુ કરવા તમારાથી વધુ દુઃખીને જુઓ અને તમારા સુખને વધારવા તમારાથી ઓછો સુખી હોય તેને જુઓ વાળી વાત આજે મને આત્મસાત થઈ.
હું મનથી મારા ઉપર થયેલ પ્રભુ કૃપાને વંદી રહ્યો…
બાની અને તમારી તબિયત સાચવશો અને અમ સૌ પર આશિષો વરસાવતા રહેજો
સોહમનાં વંદન્..

પ્રિય સોહમ (૨૮)
2 03 2008

તુ સમજુ છે અને તેથી જે વાત હુ તને સમજાવવા માંગતો હતો તે દિલીપ દોશીની કહાણીથી તુ સમજી ગયો. હાલત ગમે તેવી ખરાબ હોય માણસે ઝઝુમીને મથ્યા કરવુ પડતુ હોય છે અને તે ઝઝુમવાની વાત ઉપર તને બાળપણ ની કવિતા પડતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય યાદ હશેજ..એક વખત બે વખત ત્રણ વખ કંળ કેટલીયે વાર પડ્યા પછી દરેક પ્રયત્ને તેણે શોધી નાખ્યુ કે ઉપર ચઢવા જતા ભીંત ક્યાં ખરબચડી છે અને ક્યાં સુંવાળી.. સાંજ સુધીમાં તો કરોળિયો ભીંત ની ટોચે બેઠો હતો. Tough time comes and go but tough people always stay તે તો તને ખબર છે ને?
હવે સાંભળ તમારી અને અંશની વાતોમાં “હું સાચો” અને “હું સાચી” વાળી વાતોનું મમત તીવ્ર છે. અને તેમાં મારો પ્રપૌત્ર દાદાનાં અને દાદીનાં વહાલથી વંચિત રહીજાય છે તે મને ખટકે છે.હજી તો નાનુ અબોધ બાળ છે પણ અભિમાનનાં ગજ ઉપર બેઠેલા તમે બંને મારા દિકરાઓ એક વસ્તુ સમજો..લોહીનાં સબંધો ક્યારેય લાઠીએ માર્યા છુટતા નથી અને હંમેશા આવી સ્થિતિમાં લાભ ત્રાહિત ખાટ સવાદીયા લઇ જતા હોય છે
હમણા જ ‘પરમ ઉજાસ’ પર વાંચેલુ આ લખાણ મને બહુ ગમ્યુ તેથી અહીં ટાંકુ છુ.
“ છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.”
સંબંધોની ભીની માટીમાંથી જો ભેજ….અર્થાત ઉષ્મા…સંવેદન ઊડી જાય તો તેને કોરી રેતી સમાન બની રહેતા વાર નથી લાગતી. અને પછી કોરી રેતી જેમ હાથમાંથી સરી જાય છે તેમ જ જીવનમાંથી સંબંધો સરી જાય છે. સંબંધોની સુવાસ ને સાચવવી આસાન નથી..પરંતુ અશકય પણ નથી જ. કયારેક થોડું જતું કરવાની વૃતિ જો બંને પક્ષ દાખવી શકે તો સંબંધો વરસો સુધી લીલાછમ્મ રહી શકે છે
તારા અને અંશ વચ્ચેનાં તંગ બનેલા સબંધોનાં કારણો માં અભિમાન બંને પક્ષે ગેર સમજુતીઓ ને કારણે તે ઉષ્મા સરી જતી દેખાય છે.મે આગળ પણ કહ્યું હતુ તેમ લોહીના સબંધો અને પ્રેમના સબંધોને વણસાવવા હોય તો વચ્ચે ત્રાહિતોને નાખો કે જે વાતોને પોતાની રીતે પોતાના હીતમાં આવે તેમ ફેરવી શકે છે..અરે! ઘણી વખત પોતાના સુક્ષ્મ લાભ માટે અન્યનાં (બાપ દીકરા જેવા મોટા લોહીના સબંધોને પણ) લાખો રુપિયાનાં નુકશાન કરતા ખચકાતા નથી. જરુરત છે તેવા પરિબળોને ઓળખવાની અને તેમને ખુલ્લા પાડવાની. આવા પરિબળો મહદ અંશે તેમનો સ્વાર્થ પુરો થઈ જતા હવા થઈ જતા હોય છે તેથી તેમને ઓળખીને લોહીનાં સબંધોની કદર કરવી.
તેં તારો ભાગ પુરે પુરો ભજવ્યો છે. સંપર્ક જીવંત રાખવા મથે છે. અને તારાથી બનતું કરે છે.
મારા અનુભવોથી એટલુ તો કહીશ કે જિંદગી ઘણી જ લાંબી છે અને ઘણા વૈવિધ્યો અને ચમત્કારોથી ભરેલી છે. જ્યારે આગળ જોવાનુ માણસ ભુલી જાય અને પાછલા ભૂતકાળમાં પડ્યો રહેવાને આદી થતો જાય ત્યારે હતાશા તેને જકડી લે છે.અને થવાનુ થવાના સમયે થાય જ છે તો
આશાવંત રહી આગળ જોતો રહે..
તારી બા તેના પ્રભુધ્યાન અને ભક્તિમાં આટલા બધા વિઘ્નો આવ્યા હોવા છતા જેમ બની શકે તેટલુ કરતી રહે છે બસ તેમ જ તુ તને વળગેલ હતાશાનાં રોગને ખંખેરવા મથતો રહે…
મોટભાઈનાં આશિષ

પૂ મોટાભાઇ (29)
9 03 2008

તમારો પત્ર મળ્યો.ઘણી વખત ઘરમાં સહજ થવાના પ્રયત્નો અમે બંને જાગૃત રહીને કરીયે છે અને તમે તો જાણો છો અમેરિકામાં માંદા પડવુ પોષાય પણ્ નહીં.કદાચ આપના માનવા પ્રમાણે અમે “હતાશા” જે પણ એક માનસિક રોગ નો પ્રકાર જ કહેવાય તેનાથી પીડાઈએ છે.પણ મને આજે તમને શીખાની તકલીફો કહેવા દો.
હું માનુ છુ તેમ તેનો રોગ હતાશા નહિ પણ “મા” છે. તે ખુબ જ વાત્સલ્યમયી છે. અને તે વાત મને ત્યારે સુઝી કે જ્યારે તેના રુદનમાં ક્યારેય અંશ છેતરી ગયો નો ભાવ નથી આવતો અને એમજ વાત આવે છે કે તે ભોળો છે તેને દુનિયા છેતરી જશે.” ગરજ સરી ને વૈદ્ય વેરી”ની લપડાકો તેને પડશે ત્યારે તે રડશે અને તે ન રડે તે માટે તે તેની કાંખમાં રાખી દેવા મુક્ત કરી સરખો જમાનાને લાયક બનાવી ક્યારેય લપડાક ન ખાય તેવો બનાવવા ઈચ્છતી હતી. પણ પેલો “હું” વાઈરસ જાગી ગયો .અને વીસ વર્ષ્ની ઉંમરે રોગ ગ્રસ્ત થઈ ગયો..પછીની વાત થી તમે વાકેફ છો આજે છવીસ વર્ષે તેને જમાનાએ શું દીધું હાર કે માર તે તો તે જાણે પણ શીખામાં રહેલો “મા” રોગ હજી કાલ્પનીક ભયોથી જ પીડાય છે કે તેને માર પડશે ત્યારે રડશે અને તે કાલ્પનીક રુદન તેને આજે મળેલા વાસ્તવિક તેના સુખો જેવા કે મહેલો જેવુ તેનુ ઘર અને મનનો માનેલો વર ગૌણ બની ગયા છે.
દેવિકાબેન ધ્રુવ ની આ કવિતા કંપ જ્યારે તેણે વાંચી ત્યારે તે ફૂટ ફુટ રડી.
કંપ
આંચકા ભૂતળને લાગે,
તો ધરતીકંપ થઇ જાય છે,
ધક્કા ભીતરને વાગે,
તો ધિક્કારકંપ થઇ જાય છે.
ન નીકળે લોહી પણ,
પડે કાળજે ચકામા એવા,
કે સમયનો મલમ,ભરી દે જખમ
તો યે ડાઘ રહી જાય છે.
શબ્દોના તારે,
નીતરી સમજી જાય વેદના,
કે કર્યાંતાં કાલે પોતાના,
આજે સાવ પરાયા થઇ જાય છે.
ના દોષ કોઇના,
હોય બધાં ઋણાનુબંધ એવાં,
કે સમયની સંગસંગ,
ઇન્સાન પણ બદલાઇ જાય છે.
વીંધાઇ ધારદાર,
સમજાય સત્ય આરપાર,
કે ચાંદ પર ચડતા માનવીથી,
ક્યાં દિલ સુધી પહોંચાય છે ?!!!!
દેવિકાબેન ધ્રુવ
મેં તેને શાંત કરીને પુછ્યુ દેવિકા બેન ની કવિતા તો સચોટ છે પણ તને કેમ રડવુ આવ્યું તો ફરી પાછી એ “મા” બોલી મારો અંશ બદલાઈ ગયો…એની વાત્ એનુ દુઃખ અને એની આર્દ્રતા સમજી હું દ્રવતો ગયો..ક્ષણ..ક્ષણ..કદાચ તે માને છે જ્યારે તેની અમેરિકન હની તેને અમેરિકન ડાઈવોર્સ ની લપડાક મારશે ત્યારે કેમ કરી તે સહેશે.

પ્રિય સોહમ (૨૯)
13 03 2008

તારો પત્ર મળ્યો.
દેવિકાબેનની કવિતા સચોટ છે અને શીખાને તે ગમી જાય તે સહજ છે.
આગળના પત્રોમાં તેં એવો ઉલ્લેખ કરેલો કે અંશ છેતરી ગયો તે વાતનુ શીખા અને આશ્કાને દુઃખ છે અને આ પત્રમાં વાત બદલાઈ..કદાચ આ એક સારી ઘટના છે. કારણ કે “મા” જીવંત થઈ રહી છે..તને ખબર છે ને પેલી કોઈ મા નો કિસ્સો.. વૈશ્યાનાં પ્રેમ માં પાગલ દિકરો વૈશ્યાના ચઢાવાને કારણે માનુ મસ્તક વાઢીને લઈ જાય છે. અને પાછા જતા રસ્તામાં ઠોકર ખાય છે અને પેલુ કપાયેલુ માનુ મસ્તક બોલી ઉઠે છે ખમ્મા બેટા તને વાગ્યુ તો નથી ને?.. મા ગુસ્સો કરે, ગાળો દે કે રડે પણ કદી સંતાન નું તેના થકી અહીત નથી થતુ…

તારા પત્રમાં વર્ણવેલી મા તે બીજુ કોઈ નહી પણ વિજ્ઞાનમાં વર્ણવેલ સાઈનો બેક્ટરીયા છે જે જ્વાળામુખીમાં રહેતો છે તાપ સહે છે અને દુનીયા માટે ઝેરી ગેસ પચાવે છે અને બદલામાં પ્રાણવાયુ સૌને આપે છે. સાઈનાઈડ જેવો ઝેરી વાયુ પચાવવા માટે અને બદલામાં પ્રાણવાયુ અને હાઈડ્રોજન આપતા આ સાઈનો બેક્ટેરીયા પુરાણોમાં સમૂદ્ર મંથનમાંથી નીકળતા હળાહળ ઝેરને પચાવતા શંકરને પાર્વતીની આણ જેવા બહુ ઉપકારી અને સૌભાગ્ય સ્વરુપો ભેગા થઈ આજ ના જમાનામાં માતાનુ સ્વરુપ બને છે.
મેં ક્યાક વાંચેલુ અને મારી ડાયરીમાં નોંધેલુ આ કાવ્ય તને વાંચવા મોકલુ તો તે અત્યારની વાતને બહુ અનુરુપ થશે
મા
મા! જગતભરના કવિઓએ
પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને.
સુગંધના એ દરિયામાં તણાઇ ગઇ તું
ને ભૂલી ગઇ કે તું માત્ર માતા નથી..
છે..એક વ્યક્તિ જેનું કંઇક કર્તવ્ય છે
પોતાની જાત પ્રત્યે
તેમાં યે ઋષિમુખે સાંભળ્યું
કુપુત્રો જાયેત્ કવચિદપિ કુમાતા ન ભવતિ
ત્યારે તો સાત જનમનો નશો ચડયો તને!
અન્યાય,અપમાન ને અવહેલનાની વર્ષા
છો ને કરે સદાયે
ખમ્મા મારા લાલને!
સુમાતા નું કાષ્ઠફલક ગળે લટકાવીને
કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે
કે ખોલીશ કદી નયન?
વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા
નથી નથી એ પ્રકૃતિની દેણ
છે જટિલ માનવ સંસ્કૃતિની વધુ એક બેડી
ચકચકિત..રૂપાળી.. ચાંદીની.. સોનાની. તો યે બેડી!!!
રુધિરનો પ્રવાહ પણ એકમાર્ગી નથી
હોય તો જીવન અટકી જાય
સ્નેહનો પ્રવાહ શા સારુ એકમાર્ગી?
ધીરુબહેન પટેલ.
http://paramujas.wordpress.com/2007/02/25/%e0%aa%ae%e0%aa%be/
અંશ ને અહેસાસ જ્યારે થશે ત્યારે થશે પણ તે તેની હની માટે મા નું (માન રુપી) મસ્તક લઈ ગયો છે અને મા નુ રુદન સાંભળવા બહેરો થઈ ફરે છે. અને એ મા ને તો જુઓ કે તે રંજ મનમાં રાખવાને બદલે મારો અંશ ભોળો છે તેને “ડાઈવોર્સનુ” દુઃખ પડશે તો શું થશે કરીને રડે છે.
એક ગામ માં છો તો ક્યારેક ક્યાંક હવે જો તે મળે તો તેને સ્વિકારવા માં નાનમ ના અનુભવશો અને હું તો કહીશ પહેલ જે પણ કરશે તે આપો આપ મોટો થવાનો છે મને લાગે છે કે દુઃખનાં વરસો હવે જલ્દી પુરા થશે અને પ્રભુને પ્રાર્થના કરું કે હું ઉપર જાઉં તે પહેલા મારા ચારેય દિકરાઓને સાથે જોઉ..તને, તારા દિકરાને અને તેના દિકરાને અને આશ્કાના દિકરાને.. મારી ચાર પેઢીને સાથે જોવાનો લહાવો મારા બાપાને અને દાદાને મળ્યો હતો. મારો તે હક્ક તમે આપી શકો તેટલી ઉંમરનું આયખુ મને મળે તો પ્રભુનો મોટૉ ઉપકાર.
તબિયત સાચવશો અને ફોન કરતા રહેજો
મોટાભાઈનાં આશિષ

પૂ. મોટાભાઈ-(૩૦)
19 03 2008

ઘણા વિચારો પછી લાગે છે કે જુદી જુદી દિશામાં દોડતા તમારા સૌ સંતાનો ને એક કરી તમારુ એ સ્વપ્ન પુરુ કરવા અને મારી આજ ને સંભાળવા મને તમને અમેરિકા લાવવા પડશે. અને થોડુક વાતાવરણ ઉભુ કરવુ પડશે. તમને તમારી સ્વનજરકેદમાંથી મુક્ત થવા વિનયભરી અને આગ્રહ્પુર્વક વિનંતી.તમે મારુ અને કિંજલનુ ઘર જોયુ નથી. તમારા પાવન પગલા અમારા ઘરે પડે તે માટે હું તમારી ૯૦મી વર્ષ ગાંઠ અહીં મારે ત્યાં ઉજવવાનુ નક્કી કરું છું અને તે વાત બહુ ભાર પુર્વક તમારા સૌ દિકરા દીકરી અને તેમના કુટુંબોન મારે ગામ તેડીશ.
આ વાત ને અહીં ફેમીલી રીયુનીયન કહે છે જે કરવાની હિંમત હર્ષલ નથી કરતો કારણ કે તમને ૨૪ કલાક વિમાની પ્રવાસ ની કલ્પના ડરાવે છે.મને એમ લાગે છે કે તેમ કરવાનુ હવે અઘરુ નથી.ત્યાંથી આવવાની ૬ ટીકીટ થાય જ્યારે અહિંથી ત્યાં આવવાની ૧૭ ટીકીટ થાય. તમે અહી હો તો તમને મળવા આવનારાઓતેમની નોકરીની રજાઓ અને સમય વધુ ફાળવી શકે. જેટલેગ અને આવવા જવાનો સમય જો વિચારીયે તો ૧૭ જણાના ૫ દિવસો સામે તમારી એક અઠવાડીયાની તકલીફો વિચારુંતો તમે મનથી ધારો તો તે સહ્ય બને તેમ છે. તમે કહેશો અમે તો ૫ જણા અહી છે અને આ ૬ઠ્ઠી ટિકીટ કોની? તો તે છે આપણા ફેમીલી ડોક્ટરની.
આ તો હજી આવવાની વાત કરુ છુ અને મને તમારા ચહેરા પર આગોતરી ચિંતાઓના ધાડા દેખાય છે.. કદાચ આ પત્ર મળશે ત્યારથી હવે મને ફોન ઉપર ના કહેવાની અને એ કરવાને બદલે ભાઈ તુ અહીં આવે તો આપણા સગા વહાલા,વેવાઈ વરત્,આપણી નાત,આપણો સંઘ બધા આપણ ઉજવણામાં ભાગ લઈ શકેને? જેવી વાતો તમારા મનમાં ઉગશે…
તમારો પ્રસંગ હોય તેથી તમે જેમ કહેશો તેમ કરીશુ પણ થોડોક સ્વાર્થ મારો એજ કે તમે પણ જુઓ તમારા સંસ્કારો અને માવજતથી તમારા કુટુંબનુ વટ વૃક્ષ કેવુ અને કેટલુ ઘટાટોપ બન્યુ છે તેનો તમને અંદાજો આવે. તમે તો મને કહેતો અને વાંચતો સાંભળ્યો છે કે તમારા આશીષોથી અમે ઉજળા છીયે પણ જાતે આવીને એ ઉજાશને સુરજ્ની ચમક આપ જુઓ અને સૌ સાથે રહીને અનુભવીયે કે ૪૦ વર્ષ પહેલા તમે બે અને તમારા પાંચનું કુટુંબ ૨૨ નુ થયુ અને હજી તે વિસ્તરતુ રહેવાનુ છે.૪૦ વર્ષ પહેલા જે ઘરમા એક સાયકલ અને એક સ્કુટર હતુ તે ઘરમાં ૧૭ ગાડી, દસ ઘર અને કેટલીયે ઘર વખરી છે..અને ડહાપણ થી ભરેલા અને મોટા મન વાળા સૌ સંતાનો છે જે તમારા શબ્દોને ઉઠાવવામાં પોતાની જાતને બડભાગી માને છે.
તમારી ચાર પેઢી સાથે જોવાની પરિકલ્પના સાકાર કરવા જરુર મથીશ.તમે અહીં આવશો…તમારી ચાર પેઢીને કિલ્લોલતી જોશો….અને ત્યારે પ્રવાસનો થાક કયાંયે ખોવાઇ જશે અને હૈયામાં ઉગતા સૂરજનો ઉજાસ પ્રગટશે..તમારા અને બાના થાકેલા..કરચલીવાળા મોં પર સ્વજનોને મળ્યાની સુરખિ છવાઇ જશે…. તમારું મોં અનાયાસે આપોઆપ મલકી ઉઠશે..જેમ અમે ત્યાં આવ્યા હતા ત્યારે થોડી વાર તમે તમે તમારી લાકડી ભૂલી ગયા હતા..તે જ રીતે અહીં સૌ સ્વજનોને જોઇ ઘડીભર તમે તમારો બધો થાક…ભૂલી જશો એની ખાત્રી છે. કુટુંબમેળાના કંકુછાંટણાથી આપણે સૌ રંગાઇશું..વહાલના વારિથી ભીંજાઇશું….અને મોટાભાઇ.. આ ક્ષણે પણ તમારા ચહેરા પરના એ ઉજાસની કલ્પના મારી બંધ આંખોમાં એક ચમક લાવી હૈયાને અને આંખોને છલકાવી દે છે. એ ઉજાસમાં હું પણ મારા મનના સઘળા પરિતાપ થોડીવાર માટે જરૂર ભૂલી જઇશ…ફરી એકવાર જીવતરનો લહાવો આપણે સૌ સાથે મળીને માણીશું. અને હળવા થઇશું..આપણા સૌના સહિયારા હાસ્યથી ઘરની દીવાલો હસી ઉઠશે અને તમારા આશીર્વાદથી અમે સૌ વધુ ઉજળા થઇશું… મોટાભાઇ… બસ..હવે તો એ ધન્ય પળની પ્રતીક્ષામાં…શબરીની પ્રતીક્ષા આ પળે મારી અંદર પ્રગટી રહી છે.. તમારા મોં પરના એ ઉજાસની કલ્પના આ પળે મને રોમાંચિત કરી રહી છે.. અને ભવિશ્યમાં કોઇ સુભગ ક્ષણે આપ સૌના આશીર્વાદથી મારો….આપણો… અંશ પણ…… અને ત્યારે શિખાના ચહેરા પર પ્રગટશે એક સંતોષ..એક નિર્મળ હાસ્ય..જે ફકત એક માના ચહેરા પર જ જોઇ શકાય..બસ આ પળે તેની કલ્પના પણ મનને આશ્વસ્ત કરે છે. મૉટાભાઇ..આવશે ને એ દિવસ ? તમારા શબ્દોમાં મેં કયારેય અશ્રધ્ધા નથી રાખી…બસ એ શુભગ પળનો મને ઇંતજાર હમેશા રહેશે…અને એ પળ આવશે જ એવો વિશ્વાસ હું કયારેય ગુમાવું નહીં….એવી ઇશ્વરને પ્રાર્થના …. નાનપણમાં ગાયેલી આ સુન્દર પ્રાર્થના આ ક્ષણે મારા અંતરમાં ફરી એકવાર ગૂંજી રહી છે..

સુખ કે બદલે દુ:ખ દેનેકી અગર ભાવના તેરી
દુ:ખકો સહનેકી શક્તિ દે..યહી પ્રાર્થના મેરી

બસ..હવે કોઇ શબ્દો નહીં..એક મૌન માત્ર….અને એ મૌનમાં છલકી રહી છે એક પરમ શ્રધ્ધા..આસ્થા..વિશ્વાસ…..
કહે છે શુભ ભાવનો જન્મ પણ એ ઘટનાને કાર્યાન્વીત કરવાનુ શુભ શુકન છે.
બાની અને તમારી તબિયત સાચવશો.
સોહમના વંદન્..

પ્રિય સોહમ-31

આ તકનીકી વિકાસે પત્રોની ગતિ ધીમી પાડી અને ફોન સસ્તા થયા.એટલે કાગળ પેન થી લખવાને બદલે ફોન નંબર લગાડીને વાત થઇ જ જતી હોય છે.પરંતુ તારી વાત સાચી છે પત્ર લખવાની મજા અને ફોન પર વાતોકરવાની કળામાં મને પણ લાગે છે પેલું આપ્ત પણું (જે મહદ અંશે તો માનસિક છે તે) લુપ્ત થઇ જ જાય છે.

તને ખબર છે તેમ તારી બાનાં અકાળ અવસાન પછી થયેલ શુન્યાવકાશ આજે છ મહિના પછી તીવ્રતમ થતો જાય છે.મને કોણ જાણે કેમ 65 વર્ષની જીવનયાત્રા બાદ હવે તેના વિના જીવવાનું ખુબ જ અઘરું લાગે છે. એ જીવનમાં ક્યાં ક્યાં હતી તે વિચારવાને બદલે હવે તો એમ જ લાગે છે કે તે જ જીવન હતી હવે તેના વિના જીવાશે શી રીતે?

જો કે શારિરિક રીતે તે વધુ પીડાતી હતી પણ તેનો અભિગમ તો એજ હતો કે ક્યારે જલ્દી સાજી થઇને મને મદદ રૂપ થાય.તેના પગમાંનો સળીયો હલી ગયો હતો ને બીજે શસ્ત્ર ક્રિયા નક્કી થઇ રહી હતી. તને જો કે બધીજ વાતની ખબર છે છતા એટલા માટે લખી રહ્યો છું કે આ લખવાની પ્રક્રિયા થી હું મારા મનનો ડુમો કાઢી રહ્યો છું. મને ક્યારેય લાગતુ નહોંતુ કે મારે તેના સિવાય જીવવાનો વારો આવશે. મારા મનનાં લગભગ બધા જ વિચારો તે હું કહું તે પહેલા જાણી જતી હતી. અને તે પ્રમાણે વર્તીને હજી હું બોલું તે પહેલાતો તેનો અમલ થઇ ગયો હોય.

કામવાળા બહેનોને પણ તારી બા બહુ માનથી બોલાવતી..અને કહેતી દાદાનો  ખ્યાલ સૌથી વધારે રાખવાનો તેમના સમયે ચા નાસ્તો મળી જ જવો જોઇએ. હું 85 નો અને તે 76ની એટલે સ્વાભાવીક રીતે તે વિચારતી કે હવે હું જેટલા દિવસ છું તેટલા દિવસ મહિના કે વરસો કે તેટલા સમય માટે તેની ફરજ છે તે મારું ધ્યાન રાખે. જો કે તેણે ભગવાન ને પાંચેય આંગળી એ પૂજ્યા હશે તેટલે સોહાગણ મૃત્યુની તેની ઇચ્છા પુરી થઇ અને હું એકાંતોને એકલો સહેવા રહી ગયો.

હા તને એક વાત કહેવી હતી જે તુ અહીં હતો ત્યારે કહું ના કહું કરતા નહોંતી કહી. અંશ અને જેનીફર અહીં દસ દિવસ રહી ગયા. શીખા અને તારા વર્ણનો મુજબ જ બધું હતું. પણ હા એક વાત જે તેં કદી વર્ણવી નહોંતી તે હતી જેનીફરની અંશ તરફી લાગણીઓ. તેની આંખમાં સ્પષ્ટ હતું કે જેમ શીખા તને ચાહે છે તેમજ જેનીફર અંશને ચાહે છે. અંશ તો બેમત તેને ખુબ જ ચાહે છે કારણ તો તે વારંવાર કહે છે હની તેનો પ્રથમ પ્રેમ છે.અને ક્યાંય એવુ લાગતુ નથી કે તેઓ વચ્ચે કંઇક અજુગતુ કદી બને. આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે વીક અદ્દલ અંશનો જ ચહેરો લઇને આવ્યો છે.અને એજે અને વીક બંનેને હું જોઇ શક્યો પણ તારી બા તો તેમને ફોટામાંજ જોઇને ગઇ.

ફરી પાછી મનમાં ચીસ ઉઠે છે અને મન તડપી તડપીને એજ ફરિયાદ કરે છે કે પ્રભુ મને પણ તારી બાની સાથે કેમ ન ઉઠાવી લીધો?  રિક્તતાની આ ક્ષણ સદાય બધું હોવા છતા જે નથી તેને કેમ વારં વાર યાદ કર્યા કરે છે તે સમજાતુ નથી.ધર્મ વાંચન અને શ્રવણ આપ્રશ્નોનાં જવાબો અનેક વાર આપી ચુક્યુ છે છતા તારી સાથે આપત્ર લખતા તે વાત લખવી ગમે છે. મને ખબર છે તારો વળતો પત્ર ફરી કોઇક મને સાંત્વના મળે તેવી વાત લઇને આવવાનો છે. આપત્ર લખતાની સાથે મારું મન તારા આવનારા એ પત્રની રાહ જોવા માંડશે અને એમ કરતા એક અઠવાડીયુ ફરી નીકળી જશે..

બીજી એક વાત લખવાની ઇચ્છા અત્રે એ થાય છે કે હું અને તારી બા આખી જિંદગી ખુબ જ સાદાઇ થી રહ્યા. અને નિવૃત્તિ પછી તમે બધા કમાતા થયા પછી બે પાંદડે થયા.ભગવાન નો એટલો પહાડ છે કે જરૂરત કરતા વધુ મળતુ રહ્યું અને અમારે કદી પૈસા માટે કદી કોઇ સંતાનો પાસે હાથ લાંબો નથી કરવો પડ્યો. જો તારી બા કરતા વહેલો હું ગયો હોત તો તેનું અર્ધુ પેંશન આવતે અને તેને પૈસાની તાણ આવતે..જ્યારે હાલ તો હું હયાત છું તેનો દાખલો આપ્યા પછી સરકાર માઇ બાપ મોંઘવારી અને વધારામાં અમને ન્યાલ કરતી જાય છે. મારો જે નિવૃત્તિ સમયનાં પગાર કરતા અત્યારે પેંશન બમણું મળે છે. અને તેથી જ તો ચાલે છે મારી બે રોટલી માટે ઘરમાં વીસ રોટલી બનવાનો વહેવાર..જાણે મારા સાથે બીજા ત્રણ જણા પોષાય છે.

હાથ ધ્રુજે છે.. પણ મનનાં વિચારો અટકતા નથી તેથી લખું છું. કદાચ મારા અક્ષરો તારા દાદાનાં અક્ષરોની જેમ ગરબડીયા થઇ રહ્યાં છે. હાથમાં ઘડીયાળ બાંધી છે જે કાયમ મને યાદ કરાવતી રહે છે કે મારે હવે વધુ જાગવુ જોઇએ નહીં પણ નિંદર તો તારી બા તેની સાથે લઇ ગઇ. ઘરમાં બધા ઘસ ઘસાટ ઉંઘે છે અને હું કાગળ ઉપર મને ઠાલવું છું.

કોઇ ક્યાં હવે સાથે આવે છે

વાતો ઘડી બેઘડી ની લાગે છે.

જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

મૃત્યુની બીક બહુ  લાગે છે

ચલ્યા ગયા સૌ ભાંડુરા

હવે આ એકલતા બહુ ડારે છે

દિવસે હોયે ઘણા બધા

રાતની એકલતા બહુ ડારે છે

જ્યારે જે સાથે હતા તે સૌ સાથ

આજે હવે મનભાવન લાગે છે

 

ક્યારેક જો આ વાત હું કહું તો બધા મને જ હસીને કહે છે દાદા તમે આખો દિવસ પેલા નાના એજેની માફક ઝોકા મારી લો છો ને તેથી તમને રાત્રે ઉંઘ ના આવે. પણ સાચી વાત એ છે કે તારી બા નથી તેથી મારી સાથે  વાત કરનારું અને મનથી મને પોતાનું માનનારું કોઇ નથી.  ઘરનાં કહી શકાય તેવુ કોઇ નથી. માણસને જ્યારે દુ:ખ આવે છે ત્યારે તેને સહન કરવાને બદલે ખોટા વિચારોમાં ઘેરાઇ જાય છે બસ તે હાલ મારા છે. અત્યારે મારું દુ:ખ કોઇને દુ:ખ લાગતુ નથી. સામે મુસીબતનો મોટો પહાડ છે આ એકલતા ભરેલી જિંદગી..કેમ જશે અને મારું શું થશે ના ભયો મને ડરાવે છે.

વધુ તો હું શું લખું?

ચાલ ઘડીયાળ રાતનાં ત્રણનાં ટકોરા પાડે છે અને હવે મને આશા છે કે ઉંઘ આવશે કેમ કે તે ડરામણા વિચારો હવે કાગળ ઉપર છે અને મારા મનમાં રહી ગયો છે ખાલી રિક્તતાનો ઠાલો અહેસાસ.

મોટાભાઇ નાં આશિષ

પૂ. મોટાભાઇ -31

તમે કદાચ આ પત્ર લખતા હશો અને મને બાનો ચહેરો મારી તંદ્રામાં દેખાયો. તે કહેતા હતા કે તમે એકલા પડી ગયાની તીવ્ર લાગણી ધરાવો છો તે દુર કરવાનો રસ્તો એક જ છે અને તે મારે અહીંથી બધુ સમેટીને ત્યાં આવી જવું. તમારે 5 સંતાનો પણ મારે તો એક જ બાપા છે ને? અંશ અને આશ્કા તેમની જિંદગીમાં સ્થિર થઇ ગયા છે. હુ અને શીખા તો ખાલી તેમની ખુશી જોઇને ખુશ છીએ.

અહીં આવ્યા ત્યારે જે સોનેરી સોણલા લઇને આવ્યા હતા તે પુરા થયા કે નહીં તે તાળો બેસાડવાનો સમય હવે રહ્યો નથી.તમારો ખાલીપો એ અમારું કૃતઘ્નપણાની નિશાની બને તે પહેલા હું ત્યાં આવું છું. તકનીકી વિકાસને કારણે હું ત્યાં બેસીને પણ નોકરી કરી શકીશ.ચૌદ વરસ્નો મારો વનવાસ પુરો કરવા હું આવી રહ્યો છું.ત્યાં નવું કામ મેળવવાનો પ્રયત્ન કરીશ તેથી શીખાને હમણા મારી સાથે નથી લાવતો પણ મારા આ નિર્ણયને વધાવતા તે પણ અત્યંત આનંદીત છે.

આપણી જિંદગી આપણે ધારીયે તેજ રીતે ચાલે તેવું માનવું મુર્ખતા ભરેલું છે. આ દેશે શું આપ્યું તે ચર્ચા અસ્થાને છે કારણ કે આ દેશનો હું ક્યારેય થયો જ નહોંતો.અને તેથીતો મને મીઠા જળનાં મીન અમે ખારા જળમાં આવી ચઢ્યાનું દુ:ખ  થયા કરતું હતુ.એક વાત છે કે જેમ અંશે અમેરિકન બનવાનું સ્વિકારી લીધુ અને તે અમેરિકન બનીને રહે છે તેથી તેને ભારતિય હોવાનો ગર્વ કે સંસ્કાર ગુમાવ્યાનું દુ:ખ નથી. શીખા પાછલી ઉંમરે ધર્મ કરવાને બદલે મજુરી કરવા જવાથી ખચકાય છે. માંસ મચ્છી ના વેચાણ નાં અનુમોદનાનાં કરવા પડતા દુ:ખો થી વ્યથીત છે. આશ્કા હજી અમને ઝંખે છે કદાચ તે એક જ અમારી નબળાઇ છે કે જેને લીધે અમે અહી ટક્યા છે.

લાગેછે કે અમારો વનવાસ પુરો થઇ રહ્યો છે. ડોલરે ઘણું આપ્યુ છે પણ તે ઘણામાં અમને કાંટા વધુ વાગ્યા છે અને તેનું કારણ પણ એ જ કે રોમમાં રહેવું હોય તો રોમન બનીને રહેવાય..જે અમારાથી આજે આટલા લાંબા સમયે પણ નથી થવાતુ. મારા રોમે રોમ માં એ પ્રશ્ન ઉઠે છે શું અહીં આવીને મને મેં ધાર્યુ હતું તે મળ્યુ? જવાબ એ જ છે કે મેં તો મારું જે હતું તે પણ ખોયું છે..કદાચ અમેરિકન થઇ ગયેલા દીકરામાં ભારતિય દીકરાને હજી પણ હું ખોળુ છું. કાંતો મેં તેના ઉછેરમાં શું ભુલ કરીકે તેને ભારતિય દીકરો થવાને બદલે અમેરિકન બાપ થવું વધું ગમ્યું.

ખૈર..તમારે હવે રિક્તતાનાં ઝેર એકલા પીવાનાં નથી..હું અને શીખા જેમ બને તેમ જલ્દી આવી રહ્યા છીયે…

આપનો

સોહમ

ડેડ (૩2)

પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે.

ડેડ,
જ્યારે જ્યારે વીક મને “આઈ ડોન્ટ બીલીવ યુ” નુ ટીપણુ મારે છે ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે છે.જિંદગી એ મને પણ પેટ ભરીને સુખો આપ્યા છે પણ આ વીક કોઇનું માનતો નથી.હું તેને તમારી સાથે રહેવા ભારત મોકલુ છું. ભારતને તે તેના ફાધર લેંડ કહે છે.તમે શક્ય હોય તો થોડાક ભારતીય સંસ્કારો આપવાનો પ્રયત્ન કરજો. આશ્કાનો એજે કેટલો ગુણિયલ અને ડાહ્યો થયો છે બસ તેમ જ તેને બનાવવો હતો..પણ જિંદગી આખી પૈસા કમાવવાની દોડમાં હું અને હની એ ભુલી ગયા હતા કે બાળક ડે કેર કે આયા કરતા વધુ સારા સંસ્કાર મા બાપ પાસે કે દાદા દાદી પાસે થી શીખે છે.
હું જ્યારે મારુ બચપણ અને વીકનુ બચપણ સરખાવુ છું તો થાય છે અમે જે પામ્યા તે અમે આપી નથી શક્યા. જિંદગીમાં પૈસો સર્વત્ર નથી. તમે જે અમને આપવા મથતા હતા તે સંસ્કાર, નીતિ નિયમો અને ધર્મ માણસને પૈસાની આંધળી દોડમાં ખાડા ક્યાં છે તે બતાવે છે કે જેથી અંદર પડ્યા પછી માર ખાઈને શીખવાને બદલે માર ખાવાનો સમય જ ના આવે તે સમજાવે છે.
મને યાદ છે તમે પણ પૈસાની દોડમાં તો હતા જ પણ દાદીબા પાસેથી હું ઘણુ વાર્તાઓ અને વહેવાર જ્ઞાન શીખ્યો હતો. દાદાના બગીચામાં દાદા સાથે છોડવાઓને સાંજ પડે પાણી પાવુ મને ગમતું.. ખૈર હવે તો દાદા નથી, બા નથી. આશ્કા પણ ક્યારેક ક્યારેક ફોન ઉપર હેલો હાય કરે છે. તમારો ફોન આવે અને તે સમયે તો આનંદ માં હોઉં પણ પછી એક ઘેરી ઉદાસી મનમાં છવાઈ જાય છે. ભારતીય માન્યતાઓ પ્રમાણે તો આંતરડી કકળાવ્યાનો ગુનો છે. ખાસ તો મમ્મી માટે પણ..

હું અને હની નવરા પડીયે ત્યારે થાય કે અમારી કાચી ઉંમર અને તે સમયે અમને દોરનારા સૌમાં તમારા જેટલો સ્વત્વ ભાવ તો ક્યાંથી હોય્ આ સત્ય સમજતા બહુ વાર લાગી અને હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણીયે જેવો મારો વીકને ત્યાં મોકલવાનો પ્રયત્ન એટલુ જ સુચવે છે કે મા અને બાપને સંતાનો માટેનો વલવલાટ હરદમ રહે અને તેઓ જે ભવિષ્યનાં ભયો જોઈ અને સમજી સંતાનોને બચાવવા ઝઝુમે તે નિઃશંક પુરા મનનાં હોય.
જુના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં તમે લખેલા અને દાદાજીનાં બધા પત્રો જે તમે સ્કેન કરીને સાચવેલા તે જ્યારે મેં વાંચ્યા ત્યારે થયું કે દરેક પેઢી આગળ જતી જાય અને પાછળની પેઢીને ભુલતી જાય તેવો કેવો સ્વાર્થી ન્યાય? શું માતા પિતા ફક્ત વરસનાં ચાર જ દિવસ યાદ કરવાનો રીવાજ વહેવારીક કે તમે જેમ બા દાદાને રોજ જીવતા તીર્થ કહીને પ્રાતઃસ્મરણે પ્રભુ ભજનમાં રોજ યાદ કરતા હતા તે સંસ્કાર સાચા?
તમે જેમ દાદાજીને અહીં લાવવા મથતા હતા તેમ જ હું પણ તમને વિનંતી કરીશ કે પાછલા દિવસોમાં મનને હળવુ કરી અમારી સાથે તમે રહેવા આવો અને જિંદગીમાં કરેલી અમારી દરેક ભુલોને સુધારવાની તક આપો
અંશ અને હનીનાં પ્રણામ
@@@@@@@@@@@@@
આમ જનરેશન બદલાયું
ન બદલાયો જનરેશન ગેપ
જે નમ્યો તે પામ્યો હેત અનેક
સૌને મન પોતાનું સંતાન શ્રેષ્ઠ

પ્રતિભાવો

11 responses

4 04 2008

Devika Dhruva (02:54:38)

સમયની સાચી વાત કહેતું, સુંદર, સુખદ્ સમાપન….ના,ના…સમાપન નહી…
નવી પેઢીનો પ્રારંભ…..
આમ સમય બદલાયો….ન બદલાયો સમયનો ફેર….નમ્યો તે સૌને ગમ્યો…દિવંગતનો પણ
હેત પામ્યો…

4 04 2008

Harnish Jani (03:02:40) :

VijayKumar– I read the last letter–It is wonderfully written.
” Wah Wah-nikLi gayu– I feel like I have read nice Gazal– This is what I call ” Gadya Kavya”-
Thank u– Bhasha-Vichar-writing style every things is excellent.
Harnish

5 04 2008

Anil shah ( Astrologer ) (16:02:53) :

liked the sentence ” Paisa ni aandhali dol ma….” it is a fact….
But .. ‘ shani- Star.. ni lession aapwani aaj j rit chhe ! Khada ma padya pachhi..
lesson ..”
and Guru star… khada ma padta pahela lession aape chhe” !
so the time – star is great………bhaiya……….

anyway story is really going good. keep it up.

7 04 2008

pravina Avinash (19:26:19) :

Enjoying the ‘U’ turn in life.

15 04 2008

Valibhai Musa (07:30:54)

Dear Mr. Vijay Shah,
Thanks for inspiring me to read cyclic series of letters by mail. The whole of the narration seems having come from heart. I also agree with Mr. Harnish Jani that the work is like “Gadhyamay Kavya”.
With warm Regards,
Valibhai Musa

15 04 2008

Uttam Gajjar (12:49:25) :

વહાલા વિજયભાઈ,

ખુબ આભાર તમારો આ પીડીએફ મોકલવા બદલ..લખવાનું નીમીત્ત પુરું પાડનાર બહેન નીલમ દોશી અને પ્રેરણામુર્તી રેણુકાબહેનને અમારી સલામ..

લખતા રહો અને ખુલતા રહો….ઉ.મ..

16 04 2008

Valibhai Musa (18:02:42) :

“પૂ. મોટાભાઈ” : એક પ્રતિભાવ – વલીભાઈ મુસા

સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

શ્રી વિજય શાહ લિખિત “પૂ. મોટાભાઈ”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અગાઉ મેં સંક્ષિપ્તમાં અને અંગ્રેજીમાં ‘કોમેન્ટ’ લખી હોવા છતાં, આ ઉમદા કૃતિને સાચો ન્યાય અપાય તેવા ઉમદા હેતુથી થોડાક વિસ્તારથી અહીં ગુજરાતીમાં મારા પ્રતિભાવ વ્યક્ત કરવા પ્રેરાયો છું. વળી બ્લોગ જગતમાં લેખો ઉપરાંત ‘કોમેન્ટ્સ’ને એટલા જ રસ સાથે વાંચનારો એક બહોળો વર્ગ હોઈ તેમના સંતોષ માટે લખવામાં આવતા આ વિવેચનના થોડાક અતિવિસ્તારને સૌ સહી લેશે તેવી આશા રાખું છું.

અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે,જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે.

હવે આપણે ‘પૂ.મોટાભાઈ’ના કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે. વાંચન દરમિયાન સતત એમ લાગ્યા જ કરે છે કે એક જમાનામાં ‘સરસ્વતીચન્દ્ર’ વિષે જનમાનસ બની ગયું હતું કે આ કોઈ મુંબઈના શેઠિયાના કુટુંબની સાચી ઘટના છે, એવું કદાચ અહીં પણ હોય! સાહિત્ય વિવેચન જગતમાં આત્મલક્ષી અને પરલક્ષી સર્જન વિષે ઘણી ચર્ચાઓ થઈ ચૂકી હોઈ અહીં તે અપ્રસ્તુત છે,એટલે આપણે મૂળ લક્ષ તરફ આગળ વધીએ.

કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે.

આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. પૂ. મહાત્મા ગાંધી પણ કહેતા કે જો કોઈ વાત હું કસ્તુરના ગળે ઊતારી શકું, તો સમજી લો કે આખા દેશ અને દુનિયાના ગળે એ વાત ઊતરી ગઈ. અહીં હકીકત એ છે કે ‘બા’ જુનવાણી વિચારસરણી ધરાવતાં હતાં અને આપમેળે બાપુની વાત સમજી શકતાં ન હતાં, બાપુને પ્રયત્નપૂર્વક સમજાવવું પડતું હતું. આમ કસ્તુરબા તેમના માટે નવીન વિચારની પારાશીશી સમાન હતાં. પણ અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

પૂ. મોટાભાઈ (સાત)માં વચ્ચે હવામાનની વાત આવી તે વિષે કહું તો અમે આજે પણ પશ્ચિમના દેશોમાં રહેતા અમારા સ્નેહીજનની મજાક કરવાનું એમ કહીને ચૂકતા નથી કે ટીવી કે રેડિયો સમાચારમાં છેલ્લે હવામાન સમાચારની જેમ તેમના ફોન કે પત્રમાં ક્યાંક તો એ આવે જ, એમ જાણતા હોવા છતાંય કે ત્યાંના જીવનમાં એ જરૂરી છે. આ સામાન્ય વાત અહીં લખવા પાછળનો હેતુ માત્ર એટલો જ કે લેખકનું કેટલું સચોટ અને બારીક નિરીક્ષણ છે, ઘટનાના સ્થળ અને કાળને વર્ણવવામાં!

સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે ‘પૂ. મોટાભાઈ’માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે.

‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે.

છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

સૌને વંદન/સલામસહ,
વલીભાઈ મુસા

16 04 2008

Mukund gandhi (18:04:54) :

Hi Vijaybhai,

Vallibhai has a very good choice of his words and has written excellent
comments which are so well deserving and appropriate.

16 04 2008

Valibhai Musa (22:02:00)

Hello Mr. Mukund Gandhi,
Thanks for yor comment to my comment. It is the grace of God, nothing else.
Real credit goes to Mr. Vijay Shah for his “Poo.Mota Bhai”.
Regards,
Valibhai Musa

18 04 2008

Nilesh Rana (02:31:34) :

Vijaybhai, 4/17/08

Read your creation, congratulations. Enjoyed it. Keep up to good work.

With Regards,
Nilesh Rana

20 04 2008

Mukesh Shah (04:35:50) :

Dear Vijaybhai,

Thanks for telling me to read ‘Pujya Motabhai’. Wonderful creation.
You are wordsmith of a class. This is your totally new avtar. I know one of Sandesh’s share market page.

There is a autobayographical touch. You titleing it Pujya Motabhai is natural BHAV for your father.

I wish you make it more mandane. Get this published as a book. I will title it
‘Bap ni vat-Bharatni and Americani’. Get it serealised in paper. Sandesh is your old fort. I feel Gujarat samachar and Divya Bhaskar both will be willing, as there is big readership for America related gujarati stories. And your this one is a jem.

On a personal note I feel happy when you mentioned, positive thing of ‘Pujya Motabhai’ is partly because of CD we watch togather.

Wish you very best for this as well as future creations.

Mukesh.

3 Responses to પૂ મોટાભાઈ

 1. Rekha Sindhal says:

  વિજયભાઈ,

  પ્રેમ કહો કે ઈશ્વર કહો બે ય એક્નું એક જ છે. માતા-પિતાના પ્રેમ સાથેનું આ જોડાણ ઈશ્વર સાથેના જોડાણની નજીક જ ગણાય. એ જોડાણને – એ પ્રેમને વંદન.

 2. prafula patel says:

  Jai Shree Krishna
  khub saras video.akhi jovani himmat na chali.ba-bapuji yad aavi gaya.ane avu lagyu ke ma-bap mate me kashu karyu nathi.have pastavo thai che. prafula

 3. Dipika says:

  After a very long time, I read your article on Pujaya Motabhaine and ankhman ansu avi gaya. Prem and Lagni shun hoi chche teno ehsas thayo, suna jivanman jane koyalno tahukar thayo.

  Excellent

Thanks for Inspiring me by your gracefull visit