વેરાન હરિયાળી

pustakalya.com નાં જનક અને ગુજરાતીભાષાનાં ચાહક મુ. જેડી કાકા ગદ્ય સર્જન સાથે લગભગ આ વેબ સાઈટનાં જન્મ સમય થી જોડાયેલા છે. તેમની લઘુ નવલકથા વેરાન હરિયાળી આપને ગમશે.

લેખક મિત્રો જેડી કાકાએ આપણ ને સૌને આ લઘુનવલકથામાંથી નવલકથા રચવા આમંત્રણ આપ્યુ છે.તેમનો ઇ મૈલ અને સંપર્ક નં તેમની કોમેંટમાં તેમણે મુક્યોજ છે..તો ચાલો આપને સૌ એક કદમ આગળ વધીયે…

પુસ્તક સ્વરુપ

 

 

વેરાન હરિયાળી

લેખકો: જયંતીભાઈ પટેલ અને અન્ય

 

૧. ચાંદરી વિયાઈ

વડિયા ગામ નાનકડું પણ આજુબાજુનાં પાંચ ગામમાં વખણાતું એવું સુખી ગામ. એ સુખી ગામનો એક સુખી ખેડૂત એટલે આપણો રૂડો ઠાકોર. આમ તો રૂડો ઠાકોર જે ગણો તે બે વિઘાં જમીનનો જ ધણી. પણ એનો વહેવાર એની રહેણીકરણી એવાં કે બધા એમ જ માને કે એની પાસે નહીં નહીં તોય હજાર દોઢ હજારનો જીવ હશે. પણ અંદરની વાત જાણે એક રૂડો ઠાકોર ને બાજો જાણે એનો ભગવાન. એને આવકના પ્રમાણમાં ખર્ચ એટલે વાસી વધે નહીં ને કૂતરાં ખાય નહીં એવો ઘાટ. એની મિલકતમાં જે ગણો તે આ બે વીઘાં જમીન અને પડી રહેવા માટે બાપદાદાએ દીધેલું એક નાનકડું ખોરડું.

આ રૂડા ઠાકોરને બે દીકરી અને એક દીકરો. મોટી જમની, પછી દીકરો શંકર અને નાની દીકરી શાન્તા ને ઘરમાં એની પત્ની અમરત. અમરત શરીરે બહુ નરવી નહીં એટલે રૂડાએ ઢોરઢાંખરની બહુ જંજાળ રાખેલી નહીં. હા, ઠાકોરની મિલકતમાં કાળિયા બળદની એક જોડ અને વિયાવા ઉમલેલી જોટડી(પહેલી વખત વિયાવાની હોય એવી પાડી) ચાંદરી પણ ગણાવી શકાય. ને એમાંય જોટડી ઉપર તો રૂડા ઠાકોરનો મદાર હતો.

જોટડી વિયાય એટલે સૌ પહેલાં તો એનો વિચાર ગબા માવાવાળાને ત્યાં દૂધ ભરી થોડી બચત કરવાનો હતો. એણે મનથી એમ પણ નક્કી કરી મૂક્યું હતું કે એક ટંકના પૈસા ઘેર લાવવા અને એક ટંકના પૈસા ગબાને ત્યાં જમા રાખવા એટલે પહેલ વેતરી જોટડી બહુ નહીં દુઝે તોય વરસે વધારે નહીં તોય સવાસોથી દોઢસોની તો બચત થશે જ.

પછી આવતે વરસે જમનીનાં લગન લેવાય તો બીજા સોએક રૂપિયા ગબા પાસેથી વ્યાજે લઈને પણ અવસર ઉકલી જાય. થોડી ઘણી મદદ ખેતીમાંથી પણ થાય. ચોમાસામાં ડાંગર અને શિયાળામાં ધઉં કરી લાધા હોય તો અવસરમાં વાપરવા જેટલો એ દાણો તો વેચાતો ન લેવો પડે. વળી વીસ પચીસ મણ દાણા પડ્યા રહે એ વેચીને એમાંથીય બસો ત્રણસો રૂપિયા ઊભા કરી લેવાય. પછી સોએક રૂપિયા બેચાર ઠેકાણેથી હાથઉછીના કરીનેય મેળવી લેવાય.

વડિયા ગામ સાવ નાનકડું. એની વસ્તી માંડ પાંચસો માણસની. પણ જેટલી વસ્તી માણસોની એટલી જ વસ્તી ઢોરાંની. આખા ગામમાં જેને ઘેર દુઝણું હોય એ પરવડે એટલું દૂધ ઘેર રાખે. એમાંથી ખાય અને અવસરટાણું સચવાય એટલું ઘી પણ કરે. પણ સોએ એંસી ભાગનું દૂધ તો ગબા માવાવાળાની ભઠ્ઠીએ જ ભરે.

રૂડા ઠાકોરને ત્યાં એક ભેંસ હતી એ ગયે વરસે મરી ગઈ હતી પણ પાછળ આ જોટડી થતી આવતી હતી એટલે એણે દેવું કરીને ભેંસ બાંધવાની વાત વિચારેલી નહીં. હા, એને બદલે એણે વનેચંદ શેઠની હાટડીના માલની હેરી ફેરી માટે ગાડું જોડવાનું નક્કી કર્યું હતું. એમાંથી એને વરસે દોઢસોથી બસો રૂપિયાની આવક થશે એવી એની ગણતરી હતી. પણ એ તો એની ગણતરી હતી.

ચૈત્ર મહિનાની બપોર વેળા હતી. ખેતીબંધા વડિયા ગામમાં ઉનાળાની ગરમી અને નવરાશને કારણે જાણે સોપો પડી ગયો હતો. કેટલાક ગામમાં તો કેટલાક ખેતરમાં આંબા કે લીમડાનાં ઝાડને છાંયે આડા પડ્યા હતા. તો રડ્યાખડ્યા કોઈક ચૌટે બેસીને ટોળટપ્પાં હાંકતા હતા. એવે ટાણે રૂડો ઠાકોર ઘરના આંગણામાં અધિરાઈથી આંટા મારતો હતો.

એની ચાંદરીને પેટ પીડા ઊપડી હતી. પહેલું જ વેતર હતું એટલે ચાંદરી પણ દર્દથી ધમપછાડા કરતી હતી. અમરતે ભાથીજી મહારાજની દીવો ને નારિયેળની માનતાય માની લીધી હતી ને ઘરમાં ભાથીજી મહારાજના ફોટા સામે ઘીનો દીવો પણ પ્રગટવી દીધો હતો. ધણીધણીયાણી બેય મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં કે હે ભગવાન ચાંદરીનો હેમખેમ છૂટકારો કરજે.

ને ભગવાને એમની પ્રાર્થના સાંભળી હોય એમ ચાંદરીનો છૂટકારો થયો. એને પાડી અવતરી. ઠાકોર અને ઠકરાણી બેયનાં મોં ગોળ ખાધા વગરેય જાણે ગળ્યાં થઈ ગયાં ને બેય ચાંદરીની સુવાવડનાં નાનાંમોટાં કામમાં વળગી ગયાં.

‘મોઈ ચાંદરી પહેલેથી જ કંકુ પગલાંની. જોયું ને પહેલે વેતરે પાડી જ અવતરી ને!’ હરખભર્યાં અમરતે કહ્યું.

‘ભગવાનની મહેરબાની, પણ તું હવે ઉતાવળ કર. લે આ દાતરડું ને પાડીની ખરીઓ મોરી નાંખ.’ રૂડે એને દાતરડું આપતાં કહ્યું.

‘તમે ચૂલો સળગાવો અને ઉપર પણીની દેગડી ચડાવી દો. ને આ જમની કંઈ મરી ગઈ?’

‘શું કહ્યું, મા?’ કહેતી જમની પાડોસીની દીકરી હરખા સાથે દોડી આવી.

‘શું કહ્યું શું? જો આપણી ચાંદરી વિયાઈ ને પાડી આઈ(આવી). મહીં માંણિયામાંથી ગોળનું ઢેફું લઈ આય(આવ), ચાંદરીનું મોઢું મીઠું કરાવું. પછી કોઠીમાંથી પાંચ શેર જેટલી બાજરી કાઢીને ઝાટકી નાંખ્ય.’ અમરતે એક પછી એક હુકમ છોડવા માંડ્યા. ને જમનીની સાથે હરખાય કામે વળગી ગઈ.

ઘડી પહેલાં ચિંતાથી ફફડી રહેલા એ ઘરમાં હવે આનંદનું મોજું ફરી વળ્યું હતું. ઘરનાં નાનાંમોટાં સૌના પગમાં જાણે ચેતનાનો સંચાર થઈ ગયો હતો. પછી નાનાંનાનાં કામના ભાર જ શા કે ન ઊકલે? રૂડા ઠાકોરે ચૂલો સળગાવીને ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. જમનીએ ઊંચે હાથે માને ગોળનું ઢેફું આપી વાડામાં પાંચસાત પંપોયા ગોઠવી કામચલાઉ ચૂલો બનાવી ઉપર બાજરી બાફવાય મૂકી દીધી હતી.

અમરતેય આ દરમિયાન ઝટપટ ચાંદરીનું મોંઢું મીઠું કરાવીને પાડીની ખરીઓય મોરી નાંખી હતી. પછી એણે ચાંદરીની નીચે તથા આસપાસ સાફસુફી પણ કરી નાંખી હતી. હજુ ઓળ પડી ન હતી એટલે અમરતને નહાવાની ઉતાવળ ન હતી.

‘જમની, પાટિયા પરથી મોટી પવાલી ઉતારી લાવ એટલે હું કરાંઠું(તાજી વિયાએલી ભેંસનું પહેલી વખતનું દૂધ) કાઢી લઉં.’ અમરતે જમનીને ટૌકો કર્યો. ઘરમાં બીજી એક નાની પવાલી હતી અને એય કાંઈ પહેલ વેતરી પાડીના કરાંઠાથી ભરાઈ જવાની ન હતી છતાં અમરતે ખાસ મોટી પવાલી મંગાવી એની પાછળ એનો સ્ત્રીસહજ વહેમીલો સ્વભાવ જ કારણભૂત હતો. નાની પવાલીમાં દૂધ થોડું હોય તો પણ વધારે જણાય અને આડોસી પાડોસીની નજર લાગી જાય એમ એની માન્યતા હતી.

જમનીએ પવાલી આપી એટલે અમરત ચાંદરીને દોહવા બેઠી. આ દરમિયાન પાડોસમાંથી ચારપાંચ બૈરાં પણ ચાંદરી વિયાઈ એનો હરખ કરવા આવી પહોંચ્યાં. અમરતને પોતે મોટી પવાલી લઈને ચાંદરીને દોહવા બેઠા બદલ આનંદ થયો.

‘અલી જમની, તારી ચાંદરીએ ચોક પૂર્યો તે અમારાં મોં તો મીઠાં કરાય. તારી મા તો એવી હરખપદુડી છે કે એને તો કશું સાંભરશેય નહીં.’ એક પાડોસણે કહ્યું.

‘ને અમરત શીરો ખાવા તો સાંજે આવીશું.’ બીજી પાડોસણે પણ હસતાં તેમાં પોતાનો સૂર પુરાવ્યો. ને જમનીએ એક થાળીમાં ગોળ કાઢી બધાંને આપ્યો અને થાળી બહાર ઓટલી પર મૂકી. હજુ જેમજેમ વાત જાહેર થતી જશે તેમતેમ બીજાં પણ હરખ કરવા આવવા માંડશે એની એને ખબર હતી જ.

ને જમનીની સૂઝ પર ખુશ થતાં અમરત બોલી: ‘જમની કાંઈ વહેવાર ચૂકે એવી નથી હોં.’

‘એ તો ભાઈ મા હોય એવી દીકરી હોય જ ને. જોયું નહીં આ ચાંદરીએ એની માનો વેલો રાખ્યો કે નહીં? એણેય તમને ચારચાર પાડીઓ આપી જ હતી ને! ને ભગવાન કરશે તો આ પાડીય તમારું ઘર ભરી દેશે.’ બીજીએ કહ્યું.

‘એવું થાય તો મોટીભાભી, તમારા મોંમાં સાકર.’ બોલતાં રૂડા ઠાકોરનું મોં પણ જાણે સાકર ખાધી હોય એવું મીઠું થઈ ગયું.

અમરત ઠકરાણાં પણ એ દરમિયાન ચાંદરીને દોહી ચૂક્યાં હતાં. લગભગ ચાર શેર જેટલું કરાંઠું નીકળ્યું હતું. અમરતને એટલાથી સંતોષ ન થયો પણ એણે મન વાળ્યું: ‘એ તો એવું જ હોય ને! હજુ આપણે બાપડીને ખવરાવ્યું પણ શું છે કે વધારે નીકળે? એ તો બે મણ બાજરી પુરીશું ને રોજના બશેર કપાસિયા એના પેટમાં પડશે એટલે દૂધ કાંઈ વધ્યા વગર રહેવાનું છે? એની માનુંય કરાંઠું પાંચ શેરથી વધારે કંઈ નીકળતું હતું?’

‘તે એટલી વધારાની બાજરી ઘરમાં છે કે પછી બહારથી લાવવી પડશે?’ ઠાકોર બે મણ બાજરીનું નામ પડતાં સહેજ ચમક્યા હતા.

‘મારી ધ્યાન બહાર કશું હોય જ નહીં ને. મેં પહેલેથી જ ચાંદરી માટે બાજરી જુદી રાખી મૂકી છે. એને હાટુ થઈને તો છોકરાંને રડતાં મૂકીનેય કોઈ દા’ડો બાજરીને હાટે કોઈ ચીજ વસ્તુ લીધી નથી.’ અમરતે કહ્યું ને ઠાકોર અમરતની આ કોઠાસૂઝ પર પાછા મલકાઈ ઊઠ્યા.

અમરતે અડધું કરાંઠું બેય બળદોને પાઈ દીધું અને અડધું છોકરાંને બરી કરી આપવા રાખી મૂક્યું. દા’ડો આથમતાં ચાંદરીની ઓળ પડી પછી બધું આટોપી નહાઈ. નહાવા માટેનું પાણી ઠંડું થઈ ગયું હતું પણ અમરતને તેની ફિકર ન હતી. સાચું પૂછો તો ચાંદરી વિયાઈ એના આનંદમાં એને એ પાણી ઠંડું પડી ગયું હતું એની ખબર પણ પડી ન હતી એમ કહીઓ તોય ખોટું ન હતું.

<>

પણ વચમાં આડી રાત એની શી વાત એ ન્યાયે, ઠાકોર વિચારતા હતા એક વાત અને વિધિ એમને માટે ગૂંથતી હતી બીજી જાળ. એટલે તો હજુ બીજા દિવસની સવારે નવ પણ વાગ્યા ન હતા ત્યાં ઠાકોરના નાનપણના દોસ્ત માવજીભાઈ આવી પહોંચ્યા ને.

રૂડા ઠાકોર માવજીભાઈના આવવાથી સહેજ ગૂંચવાઈ ગયા. આમ તો એમની ને માવજીભાઈની વચ્ચે વર્ષો જૂનો મૈત્રિ સંબંધ, પણ ખાસ કામ ન હોય ત્યાં સુધી બેય એકબીજાને ત્યાં ખાસ જતા આવતા નહીં. હા, બહાર વારંવાર મળતા ને દોસ્તીનો એ સંબંધ તાજો કરતા રહેતા.

‘રૂડા, હિંમત પહોંચતી હોય તો અવસર હાથમાંથી જવા દેવા જેવો નથી.’ આજે માવજીભાઈએ મોઘમ મમરો મૂક્યો ત્યારે રૂડા ઠાકોરની ગૂંચવણ વધી જાય તેમાં નવાઈ જ શું?

‘નહીં ચૂકવા જેવો અવસર હશે તો નહીં ચૂકીએ, પણ અવસરનું કાંઈ ધડમાથું તો હશે ને!’ એણે જવાબ આપતાં કહી દીધું ને જમનીને બે પ્યાલા ચા મૂકવાય કહ્યું.

‘જરખડાના નાગજી કુબેરને તો તું જાણે છે ને! એમનો એકનો એક છોકરો છે. શહેરમાં રહીને મેટલિક(મેટ્રિક)નું ભણી આયો છે. આજ હુધી પૈણવાની(પરણવાની) ના પાડતો હતો પણ એનાથી ના પડાય એવું રયું(રહ્યું) નથી.’

‘ચ્યમ(કેમ)?’

‘કેમ તે એની દાદી મરવા પડી છે, એ કહે છે કે છોકરાને પૈણાયા વગર મરી જાઉં તો મારો જીવ અવગતિયે જાય. એટલે હવે એ છોકરે પૈણવાની હા પાડી છે. એ આબરૂવાળું ઘર છે, પાંહે(પાસે) ઘણો પૈસો છે, છોકરોય ભણેલોગણેલો અને દેખાવડો છે. હવે એમને જોઈએ છે એક સારી છોડી.’

રૂડા ઠાકોર ખચકાઈ ગયા. માવજીભાઈની વાત સાચી હતી પણ નાગજી કુબેરનો સંબંધ બાંધવાનું પોતાનું ગજુ ન હતું. ‘તારી વાત સાચી છે પણ એ છોકરો આપણા હાથમાં આવે નહીં ને એ ઘરકુટુંબ આપણાથી ઊંચકાય પણ નહીં.’ રૂડા ઠકોરે પોતાની અશક્તિની વાત આગળ કરી.

‘અરે, ના શું આવે! એનો બાપ પણ આવે. તારામાં હિંમત હોવી જોઈએ. ને સાચી વાત કહું તો મેં એમનો ગલ લઈ પણ જોયો છે. જો, એમને લેવા ખાવાની દાનત નથી. એમને તો ફક્ત છોકરી ઘરમાં દીવો કરે એવી જોઈએ છે. ને આપણી જમનીમાં શી ખોટ છે?’

‘પણ ગમેતોય એ મોટું ઘર અને છોકરોય ભણેલો. એ બધું આપણાથી ના ઊંચકાય.’

‘તો હવે સીધી ને સટ વાત કરીએ. બોલ, તારાથી કેટલા હુધીનો ઘહારો(ઘસારો) વેઠાશે?’

રૂડો ઠાકોર પાછો મૂંઝવણમાં મૂકાઈ ગયો. એણે મનોમન પોતાની ત્રેવડના આંકડા મૂકવા માંડ્યા. એને પેલી કહેવત યાદ આવી ગઈ: લગન માંડી જુઓ ને ઘર ઊકેલી જુઓ. લગન લેતા પહેલાં ગમે તેટલી ગણતરીઓ મૂકી હોય પણ લગન પત્યે જ્યારે હિસાબ કરવા બેસો ત્યારે એ બધી ગણતરીઓ ઊંધી પડેલી લાગે એની એને જાણ હતી જ. તોય એણે ઊંડી ગણતરી કરવાની પડતી મૂકીને કહ્યું: ‘સોનું તો જમનીની માનું પાંચ તોલા પડ્યું છે એટલે એની તો ફિકર નથી. ને જાવ, એ ઘર ને એ વર મળતાં હોય તો બીજા બે અઢી હજાર થતા હોય ત્યાં સુધી ખરચવાની મારી તૈયારી છે.’

‘મલવાની કંઈ વાત છે! મલી જ ગયું છે. તારા અઢી તો મારા બે હજાર. એથી વધારે ખરચો ના થાય એ જોવાની જવાબદારી મારી. પછી છે કંઈ?’

ને રૂડા ઠાકોરનું મોં ગોળ ખાધા વગર જ જાણે ગળ્યું થઈ ગયું. ‘તો તું તારે વાત મૂકી જો.’ મલકાતાં એમણે કહ્યું.

‘લે, ભટ ભણે છે કે ટેંપણાં ફાડે છે! અલ્યા મેં કહ્યું કે મલી ગયું છે એટલે મલી ગયું જ છે. એ છોકરો મનોરાને ત્યાં જાનમાં આયેલો(આવેલો) ત્યારે એણે જમનીને જોઈ હશે. એટલે એ છોકરે કાલે મનોરાની છોડીને કાને વાત નાંખી હશે. એ છોડીએ આજે મને કહ્યું ને હું સીધો તારે ઘેર આયો(આવ્યો). બોલ, હવે શું બાકી રયું(રહ્યું)?’

‘બાકી શું રયું એની તો મારા કરતાં તને વધારે ખબર પણ બે દા’ડા પછી વાત રાખીએ. હું ઘરમાંય પૂછી લઉં.’ રૂડા ઠાકોરે કહ્યું.

પણ ઠાકોરનો બોલ પૂરો થાય એ પહેલાં અંદરથી અમરતનો હરખભર્યો અવાજ આવ્યો: ‘એમાં મને શું પૂછવાનું છે? મેં તમારી બધી વાતો સાંભળી છે. આવી જગ્યા મળતી હોય તો એનાથી બીજું રૂડું શું?’

‘તે રૂડાને ત્યાં તો ભાઈ, રૂડું જ હોય ને! મુઈ જમની ખરી નસીબદાર. ને તારી ચાંદરીની પાડીય ભાઈ સારાં પગલાંની.’ કહેતાં ચા પીને માવજીભાઈ ઊઠ્યા. ને ઠાકોર ને ઠકરાણી હરખાઈ રહ્યાં.

પણ ચાંદરી અને એ નસીબદાર પાડીની જુદી જ ગણતરી રૂડાના મનમાં ચાલી રહી હતી. જો લગનની વાત પાકી થઈ જાય અને તરત જ લગન લેવાં પડે તો એ કંકુ પગલાંની પાડી અને ચાંદરી બેયને પારકે ઘેર જ વળાવવાં પડવાનાં હતાં એ વાત મન સાથે નક્કી કરીને જ આગળ વધવાનું હતું. મનમાં તો એમને બીકેય હતી કે અમરત ચાંદરીને વેચવાની વાત જાણતાં જ કાળઝાળ થઈ ઊઠશે.

એણે જમનીની માની જણશો સાત તોલા હતી તેને બદલે પાંચ તોલા કહી હતી એની પાછળ પણ એની ગણતરી હતી. વધારાના બે તોલા સોનું કાઢી નાંખીને રોકડ ઊભી કરવી જ પડવાની હતી એ પણ એની ગણતરીમાં હતું જ.

<>

ને ધરમના કામમાં વળી ઢીલ શી માનીને બેય દોસ્તો એ જ દિવસે બપોરના જમનીના વિવાહની વાત પાકી કરવા જરખડે જવા નીકળ્યા એ પહેલાં બે હજાર રૂપિયા કેમ એકઠા કરાશે એનું આખું-પાંખું માળખું રૂડાએ મનોમન ગોઠવી કાઢ્યું હતું. હા, એમાં બસો રૂપિયાની તૂટ પડતી હતી ખરી. એ ખૂટતા રૂપિયા ક્યાંથી આવવાના હતા એની એને ખબર ન હતી.

 

૨. જમનીને પરણાવી 

 

તે બપોરે ડમણિયું જોડીને જરખડે જતાં, એટલો બધો તાપ હતો તોય લગનની વાતોએ ચડેલા બેય વહેવારિયાને જાણે એની ખબર જ પડતી ન હતી. અને એટલે તો જયારે ડમણિયું જરખડાની ભાગોળે પહોંચ્યું ત્યારે માવજીભાઈ બોલી ઊઠ્યા ને: ‘અલ્યા, આ જરખડું આવી ગયું એનીય ખબર ના પડી.’

બેય જણા સીધા જ નાગજીભાઈને ત્યાં પહોંચ્યા. નાગજીભાઈ મૂળેય સુખી માણસ અને તેમાંય ચૈત્રી બપોર પછી એ ઘેર જ હોય ને! રૂડો નાગજીભાઈને ઓળખતો ભલે હતો પણ એ કદી એમને ઘેર આવ્યો ન હતો. એણે આ હવેલી જેવું ઘર અને અંદરનો ઠાઠ જોયાં ને એ વિમાસણમાં જ પડી ગયો. એને થયું માવજી ભલે ગમે તે કહેતો હોય પણ આ ઘરકુટુંબ એમના હાથમાં આવે જ નહીં.

પંદર ગાઉના એ પંથકમાંના અને તેમાંય પાંચમાં પૂછાતા એવા આ માણસોને પછી એકબીજાની ઓળખાણ કરાવવાની જ ન હોય ને! બધા પાણી પીને બેઠા એટલે માવજીભાઈએ વાત શરૂ કરી: ‘અમે આવ્યા છીએ આ રૂડાભાઈની દીકરી જમનીના વિવાહની વાત કરવા.’

‘ભલે આવ્યા. રૂડાભાઈનું ઘર અમારાથી ક્યાં અજણ્યું છે! પણ તમે તો જાણો છો ને કે મારો મનહર શહેરમાં રહીને મેટ્રિકનું ભણેલો છે એટલે એમાં આપણે ખૂણે પેસીને નક્કી કરી લઈએ એ ના ચાલે. જો કે મારો મનહર મારા કહેવાની ઉપરવટ તો ના જ જાય પણ તોય એને કાને પહેલાં વાત નાંખેલી સારી.’

‘એ તો ભાઈ, ખાનદાનીના ગુણ કોને કહ્યા છે!’ માવજીભાઈએ કહ્યું.

‘તે તમારે અમારી જમનીને એક વખત નજર તળે કાઢી લેવી હોય ને મનહરભાઈનેય બતાવી લેવી હોય તો તમે કહો એમ ગોઠવીએ. તમે બધા સીધા મારે ત્યાં આવો તોય ક્યાં વાંધો છે?’ રૂડાએ કહ્યું.

‘વળી એમાં વાત એવી બની છે કે મનહરભાઈ વડિયા જાનમાં આવેલા ત્યારે એમણે જમનીને જોઈ પણ છે. અને ઊડતી વાત તો ત્યાં સુધીની મલી છે કે એમને છોકરી ગમી પણ છે.’ માવજીભાઈએ બાંધેભારે કહી દીધું.

ને નાગજીભાઈ પણ એક વખત તો આંચકો ખાઈ ગયા. તોય વાતને સમજી જતાં બોલ્યા: ‘એને છોડી ગમી હોય તો તો મારે વાંધો જ શો હોય! આ તો સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ. તોય ઘરમાં બધાંનું મન રહે એમ અમે એક વખત છોડીને નજર તળે કાઢી લેવડાવીએ ને મનહરનેય પૂછી લઈએ. ને તમે મનહરને જોયો તો છે ને!’ કહેતાં એમણે મનહરને હાંક મારી: ‘મનહર, જરા નીચે આવજે તો.’

ત્યાં મનહર નીચે આવ્યો: ‘શું કામ હતું, બાપુ?’

‘જો, આમને ઓળખે છે? આ છે વડિયાના માવજીભાઈ અને રૂડાભાઈ.’ નાગજીભાઈએ બાંધેભારે ઓળખાણ આપી.

‘નમસ્તે કાકા.’ મનહરે કહ્યું.

‘એ રૂડાભાઈની દીકરી જમનાના વિવાહ માટે આવ્યા છે. તું તો વડિયામાં કોઈનેય ક્યાંથી જાણતો હોય! પણ એમનાં ઘર કુટુંબ મારાં તો જાણીતાં છે પણ આપણે પહેલાં છોકરી તો જોઈ લેવી પડે ને! જો બાજુમાંથી મનુડાની વહુને બોલાવી લાવ.’ એમણે મૂંછમાં મલકાતાં કહ્યું.

એ ગયો એટલે કહે: ‘મને લાગે છે કે એણે જમનાને જોઈ લીધી છે. હમણાં આવે એટલે એની મઝા કરીએ.’

થોડી વારમાં મંગુ પાલવથી હાથ કોરા કરતાં આવી ને લાજ કાઢીને એક તરફ ઊભી રહેતાં બોલી: ‘રૂડાકાકા ને માવજીકાકા આયા છે એટલે મને બોલાઈ, કાકા?’

‘બોલાવવી જ પડે ને! મનહરે તને શું કહ્યું હતું?’

‘એમણે તો મને ખાલી વાત કરવાનું જ કયું(કહ્યું) ‘તું.’ મંગુ અચકાતાં બોલી પણ તે પહેલાં તો શરમાતો મનહર દાદરો ચઢીને ઉપર પહોંચી ગયો હતો.

‘તું જા, તારે બોલાવ્યે તારા બેય કાકા આવ્યા ને એમને અમે ચાપાણી કરાવ્યાં પણ એ લોકો જો રોકાવાના હોય તો જમાડવા તો તારે જ પડશે ને! તે તારી મંછા ડોશીને પૂછીને કહાર(કંસાર)નું આંધણ મૂકી દેજે.’

‘હું તો એમને કંસાર ખવડાવીશ પણ તમારે પેંડા ખવડાવવાના છે એનું શું? ને મારે તો હવા શેર પેંડા જોઈશે.’ કહેતાં મંગુ ગઈ.

‘બેચાર દા’ડામાં અમે માવજીભાઈને ત્યાં આંટો મારી જઈશું ને જમનાને જોઈ લઈશું.’ નાગજીભાઈએ કહ્યું.

‘એનો તો જાણે વાંધો નહીં પણ આપડે વેવારનીય થોડી ચોખવટ કરી લઈએ.’

‘ભલે, તમારી મરજી છે તો એ ચોખવટ કરી લઈએ. પણ ભગવાનની દયાથી અમારે ત્યાં ઘણું છે ને જો છોડી પસંદ પડે તો અમારે તો કંકુ ને કન્યા હશે તોય અમને વાધો નથી.’

‘આ રૂડાભાઈ ભગવાનનું મણસ છે. એમણે કદી કાળું ધોળું કરીને કોઈની કાણી પાઈય લીધી નથી કે નથી કોઈનું અનુતનું કંઈ ખાધું. એમની પાસે જે ગણો તે પાંચ તોલા સોનું ને બે હજાર રૂપિયાની સગવડ છે ને એમાં જ રમવાનું છે. અમને ખબર છે કે અમે તમારા જેવું ઘર કુટુંબ વહોરવામાં મોટી બાથ ભરવા નીકળ્યા છીએ પણ અમને તમારા વહેવારુ સ્વભાવની ખબર છે એટલે હિંમત કરીને આવ્યા છીએ.’

‘તમે પહેલેથી જ ચોખવટ કરી એ સારું કર્યું. જો અમને અનુકૂળ આવશે ને આપણે સંબંધ બાંધવાનું નક્કી કરીશું તો તમે જણાવ્યું એનાથી તમારે વધારે ખરચ ન કરવો પડે એમ આપણે ગોઠવીશું, બસ?’ નાગજીભાઈએ કહ્યું.

રૂડા ઠાકોર અને માવજીભાઈને તો જે સાંભળ્યું હતું એ સમજતાંય જાણે વખત લાગ્યો. ને એ સમજ્યા ત્યારે બેય વહેવારિયાનાં મોં હસુ હસુ થઈ રહ્યાં. રૂડા ઠાકોર જે પહેલાં પોતાની પહોંચની બહાર જવાની ના પાડતા હતા એય નાગજીભાઈનો સ્વભાવ અને એમનો ઠાઠ જોતાં એ પહોંચની હદ ભૂલીને ઉતાવળથી બોલી ઊઠ્યા: ‘ના, છેક એમ તો કેમ કહેવાય! પણ તમારા ઘરકુટુંબને હિસાબે વહેવાર કરતાં વખત છે ને પાંચ સો, હજારનું દેવું કરવું પડશે તોય …’

હવે આશ્ચર્ય પામવાનો વારો માવજીભાઈનો હતો. પણ એ આશ્ચર્ય વ્યક્ત કરે એ પહેલાં નાગજીભાઈ બોલી ઊઠ્યા: ‘પણ દેવું કરવું પડે એવું કરવું જ શું કામ?’

‘દેવું કર્યા વગર તો આપણા ઠાકોરોમાં કેટલા માણસો છોડીઓ પરણાવતા હશે!’ માવજીભાઈએ કડવું સત્ય ઉચ્ચાર્યું.

‘તમારી વાત સાચી છે માવજીભાઈ, પણ આમાં જવાબદાર કોણ? છોકરાના બાપ જ ને! છોકરીના બાપ તો બાપડા લાચાર. એમને તો જેમ છોકરાના બાપ કહે એમ કરવું જ પડે. ને ના છૂટકે દેવુંય કરવું પડે પણ મારા જેવો જ્યારે સામેથી ના પાડતો હોય ત્યારે દેવું કરવાનું કોઈ કારણ ખરું?’

‘તમારી વાત સાચી છે. તમારી આ દરિયાદિલી યાદ રાખીને અમે ચાદર જોઈને સૉડ તાણીશું. હવે તમે વહેલી તકે જમનીને જોઈ જાવ એટલે અમનેય તૈયારી કરવાની સમજણ પડે.’

‘તમારા કરતાં મને વધારે ઉતાવળ છે. અમારે ઘરમાં ડોશી માંદી છે ને એ ગળામાં જીભ નથી ઘાલતી એટલે લગનની ઉતાવળ અમને વધારે છે. તમે મનમાં ધરપત રાખજો અમે અમારી રીતે બેચાર દા’ડામાં આંટો મારી જઈશું.’

‘ઠીક ત્યારે. અમને સંદેશો કહેવડાવીને આવજો એટલે ઘેર રહેવાય.’

‘એની તમે ચિંતા ના કરશો, તમે હાજર નહીં હો તો પણ અમારું ક્યાં કશું અજાણ્યું છે!’ આવજો ને હૈયે ધરપત રાખજો.’ ને નાગજીભાઈ બેયને વળાવવા એ ચૉક સુધી આવ્યા.

ત્યાંથી નીકળી બેય જણા મંગુને ત્યાં જઈને એને મળીને વડિયા જવા નીકળ્યા. ‘કદાચ દેવું કરવું પડે તોય આ ઘર માટે પરમાણ છે.’ ભાગોળે નીકળ્યા એટલે રૂડાએ દિલમાંનો હરખ વ્યક્ત કર્યો.

‘રૂડા, તું માંને કે ના માંને પણ મને તો આ જમનીનાં ભાગ્યનો જ પ્રતાપ લાગે છે. બાકી આવું ઘર ને આવો ભણેલો ગણેલો મૂરતિયો આમ સામે ચાલીને આપણા હાથમાં આવે જ શાનાં?’

‘ને નાગજીભાઈ પણ લાખ રૂપિયનું માણસ. એમની જગ્યએ બીજો કોઈ હોય તો સામે ચાલીને માગીમાગીને બેત્રણ હજારનું દેવું કરાવ્યા વગર ના છોડે.’

‘હવે, વડિયે આવવાની ને જમનીને જોવાની વાત તો મારા ભૈ કહેવાની. તું મનમાં લખી રાખ કે આ સંબંધ બંધાઈ જ ગયો છે. તું તારે તારી તેવડ કરવા માંડજે.’ ને માવજીભાઈનો આત્મવિશ્વાસ રૂડાનામાંય હરખ જગાવી રહ્યો.

‘તેવડમાં તો તું છું ત્યાં સુધી મારે શી ચિંતા છે?’ રૂડા ઠકોરે માવજીભાઈને ઊંચે પાટલે બેસાડતાં કહ્યું. જો કે એનીય પોતાને મદદ કરી શકવા જેવી સ્થિતિ ન હતી એની એને જાણ હતી જ. છતાં કહેવામાં તો એમ જ કહેવાય ને!

પછી તો જમનીનાં લગનની વાતને જાણે પાંખો આવી. નાગજીભાઈ અને એમનાં પત્નીએ જમનીને જોઈ લીધી ને લગન માટે હા પણ પાડી દીધી. વડિયા ગામમાં પણ જેણે આ વાત જાણી એ બધાં રૂડા ઠાકોરને ત્યાં હરખ કરવા પણ આવવા માંડ્યાં. એક અઠવાડિયામાં તો માવજીભાઈએ બધી પ્રાથમિક વિધિ પણ પતાવી દેવરાવી અને દસ દા’ડામાં તો જેને ઘડિયાં કહેવાય એવાં લગન પણ લેવાઈ ગયાં.

કશું દેવું ન કરવાનો નાગજીભાઈનો આગ્રહ હતો છતાં એમના ઘરને હિસાબે અવસરની ઉજવણી કરવામાં રૂડા ઠાકોરને થોડું દેવું કરવું પડે એટલો તો ખરચ થઈ જ ગયો. હા, એમને એ વાતનો સંતોષ હતો કે પોતે નાગજીભાઈના ઘરકુટુંબને શોભે એવો અવસર ઉજવ્યો હતો. એમને તો એક જ વાતનો અફસોસ હતો કે એમની પાસે બીજા ચારપાંચ હજાર રૂપિયા વધારે ન હતા. જો એટલા હોત તો એમાંથી પૈસોય બચાવ્યા વગર એમણે નાગજીભાઈનું ઘરકુટુંબ વહોરવાના ઉમંગમાં ખરચી નાંખ્યા હોત.

<>

લગનને બીજે દિવસે બેય ભાઈબંધો લગનનો હિસાબ કરવા બેઠા. ‘મોટા ભાગનું તો બધું ગણતરી મુજબ થયું છે છતાં થોડો ખરચ તો વધારે થઈ જ ગયો છે.’ માવજીએ ખરચનો આંકડો જોઈ કહ્યું.

‘ખરચ તો થાય જ ને! વેવાઈએ તો બાપડાએ મોટું મન રાખીને આપણને વધારે ખરચ ન થાય એવું ગોઠવ્યું પણ આપણે એમના ઘરને હિસાબે આપડા ગામમાંય છૂટથી નોંતરાં દીધાં એટલે. પણ ગાંમમાં વટ પડી ગયો ને!’ રૂડાએ કહ્યું.

‘ને રૂડા, સાચું કહું, નારણભાઈની ખડકીવાળાય મોંમાં આંગળાં નાંખી ગયા કે ભાઈ, રૂડાએ રૂડું કરી દેખાડ્યું. નાતમાં ધજ ઘર લીધું અને વહેવારેય એમને ઘટતો કરી બતાવ્યો.’ માવજીભાઈએ રૂડાને પોરસાવ્યો.

‘તારે(ત્યારે) પછી બસો પાંચસોનો ભાર વેઠવો પડે તોય પરમાંણ(પ્રમાણ) છે.’ માવજીભાઈની વાતથી ફુલાતાં રૂડાએ કહ્યું.

‘બધું ગણતાં આપડે વનેચંદ શઠને સાતસો રૂપિયા આપવાના રહે છે.’ માવજીભાઈએ વનેચંદનો ડરામણો આંકડો બતાવ્યો ને સાતસો રૂપિયાનો ભારેખમ આંકડો અને એથીય ભારે વનેચંદ શેઠનું નામ આવતાં બેય દોસ્તો જાણે આભમાંથી ધરતી પર આવી ગયા.

‘કેટલા, સાતસો ને! પણ આપડે દસ મણ ચોખા ને વીસ મણ ઘઉં એમને આલ્યા છે એના એમાંથી બાદ કરવાના છે.’

‘એના પૈસા બાદ કરીએ તોય ચારસો બાકી પડે છે.’ માવજીભાઈએ નવેસરથી હિસાબ કરતાં કહ્યું ને રૂડાભાઈ ચમક્યા. વનેચંદે એમને લગનનું સીધું આપ્યું હતું ને શહેરમાંથી લગનનાં કપડાંય ઉધાર અપાવ્યાં હતાં. વળી એમણે સીધું ને કપડાં અપાવતાં પહેલાં બાંધેભારે ચોખવટ પણ કરી હતી: ‘જો રૂડા, નાણાંભીડના આ જમાનામાં ઉધાર એટલે પાંચ દસ દા’ડા. પછી તો બધા વહેવાર ચૂકતે કરી જ દેવા પડે.’

રૂડાએ મનમાં જ ગણતરી માંડી જોઈ. ખેતીમાંથી તો પૈસોય દિવાળી પહેલાં આવવાનો ન હતો. ઊલટું એ પહેલાં ખાતર અને દાડિયાં દપાડિયાંમાં સો સવાસો રૂપિયા ખરચવા પડવાના હતા. ગામમાં તો બધા એના કરતાંય લુખ્ખા હતા. ને એમની પાસે પૈસા માગીને પોતાની સોનાની જાળ પાણીમાં નાંખવા જેવો ઘાટ હતો. તો સામે પક્ષે વનેચંદ ઘર, જમીન કે સોના વગર ઉઘાડું ધિરાણ કરે તેમ ન હતો.

જો જમીન વનેચંદને લખી આપવી પડે તો એના ઉત્પન્નનો અડધો ભાગ આપી દેવો પડે ને એમાંથી તો દસ વરસેય ઊંચા ના અવાય. ને ત્યાં સુધીમાં તો શાંતિય પરણાવવા જેવડી થઈ જાય. બીજો વિચાર એણે બળદોની જોડ કાઢી નાંખવાનોય કરી જોયો. પણ એમ કરે તો પછી ખેતી શાનાથી કરે!

છેલ્લા ઉપાય તરીકે એણે પહેલેથી વિચારી મૂકેલો વિકલ્પ, ચાંદરીને વેચીને દેવામાંથી નીકળી જવાનો અમલમાં મૂકવાનું નક્કી કર્યું. એને ખાતરી હતી જ કે ચાંદરીને વેચવાની વાત આવતાં જ અમરત એને ગામની ભાગોળે મૂરી આવશે, પણ એ સિવાય બીજો ઉપાય પણ ક્યાં હતો?

‘બસ, એમ જ કરવું પડશે.’ રૂડા ઠાકોરે જાણે માવજીભાઈને બધી વાત કરી દીધી હોય એમ આ છેલ્લું વાક્ય જ પ્રગટપણે ઉચ્ચાર્યું.

‘શાનું એમ જ કરીએ?’ રૂડાની વાતનું ધડમાથું ન સમજાતાં માવજીભાઈએ ગૂંચવાતાં પછ્યું. ને ચાનો પ્યાલા આપવા આવેલી અમરત પણ ધણીનો જવાબ સાંભળવા ઊભી રહી ગઈ.

પણ સામે અમરતને ઊભેલી જોતાં ચાંદરીને વેચી દેવાની વાત રૂડાથી ક્યાંથી કરાય! એટલે એ મૂંગો જ રહ્યો એટલે ચાના પ્યાલા આપીને અમરત રસોડામાં પાછી ગઈ.

‘શું કરવાનું કહેતો હતો તું હમણાં?’ અમરત અંદર ગઈ એટલે માવજીભાઈએ પૂછ્યું. હવે રૂડાથી જવાબ ગળી જવાય એમ ન હતો ને એના સિવાય બીજો ઉકેલ પણ ન હતો.

‘જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો છેવટે ચાંદરી વેચી દેવી પડશે. મને એ સિવાય બીજો આરો દેખાતો નથી.’ રૂડાએ નીચું જોઈને કહી નાંખ્યું.

પણ બારણાને ઓથે સરવા કાન કરી ઊભેલી અમરત આ સાંભળતાં જ કાળઝાળ થઈ ઊઠી ને બહાર ધસી આવી: ‘એને વેચી દેશો તો પછી ખાશો શું? લાખ વાતની એક વાત, તમારે જેમ કરવું હોય એમ કરો પણ ચાંદરી કોઈ કાળે વેચવાની નથી.’ એણે છેવટનું સૂણાવી દીધું. પણ રૂડાને અને હવે તો માવજીભાઈનેય ખાતરી થઈ ગઈ હતી કે દેવામાંથી નીકળી જવું હોય તો ચાંદરીને વળવ્યા વગર છૂટકો ન હતો.

ને થોડી વાર તો એ ઘરમાં સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ. પછી ચાના ગૂંગળાતા સબડકા અને પછી ચાનાં કપરકાબી ગુસ્સામાં એકઠાં કરીને રસોડામાં ચાલ્યાં જતાં અમરતનાં ધમધમતાં પગલાં.

‘રૂડા, ભાભીની વાત તો સાચી છે.’ કાંઈક વિચારતાં માવજીભાઈએ કહ્યું.

‘એની વાત સાચી છે એની ના નહીં પણ મારી વાતેય સાચી જ છે. જો એ ચાંદરીને વેચીશું નહીં તો પૈસા કયે ઝાડેથી આવવાના છે? જમીન કે બળદો વગર નહીં ચાલે. ચાંદરી વગર ચાલશે. આટલા દા’ડા ચાંદરી કંઈ દુઝતી હતી! તારી પાસે બીજો ઉપાય હોય તો બતાય(બતાવ).’

‘તે આટલા દા’ડા છોકરાંને દૂધઘી વગરનાં રાખ્યાં એમ તમારે એમને આખી જિંદગી દૂધઘી વગરનાં રાખવાં છે?’ અંદરથી અમરતનો રૂદનમિશ્રિત ઘાંટો સંભળાયો.

ઘરની આ વાત આડોસી પાડોસી સાંભળી જાય તો કર્યા કારવ્યા પર પાણી ફરી વળે એ બીકે રૂડા ઠાકોર ઉતાવળા ઉતાવળા અંદર દોડી ગયા ને અમરતને ફોસલાવતાં કહેવા લાગ્યા: ‘તું આમ ઘાંટા પાડીશ તો આજે બે પાડોસી જાણશે ને કાલે આખું ગામ આપડી વાતો કરશે ને આપડી બાંધી મૂઠી ઉઘાડી પડી જશે. કાલે સવારે વેવાઈ જાણે તો આપડું કેવું ખોટું દેખાય?’

‘તે ચાંદરી વેચશો એટલે આખું ગામ તો જાણવાનું જ છે ને! બધાય સમજી જશે કે જમનીને પૈણાવવામાં આપડે ગજા બહારનો ખરચો કર્યો એટલે ચાંદરી વેચવાનો વારો આયો.’ અમરતે અવાજ ભલે ધીમો કર્યો પણ એમનો ગુસ્સો ઓછો થયો ન હતો.

‘લોકોને જે વાતો કરવી હોય એ છો કરે. આપડે તો કહેવાનું કે જમની જતાં ઢોરાંનું છાણવાસિદું કોણ કરે એટલે આપડે ચાંદરીને વેચી દીધી છે.’ રૂડાએ અમરતને સમજાવવા માંડી.

‘એમ લોકો કંઈ આંધળા નથી કે તમે કહેશો એ માની લેશે અને વેવાઈ પણ સમજી જ જશે. એના કરતાં બીજો રસ્તો શોધો કે કોઈને કશી વાત કરવાનું બહાનું જ ના મલે.’ ધીમા અવાજે અમરતે કહ્યું.

‘તને એમ લાગે છે કે મેં એવું બધું નહીં વિચાર્યું હોય? પણ જ્યારે મારો ગજ ક્યાંય વાગે એમ નહીં લાગ્યો હોય ત્યારે જ ચાંદરીને વેચવાની વાત મેં વિચારી હશે ને!’

ને પછી એમણે ને માનજીભાઈએ આડોસ પાડોસમાં બાંધે ભારે કહેવા માંડ્યું કે હવે જમની સાસરે જતાં બધાં ઢોરાંનાં છાંણવાસિદાંના કામને અમરત એકલી જાતે પહોંચી ન શકે એટલે એમણે ચાંદરીને વેચી દેવાનું નક્કી કર્યું હતું.

એ ગમે તેમ કહે પણ બધા કાંઈ પાણીને ભૂ ઓછા કહેતા હતા? બધા સમજી ગયા કે રૂડાને જમનીના લગનમાં ગજા બહારનો ખરચો થઈ ગયો હતો એટલે ચાંદરી વેચવાની વેળા આવી હતી.

રૂડાની ગરજ વરતાયા પછી કોઈ ચાંદરીની સાચી કિંમત કરે ખરું! ને ગામડા ગામમાં એટલા રોકડા કાઢનાર પણ કેટલા? છેવટે સાડી ચારસોની ચાંદરી ત્રણસો પંચોતેરમાં વેચવી પડી.

રૂડા અને માવજીભાઈને થયું કે હવે વાંધો નહીં આવે પણ જ્યારે પરચુરણ ખરચા અને વસવાયાંનાં દાપાં ચૂકવીને ફરી હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે હજુ દોઢસોની તૂટ પડતી હતી. અને એ દોઢસો જો કોઈના બાકી રાખવાના હોય તો એ વનેચંદના જ રહે ને! પણ એમને ક્યાં ખબર હતી કે એ દોઢસોના બદલામાં વનેચંદ રૂડા પાસેથી મોટી કિંમત વસૂલ કરવાની વેતરણમાં જ હતો!

 

૩. વનેચંદની વાણિયાશાહી

વનેચંદ શેઠ ટીલાંટપકાં કરે, રોજ મંદિરમાં પણ જાય, સામે મળે એને જય શ્રી કૃષ્ણ પણ કરે. જબાનનો એવો મીઠડો કે સામો માણસ પાણીપાણી થઈ જાય. પણ જ્યારે એની સાથે કામ પડે ત્યારે સામો માણસ છેતરાય જ. રૂડા ઠાકોરે શેઠની હાટડી માટે હેરીફેરી કરવાની શરૂ કરી ત્યારે એણે શહેરના એક ફેરાનું ભાડું સવા બે રૂપિયા નક્કી કર્યું હતું. ઠાકોરની ગણતરી એમ કે જતાં આવતાં ગાડામાં થોડી જગ્યા હોય તો કોઈની ચીજવસ્તુ ભેગી લઈ જવાથી થોડી વધારાની આવક થાય. ને એને એવું કામ મળવા પણ લાગ્યું હતું અને એમાં પૈસા પણ શેઠના ભાડાને હિસાબે સારા મળતા હતા.

પણ મહિનાની આખરે શેઠે જ્યારે આંગળીને વેઢે અંગૂઠો મેલીને હિસાબ સમજાવવા માંડ્યો: ‘જો રૂડા, વહેવારની વાતમાં મારાથી કે તારાથી કંઈ ખોટું ઓછું બોલાવાનું છે! આપણે એક ફેરાના સવા બે રૂપિયા નક્કી કરેલા. હવે બધા મળીને આ મહા મહિનામાં ફેરા થયા બાર. એટલે એના મારે તને રૂપિયા સત્તાવીસ આપવાના, બરાબર ને?’

આવા ચોખ્ખા હિસાબમાં રૂડાને બીજું શું બોલવાનું હોય? એણે હકારમાં માથું ધુણાવ્યું.

‘હવે, એમાંથી તેં જે છૂટક પૈસા ગામલોકોના માલના ભાડાના એમની પાસેથી લીધા છે એનો હિસાબ કરીએ તો થાય છે પંદર રૂપિયા. એટલે સત્તાવીસમાંથી પંદર બાદ કરીએ તો મારે તને આપવાના થાય છે ચોખ્ખા રૂપિયા બાર.’

રૂડો શેઠની આવી વાતથી સમસમી ગયો. ‘પણ શેઠ, એ બીજા લોકોના ભડાના પૈસાને ને તમારા ભાડાને શી લેવાદેવા?

‘કેમ લેવાદેવા નહીં! તેં જુદો ફેરો કર્યો હોય તો એમાં મારે લેવાદેવા નહીં પણ મારા ફેરામાં તું  કોઈની ચીજવસ્તુ લાવે એમાં તો મારે લેવાદેવા ખરી ને.’

વનેચંદના આવા હિસાબથી રૂડો ઠાકોર સમસમી ગયો પણ એને એ ન સમજાયું કે આ વાણિયાને સમજાવવો શી રીતે? છતાં એમણે કહેવા પ્રયત્ન કર્યો: ‘પણ શેઠ, તમારો માલ મેં ગાડામાં ના ભર્યો હોય તો મને કહો. તમારો માલ ભર્યા પછી ગાડામાં જગ્યા હોય અને મેં એમાં બીજાનો માલ ભર્યો હોય એમાં તમને શો વાધો? અને એનો ભાર તો મારા બળદોને જ પડ્યો ને!’

‘તારી એ વાત સાચી પણ જે ફેરાના પૈસા હું તને આપતો હોઉં એ ફેરા પર તો મારો જ હક ગણાય ને! એટલે એમાં તું જે વધારાનો માલ ભરી લાવે એના ભાડા પર પણ મારો હક ખરો કે નહીં? ને રૂડા ભાર તો એક ગાડામાં ભરાય એના કરતાંય કાયમ ઓછો જ ભર્યો છે. તારા બળદો પર એમાં વધારાનો ભાર કંઈ પડ્યો? છતાં તારા પેટમાં પાપ પેઠું હોય તો મને કહે એટલે હું બીજાનું ગાડું કરું. એનેય બાપડાને બે પૈસા મળશે.’

રૂડાને ઘડીભર તો મનમાં એમ પણ થઈ ગયું કે એ શેઠને સંભળાવી દે કે મને મારા સત્તાવીસ રૂપિયા એક વખત આપી દો પછી તમારે જેનું ગાડું જોડાવવું હોય એનું જોડાવજો. પણ…

પણ રૂડો ઠાકોર એક તો સ્વભાવનો ભોળો અને ગામમાં એની છાપ પણ ભગવાનના માણસ તરીકેની એટલે એ ગમ ખાઈ ગયો. પછી તો એણે મનમાં નક્કી કરી લીધું કે એક ફેરાના સવા બે રૂપિયા જ પોતાના છે એટલે ફેરામાં વધારાનો માલ ભરીને બળદોને માથે વધારાનો બોજો ન નાખવો. ને એણે વનેચંદ માટે શહેરના ફેરા ચાલુ રાખ્યા હતા. અને એમાંથી એણે સોએક રૂપિયા જેટલા કૂટી પણ કાઢ્યા હતા.

આ ભોળા માણસને મનમાં થયું હતું: એ વેપારી માણસ પોતાનો લાભ તો જુએ જ ને! એટલે એણે મન મનાવ્યું કે એને શેઠના વહેવારમાં કશું ખોટું લાગવાનું કારણ ન હતું. પણ જ્યારે લગનનો છેલ્લો હિસાબ પતાવવા એ અને માવજીભાઈ શેઠની દુકાને ગયા ત્યારે એના વિચાર પાછા બદલાઈ ગયા.

હિસાબ ચૂકવતાં છેલ્લે સો રૂપિયા જેવી રકમ ઓછી પડી એટલે શેઠે એમની મીઠી વાણીને બાજુ પર મૂકી ચશમાંની ઉપરની ધાર પરથી નજર કરતાં પૂછ્યું: ‘રૂડા, એ બધું તો સમજ્યા પણ આ સો રૂપિયા બાકી રહ્યા એનું શું? તને શાહુકાર માનીને મેં તારું કામ કાઢી આપ્યું. ને મેં તો તને એ વખતે કહ્યુંય હતું કે આજના જમાનામાં ઉધાર એટલે પાંચપંદર દિવસ.’

‘શેઠ તમારી વાત સાચી છે પણ અમે બધી વાતે તેવડ કરી જોઈ તોય બધું ચૂકવતાં છેવટે તમારા આટલાની તો વ્યવસ્થા …’ રૂડાને બદલે માવજીભાઈએ કહેવા કર્યું.

‘આખા ગામના અપાયા અને મારા આપવાના થયા એટલે ગલ્લાં તલ્લાં કરવા માંડ્યાં? તમને એમ કે આ વાંણિયો બચારો સોંઘો ને સસ્તો. જો માવજી, હું તમને બેયને છેવટનું કહી દઉં છું: મારે મારા પૈસા આ પૂનમ પહેલાં ચૂકતે જોઈએ. તમારે જેમ કરવું હોય એમ કરો. પછી કહેતા નહીં કે મેં કહ્યું ન્હોતું.’

‘પણ શેઠ, પૂનમ પહેલાં સગવડ થાય એમ નથી. તમારો જ આધાર છે. તમારું ગાડું જોડું છું એમાંથી વાળજો અને બીજા દિવાળીએ દાણા આવે એટલે…’ રૂડા પટેલે બોલવા કર્યું.

પણ તેમને અડધેથી અટકાવતાં શેઠ તડુક્યા: ‘દિવળી સુધી બાકી કોણ રાખશે, તારો બાપ? આપડામાં તેવડ ના હોય તો બહુ માટા ઉપાડા ના લઈએ. કોણે કહ્યું હતું કે ઝાંઝર પહેરીને શેઠાણી કહેવડાવજો? લગન વખતે તો જાણે ગાંમ પટલ થઈ ગયો હતો.’

‘જુઓ શેઠ, રૂડો તમારો માણસ છે. એ તમારે ટેકે તો આજ સુધી ખાતોપીતો રહ્યો છે. તમે કહેશો તો એ ખાતુંય પાડી આલશે ને વ્યાજ પણ આલશે ને કારતક મહિને વ્યાજ સાથે …’ માવજીભાઈએ કહ્યું.

‘જો ભૈ માવજી, હું વ્યાજ વટાવનો ધંધો કરતો જ નથી. મારા ધંધામાં જ જ્યાં પૈસાની તાણ રહે છે ત્યાં હું એમાં કંઈ પડું! પણ કોઈ મિલકત થતી હોય તો શહેરમાંથી કોઈકને ઓળસીને વૅંટ કરી લાવું. બાકી આ રાજમાં ખાતું પાડીનેય શું કરી લેવાનું?’ શઠે વાણિયાશાહી કરવા માંડી.

બેય દોસ્તો શેઠની વાતનો મરમ સમજી ગયા ને આંચકો ખાઈ ગયા. ‘મિલકતમાં તો શેઠ, એની પાસે છે શું તે લખી આલે? પણ તમે તો જાણો છો કે એણે તમારા પૈસા ક્યારેય ખોટા કર્યા નથી. એ માણસ શાહુકાર છે.’

‘બધાય શાહુકાર જ છે ને! એટલે તો આ કપડાં બહારથી અપાવ્યાં છે. આવે(હવે) એ પૈસા આપે કે ના આપે પણ મારે તો પેલા કાકાને સીડવાના જ ને! ને તું કહું છું કે ખાતું પાડી આલશે. એ ખાતાની દિવાળીએ પૂજા કરવાની ને પૈસા ના આપે તો એનાથી ચૂલામાં બળતું કરવાનું? પણ એમ કંઈ આ ગોકળિયો ગાંડો નથી. જો પૂનમ પહેલાં પૈસા નહીં આપો તો બદલામાં અમથાવાળું ચ્યાયડું લખી આલવું પડશે એ લાખ વાતની એક વાત. પછી તમતમારે ગોઠે તો દિવળીએ પૈસા આપીને છોડાવી લેજો ને! મારે ક્યાં ખેડવા રાખવું છે?’ શેઠે ચોખ્ખું સંભળાવી દીધું.

શેઠની વાત સાંભળતાં રૂડા ઠાકોર ઢીલા પડી ગયા પણ માવજીભાઈ હિંમત રાખતાં બોલ્યા: ઠીક શેઠ, તમે કહો છો એમ કરીશું, પછી છે કંઈ? હવે અમે ઊઠીએ.’ કહેતાં એમણે ઊઠવા કર્યું.

પણ એમના છેલ્લા શબ્દો સાંભળતાં જ શેઠની આંખમાં ચમક આવી ગઈ હતી. એમણે માવજીભાઈને ખેંચીને પાછા બેસાડી દેતાં કહ્યું: ‘તું તો ભાઈ, ભારે ઉતાવળો. એમ તે કંઈ જવાતું હશે?’ કહેતાં એમણે દુકાનમાં ફેરાફાંટા કરવા રાખેલા માણસને ઘેરથી ચા લઈ આવવા મોકલ્યો અને વાતને પાછી પાટે ચડાવી: ‘અને મારું કહેવું પણ એમ જ છે ને, જો અઠવાડિયા સુધી વાટ ના જોવી હોય તો હમણાં જ બે આંકડા પાડી લઈએ. પછી તમારું ખેતર તમે કાલે છોડવી લો કે પછી વરસ પછી છોડાવો.’

રૂડો ઢીલો પડી ગયો હતો. એ તો હા જ કહેવા જતો હતો પણ માવજીભાઈએ એનો હાથ દબાવી એને એમ કરતાં રોક્યો એને કહ્યું: ‘એનોય વાંધો નહીં પણ રૂડાનાં સાસરિયાં પાસે છત છે. અને એમણે એક વખત કહેવડાવ્યું પણ હતું કે કંઈ કામકાજ હોય તો કહેજો એટલે એક વખત એમનોય ગલ લઈ જોઈએ.’

રૂડનાં સાસરિયાંની આ વાત તો તેમણે કહેવા ખાતર કરી હતી બાકી એમની પાસે એવી કશી છત ન હતી એની એમને ખબર જ હતી. અરે, એનાં સાસરિયાં તો ખેતીની પલમાં ખાતર અને દાઢિયાંના પૈસા માટે તો રૂડાના ઉંમરા ઘસી નાંખતાં હતાં એ એમનાથી અજાણ્યું ન હતું.

શેઠની ચા પીને બેય ગોઠિયા બહાર નીકળ્યા ને ઘેર જવાને બદલે ગામની ભાગોળ તરફ ફંટાયા. ભગોળે એક વડ નીચે ચોતરા પર બેસી બેયે બીડીઓ સળગાવી. રૂડાનું મન તો ક્યારનુંય ઘેર જઈ  પોતાની લાચારી પર રડી લેવાનું થઈ રહ્યું હતું. શેઠની વાતથી તમતમી ગયેલા બેય દોસ્તોને વડના છાંયાની ઠંડકથી સહેજ શાતા વળી એટલે માવજીભાઈએ શરૂ કર્યું: ‘જો, તું મારી વાત માને તો એ વાણિયાને ધોળે દિવસે તારા બતાડી દઈએ, પણ ભૈ, તું રયો(રહ્યો) શાવકાર(શાહુકાર)ની પૂછડી. તારાથી અમારા જેવી દાંડાઈ થાય નહીં. ઊલટું અમે એવું વેતરી બેસીએ ને તું પાછો સતનો દીકરો થવા જાય તો ભૂંડા અમે દેખાઈએ એટલે મન જરા પાછું પડે છે.’

‘ના, ના, એવું તો આપડાથી મનમાંય ના વિચારાય. એણે બાપડે આપડું કામ કાઢી આલ્યું. એના પૈસા આપડે દૂધે ધોઈને પાછા આલવા જોઈએ.’ રૂડા ઠાકોરનું ધર્મભીરું મન બોલી ઊઠ્યું.

‘એ આલવાની હું કંઈ ના કહું છું? પણ એ વાંણિયો આપણને શૅંહામાં ઉતારવાની વાત કરતો હોય તો આપડે એને પરચો તો બતાવવો જ પડે.’

‘તોય મારી ના, ના ને ના જ છે. એ શાહુકાર માણસ છે. એ આપડા જેવાનું કામ કાઢી આલે ને એમાંથી બેપાંચ પૈસા રળી લે તો એમાં ખોટુંય શું છે! એ તો એની ખેતી છે. એને બદલે કોઈ બીજો રસ્તો નીકળતો હોય તો વિચાર કર.’ કહેતાં રૂડાએ વાતોમાં હોલવાઈ ગયેલી બીડી પાછી સળગાવી.

‘સારું ભૈ, તારી શાવકારીની વાત માનીએ. નેળ્યનાં ગાડાં કંઈ નેળ્યમાં જ થોડાં રહે છે? જો આપડે એના પૈસા ડૂબાડવા નથી પણ બળદ વેચીને કે ઘર કે ખેતર ગીરો મૂકીનેય એના પૈસા સીડવા નથી. હું મારી મેળ્યે એનો રસ્તો કાઢીશ. તારે વચમાં એક અક્ષરેય બોલવાનો નથી. ફક્ત હું જે કહું એમાં તારે હાએ હા કરવાની છે.’ માવજીભાઈએ કહ્યું અને વળતા જવાબ માટે જાણે એની સામે ઉઘરાણી કરી રહ્યા.

પણ રૂડો ઠાકોર શું જવાબ આપે? એનાં તો જાણે બારેય વહાણ ડૂબી ગયાં હતાં. માવજીભાઈ ગમે તે કહે પણ એમને આમાંથી કશો રસ્તો નીકળે એમ લાગતું જ ન હતું. છેવટે માવજીભાઈની પેલી ઉઘરાણી કરતી નજરનો તકાદો ન જીરવાતાં એ બોલ્યો: ‘જો આપડે ખોટા ન દેખાઈએ અને રસ્તો નીકળતો હોય એમ તને લાગતું હોય તો તું કહે એમ કરવાની મારી તૈયારી છે, જા. હવે કહે કે તું કેવો રસ્તો કાઢે છે!’

‘જો સાંભળ તારા ઘરમાં નહીં નહીં તોય પંદરથી વીસ મણ દાણા હશે. એમાંથી અડધા એને આલી દઈએ ને બાકીના પૈસા દિવાળીએ આલવાનો વાયદો કરીયે.’

‘તોય એ નહીં માને ને અડધા દાણા કાઢી નાંખીશું તો ચોમાસામાં ઘરમાં ખાવાની તાણ પડશે એનું શું?’ ગૂંચવાતાં રૂડો બોલી ઊઠ્યો.

‘બે મણ દાણા આમથી તેમથી ઉછીના લઈ લેવાના. ને તને શરમ આવતી હોય તો જા, હું કોઈની પાસેથી માગી લાવીશ ને પછી તું મારે ત્યાંથી લઈ જજે, બસ. ને આટલામાં એ વાણિયાને સમજાવવાનું કામ મારું. ઘરનાં છોકરાંને ભૂખે મારીને શાવકારી દેખાડવામાં હું માનતો નથી. જરૂર પડે તો વાણિયા પાસે વાઘરીવેડાય કરવા પડે. એને એમ લાગવું જોઈએ કે આકરા થવા જઈશું તો મૂળગા પૈસા જશે. પછી એ દીકરો આપણે કહીશું એમ કરશે. બાકી એમ સો રૂપિયાની રકમ હાટુ થઈને એને કોરે બૈડે ચ્યાયડાનો અડધો ભાગ આલી દેવાની વાતને તો હો ગાઉનું છેટું.’

‘પણ એ પાંચ માંણહ વચ્ચે આબરૂ લે એના કરતાં…’

‘તેં રૂડા હજુ દુનિયા જોઈ નથી. હું એને એવો જુલાબ આપીશ કે એની બોબડી જ બંધ થઈ જશે. છેવટે તો એ ડાહી માનો દીકરો છે. આખી મૂડી જતી કરવા કરતાં એ ગમ ખાવાનું પસંદ કરશે ને ચૂપ જ રહેશે, તું જોજે ને. આ પટલાઈ કરતાં ધોળાં થયાં છે. એમ વાંણિયાને ત્યાં વેચાઈ ગયા હોત તો અત્યાર સુધી જીવતા જ શાના રહ્યા હોત?’

માવજીભાઈની હિંમતને કારણે રૂડાનામાંય વિશ્વાસનો સંચાર થયો. એનું મન એ વધુ સારા ઉકેલની ગણતરીએ સહેજ હળવું થયું. એ બોલી ઊઠ્યો: ‘એવું થાય તો તારા મોંમાં સાકર. પણ…’

ને એના નિરાશાના ઉદગારને બહાર આવતાં રોકતાં માવજીભાઈ બોલી ઊઠ્યા: ‘લે હવે એમ વેવલો થયા વગર ઊભો થા. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. હેંડ્ય, ઘેર જઈને ચા પીયે. હાળે વાંણિયે ચા પઈ એય ગોળની ને મહીં દૂધ તો ચૈણાંમ્રુત જેટલું. મારું તો મોઢું બગાડી નાંખ્યું.’

પછી ખાસ્સા કલાકેક પછી રૂડો ઠાકોર પોતાને ઘેર જવા નીકળ્યો ત્યારે હળવો ફૂલ લાગતો હતો.

૪. ભણતર વગરનો પણ ગણતરવાળો ગબો.

પછીના પાંચેક દિવસમાં માવજીભાઈએ વનેચંદ શેઠનો ગોઠવ્યા પ્રમાણેનો ઘાટ ઉતાર્યો. પહેલાં તો શેઠ આઘાપાછા થયા. ગરમી પણ કાઢી પણ માવજીભાઈનું ઉંહું એમને ભડકાવી ગયું. છેવટે એ ડાહીમાના દીકરાએ ફેરવીને તોળ્યું.

દસ મણ બાજરી અત્યારે અને દસ મણ બાજરી દિવાળીએ શેઠને આપવાની શરતે શેઠે પાનિયું ઊંચું મૂકવાનું કબૂલ કર્યું.

હવે રૂડાનામાં જીવ આવ્યો ને માવજીભાઈના પગ પણ જોરમાં ઊપડવા લાગ્યા. શેઠનું પતાવીને ઘેર પહોંચી માવજીભાઈ અમરતને કહે: ‘પેલા વાણિયાનું તો પતાવી નાંખ્યું. હવે તમે કહો તો ભાભી તમારુંય કરી નાંખીએ.’ ને રૂડાને કહે: ‘આજ તો રૂડા, હોકો ભરાવ. આ નાહાનાસમાં હોકો પીવાનીય પલ ના પડી.’

ને અમરત અને રૂડો બેય એમની આ કરી નાંખવાની વાતમાં કાંઈ ન સમજાતાં માવજીભાઈ સામે તાકી રહ્યાં. રૂડાને થયું: માવજીના મનમાં વળી શો નવો તુક્કો સૂજ્યો હશે! ‘શાનું કરી નાંખવાની વાત કરો છો માવજીભાઈ?’ વાતનું ધડમાથું ન સમજાતાં અમરતે પૂછ્યું.

‘ચાંદરીનો ખીલો ખાલી પડ્યો છે એ નથી ગોઠતું. છોકરાંને દૂધઘીનો છાંટો ન મળે તો એમનું કાઠું કેવી રીતે બંધાય?’ મૂછોમાં મલકાતાં માવજીભાઈએ મમરો મૂક્યો.

ને ખુશ થઈ ઊઠતાં અમરત બોલી ઊઠી: ‘તો તો તમારા મોંમાં સાકર. બસ, ગમેતેમ કરીને મને એક ખાંડી બાંડીય ભેંસ બંધાઈ આલો તો તમારા જેવો ભગવાંનેય નહીં. એના પૈસા હું બાર જ મહિનામાં પૂરા કરી દઈશ.’

‘ભેંસ બંધાવી આપી શકે એવો તો આપણા ગામમાં એક ગબો છે. એને હું કહીશ તો એ ના નહીં પાડે. પણ ભાભી, વરસ વંટોળમાં એનું કાંધું ભરાઈ જાય એ વાતમાં માલ નહીં હોં.’ કહેતાં માવજીભાઈએ હોકો ગગડાવવા માંડ્યો.

દેશ કરતાં ગામડાનું રાજકારણ તદ્દન ભીન્ન છે. કોઈ અજાણ્યાને કોઈ ગામમાં ધંધો કરવો હોય તો એને ગામના કોઈ આગેવેનની ઑથ જોઈએ. ને એ ઑથ કદીક રૂપિયામાં કે કદીક બીજી રીતનો ઘસારો વેઠીને ચૂકવવાની હોય. આમાં આગેવાન કોને ગણવા એનુંય કોઈ ચોક્કસ માપ નથી. ગામના મુખી કે સરપંચ તો સર્વમાન્ય આગેવાન ગણાતા જ હોય છે. પણ એ સિવાય પૈસાદાર અને સારા સ્વભાવવાળા લોકો પણ આગેવાન ખરા જ ને! ને છેલ્લે પણ સૌથી વધારે વગ ધરાવતા લોકો ગામના ડાંડ અને માથાભારે આવે. ગામના કેટલાક એમની શેહમાં તણાય તો કેટલાક એમનાથી ડરીને એમની સામે અવાજ ઊઠાવવાનું ટાળે.

વડિયામાં માવજીભાઈ આમાં સારા સ્વભાવના વર્ગમાં આવી જાય મૂળ તો ગબાને વડિયામાં માવાની ભઠ્ઠી કરવી હતી ત્યારે માવજીભાઈએ એને ઑથ આપી હતી ને ભઠ્ઠી કરવા માટે પોતાનો નકામો પડી રહેલો વાડો ભાડે આપ્યો હતો. અલબત્ત વાડાના ભાડાના વરસે ૨૫૦ રૂપિયા ગામડાને હિસાબે ઘણા વધારે હતા પણ માવજીભાઈની ઑથની કિંમત ગબાને મન ઘણી હતી. ને તોય એ ભાડા કરતાંય વધારે રકમ એક કે બીજી રીતેય માવજીભાઈ એની પાસેથી ક્યાં વસુલ કરતા ન હતા?

એટલે એમને ટેકે ગબાનો માવાની ભઠ્ઠીનો ધંધો ચાલે. પણ ગામમાં બધા માનતા હતા એમ માવજીભાઈ અને ગબો માત્ર દોસ્તો જ ન હતા એમની વચ્ચે એક વેપારી સમજૂતી પણ હતી. બધા માનતા કે એ દોસ્તીને કારણે ગબો માવજીભાઈનું વેણ ઉથાપતો નથી એટલે કેટલાય ગબાને ત્યાં કાંધું કરવા માવજીભાઈને આગળ કરતા હતા ને!

પછી તો બે પગે થતાં ગબાએ અલગ જગ્યા વેચાતી લઈને ત્યાં પોતાને રહેવા લાયક મકાન અને સાથે ભઠ્ઠી બનાવી પણ દીધાં હતાં તોય એ માવજીભાઈને વાડાના ભાડાના પૈસા હજુ ચૂકવતો જ હતો. માનો કે ઑથની કિંમત ચૂકવતો હતો.

માવજીભાઈ પાંચસાત ભેંસો રાખતા એમનો દીકરો ખેતી સંભાળતો ને એની વહુ ધર સંભાળતી. પણ માવજીભાઈ પંડે એકલા એટલે બધાં ઢોર એ ભાગે કે સાચવણીએ ગરજવાળા ખેડૂતોને આપી દેતા હતા. આ ઢોરમાંથી કોઈક વિયાય એટલે માવજીભાઈ એને ખંડીને પોતાને ત્યાં લઈ આવતા. એનો કોઈ ઘરાક મળે ત્યાં સુધી એનું દૂધ ગબાને ત્યાં આપતા ને ગબો એમને ગામ કરતાં સવાયો ભાવ પણ આપતો.

તો કદીક કાંધું માવજીભાઈનું હોતું પણ ચાલતું ગબાને નામે. માવજીભાઈ આવું કરીને વરસે હજરેક કૂટી કાઢતા હતા ને ઘરમાં આપતા હતા એટલે છોકરો બાપા ખેતીના કામમાં એને ટેકો કરે એવો આગ્રહ રાખતો ન હતો. ને માવજીભાઈ ગામમાં ઉજળે લૂગડે ફરતા.

કોઈ ભેંસ લેનારને કાંધું કરવું હોય તો માવજીભાઈ જામીન થાય તો જ ગબો કાંધું કરવા તૈયાર થતો પણ માવજીભાઈ પોતાના સિવાય બીજા કોઈની ભેંસ માટે કાંધું કરતા જ ન હતા એટલે તો એમની ભેંસ તરત વેચાઈ  જતી. કારણ કે ગામમાં કાંધું કર્યા સિવાય ભેંસ ખરીદનારા બહુ ઓછા હતા.

જો કોઈ બીજાની ભેંસ ખરીદીને ગબાને ત્યાં કાંધું કરવા એમને જામીન થવા કહેવા આવતો તો માવજીભાઈ સ્પષ્ટ કહી દેતા: ‘તેં જેની પાસેથી ભેંસ લીધી હોય ને જ કહે ને. એ જામીન થાય. વગર લેવાદેવાએ હું એવી જંજાળમાં શા માટે પડું? પૈસા વેળાસર ના ભરાય તો કોક દા’ડો મારા ને ગબાના સંબંધો બગડે.’ એટલે મારા ભાઈ, એમ જ સમજો ને કે બધું વૈદ ગાંધીના જેવું સહિયાળું ચાલતું હતું.

હજુ હમણાં જ માવજીભાઈ એમની ચોથા વેતરે વિયાયેલી ભેંસ ભાગિયાને ત્યાંથી મુલવી લાવ્યા હતા. ગામાંથી જે પૈસા કાઢી શકે એમ હતો એ તો હમણાં જ રૂડાની ચાંદરી લઈ ગયો હતો અને બીજો કોઈ અસામી એમને માગી કિંમત આપે એવો નજરમાં ન હતો એટલે એ ભેંસ હજુ વેચાઈ ન હતી. ત્યાં પોતાનો દોસ્ત રૂડો નજરમાં આવી ગયો. એને પોતાની ભેંસ વેચતાંય પોતાનો હાથ ઉપર રહે એવો ત્રાગડો રચવો પડે. ને એવા ત્રાગડા રચવામાં તો માવજીભાઈ ઉસ્તાદ હતા.

વિચાર આવતાં જ એ ગબાની ભઠ્ઠીએ ઊપડ્યા. એમણે એને પોતાની વાતમાં એણે કેવો ભાગ ભજવવાનો છે એ સમજાવી દીધું. ને પછી એ ઊપડ્યા રૂડાને ત્યાં.

‘જો, મેં ગબાને વાત કરી છે. એ આઘો પાછો થાય છે પણ અને બખમાં લેવાની જવાબદારી મારી. તારી ભાળમાં કોઈ ભેંસ હોય તો કહે એટલે ગોઠવી કીઢીએ.’ એમણે કહ્યું.

‘મારી ભાળમાં તો કંઈથી હોય. હોય તોય તારી ભાળમાં હોય. તું ગબાની ભઠ્ઠીએ અવારનવાર જતો હોઉં છું એટલે. કોઈની ભેંસ વેચવાની હોય તો તને એવી જાણ કદાચ હોય.’ રૂડાએ પોતાની એવી જાણકારી ન હોવાની સાથે માવજીભાઈને આગળ કરવાની તક લીધી.

‘મારી જાણમાં તો તારે લાયક કોઈ ભેંસ નથી. કદાચ ગબાના ધ્યાનમાં કોઈ હોય તો એને પૂછીએ.’

કહેતાં બેય જણે ઊઠવા કર્યું ત્યાં અંદરથી અમરતનો ભેસ બંધાવાની આશાથી હરખાયેલો અવાજ આવ્યો: ‘પણ ચા તો પીતા જાવ.’ એટલે ચા પીને બીડીઓ સળગાવી બેય ગબાની ભઠ્ઠી ભણી ચાલ્યા.

એમણે ગબાને કાંધું કરવાની વાત કરી એટલે ગબાએ વાઘરીવેડા શરૂ કર્યા: ‘તમેય શું માવજીભાઈ મારી મશ્કરી કરો છો? છેલ્લા બે મહિનાથી ભાવ દબાતા ગયા છે ને તમે નહીં માનો પણ મારા હજાર રૂપિયા અવળા થયા છે. હવે તો હું ધંધો જ બદલી નાંખવાનો વિચાર કરું છું. તેમાં વળી કાંધું કરું તો એના પૈસા વરસે પતે કે બે વરસે પતે. ના ભૈ હવે કાંધાની વાત નહીં.’

‘લે, હવે એવાં ઊઠાં કોઈ બીજાને ભણાવજે. કાલ સુધી તો તારા આ ઘરમાં સુધારા વધારા કરાવવાની વાત કરતો હતો ને આજે પૈસા અવળા થયાની વાત કરું છું ને તેય મને? તારી એવી બધી વાતો કોઈ બીજાને સમજાવજે. જો તારે કાંધું કરવાનું જ છે. બોલ, તારા ધ્યાનમાં કોઈની ભેંસ વેચવાની છે?’ માવજીભાઈએ કહ્યું.

‘ગાંમમાં તો કોઈની ભેંસ વેચવાની હોય એવી વાત નથી પણ તમારી ભૂરી ભેંસ તો છે જ ને. રૂડા ભાઈને લેવાની હોય તો એમને લાયક છે. ને એમને ખીલે એ સુખી થશે એટલે તમને એનો નિસાસોય નહીં લાગે.’

‘મારી તો છે જ પણ મારાથી એને ન અપાય. કોઈકને એમ લાગે કે ભાઈબંધીમાં પધરાવી દીધી.’

‘તમને એમ લાગતું હોય તો પાંચ માણસની પાસે કિંમત કરાવીને આપો ને. વળી પેલા તરઘાટીવાળાએ એના સાડી ત્રણસો આપવાના કહ્યા જ છે ને.’ ગબાએ માવજીભાઈની પઢાવેલી બારાખડી ઘૂંટવા માંડી.

‘તોય મારી ના, ના ને ના. દોસ્તીમાં એવો વહેવાર નહીં, કાલે સવારે મારે સાંભળવાનું થાય. બાકી એને જોઈતી હોય તો હું સાડી ત્રણસોને બદલે સવા ત્રણસો લઉં અને તને કાંધું કરવામાં પૈસાની તાણ પડતી હોય તો તારી પાસેથીય બે મહિને પૈસા લઉં. પણ દોસ્તીમાં એવો સોદો કરતાં મારું મન પાછું પડે છે. કોઈ બીજની ભેંસ વેચવાની હોય તો તપાસ કર.’ માવજીભાઈએ વાતની ચોખવટ કરતાંય પોતાનો હાથ ઉપર રાખતાં કહ્યું.

‘તમારી વાત મને સમજાતી નથી. રૂડભાઈ કહેતા હોય તો હું સાંજે બે પાંચ જણની પાસે બાંધે ભારે વાત મૂકીને કિંમત કરાવી જોઉં ને રૂડાભાઈને સંતોષ થાય તો તમને શો વાંધો છે?’

‘પેલાએ સાડી ત્રણસો કિંમત આંકી છે ને માવજી સામેથી પચીસ ઓછા લેવાના કહે છે પછી કિંમત કરાવવાની વાત જ કંઈ છે?’ છેવટે રૂડાને કહેવું પડ્યું. એને જો કે એ કિંમત વધારે લાગતી હતી પણ જ્યાં માવજી એ સાડી ત્રણસોની સામે પોતાની દોસ્તીને ખાતર સવા ત્રણસો લેવા અને ગબા પાસેથી બે મહિના પૈસા મોડા લેવા જેવી છૂટ મૂકતો હતો ત્યાં એ કિંમત ચકાસવાની કે એમાં બાંધછોડ કરવાની એનાથી વાત પણ ક્યાંથી કરાય?

‘તો મારી વાત તમને બેય દોસ્તોને ગમતી આવતી હોય તો હું મહીંથી કાગળ કાઢી લાવું એટલે કરાર કરી લઈએ. પણ માવજીભાઈ મારા પૈસાના બેને બદલે તૈણ મહિના રાખો.’

‘લાવો કાગળ લખી લઈએ.’ રૂડાએ પણ ઊંડી ગણતરી કરવાનું પડતું મૂકીને કહી દીધું.

‘બેટમજી, તેં  મારી સામે પગથિયાં માંડ્યાં છે તે આજે મારે રૂડાનું કામ કાઢવું છે એટલે ચલાવી લઉં છું પણ ક્યારેક મારા હાથમાં આવીશ ત્યારે ગાંમમાં રહેવાનું જ ભૂલાવી દઈશ.’ માવજીભાઈએ કહ્યું.

‘આ ગાંમમાં આયો તારથી તમારા હાથમાં આઈ!(આવી) જ ગયેલો છું ને. આજેય આ કાંધું કરું છું એય તમારા દાબે જ કરું છું ને. જુઓ રૂડાભાઈ, સવા તૈણસોની કિંમત. સવારની ટંકનું દૂધ મારે ત્યાં તમારે ભરવાનું. સાંજની ટંકેય થોડું ભરવું હોય તો એ તમારી મરજી. જ્યાં સુધી પૂરી રકમ ભરાઈ ન જાય ત્યાં સુધી આખી મૂડી પર આઠ આનાનું વ્યાજ ચઢશે.’

‘એ લવાણા, મારી પાસે છૂટ મૂકાવ છ ને તું પહોળો થતો જા છ. દર દિવાળીએ હિસાબ કરવાનો ને પછી જેટલી રકમ બાકી રહે એના પર વ્યાજ ગણવાનું. રૂડાને એમાં સમજણ ના પડે પણ મને તો એમાં ખબર પડે છે.’

‘આજે હવારથી જ મને થતું હતું કે કશીક ઘાત આવવાની છે.’

‘તું આજે એ ઘાતમાંથી બચી ગયો છું પણ મારા હાથમાં આવીશ ત્યારે માંનજે કે મોટી ઘાત આવી જશે.’ માવજીભાઈએ રૂડાને વધારે અહેસાન નીચે લાવવા પેલાને લુખ્ખો દમ માર્યો.

‘આથી મોટી ઘાત લાવીને તમારે મારા રાંમ બોલો ભૈ રાંમ કરાઈ નાંખવા છ કે શું?’ ગબોય એમની વાત સમજી જતાં લુખ્ખો ગભરાતાં બોલ્યો. ને એમ બેય જણાએ મળીને રૂડાને શીસામાં ઊતાર્યો.

ઘેર જઈ રૂડાએ અમરતને બધી વાત કરી. અમરતને પણ માવજીભાઈની ભૂરીની એ કિંમત વધારે લાગી. એણે પોતાની ચાંદરીની કિંમત સામે આ કિંમતની ગણતરી કરી જોઈ. એને થયું કે ચાંદરીના પોણી ચારસોની સામે ભૂરીના તૈણસોય ના ગણાય તોય પેલા અજાણ્યા માણસે આપવાના કહેલા સાડી તૈણસોના માવજીભાઈએ પોતાની પાસે સવા તૈણસો લીધા એ જાણી મન મનાવ્યું.

સાંજે નમતે પહોરે રૂડો અને અમરત જઈને ભૂરીને પોતાને ઘેર લઈ પણ આવ્યાં. અમરતે ભૂરીને ગોળની કાંકરી ખવડાવી એને કપાળે કંકુનું ટીલું કરી એને વધાવી. કેટલાક ખટસવાદિયા ભૂરીની કિંમત જાણવા અને ચાંદરી વેચી કેમ અને ભૂરી લીધી કેમ એની વિમાસણનો જવાબ શોધવાય આવી ગયા. ને પાડોસીઓની આવી વર્તણૂંક પર અમરત મનમાં જ ગુસ્સો દબાવી રહી.

તોય એ બધી ચિંતાઓ ભૂલીને ભૂરીના આગમને આખું ઘર આનંદમાં ગરકાવ થઈ ગયું.

<> 

એ સાંજે છ શેરેક દૂધ નીકળ્યું. અમરતને જો કે એનાથી સંતોષ ન થયો પણ એણે મન મનાવ્યું કે ભાગે આપેલી ભેંસને ભગિયાએ શું ખવડાવ્યું હોય તે દૂધ નીકળે? એ તો મહિનો માસ દાંણખાંણની કાળજી લઈશું એટલે દૂધ વધશે જ ને.

બીજે દિવસે સવારમાં લગભગ એટલું જ દૂધ નીકળ્યું જેમાંથી ચાપાણી ને છોકરાં માટે શેરેક રાખી બાકીનું ગબાને ત્યાં મોકલ્યું. ગબાએ એનો માવો પાડીને એના બાર આના(પંચોતેર પૈસા) જમા કર્યા. રૂડા પટેલે મનમાં જ હિસાબ માંડી જોયો. જો દૂધ આવું ને આવું દિવાળી સુધી પહોંચે તોય વ્યાજના પૈસા જતાં દિવાળીએ અઢીસો બાકી રહે. પછી બીજા ચારેક મહિના ભૂરી દૂઝે તો ખરી પણ કાંધામાં આખા વરસનું વ્યાજ જતાં પચાસ રૂપિયા કરતાં વધારે જમા ન થાય. એને થયું કે જો ચાંદરી ઘેર હોત ને એનું ચારસોનું કાંધું કર્યું હોત તોય બે વરસે દેવામાંથી છૂટાત પણ આ ભૂરીના કાંધામાંથી છૂટતાં ચાર વરસથી ઓછાં નહીં થાય.

છતાં છોકરાં દૂધઘી ખાશે ને ચાર વરસેય કાંધામાંથી છૂટાશે એ વાતે એના પગમાં જોર આવ્યું. હવે તો શંકર અને શાંતિય ખેતીમાં મદદ કરે એવાં થવા માંડ્યાં હતાં. વળી જમનીય પહેલે વરસે સાસરે રહેશે એના કરતાં પિયર વધારે રહેશે એટલે ખેતીમાંય એમની મદદ રહેશે. જો કે આ વરસે તો વનેચંદ શેઠને દાણા આપવાના છે પણ આવતાં વરસમાં ગબાનેય થોડા દાણા આપીને કાંધું વહેલું પતે એમ કરાશે તો કદાચ વરસ વહેલાય કાંધામાંથી છૂટી જવાય.

એ અભણ માણસને વ્યાજમાં બહુ સમજણ પડતી ન હતી પણ માવજીભાઈએ ગબાને દબાવીને દર દિવાળીએ હિસાબ કરવાની શરત કરાવી હતી એનાથી વ્યાજ બીજા ભરતા હતા એટલું બહુ નહીં ભરવું પડે એમ એને લાગતું હતું.

હા, જમનીનાં લગન લેતાં પહેલાં એણે જે ગણતરીઓ માંડેલી એ ખોટી પડી હતી ને ગામમાં વટ પડી ગયાનો એનો આનંદ પણ આ નાણાંભીડ જોતાં હવે ઓસરી ગયો હતો. પણ એને ખાતરી હતી કે પોતાની હાલની ગણતરીમાં કશું ખોટું ન હતું. હા ગબાનું કાંધું એના વ્યાજ સાથે પૂરું ભરાઈ જાય ત્યાં સુધી થોડી ખેંચ રહેવાની તો હતી જ. પણ એ વ્યાજની રકમ ત્રણ કે ચાર વરસમાં કેટલી થશે એનો અંદાજ આ અભણ માણસને ન હતો. માવજીભાઈએ દર વરસે દિવાળીએ હિસાબ કરવાની જે કલમ ઉમેરાવી હતી એનાથી કેટલો ફાયદો થવાનો હતો એની ભલે એને ખબર ન હતી પણ એનાથી ફાયદો થવાનો હતો એટલી તો એને શ્રધ્ધા હતી જ.

ને એમ કરતાં દિવાળીએ રૂડાના આયખાના ચાર મહિના ગબાને ત્યાં જમા થઈ ગયા. દેવું કેટલું કપાયું એ તો ગબાના ચોપડામાં જુએ તો ખબર પડે ને. પણ માવજીભાઈએ એની સાથે જઈને એને ગબાનો હિસાબ બતાવ્યો ત્યારે એને ખબર પડી કે દેવું પંચાવન રૂપિયા કપાયું હતું ને વ્યાજ વીસ રૂપિયા કપાયું હતું. ગમે તેમ પણ એને એટલી તો સમજણ પડી કે પછી વરસના બાકીના દા’ડાનું વ્યાજ ઓછી મૂડી પર કપાવાનું હતું. પણ સામે દૂધ પણ ઓછું જ ભરાવાનું હતું ને.

એમના વેવાઈએ આ કાંધાની વાત જાણી એટલે એ રૂબરૂ મળવા આવ્યા ને રૂડાભાઈને સમજાવ્યા કે એ કાંધાના બાકીના બસો સીત્તેર રૂપિયા પોતે ભરી દેશે. પણ રૂડો એમ માને? એ કહે: ‘મારાથી દીકરીના ઘરનું પાણીય ન પીવાય ત્યાં આવી રોકડાની રકમ તો કેમ લેવાય?’

‘જુઓ, હું તમને રકમ આપી નથી દેતો. તમને એમ હોય તો હું કાંધું કરી આપું છું એમ માનજો. જાવ, મને મહિને પાંચ રૂપિયા આપતા રહેજો.’

‘એટલા ઓછામાં તો કાંધું પાંચ વરસેય ના પતે. એના કરતાં …’ રૂડાએ કહેવા કર્યું.

‘ભૂરી હવે બહુબહુ તો ચારેક મહિના દેશે ને દૂધ પણ દિવસે દિવસે ઘટતું જશે પણ વ્યાજનાં ઘોડાં તો દોડતાં જ રહેશે, એને આપણાથી ના પહોંચાય. એના કરતાં મારું કહેવું માનો. ને તમને એમ લાગતું હોય કે મને વ્યાજની ખોટ પડે છે તો જ્યાં સુધી ઘેર દૂઝણું હોય ત્યાં સુધી જેમ અત્યારે મોકલો છો એમ વરસે પાંચ શેરેક ઘી મોકલતા રહેજો. એમાં મારું વ્યાજ આવી ગયું, બસ?’

‘ઘી મોકલીએ એમાં શી વડઈ છે? અમારી દીકરીનું ઘર છે. તમારે ત્યાં મોકલવા એની માએ ચ્યારનું(ક્યારનું)ય ચારેક શેર જેટલું ઘી એક પા'(બાજુ) મેલી રાખ્યું છે.’

‘જો તમારાથી દીકરીના ઘરના પૈસા ના લેવાય તો અમારાથી તમારા ઘરનું ઘીય ક્યાંથી લેવાય? એટલે હું બે દા’ડા પછી ફરી પાછો આવીશ ત્યાં હુધીમાં ઘરમાં પૂછીને પાકું કરી રાખજો.’ નાગજીભાઈ

‘ખોટું બોલું તો મને ભગવાન પૂછે. અમને તો છોડીના ઘરનું ના ખપે પણ એને ઘેર અમારું તો ખપે. તમે તો તમારી ખાનદાની બતાઈ(બતાવી). બાકી બીજું કોઈ વાડમાં પડી રહેલું ઘર ખોળ્યું હોય તોય તમારા કરતાં વધારે વહેવાર કર્યો હોત ને તોય આવી હૈયાધારણ ના મલી હોત.’

‘તમે ખાલી વાત કરો છો પણ તમને અમારી ખાનદાનીની કિંમત જ કંઈ છે? એક વાત ભીંત પર લખી રાખજો કે તમારે માથે પાંચ પૈસાનુંય દેવું હશે ત્યાં સુધી મારો કે મનહરનો તો શું પણ જમનાનોય તમારે ત્યાં આવવા પગ નહીં ઊપડે. હું ગુરુવારે આવીશ ત્યાં સુધીમાં વિચારી રાખજો.’ છેવટનું કહીને ઊઠ્યા. ને રૂડાને ને અમરતને ગૂંચવણ થઈ પડી.

<> 

પણ નાગજીભાઈ લીધી વાત પડતી મૂકે એવા ન હતા. એ સીધા માવજીભાઈને ત્યાં ગયા. માવજીભાઈ તો નાગજીભાઈને પોતાને ત્યાં જોઈને રાજીના રેડ થઈ ગયા. મનમાં ધ્રાસ્કોય પડ્યો કે જમનીની કશી ફરિયાદ તો નહીં હોય ને. ‘આવો, આવો કેમ અચાનક?’ એમણે રઘવાયા થતાં પૂછ્યું.

‘વેવઈને ત્યાં ગયો હતો ને બારોબાર જતો રહું એમ ચાલે? એટલે તમારે ત્યાં આવ્યો, તમારો ઠપકો સાંભળવો ના પડે ને.’

‘આવ્યા તે સારું કર્યું. હવે દા’ડો નમવા આવ્યો છે તો જમ્યા વગર નહીં જવા દઉં.’

‘આજે તો માફ કરો પણ ફરી આવીશ ત્યારે તમારે ત્યાં જ જમીશ, બસ? આજે તો ઉતાવળમાં છું. વેવઈએય બહુ તાંણ કરી તોય એમને પરાંણે મનાવ્યા છે. મારે તમને બેયને ઠપકો આપવાનો છે. તમે ગબાને ત્યાં કાંધું કર્યું એની પહેલાં મારે કાને વાત તો નાંખવી હતી. એનું એ કાંધું પૂરું કરતાં તે રૂડાભાઈને ચાર વરસ થાય. વેવઈ માંનતા નથી પણ તમે એમને સમજાવો. હું એના બાકીના પૈસા ભરી દઉં. પછી એમને સગવડ થાય ત્યારે ભલે પાછા આપે.’

‘તમે કહેનારા કહી રહ્યા, પણ આમ અમારી છોડીના ઘરનું અમારાથી લેવાય નહીં. ભલે, વરહ બે વરહ એ ભીડ વેઠી લેશે. જો હું એને આવું કહેવા જઈશ તો એ મારી વાત નહીં માંને ને મને જ વઢવા દોડશે.’

‘તમને એમ લાગતું હોય તો જાવ મારુંય કાંધું ગણજો ને દર મહિને દૂઝણું હોય તો દસ અને દૂઝણું ના હોય તો પાંચ રૂપિયા મને મોકલ્યા કરજો. હું ધીરધારનો ધંધો કરતો નથી એટલે મારે વ્યાજખાધ પડવાની નથી.’

‘પણ એ નહીં માને.’

‘એમને મનાવવાની જવાબદારી હવે તમારી. હું રૂપિયા લઈને ગુરુવારે આવીશ.’

ચાપાણી કરીને નાગજીભાઈ ગયા ને માવજીભાઈને વિચાર કરતા કરી ગયા. એમને પહેલો વિચાર ગબાનો આવ્યો. એ હાથમાંથી ઘરાક જતાં એમને જ ટોણો મારશે. પણ સામે પક્ષે નાગજીભાઈ જેવા ખમતીધર માણસને સામે પાટલે બેસતાંય એમનું મન પાછું પડતું હતું. એમને રૂડાની ચિંતા ન હતી. એને તો પોતે કાચી ઘડીમાં સમજવી શકશે એની એમને ખાતરી હતી એટલે એ સીધા રૂડાને ત્યાં જવા નીકળ્યા ને.

૫. એ માસ્તર ક્યારનો આગેવાન થઈ ગયો?

વડિયા ગામમાં છેલ્લાં પંદર વરસથી નિશાળ ચાલે. જ્યારથી આ નિશાળ શરૂ થઈ ત્યારથી ધનજીભાઈ દેસાઈ એના મુખ્ય શિક્ષક.

ધવજીભાઈ મૂળ તો વલસાડના પણ પચીસ વરસથી આ સરકારી નોકરીમાં પરોવાયેલા એટલે એમનો વલસાડ સાથેનો નાતો લગભગ તૂટી ગયેલો. અને પોતાનાં સ્વભાવ અને સમજને કારણે જે ગામમાં એમની બદલી થાય એ ગામના જ થઈ રહેલા. વડિયામાં તો એ પંદર વરસથી હતા એટલે એ વડિયાના પ્રતિષ્ઠિત આગેવાન જેટલું માન પામતા. એમના આચારવિચાર અને સંસ્કારની છાપ એવી જામી ગયેલી કે ગામનાં અબાલવૃધ્ધ સૌ એમને માન આપે. એમનો સ્વભાવ પણ પરગજુ અને મિલનસાર એટલે ગામના કેટલાય લોકો ખેતી ને વહેવાર જેવી વાતોમાંય એમની સલાહ લેવા આવતાં.

ગામમાં સરામાઠા પ્રસંગમાં એમને સૌ યાદ પણ કરે અને એ જાય પણ ખરા. નાનું મોટું સો કોઈ એમને માન આપે ને એમની વાત માને. કજિયાકંકાસમાં પણ એ કહે એ વાત બેઉ પક્ષ સ્વીકારી લે.

મહાત્મા ગાંધીએ સ્વરાજની હાંકલ કરી હતી પણ એ હજુ આ નાનકડા ગામ સુધી પહોંચી ન હતી. માસ્તર અને ગામના બેચાર ભણેલા માણસો થોડું વાંચીને આ જાણતા થયેલા. ધનજીભાઈ માસ્તરે તો ગાંધી ચીંધ્યા મારગે ચાલવા માંડેલું અને ઘરમાં રેટિયો વસાવીને કાંતવા માડેલું. એમની સાથે બેસતા ઊઠતા બેપાંચ માણસોને એમણે સ્વરાજ અને ગાંધી બાપુની વાતો સમજાવવા પ્રયત્ન પણ કરેલો પણ હજુ કાઈને એમની વાત ગળે ઊતરતી ન હતી.

ધનજી માસ્તરે ખાદી પહેરવાની શરૂ કરી દીધી હતી ને એ એમના ઉપરી અધિકારીઓની નજરમાં આવી ગયેલું. માસ્તરે શાળામાં કોટ અને ટોપી પહેરવાં જ જોઈએ એવો પરિપત્ર ઊપરથી આવી ગયેલો એટલે ધનજીભાઈ માસ્તરે જાડું સૂતર કાંતીને એક કોટ પણ સિવડાવી દીધેલો અને ગાંધી ટોપી તો એમની પાસે હતી જ.

આજે માસ્તર નિશાળેથી ઘેર જઈ રહ્યા હતા ત્યારે ભેંસ પાવા જતા રૂડા ઠાકોર એમને સામા મળ્યા. માસ્તરે એક નજર રૂડા ઠાકોર તરફ નાંખી અને એક નજર એમની આગળ ચાલતી ભૂરી ભેંસ પર નાંખી. ‘રૂડાભાઈ, આ કોની ભેંસ? તમારે ત્યાં તો ચાંદરી પાડી છે ને.’ એમણે પૂછ્યું.

‘ચાંદરી તો વેચી દીધી, ઘેર કોઈ કામ કરવાવાળું રયું(રહ્યું) નહીં એટલે.’ રૂડા પટેલે પોતાની આવડત મુજબ બચાવ કરવા પ્રયત્ન કર્યો.

‘કોઈ કામ કરનારું રહ્યું નહીં એટલે ચાંદરી વેચી દીધી તો પછી આ ભૂરી કોની?’

‘એ તો માસ્તર થયું એવું કે ચાંદરી વેચી દીધા પછી મનમાં થયું કે છોકરાંને દૂધઘીની તાણ પડે છે એટલે આ ભૂરી લીધી.’ રૂડાએ એક જૂઠની પાછળ બીજું જૂઠ ચલાવ્યું.

‘કંઈથી લઈ આવ્યા?’

‘માવજીભાઈને ત્યાંથી લીધી?’

‘એના કેટલા આપ્યા?’

‘તૈણસોને ઉપર પચીસ.’

‘ને ચાંદરી કેટલામાં વેચી?’

‘પોણી સારસોમાં.’ રૂડા ઠાકોરથી માસ્તરના સવાલનો જવાબ ગળી જવાય એમ ન હતું.

‘તો તમે પોણી ચારસોમાં પહેલવેતરી ચાંદરી વેચી અને સવા તૈણસોમાં આ ચાર વેતરી ભેંસ લીધી. રૂડાભાઈ આવો ખોટનો સોદો શું કામ કર્યો? જુઓ મારી આગળ જૂઠું ના બોલશો.’

હવે રૂડાભાઈ ખરેખર ગૂંચવાયા. માસ્તરના સવાલનો જવાબ ન આપ્યે ચાલે તેમ ન હતું. એમને ખબર પડી ગઈ કે માસ્તરે એમના જૂઠને પકડી પાડ્યું હતું. માથે થઈ ગયેલા દેવાના ભાર કરતાંય એમને માસ્તરના આ સવાલનો ભાર વધારે લાગવા માંડ્યો. એમણે કહ્યું: ‘માસ્તર, જમનીના લગનમાં ખરચો વધારે થઈ ગયો એટલે ચાંદરી કાઢી નાંખવી પડી. ‘

‘ચાંદરીના પૈસા લગનના ખરચામાં વપરાઈ ગયા તો પછી આ ભૂરીના સવા તૈણસો ક્યાંથી કાઢ્યા?’

‘બધાય પૈસાનું કાંધું કર્યું છે ગબાને તાં. એક ટંકનું દૂધ એને તાં ભરવાનું ને એક ટંકનું ઘેર રાખવાનું ગોઠવ્યું છે.’

માસ્તર આ અબુધ માણસની સામે તાકી રહ્યા. જો કાંધું કરવું જ હોય તો ચાંદરીનું કર્યું હોત તો એમાંથી વહેલો છૂટી શક્યો હોત ને પહેલ વેતરી ચાંદરી ઘરમાં રહત. એમને લાગ્યું કે રૂડાની વાતમાં કશુંક ખોટું હતું.

‘રૂડાભાઈ કેટલે વરસે એ કાંધામાંથી છૂટશો? કે પછી ઘર વેચીને છોકરાંને લઈને ખેતરમાં છાપરું બાંધવાના છો?’

રૂડા ભાઈએ આજ સુધી જે ગણતરી માંડી ન હતી એ આ માસ્તરે રસ્તામાં ઊભાંઊભાં જ કરી નાખી ને રૂડા ઠાકોર ગૂંચવાઈ ગયા. પણ માસ્તર લીધી વાત મૂકે એવા ક્યાં હતા. એ તો ભેંસ પાઈને પાછા જતા રૂડાની સાથે એને ઘેર પહોંચ્યા. ઘેર જઈ રૂડાએ પેટછૂટી બધી વાત માસ્તરને કરી. હવે માસ્તરને ગબા અને માવજીભાઈની આખી રમતની ગેડ બેસી ગઈ.

એમણે કહ્યું: ‘જુઓ રૂડાભાઈ, ગબાએ કે માવજીભાઈએ તમને જે ગણતરી કરાવી હોય એ ખરી પણ તમારા રોજના દસ આના(પચાસથી સાઠ પૈસા) ગબાને ત્યાં જમા થશે. ધીમેધીમે દૂધ ઘટવાનું એ ગણતરીમાં લઈએ તો વરસે દોઢસો રૂપિયા થાય. એમાંથી વ્યાજના ત્રીસેક રૂપિયા જાય એટલે કાંધામાંથી સવાસો રૂપિયા કપાય. વચમા ભેંસ ઉચી(વસૂકી) જાય ને એને ફરીથી વિયાતાં છ મહિના થાય કે વરસેય થાય તોય વ્યાજના ઘોડા તો દોડ્યા જ કરવાના. એટલે આ કાંધામાંથી છૂટતાં તમને પાંચ વરસ નીકળી જાય. આ ચાર વેતરી ભેંસ અને બીજાં ચાર કે પાંચ વેતર કાંધાનાં ઉમેરીએ એટલે પછી તમારી પાસે વધે આઠ કે નવ વેતરની ભેંસ. પછી એમાં દોહવા જેવું શું રહે?’

‘તમે માસ્તર, ભણેલા માણસ એટલે એવી ગણતરી આવડે પણ અમને એવી તણતરી ફાવે નહીં. અમે તો એટલું જાંણીએ કે છોકરાં દૂધઘી ખાશે ને ધીમેધીમે દેવું ભરાશે. વળી તાલ પડશે તો બીજી ભેંસ લઈ લઈશું.’

‘આવું કાંધું કરીને ને!’

થોડીવાર પછી માસ્તર પોતાને ઘેર જવા નીકળ્યા ત્યારે અમરત અને રૂડા ઠાકોર પાછાં મનમાં બધી ગણતરી કરવા માંડ્યાં. છેવટે એમને લાગ્યું કે વેવઈ અને માસ્તરની ગણતરી સાચી હતી ને ભેંસ બાંધવાના હરખમાં પોતે ગબાને તાં કાંધું કર્યું હતું એમાં પોતે છેતરાયાં હતાં. પણ એ તો હવે રાંડ્યા પછીના ડહાપણ જેવું હતું.

માસ્તર ઘેર પહોંચ્યા પણ એમને ચેન પડ્યું નહીં. એમણે બેચાર બીજા માણસો પાસે વાતવાતમાં તપાસ કરી તો એમને જાણવા મળ્યું કે ગામની અડધા જેટલી ભેંસો ગબાના કાંધાની હતી. ગામના લોકો તાઢ તડકો વેઠીને, કેડ્યો તોડીને કાળી મજૂરી કરતા છતાં કાંધાં કરીને આ ગબાને ત્યાં પોતનું અડધું આયખું જમા કરાવી દેતા હતા.

શનિવારે બપોર પછી માસ્તર આણંદ ગયા ત્યારે પોલસન ડેરીમાં પણ જતા આવ્યા. દૂધના જે ભાવ ગબો ચૂકવતો હતો એના કરતાં દોઢા તો નહીં પણ સવાયા ભાવ તો પોલસનના માપે ગામેગામ ચૂકવાતા હતા. આણંદના એક ઠક્કર આજુબાજુનાં આઠ દસ ગામોમાં પોલસનનાં માપ ચલાવતા હતા એમને માસ્તરે સાધ્યા. માસ્તર જો ટેકો કરે તો વડિયા ગામે પોલસનનું માપ શરૂ કરવાનું ને એ સારું ચાલે તો દૂધ પીલવાનો સંચોય ગામમાં ચાલુ કરવાની એમણે બાંહેધરી આપી.

ગામમાં આવી માસ્તરે ખાનગી રીતે મુખી અને બીજા પાંચસાત માણસોને ભેગા કરીને બધી વાત કરી તો બધા એ માટે તૈયાર થઈ ગયા. ને બીજે દિવસે તો અડધું ગામ માસ્તરને પડખે આવી ગયું. કોઈક રૂબરૂ મળી ગયું તો કોઈકે કહેવડાવ્યું કે માપ શરૂ કરવામાં મોડું કરશો નહીં. એક જણાએ તો ત્યાં સુધી કહ્યું: ‘જગ્યાની ફીકર કરશો નહીં. મારા કોઢિયામાં માપ ગોઠવી દેજો. મારે ભડુંય જોઈતું નથી.’

તો કોઈકે એમ પણ કહ્યું: ‘જો કાંધું કરતા હો તો સૌથી પહેલી મને ભેંસ બંધાવી આલજો.’ ચારે તરફથી આવો હરખભર્યો આવકાર મળવા લાગ્યો. બધા ગબાથી થાકેલા હતા.

જેમ એક તરફ ગામમાં ઉલ્લાસનું મોજું ફરી વળ્યું હતું તેમ ગબાની ભઠ્ઠીએ એના મળતીઆઓનું ટોળુંય જાણે કોઈના બેસણામાં બેઠું હોય એમ એકઠું થઈ ગયું હતું. એમાં માવજીભાઈ ન હતા. ગબાએ એમને બોલાવવા મોકલ્યું હતું પણ એ બહારગામ ગયા હતા. ‘આપણે હવે આ માસ્તરનું સાલ ગામમાંથી કાઢવું જ પડશે.’ એકે કહ્યું.

‘આજ સુધી આપણે જ એને મોટો ભા બનાવી દીધો એટલે એના મનમાં એમ થઈ ગયું છે કે એ જ ગામનો કરતા કારવતા છે. એ કે દા’ડાનો ગાંમનો આગેવાન થઈ ગયો?’

‘આપડે એને હમજાઈ(સમજાવી) દેવું પડશે કે મ્યાંનમાં રે'(રહે) નહીં તો પરિણાંમ હારું નહીં આવે.’ બીજાએ કહ્યું. ગબો આવા માણસોને વરતહેવારે માવાનાં શેર શેરનાં પડીકાં મોકલતો હતો એ પડીકાં બોલતાં હતાં.

‘ગબા, હવે લબાચા બાંધ નહીં તો હાંમી(સામી) છાતીએ વઢવા નેંકળ(નીકળ).’ કોઈકે ગબાને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો. ગબાનેય ગામમાં ધંધો કરતાં પંદર વરસ થઈ ગયાં હતાં એટલે અને આ ટોળાનો એને સાથ હતો એટલે ઘણી હામ હતી.

‘અરે કોના લબાચા બંધાય છે એની બે જ મહિનામાં ખબર પડી જશે. એ લુવાણાનું ગજુ કેટલું? હું બે મહિના ભાવ એવા ઊંચકી નાંખીશ કે એનાં લૂગડાં ઊતરી જશે.’ ગબો ફુંફાડો મારતાં બોલ્યો પણ એ ફુંફાડામાં જોર કરતાં ગભરામણ વધારે જણાતી હતી.

ત્યાં જ માવજીભાઈ આવ્યા ને ગબાના પગમાં જાણે જોર આવ્યું. એમણે ગામમાં આવતાં જ આ ચગોવગો થતો સાંભળ્યો એટલે એ સીધા જ ગબાની ભઠ્ઠીએ આવી પહોંચ્યા હતા. ‘અલ્યા, ગાંમામાં આ બીજી ભઠ્ઠીનું બખડજંતર કોણે ઊભું કર્યું છે?’ એમણે ગબાને જ પૂછ્યું.

‘ભઠ્ઠી નહીં પણ આણંદનો કોઈ લુવાણો છે એ પોલસનનું માપલું શરૂ કરવાનો છે.’

‘કોને પૂછીને? અલ્યા, ગાંમમાં બહારના કોઈને કશો ધંધો કરવો હોય તો ગાંમના પાંચ આગેવાનોને મળે અને બધાનો મત થતો હોય તો એને ધંધો કરવાની પરવાનગી આલે. એમ કંઈ વાત નહીં વંટોળ નહીં ને… આ વડિયા ગાંમ કંઈ નાધણિયાતું ખેતર છે કે જેને ફાવે એ ધંધો કરીને બેસી જાય?’ માવજીભાઈએ ફુંફાડો માર્યો તો ખરો પણ એમનેય મનમાં થતું હતું કે આમાં ગામના કોઈ માથાભારે માણસનો હાથ ન હોય તો સારું. નહીં તો કામ વગરની ઉપાધી વહોરવાની થશે.

‘બધી વાતની તો ખબર નથી પણ કહે છે કે આપણા માસ્તરનો કોઈ ભાઈબંધ છે ને માસ્તરે એને ઑથ આપવાની વાત કરી છે એટલે માપલું ગોઠવે છે.’

‘લે, ત્યારે એમ કહે ને. અલ્યા હું તમને બધાને પૂછું છું કે એ માસ્તર ચ્યારથી ગાંમ આગેવાન થઈ ગયો? ગાંમમાં મુખી છે, ગાંમનું પંચ છે, બીજી નાતના આગેવાન છે. એ માસ્તરે કોઈને પૂછ્યું છે ખરું?’

‘એ તો એમને પૂછીએ તારે ખબર પડે. તમે જ પૂછી જુઓ ને એટલે ખબર તો પડે કે એ માસ્તર કયા ખીલાના જોર ઉપર કૂદે છે.’ બીજાએ માવજીભાઈને આગળ કર્યા.

‘હા, હા, હેંડો ને આપડે બધા જઈને એમને પૂછીએ, આપણને કંઈ એમની બીક લાગે છે?’ ત્રીજાએ કહ્યું.

ને આખું ધાડું ઊપડ્યું ધનજીભાઈ માસ્તરને ત્યાં. ટોળું જેમજેમ આગળ વધતું ગયું એમ એનો વેગ ઘટતો ગયો. બધાને પારકી તાપણીએ તાપવું હતું. કોઈને ભૂંડાશ લેવી ન હતી. કોઈક જોડા કાઢીને મહીંથી ધૂળ, કાંકરી ખંખેરવા માંડ્યું તો કોઈ ફાળિયું ઉકેલીને પાછું બાંધવા રોકાઈ ગયું. એમ સૌ ટોળામાં પાછળ રહેવા પ્રયત્ન કરવા માંડ્યું. પણ એમાં કેટલાક એવાય હતા જેમને મન માસ્તર કરતાં ગબાની બે આંખોની શરમ વધારે હતી એવા માણસો ટોળાની આગળ ચાલતા રહ્યા.

માવજીભાઈને તો પોતાનો કોળિયો ઝૂંટવાઈ જતો લાગતો હતો એટલે એ તો આગળ હતા જ. તો કોઈક આગેવાની કરવાની તક હાથમાં આવી જાણી હરખભર્યા આગળ ચાલતા હતા.

બધા માસ્તરને ત્યાં પહોંચ્યા ત્યારે માસ્તર રવેસીમાં પાટ પર બેસીને ચોપડી વાંચી રહ્યા હતા. તેમની આસપાસ ગામના પાંચસાત ખેડૂતો પોલસનના માપની વાતો પૂછતા બેઠા હતા. ‘માસ્તર, આ પોલસનના માપની વાત ચાલે છે એ તમે બેસાડો છો?’ માવજીભાઈએ આવતાં જ પૂછ્યું.

‘હું શા માટે એવી માથાકૂટમાં પડું? મારે નથી ભેંસ કે નથી મારે ધંધો કરવો પછી માપ બેસાડવાની તો વાત જ શી? આ તો હું આણંદ ગયો હતો ત્યારે મારો એક ભાઈબંધ મળ્યો. એનાં પાંચસાત માપ બીજાં ગામમાં ચાલે છે. એ કહે મારે વડિયામાં માપ શરૂ કરવું છે જો તમે જગ્યા અપાવો તો. એટલે મેં ગામમાં આવીને બધાને વાત કરી કે કોઈને જગ્યા ભાડે આપવી હોય તો પેલાનું કામ થાય અને ગામવાળાને ભાડુંય મળે.’

‘તો તમારો એ ભાઈબંધ ગબા કરતાં વધારે પૈસા આપવાનો છે?’

‘એની ખાતરી તો બે દા’ડામાં જ થઈ જશે. એને ત્યાં દૂધ ભરનાર બે દા’ડા એને ત્યાં દૂધ રેડશે ને વધારે પૈસા આપતો હશે તો એનું ચાલશે નહીં તો ગબાભાઈને ત્યાં પાછા જશે.’

‘એમ તમારે એકલાને કહ્યે માપ ના ગોઠવાય. એને ગામમાં માપ શરૂ કરવું હોય તો ગામના પાંચસાત આગેવાનોને ભેગા કરીને એણે વાત મૂકવી જોઈએ અને બધા મંજૂર કરે તો જ ગામમાં માપ શરૂ કરવા દેવાય.’ માવજીભાઈને લાગ્યું કે માસ્તરને ગામના કોઈ આગેવાનનો ટેકો નથી એટલે એ બોલ્યા.

‘ભાઈ, હું નથી આગેવાન કે નથી મેં એને માપ મૂકવાનું કહ્યું. તમતમારે ગોઠે તો સો માણસ ભેગું કરો અને એને માપ મૂકવા દેવું કે ના મૂકવા દેવું એ નક્કી કરો ને.’

‘તો માસ્તર, તમે સાંભળી લો કે એ માપ નહીં મેલાય, કહી દેજો તમારા એ ભાઈબંધને. બધાના વતી હું જ તમને કહી દઉં છું.’ માવજીભાઈએ કહ્યું.

ત્યાં મનોર મુખીને કોઈએ સંદેશો કર્યો હશે તે એ આવી પહોંચ્યા. એમણે આવતાંની સાથે માવજીભાઈનો ફુંફાડો સાંભળ્યો હતો. એમને જોઈ કેટલાક છપાયા તો કેટલાક બીજાને ઓથે ભરાયા. મુખીએ માવજીભાઈને જ પકડ્યા: ‘તે માવજી, તું ક્યારનો ગાંમ પટલ થઈ ગયો? અમે હાત હાત પેઢીથી મુખીપણું કરતા આવ્યા છીએ તોય પંચને પૂછ્યા વગર પગલું નથી ભરતા ને તેં આખા ગામ વતી માપલું મૂકવાની ના કહી દીધી તે કઈ સત્તાએ?’

‘ના મુખી, મેં તો આ માપલું મૂકવાની વાત જાણી એટલે ખાલી પૂછવા આવ્યો હતો.’ માવજીભાઈ ટેંટેં ફેંફેં કરવા માંડ્યા.

‘એટલે બધાને ભેગા કરીને માસ્તરને બીવડાવવા આયા’તા(આવ્યા હતા) એમ ને! તમને એમ હશે કે માસ્તર સીધાસાદા માણસ છે ને બહાર ગામના છે એટલે એમની ઉપર આગેવાનીનો રોફ જમાવી દઈએ. પણ તમે બધાય સાંભળી લો કે માસ્તર મારા તમારા કરતાંય મોટા આગેવાન છે. એમને મેં જ આણંદ મોકલ્યા હતા તપાસ કરવા. પોલસનનું માપ આપડા ગામમાં શરૂ થવાનું જ છે ને મારા એકઢાળિયામાં જ આ પૂનમે એનું મૂરત કરવાનું છે. જેને એ માપલે દૂધ ભરવું હોય એ ભરશે.’

‘પણ મુખી એમાં બેય માપવાળા ચડસાચડસી કરશે ને…’ એક જણનો ગબાની ભઠ્ઠીનો ખાધેલો માવો બોલવા ગયો.

‘એમાં તારા પેટમાં શું દુખે છે? ચડસાચડસી થશે તો ગામના ખેડૂતને બે પૈસા વધારે મળશે.’

‘એ માપલા માટે કશોક લાગો લેવાનું રાખો તો ગામનેય ફાયદો થાય.’ કોઈક દબાતે અવાજે બોલ્યું.

‘એનોય અમે વિચાર કર્યો છે. આ ગુરુવારે રાતે ગામનું પંચ ભરવાનું નક્કી કર્યું છે એમાં આવજો એટલે ખબર પડશે.’ મુખીએ કહ્યું. ને ધીમેધીમે ટોળું વિખરાવા માંડ્યું. મુખી કહે: ‘માસ્તર તમે ગભરાશો નહીં કોઈ તમારું નામ લેશે તો હું એને ભરી પીશ.’

<>

ગુરુવારની પંચની સભામાં લાગો નક્કી કરાવવા ગબાવાળું ટોળું સંતલસ કરીને આવ્યું હતું. તો મુખીએ પણ બેચાર આગેવાનોની સાથે ખાનગીમાં મસલત કરીને ગબાવાળાને પાઠ ભણાવવાની ગોઠવણ કરી દીધી જ હતી.

એટલે એમણે જાહેર કર્યું કે બહારના કોઈને ગામમાં આવીને ધંધો કરવો હોય તો એણે પંચને વરસે સવાસો રૂપિયાનો લાગો ચૂકવવો પડશે. એટલે ગબે દસ વરસ ધંધો કર્યો એના એણે પંચને બારસો પચાસ ચૂકવવાના ને પછી દર વરસે સવાસો ચૂકવવાના રહેશે.’

‘આજે ઠરાવ કર્યો એટલે મારો લાગોય આજથી જ ગણાય એમ રાખો એ વધારે ન્યાયી કહેવાય. નહીં તો હું ગરીબ માણસ મરી જઈશ.’ ગબો કરગરી પડ્યો.

‘ભલે એમ કરીએ. પણ ગબા પાસેથી જેમ દસ વરસ લાગો ન લીધો એમ આ માપલાવાળાનોય દસ વરસ સુધી લાગો માફ કરીને અગિયારમા વરસથી લાગો લેવાનું પંચ ઠરાવે છે. ને ગબાએ ચાલુ વરસથી લાગો ભરવો પડશે.’ પંચના બેચાર માણસો સાથે વાત કરી મુખીએ જાહેર કર્યું. ને ગબાવાળા ટોળામાં સોપો પડી ગયો ને ગબાને વરસે સવાસોની ઊઠી.

૬. ગબાએ ગરબડ કરી

એક બાજુ પોલસનનું માપ શરૂ થયું ને બીજી બાજુ શરૂ થઈ ગબાની ગભરામણ. એ બધાની સામે ભલે વાઘનું મોંઢું રાખવા પ્રયત્ન કરતો હોય પણ એ મનમાં તો સમજી જ ગયો હતો કે હવે એની ઉચાળા ભરવાની વેળા આવી ગઈ હતી. નાનાં મોટાં કાંધાંમાં બધા મળીને એના પંદર હજાર જોટલા રૂપિયા રોકાયેલા હતા. આ ઉપરાંત એનાં ઘર અને ભઠ્ઠીની કિંમત પણ લગભગ પંદર હજાર જેટલી ગણાય. જો કે આ આખા વડિયામાં એની આ જગ્યાને મૂલવે એવો કોઈ અસામી તો હતો જ નહીં.

વળી પોતે જો ધંધો સમેટી લે અને બીજે ગામ ચાલ્યો જાય તો ઘર અને ધંધાની જગ્યાનો તો વાંધો ન હતો પણ કાંધાના પૈસાનું તો એને નાહી જ નાંખવું પડે. એટલે એને સૌથી મોટી ચિંતા આ કાંધાંની રકમની હતી. એ બધામાંથી કેમ હેમખેમ બહાર નીકળી જવું એની ગણતરી એ મનોમન કરવા માંડ્યો હતો.

જો કે બહારથી તો એ હજુ પોલસનના માપને હરાવવાની જ, ધોલ મારીને ગાલ રાતા રાખવા જેવી વાતો જ કર્યા કરતો હતો. એણે છેલ્લા બે મહિનાથી દૂધના ભાવ ઊંચકી નાંખ્યા હતા એમાં પેલા માપવાળાને તો કશો વાધો આવ્યો ન હતો પણ એના તો હજાર રૂપિયા અવળા થયા હતા. એ માપલાવાળાને તો ઉપરથી સારો ભાવ મળતો હતો પણ ગબાના માવાનો ઉપરથી એવો ભાવ મળતો ન હતો એટલે એ હરીફાઈમાં એને તો ખોટ જ ખમવી પડવાની હતી એની એને પહેલેથી જ ખબર હતી. એણે તો પોતાના સાગરીતોની ચઢવણીએ એણે આ ખોટનો ધંધો કર્યો હતો.

એને એમ લાગતું હતું કે પોલસનના માપલાવાળાને બહુ બરકત નહીં જણાય ને બેત્રણ મહિનામાં એ થાકી જશે તો પછી પોતે છ મહિનામાં જ એ ખોટ વ્યાજ સાથે વસૂલ કરી દેશે. પણ એની એ ગણતરી ખોટી પડતી જણાવા માંડી હતી. છેલ્લા ઉપાય તરીકે એણે વ્યાજ જતું કરીને કાંધાં ચૂકતે કરવાનું પણ વિચાર્યું હતું. જો કે એણે હજુ કોઈને પાતાની આ યોજનાની વાત કરી ન હતી.

બીજી તફ એણે બીજા ભઠ્ઠી શરૂ કરી શકાય એવા ગામની તપાસ કરવા માંડી હતી. આમાં એને જરખડા ગામ ધંધા માટે ઠીક લાગ્યું પણ હતું. વળી એ ગામના એકબે જણાએ એને સાથ આપવાની તૈયારી પણ બતાવી હતી. આ માણસો ગામના આગેવાન માણસો ન હતા પણ ડાંડ માણસો તો હતા જ.

પોલસનવાળા માપલાનું દૂધ રોજ બે ટંક આણંદ પહોંચાડવાનું કામ માસ્તરની ભલામણથી રૂડાને આપવામાં આવ્યું હતું. વળી એને આણંદના ફેરા કરવાનો અનુભવ પણ હતો. એને રોજના બેય ફેરાના મળીને પાંચ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા. ને વનેચંદની વાણિયગતથી રૂડો વાકેફ થઈ ગયેલો હતો એટલે એણે જતાં કે આવતાં ગાડામાં બીજા કોઈનો ભાર ભરે તો એના પૈસા એના પોતાના જ ગણાય એવી ચોખવટ પણ અગાઉથી કરી લીધી હતી એટલે એને તો જાણે ભગવાન મળ્યા હોય એવો ઘાટ થઈ ગયો હતો.

આ તરફ માવજીભાઈનેય રૂડાને સમજાવવામાં સફળતા મળી હતી. એમાં રૂડાએ પોતાના વેવાઈને બદલે પોતે જ કાંધું ચૂકવી દેશે એમ કહી દીધું હતું. છેલ્લા બે મહિનાના ભાડાના પૈસા એણે આ માટે જુદા જ રાખી મૂક્યા હતા. એટલે એક દિવસ માવજીભાઈ રૂડાને ને નાગજીભાઈને સાથે લઈને ગબાને મળ્યા ને રૂડાનું કાંધું ચૂકતે કરવાની વાત કરી. ગબાને આ વાત શીરાની જેમ ગળે ઊતરી ગઈ.

એક તો નાગજીભાઈ જરખડા ગામના આગેવાન હતા ને પોતાનો હાથ ઉપર રહે એમ કાંધાની પતાવટ કરતાં એમની નજરમાં પોતાની સારા માણસ તરીકેની છાપ ઊભી કરવાની તક એણે ઝડપી લીધી: ‘નાગજી મોટા જેવા મારે આંગણે આવ્યા હોય તો મારે કાંધું ઊંચું મૂકવું જ પડે. અને માવજીભાઈ ને રૂડાભાઈનેય મારે તો ધર જેવા સંબંધ એટલે મારે એમાં બાંધછોડ પણ કરવી પડે. જાવ તમારું માન રાખીને વ્યાજના જે વીસ રૂપિયા કાપ્યા છે એ પાછા ઉમેરીને બસો સીત્તેરને બદલે બસો પચાસમાં કાંધું ઊંચું મૂકીશ. મોટા જેવા માણસનાં પગલાં મારે ઘેર ક્યાંથી?’

‘તું જેમ કહે એમ. કાઢ કાગળ ને મારી દે ચૂકતેનું મત્તું.’

રૂડો તો ઠીક પણ માવજીભાઈ પણ ગબાની આવી વાતથી એની સામે આશ્ચર્યથી તાકતા જ રહી ગયા. રૂડાભાઈએ અઢીસો રૂપિયા આપી દીધા ને ગબાએ રૂડાનું કાંધું ચૂકતે કરતાં કહ્યું: ‘નાગજી મોટા જેવા આબરૂદાર માણસનું માન ના સાચવું એવો ગાંગો નથી હું.’ એના મનમાં એમ કે જરખડામાં ભઠ્ઠી શરૂ કરવી હોય તો નાગજીભાઈનો સાથ મેળવવામાં પોતાની આ છાપ ઘણી કામ લાગશે.

એને ત્યાંથી બહાર નીકળ્યા એટલે માવજીભાઈ વટ મારતાં કહે: ‘મેં એના કાનમાં કાલથી જ ફૂંક મારી દીધી હતી. એણે હમજીને જ વીસ રૂપિયાની છૂટ મૂકી એટલે હવે મારે એને વઢવા જેવું ના રહ્યું.’ રૂડો ભલે ન સમજ્યો હોય પણ નાગજીભાઈ એની આ ખોટી શેખીનો પાર પામી ગયા.

માવજીભાઈ ગમે તેમ કહે પણ નાગજીભાઈને ગબા અને માવજીભાઈની સાંઠગાંઠની ગંધ ભૂરીનું કાંધું કરાવ્યું ત્યારથી આવી જ ગઈ હતી એટલે એમણે રૂડાને કાનમાં ફૂંક મારી દીધી હતી કે એની સાથે દોસ્તીનો સંબંધ ભલે રાખવો પણ પૈસાની બાબતમાં એનો બહુ વિશ્વાસ ન કરવો.’

રૂડાનેય ભૂરીના કાંધા પછી એવું લાગ્યું તો હતું જ પણ એ ભગવાનના માણસે મન મનાવ્યું હતું કે ઢોરાંની હેરીફેરીનો એનો ધંધો હતો એટલે એમાંથી એ બે પૈસા ના રળે તો ખાય શું? પણ આજે જ્યારે વેવાઈએ એનું ધ્યાન દોર્યું ત્યારે એણે એ અંગે ફરીથી વિચારવા માંડ્યું તો એને વેવાઈની વાતમાં તથ્ય જણાયા વગર ન રહ્યું.

હવે તો રૂડાનાં પાંચેય આંગળાં ઘીમાં હતાં. એને રોજના પાંચ રૂપિયા માપલાવાળા આપતા હતા અને બીજાય દોઢબે રૂપિયા વધારાના લોકોના ફેરાના મળી રહેતા હતા. ને હવે તો એનું સમયપત્રક પણ ગોઠવાઈ ગયું હતું. દિવસનો ફેરો શંકર કરતો હતો અને રાતનો ફેરો રૂડો કરતો હતો એટલે દિવસનું ખેતરનું કામ પણ એનાથી થતું. ઢોરાંનું કામ કરવામાં હવે શાંતિય અમરતને સાથ આપતી થઈ ગઈ હતી. વળી સુખ આવતાં અમરતનું શરીર પણ જાણે નરવું થઈ ગયું હતું.

ભૂરી પણ હવે છટકપટક કરતી એક ટંકે થઈ ગઈ હતી એટલે રૂડાએ એને ભાગે આપી દઈને અમરતને એક સારી ભેંસ બંધાવી આપી હતી. ઘેર હવે પૈસાની છૂટ હતી એટલે એ ઘરમાં વાપરવાનું દૂધ પણ પૂરતા પ્રમાણમાં રાખતી હતી એટલે બધાંને ખાધેપીધે રાહત થઈ ગઈ હતી. તોય અમરતની કરકસર હજુ એવી જ હતી. એ ઘરના ખર્ચામાં ગાડાભાડાનો પૈસો ન વાપરવો પડે એમ કરી માપે જે દૂધ ભરાય એમાંથી જ એ ખર્ચ કાઢતી એટલે ભાડાના બધા પૈસા પડ્યા જ રહેતા.

<> 

એમ વરસ વીતી ગયું. રૂડો ઠાકોર પંદરસો જેવા ફેરવતો થઈ ગયો. ત્યાં બે વીધાંનું એક ખેતર વેચવાની ભાળ મળી ને માવજીને પૂછતા પહેલાં રૂડો વેવાઈ પાસે ઊપડ્યો. બીજે દિવસે વેવાઈ સવારની વેળામાં જ ગામમાં આવ્યા. એમણે રૂડાની સાથે જઈ જમાનનું તળ અને એમાં આવેલો જૂનો કૂવો વગેરેની ચકાસણી કરી લીધી.

પછી ગામમાં આવી માવજીને કહેવા પૂરતો સાથે રાખીને જમીનના માલિક સાથે કિંમતની બાંધછોડ કરી અને અઢારસો રૂપિયામાં પાકું કર્યું. દસ્તાવેજ કરવામાંય બીજા દોઢસો જેવા થઈ જશે એ એમની જાણ બહાર ન હતું. ખૂટતા પૈસા એમણે ઉમેર્યા. આ વખતે રૂડાએ દીકરીના ઘરના પૈસા ના લેવાય એવી વાત ન કરી. એને હૈયે હવે ધરપત હતી કે વેવાઈના પૈસા બેથી ત્રણ મહિનામાં આપી દેવાશે.

<> 

છેલ્લા છ મહિનાથી ગબાની માવાની ભઠ્ઠી બંધ થઈ ગઈ હતી. એણે જરખડામાં ભઠ્ઠી ચાલુ કરવાની યોજના પ્રમાણે ત્યાં જગ્યા લઈ લીધી હતી ને રહેવાના ઘરનીય વ્યવસ્થા કરી દીધી હતી. વડિયાવાળી ભઠ્ઠીનું છાપરું ઉકેલીને એણે જરખડામાં છાપરુંય બનાવી લીધું હતું. પોતાનાં બૈરી છોકરાંને જરખડા મોકલી આપ્યાં હતાં. ને છોકરાંને ત્યાંની નિશાળમાં દાખલ પણ કરી દેવડાવ્યાં હતાં. છતાં ગબો હજુ વડિયામાં જ આંટા મારતો હતો. એ પોતાનાં કાંધાંના પૈસા વસૂલ કરવા લોકોનાં ઘર ગણતો ફર્યા કરતો હતો. વ્યાજ જતું કરવાની એની વાતોની સારી અસર પડવા માંડી હતી. કેટલાકે થોડા પૈસા રોકડા તો થોડા અનાજને રૂપે આપીને કાંધાં પતાવવા પણ માંડ્યાં હતાં. એમાં ગબાના પાંચેક હજાર રૂપિયા વસૂલ થયા પણ ખરા.

પણ ગબાને હવે વડિયામાં બેસી રહેવું પાલવે તેમ ન હતું. એ દોડાદોડી કરીને જેટલી વસૂલાત કરતો હતો એના કરતાં એને બે ઘર ચલાવવાનો ખરચ વધારે આવતો હતો. એને હવે જરખડામાં ભઠ્ઠી ચાલુ કરવાની ઉતાવળ કરવાની હતી. છેવટે એણે માવજીભાઈની સાથે વાતચીત કરીને એમને બાકીનાં કાંધાં વસૂલ કરવાનું કામ અડધા ભાગે સોંપીને કાયમ માટે વડિયાને રામરામ કરી દીધા. માવજીભાઈને આ કામ સોંપવામાં એને એમના પર પૂરો ભરોંસો હતો એમ નહીં પણ એ સિવાય ગબાની પાસે બીજો આરો જ ન હતો.

પણ જતાંજતાંય ગબો ગરબડ કર્યા વગર ના રહ્યો. એણે પોતાના ટોળાના બે માણસોને દૂધમાં ખટાશ નાખીને પેલે માપલે દૂધ ભરવા મોકલ્યા. એ સાંજે જ્યારે દૂધ પોલસન ડેરીમાં પહોંચ્યું ત્યારે બે કેનનું દૂધ ફાટી ગયું હતું.

શિયાળામાં આવું બને એ શક્ય ન હતું એટલે માપલાવાળા ઠક્કરના મનમાં શંકા જાગી કે આ કોઈનું કાવતરું હોવું જોઈએ. એમણે બીજી ટંકે આવા શંકાસ્પદ માણસોનાં દૂધ એક અલગ કેનમાં ભરવાની ખાનગીમાં વ્યવસ્થા ગોઠવી દીધી અને એ કેનનું દૂધ ફાટી ગયું. એમને ખબર હતી કે એ લોકો ગબાની સાથે બેસઊઠવાળા હતા. એટલે એમણે બેને બે ચાર કરી લીધા. એમણે એ લોકોનું દૂધ લેવાનું બંધ કરાવી દીધું. ને મનમાં ગબાને પાઠ ભણાવવાનું નક્કી પણ કરી લીધું.

આ દરમિયાન ગબાએ જરખડામાં ભઠ્ઠી ચાલુ કરી દીધી હતી. જરખડામાં આ પહેલાં દૂધ વેચવાની કોઈ વ્યવસ્થા ગોઠવાયેલી ન હતી એટલે ગબાના ઓછા ભાવે પણ ગામલોકોને ઘણા લાગતા હતા એટલે ગબાની ભઠ્ઠીએ દૂધની આવક રોજેરોજ વધતી જતી હતી. એક જ મહિનામાં ગબાને લાગવા માંડ્યું હતું કે વડિયા કરતાંય જરખડામાં એનો ધંધો સારો ચાલશે.

પણ એને પેલા ઠક્કરની પહોંચની ક્યાં ખબર હતી? એણે શહેરમાં વાત વહેતી કરી દીધી હતી કે ગબો એમની પાસેથી રોજનું બે કેન સાફરેટ(દૂધમાંથી બધું ક્રીમ કાઢી લીધા પછી બાકી રહેતું દૂધ જેવું પ્રવાહી-સેપરેટ) લઈ જાય છે ને સારા દૂધમાં એ ભેળવીને એનો માવો બનાવીને શહેરની દુકાનોમાં પધરાવે છે.

ને ગબાની શહેરની ધરાકી લગભગ ઠપ જેવી થઈ ગઈ. એ ધંધો છોડીને શહેરમાં બધા ધરાકને સમજાવવા તો ક્યાંથી જઈ શકે પણ એણે પોતાના એ ધરાકોને માણસ મારફતે હાથોહાથ કાગળ પહોંચાડીને એમને પોતાની ભઠ્ઠી પર આવીને ખાતરી કરી જવા બોલાવ્યા. પણ એ લોકોય પોતાનો ધંધો છોડીને એવી ખાતરી કરવા આવવા ક્યાં નવરા હતા! એમણે બીજા પાસેથી માવો લેવા માંડ્યો.

જો માવાનો બેત્રણ દિવસમાં નીકાલ કરવામાં ન આવે તો માવો બગડી જાય. વળી ગામમાં દૂધ લેનાર બીજું કૈઈ હતું નહીં એટલે ગબાને ત્યાં રોજનું ત્રીસ મણ જેટલું દૂધ આવતું હતું. એનો માવો લગભગ આઠ મણ જેટલો થતો હતો. એટલે સવારની ટંકના દૂધનો માવો પાડીને એ ખાધાપીધા વગર પંદરેક શેર માવાનાં પડીકાં લઈને આણંદ ઊપડ્યો. ત્યાં જઈ એ બધા ધરાકને મળ્યો ને એમને સમજાવવા માંડ્યો. છેવટે પોતાના ચાલુ ભાવ કરતાં શેરે ચાર આના ઓછા કરીને કેટલાકને સમજાવી શક્યો.

ધેર આવીને એણે આંકડા માંડી જોયા તો એ આંચકો ખાઈ ગયો. રોજના આઠ મણ માવાના ગણતાં એને રોજ એંસી રૂપિયાની આવક કપાતી હતી. અને એ જ તો હતો એનો નફો. એણે માવાના ઉતારામાં ભાવમાં ચાર આના ઓછા કરીને દૂધ લેવા માંડ્યું. ગામડાના અભણ લોકોનેય એક બે દિવસમાં આ ભાવ ઘટાડાની ખબર પડી ગઈ એટલે ગામમાં એનો ચગોવગો થવા લાગ્યો. ગબાને ત્યાં આવતું દૂધ બધું અટકી તો ન ગયું પણ અડધા જેટલું તો થઈ જ ગયું.

નાગજી ઠાકોરને આ વાતની ખબર પડી એટલે એમણે મુખી અને સરપંચને આ અંગે પૂછ્યું. પેલા બેને તો એટલી જ ખબર હતી કે અમથા ઝવેરવાળા બેચાર જણાએ ભેગા થઈને આ માવાવાળાને બોલાવ્યો છે. એટલે એમણે એમને પૂછ્યું તો ખબર પડી કે એમનેય આ ભાવ ઘટ્યાની ખબર ન હતી.

પછી આખું ધાડું પહોંચ્યું ગબાને ત્યાં. ‘કેમ ભૈલા, ગાંમવાળાને બે દા’ડા આભાલાડુ બતાડીને તેં ભાવ કાપી નાંખ્યા?’ એકે પૂછ્યું.

‘કાકા, વાત એમ બની કે કોઈક દુશ્મને શહેરમાં એવી વાત વહેતી કરી કે હું પોલસનને સંચેથી સાફરેટ લઈને એનો માવો પાડીને વેચું છું એટલે મારે મારા બધા ધરાકને છો આના ભાવ કેપીને માલ આપવાનું નક્કી કરવું પડ્યું તોય મેં ગામમાં તો ચાર જ આના કાપ્યા છે. પંદર વીસ દિવસમાં હું પાછા ભાવ રાગે લાવી દઈશ.’

‘તારી વાતનો અમને વિશ્વાસ પડતો નથી છતાં આટલો વખત માફ કરી દઈએ છીએ. કાલથી ભાવ પહેલાના જેટલા કરી દેજે નહીં તો બીજું ગામ શોધી લેજે.’ મુખીએ ચોખ્ખું સંભળાવી દીધું. ગબાને ગામમાં લઈ આવેલા પેલા માણસોય હવે છપાઈ ગયા.

ને ગબો કરગરી પડ્યો: ‘અમથાભાઈ તમને તો ખબર છે કે હું દૂધમાં સાફરેટ ઉમેરતો નથી. મારી પાસે નથી દૂધ પીલવાનો સંચો કે નથી હું બહારથી એ મંગાવતો. બહારથી સાફરેટ આવતું હોય તો તમારી જાણબહાર તો ના જ હોય ને!’

‘અમારે એ જણવાની કે ના જાણવાની શી જરૂર? અમારી વાત તો ચોખ્ખી ને ચટ છે. જો ભાવ પહેલાં હતા એવા ન કરવા હોય તો બીજું ગામ શોધી લેજે.’ મુખીએ છેવટની વાત કરી દીધી ને ગબાનાં તો જાણે બારેય વહાણ ડૂબી ગયાં.

એ ઢીલો થઈ મુખીને પગે પડ્યો: ‘ હું તમારે આશરે આવ્યો છું હવે તમે મારો કે ઉગારો તમારા હાથમાં છે. મારી આટલી આંટી નીકળી જાય ત્યાં હુધી(સુધી) મને જીવતો રાખો તો મોટી મહેરબાની. આ ઉનાળામાં હું ભાવ એવા ઊંચકી નાંખીશ કે ફરતાં ગામોમાં આજ હુધી કોઈએય નહીં જોયા હોય.’

બધાએ મસલત કરી અને એને કહ્યું: ‘આટલો વખત તને માફ કરીએ છીએ. તેં કહ્યા પરમાણે(પ્રમાણે) પંદર દા’ડામાં ભાવ પહેલાંના જેવા કરી દેજે.’

ને ગબાને સાતે કોઠે જાણે અજવાળાં થઈ ગયાં. એણે બધાને છૂટથી પેંડા વહેંચ્યા એને બધાને ઘર માટેય શેર શેરનાં પડીકાં બાંધી આપ્યાં. બધા ગયા એટલે એણે પોતાની પાસે ભેગા ફઈ ગયેલા જૂના માવાના નિકાલનું કંઈક કરવાનો વિચાર કરવા માંડ્યો. એને થયું કે સામે હોળીનો અવસર આને છે તે એ માવાના પેંડા બનાવીને શહેરમાં વેચ્યા હોય તો એનો લિકાલ પણ થઈ જાય અને પોતાનેય બે પૈસા મળે. ને ઘરનાં ઊઠ્યાં બધાં પેંડા બનાવવામાં મચી પડ્યાં.

ને અઠવાડિયામાં એને ખબર પડી ગઈ કે માવો વેચવા કરતાં પેંડા અને બરફી બનાવીને વેચવામાં વધારે નફો છૂટતો હતો. વળી ગામમાંય થોડીઘણી ઘરાકી થતી હતી. એટલે એણે ગામમાં એક નાનકડી હોટલ જ શરૂ કરી. ગામના લોકોનેય ધીમેધીમે ચા, ગોટા ને એની ચટણીનું ઘેલું લાગવા માંડ્યું.

ગામના બીજા લોકો ભલે ગમે તેમ માનતા હોય પણ નાગજીભાઈના મનમાં ગબાને વશમાં રાખવાની તરકીબ આવી ગઈ હતી. એમણે ગામમાંથી પોતાના કેટલાક મળતિયા સાથે મસલત કરીને પોલસનનું માપ ગામમાં લાવવાનું નક્કી કરી લીધું હતું.

ને કોઈ બીજાને ખબર પણ પડે એ પહેલાં જરખડે જઈને એમણે પેલા ઠક્કર સાથે પાકી ગોઠવણ પણ કરી લીધી હતી. દસ જ દિવસમાં એમણે પોતાને વડામાં પોલસનના માપનું મૂરત પણ કરાવી દીધું ને પાછું ગબાના મનમાં તેલ રેડાયું. પણ નાગજી કુબેરની સામે ગામમાંથી કોઈ એને ટેકો કરવાવાળું ન હતું.

૭. શંકરનું પ્રેમપ્રકરણ?


૭. શંકરનું પ્રેમપ્રકરણ
રૂડાનું પોલસનના ફેરાનું સમયપત્રક એની ગોઠવણી મુજબ બરાબર ચાલી રહ્યું હતું. રૂડો રાતનો ફેરો કરતો હતો ને શંકર દિવસનો ફેરો કરતો હતો. એના દિવસના ફેરામાં એની સાથે કાયમ વડિયાના એકબે જણ તો કશક કામે આણંદ જનારા હોતા જ. ને પાછા ફરતાં એમની ખરીદીની ચીજ વસ્તુઓ પણ એ લેતો આવતો. એટલે એને કાયમ રૂપિયો તો ક્યારેક બે રૂપિયા વધારાનાય મળી રહેતા હતા. તો ક્યારેક કોઈ દોસ્તો સગેસાગવે જવાય એના ગાડામાં ચઢી બેસતા. રૂડો માનતો કે શંકર એકલો હોય એના કરતાં એની હાર્યે કોઈ હોય તો સારું.
આવા જ એક બપોરે શંકર ગાડું લઈને આણંદથી પાછો આવતો હતો. ગાડામાં વડિયાના બે જણા બેઠાય હતા ત્યાં જરખડાને સીમાડે એને બે છોકરીઓ ભેટી ગઈ. એક કહે: ‘ભયા કો’ક દા’ડો અમનેય તમારા ગાડામાં બેહાડો ને!’
શંકર પહેલાં તો સહેજ ખચકાઈ ગયો પણ પોતાની બેનના સાસરાની આ છોકરીઓને નાય કેમ કહેવાય? વળી ઉનાળાની બપોર હતી ને બેય પરસેવે નિતરતી હતી. ને એણે કહ્યું: ‘બેસી જાવ.’ ને પેલી બેય પોતાનાં ચાર(ઢોરાં માટેનું લીલું ઘાસ)નાં પોટલાં લઈને ગાડામાં બેસી ગઈ.
‘આપડી જમનાભાભીના ભૈ(ભાઈ) છે.’ ગાડામાં બેઠા પછી એકે બીજીને કહ્યું:
પછી પેલા અજાણ્યા માણસોથી શરમાઈને બેય ઓઢણીના પાલવથી પરસેવો લૂછતાં પોતાની વાતોમાં પડી ગઈ. જરખડાની ભાગોળ આવતાં બેય પોતાનાં પોટલાં લઈ ગાડામાંથી ઊતરી ને એકે શંકરને શરમાતાં પૂછ્યું:
‘જમનાં ભાભીને કશું કહેવું છે?’
‘એમને કહેજો કે એમનું નામ દીધું એટલે જરખડાનાં ચાર પોટલાં ગાડામાં લીધાં હતાં.’
‘એમાંનાં બે પોટલાં તો ભયા, જીવતાં ને બોલતાંય હતાં હાં કે.’ કહેતાં મલકાતી એ બેય ગામમાં પેઠી.
પેલા જરખડાવાળામાંથી એક જણે શંકરને મલકાતાં કહ્યુંય ખરું:
‘તારે તો જમનીને નાંમે આવું રોજ રહેતું હશે.’
‘રોજ તો હું ગાંડો છું કે એમને ગાડામાં બેહાડું? આ તો વળી આજે એમણે પહેલી વાર કહ્યું અને માથે ધોમ ધખતો હતો એટલે એમની દયા ખાધી.’ શરમાતાં શંકરે બચાવ કર્યો.
શરમાતા શંકરની સામે ખંધાઈથી મલકાતા પેલા બેય એની સામે તાકી રહ્યા. શંકરને મનમાં થયું કે એ લોકો ગામમાં કોણ જાણે આની કેવીય વાતો કરશે. એણે મનથી નક્કી કર્યું કે એમને ફરીથી ગાડામાં ના બેસાડવી. એ મનમાં ગમે તે વિચારતો હોય પણ પેલી બેય એનાથી જુદું જ વિચારતી હતી એની એને ક્યાં ખબર હતી?
આપડે એમના ગાડામાં બેસીને આયાં એ મારા બાપા જાંણશે તો મને તો વઢી જ નાંખશે. મને બાપા કરતાં મારા ભૈની બહુ બીક લાગે છે. એ જાંણશે તો મને ડફણું લઈને ફરી વળશે ને ભલું હશે તો પેલાને વઢવા જશે.’ રેવલીએ ગભરાતાં કહ્યું.
‘મારે તો બાપા કરતાંય મા હવૈ(સવાઈ) છે. એને કાને વાત આઈ તે મારાં ઠાઠાં ભાંગી નાખશે.’ બીજી જેનું નામ મંગળા હતું એણે કહ્યું.
‘પણ આપણે આપડે એમને જાણવા દઈશું તો ને.’
‘આપડે નહીં કહીએ તો આપણને જોયાં હશે એવું કોઈ ચાડી ખાશે એટલે એમને ખબર પડ્યા વગર ઓછી રહેવાની છે?’
‘જે થવાનું હોય એ થાય પણ એમની હાર્યે ઓળખાણ થઈ એ ઓછું છે! તારી વાત તો તું જાંણે પણ હું તો બેચાર દા’ડા પછી પાછી એના ગાડામાં બેહવાની જ છું.’ રેવલીએ કહ્યું.
‘તું એના પર મોહી પડી હોય એમ લાગે છે. મારે તારા બાપાને કહેવું પડશે કે રેવલીને વહેલાસર પૈણાઈ દેજો નહીં તો પોલાના ગાડામાં સીધી વડિયે હેંડતી થશે.’ પણ ઘર આવતાં બેયની વાતો અટકી. પણ બે દિવસ પછી બેય જણીઓ શંકરના ગાડાની વાટ જોતી સીમાડાવાળે ખેતરે ઊભી હતી એ તો સાચું જ..નસીબ સંજોગે એ દિવસે શંકરના ગાડામાં કોઈ બીજું હતું પણ નહીં એટલે રેવલીને ગમતું મળી ગયું. શંકરે દૂરથી જ આ બેયને જોઈ લીધાં હતાં એટલે એણે ઝડપથી ભાગી જવા બળદોને ડચકાર્યા. પણ એની ચાલને સમજી ગયેલી રેવલી રસ્તા વચ્ચે આવીને ઊભી રહી ગઈ ને શંકરને ગાડું ઊભું રાખ્યે જ છૂટકો થયો. ને રેવલીએ ગાડું રોકી રાખ્યું એ દરમિયાન મંગળીએ બેયનાં ચારનાં પોટલાં ગાડામાં મૂકી દીધાં.થોડા દૂર ગયાં એટલે રેવલી બોલી:
‘તે ભયા, ખાલી કેન ખખડાવતા જાવ છો એના કરતાં અમને બેહાડતા જાવ તો એમાં તમારા બળદોને શો ભાર પડી જવાનો હતો! કદીક ગાંમમાં આવશો તો પાલો ચા પૈશું ને મેથીમાં ઢેબરાંય ખવડાવીશું.’
‘મારે મેથીનાં ઢેબરાંની કંઈ નવઈ છે! ને મારીમા અમરતબા બનાવે છે એવાં ઢેબરાં તમારે તાં(ત્યાં) થાય પણ નહીં.’ શંકરે પેલીને ચિડવવા કહ્યું.
‘ના ચ્યમ થાય? હવે તો તમને અમારાં ઢેબરાં ચખાડવાં જ પડશે. આ ગોકળ આઠમના મેળામાં હું તમારે ચાખવા હાતર તૈણચાર ઢેબરાં લઈને આઈશ(આવીશ). તમે મેળામાં તો આવવાના છો ને!’
‘હું મેળામાં આઈશ તો પોલસનનો ફેરો કોણ કરશે મારો કાકો?’
‘હવે હું કંઈ ના જાણું તમારે મેળામાં આવવું જ પડશે.’
‘તારાં ઢેબરાં ચખવા?’
‘જો તમે ના આવો તો તમને ભગવાનના હમ(સમ).’ કહેતાં ગામ આવતાં રેવલી મંગુની સાથે ગાડામાંથી ઊતરીને ગામમાં સરકી ગઈ.
‘અલી, તેં કહ્યું એટલે તારે મેળામાં ઢેબરાં તો લઈ જવાં પડશે પણ તારો મનનો માંનેલો મેળામાં આવશે જ નહીં તો!’ મંગુએ આંખો નચાવતાં પૂછ્યું.
‘ના ચ્યમ આવે, ભગવાનના હમ દીધા છે ને! તું જોજે તો ખરી એ આયા વગર નહીં રહે.’ રેવલીએ વિશ્વાસ સાથે કહ્યું. ને હજુ તો મેળાની આડે પાંચ દિવસ હતા તોય બેય સખીઓ મેળાની તૈયારીમાં પડી ગઈ.
તો બીજી બાજુ શંકર પણ રેવલી વિષે વિચારવા માંડ્યો. એના મનમાં જાતજાતના વિચારો આવવા માંડ્યા. એણે તો મનમાં, પોતાના ગોઠિયાઓથી કેમ કરીને છટકવું અને રેવલીને લઈને કઈ તરફ સરકી જવું એનાય પેંતરા ગોઠવી લીધા. હજુ એને એના બાપા સવારનો ફેરો કરવાની હા પાડશે કે કેમ એનીય ખાતરી ન હતી. પણ એને મનમાં ઊંડેઊંડે વિશ્વાસ હતો કે મેળામાં જવાનું હતું એટલે બાપા ના નહીં જ પાડે.
એ વિશ્વાસે તો એણે રેવલીની હાર્યે મનમાં કેટલીય ગોઠડી કરવા માંડી હતી ને. એનાં ઢેબરાં ચાખીશ અને એને બદલામાં ઉનાઉના ગોટા ખવડાવીશ, એ મનોમન વિચારતો હતો. એની હાર્યે એની બેનપણી મંગુય હશે તોય રેવલીની હાર્યે ચકડોળમાંય બેસીશ. ને ગભરાતી એને કેડ્યે ગલીય કરી લઈશ. એની વાતો પરથી મને લાગે છે કે એ એમાં મોઢું તો નહીં જ બગાડે. એના આવા વિચારો ઠેઠ વડિયા આવતાં સુધી ચલ્યા જ કર્યા.
મેળાના ત્રણ દિવસ બાકી હતા ને શંકર આણંદથી પાછો આવતો હતો ત્યાં રેવલીના ભાઈ રતનાએ એને ઊભો રાખ્યો:
‘કેમ શંકર, તારા મગજમાં બહુ રઈ(રાઈ) ભરઈ(ભરાઈ) ગઈ છે? તું રોજ મારી બેન રેવલીને પરાંણ્યે ગાડામાં બેહાડી દઉં છું. મ્યાંનમાં રહેજે નહીં તો જરખડાનો રસ્તો જ ભૂલાઈ દઈશ.’ એણે આંખો બતાવતાં કહ્યું.
‘રસ્તો ભૂલાઈ દેવાની વાત તો પછી પણ પહેલાં તારી બેનને પૂછી તો લે કે હું પરાંણે એને ગાડામાં બેહાડું છું કે એ બેય જણીયો વચ્ચે ઊભી રહીને મારું ગાડું રોકાવે છે ને પરાંણે ગાડામાં ચઢી બેહે છે! બાકી એવી રસ્તો ભુલાઈ દેવાની બીક તો કોઈ વાણિયા બાંમણને બતાવું તો એ ફફડી જાય. મને બીવડાવવાની વાત ના કરીશ.’ શંકરે સામે એવી જ રીતે આંખ ઉલાળીને કહી દીધું.
રતનો ગમ ખાઈ ગયો. એને થયું કે શંકરની સાથે પોતે લાંબી ટૂંકી કરવા જશે તો જે નહીં જાણતા હોય એ લોકોય જાણશે ને આબરૂના ધજાગરા ઊડશે. એટલે એણે વાત સમેટતાં કહ્યું:
‘એને તો હું પૂછી લઈશ ને ફરી તારો રસ્તો નહીં રોકવા તતડાવીને કહી દઈશ. પણ તુંય હવે એ છોડીયોને ગાડામાં ના બેહાડીશ. અમારે લોકોનું હાંભળવાનું થાય એ હારું(સારું) નહીં.’ કહેતાં એ ગામ તરફ ચાલ્યો.
ભલે શંકર એનાથી દબાયો ન હતો પણ હવે એની ચિંતામાં વધારો તો થઈ જ ગયો. એને પહેલાં રેવલી મેળામાં આવશે કે નહીં એની ચિંતા હતી પણ હવે વાત ઉઘાડી પડી ગઈ હતી એટલે રતનો એને મેળામાં કદાચ આવવા જ નહીં દે એવું એને લાગવા માંડ્યું. એને શું કરવું એ જ ન સમજાયું.
સાંજના ફેરા માટે તૈયારી કરતા રૂડાને એણે કહ્યું: ‘બાપા,
સોમવારનો તમારો હાંજનો ફેરો હું કરી આવું. મારે બીજે દિવસે મેળામાં જવાનો વિચાર છે એટલે એ દા’ડાનો સવારનો ફેરો તમે કરો તો.’
‘રાતનો ફેરો કરીને તું મેળામાં શું જવાનો! એના કરતાં હું જ બેય ફેરા કરી લઈશ.’
‘પણ બાપા તમારે રાતનો ઉજાગરો થશે ને હવારનો ફેરો કરવો પડશે એટલે…’
‘તેં ફેરા કરવાના શરૂ કર્યા એ પહેલાં હું રાત દા’ડાના બેય ફેરા કરતો જ હતો ને! તું તારે મેળામાં જઈ આય. હું એક દા’ડાનો ને બે રાતના તૈણેય ફેરા કરી લઈશ.’ રૂડાએ કહ્યું.
‘મેળાને દા’ડે રાતનો ફેરો તો હું કરી લઈશ મેળામાંથી આઈને.’ શંકરે કહેવા કર્યું.
‘ના, તારે રાતનો ફેરો નહીં કરવાનો. તને ખબર્ય નથી પણ તૈણ નાકાંને પેંપરે ચરિતર થાય છે. તને એટલે તો હું રાતનો ફેરો કરવાનું ક્યારેય કહેતો નથી. મારો તો જીવ જ ના ચાલે રાતવરત તને એ મારગે જવા દેતાં.’
સાચું ખોટું તો ભગવાન જાણે પણ ત્રણ નાકાંનો પીપળો આજુબાજુનાં ચારેય ગામમાં આ ચરિતરની વાયકાને કારણે પંકાયેલો હતો. કેટલાક તો ધોળે દિવસેય એ તરફ જતાં ગભરાતા હતા ને! અરે, એની આસપાસનાં ખેતરવાળા એ ખેતરોમાં રાતવાસો કરવાય નહોતા જતા. એવી વાયકા હતી કે એ પીપળા પાસે વરસો પહેલાં મકન કરીને એક ડોસાને રોઝાંએ ગોથાટીને મારી નાંખેલો એનું ભૂત હજુય ત્યાં ભમ્યા કરે છે.
‘મેં તો આજ સુધી તાં કશું જોયું નહીં(નથી). તમને એવી બીક લાગતી હોય તો હું મારા બેતૈણ દેસ્તોને હાર્યે લઈ જઈશ.’ બાપાની આવી વાતમાં ન માનતું જુવાન લોહી બોલી ઊઠ્યું.
‘લાખ વાતની એક વાત મારે તને રાતનો ફેરો કરવા દેવો નથી. મારે ઝેરનાં પારખાં કરવાં નથી. તું તારે ખુશીથી મેળામાં જજે. હા, મેળામાંથી આઈ(આવી)ને પોટલું ચાર વાઢી લાવજે.’ રૂડાએ વાતને ટાળતાં છેવટનું કહી દીધું.બીજે દિવસે એ આણંદનો ફેરો કરવા નીકળતો હતો ત્યાં માએ એને ઘીની બરણી આપતાં કહ્યું:
‘બેટા જતાં જમનીને તાં થઈને જજે ને આ બયણી આલતો જજે. હાચવીને લઈ જજે, બયણી આડી પડશે તો ઘી ઢોરઈ(ઢોરાઈ) જશે.’
શંકરે બરણી હાથમાં લીધી ને મન પાછું તરંગે ચઢ્યું. જમનીને ત્યાં જવાના રસ્તામાં વચમાં જ રેવલીનું ઘર આવતું હતું. કદાચ રેવલી બહાર મલી જાય તો! પણ એને બદલે એનો ભાઈ રતનો જ મલી જાય તો એ એવાં કાતરિયાં ખાય કે…ને થયું પણ એવું જ. એ જમનીના ઘર ભણી જતો હતો ત્યાં રતનો તો સામો ન મલ્યો પણ રેવલી બહાર રવેસીમાં કચરો કાઢતી હતી એની ને શંકરની નજરો એક થઈ. બેયે જાણે એકબીજાને ઓળખતાં જ ન હોય એમ નજરો વાળી લીધી. પણ વાત એટલેથી ઓછી પતવાની હતી!
શંકર જમનીને ઘેર પહોંચ્યો ત્યાં તો રેવલી એનાં પગલાં દબાવતી આવી પહોંચી હતી. શંકરની સામે આંખો નચાવતી એ ઘરની અંદર જમની પાસે પહોંચી ગઈ હતી. ‘જમનાંભાભી, તમારા ભૈને કહો ને. હું ને મંગળી સેંમાડાવાળે ઊભાં હોઈએ છીએ તો એ જાંણે અમને જોયાં જ ના હોય એમ ગાડું દોડાઈ મૂકે છે. કોક દા’ડો અમને ગાડામાં બેહવા દે તો અમારો ભાર શો વધારે પડવાનો હતો?’
‘સારુ બેનબા, હું એને કહીશ. મારો ભાઈ બહુ શરમાળ છે એટલે તમારા જેવી જુવાન છોકરીઓને ગાડે બેસાડતાં અચકાતો હશે. પણ પાછી અહીં ઊતરી જવાને બદલે એની હાર્યે વડિયે ના પહોંચી જતાં.’
‘તમેય શું ભાભી આવી મશ્કરી કરો છો! હું જઉં હવે. મારે હજુ તો ઢેબરાં ટીપવાનાં છે એક મેમાંન હાટું.’ કહેતાં જમના ન જુએ એમ શંકરની સામે આંખો નચાવતી એ ચાલી ગઈ.

વેરાન હરિયાળી-૮-પ્રભુલાલ ટાટારીઆ

“રેવલી”

‘શંકર, તું બેસ હું ચા બનાવું એ પી ને જજે.’ રેવલી ગઈ એટલે જમનાએ કહ્યું
‘જરા જલ્દી કરજે મારે હજુ દૂધ પહોંચાડવા આણંદ જવાનું છે અને વળતાં તેં હા ભણી છે તો જરખડાનાં પોટલાં પણ ઉપાડવાં પડશે ને?’ રેવલી આજુબાજુમાં નથી ને એ ખાત્રી કરવા નજર ફેરવતાં શંકરે કહ્યું
‘કેમ જરખડાનાં પોટલાં એટલાં બધાં ભારે લાગે છે?’  બારણામાંથી જ મંગળાએ પુછ્યું.
‘એ આવ મંગળા, કંઇ કામ હતું?’ ચ્હાનો પ્યાલો રાંધણિયામાંથી લાવતાં જમનાએ કહ્યું.
‘ના, આ તો  તમારી પવાલી આપવા આવી હતી.’ મંગળાએ પવાલી દેખાડતા કહ્યું.
‘હવે પવાલીનું તો નામ છે મને ખબર ઠે કે તું કાલ્યે મેળામાં જવાનું પાકું કરવા જ આવી હતી. હમણાં જ રેવા આવીને પાકું કરી ગઈ અને હવે તું. મને બધી ખબર છે કે તું અને રેવા  મારા ભાઈની પાછળ પડ્યાં છો. ને શંકર તમને રોજ ગાડામાં બેસાડી લાવે એનુંય પાકું કરવાનું હશે પાછું.’ જમનાએ વાત સાંધતા કહ્યું
‘હા, આની સાથે પેલી રેવાને પણ મારા ગાડામાં બેસાડવી પડે ને એનો ભાઈ રતનો પાછો મારા પર ધખારા કરવા આવે.’ શંકરે રતનાની વાત કરી એ જમનાને માટે નવી હતી.
‘ધખારા? તારે એને કહી દેવું હતું ને કે એ બેય જણઈઓ પરાણે ગાડામાં ચઢી બેસે છે.’ જમનાએ કહ્યું.
‘નહીં તો શું? એક વખત રેવા ને આ ઊભી છે તએને ગાડામાં બેસાડી તો બીજા જ દિવસે રતનાએ રસ્તામાં ગાડું ઊભું રખાવીને કહ્યું: જો હવે મારી બેનને ગાડે બેસાડી તો જરખડાનો રસ્તો ભુલાવી દઇશ’ કહી શંકરે આખી વાત કરી.
‘ગાડામાં બેસવાનું રેવલીને ને મને બેયને મોંઘુ પડી ગયું. ખબર છે એ જ સાંજે બિચારીએ રતનાના હાથે રામજીભાઈના પરુંણાનો માર ખાધો ને મારી માએ મનેય ઝાપટી.’ મંગળાએ કહ્યું
‘રતના સુધી આ વાત પહોંચાડી કોણે?’ શંકરે પુછ્યું.
‘અમે તમારા ગાડામાં બેઠાં ત્યારે તમે જેને આણંદથી જરખડા સુધી લાવેલા એ હલકા પેટના ગીધુ ગાંયજાએ.’ મંગળાએ કહ્યું.
‘ગીધુ ગાંયજાએ?’
‘હા ગીધુ ગાંયજાએ. ગીધુ ગાંયજો એટલે જરખડાનું હરતું ફરતું બોલતું છાપું. જો કોઈ વાત ગામમાં ફેલાવવી હોય તો એ વાત ગીધુ ગાંયજાને કરવી અને છેવટમાં કહેવું કે, આ તો તને કહું છું બીજા કોઇને વાત કરતો નહીં. એટલે જાણે કાગડાના મોંમાં કંકોતરી. ગામ આખામાં વંટોળિયા જેમ વાત ફેલાઇ જાય અને તમારું નામ પણ પ્રખ્યાત થઈ જાય એ નફામાં.’ કહી મંગળા હસી અને પછી શું અને કેમ થયું તેની આખી વાત કરી.
‘પણ મારૂં નામ પ્રખ્યાત થઇ જાય એ વાત ન સમજાઈ.’ ગૂંચવાતાં શંકર બોલ્યો.
‘એ એવી રીતે કે તમે કરેલી વાત ગીધુ ગાંયજો બધાંને કરે અને છેલ્લે ઉમેરે સાચું ખોટું રામ જાણે આ તો વાડિયાના રૂડા ઠાકોરના શંકરિયાએ કહ્યું.’
‘ઓહ! તો એમ વાત છે!’  જમનાએ કહ્યું
‘હવે બાકીની વાત પછી ક્યારેક. મારે આણંદ જવાનું મોડું થાય છે અને હા, મારે મેળે જવું હોય તો ઢોરાં માટે ચારનો ભારો પણ પાછા વળતાં વાઢઈ લાવવાનો છે.’ કહી શંકર ગયો.
તેના ગયા પછી: ‘ભલે જમનીભાભી હું પણ જાઉં. મારે એઠાં વાસણ ઉટકવાનાં હજુ બાકી છે, આ વાસણ ઉટકતાં જ તમારી પવાલી હાથમાં આવી એટલે આપવા આવી.’ કહી મંગળા પણ ગઈ. મંગળી પોતાના ઘરમાં જવાને બદલે શંકરે જમનાને શું કહ્યું એ વાત કરવા રેવલીને ઘેર ગઈ ત્યારે રેવલી મેથીનાં પાંદડાં ચુંટતી હતી.
‘કેમ અલી અત્યારથી જ મેથીનાં ઢેબરાની તૈયારી કરવા માંડી ને શું?’ કહી તેણે થોડી ભાજી પોતા તરફ સેરવી ને ચૂટવા લાગી. પછી આજુબાજુ કોઈ નથી તે ખાતરી કરીને હળવેથી કહ્યું: ‘તારા મનનો માણીગર મેળામાં આવવાનો છે.’
‘સાચે જ, તેણે જ તને કહ્યું?’
‘ના આ તો એ જમનીભાભીને કહેતા હતા કે મારે મેળે જવું હોય તો ચારનો ભારો વાઢીને ઘેર લઇ જવો પડશે. તો એનો અરથ શું થાય?’
‘હં.’ રેવલીની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ
બપોરે ચાર વાઢવા માટે દાતરડું ને દોરી લઈને રેવલી અને મંગુ સીમમાં ગયાં ત્યારે રેવલીએ એકને બદલે બે ભરા બાંધ્યા તો મંગુએ પુછ્યું: ‘કેમ બે ભારા ચાર વાઢી?’
‘ગાડાનું ભાડું અને એમણે મેળામાં આવવાની હા પાડી એટલે આટલું તો આપણે પણ કરવું જોઈએ ને!’
‘વાહ રે મારી બઈ. તું બહાર દેખાય છે એના કરતાં ભોંયમાં વધારે છું. સાસરિયે જતાં પહેલાં જ સાસરિયાંની ફિકર કરવા લાગી ગઈ!’ કહી મંગુએ દાંતરડાના હાથાનો ગોદો રેવલીની કાંખમાં માર્યો. રેવલીએ પણ આંખો નચાવી જાણે કહેતી હોય: નહીંતર શું?
બપોરે આણંદથી આવતા શંકરના ગાડાની રાહ જોતી વડને ચોતરે બન્ને સખીઓ બેઠી હતી. થોડી વારમાં સીમની ધૂળ ઉડાડતું શંકરનું ગાડું જરખડા તરફ આવતું દેખાયું. રેવલી અને મંગુને ગાડાની વાટ જોતાં ભાળ્યાં એટલે શંકરે ગાડું થોભાવ્યું અને ગાડામાં ચારનાં પોટલાં સાથે બન્ને બેઠી.
‘જમનાભાભીનું માન તમે જાળવ્યું ખરું.’  રેવલીએ વાત ઉપાડી.
‘લે, એમાં શું બેનની વાત કંઈ ભાઈ ઊથાપે અને આ તો જમનાભાભીના ભાઈ.’ મંગળાએ કહ્યું.
‘તમને ન બેસાડું તો તમને લાગે કે રતનાની ધમકીની મને બીક લાગી.’ શંકરે કહ્યું.
‘હં.’ રેવલી ગણગણી અને પછી મંગુની કાંખમાં ગોદો મારી પૂછવા માટે ઇશારો કર્યો.
‘કાલ્યે મેળામાં આવશો ને?’ મંગળાએ પુછ્યું.
‘હા ભાઈ,  આવવું તો પડશે જ ને! ને ના આવું તો એક તો મારો કાળિયો ઠાકર નારાજ થાય અને બીજુ કોઇકે કોઈના માટે ટીપેલાં ઢેબરાં ખવડાવ્યા વગરનાં રહી જાય તો બગડે અને તેથી ખવડાવનાર પણ નારાજ થાય એ આપણને ન પોસાય. જમણ જાય અને સગું દુભાય એવું શા માટે કરવું?’ શંકરે ત્રાંસી આંખે રેવલી તરફ જોતાં કહ્યું.
‘જો કે તમારાં અમરતબાનાં ઢેબરાં વખણાય એવું સાંભળ્યું છે ભલે એવાં અમારાથી ન ઘડાય તોયે જરખડામાંય પણ જીભે સ્વાદ રહી જાય એવાં ઢેબરાં ઘડાય છે હોં.’
‘એની તો ચાખ્યે ખબર પડે ને?’
‘અલી, ગોકળઆઠમના મેળામાં એવું તે શું હોય છે કે માણસ એમાં જવા માટે ગાંડાતુર થાય છે?’ રેવલીએ પુછ્યું.
‘હું તો મારી બાઈ, સમજણી થઈ ત્યારથી આ મેળામાં જાઉ છું મને તો ક્યારે કશું ગાંડ્પણ થયું નથી.’ મંગુએ ખભા ઉલાળતા કહ્યું.
‘દરેક વખતના મેળામાં ભલે ને કોઈને કશું ગાંડપણ થતું હોય કે ન હોય એ તો મારો કાળિયો ઠાકર જાણે પણ કાલના મેળામાં કશુંક તો નવતર થશે જ.’ શંકરે કહ્યું.
‘કોણે કહ્યું?’ રેવલીએ પૂછ્યું.
“મારા કાળિયા ઠાકરે. એણે જ મને કહ્યું શંકરિયા કાલે તારે મારા મેળામાં જરૂર આવવાનું છે એટલે મારાથી મેળામાં આવ્યા વના કેમ રહેવાય?’
‘એવું તમારા ઠાકરે કહ્યું હતું કે આ રેવલીએ એ તો તમારા ઠાકરને પૂછીએ તારે(ત્યારે) ખબર પડે.’ મલકાતાં મંગુ બોલી.
‘આ વાત વાતમાં જરખડું તો આવી ગયું હવે એ કહો ને અમારે મેળામાં તમને શોધવા ચ્યાં(ક્યાં)?’  ક્યારની રેવલીની અકળામણ જોતી મંગુએ પુછ્યું
‘કાળિયા ઠાકરના મંદિરને ઓટલે.’ શંકરે ગાડું થોભાવતાં કહ્યું.
‘ના હોં ત્યાં તો ગીધુ ગાંયજા જેવા કેટલાયે ખટહવાદિયા બેઠા હોય!’ રેવલીએ કહ્યું.
‘તો પછી ચગડોળ પાસે?’ શંકરે પુછ્યું.
‘હા, એ બરાબર છે.’ ખુશ થયેલી રેવલીએ હા ભણી ને ભારા ઉપાડીને બન્ને ચાલતી થઈ. મંગુ અને રેવલી ચાલવા માંડ્યાં ત્યારે શંકરે એક પોટલું હજુ ગાડામાં પડેલું જોયું.
‘આ પોટલું?’ એણે પૂછ્યું.

‘ભાઇ અમારૂં એક પોટલું રૂડા ઠાકોરના ઘેર પહોંચાડજો.’ રેવલી એ આંખો ઉલાળતાં કહ્યું
‘આ એક પોટલે થોડુજ ચાલવાનું છે હજુ એક પોટલું જરખડામાં અનામત છે.’ મંગુએ રેવલી તરફ ઇશારો કરતાં કહ્યું
‘હવે ચાલને મારી બાઇ.’ મંગુને ખેંચતાં રેવલીએ કહ્યું.
‘વખત આવે એ પણ ઉપડી જશે ત્યાં સુધી જાળવણીની જવાબદારી તમારી. જો જો હો કોક કાગડો દહિંથરૂં લઇ ન જાય.’ શંકરે મંગુને કહ્યું.
‘એ વાતે બેફિકર રેજો.’ મંગુએ કહ્યું એટલે શંકરે બળદને ડચકાર્યા.

વેરાન હરિયાળી-૯- પ્રભુલાલ ટાટારીઆ

“મેળાની મોજ”

ગાડુ આંગણામાં લાવીને શંકરે બળદ છોડ્યા અને ખીલે બાંધી ચાર નાખ્યું અને સાથે લાવેલ ચારનો પોટલો એક ખુણામાં નાખ્યો એટલે અમરતે પુછ્યું

‘આ ચાર તું વાઢી લાવ્યો?’

‘હા કેમ?’

‘ના…. આતો જ્યારથી આણંદ દુધ પહોંચાડ્વા જાય છે ત્યારથી આજ સુધી ક્યારે એક તણખલુંએ વાઢીને લાવ્યો નથી એટલે…’

‘હવે દરરોજ વાઢી લાવીસ બસ…..’નાવણિયામાં જતાં શંકરે કહ્યું.તેના મનમાં રેવલી રમતી થઇ.રેવલીને કહીશ તો એ તો હોંશે હોંશે વાઢી લાવશે.આ ઘરની હમણાંથી જ ફીકર કરવા મંડે

તો સારૂં ને મા આખો દિવસ દોડ્યા કરતી હોય છે.આ રેવલી ઘરમાં આવી જશે પછી માને કોઇ કામ કરવા નહી દ્ઉ.બાપુ પણ જમનીના લગન થયા પછી ઓછા હેરાન નથી થયા.આ ત્રણનાકે થતાં ચરીતરની વાતથી ભલે મને હમણાં રાતનો ફેરો કરવા નથી દેતાં પણ હવે હું એ પણ નહી ચલાવી લઉ ને નાગજીકાકાને વાત કરીશ તો એનો પણ વેત થઇ જશે.

આ ત્રણનાકે થતાં ચરીતર પાછળ મને તો લાગે છે કંશુંક બખડજંતર છે.એક દિવસ માવલા ધના ને લવજીને લઇને તાગ તો મેળવવો જ છે કે,ખરેખર ત્યાં ચરીતર થાય છે કે, કોઇનું ઘડેલું બખડજંતર છે.આમ વિચારતો હતો ત્યાં એના નામની હાંક સંભળાઇ.

‘શંકરિયા….બાર નીકળ….’

‘એ…આવ્યો….’

આ શેતાનના કાકાઓના નામ લીધાને બધા હાજર થઇ ગયા.અરે હા. આ બધા કાલના મેળામાં મને લઇ જવા આવ્યા છે. આ બલાથી તો બચવું જોઇશે શંકર નહીં તો રેવલીના ઢેબરાં કેમ ખવાશે? તેણી સાથે ચગડોળમાં કેમ બેસાશે?શું કરવું. કંઇક તો રસ્તો કાઢવો ને કરવું આમને તો બારોબાર ટળવા પડશે જો ઘરમાં વાત કરીશ અને જો મા, શાંતા કે બાપા બોલી જશે ને એમને ખબર પડશે કે બાપાએ મેળામાં જવાની રજા આપી છે તો આ મારા સઘડ નહીં મેલે એટલે શંકર એમને લઇને ગામને ચોરે ગયો.

‘તું તો ભાઇ ભારે કામઠો થઇ ગયો ને શું! હવે તો મળતો પણ નથી.’ માવલાએ ગામના ચોરા પર આવતાં વાત ઉપાડી.

‘હા. એ વાત તારી સાચી. લવજીએ સૂર પુરાવતાં ગજવામાંથી બીડીઓ કાઢી.

‘શું થાય? હવે બાપાથી ઘસરડા થતા નથી એ નજરે જોયા છતાં આંખ આડા કાન તો ન જ કરાય ને?’

‘હા એ વાત તારી સાચી પણ અમે તો તને પૂછવા આવ્યા હતા કે કાલે મેળામાં તો આવીશ ને?’

‘ના ભાઇ મેળામાં આવવાનું આપણું કામ નહીં.’

‘તો તું મેળામાં નહીં આવે?’ એક સાથે બધાએ નવાઇથી પુછ્યું.

‘મારે પોલસનનું દૂધ પહોંચાડવાનું કામ રોજનું હોય છે ને?’ શંકરે દયામણે ચહેરે કહ્યું.

‘રૂડા અદાને કહું તો એક દિવસ એ દૂધ ન પહોંચાડી આવે?’

‘હા, આમેય તેં ફેરા કરવાનું શરૂ કર્યું તે પહેલાં બન્ને ફેરા એ જ કરતા હતા ને?’

‘હા, એક દિવસ વધારે સડસઠ ભેગા અણસઠ.’

‘ના રે ભાઈ મેં ખાલી એમ કહ્યું કે કાલ ગોકળ આઠમનો મેળો છે તેમાં તો મારી મા ને મારી બેન મારા પર વરસી પડી પછી દૂધનો ફેરો તારો ક્યો સગલો કરવા જશે?’ સાવ રોવા જેવા અવાજે શંકરે કહ્યું.

‘તો પછી?’

‘તમે જઇ આવો. બીજું શું થાય?’

થોડીવાર સુધી કોઇ કશું બોલ્યું નહીં એટલે મૌન તોડતા શંકરે પુછ્યું: ‘પેલા જરખડાના તૈણ નાકાંના પીપળે ચરિતર થાય છે એ વાત સાચી છે?’

‘એવું હાંભળ્યું તો છે. હાચું ખોટું તો ઉપરવાળો જાંણે.’

‘એવું તો નથી ને કે લોકોને ત્યાંથી આઘા રાખવા કોઇનું ઊભું કરેલું બખડજંતર હોય.’

‘એવું સાંભળ્યું છે કે, ત્યાં મકન ડોસો મરી ગયેલો એ અવગતે ગયો છે તે ફરે છે.’

‘એ પીપળાની આજુબાજુના ખેતરમાં પણ કોઇ રાતવાસો પણ નથી કરતું.’

‘મને તો વસવાસ નથી આવતો. તમે હામી ભરો તો ક્યારેક આપણે ત્યાં જઇએ તપાસ કરીએ એટલે ખબર તો પડે કે આ ડીંડવાણું છે શું?’

‘શંકરિયા, આ ઝેરનાં પારખાં છે, હોં.’

‘જો ભઇ તમારે આવવું હોય તો આવજો નહીંતર હું તો તાગ લઇને જ જંપીશ. ચાલો, હું જાઉં તમે બધા મેળાની મોજ કરવા જજો.’ કહી શંકર ઘર તરફ રવાનો થયો.

શંકરે એના ગોઠિયાને ઊઠાં ભણાવીને રવાના કરી પોતાની જાતને તો બચાવી લીધી પણ આ બધાથી બચીને મેળા પર કેમ પહોંચવું તેની ફીકર તેને થવા માંડી. તેમાં જો ભૂલેચુકે કોઈની નજરે ચડી જવાય તો ગઈ ભેંસ પાણીમાં, બધું ફોગટ.

‘કેમ થઈ ગયું નક્કી મેળામાં જવાનું?’ ઘેર આવેલા શંકરને અમરતે પૂછ્યું.

‘હેં. હાં. હાં, હા ને!’

‘કેમ ગુંચવાય છે કશો ઝઘડો થયો છે તારા ભેરૂંબંધો સાથે?’

‘નહીં તો. એવું, એવું તો કશું નથી.’

‘શંકરિયા, તું જરૂર કશુંક છુપાવે છે, બોલી પડ શું થયું તો વાતનો કંઈ તોડ નીકળે.’

‘આ લવો એક નંબરનો લપોડ છે અને એ અમે જ્યાં જઇએ ત્યાં સઘડ સુંઘતો પહોંચી આવે ને મારે તેની હાર્યે નહીં જવું.’

‘ચ્યાં નહીં જવું, મેળે?’

‘હા, મેળે.’

‘પણ તેં જ તો તારા બાપુ પાંહેથી મેળે જવાની રજા માંગેલી ને?’

‘તે મેળે તો જઇશ પણ આ લોકો હાર્યે નહીં.’

‘કેમ એવું તે શું થયું છે?’

‘કેમ શીતળા હાતમના મેળામાં પેલા ગાભા લવારની રૂડકી સાથે એની ઓઢણી ખેંચી અટકચાળું આ લવાએ જ કરેલું અને પછી ગાભો રાતોપીળો થઈ ગયો હતો ને બાપાને રાવ દેવા આવેલો કે તમારા શંકરિયાને વારજો. યાદ આવ્યું?’

‘અરે હા, ત્યારે નાગજીભાઈ અહીં આવેલા ને એમણે જ તારા બાપાને વાર્યા ન હોત તો પરોણો ઉપાડવાની જ વાર હતી.’

‘તો પછી કરે કોણ ને ભરે કોણ એવું થઈ જાય આ ટોળામાં એવો ઘાટ છે.’

‘તો પછી તું મેળે કેમ જઈશ?’

‘સવારનો દૂધનો ફેરો કરવા બાપા જશે ત્યારે તએમની હાર્યે ગાડામાં જઈશ અને ઉનાઉ ઉતરી ને પછી ત્યાંથી હેંડી નાંખીશ.’

‘પણ એ તો બહુ લાંબુ પડશે.’

‘હા, આમેય મેં પેલા બધાને કહ્યું છે કે મારે દૂધના ફેરા માટે જવાનું છે એટલે હું મેળે નહીં આવું.’

‘ને પછી મેળામાં એ લોકો ભેટી જશે તો?’

‘તારે પડશે એવા દેવાશે.’

બીજે દિવસે, અમરત સાથે વાત થઈ હતી તેમ શંકર રૂડા ઠાકોર સાથે ગાડામાં બેસીને રવાનો થયો ત્યારે બળદોના અછોડા એણે પોતાના હાથમાં રાખ્યા હતા અને ઉનાઉ આવતાં એ બાપાને સોંપી ને શંકર ત્યાં ઉતરી ગયો હતો.

જ્યારથી શંકરે સવારનો ફેરો કરવાનું ચાલું કર્યું ત્યારથી ફેરામાં કોઈનો માલ ભરી લાવે એના ભાડાના જે પૈસા આવે એ શંકર બાપાને આપી દેતો હતો. પણ પહેલે દિવસે બે જણને તેમના પોટલા સાથે ગાડે બેસાડેલા તેના બે રૂપિયા મળ્યા હતા એ હજુ એની પાસે હતા એ એણે બાપાને આપ્યા તો રૂડા ઠકોરે તે પાછા આપતાં કહ્યું આમ તને રૂપિયા મળે તે હવેથી તું જ રાખજે તને વાપરવા કામ લાગશે. રૂડા ઠાકોરને ધરપત હતી કે શંકર ખોટા ખર્ચા કરે એવો ન હતો. નાનપણમાં જ્યારે પણ રૂડા ઠાકોર તેને વાપરવા પૈસો બે પૈસા આપતા ત્યારે એ એક કુલડીમાં ભેગા કરતો હતો અને મેળામાં વાપરતો. એટલે આજે એની પાસે સારા એવા પૈસા હતા એમાંથી ખપ પુરતા ગજવે ગાલીને આવ્યો હતો.

ઉનાઉમાં ધરમશીના ગોટા બહુ વખણાય એટલે સીધો ધરમશીને ત્યાંથી એક શેર ગોટાનું પડીકું બંધાવી ને રેવલીને ખવડાવવા ખભે નાખેલ ફાળિયામાં પડિકું બાંધી મેળાને મારગે રવાનો થયો.

શંકર આમતેમ નજર કરતો હળવે હળવે ટોળામાં ભળતો ઠાકરના મંદિર તરફ જઇ રહ્યો હતો. ગોટાના પડીકાવાળું ફાળિયું ખભે ભેરવી ને બાકીનું ફાળિયું માથા પર જેમતેમ વીંટીને ચોર પગલે મંદિરના પગથિયાં ચડવા લાગ્યો ત્યારે તેને કાને લવજીનો અવાજ આવ્યો પણ સારું હતું કે માવલા, ધના અને લવજીનાં મોઢાં પગથિયાં તરફ ન્હોતાં.

‘આ શંકરિયાને દૂધ પહોંચાડવાનું થયું તેમાં આપણી તો મેળાની મઝા જ મરી ગઈ નહીં?’

‘હા સ્તો ને.’ ધનાએ બધાને બીડીઓ આપતાં કહ્યું.

‘મેં તો કીધું હોત કે રૂડાબાપા એક દિવસ બન્ને ફેરા કરી નાખશે.’

‘પણ એવોએ માંન્યો ચ્યાં?’ એવું બધું સાંભળતો અને મનમાં મરક્તો શંકર સરકીને ઠાકર મંદિરમાં ચાલ્યો ગયો. મનમાં ધરપત હતી કે, તેઓ એમ જ માને છે કે હું મેળામાં નથી આવ્યો.

‘હે! કાળિયા ઠાકર આ તારે ઓટલે બેઠેલી બલાઓથી મને બચાવજે ફરી ગોકળ આઠમના તારા મેળામાં આવીશ ત્યારે ખાલી હાથે નહીં આવું સવા રૂપિયાનો પ્રસાદ લાવીશ.’ એમ મનમાં પ્રાર્થના કરતાં શંકર ઘુટણિયે પડીને પગે લાગ્યો અને આરતીની થાળીમાં પાવલી પધરાવી.

મંદિરનો ઘંટ વગાડીને જ્યારે શંકર બહાર આવ્યો ત્યારે ઓટલા પર બે માજી બેઠાં હતાં શંકર પાછો વળીને ઠાકરને નમન કરી ને મંદિરનાં પગથિયાં ઉતરી ગયો અને મોં પર ફાળિયું લપેટીને મેળા તરફ ચાલવા લાગ્યો.

રેવલી ને મંગુ ક્યાં મળશે એ બાબત ધરપત હતી પણ બીક હ્તી તો પેલા રણકાગડાઓની કે જો એ દેખી ગયા તો મેળાની મોજ મારી જશે એટલે ચારેકોર નજર કરતો અને ટોળાંમાંથી મારગ કરતો આખર હેમખેમ ચગડોળ પાસે પહોંચી ગયો. દૂરથી શંકરને આવતો જોઇને મંગુએ રેવલીની કાંખમાં ગોદો મારતાં કહ્યું: ‘લે તારો મનનો માણીગર આવી ગયો.’

રેવલી અને શંકરની આંખો એકમેકને મળતાં હેતની હેલી ઊપડી. ચગડોળ ફરતું હતું અને ફેરો પૂરો થતાં થોભ્યું અને એક પછી એક પાટલી ખાલી થવા લાગી અને એકમાં રેવલી બેઠી અને બાજુમાં મંગુ બેસવા જાય તે પહેલાં શંકરે એને હડસેલી ને પોતે રેવલીની સાથે બેસી ગયો તો સામેની પાટલી પર મંગુ અને તેની સાથે એક છોકરી બેઠી.

શંકરે ગોટાનું પડીકું મંગુને પકડાવ્યું અને પછી અજાણ્યાની જેમ આમતેમ જોવા લાગ્યો.

ચગડોળ ચાલુ થયું એટલે અદબ વાળીને બેઠેલા શંકરનો એક હાથ જરા રેવલીની કાંખ તરફ લંબાયો અને હળવેથી થોડી ગલીપચી કરી લીધી ત્યારે રેવલીએ શંકરને આંખથી ધમકાવ્યો આજુબાજુ બધા જોય છે ખબર નથી પડતી એ જોઇને મંગુ મરકી તો શંકર પાછો અજાણ્યાની જેમ આજુબાજુ જોવા લાગ્યો ત્યાં તેની નજર દૂર ઉભેલા લવા પર પડી.

શંકરે ઝટપટ મંગુ પાસેથી ફાળિયું લઇને ફાળિયામાંનું ગોટાનું પડીકું પાછું મંગુના ખોળામાં મૂકી દીધું ને એ માથાપર ફાળિયું બાંધવા લાગ્યો. મંગુ અને રેવલીએ એક બીજા સામે જોયું ને પછી એક સાથે પુછ્યું: ‘શું થયું?’

‘કંઇ નહી.’ કહી શંકર ફરી આમતેમ જોવા લાગ્યો કે લવો ક્યાં ગયો!

‘કેમ અત્યારમાં જ તાપ લાગવા માંડ્યો કે?’ રેવલી એ ટકોર કરી.

‘થોડીવાર જાળવી જા, પછી તને બધું કહું છું.’ કહી ફરી શંકરે આજુબાજુ જોયું લવો ક્યાંય નજરે ન પડ્યો એટલે એને થોડી ધરપત થઈ.

શંકરે એટલામાં સામેથી માવલા અને ધનાને આવતા જોયા અને શંકરનાં તો જાણે મોતિયાં જ મરી ગયાં. મારા વાલિડા ચગડોળમાં બેસવા જ આવે છે કે શું? એમને જોતાં શંકરની તો ચગડોળમાં બેસવાની મોજ જ મારી ગઈ.

હવે શંકરને ચટપટી થવા લાગી આ ચગડોળ ક્યારે થોભે ને આ બે વનેચરોની અમારા પર નજર પડે તે પહેલાં ક્યારે નાસી જવાય. શંકરના મોં પર ફરતા હાવભાવ બન્ને સખીઓ જોઇ રહી હતી. રેવલીથી ન રહેવાતાં તેણે શંકરને ઇશારાથી પૂછ્યું પણ ખરું કે શું થયું? તેના જવાબમાં શંકરે જરા થોભીજા એવો ઇશારો કર્યો.

ચગડોળ થોભી અને તેમની પાટલી નીચે આવી એટલે દોઢ આનો ચગડોળવાળાને પકડાવી ને રેવલીનો હાથ ખેંચીને શંકર નાઠો એ બન્નેની પાછળ મંગુ પણ દોડી અને ત્રણે ટોળામાં ભળી ગયાં.

ટોળાને વિંધીને સામે દેખતી ઝાડીની પછવાડે ત્રણે બેસી પડ્યાં. શંકરનો શ્વાસ હજી પણ ધમણની જેમ ચાલતો હતો એટલે બન્ને તેનો શ્વાસ હેઠો બેસે તેની રાહ જોતી હતી. જરા વારે શંકર જરા સ્વસ્થ થયો એટલે રેવલી એ જ અધીરાઇથી પુછ્યું: ‘શું થયું ચગડોળમાં બેઠાં ત્યારે તો તમે રંગમાં હતા ને એકાએક રંગમાં ભંગ કેમ પડી ગયો?’

‘હા ને મારી પાસેથી પડીકાવાળું ફાળિયું લઈને પડીકું મને પકડાવીને માથે ફાળિયું વીટવા લાગ્યા. વાત શું થઈ અમને પણ કહો તો કંઇ ખબર તો પડે.’ મંગળાએ સૂર પુરાવ્યો.

‘કહું છું બધું કહું છું પણ પહેલા થોડું પાણી તો પાવ.’ શંકરે ફાળિયું ઉતારી મોં લુછતાં કહ્યું.

રેવલીએ સાથે લાવેલ થેલીમાંથી લોટો કાઢી ને આજુબાજુ જોયું થોડે દૂર બાંધેલી પરબ પરથી માટલાનું ઠંડુ પાણી લાવીને શંકરને આપ્યું. પાણી પીને સ્વસ્થ થયેલા શંકરે કહ્યું: ‘મેં મારા ગોઠિયાઓને મારે તો દૂધનો ફેરો કરવા જવું છે એમ કહી ને ટાળી દીધેલા.’

‘હા, નહીંતર રેવલીનાં ટીપેલાં ઢેબરાં કેમ ખવાય!’ મંગળાએ રેવલી સામે જોતાં કહ્યું.

‘આપણે ચગડોળની મોજ માણતાં હતાં ત્યારે મને લવો દેખાયો એ ઓળખી ન જાય એટલે તો મેં મારે માંથે ફાળિયું બાંધ્યું પણ એ તો આમતેમ જોતાં જોતાં ભીડમાં ઓગળી ગયો એટલે થોડી ધરપત થઇ.’

‘તો પછી ચગડોળમાંથી ઊતરીને આમ નાઠા કેમ?’ રેવલીએ પુછ્યું.

‘હા, ને ગાંડાંની માફક હું અને રેવલીય તમારી હાર્યે દોડેલાં.’ મંગુએ કહ્યું.

‘એ તો એટલા માટે કે ભૂત ગયું ને પલિત જાગ્યા.’

‘એટલે?’

‘લવો ગયો ને થોડીવારમાં જ મેં માવલા અને ધનાને આપણા ચગડોળ તરફ આવતા જોયા મને થયું માર્યા ઠાર આ લોકો જોઇ જશે તો! એટલે એમની નજર પડે તે પહેલાં જ છટકવા માટે જ તને ખેંચીને ભાગેલો.’

‘હં, હવે કશુંક સમજાયું.’ એક ઓઢણીના કટકામાં બાંધેલાં ઢેબરાં ને ખાખરાનાં પાનમાં વીટાળેલ અથાણું કાઢતાં રેવલીએ કહ્યું. ત્યાં સુધી મંગુએ ગોટાનું પડીકું ખોલ્યું સાથે બાંધેલાં લસણની ચટણી અને તળેલાં મરચાં કાઢ્યાં.

‘તો ચાખો ને કહો કે જરખડાનાં ટીપેલાં ઢેબરાં કેવાં છે?’ રેવલીએ શંકરને કોળિયો ભરાવતાં કહ્યું.

તો સામે શંકરે ગોટાનું બટકું ચટણીમાં બોળીને રેવલી ને ખવડાવતાં કહ્યું: ‘જો કે પહેલો નંબર તો મારી માના હાથે ટીપેલાં ઢેબરાંનો જ આવે પણ હા બીજા નંબરે આ ઢેબરાં જ આવે એની ના નહીં.’

‘એ તો વાડિયે આવશે એટલે જો જો ને અમરતબા જેવાં ટીપતાં શીખી જશે.’ મંગળાએ રેવલીની કાંખમાં ગોદો મારતાં કહ્યું.

‘આ ઉનાઉના ગોટા પણ સરસ છે હોં.’ કહેતાં મંગુનું મોઢું બંધ કરવા એના મોંમાં ચટણીમાં બોળેલો ગોટો ખોસતાં રેવલીએ કહ્યું.

‘આખા પંથકમાં આ ધરમશીના ગોટા વખણાય છે.’ શંકરે કહ્યું.

પછી અલક મલકની વાતો કરતાં ઢેબરા અને ગોટા ખવાયા અને મંગુએ લાવેલું પાણી પી ને બધાંએ ધરવ કર્યો. થોડી વારે શંકર ઊઠ્યો અને માટીનાં ત્રણ કોડિયાંમાં ચા લઇ આવ્યો. પ્રેમથી ચા પીવાઈ અને પછી પાછાં વાતે વળગ્યાં.

શંકરે શીતળા સાતમના મેળામાં લવા એ ગાભા લવારની રૂડકી સાથે અડપલું કરેલું અને એમાં અડફટે પોતે ચડી ગયો ને ગાભાએ બાપાને રાવ કરેલી ને મારા બાપા એટલે? ભલા ભોળાય એટલા અને ધખાય તો ભોળાનાથ જેવા કોપાયમાન થાય તે દિવસે ખૂણામાંથી પરાણો ઉપાડવા જતા હતાં ત્યા જમનીના સસરા આવ્યા હતા તે વચ્ચે પડીને મને જો છોડાવ્યો ન હોત તો બયડો રંગઈ જાત એ વાતેય કરી ને એ સાંભળીને ત્રણે હસ્યાં.

ત્રણેય મેળામાં ભળી ગયાં. શંકરે એમને આઈસફ્રુટની લારીએથી આઈસફ્રુટ ખવરાવ્યાં પછી છેક નમતી સાંજે બધાં છૂટાં પડ્યાં.

રસ્તે જતાં રેવા તો રેવા પણ મંગુય મનમાં હરખાઈ રહી હતી. એની બેનપણીનું લગન પાકું થવાની એના મનમાં ખાતરી થઈ ગઈ હતી. લગન અને તેય રૂડા ઠાકોરને ત્યાં ને પાછો શંકર જેવો મૂરતિયો. ‘અલી, કાલ્યે જઈને જમનીભાભીને કાને વાત નાંખી દેજે.’ મંગુએ કહ્યું.

‘મારી તો એમને આવી વાત કરતાં જીભ જ નઈં(નહીં) ઊપડે. તું જ મારું નામ આલીને ગોઠવીને એમને વાત કરજે ને!’ રેવલીએ મંગુને આગળ કરી.

‘હારું મોટા ઘરનાં ઠકરાણાં તમારા વતી હું જ જમનીભાભીને કાંને વાત નાંખીશ, પછી છે કંઈ? પણ મોંયરામાં તો તારે જ બેહવું પડશે ને! કે પછી એમાંય શરમ આવશે?’

‘હવે મશ્કરી મેલ્ય ને મારું કહેવું હાંભળ્ય, એમને એમેય કહેજે કે એ નાગજીકાકાને વાત કરે.’

‘એય કહીશ. બીજો હુકમ છે કશો?’ હસતાં મંગુએ રેવલીની ઉડાડી.

‘લે, હવે એવું મૈડાટમાં બોલવાનું રહેવા દે. લગનમાં તને આગળ કરીશ, બસ?’

‘એમાં તો મારા વગર તારે ચાલવાનું જ કંઈ છે. પણ તાં(ત્યાં) હુધીમાં તો તમારે હજુ કેટલાંય છાંનગપતિયાં કરવાનાં થશે, એમાંય મારી જરૂર પડવાની જ છે.’

‘આજની મેળાની વાત મારા બાપાને કોઈક તો કહી જ દેશે, મને તો અત્તારથી એની બીક લાગવા માંડી છે.’

‘તેં પેમલા પેમલીની રમત શરૂ કરતા પહેલાં એવું વિચારી લીધું તો હશે જ ને! દા’ડે બાપાનાં ડફણાં ખાવાનાં ને રાતે મનના માણીગરનાં સમણાં જોવાનાં. એ તો મારી બૈ, જે ગોળ ખાય એ ચાડાંય પહેરે. પણ તારી હાર્યે આંમ ઘૂમતાં ક્યાંક મારેય મારી માનો માર ના ખાવો પડે તો હારું.’

‘આપણને કોઈ ઓળખીતાએ જોયાં હોય એવું જણાતું તો નહીં પણ કશું કહેવાય નહીં. આપડી તો બે આંખ્યો હોય પણ આવા ચાડિયાની તો બાર હોય.’

‘એવી બીક રાખીશ તો તારા પેલા ઠાકોરને વરવાના કોડ કેમ પૂરા થશે? પેલી હરખાફોઈની વાત તો તને ખબર છે ને. એમના બાપા એમને જીવતાં હળગાઈ મેલવા તૈયાર થયા હતા તોય એ ટસનાંમસ ના થયાં એટલે એમના બાપાએ છેવટે નમતું જોખવું પડ્યું ને. વળી રૂડાજીનું ઘર તો પાંચમાં પૂછાતું છે એટલે તારા બાપાને તો ઉમંગ થાય એવું છે.’

‘પણ જમનીભાભી નાગજીકાકાને વાત કરે તાં હુધીમાં તો મારો ભૈ મને રંગી નાંખશે એનું શું? પણ એના કરતાં મને એક બીજી ચિંતા થાય છે, એવોએ વખત છે ને ફરી પાછો એમનું ગાડું આંતરીને બાખડી બાંધવા જશે ને કંઈક ઓડનું ચોડ થઈ જશે તો!’ રેવલી બોલી.

‘તું ચિંતા ના કરીશ, હું આજે રાતે નહીં જવાય તો કાલ્યે હવારે જ જઈને જમનીભાભીને કાને વાત નાંખી દઈશ. જો તારા બાપા નાગજીકાકાને મલવા જશે તો પછી કશો વાંધો નહીં આવે.’ મંગુએ એને હૈયાધારણ આપી ને ગામ આવતાં બેય પોતપોતાના ઘર તરફ ચાલ્યાં.

એ રાતે રેવલી તો રેવલી પણ મંગુય રેવા ને શંકરનાં લગનનાં સપનાં જોઈ રહી. પોતાની બાળસખી રેવલીનાં લગન આવે રૂડે ઠેકાણે ને આવા રૂપાળા જુવાનિયા સાથે થવાનાં હોય અને એમાં પોતેય એ બેયના મેળાપમાં ભાગ ભજવ્યો હોય પછી મંગુનેય હરખ તો થાય જ ને!

એટલે તો બીજે દિવસે સવારમાં જ મંગુ જમનીભાભીને ત્યાં પહોંચી ગઈ હતી ને. ‘જમનાંભાભી, તમને ખબર છે? કાલ્યે મેળામાં તમારા ભાઈ, હું ને રેવલી ભેગાં થઈ ગયાં હતાં. તમારા ભાઈને રેવલી ગમી ગઈ છે. ને તમનેય રેવલી ગમે છે એટલે તમે હવે નાગજીકાકાને કાને વાત નાંખો તો…’

‘એમ તો તુંય મને ગમે છે એટલે શું મારે તમારી બેય માટે બાપાને કહેવાનું છે? મને તો ઓટલી ખબર છે કે તમે બેય જણીયો મારા ભાઈની પાછળ પડી ગઈ છો. મેળાની વાત તો કાલ્યે થઈ પણ એ પહેલાંનીય તમારી વાતોની મને જાણ છે.’

‘તમે બધુંય જાંણો છો તો નાગજીકાકાને કાને વાત તો નાખશો ને? એમને કહેજો ને કે રેવલીના બાપાને બોલાઈને વાત કરે.’

‘તું કહેતી હો તો શંકરના કોઈ ગોઠિયા માટે તારીય વાત કરી નાંખવાનુંય કહી દઉં ભેગેભેગું. છે કોઈ ધ્યાનમાં?’

‘તમેય શું ભાભી મારી મશ્કરી કરો છો.’ કહેતી શરમાઈને મંગુ બહાર દોડી ગઈ.

પછી ભાઈના લગનની વાતમાં બહેન મોડું કરે ખરી? જમનાએ સસરાને કાને વાત નાંખી ને જાણે શંકરનાં લગનની વાતને પાંખો આવી.

વેરાન હરિયાળી-૧૦-જયંતિભાઈ પટેલ

“શંકરનાં લગન”-૧

રેવલી કે મંગુ ભલે ગમે તેમ માનતાં હોય પણ એમણે મેળામાં જે ગોઠડી કરી હતી એની વાત છૂપી ક્યાં રહેવાની હતી? ગામડા ગામમાં સારી વાત ફેલાતાં ભલે વખત લાગતો હોય પણ કુથલી તો વાયુવેગે ફેલાઈ જાય છે. મેળામાં એ બેય જણીઓ શંકરને મળી એની સુધારા વધારા સાથેની વાત એ રાતે જ રેવલીના ભાઈ રતનાને એના દોસ્તોએ કરી ધીધી.

‘એ મંગળી જ રેવલીને ચડાવે છે. કાલ્યે હવારે એનેય એવો હવાદ ચખાડીશ કે ગાંમની બહાર નીકળવાનુંય ભૂલી જશે.’ કાળઝાળ થતાં રતનો બોલી ઊઠ્યો.

‘હું તો મંગળીના બાપા વખતાકાકાનેય કહેવાનો છું. આમાં એવોએ શંકરિયો કોક દા’ડો એકાદને ભગાડી જાય તો તો આખા ગાંમની આબરૂ જાય.’ એકે કહ્યું.

‘આપણને કંઈ એ શંકરિયાની બીક લાગે છે? એ મોટો હોય તો એના ઘરનો. આપડે કંઈ એના ગાડામાં બેહવા જવું છે?’ બીજો બોલી ઊઠ્યો.

‘તું કહેતો હોય તો કાલ્યે હવારે જ એનું ગાડું આંતરીને એવો ઝાપોટીએ કે ફરી જરખડાની ભાગોળેય આવવાનું નાંમ ના લે. બાલ્ય છે વિચાર?’ ત્રીજો બોલી ઊઠ્યો.

‘ના, કાલ્યે નહીં. હું પહેલાં રેવલીને ઢંઢોળી લઉં ને બાપાને કાંનેય વાત નાંખી દઉં એટલે પછી આપડે છીએ ને એ શંકરિયો છે.’

બીજે દિવસે ઊઠતાં વેંત રતનાએ હાથમાં પરોણો લીધો ને રેવલીને ધીબવા માંડી. એની મા આડી ફરી વળી તો એક ઝાપોટ એનેય પડી ગઈ. ‘તને શું થયું છે કે એને આંમ વગર વાંકે ઝુડવા માંડ્યો છું? કંઈક કથોલું વાગી જાય તો કાયમની ખોડ થઈ જાય. કાલ્યે હવારે એને પૈણાવાની છે એનો તો વચાર કર્ય જરા.’

‘તે પૂછ ને તારી માંનીતીને કે કાલ્યે મેળામાં વડિયાના પેલા શંકરિયા હાર્યે શેનાં છાંનગપતીયાં કરતી હતી? પેલાને ખવડાવવા ઘેરથી ઢેબરાંય લઈ ગઈ’તી પાછી.’

‘અલી, રતનો કહે છે એ હાચું છે?’

‘એ એમ નહીં બોલે. આજે તો મને એવો કાળ ચડ્યો છે કે મનમાં થાય છે કે હું એના કટકા કરીને કોઢ્યમાં દાટી દઉં.’

‘હમણાં તારા બાપા આવે એટલે એની વલે કરાવું છું. તું ધીરો પડ. પાડોસમાં કોઈ જાંણે તો ઘરની આબરૂ જાય.’

‘હવે આબરૂ જવામાં શું બાકી રહ્યું છે? કાલ્યે રાતથી જ આખા ગાંમમાં બધાને ખબર પડી ગઈ છે. એ શંકરિયાનું ગાડું આંતરીને એનાં હાડકાં ભાગી નાંખવા મારા ગોઠિયા તો તૈયાર થઈને બેઠા છે.’

‘એવું કરશો તો જે નહીં જાંણતા હોય એય જાંણશે. એક વાર તારા બાપાને આવવા દે પછી તમારે એ કભારજાનું જે કરવું હોય એ કરજો, હું એમાં આડી નહીં આવું.’

ત્યાં લોટે જઈને રેવાના બાપ મગનોજી આવી ગયા. એમણે હાથમાં પરોણો લઈને ઊભેલા રતનાને ને ટૂંટિયું વાળીને ખૂણામાં પેસી ગયેલી રેવલીને જોઈ અને કશું ન સમજાતાં પત્નીને પૂછ્યું: ‘આ શી ધમાલ માંડી છે તમે બધાંએ હવારના પહોરમાં?’

‘મને શું પૂછો છો? પૂછો ને આ કભારજાને. કાલ્યે મેળામાં જમનીવહુના ભૈ શંકરિયા હાર્યે કાળું કરવા ગઈ’તી તે.’

‘બા, એવું નઠારું ના બોલીશ. હું એકલી ન’તી, મારી હાર્યે મંગળીય હતી. જેણે તમને વાત કરી હોય એને જ પૂછી લે ને.’ રડતે અવાજે રેવલીએ કહ્યું.

‘મારે એનેય પૂછવું નથી કે તનેય નથી પૂછવું. આજથી ઘરની બહાર પગ મેલ્યો છે તો તારો ટાંટિયો જ ભાગી નાંખીશ.’ એના બાપાએ ઘાંટો પાડ્યો.

‘તમે આમ ઘાંટા પાડશો તો આખું ગામ જાંણશે. એના કરતાં પહેલા નાગજી મોટાને મલીને એમને કહો ને કે શંકરને ઠપકો આલે કે એ આપડી રેવલીનો કેડો મેલી દે. આપડે રેવલીને કાબુમાં રાખીએ અને એ લોકો શંકરને દાબમાં રાખે એટલે પત્યું.’ રેવાનાં બાએ કહ્યું.

‘એમાં એમનાથી શું થવાનું છે? તમારે એમને વાત કરવી હોય તો કરો બાકી મારો વિચાર તો એવો છે કે અમે બેચાર ભાઈબંધો કાલ્યે એનું ગાડું આંતરીને એને એવો જુલાબ આલીએ કે એવોએ જરખડા પાર નીકળવાનુંય ભૂલી જાય.’

‘ના, એવું ના કરાય. ગમે તેમ તોય એ નાગજી મોટાનો હગો છે એટલે એમને કહીશું એટલે એ પેલાને ઠપકો આલશે.’ રેવાનાં બાએ કહ્યું.

‘તને એમ લાગતું હોય તો હું અત્તારે જ મોટાને મલીને એમને વાત કરું. જો એમનું કહ્યું ના માંને તો મારે વડિયે જઈને એના બાપાને જ વાત કરવી પડશે. રતનો કહે છે એવી મારામારી કરીને ખોટું વેર બાંધતાં મારું મન પાછું પડે છે.’ એના બાપાએ કહ્યું ને માથે ફળિયું વીંટતાં મોટાના ઘર ભણી ચાલ્યા.

નાગજીભાઈ હજુ હમણાં જ ચાપાણી પતાવીને બહાર હીંચકે બેસી હોકો ગગડાવી રહ્યા હતા. એમણે સવારના પહોરમાં મગનને પોતાને શોધતો આવતાં પૂછ્યું: ‘સવારના પહોરમાં મને શોધતો આવ્યો છું તે કશું ખાસ કામ છે કે શું?’

‘તારા હગાની ફરિયાદ કરવા આવ્યો છું, મોટા. આ તમારા વેવૈના શંકરને બે વેણ કહીને ટોકો ને એને મારી રેવલીનો કેડો મેલી દેવાનું કહો તો સારું.’

‘એણે એવું તે શું કર્યું છે કે તારે મને ફરિયાદ કરવી પડી?’

‘એ આણંદથી આવતાં સેમાડેવાળેથી પરાંણે મારી રેવલીને ગાડામાં બેહાડી દે છે. વળી કાલ્યે મેળામાંય એની હાર્યે ચકડોળમાં બેહી ગયો’તો ને એમાંથી ઊતરીને એને ઢહૈડીને એક બાજુ ખેંચી ગયો’તો. તમે એને ટોકો ને રેવલીનો કેડો મેલી દેવડાવો. કોઈક જાંણે તો એને તો વાંધો ના આવે પણ રેવલી તો વગોવૈ જાય. પછી કોણ એનો હોથ ઝાલે?’

‘તું કહેતો હોઈશ તો હું એને ઠપકારીશ એટલે એ રેવાનો કેડો મેલી દેશે પણ ભૈ મગન, મને થાય છે કે તને માથે ધોળાં આયાં ને ટાલેય પડી તોય તારામાં અક્કલ નથી આઈ એનું શું કરીશું?’ મૂછોમાં મલકાતાં નાગજીભાઈ બોલ્યા.

‘એમાં મારાં ધોળાંની શી વાત છે?’ ગૂંચવાઈને મગને સામું પૂછ્યું.

‘તારાં ધોળાંની તો બધી વાત છે. આટલી ઉંમર થઈ તોય તને સાન નથી આવી એનું શું? તારે આવી ઊંધી વાત કરવાને બદલે મને આઈને એમ કહેવું જોઈએ કે રેવલી અને શંકરનાં દિલ હળી ગયાં છે એટલે તમે મારી હાર્યે આવો ને રેવલીનું તમારા વેવઈને તાં પાકું કરી આલો. એને બદલે તું આવી ઊંધી વાત કરું એટલે મારે એવું જ માંનવું પડે ને!’

‘એવું કરો તો તમારા મોંમાં હાકર, પણ હવે રૂડોજીની આબરૂની વાતો મલકમાં થાય છે. એમને મારા કરતાં હારાં ઠેકાણાં એક કહેતાં હજાર મલી જાય. એટલે એવા ઘરનો સંબંધ લેવાનું મારું ગજું નહીં. એ તો તમે પણ જાંણો છો.’

‘ગજુ ચ્યમ નહીં? તારી આબરૂમાં શી ખોટ છે? ને રેવલીમાંય શી ખોટ છે?’

‘એ બધી વાત હાચી પણ એ ઘર ને એ વર મારા હાથમાં આવે નહીં ને આવે તો મારાથી ઊંચકાય પણ નહીં. એમણે એમની જમનાંના લગનમાં જે ખરચો કર્યો હતો એવો ખરચ કરવાનું મારું ગજુય નહીં.’

‘આ નાગજી મોટા કહે તોય એ ઘર તારા હાથમાં ના આવે એમ લાગે છે તને? ને તને ખરચની ચિંતા હોય તો હું એમને દાબીને કહી દઈશ એટલે તને બહુ ખેંચી નહીં પાડે. તોય વખત છે ને તારે પાચસો હાતસોની તૂટ પડે તો પાછળ હું બેઠો છું, પછી છે કાંઈ?’

‘તમે કહો છો એમ પતતું હોય તો હોના જેવું. મને તો તોય મનમાં ગભરાટ થાય છે. હું એકવાર ઘેર જઈ આવું. ઘરમાં બધાંને વાત કરી લઉં પછી બપોરે હું તમને મલવા આવું છું. તમે કહો એમ કરીએ પણ મને હજુય પત્ય પડતી નહીં. જો એ ના પતે તો તમારે મને બીજું ઠેકાણું ખોળી આલવું પડશે હોં.’

‘ના કેમ પતે. તું કહેતો હો તો આજે જ હેંડ્ય મારી હાર્યે વડિયે તને પાકું કરાઈ આલું. પછી છે કંઈ?’

‘તમે આગળ થવાની વાત કરી એટલે મારા પગમાં જોર આયું પણ હું એક વખત ઘેર જઈ આવું.’ કહેતાં એ ઉતાવળો પોતાના ઘર તરફ ચાલ્યો.

ઘેર આવી એણે પોતાની પત્ની અને દીકરા રતનાને બધી વાત કરી. નાગજી મોટા એની હાર્યે વડિયે આવવા ને એમના વેવાઈને સમજાવવા તૈયાર હતા એ જાણી એની પત્નીને તો મનમાં હરખ હરખ થઈ ગયો. પણ રતનો ગૂંચવાઈ રહ્યો. એણે થોડા દા’ડા પહેલાં શંકરની હાર્યે જે જીભાજોડી કરી હતી એને લીધે આ વાતમાં વાંધો આવશે એ વિચારે એ ગભરાઈ રહ્યો હતો.

ને આવી સારી વાતમાં વાયદો શો એમ ગણી મગન ને નાગજી મોટા એ જ દિવસે મોટાનું ડમણિયું જોડીને વડિયે પહોંચ્યા. રૂડાને ઘેર જઈ ચાપાણી પતાવી હોકો ગગડાવતાં નાગજીભાઈએ વાત ઉપાડી: ‘જુઓ રૂડાજી, અમે આવ્યા છીએ આ મગનભાઈની છોડીના લગનની વાત કરવા.’

‘તમે હાર્યે આવ્યા છો એટલે મારે શું કહેવાનું હોય? મગનભાઈને તો હું જાંણુંય છું. હા, એ એકલા આવ્યા હોત તો મારે એમને વાયદો કરવો પડત. તમારા ગાંમનું ઠેકાંણું હોય તો મારાથી તમને પૂછ્યા વગર પાંણીય ના પીવાય એટલે. પણ તમે હાર્યે છો એટલે હા જ પાડવાની હોય ને!’

‘રૂડાજી, હાચી વાત કહું, હું ને તમે ઊંઘતા રહ્યા ને શંકરે ઘર હોધી લીધું છે.’ નાગજીભાઈએ મલકાતાં ટકોર કરી.

‘આજે હવારે જ મારે કાંને એવી વાત આવી છે ને હું એને ઠપકો આલવાનોય હતો પણ આપણને ગોઠતું છે એટલે મારે એને કશું કહેવાનું ના રહ્યું.’ રૂડાએ કહ્યું.

‘જમાનો બદલૈ ગયો છે. અને શંકર તો રોજ આણંદની ઝાકઝમાળનો ભોમિયો ને વળી કમાતો ધમાતો ને વરણાગિયો એટલે જરખડાના કેટલાયની નજરમાં આવી ગયેલો. એકબે જણાએ મને વાત પણ કરેલી પણ જમનાંને આ વાતનો ગણહારો આવી ગયેલો ને મારે કાને વાત નાંખી દીધેલી એટલે મેં એ લોકોને ટાળેલા.’ નાગજીભાઈએ મલકાતાં કહ્યું.

ત્યાં ખેતરમાં શંકરને કોઈકે નાગજી મોટાના આવ્યાની વાત કરી હશે એટલે એય ઘેર આવી પહોંચ્યો. એને જોતાં મોટાએ કહ્યું: ‘લે, તેં જમનાંને વાત કરી હતી એ વાતનું પાકું કરી દીધું, બધું બરાબર છે ને?’

‘શાંની વાત?’

‘શાંની તે આ મગનભાઈની દીકરી રેવાની વાત. રૂડાજી કહે છે કે શંકરને ગમે તો હા પાડું, બોલ, તને ગમે છે?’

‘એમાં મને શું પૂછવાનું! તમે મોટાઓ નક્કી કરો એ ખરું.’

‘પણ રેવાને બદલે કોઈ બીજી છોડીની વાત હોય તો?’

‘તમેય શું બાપા, મારી મશ્કરી કરો છો!’ કહેતો શંકર ઘરમાં પેસી ગયો.

‘તું મનેય કશું કહેતો નથી પણ મને બધી ખબર છે. જમનીએ મને મનોરભૈની મંગુ હાર્યે હંદેહો કરેલો. તને ગમતું આયું એટલે મને હરખ થયો.’ અમરતે એને ધીમે સાદે કહ્યું.

રૂડાએ ગોર મહારાજને બોલાવ્યા ને સારું ચોઘડિયું જોવડાવીને બધાએ મોં મીઠાં કર્યાં. પછી હરખાતા મગનની સાથે નાગજીભાઈ જરખડે જવા નીકળ્યા. રૂડો સાંજના ફેરાની તૈયારીમાં પડ્યો ને શંકર ઊપડ્યો દોસ્તોના ટોળામાં. એને પોતાના લગનની વાત દોસ્તોમાં કરવાની તાલાવેલી હોય જ ને! એણે પોતાના ગોઠિયાઓને પડતા મેલીને મેળામાં છાનેમાને પહોંચીને પોતે રેવા સાથે કરેલી ગોઠડીની વાતેય કરી ને પોતાનાં લગન એની હાર્યે પાકાં થઈ ગયાની વાતેય એમને કરી.

આ બાજુ નાગજીભાઈ અને મગન ગામમાં પહોંચ્યા ને બેય ઘરમાં હરખની જાણે હેલી ચઢી. રેવાની બા ગોમતીએ થાળીમાં ગોળ અને ધાણા કાઢી પિતરાઈઓને બોલાવી રેવાના વિવાહની વધામણી વહેંચવા માંડી. તો પોતાના શંકર સાથેના વર્તાવની વડિયામાં કેવી આંધી ઊઠશે એની ચિંતામાં ડૂબેલો રતનો તો આ સમાચાર જાણી એવો હરખાઈ ઊઠ્યો કે એ બધા દોસ્તોને આ સમાચાર જણાવવા બહાર નીકળી ગયો.

એને તો કાલે શંકરને હલકો કરવાને બદલે એની પાસે માફી માગવાની વાત પણ પોતાના દોસ્તોમાં કરવાની હતી ને! એની વાત સાંભળીને એના દોસ્તો પણ આનંદમાં આવી ગયા. બધાને આમ તો શંકર ગમતો હતો જ. હવે લગન ગોઠવાઈ જતાં એ વધારે વહાલો લાગવા માંડ્યો. એમણે આવું ઘર ને આવો મૂરતિયો મળવા માટે રતનાને અભિનંદન આપવા માંડ્યાં. રતનો કહે: ‘કાલ્યે હવાર્યે ગાડાને વખતે આપડે બધા શંકરજીને મલવા ભગોળે જઈશું ને એમને ચાપાણી કરાવીશું.’

તો એક જણ કહે: ‘ચા તે કંઈ ચાલતી હશે? ગબા પાસે બશેર પેંડા બનાવડાવીએ ને એમનું મોં મીઠું કરાવીએ તો એમને વધાવ્યા જેવું લાગે.’

ને બધા ઊપડ્યા ગબાની દુકાને. ગબો કહે: ‘બશેરમાં શું થશે? ગામમાંય જે જાણશે એ માગશે. કોને આલશો ને કોને બાકી મેલશો? એના કરતાં પાંચશેર તાજા જ બનાવી દઉં. ઘર ને વર બેય પાંચમાં પૂછાતાં વહોર્યાં છે એટલે બધાંય હરખ કરવા આવશે.’ ને બધાએ એની વાત મંજૂર રાખી.

ગોમતીએ પેંડાની વાત જાણીને એય મનમાં મલકાઈ રહી. એણે મનમાં જ ગણતરી કરવા માંડી. શેર રેંડા તો રતનો એના દોસ્તોમાં જ વહેંચી દેશે. વળી શેર તો શંકરજીને ખવડાવતાં બધા ફરી ખાઈ જશે. પછી જે તૈણ શેર વધશે એમાંથી બીજા કોઈને ઘેર ના મોકલીએ તોય નાગજી મોટાને ત્યાં તો અગિયાર પેંડા મોકલવા જોઈએ. બાકીના પેંડા એકના બેબે કટકા કરીને થાળીમાં કાઢીશું ને જે હરખ કરવા આવશે એમને અડધો અડધો આલીશું. કોઈ બીજાને ઘેર મોકલવા નથી.

તો રેવલી કહે: ‘તારે બીજાને ઘેર ના આલવા હોય તો તું જાણું પણ પાંચ પેંડા મંગળીને ઘેર તો મોકલવા જ પડશે.’ હજુ એના મોઢામાં શબ્દો હતા ત્યાં જ મંગળી આવી પહોંચી. એ ખેતરમાં ચાર લેવા ગઈ હતી ને ઘેર આવતાં વાત જાણીને સીધી જ રેવલીને મલવા આવી પહોંચી હતી.

‘તું હો વરહ જીવવાની છું. અમે તારી જ વાત કરતાં હતાં ત્યાં તું આવી.’ એને જોતાં ગોમતી બોલી.

‘મારી વાત તો કાકી કરવી જ પડે ને! તમે હવાર્યે રેવલીને ઢમઢોરી હતી એમ એની હાર્યે જવામાં મારી માએ મનેય હલકી કરી નાંખી હતી. લો, હવે મોઢું મેંઠું કરાવો.’ એણે કહ્યું.

‘એની જ વાત કરતાં હતાં. રતનો ગબાને પાંચ શેર પેંડાનું કહી આયો છે. ગાંમમાં તો કોઈને ઘેર મોકલવાના નથી પણ તારી બેનપણી કહે કે બીજે ના મોકલો તો વાંધો નહીં પણ મંગળીને ત્યાં તો પાંચ પેંડા મોકલવા જ પડશે.’

‘કાકી, પાંચ પેંડામાં શું થશે? આની હાર્યે જતાં હાડકાં ભગાવ્યાં એના બે વધારે જોઈશે.’

‘એ તો તું અહીં આઈને ખાધા વગર ઓછી રહેવાની છું!’

અમરતે મનમાં જે હિસાબ માંડ્યો હતો એમ બીજે દિવસે સવારમાં રતનાએ શંકરને માટે શેર પેંડાનું જુદું બંધાવેલું પડીકું લીધું ને બીજા શેરેક પેંડા દોસ્તો માટેય જુદા લીધા તો ગોમતી કહે: ‘આખું પડીકું લીધું છે તે ઓછું છે કે બીજા વધારે લીધા?’

‘આ શેરનું પડીકું છે એ તો એમને વડિયે લઈ જવા આલવાનું છે ને આ છૂટા પેંડા છે એમાંથી એમનું ને મારા દોસ્તોનાં મોઢાં મીઠાં કરાવવાનાં છે.’ કહેતાં એ બેય પડીકાં લઈને બહાર નીકળ્યો. એના દોસ્તોને તો એના કરતાંય વધારે ઉતાવળ હોય એમ બધા ચૌટે એની વાટ્ય જોતા ઊભા જ હતા. વળી એક જણ તો હજારીનાં ફૂલનો હાર પણ બનાવરાવી લેતો આવ્યો હતો. પછી આ આઠદસ જુવાનિયાનું ટોળું ગામની ભાગોળે પહોંચ્યું.

શંકરનું ગાડું ભાગોળે આવ્યું એટલે બધા એને ઘેરી વળ્યા. એક જણ કહે: ‘એમ અમારા ગાંમની ભાગોળેથી ટેક્સ આલ્યા વગર નહીં જવા દઈએ. અત્તારે ઘેરથી કશું ના લાવ્યા હો તો વાંધો નહીં આવતી વખતે આણંદમાંથી લેતા આવજો. અવડે અમે તમારું મોઢું મીઠું કરાવીએ.’ કહેતાં એક જણાએ પેલો ફૂલનો હાર શંકરને પહેરાવ્યો ને રતનાએ પેંડાનું પડીકું ખોલી એમાંથી સામટા બે પેંડા શંકરને પોતાને હાથે ખવરાવ્યા. સામેથી શંકરેય બે પેંડા એને ખવરાવ્યા. પછી શંકરે રતનાના બધા દાસ્તોનેય એકએક પેંડો ખવરાવ્યો.

‘ભયા, એમ અમારા પડીકામાંથી પેંડા વહેંચો એ નહીં ચાલે. અમને ખવડાવવા હોય તો આણંદથી આવતાં બંધાવતા આવજો.’ બીજાએ કહ્યું.

‘તે જરખડામાં આવો ઊંધો રિવાજ છે એની મને ખબર નહીં. કાલ્યે હવારે જાંન જોડીને આવીએ તારે પાછા ના કહેશો કે ઘેરથી ભાથું બાંધીને આવજો.’ શંકરે પેલાને ઉડાવ્યો.

‘એ વખતે તો તમને ધરવી દઈશું પણ આજે તમારાથી એમ છટકી જવાવાનું નથી. બપોરે ગાડું આંતરીને લાગો વસુલ કરીશું.’

‘બપોર હુધી વાટ્ય ના જોવી હાય તો ચાલો ને મારી હાર્યે. આણંદમાં આખાં ભાંણાં જ જમાડી દઉં.’

‘એ બધું તો ભયા તમારા જેવા પહોંચતા માણસને પોસાય. અમારે તો ચા ને ગોટા જ છપ્પન ભોગ જેવા.’ એક જુવાનિયે કહ્યું.

આમ હળવાં ટોળ ટપ્પાં થતાં હતાં તાં ત્યાં રતનો કહે: ‘શંકરજી, સંબંધ ગોઠવૈ જશે એવો મને સપનેય ખયાલ નહીં એટલે એ દા’ડે તમારી હાંમે થૂંક ઊડાડેલી એ ભૂલી જજો.’

‘એ તો હું ચ્યારનોય ભૂલી ગયો છું એટલે તો આ લગન ગોઠવાયાં. પણ હવે મને જરખડાનો રસ્તો ના ભૂલાઈ દેતા પાછા.’

‘એવું તો હોય? તમે કહેશો તો તમારા ગાડાને વખતે ભાગોળે હાથમાં ચાનું ડોલકું લઈને ઊભો રહીશ, પછી છે કંઈ.’

રોજ જરખડાની ભગોળેથી દૂધનું ગાડું લઈને જતો આવતો ફુટડો જુવાન શંકર જરખડાના કોઈથી અજાણ્યો ન હતો. વળી રૂડા ઠાકોરનું ઘર હવે તો પાંચમાં પુછાતું થઈ ગયું હતું અને નાગજી મોટા જેવાના ઘર હોર્યે એમનો નાતો હતો એટલે શંકર ગામના કેટલાયની આંખમાં વસી ગયો પણ હતો. પણ આ સંબંધ બંધાયો એટલે તો શંકરનું ગાડું ભાગોળેથી નીકળે એટલે કોઈ એની ખબર પૂછતું તો કોઈ મશ્કરીય કરી લેતું હતું. જાણે શંકર પોતાના ગામનો જ માણસ હોય એમ બધાને લાગવા માંડ્યું હતું.

હવે અમરતનેય શંકરના લગનની ઉતાવળ આવી ગઈ હતી. એણે જમનીને સંદેશો કરી દીધો હતો કે મોટાને કહીને વસંત પંચમીએ લગન લેવડાવી દે. એટલે મોટાએ મગનને બોલાવીને એને કહ્યું: ‘હવે કેડ્ય બાંધ વડિયેથી સંદેશો આવ્યો છે કે વસંત પાંચમને મૂરતે લગન પતાવી દેવાં છે.’

‘મોટા, એટલું તો બહુ વહેલું પડે. મારો વિચાર તો માગશર મહિને લગન લેવાનો હતો.’

‘આખું ચોમાસું તે લગન  ઊભાં રખાતાં હશે? તારે કશી આંટી હોય તો મને કહે એટલે એનો ઊકેલ કઢીએ.’

‘આંટીમાં તો એવું છે કે લગનમાં વાપરવા જેટલા દાંણા ખેતીમાંથી આવે ને થોડા વેચ્યા હોય તો લગનમાં એટલી ભીડ ઓછી.’

‘એમ હાથ ચાટ્યે કાંઈ પેટ ના ભરાય. એમ કર હું તને લગનના ખર્ચા માટે હજાર રૂપિયા આપીશ. તારે કારતક મહિને જેટલા અપાય એટલા પાછા આપજે. બાકીના વરસે બે વરસે જેમ વેંટ પડે એમ આપજે, બસ!’

‘તમારો ટેકો છે તો મનમાં ધરપત રહે છે. એક મહિના પછીનું ગોઠે એ મૂરત કઢાવી લો. હું લાકડાં ફાડી લેવડાવું ને છોડીનાં ને અમારા બધાંનાં લૂગડાંનો વેંટ કરી લઉં. વાપરવા જેટલા દાણા તો ઘરમાં પડ્યા હશે. સોનું તો તૈયાર રાખ્યું છે એની માએ.’ મગને કહ્યું.

‘એટલું હોય તો ભયોભયો. પછી તને કશાયની તૂટ નહીં પડવા દઉં.’

‘એમ તો ઘરમાં પાંચસો રૂપિયા જેટલા હશે. આ વીવા થયા ત્યારથી એની માએ દૂધના પૈસા બધા એકપા’ મેલવા માંડ્યા છે એટલે ભલું હશે તો થોડા વધારેય નાકળે.’

‘ના નીકળે તોય તું પૈસાની ચિંતા ના કરીશ. તારે જ્યારે લૂગડાં લેવા જવું હોય ત્યારે હું હાર્યે આવીને આણંદમાંથી લખીને અપાવી દઈશ. પછી તું તારે મહિને દોઢ મહિને આપીશ તોય ચાલશે.’

મગને ઘેર આવીને રતનાને ને ગોમતીને પાસે બેસાડીને બધી વાત કરી. ગોમતી કહે: ‘અમરતબેન ઉતાવળ કરાવે છે પણ મહિનો ખમ્યાં હોત તો ઘરમાંથી હજાર રૂપિયા નીકળત. પણ આજેય સાતસેં આઠસેં તો નીકળશે જ.’

‘મોટાએ તો કહ્યું જ છે કે જેટલા રૂપિયા જોઈએ એટલા મારી પાંહેથી લઈ જજે. પણ આપણે ના છૂટકે જ એમની પાંહે લેવા છે.’

‘ખરચો તો ઓછો નહીં થાય. હાંમે રૂડજીનું ઘર છે ને ગાંમમાં મોટાનું. આપણે એમનાં ઘરાંને હિસાબે સોઈ કરવી પડશે. આપડું ખોટું દેખાય એવું આપડે થવા દેવું નથી.’

‘મને શંકરજીએય બેબોલા કહી રાખ્યું છે કે પૈસાની ભીડ પડે એમ હોય તો પાંચસો મારી પાસેથી લઈ જજે. પણ એમની પાસે માગતાં મારું મન પાછું પડે છે.’ રતનાએ કહ્યું.

‘એ તો કહે પણ આપડે એવા ના લેવાય. મોટાએ લૂગડાં આણંદથી ઉધાર અપાવવાનું કહ્યું છે ને એના પૈસા મહિને દોઢ મહિને આપીએ તો ચાલશે એવું ગોઠવવાનું એમણે માંથે લીધું છે એટલે આપડે એમની પાંહેથી રોકડા તો બનતાં હુધી નહીં લેવા પડે. પણ લુગડાંના આલતી વખતે તૂટ પડશે તો એમની પાંહે માગી લઈશું.’

‘એમણે અને નાગજીકાકાએ હાંમેથી હાથ પકડવાની વાત કરી છે એટલે મને લાગે છે કે એમનેય આ અવસર ભભકાથી ઉજવાય એવું મન છે. તો આપડેય એમનાં ઘરને હિસાબે લગન કરી બતાવવાનાં છે. હું નથી માનતો કે પાંચસોથી વધારે ખૂટે. અરે એટલા તો આપણે ખેતીમાંથી આ વરસે જ કૂટી કાઢીશું.’ રતને કહ્યું.

રતનાની વાતથી પેલાં બેયને મોટાના મનનો તાગ આવી ગયો. એમણેય લગન સારી રીતે ઉજવવા કમર કસી. રતનાના ગોઠિયા પણ લગનના કામમાં વળગી ગયા. ગામના બીજા લોકોય વગર બોલાવ્યે પોતને લાયક કામમાં વળગી ગયા.

હજુ તો લગનને પાંચ દા’ડા બાકી હતા ત્યાં આખું ગામ ચણોઠી જેવું ચોખું થઈ ગયું. શંકર બધાને ભાવતો હતો અને એની જાન પોતાના ગામમાં આવવાની હતી એટલે લગનનો આ અવસર જાણે આખા ગામનો બની રહ્યો હોય એમ લાગતું હતું.

૧૧. શંકરનાં લગ્ન-૨ – પ્રભુલાલ ટાટારીઆ

June 7, 2010 by vijayshah | સંપાદન

વેવિશાળ નક્કી થયાના બીજા જ દિવસે રતનો અને એના ભેરૂબંધ જરખડાની ભાગોળે શંકરને હરખ કરવા જવાના છે એ જાણી રેવલી ને મંગુ ચારનાં પોટલાં વાઢવા રોજ કરતાં વહેલી રવાની થઈ. પેલા વડના ઝાડ હેઠળ ચોતરા પર મંગળીને બેસાડી શંકર માટેનું ચારનું પોટલું ભળાવીને રેવલી ઘર ભેગી થઈ ગઈ. રતનો અને એના ભેરૂબંધ આવ્યા ત્યારે રતનાને ચારનું પોટલું ભળાવી મંગળા પણ ઘર ભેગી થઈ ગઈ.

ત્રીજા દિવસે હંમેશ મુજબ શંકરના ગાડાની રાહ જોતી રેવલી અને મંગળી વડના ઝાડ હેઠળ બેઠી હતી તે જોઈ શંકરે ગાડું થોભાવ્યું તો રેવલી અને મંગુએ ચારનાં પોટલાં ગાડામાં નાખ્યાં. મંગુ ચારનાં પોટલાં સાથે બેઠી તો રેવલીએ કુદીને શંકરની લગોલગ બેસીને મંગુ તરફ જોઈ બળદોની રાશ હાથમાં લઈબળદને ડચકારવા માંડ્યા તો મંગુ મોટો નિશ્વાસ મૂકી બોલી: ‘હા ભાઈ હવે તો તું હક્ક્થી ગાડામાં બેસીસ, પણ શંકરજી, એવીએ અત્યારે તો એકલું ગાડું હાંકે છે પછી દાબમાં નહીં રાખો તો તમનેય હાંકવા ન માંડે તે જોજો.’

‘ચૂપ મર ડાહ્યલી.’ કહી રેવલી રાશ શંકરને પકડાવી ને મંગુની બાજુમાં જઈને બેઠી.

‘આ મંગુએ કહ્યું એટલામાં જ દૂર જઈ બેઠી તો ગામના માણસો જોશે તો ગાડામાં પણ નહીં બેસે કે?’

‘હું જ્યાં છું ત્યાં જ બરોબર છું તમે બન્ને ભેગાં મળીને મને લપેટામાં લેવાનું રહેવા દો.’

‘હું તો તને શું લપેટામાં લેવાની હતી તું તો આંમેય શંકરજીને આફૂળી લપેટાઈ ગઈ છો.’

‘મંગળી, તું હવે મરવાની થઈ છો હોં.’ દાંતરડાના હાથાનો ગોદો મંગળીની કૂખમાં મારતાં રેવલીએ કહ્યું.

‘હું તો જ્યારે કોઈ મળશે ત્યારે મરીશ તું તો આમેય પહેલા દિવસે ગાડામાં બેઠી ત્યારે જ શંકરજી પર મરી પડી હતી ને, સાચું કહેજે.’

‘મં…ગ…ળી…’

‘હવે પૂછે છે તો જવાબ આલ ને.’ શંકરે કહ્યું

‘આ તો મોટો પાડ નાગજીકાકાનો નહીંતર આ મળવાના બહાને જ મને મારો ભાઈને મારો બાપ મારીને ભોંમાં ભંડારી દેત.’

‘તો હું તેના પર એક દેરી ચણાવત.’ શંકરે મજાક કરી.

‘પેલા મોગલ બાદ્શાહની જેમ?’ મંગુએ પૂછ્યું.

‘નહીંતર શું, હું બાદશાહ અને રેવલી રાણી.’

‘હા, વાત તમારી સોળ આના સાચી અલી ઉતર જરખડું આવી ગયું. વાડિયે જવાને હજી વાર છે.’ કહી બન્ને પોટલાં ઉતારી ને રવાના થઈ.

રતના અને એના ગોઠિયાઓએ શંકરને પેંડા ખવડાવી હરખ કર્યો પછી શંકર રેવલી અને મંગુને થોડે દૂર ઉતારતો હતો એને બદલે ગામની ભાગોળ પાસે ઉતારવા લાગ્યો. ઘણી વખત નાગજી મોટાને ત્યાં જતાં વચમાં ગોમતામા કે મગનબાપા જોઈ જોય તો શેકરને ચા પાયા વગર જવા દેતાં ન હતાં.

એક દિવસ ઘીની બરણી અમરતબાએ જમનીના ઘેર પહોંચાડવા માટે શંકરને પકડાવી. શંકર જ્યારે નાગજી કુબેરના ઘેર આવ્યો ત્યારે નાગજીભાઈ હિંચકે બેસીને હોકો ગગડવતા હતા. શંકર ઘીને બરણી જમનીને પકડાવીને નાગજીભાઈપાસે આવ્યો.

‘બાપા તમે મારા બાપાને સમજાવો ને.’ શંકરે ફરિયાદના સુરમાં કહ્યું.

‘શું? તારાં લગન જલ્દી કરાવી આપે એમ જ ને?’ સાંભળી બારણામાં ઊભેલી જમની હસી પડી.

‘તમેય શું કાકા, સવારના પહોરમાં ફીરકી લેવા મંડયા.’ પછી જમના તરફ ફરીને ચીડાઈને કહ્યું: ‘ને તું યે ત્યાં ઊભી કશું સમજયા કારવ્યા વગર ખી…ખી….ખી…કર છ.’

‘તો દીકરા, કંઈસમજાય એવું બોલ.’ નાગજીભાઈએ કહ્યું.

‘ત્રણનાકાના પીપળે ચરિતર થાય છે એમ કહી બાપા મને રાતનો દૂધનો ફેરો કરવા નથી દેતા. પોતે ઉજાગરા કરે છે વચ્ચે બે દા’ડા તો અંગ ધખતું હતું તોય ગયા હતા. માનેય સમજાવી સમજાવીને થાક્યો હવે તમે સમજાવો તો કંઈક રસ્તો નીકળે.’

‘હં, તારી વાત વિચારવા જેવી તો ખરી હોં ભાઈ, ભલે તું અત્યારના ફેરામાં તો જા સાંજે વાત.’ નાગજીભાઈએ હામી ભરી.

હોકો બાજુમાં મૂકી ફાળિયું માથાપર બાંધતા એ ઊભા થયા અને મગનભાઈના ઘર તરફ રવાના થયા. નાગજી કુબેરને પોતાને ત્યાં આવેલા જોઈને મગનભાઈ સડક કરતા ઊભા થઈ ગયા.

‘આવો આવો મોટા, બધું હેમખેમ છે ને?’ મોટા આમ સવાર સવારમાં પોતાને ત્યાં આવે તો કશુંક અગત્યનું હોય જ એમ માનતા મગનભાઈ બોલી ઊઠ્યા.

‘ભાઈમગન જરા ધીરો પડ એવું કશું હબકી જવા જેવું કંઈ નથી તું તારે બેસ.’

‘અલ્યો, આ મોટા આવ્યા છે, ચા મેલજે.’ ઘર પાછળનું આંગણું વાળતી ઘરવાળીને મગનભાઈએ સાદ પાડ્યો.

‘આણંદનો દૂધનો ફેરો સવારના તો શંકર કરી આવે છે પણ ત્રણનાકાંને પીપળે ચરિતર થાય છે એમ કહી રાતનો ફેરો રૂડા ઠાકોર શંકરને કરવા નથી દેતા.’

‘હા, એ વાત તો મેં પણ સાંભળી છે. તે હેં મોટા, ત્યાં કંઈ ચરિતર જેવું છે?’

‘અલ્યા મગન, આપણને એ પેંપળે જતાં આવતાં આ ધોળાં થયાં પણ આપણે તો શું પણ ગાંમમાંથીય કોઈએ ચરિતર જોયું છે ખરું? પણ મારે તારી હાર્યે એ ચરિતરની ચર્ચા નથી કરવી, તારા વેવાઈની વાત કરવી છે.’

‘કેમ, રૂડા ઠાકોરને કંઈ અસુખ થયું છે કે શું? હાલો હમણાં વાડિયે આંટો દઈ આવીયે.’

‘ભાઈમગન, તું તો અધીરો બહુ.’

‘લે વેવાઈને અસુખ થાય તો અધિરાઈ તો આવે જ ને?’

‘મારી પૂરી વાત પહેલાં સાંભળી લેવાનું શું લઈશ મારા ભાઈ?’

‘ના, ના, હવે એક અક્ષર નહી બોલું બસ.’ કહી મગને હોઠે આંગળી મૂકી.

‘રૂડાજી પોતાનું અંગ અવાર નવાર ધખતું હોય તોય રાતનો દૂધ નો ફેરો પોતે જ કરશે એવી જીદ નથી છોડતા ને શંકરને રાતનો ફેરો કરવા દેતા નથી. જો કોઈને શંકર હાર્યે મોકલાવ્યો હોય તો કદાચ રાજી થઈ જાય.’ વાત સમજાઈ? એવા ભાવ સાથે નાગજી કુબેરે મગનભાઈતરફ જોયું

‘તો તમે શું વિચાર્યું છે?’

‘જો રોજ રાતના ફેરામાં શંકર હારે રતનો જાય તો તને તો કંઈ વાંધો નથી ને એમ જ પૂછવા આવ્યો છું.’

‘લ્યો એમાં મને શું પૂછવાનું હોય અને આ તો વેવાઈનું કામ એમાં ના કહેવાનું જ ક્યાં હોય? એ બાય ભૂતનાય બાપ થાય એવા છે.’ કહી હેં, હેં, હેં, કરી મગનભાઈ ખસિયાણું હસ્યા ત્યાં સુધી ચા આવી એ પીને હોકો ભરતાં મગનભાઈએ પૂછ્યું: ‘કહો ક્યારથી જવાનું છે?’

‘આજે સાંજે રતનાને મારે ઘેર મોક્લજે એટલે ડમડિયું લઈને વાડિયે જઈ નક્કી કરી આવીશું.’ એક લાંબો કસ લગાવતાં નાગજીભાઈએ કહ્યું.

નક્કી કર્યા મુજબ ડમણિયું લઈને રતનો તથા નાગજી કુબેર રૂડા ઠાકોરને ઘેર આવ્યા. એકાએક નાગજી કુબેરનું ડમણિયું પોતાના ઘર આંગણે જોઈને રૂડા ઠાકોર દોડતા બહાર આવ્યા.

‘મોટા, તમે ને અત્યારે? ખાસ કંઈ કામ હતું? મને કહેવડાવ્યું હોત તો હું આવી જાત ને.’

‘અરે, માણસ ઘેર આવેલ મહેમાનને પણ પહેલાં બેસાડે પાણી બાણી પાય પછી આરામથી સમાચાર પૂછે. તમે તો એ હજુ તો ચાલ્યા જ આવે છે ને એકી સાથે આટલા બધા સવાલ ને તે પણ આપણા વેવાઈને? લાજો લાજો કંઈક.’ અમરતે બારણા આડેથી રૂડાને મીઠો ઠપકો આપ્યો ને રૂડાએ ખાટલો ઢાળ્યો.

‘ના ના વેવાણ, એમાં એમનો વાંક નથી, મૂળ તો એવું છે ને કે આ મારા વેવાઈ કામઢા બહુ ને એટલે એમને રાતના ફેરાનું દૂધ પહોંચાડવાની ઉતાવળ છે, તેની અધિરાઈ થઈ આવી હશે.’ કહી નાગજીભાઈ હસ્યા એ જોઈને છોભાયેલા રૂડાભાઈ નાગજીભાઈ અને રતનાની બાજુમાં બેઠા પણ એમની આંખ રતના પર ફરતી હતી કે શંરિયે કંઈબખડજંતર તો નથી કર્યું ને? ભલું પૂછવું એનું કંઈ કહેવાય નહીં.

પાણીના લોટા આવ્યા અને પછી ચા આવી ત્યાં સુધી નાગજી કુબેર કશું બોલ્યા નહીં. રૂડા ઠાકોર ઊંચા નીચા થતા હતા કે, કોણ જાણે એવું તે શું કામ હશે કે વેવાઈ કંઈ બોલતા પણ નથી, એવડા આ રતનાને હારે લાવ્યા છે. ફટકેલ શંકરિયાનો કંઈ ભરોસો નહીં. હવે મોટા કંઈ બોલે તો  ખબર પડે તો દૂધના ફેરાનો ટાઈમ સચવાઈ જાય.

નાગજી કુબેરનું ડમણિયું આવ્યાના સમાચાર મળતાં ગામને ચોરે બેઠેલા શંકરે ઘરની વાટ પક્ડી અને ઘેર આવી ને એ ઘરના ઓટલા પર બેઠો.

‘વેવાઈ સમાચાર મળ્યા છે કે, તમારું અંગ ભલે તાવથી ધખતું હોય તો પણ રાતનો દૂધનો ફેરો તમારે કરવો એવો કાયદો છે?’ ઊંચા નીચા થતા રૂડા ઠકોરને ખભે હાથ મૂકી બેસાડતાં નાગજી કુબેરે પૂછ્યું.

‘આ તો શરીર છે. ક્યારેક અસુખ થઈ પણ આવે. એને ઝાઝું પંપાળવું આપણને ના પોસાય ને?’

‘હં, એ તો મને યાદ જ ન આવ્યું ને પાછા તમે તો કામઢા બહુ ને? ખેર એ તમે જેમ માનતા હો તેમ પણ આ શરીરે જ્યારે અસુખ હોય ત્યારે શંકરને જ મોકલતા હો તો?’ શંકરે લાવેલો હોકો લેતાં નાગજી કુબેરે કહ્યું.

‘તમને તો ખબર છે મોટા કે ત્રણનાકાને પેંપળે ચરિતર થાય છે એટલે શંકરને એકલો મોકલતાં મારો જીવ નથી ચાલતો.’ શંકર તરફ એક નજર કરી નાગજી કુબેર તરફ જોઈ દયામણે ચહેરે રૂડા ઠાકોર બોલ્યા.

‘અરે હા, એ તો મેં પણ સાંભળ્યું છે. ત્યારે ગીધુ ગાંયજાની વાત સાચી.’

‘શું કે’તો તો એ ગીધુ ગાંયજો?’ રૂડાભાઈએ ઉત્કંઠાથી પૂછ્યું.

‘એ જ કે એ ચરિતર તમારા શંકરની જ વાટ જુવે છે કે ક્યારે આ બાજુથી એ એકલો નીકળે ને લાગલું પકડી લઉં એમ એને તો કહી ગયો છે, હારોહાર તમનેય કહી ગયો લાગે છે.’ નાગજી કુબેરે મુછમાં હસતાં કહ્યું તો અમરત, શંકર અને બારણા પછવાડે ઊભેલી શાંતા સૌ મરક્યાં તો રૂડા ઠાકોરે બધા તરફ આંખ ફેરવી જાણે કહેતા હોય હવે બહુ થયું.

‘તમેય શું મોટા, બધાની વચમાં.’ રૂડા ઠાકોરે શરમાતાં કહ્યું.

‘અમે તો એ પેંપળે રમતાં જ મોટા થયા પણ કોઈ દા’ડો એ ચરિતર ભાળ્યું નથી. એટલે વેવાઈ એ ચરિતરવાળું ડીંડવાણું કેટલું સાચું ને કેટલું ખોટું એ વિવાદ હાલઘડી જવા દઈને મને એ કહો કે રાતના દૂધના ફેરામાં શંકર એકલો ન હોય પણ એના સાથે કોઈ જાય તો તો તમને કંઈ વાંધો નથી બરાબર ને?’ હોકો તાણતાં નાગજીભાઈએ રૂડા ઠાકોરનો ચહેરો વાંચતાં પૂછ્યું.

‘લે, તો મને શો વાંધો હોય પણ જાય કોણ?’ રૂડા ઠાકોરે દયામણે ચહેરે પૂછ્યું.

‘આ બન્ને સાળો અને બનેવી જાય પછી તમને કંઈ વાંધો છે?’ રતના અને શંકર તરફ નજર કરતાં નાગજીભાઈએ કહ્યું.

‘તોય પણ મગનોજી વેવાઈને તો પૂછવું જોઈએ ને?’

‘એ બધું પુછાઈ ગયું છે. દીકરા શંકર ગાડું જોડ અને સાળો બનેવી થાવ રવાના કે વહેલું આવે આણંદ. ઉતાવળ કરો ભાઈ, અને હું પણ જાઉં.’

વાડિયેથી શંકરનું ગાડું રવાનું થયું એટલે નાગજી કુબેરે કહ્યું: ‘જુઓ વેવાઈ આપણે કંઈ કોઈની પાસેથી મફત કામ તો કરાવવાનું નથી. આ શંકર સાથે રતનો જશે તો રતનાને દર ફેરાના તમને મળતા અઢી રૂપિયામાંથી એક રૂપિયો આપવો બરાબર છે? અને આ તો ઘરની જ વાત છે ને? પૈસા જશે તો તમારા વેવાઈને ત્યાં જ ને?’ નાગજી કુબેરે મલકાતાં કહ્યું.

‘તમને સુજયું તે રૂડુ એમાં હા ના કરનાર હું કોણ?’

‘અને હા, એને રોજે રોજ રૂપિયો આપવો નહીં. દર મહિને ૩૦ રૂપિયા એક હારે શંકર સાથે મને  મોકલાવજો હું જાતે મગનને આલી દઈશ. દરરોજ છુટક રૂપિયો આપીએ તેના કરતાં એક હારે ૩૦ રૂપિયા આપીએ તો રકમ દેખાય પણ અને સત્તર જગાએ કામ લાગે ને રતનાનેય કામ કરવામાં ઉમંગ રહે.’ નાગજી કુબેરે હોકો રૂડા ઠાકોરને આપતાં કહ્યું.

‘હા, તમારી એ વાત સાચી.’ એક લાંબો કસ ગગડવતાં રૂડા ઠાકોર માથું ધુણાવતાં બોલ્યા.

‘ભલે તો હવે રજા લઉં.’ મોટાએ પગરખાં પહેરતાં કહ્યું.

પછી રૂડા ઠાકોર વેવાઈને ડેલી સુધી વળાવવા ગયા. નાગજી કુબેરે બળદ જોડ્યા અને  ડમણિયામાં બેસતાં કહ્યું: ‘જો જો હવે પાછા કંઈ ઉધામા ન કરતા. બસ, બહુ થયું. હવે  આરામ કરો.’ કહી એમણે બળદ ડચકાર્યા.

જરખડે ડમણિયું આવ્યું અને આંગણામાં બળદ બાંધતા નાગજી કુબેરે માથા પરનું ફાળિયું ખીંટીએ ભેરવતાં બુમ પાડી: ‘અરે,જમના વહુ.’

‘બાપા, મને બોલાવી?’ પાણી લઈને આવતાં જમના બોલી.

‘હા, શંકરે રાતના દૂધના ફેરાની વાત કરેલી ને તેનો ફેસલો કરી આવ્યો છું.’

‘કેવો ફેસલો? શું કહ્યું બાપાએ?’

‘અરે એ તો તારા ભાઈને રાતના ફેરામાં મોકલવા જ ક્યાં તૈયાર હતા! પેલા ત્રણનાકાંને પીપળે ચરિતર થાય છે એવી વાયકા સાંભળીને એમનો શંકરને એકલો મોકલતાં જીવ નહોતો ચાલતો એટલે એનો રસ્તો કરી આવ્યો કે રાતના ફેરામાં શંકર હારે રતનો જશે.’

‘તે એ માની ગયા?’

‘ના રે, એમણે તો વાત ટાળવા કહ્યું મગન વેવાઈને વાત કરવી જોઈએ. પણ હું અહીંથી બધું પાકું કરીને ગયેલો ને રતનાને ભેગો લેતો ગયેલો એટલે છેવટે માન્યા. ને મેં મારી હાજરીમાં જ શંકર અને રતનાને આજના ફેરામાં મોકલીય આપ્યા.’

‘પછી?’

‘મેં કહ્યું એ બધું પુછાઈ ગયું છે. મેં તો કહ્યું  કે આપણે ક્યાં મફત કામ કરાવવું છે? રતનાને રોજના એક રૂપિયા લેખે મહિને ૩૦ રૂપિયા મને શંકર હારે મોકલાવજો હું મગન ને આપી દઈશ.’

‘હા, એમ આપણુંએ કામ થાય ને એમનું પણ અને એક હારે રકમ પણ સરખી દેખાય પણ…’

‘મગન તો વેવાઈના ઘરનું ના લેવાયની રટ લઈને બેઠેલો પણ હું એને સમજાવીને ગયેલો એટલે બધું મારા ભૈ ગોઠવાઈ ગયું.’

રાતનો દૂધનો ફેરો પણ શંકર હસ્તક જતાં હવે રૂડા ઠાકોરને ફુરસદે ફુરસદ હતી એટલે ઉતાવળનો કોઈ સવાલ જ ન હતો. શરૂઆતમાં તો એમને આ જરા વિચિત્ર લાગતું હતું. હવે સમય પત્રક બદલાઈ ગયું હતું. એ આરામથી ખેતરે જતા રસ્તામાં મળતા સાથે ટોળ ટપ્પાં કરી લેતાં અને સાંજે કાળિયા ઠાકરના મંદિરે દર્શન કરવા જતા.

એક દિવસ ચા-પાણી થઈ ગયા પછી હોકો ગગડાવતાં ઘરમાં નજર ફેરવી અને અમરતને કહ્યું: ‘આ શંકરિયાનાં લગન લેવાય તે પહેલાં ઘરમાં જરા સમુંનમું કરવાની જરૂર છે.’

‘શું શું કરાવવું છે?’

‘સૌથી પહેલાં તો આ ખાટલાઓનાં વાંણ જૂનાં અને ખોયા જેવાં થઈ ગયાં છે એ બદલી નાખીએ અને ભેગાભેગાં માંચીનાં વાંણ પણ…’

‘હું તમને એ જ  કહેવાની જ હતી. તો શંકરને કાલે જ કહી દઉં આણંદથી નવાં વાંણ લેતો આવે. પછી બીજું શું?’

‘બીજું જમનીના લગન વખતે ઘર ઘોળાવેલું તે ફરી ઘોળાવી નાખીયે.’

‘મેં તો બીજો વિચારેય કરી રાખ્યો છે.’ અમરતે આંગણામાં નજર કરતાં કહ્યું.

‘એમ? શું?’

‘હળ–લાકડાંની ઓરડી છે એને ઠીકઠાક કરાવીએ અને વરઘોડિયાં એમાં રહે એવી કરાવી દઈએ તો કેમ?’

‘કેમ વરઘોડિયાં ઘરમાં રહે તો તને કશો વાંધો છે?’

‘વાંધો તે શું હોય? પણ આ તો જમનીના લગન ટાણે વેવાઈએ મનહર જમાઈઅને જમની હાટું આંગણામાં એક નવી અલગ ઓરડી કરી આલેલી એ જેણે જોયું એ બધાંને ગમેલું એટલે મને થયું કે આપડેય…’

‘હં, તારી એ વાત તો હાચી.’

‘આપણે નવી તો કરાવવાની નથી. વળી એ ઓરડી આમેય કશા કામની નથી, એમાં ગામ આખાનું નકામું ડુડસ ભરેલું છે.’

‘હા, હવે જમાનો બદલાયો છે અને તારો શંકર તો પાછો વરણાગિયો. એ માટે કાલે જ ચતુર સલાટને વાત કરું છું’

રૂડા ઠાકોરે ચતુર સલાટને વાત કરી ને બીજા જ દિવસથી એ કામે વળગી ગયો. બે દિવસમાં તો ઘર ઘોળાઈ ગયું ને પછી આંગણાની ઓરડીનું સમારકામ શરૂ થયું. ખાટલા અને માંચીમાં નવાં વાંણ વણાઈ ગયાં.

એક દિવસ અમરત ઓશિકાની ખોળ બદલી રહી હતી એ જોઈને રૂડા ઠાકોર સીધા જ મનજી મેરાઈને બોલાવી આવ્યા અને જૂનાં ગાદલાં, ગોદડાં અને ઓશિકાં માટે કેટલું કાપડ જોઈશે તેનો ક્યાસ કઢાવીને એની નોંધ શાંતા પાસે કરાવી લીધી અને તે મુજબનું કાપડ સાંજે તો આણંદથી આણંદથી આવી પણ ગયું. બે દિવસમાં તો ગાદલાં રજાઈ અને ઓશિકાની ખોળો સીવીને મનજી મેરાઈ હરખભેર લઈ આવ્યો.

‘હમણાં કંઈ માંગતો નહીં તારી પાસે હજુ ઘણું કામ કરાવાનું છે. શંકરનાં લગન પતે પછી એક હારે વાત.’ રૂડા ઠાકોરે કહ્યું અને બહાર જવા ફાળિયું બાંધવા માંડ્યા.

‘હું કયાં કંઈ બોલ્યો છું ઠાકોર?’ કહી મનજી જવા લાગ્યો.

‘ભલે નથી બોલ્યા પણ આ ચા પીતા જાવ.’ કહી અમરતે મનજીને ચાનો પ્યાલો આપ્યો. ‘ને તમે ક્યાં હાલ્યા?’ રૂડા ઠાકોરને ફાળિયું વીંટતા જોઈ અમરતે પૂછ્યું.

‘પઠાણ પિંજારાને જરા કહી આવું ને કે કાલે આવીને રૂ પિંજીને ગાદલાં, ગોદડાં ને ઓશિકાંની નવી ખોળમાં ભરી આલે.’

‘અરે, ઠાકોર, તમે શું કામ ધક્કો ખાવ છો હું કહી દઉં છું ને! અમારો બન્નેનો સબંધ તો સોઈ-દોરા જેવો, એ એની દીકરી ફાતિમાને મળવા ગયો હતો, તે આજે જ આવ્યો છે, નહિતર સોઈની પાછળ જ દોરો ક્યારનો આવી જાત. ભલે તો રામ રામ.’ કહી મનજી ગયો.

પગરખાં ઉતારી હોકાનો દેવતા સંકોરતાં રૂડા ઠાકોર હાંક મારવા જતા હતા ત્યાં એમની નજર ઓટલા પર ઉટકીને મૂકેલાં વાસણ પર પડી. હોકો બાજુમાં મૂકી પગરખામાં પગ ઘાલતાં માથે ફાળિયું વીટતાં ઊભા થયા ત્યાં રાંધણિયાની બારીમાંથી જોતી અમરત બહાર આવી: ‘વળી શાંનો સણકો ઊપડયો તમને?’ એમણે રૂડાને પૂછ્યું.

‘આ વાસણ જોયાં એટલે યાદ આવ્યું. છેલ્લે જમનીનાં લગન ટાણે વાસણને કલાઈ થઈ હતી બરાબર ને?’

‘હા તમારી એ વાત હાચી. મને પણ થતું હતું કે કશુંક ભુલાય છે.’ અમરતે માથું ધુંણાવતાં હામી ભરી.

‘તો જરા કાસમ કલાઈવાળાને કહી આવું તો વાસણને કાલથી કલાઈ કરવાનું શરૂ થઈ જાય.’ કહી રૂડા ઠાકોર બહાર નીકળ્યા.

જેમ જેમ યાદ આવતાં ગયાં તેમ બધાં કામ ઉકેલાતાં ગયાં. એક દિવસ અમરત અને રૂડા ઠાકોર સવારની ચા પી રહ્યાં હતાં ત્યારે અમરત કપ રકાબી ભેગાં કરતાં એક નજર ઘરમાં ફેરવતી હતી એ જોઈ રૂડાએ પૂછ્યું: ‘ઘરડાં, કશું ઘોળાય છે તમારા મનમાં?’

‘વિચારું છું જે જરૂરી હતું એ તો બધું ઉકેલાઈ ગયું. હવે શંકરિયાના લગનમાં લેવડ-દેવડની જણસો, કપડાં-લત્તાં ને દર-દાગિનાનું કામ ઉકેલાવી લઈએ.’ કહી વાસણ લઈને એ રાંધણિયા તરફ વળી. રૂડા ઠાકોર આરામથી હોકો ગગડાવવા માંડ્યા ત્યાં અચાનક માવજીભાઈ દેખાયા. તેમને જોઈને રૂડાભાઈ સાવધ થઈ ગયા.

આ એ જ માણસ હતો જેણે ચાંદરીનો સોદો કરાવ્યો હતો અને ગબા જેવા લુચ્ચા અને લાલચુ માણસ પાસે કાંધુ કરાવેલું. એણે તો ભાઈબંધ થઈને પીઠમાં છરો ભોંક્યો હતો.

‘ઓહો! આવો આવો માવજીભાઈ સવારના પહોરમાં ફુરસદ મળી ગઈ. અરે! સાંભળો છો કે આ ઘણા વખતે મોટા મહેમાન આપણે ત્યાં આવ્યા છે જરા ચાનો વેંત કરજો.’

‘તું પણ શું, રૂડા આમ મશ્કરી કર છ? હું ને મોટો મહેમાન?’ માવજીભાઈએ ખસિયાણું હસતાં કહ્યું.

‘નહી તો શું ક્યારેક ક્યારેક દેખાય એ મોટો મહેમાન જ કહેવાય ને?’ આંખનાં ભવાં ઊંચાં નીચાં કરતાં રૂડા ઠાકોર મરમાળુ હસ્યા.

‘આ તો, આ તો શંકરના વેવિશાળના સમાચાર જાણ્યા એટલે થયું કે દોસ્તને પૂછી તો આવું કે, મારા જેવું કંઈ કામ હોય તો. તું તો હવે ભાઈ, મોટો માણસ થઈ ગયો.’ ત્યાં ચા અને પાણીનો લોટો આવ્યાં. આરામથી ચા પીવાઈ ગઈ ત્યાં સુધી કોઈ કશું બોલ્યું નહીં.

પછી ચલમમાં દેવતા સંકોરીને હોકો માવજીભાઈને આપતાં રૂડા ઠાકોરે ઓપચરિક પૂછ્યું: ‘કેમ છે ઘરમાં બધાં?’

‘કાળિયા ઠાકરની મેર છે. તમે બધાં કેમ છો?’

‘હવે તો દૂધના બન્ને ફેરા શંકર કરે છે એટલે મને તો ફુરસદ જ ફુરસદ છે.’

ત્યાર બાદ અલક મલકની વાતો થઈ એટલામાં રૂડા ઠાકોરની નજર રાંધણિયાની બારી પર પડી ત્યારે અમરતે બારીના સળિયામાં વલોણાંની દોરી નાખીને બળદ હાંકતી હોય એવો માવજીભાઈને ફુટાડવાનો ઈશારો કર્યો, એટલામાં માવજીભાઈ જાતે જ જવા માટે ઊભા થયા.

‘ભલે તો રૂડા, રજા લઉં. મારા જેવું કામ હોય તો કહેજે.’

એટલે રૂડા ઠાકોરે કહ્યું: ‘બીજું બધું તો ઠીક પણ આ લગનની ખરીદી માટે આણંદ જવું છે તો બે એક દિવસ તારું ડમણિયું મળી જાય તો… મારી જોડ્ય તો કાયમ દૂધના ફેરામાં કામમાં હોય એટલે.’

‘અરે! એ શું બોલ્યો રૂડા, મારું ડમણિયું ક્યાં પારકું છે? એ તારું જ છે ને! હમણાં જ તારે ઘેર મૂકી જાઉં છું તું તારે જેટલા દિવસ રાખવું હોય રાખજે ને. અત્યારે ખેતીમાંય કશું કામ નથી એટલે મારી જોડ્યેય નવરી જ છે ને!’ કહી માવજીભાઈ ગયા.

‘આ ડમણિયું?’ બીજા દિવસે સવારે ગાડું જોડતાં શંકરે બાપાને પૂછ્યું.

‘માવજીભાઈ તારા વેવિશાળનો હરખ કરવા આવ્યા હતા ત્યારે તારી મા ને હું તારા લગનની ખરીદી માટે આણંદ જવાની વાત કરતાં હતાં એટલે કહે: ‘મારાં ડમણિયું ને જોડ્ય લઈ જાવ ને શંકરના લગનનો અવસર ઉકલી જાય ત્યાં સુધી રાખો ને તમ તમારે કહી મૂકી ગયા.’

‘વાહ! બાપા, તમારા પર તો બહુ હેત ઉભરાઈ ગયું ને કંઈ?’

‘એ લાલો લાભ વગર લોટે એવો નથી. એમાં એમનો જરૂર કંઈક સવારથ હશે પણ આપડે ચેતતા રહેજો.’ અમરતે કહ્યું

‘એ તો જે હશે તે વાજતું ગાજતું માંડવે આવશે તારે જોયું જશે.’ રૂડા ઠાકોરે કહ્યું.

‘તું દૂધના ફેરા માટે જાય તારે નાગજી મોટાને કહેજે કે જમનીને તારા લગનની ખરીદી કરવા હાર્યે લઈ જવી છે તો રજા આલે. હું, તારી મા ને શાંતી તારી વાહેં વાહેં  જરખડે પહોંચ્યાં જ સમજ. આ માવજીભાઈ મન કરીને એમનું ડમણિયું મૂકી ગયા છે તો એનો લાભ લઈએ ને? અને હા તું પોલસન ડેરી પર જ રહેજે પછી અમારી જોડે ખરીદીમાં હારે આવજે.’

નક્કી થયા મુજબ ડમણિયું નાગજી કુબેરને ત્યાં પહોંચ્યું. હિચકા બેઠેલા નાગજીભાઈએ રૂડાભાઈને આવકાર્યા. અમરત અને શાંતા ઘરમાં દાખલ થયાં ત્યારે પાણીનો લોટો ને પ્યાલા હાથમાં લઈને મંગળા બહાર આવી ને રૂડાભાઈને પાણી આપ્યું.  પાણી આપીને એ ઘરમાં ગઈ એટલે રૂડાભાઈએ પૂછ્યું: ‘આ છોડી…?’

‘તમારા વેવાઈના પડોશી વખતાભાઈની છોડી છે. શંકરનું વેવિશાળ થયું ત્યારથી વખતાભાઈના મગજમાં એક વાત પેસી ગઈ છે કે મારી નજરમાં વડિયામાંથી કોઈ સારો છોકરો આવે ત્યારે મંગળાનું સગપણ હું કરાવી આપીશ. શંકર કહી ગયો છે કે લગનની ખરીદી માટે જમના વહુને લેવા તમે આવવાના છો તો જમના વહુને મદદ માટે એ આવી ગઈ છે. પાછી શંકરની વહુની ખાસ બહેનપણી છે.’

‘હં.’

ને ચા-પાણી પતાવીને બધાં આણંદ વે’તાં થયાં. શું લેવું છે તેનું લિસ્ટ તો તૈયાર જ હતું અને જમનાનાં લગ્ન વખતે એક એક ચીજ માટે સત્તર દુકાનો ફરેલાં એટલે શું અને ક્યાંથી લેવું એ દુકાનો પણ નક્કી હતી એટલે દરેક દુકાનમાં જઈને ચીજો પસંદ કરવાની અને ખરીદવાની જ હતી. શંકર પોલસન ડેરી પાસે ગાડું છોડીને ચણા ચાવતો બેઠો હતો. ડમણિયું ત્યાં જ છોડી બધાં બજાર તરફ ગયાં.

લગન ટાણે પોતે પહેરવાનાં કપડાં સાળા-બનાવી ક્યારના નક્કી કરી આવ્યા હતા. વળી શંકર તો લગન પછી રેવલીને ભેટમાં આપવા ચાંદીનો કંદોરો પસંદ કરીને બાજુમાં મુકાવી આવ્યો હતો.

બપોર થતાં લગભગ કામ આટોપાઈ ગયું એટલે એક સારી વીશીમાં જઈ બધાં જમ્યાં અને પછી સોનીની દુકાને પહોંચ્યાં, ઘરેણાંની પસંદગીમાં સારો એવો સમય પસાર થઈ ગયો. સાંજ ઢળવા આવી એટ્લે સૌ વાડિયે જવા રવાના થયાં. શંકરનું ગાડું આગળ હતું. રોજના નિયમ મુજબ ચારનાં પોટલાં લઈને મંગળા ઊભી હતી. આજે રેવલી ઊભી બાજરીમાં સંતાઈને તાકી રહી હતી.

ચારનાં પોટલાં ગાડામાં નાખીને મંગળી ગાડામાં બેઠી.

એને જરખડાની ભાગોળે ઉતારીને શંકર વાડીયે રવાનો થઈ ગયો. માંદલા જેવા માવજીભાઈના બળદવાળું ડમણિયું ત્યાર પછી ક્યારેય જરખડે પહોંચ્યું. નાગજી કુબેર હિંચકા પર બેસીને હોકો ગગડાવતા હતા. ડમણિયું છોડીને સૌ ઘરમાં આવ્યાં, જમની એમના બેસવા ખાટલો ઢાળીને ઘરમાં ગઈ તો અમરત અને શાંતા તેની પાછળ જ અંદર ગયાં. શાંતા પાણી લઈ આવી.

‘થઈ ગઈ બધી ખરીદી?’ રૂડા ઠાકોરનો શ્વાસ કંઈક હેઠો બેઠો એટલે નાગજીભાઈએ પૂછ્યું.

‘હા, જમનીના લગન ટાણે આણંદની બજાર ખુંદેલી એટલે શું અને ક્યાંથી લેવું તેનો અંદાઝ તો હતો એટલે ફટાફટ પતી ગયું.’ હાશકારાના ભાવ સાથે રૂડાભાઈએ કહ્યું.

‘આ ડમણિયું તો…?’

‘માવજીભાઈનું છે.’ એમની વાત અધવચ ઝીલતાં રૂડાભાઈએ કહ્યું અને પછી માવજીભાઈના હરખની વાત કરી.

‘હા પણ વેવાણનો અંદાઝ સાવ સાચો છે. એવોએ લાભ વગર લોટે એવો નથી. સાવધ રે’જો હોં.’

‘એક વખત ભાઈબંધીમાં છેતરાયો પણ આ વખતે હું એના હાથમાં આવું એ વાતને બાર ગાઉનું છેટું.’

ચા-પાણી પતાવીને રૂડાભાઈએ રજા માંગી ને ડમણિયું જોડ્યું. વાડિયે આવ્યા ત્યારે શંકર આડે પડખે થઈ થાક ઉતારતો હતો. ડમણિયું છોડીને રૂડા ઠાકોર ઘરમાં ગયા અને હોકો ભરતાં બૂમ પાડી: ‘શાંતી ચૂલામાં દેવતા પાડી ચલમ ભરી લાવજે જરા.’

‘મને થાય છે કે, આવતીકાલે તમે જરખડે જઈ આવો અને નાગજી વેવાઈ કહો કે આ વસંત-પાંચમના શંકરિયાનાં લગન લેવાઈ જાય તો હારું, એવી વાત જરા મગન વેવાઈને કાને નાખી આવે.’

‘કાં બહુ ઉતાવળ આવી ગઈ છે તને દીકરો પરણાવવાની કે શું?’

‘મને નથી આવી તમારા દીકરાને આવી છે.’

‘એણે તને કશું કહ્યું?’

‘ના પણ ઘણી વખત રાતના જાગતો પાસાં ઘસતો જોયો છે. એને હવે ખાટલો બટકાં ભરે છે. મારા દીકરાનું મન હું ન જાણું?’

‘હં!’

‘અને એથી પણ વધુ અધીરાઈ વડિયે આવવાની રેવાને આવી છે એવો અણસાર મને જમનીએ આલ્યો છે’

‘કેવો?’

‘આ શંકરિયાને તમે મેળામાં જવાની રજા આલી ને ચાર વાઢી લાવવા કહ્યું હતું ને?’

‘અરે હાં, હું તને એ જ પૂછવાનો હતો કે મેં તો એને એક દિવસ વાઢી લાવવા કહ્યું ને…’

‘તે દિવસથી દરરોજ રેવા જ ચાર વઢીને પોટલું શંકરના ગાડામાં મેલી આપે છે.’

‘આવું બહુ સારું નહીં. એનો પાર વહેલો લાવવો જોઈએ.’

‘એટલે જ તો કહું છું કાલે સવારના ડમણિયું લઈને તમે જરખડે પહોંચી જાવ અને નાગજી વેવાઈને વાત કરી આવો.’

‘હા હા, કાલે જ જઈ આવું. તેં વહેલું યાદ કરાવ્યું હોત તો આજે જ વેવાઈને વાત કરી દીધી હોત ને!’

બીજા દિવસે શંકરે ગાડું જોડ્યું તે પહેલાં ડમણિયું જોડતા બાપાને જોઈને શંકરે પૂછ્યું: ‘બાપા, સવારના પહોરમાં તમે કયાં ઊપડ્યા?’

‘જરખડે.’ ફાળિયું વીટતાં રૂડા ઠાકોરે કહ્યું.

‘કેમ જરખડે? હજુ કાલે તો ગયા હતા! આજે શું નવું કામ નીકળા આવ્યું પાછું?’ શંકરે પહેલાં મા સામે પછી બાપા સામે જોતાં પૂછ્યું.

‘કેમ જરખડે એટલે? આ મોટાના ઘેર ઘીની બરણી આપીશ, જમનીને મળીશ અને હવે તો જરખડામાં મારા બબ્બે વેવાઈ છે એમની હારે બે વાતો કરીશ.’ કહી રૂડાએ બળદ ડચકાર્યા ને શંકર તાકી રહ્યો. એને બાપાની વાતનો તાળો ન બેઠો.

રૂડા ઠાકોરને ડમણિયામાંથી ઊતરતા જોઈને મંગળીએ રેવલીને કહ્યું: ‘અલી! તારા સસરા આવ્યા છે મોટાને ઘેર. લાગે છે તારા લગનની જ વાત કરવા આવ્યા હશે.’

‘કેમ જાણે એમણે તને કહ્યું હશે કે રેવલીના લગનની વાત કરવા આવ્યો છું?’

‘તારે જાંણવાની ઉતાવળ હોય તો હું એ તરફ આંટો મારતી આવું. જમનીભાભી તો સમાચાર આપશે ને?’

‘હં.’

હજી ગઈકાલે આવેલા રૂડા ઠાકોરને સવારના પહોરમાં પાછા પોતાને ત્યાં આવેલા જોઈને નાગજી કુબેર નવાઈપા મતાં આવકારવા સામે ગયા.

‘એ આવો વેવાઈ. અરે! જમના વહુ તમારા બાપુ હાટું ચા-પાણીનો વેંટ કરજો.’

‘તમે કેમ છો મોટા? આ શંકરને દૂધના બન્‍ને ફેરામાં લગાડી દીધો એટલે મારે તો ફુરસદે ફુરસદ જ છે ને? એટલે થયું જરા તમને મળતો આવું. ને આ તમારાં વેવાણે આપેલી ઘીની બરણી આપતો આવું.’ પણ નાગજીભાઈ પામી ગયા કે એમના આ વેવાઈ કાલે તો આવી ગયા હતા એટલે આજે કોઈ ચોક્કસ કામ વગર અમથા તો ન જ આવે. નક્કી કંઈક વાત હશે.

પાણી આવ્યું અને પછી ચા પણ આવી એ પીવાઈ ગઈ એટલે નાગજીભાઈએ હોકો હાથમાં લીધો જરા ગગડાવતા જાય અને રૂડા ઠાકોરના ચ્હેરા પર પલટાતા ભાવ જોતા જાય. પછી હોકો રૂડા ઠાકોરને પકડાવ્યો અને ખીંટી પર લટક્તું ફાળિયું માથા પર વીટતાં ઊભા થયા.

‘હું ખેતર પર જવા તૈયાર થતો હતો. ચાલો અમારે ત્યાં આ વખતે જાર કેવી નેંઘલાઈ છે એ બતાવું.’

‘હા હા, ચાલો ચાલો. તામારી ભાઈ, બરકતવાળી ખેતી. એમાં કશું કહેવાપણું હોય?’ કહી મનમાં ગણગણ્યા: આ તો મનગમતું થયું રસ્તામાં શાંતિથી વાત કરાશે.

‘બાપા જમીને જવાનું છે હો.’ અંદરથી જમનીએ ટહુકો કર્યો.

‘ના જમની, તારા ઘરનું પાણી પીયે છીએ એય પેટમાં વાગે છે. મારાથી દીકરીના ઘરનું જમાય નહીં.’ રૂડો ઠાકોર બોલી ઊઠ્યા.

‘વહુ બેટા, તમતમારે રોટલા ટીપી રાખજો ને, નહીં જમે તો ભાથું બાંધી આપશું.’

‘તમેય શું, મોટા.’

બન્‍ને ખેતરના રસ્તે પડ્યા. જરા એકાંત જેવું આવ્યું એટલે નાગજીભાઈએ પૂછ્યું: ‘હા, તો વેવાઈ, કેમ આવવું થયું એ હવે કહો.’

‘હું ઘેર કંઈ બોલ્યો નહીં…’

‘મેં તમારું મન વાંચી લીધું હતું કે તમારે વાત તો કરવી છે પણ અહીં નથી કરવી એટલે તો જાર બતાવવાને બહાને તમને અહીં લઈ આવ્યો. હવે જે કંઈ મનમાં હોય તે કહી દો.’

રૂડા ઠાકોરે આજુબાજુ બે વખત નજર ફેરવીને અમરત ને પોતાના વચ્ચે થયેલી વાત પહેલેથી છેલ્લે સુધી કહી સભળાવી.

‘હં, તો આટલી જ વાત છે વાંધો નહીં. તમે કહ્યું એમ થઈ રહેશે, મગનને થોડી દોડાદોડ થશે પણ એ તો હું એને સમજાવી દઈશ. તમે મનમાં ધરપત રાખજો. તમને બધું પાકું કરીને સમાચાર મોકલી આપીશ.’

ખેતરમાં એક આંટો મારી લીમડાના ઝાડ નાચે બાંધેલા માંચડા પર બન્ને બેઠા. જમવા ટાણે બન્ને ઘેર પહોંચ્યા અને ઢળતા બપોરે રૂડાભાઈએ ડમણિયું જોડ્યું. રાત્રે વાળુ કર્યા પછી નાગજી કુબેર મગનભાઈને ત્યાં પહોંચ્યા અને વાત કરી કે તમારા વેવાઈ હવે લગન માટે ઉતાવળ કરે છે. એટલે બીજા દિવસે જ સવારના મગનભાઈ નાગજી કુબેરને મળવા આવ્યા.

‘આવ ભાઈ મગન, સવારના પહોરમાં? અરે જમના વહુ આ મગનભાઈ આવ્યા છે એમને માટે ચાનો વેંત કરજો.’ નાગજીભાઈએ હોકો ગગડાવતાં એક વેધક નજર અવઢવમાં પડેલા મગનભાઈ પર નાખી.

‘કેમ કેવી અવઢવમાં છો? લોટે તો જઈ આવ્યો છે ને, ભાઈ?’

‘તમેય શું મોટા સવારના પહોરમાં મશ્કરી કરો છો?’

‘તો આરામથી બેસ ને, ભાઈ લે, આ હોકો તાણ એટલે મગજની તાણ ઓછી થાય.’

‘આ ગઈકાલે રાત્રે તમે વાત કરી તે મુજબ રેવલીનાં લગનને હવે બે જ અઠવાડિયાં બાકી રહ્યાં. તો મને થાય છે કે આવતી કાલે જો ડમણિયું જોડો તો તમે, હું, રેવલીની મા અને જમના વહુ લગન માટેની ખરીદીનું પતાવી આવીએ. તમે કીધેલું ને કે હમણાં નામે લખાવીને લઈ આવીશું પછી જેવો વેંત થશે તે પરમાણે ચૂકવી દઈશું તો એ કામ અત્યારથી જ ચાલુ કરવું સારું.’

‘વાહ! મગન તેં તો ભારે કરી. તને કશુંક હવે સમયસર સમજાય છે ખરું.’

‘આ તો શું છે કે,ઘણી વખત જરૂરી જણસ જ લેવાની રહી જાય અને ખરે ટાણે જ યાદ આવે ત્યારે પેલું કહે છે ને કે, ઘરણ ટાણે સાપ જેવો તાલ થાય.’ હેં, હેં, હેં કરીને મગનભાઈ ખસિયાણું હસ્યા. ત્યાં સુધી ચા આવી.

‘ભલે, તો કાલ સવારના નીકળીએ સાબદો રે’જે. લે, ચા પી.’

‘ભલે, તો હું જાઉં. રેવલીની માને પણ વાત કરવી પડશે ને! રેવલીને કહી દઉં મનહરના જમવાનું ધ્યાન રાખે.’ કહી મગનભાઈ ગયા.

બીજા દિવસે નક્કી થયા મુજબ બધાં ડમણિયામાં આણંદ રવાના થયાં. ડમણિયું એક ઓળખીતાને ત્યાં છોડીને સૌ બજારમાં આવ્યાં.

‘શરૂઆત ક્યાંથી કરવી છે?’ નાગજીભાઈએ પૂછ્યું.

‘પહેલાં કપડાં-લત્તાંનું પતાવીએ,પછી લેતી દેતીની જણસો એ બધું લગભગ બપોર થતાં થઈ જશે તો એ એક કોથળામાં ઘાલીને ડમણિયામાં લઈ આવીશુ.’ જમનીએ કહ્યું

‘હા, જમના વહુ ઠીક કહે છે. પછી જમી કારવી સોનીને ત્યાં જઈએ એટલે કિમતી દાગીના લઈને જરખડાની વાટે પડશું.’ ગોમતીએ સૂર પુરાવ્યો.

‘નહીં પતે તો ફીકર નહીં કરતાં એક જ ફેરામાં પતાવવાનું જરૂરી નથી. બીજીવાર, ત્રીજીવાર  આવીશું ડમણિયું તો ઘરનું જ છે ને?’ ધરપત આપતાં નાગજીભાઈએ મગનભાઈને કહ્યું.

‘ને હા, મગન, તું તો ખીસ્સામાં હાથ ઘાલતો જ નહીં જ્યાં લખાવવા જેવું હશે ત્યાં મારા નામે લખાવીશ. બાકીના રોકડા જમના વહુ આપશે.’ કહી જમનાને એક થેલી આપી.

□ □

જરાખડામાં લગનની તડામાર તૈયારી ચાલતી હતી તો વાડિયામાં શંકરની મિત્રમંડળી પણ ક્યાં ઓછી ઊતરે એમ હતી! એમણેય પોતાના ભેરુની જાન વટભેર જોડવા કમર કસી હતી. પાઘડીબંધ જાન આવવાની હતી તેથી ફટાણા જોરથી ગાવાની વાતમાં મંગળીને પંચર પડ્યુ…કારણ સામે ઝીલવા વાળુ કોઇ જ નહી… જાન આવી.. ફુલેકુ ય ફર્યુ અને સાંજ પડતા સુધીમાં શરણાઇઓ પણ ખુબ વાગી. ગામ આખુ હરખે હીલોળતુ…રેવલીને શણગારતા મંગળી પહેલા તો ખુબ જ ચગી પણ જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ તે ઢીલી પડતી ગઈ. લાડવા અને મગસનાં ચક્તા આગ્રહ્થી જમાડીને જાન ને તૃપ્ત કરી અને આવ્યુ..વિદાયનું ટાણું.. રેવલીનો કોઇ ભાર નહી રાખતા વેવાણ અમારે ઘેર હરખથી રાખશુ અને પ્રેમથી તે અમને દાદા બનવશે એવા મીઠા શબ્દો વેરતા વેવાઇઓ છુટા પડ્યા..

૧૨. ટ્રેક્ટર લીધું – જયંતીભાઈ પટેલ 

દૂધના સારા ભાવ મળતાં લોકોને પણ હવે ઢોરાંની કાળજી લેવામાં ને ઢોર વધારવામાં વધારે રસ પડવા માંડ્યો હતો એટલે વડિયામાંથી ટંકે વીસ કેન દૂધ થતું હતું. પણ ઉનાળે શિયાળે કાચા અને ધૂળવાળા રસ્તા ને ચોમાસામાં કાદવ ડહોરતાં બળદો થાકતા જતા હતા.

એક દિવસ શંકર કહે: ‘બાપા, દૂધ તો રોજ વધતું જ જાય છે. આંમ ચાલશે તો આપડી જોડ્ય બે વરહમાં હતી ન હતી થઈ જશે.’

‘તે તું બીજી જોડ્ય લેવાનું ને બેય પાસે એકએક ફેરો કરાવવાનું તો નથી વિચારતો ને?’

‘ના બાપા, મને ટ્રેક્ટર લેવાનું મન છે. ટ્રેક્ટર લીધું હોય તો બળદોને માથે ભાર પણ નહીં ને વેળાસર ઘેર પણ આવી જવાય.’

‘જો તને કે મને ટેક્ટર ચલાવતાં આવડતું નથી એટલે એને ચલાવવા ડ્રાયવર રાખવો પડે. ઠક્કર તો જેટલા આપે છે એટલા જ આપવાનો એટલે ડ્રાયવરનો વધારાનો ખરચ થાય. એના કરતાં બીજી જોડ્ય લેવાનો વિચાર કરું એ બરાબર છે.’

‘બાપા, મેં એની તપાસ કરી લીધી છે. જે કંપની ટ્રેક્ટર વેચે છે એ પાંચ હાત દા’ડામાં એને ચલાવવાનુંય શીખવાડી દે છે.’

‘પણ બેટા એવું મોઘું સાધન લેવાની આપડી તેવડ નહીં. એની કિંમત નહીંનહીં તોય પાંચ હજાર રૂપિયા જેટલી હશે.’ રૂડાએ વિચારતાં કહ્યું.

‘બાપા એનીય મેં તપાસ કરી લીધી છે. જુઓ હું તમને બધું સમજાવું. ટ્રેક્ટરની કિંમત ૩૫૦૦ એની હાર્યે આપડે ટ્રોલી લેવી પડશે એટલે એના ૧૦૦૦ પછી સગવડે દાંતીય લઈ લઈશું એટલે આપડાં ખેતર સીઝનમાં બેચાર વાર ફેરવવાં હોય તોય વાધો ના આવે. અને ખેતીમાં એવી બરકત આવી જાય કે ગાંમવાળા જોતા જ રહી જાય.’

‘આપડી પાંહે હજાર પંદરસેંનો જીવ હોય એટલે આ હાડા ચાર હજારની વાત તું જ કહે આપડા ગજા બહારની જ ને.’

‘બાપા મેં એનીય તપાસ કરી લીધી છે. ટેક્ટરની કંપનીવાળા બૅંકમાંથી લોન પણ અપાવી દે છે. આપડે તો ચોથઈની રકમના હજાર રૂપિયા જ ભરવાના. ને એના હપ્તા ને વ્યાજના બધા મળીને મહિને સવાસો રૂપિયા ભરવાના. બૅંકનું વ્યાજ વનીચંદ શેઠના કરતાં અડધું જ, ને તેય દર મહિને કપાતું જાય.’

‘બૅંકવાળા એમ કંઈ આંટમાં કશું લીધા વગર પૈસા ના ધીરે ને વખત છે ને કશું આડુંઅવળું થાય તો જે આબરૂ બંધાઈ છે એય જતી રહે. તોય હું નાગજી મોટાની સલાહ લઈ લઈશ પછી નક્કી કરીશું.’ રૂડાએ વાતનો છેડો આણ્યો.

પણ શંકર લીધી વાતનો કેડો મૂકે એમ ન હતો. બીજે જ દિવસે આણંદથી પાછા આવતાં એણે જરખડામાં નાગજીભાઈને ત્યાં ગાડું છોડ્યું ને મોટાને બધી વાત કરી તો મોટા કહે: ‘તારી વાત સાચી પણ એમ ઉતાવળ ના કરાય. એક બાજુ પોલસન ડેરી સામેય ચળવળવાળા પીકેટીંગ કરે છે એટલે એ ભાડુંય ગમે ત્યારે આવતું બંધ થઈ જાય એની ભીતિ છે. હું બરાબર તપાસ કરીને પછી કહું. તું રૂડાજીને કહેજે કે મને બે દા’ડા પછી મળે. હું પોલસનની ને બૅંકની બધીય તપાસ કરીને એમને વાત કરીશ.’ એમણે શંકરને સધિયારો આપ્યો.

પછી એમણે માપલાવાળા ઠક્કરને બોલાવીને પોલસનની વાત પૂછી. ઠક્કર કહે: ‘જુઓ મોટા, ચળવળવાળાય સમજે છે કે ગાંમડાંમાં આજે જે છત દેખાય છે એ પોલસનનાં માપલાંને લીધે છે. લોકોને દૂધના પાંચ પૈસા મલે છે નહીં તો ગબા જેવા માણસો ગાંમડાંને ચૂસી ખાતા હોત. ને પોલસનની પહોંચ છેક ઉપર સુધી છે. એ એમ કંઈ બંધ થઈ જવાની નથી.’

‘જેમ ગામેગામથી હોટલો બંધ થઈ ગઈ એમ પોલસન પણ…’

‘એ નાનીનાની હોટલની વાત જુદી અને પોલસનની વાત જુદી. હોટલવાળાનું ગજું કેટલું? એની સામે પોલસનની સરખામણી ના થાય. એની તો કરોડોમાં અસક્યામત ગણાય છે.’ ઠક્કરે કહ્યું પણ એ તો એના ધંધાની વાત એવી જ કરે ને એમ માની નાગજીભાઈએ શહેરની આઝાદીની લડતના કાર્યાલયમાં જઈ વધારે તપાસ કરી તો એમને માહિતી મળી: ‘પોલસન પર સરકારના ચાર હાથ હતા એટલે એ હાથવેંતમાં તો ઊડી જાય એમ નથી.  પણ આઝાદી મળ્યા પછી એને આપણે છોડવાના નથી.’

પછી એમણે પેલી ટ્રેક્ટરની એજન્સીમાં ને બૅંકમાંય તપાસ કરી લીધી. એમને લાગ્યું કે થોડું જોખમ જરૂર હતું પણ એટલું જોખમ તો લેવાય એમ હતું. એમણે રૂડાને બધી વાત સમજાવી ને એને કહ્યું: ‘તમને જો બૅંકની લોન લેવામાં ફડક રહેતી હોય તો બાકીની રકમ હું આપીશ. તમે તમારે બે તૈણ વરસે થઈને પાછા આપી દેજો.’

‘ના હોં, એ બૅંકનું વ્યાજ ભરવું પડે તો શંકરનેય કામમાં ચિવટ રહે. વળી આજ હુધી તમારે ટેકે તો ઊભા રહ્યા છીએ પણ હવે બે પાંદડે થયા છીએ. હવે તમારી લાઈનદોરીએ કામ કરવાનું ખરું પણ તમારા પૈસા નહીં.’

‘કેમ મારા પૈસા નહીં. હવે તો પાંચ હજાર લીધા હોય તોય તમે બે વરસમાં પાછા વાળી દો એવી તમારે આવક છે.’

‘તોય દીકરીને ઘેર તો અમારે આપવાનું હોય કંઈ લેવાનું ન હોય એટલે લાખ વાતની એક વાત તમને ને શંકરને ગોઠતું આવતું હોય તો ટ્રેક્ટર લેવામાં મારો વાંધો નથી પણ તમારે એમાં પૈસા આલવાના થતા હોય તો મારે એ લેવું નથી.’ રૂડાએ છેવટનું કહી દીધું.

‘ભલે ભાઈ, તમે કહો છો એમ પછી છે કાંઈ? પણ બળદોને મારવા કરતાં ટ્રેક્ટર આગળ પડશે એમ મને લાગે છે.’

‘તમને જો એ ઠીક લાગતું હોય તો તમે એની હાર્યે રહીને બધું ગોઠવી આલજો.’ રૂડાએ કહ્યું ને શંકરની ટ્રેક્ટર લેવાની વાત એમ પાકી થઈ ગઈ.

પછી શંકર વાટ જુએ ખરો? એ બીજે જ દિવસે નાગજીભાઈને મળ્યો. એમની સાથે બીજે જ દિવસે આણંદ જવાનું એણે ગોઠવી કાઢ્યું.

બીજે દિવસે રૂડાભાઈ, માવજીભાઈ, મોટા, શંકર અને રતનો પાંચ જણા આણંદ ગયા. સારા કામમાં ત્રણ જણ જવાય નહીં એમ માનતી અમરતે રૂડા અને શંકરને પાસે બેસાડીને પાંચ જણનાં નામ નક્કી કરાવ્યાં હતાં. એટલે પાંચ જણનું એ પંચ સવારથી જ આણંદ ઊપડ્યું. શંકર પોલસનમાં દૂધ પહોંચાડી આવ્યો પછી બધા ટ્રેક્ટરની એજન્સીએ પહોંચ્યા. એજન્સીવાળાએ એમને બૅંકની લોન માટેનાં કાગળિયાં આપ્યાં ને કહ્યું: ‘તમે આ ફોર્મ ભરીને બેએક વીઘાંના ખેતરની સાત બારની નકલો સાથે કાલે આવો એટલે બાકીનું બધું અમે સંભાળી લઈશું. તમારે ફક્ત ચોથાઈના હજાર રૂપિયા જ ભરવા પડશે.’

‘બૅંકનો હપ્તો દર મહિને કેટલો આવશે? ને કેટલું વ્યાજ ભરવું પડશે?’ રૂડાએ પૂછ્યું.

‘જે હપ્તો આવશે એમાં વ્યાજ પણ ભેગું ગણેલું પશે એટલે તમારે વ્યાજ જુદું આપવું નહીં પડે. કાલે આપણે બૅંકમાં બધાં કાગળિયાં લઈને જઈશું એટલે બધી ચોખવટ થઈ જશે. મહિને સવાસોથી દોઢસોને હપ્તો બનતાં સુધી આવશે. પણ જો તમે હજારને બદલે ચોથાઈમાં વધારે ભરશો તો હપ્તો ઓછો આવશે. વળી તમારી પાસે સીઝનમાં છૂટ થાય ને હપ્તા કરતાં વધારે પૈસા ભરશો તો એટલું દેવું વહેલું પતશે.’ પેલાએ કહ્યું.

‘વ્યાજ કેટલા આના લેખે ગણાશે?’ માવજીભાઈએ પૂછ્યું.’

‘એ તો કાલે બૅંકમાં ઝઈએ ત્યારે ખબર પડે પણ એ વ્યાજ વાણિયાની જેમ દોકડનું નહીં હોય. કદાચ એનાથી લગભગ અડધું જ હશે.’

‘બધું પતતાં કેટલા દિવસ લાગશે?’

‘બૅંકનું તો બે દિવસમાં પતી જશે. આવતા મંગળવારે કંપનીમાંથી અમારાં ટ્રેક્ટર પણ આવી જશે. તમારે જેને ટ્રેક્ટર ચલાવતાં શીખવાડવું હોય એમને કાલથી રોજ બપોરના બેબે કલાક અહીં મોકલશો તો અમારા એન્જીનીયર પાંચ દિવસમાં એમને એ શીખવાડી દેશે.’

‘અમારે બે જણને શીખવું હોય તો?’ શંકરે કાંઈક વિચારતાં પૂછ્યું. શંકરનાં લગ્ન પછી શંકર અને રતનાને ઘણી દોસ્તી થઈ ગઈ હતી. શંકરે મનથી નક્કી કરી દીધું હતું કે રતનાનેય ટ્રેક્ટર ચલાવતાં શીખવાડી દીધું હોય તો અડી ઓપ્ટીમાં કામ લાગે. પણ એના મનને એક ખૂણે જો ડોકિયું કરવામાં આવે તો એમાં પોલસનના દૂધના ફેરા ઉપરાંત પોતાની, નાગજી મોટાની ને રતનાની ખેતીને ટ્રેક્ટરની મદદથી હરિયાળી કરી દેવાની ભાવના દેખાયા સિવાય રહે તેમ ન હતી.

‘તો બે જણને મોકલજો. અમે બેયને શીખવાડી દઈશું.’

‘ઠીક તો સોમવારથી હું ને રતનભાઈ શીખવા આવી જઈશું.’ એણે કહ્યું. ને સોમવારથી બેય જણાએ ટ્રેક્ટર ચલાવતાં શીખવાનું શરૂ કરી દીધું.

બે દિવસ વીત્યા ને રતનો કહે: ‘શંકરજી, આ તો ખેતરમાં શળિયાં કાઢવા કરતાંય સ્હેલું કામ છે.’

‘મનેય પહેલાં ફડક રહેતી હતી કે આપડા જેવા ઓછું ભણેલા માંણહને આવું મોંધું સાધન ચલાવવાનું નહીં આવડે પણ આ તો બે જ દા’ડામાં હાથ બેસી ગયો. બીજા બે દા’ડા જશે તો આપડે એકલાય ટ્રેક્ટર લઈને ગામમાં આંટો મારી આવીએ એટલા પાવરધા થઈ જઈશું.’

ને થયું પણ એવું.  પેલા શિખવાડનારાને એમના પર વિશ્વાસ બેઠો એટલે એ શંકરને કહે: ‘ચાલો આપણે હવે જરખડા અને વડિયાનો આંટો મારી આવીએ.’ શંકરને તો કહેવું જ શું? એણે જરખડાનો રસ્તો પકડ્યો. પેલો શિખવાડનાર બાજુમાં બેઠો હતો ને શંકર ટ્રેક્ટર ચલાવતો હતો.

બધા જરખડે પહોંચ્યા ને રતનાને ત્યાં ચાપાણી કરીને નાગજીભાઈને ત્યાંય આંટો મારી આવ્યા. ત્યાંથી વડિયા ગયા. પાછા ફરતાં રતનાને પેલાએ ચલાવવાનું કહ્યું. બેય ગામમાં બધા લોકોને ખબર પડી ગઈ કે રતનાને ને શંકરને ટ્રેક્ટર ચલાવતાં આવડી ગયું હતું. બેય ગામનો આંટો મારી આવ્યા એટલે બેયને ખાતરી થઈ ગઈ કે એમને હવે પાકું આવડી ગયું હતું.

આ દરમિયાન બૅંકની વિધિ પતી ગઈ હતી ને કંપનીમાંથી ટ્રેક્ટર પણ આવી ગયું હતું એટલે નાગજી મોટાને સાથે લઈને સારે ચોઘડિયે ટ્રેક્ટર લઈ પણ આવ્યા. શંકરે નાગજી મોટાને ત્યાં જઈ જમનાંને હાથે ચાંલ્લા કરાવીને ને નારિયેળ વધેરાવીને એનું મૂરત કરાવ્યું. શંકરે વગર કહ્યે જમનીને હાથે આ મૂરત કરાવ્યું એ અમરતને બહુ ગમ્યું.

બીજા જ દિવસથી શંકરે ટ્રેક્ટરથી બેય ફેરા કરવા માંડ્યા. દિવસનો ફેરો એ એકલો કરી આવતો હતો અને સાંજના ફેરામાં રતનો ેની સાથે રહેતો હતો. દિવસનો ફેરો કરીને આવતાં ક્યારેક શંકર જરખડે થોભી જતો ને રતનો મોટાનાં ને પોતાનાં ખાતરમાં દાંતી મારવાનાં કામ પતાવી આવતો. એ જોઈને એક દિવસ મગનભાઈ રૂડાભાઈને કહે: ‘અમે તમારે તાં છોડી પૈણાઈ છે તોય તમે અમને એટલા હાચવો છો કે કોઈકને તાં છોકરો પૈણાયો હોય તોય આવો ટેકો ના કરે.’

‘એમાં અમારી વડાઈ નથી. અમારી હાર્યે નાગજી મોટાએ જેવો સંબંધ રાખ્યો છે એવો અમે તમારી હાર્યે રાખીએ છીએ.’ રૂડાએ કહ્યું.

જરખડામાંય પોલસનનું માપ સારું ચાલતું હતું. એનું દૂધ આણંદ પહોંચાડવાનું કામ એ જ ગામના એક જણાને આપેલું હતું પણ એનો એક બળદ મરી જતાં કામ બીજાને આપવાનું થયું ત્યારે પેલા ઠક્કરે રૂડાને જ એ કામ સોંપ્યું. રૂડાને તો એક ફેરામાં દોઢું ભાડું મળવા માંડ્યું ને પેલા ઠક્કરનેય પહેલાંના કરતાં થોડું સસ્તું થયું. વધારાના પૈસા આવતાં રૂડાએ બૅંકનું દેવું વહેલું પતે એ માટે દર મહિને હપ્તા ઉપરાંત પચીસ પચાસ રૂપિયા બૅંકમાં વધારે ભરવા માંડ્યા.

વળી કદીક વડિયા કે જરખડામાંથી સોમવારિયે(કાણ-મ્હોકાણે) જવા કોઈને ટ્રેક્ટર જોઈતું હોય તો એમાંય થોડાગણા પૈસા મળવા માંડ્યા. ક્યારેક અંગત સંબંધ હોય તો વગર પૈસેય ફેરો કરવો પડતો હતો. ગામમાં ટ્રેક્ટર આવ્યા પછી જાનમાં ગાડાં જોડવાનું તો જાણે બંધ જ થઈ ગયું હતું. એટલે એમાંય એમને રોકડી થવા માંડી હતી. આવા વધારાના ફેરા મોટે ભાગે રતનો જ કરી આવતો હતો.

એ જોઈ કદીક શંકર કહેતો: ‘ભાડું અમારે ખાવાનું ને ફેરો તમારે કરવો એ બરાબર નહીં.’

‘ખેતર અમારાં ખેડવાનાં ને ટ્રેક્ટર ઘસવાનાં અને કેરોસીન તમારાં વાપરવાનાં એય બરાબર કંઈ છે? તમે કદી આવો હિસાબ કર્યો છે ખરો?’

‘સગામાં એવા તે હિસાબ કરાતા હશે?’

‘તો પછી સગામાં આવા હિસાબેય ના કરાય. તમને ખબર છે, તમારા આ ટ્રેક્ટરને લીધે આ વરસે અમારા ખેતરોમાં એક ગાડું દાંણા વધારે પાક્યા. હવે તો બીજા લોકોય એમનાં ખેતરાં ખેડાવવા પૂછવા માંડ્યા છે. તમે વીઘાના ભાવ નક્કી કરી દો. વરસે દિવસે એમાંથીય પાંચસો રૂપિયા કૂટી કાઢીશું.’

‘મારી એક વાત માનવી હોય તો એનાય ભાવ નક્કી કરી દઈએ. જુઓ તમે આવું ભડાનું જેટલું કામ કરો એમાં ચોથા ભાગના પૈસા તમારા.’

‘એમ ના કરાય. બાપા મને ઘરમાંય ના પેસવા દે આવું કરું તો.’

‘એમને તો હું સમજાવી દઈશ ને આમાંથી મળવાનાય કેટલા છે? આ તો તમારી ખિસ્સા ખરચી જેવું. કાલ્યે આપડે આણંદ જઈને કંપનીમાં પૂછી લઈએ કે દાંતી મારવાના ને ખેડવાના બહાર કેટલા ભાવ ચાલે છે.’

ને એમ રતનાના ને શંકરના સહિયારા કામનું ગોઠવાઈ ગયું.

રતનો જરખડાનાં કામ પતાવી દેતો હતો પણ જ્યારે ટ્રેક્ટર વડિયામાં નવરું હોય ત્યારે પોતાનાં ખેતરોમાં દાંતી મારવા રતનાને વડિયે બોલાવવો પડતો હતો એ રૂડાને યોગ્ય લાગતું ન હતું. શંકર દૂધના બે ફેરા કરીને થાકેલો હોય એટલે એ એને આવાં વધારાનાં કામ કરવા દેતો ન હતો.

તેમાંય એક દિવસ શંકરે એને વાતવાતમાં કહ્યું કે એમની ઉંમરના કેટલાય માણસો ટ્રેક્ટર ચલાવતા હોય છે. ગાડું હાંકવા જેવું જ સહેલું ટ્રેક્ટર હાંકવાનું સહેલું છે ત્યારે રૂડાના મનમાં થઈ ગયું કે એક વખત એવો પ્રયત્ન કરી જોવામાં કશું ખોટું નથી. પોતાને જો નહીં આવડે તો શંકરને એના કોઈ ભાઈબંધને શિખવાડવાનું કહીશું.

પછી તો ક્યારેક શંકર પાસે તો ક્યારેક રતના પાસે એણે ટ્રેક્ટર ચલાવતાં શીખવા માંડ્યું. દસેક દિવસમાં એને વિશ્વાસ બેસી ગયો કે પોતાને એ આવડી જશે. એમ કરતાં એક મહિનામાં એ પોતાનાં ખેતરોમાં દાંતી મારવા માંડ્યો. પછી તો દૂધના બે ફેરા ઉપરાંત બેય ગામનાં કામ મળવા માંડ્યાં ને એમણે જાણે ટ્રેક્ટરનો કસ કાઢવા માંડ્યો.

૧૩. માસ્તર જેલમાંવિજય શાહ

 

વડિયાની ચાર ધોરણની નિશાળ ગણાય પણ એમાં શિક્ષકો તો જે ગણો તે બે જ. એક ધનજીભાઈ અને બીજાં ક્રિસ્ટીનાબેન.

ધનજીભાઈ માસ્તરે ખાદી પહેરવા માંડી ત્યારથી તાલુકાના શિક્ષણખાતાના મુખ્ય અધિકારી બમન મહેતાને ગમ્યું નહીં. તેમણે ધનજીભાઈને બોલાવીને કહ્યું: ‘ધનજીભાઈ, આ શું માંડ્યુ છે તમે? નોકરી હાથથી ખોશો.’

બમન મહેતા આમ તો પારસી હતા. એ માનતા કે આ પોતડીધારી ગાંધીજી અને સત્યાગ્રહનું તુત લૈને ચાલતા ગાંધીવાદી નેતાઓ અંગ્રેજોના જુલમ સામે ક્યાંય ટકી શકશે નહીં.

ધનજીભાઈકહે: ‘સર! હું જાતે કાંતુ છું અને આ કાતેલું કપડું જ્યારે હું પહેરું છું ત્યારે મને સસ્તું પડે છે અને મને લાગે છે મારા ખેતરમાં પાકેલું મારું રૂ મને ખાદી સ્વરૂપે પહેરવા મળે તો મારી ધરતીમા રાજી થાય તેથી હું તો પહેરું છું.’

‘આ સ્વરાજ્ની ગાંધીની ચળવળમાં તમે સક્રિય તો નથી ને?’

માસ્તર કહે: ‘હું સરકારી નોકર તે વળી આમાં પડતો હોઈશ? આ તો ગામલોકો જાતે બધાં ધતીંગ કરે છે.’

બમનજી કહે: ‘તમે ઉમદા શિક્ષક છો અને વડિયાની નિશાળના તમે હિતચિંતક છો તેથી મારી તમને જણાવવાની ફરજ છે તે મુજબ મેં તમને જણાવ્યું. અચાનક અમદાવાદથી ચેકીંગ આવે ત્યારે તમે ખાદીધારી હો તો તમારે અને મારે બંનેને સાંભળવું પડે તેથી કહું છું. બાકી મને તમારા પ્રત્યે કોઈ દ્વેષ નથી. સાચવીને રહેશો તો સુખી થશો.’

□ □

એમાં વળી માસ્તર સાથેની વાતોથી સ્વરાજ્યની વાતો જાણતા થયેલા વડિયાના કેટલાક લોકોએ સરઘસ અને પ્રભાતફેરી શરૂ કરી. સરકારને આમાં માસ્તરની છૂપી ચઢવણીની ગંધ આવી. એમણે ખાતા મારફત માસ્તર ઉપર દબાણ વધાર્યું.

શહેરની ઓફિસેથી પટાવાળાએ આવીને કહ્યું સાહેબ તમને બોલાવે છે ત્યારે ધનજીભાઈ કહે: ‘ભલે આવું છું.’

ધલજીભાઈ શહેરની ઓફિસમાં પહોંચ્યા ત્યારે બમનજીના હાથમાં બ્રીટિશ સરકારનું બદામી પરબિડિયું હતું અને તે ચિંતીત લાગતા હતા. ધનજીભાઈ આવતાં તેમણે કહ્યુ: ‘જે મારી ચિંતા હતી તે થઈ રહ્યું છે. લો, આ જુઓ.’

બમનજી પર કંપની સરકારની ચેતવણી હતી કે વડિયાની શાળાના શિક્ષક ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા જણાય છે તે અંગે તપાસ કરવી અને તે દાબવા લીધેલાં પગલાંની સત્વરે જાણ કરવી.

ધનજીભાઈકહે: ‘સર! આપ જેમ કહેશો તેમ હું કરીશ પણ આપ પણ જાણો છો કે સરદાર અને ગાંધીજી લોકજાગૃતિનું જે અભિયાન ચલાવે છે તેમાં વડીયા સહિત ઘણા ગામના યુવાનો જોડાયા છે.Õ

બમનજી કહે: ‘આ રીપોર્ટ તો સ્પષ્ટ કહે છે તમારી શાળાના શિક્ષક આ પ્રવૃત્તિને વેગ આપે છે. અને નજરે ચઢે તેવી રીતે આ ખાદી તમારું નામ સૂચવે છે.’

ધનજીભાઈ કહે: ‘સાહેબ, મારી શાળામાં તો એક હું અને બીજાં ક્રિસ્ટીનાબેન છે. ખાદી પહેરવાથી તમે મારા પર શક કરો છો અને શક્ની બીના ઉપર તમે મારું નામ લો તે યોગ્ય નથી.’

જેમ્સ કહે: ‘તમને મેં અગાઉ પણ ચેતવ્યા હતા અને આજે પણ ચેતવણી આપું છું કે બાળકોને જે શીખવાડવાનું છે તે જ શીખવજો, નહીં કે જે ગાંધીજી શીખવે છે તે.’

ધનજીભાઈકહે: ‘હું શિક્ષક પહેલાં છું પછી કંપની સરકારનો નોકર. મારે હૈયે મારા શિષ્યોનું હીત પહેલું છે. હું તેમને અક્ષર જ્ઞાન, વ્યવ્હાર જ્ઞાન અને જીવન જીવવા માટે જરૂરી જે હોય તેવું જ જ્ઞાન આપું છું.’

બમનજી કહે: ‘હા, તે સારા અને ઉમદા શિક્ષક્નાં લક્ષણો પણ છે. પણ જ્યારે તમે કંપની સરકારનો પગાર ખાતા હો ત્યારે તેઓ જે વસ્તુની મનાઈ કરે તે વાત ન કરવી તેમાં બુધ્ધિમત્તા છે.’

‘સર, હું પણ એમ જ માનું છું.’

બમનજીએ છેવટે હસતાં હસતાં કહ્યું: ‘તમારા જેવા એક્ના જાગૃત થવાથી આ દેશ જાગવાનો નથી. હા, તમે જો ગાંધીની વાદે ચઢશો તો નોકરી ખોશો કે જેલમાં જશો તે નક્કી છે.’

ધનજીભાઈકહે: ‘આપણો હેતુ એક જ છે સાહેબ, તેથી તો આ અભણ અને શોષવાતી પ્રજાને શિક્ષણ આપીયે છે.’

બમનજી કહે: ‘હું અંગ્રેજ નથી તેથી એક વાત તો કહીશ આપણી પ્રજા હજી સ્વરાજ્ય માટે તૈયાર નથી. ‘ક્વીટ ઈન્ડિયા’ કહેવાથી કંઈ આ લડાકુ પ્રજા જવાની નથી. હા, હું કાયદાને માનું છું અને તેને તોડીને તમે કશું ના કરશો તેવી મારી સલાહ છે, બરાબર!’

ધનજીભાઈ કહે: ‘સરદાર વલ્લભભાઈએ હમણાં કહ્યું હતું કે ભારતની પ્રજા જાગે અને ખાલી કોગળો પણ કરે ને તો આ મુઠ્ઠીભર અંગ્રેજો તે એ પુરમાં તણાઈ જાય!’

બમનજીએ નિઃસાસો નાખતાં કહ્યું: ‘તમે એવી વહિયાત વાતોમાં જલ્દી ભરમાઈ જાવ તેવા છો. હું તો સારો રીપોર્ટ લખીશ. પણ એ ઉપરવાળાને ગળે ઊતરશે કે નહીં એની મને ખાતરી નથી. પછી કહેશો નહીં કે મેં તમને ચેતવ્યા ન હતા.’

બમનજીએ સરકારને રીપોર્ટ મોકલી આપ્યો. એમની વાત સરકારને ગળે તો ન ઊતરી પણ એમને ધનજીભાઈની સામે એવા પૂરાવા પણ ન મળ્યા કે એમના ઉપર કશાં પગલાં લઈ શકાય.

□ □ 

ધનજીભાઈ અવારનવાર આણંદ અને નડિયાદ આવતા જતા રહેતા હતા ને મુખ્ય કાર્યાલયના સીધા સંપર્કમાં રહેતા હતા. એમની સલાહ અને ખાનગી ગોઠવણ મુજબ વડિયાનો યુવાનવર્ગ આજુબાજુનાં ગામમાં પણ પ્રચાર કરવા નીકળી પડતો હતો. માસ્તર એમને માટે પ્રચારનું સાહિત્ય અને ગામડાંની જાગૃતિ માટે રોજ નવીનવી પત્રિકાઓ તૈયાર કરતા હતા અને યુવાનોની મદદથી એની દસ પંદર નકલો કરી લેતા ને ગામેગામ પહોંચાડતા.

ધનજીભાઈ માસ્તર વાતો કરવામાં જરૂર પડે ત્યાં અને ત્યારે વાતને સંભાળી લેવામાં કાબેલ હોવાથી તેમના ઉપર હજી સુધી કંપની સરકારે જાસુસ બેસાડ્યા નહોતા. ‘ક્વીટ ઈન્ડીયા’ ચળવળ ખાસી જોર પકડી ચૂકી હતી અને હવે આણંદથી આવતી ગણીગાંઠી પત્રિકાઓથી જોઈએ તેવો જુવાળમાં વેગ આવતો નહોતો.

આ વખતે આણંદ ગયા ત્યારે માસ્તરે કોંગ્રેસમાં બહુ જ મોટો જુવાળ જોયો. વીસ વીસ વર્ષના લબ્બર મુછિયા ગજબનું કામ કરતા હતા. ખાદી પહેરીને અને ખાદી પહેર્યા વિના પણ સ્વરાજ્ય માટેની વાતોથી એમનું લોહી ધીકતું હતું. આણંદ ગાળાના સર જમિયત પટેલે સરનો ખીતાબ પાછો સોંપી ધરપકડ વહોરી હતી તે વાતે હિંદુ મુસ્લીમ સૌમાં ઘણી જાગૃતિ આણી હતી.

એક તબક્કે અંગ્રેજ હાકેમને આણંદના રેલ્વે સ્ટેશનેથી પાછો પાડવા મૌન રેલી કાઢવાની હતી ત્યારે વડિયા, જરખડા અને ગામડીથી ૧૦૦ માણસને લઈને જવાની જવાબદારી નાગજીભાઈએ લીધી ત્યારે એમણે વધુ પત્રિકાઓ સમયસર બધાને મળે તેવો આગ્રહ રાખ્યો.

ધનજીભાઈકહે: ‘મોટા, હું જુવાનિયા પાસે હાથે લખાવીને તમને પત્રિકાઓ પોગાડું છું.’

નાગજી મોટા કહે: ‘પૈસાનો વચાર કર્યા વિના એક સાઈક્લો સ્ટાઈલ મશીન લઈ લઈએ. અમારા શંકર જમાઈ કડાકુટીયા છે એ તરત ચલાવતાં શીખી જશે.’

ધનજીભાઈકહે: ‘હું રહ્યો સરકારી નોકર. મારે ત્યાં સાઈક્લોસ્ટાઈલ મશીન અવાજ કરે અને પકડાઈ જવાય તેના કરતાં લખીને મોકલવું સારું.’

જો કે લખાપટી પણ લાંબી ના ચાલી અને વધારે પત્રિકાઓની જરૂર લાગતાં નાગજી મોટાએ એક નાનકડું પ્લેઈન સાયક્લો સ્ટાઈલ મશીન પણ છૂપી રીતે મેળવીને વડિયા મોકલી આપ્યું ને રૂડા ઠાકોરના ઘાસ ભરવાના છાપરામાં એને રાખ્યું. માસ્તરે એના પર મોડી રાતે સોસો બસોબસો પત્રિકાઓ છપાવવા માંડી ને પ્રચારને વેગવંતો બનાવ્યો. આ બધા કામમાં એ અને એમનો જુવાન વર્ગ ઘણી ચૂપકીદી અને સાવચેતી રાખતો હતો.

જમિયત પટેલનો ભત્રીજો વડીયા આવ્યો ત્યારે છૂપી પોલીસના જાડેજા સાહેબના કાન સરવા થયા. તેમને માસ્તરની વર્તણુંક શંકાસ્પદ લાગી અને કોન્સ્ટેબલ ચતુરને ધનજી માસ્તર પર નજર રાખવાનું કામ સોંપાયું.

કોન્સ્ટેબલ ચતુરના આંટાફેરા વધ્યા છે તેવું યુવા સેક્રેટરી મફત જાણી ગયો અને તેણે તે દિવસે પોતાને ત્યાં જમવા તેડ્યો. ખુબ દારૂ પાયો અને વાતો વાતોમાં ચતુરને સોંપાયેલ નવા કામની વાત કઢાવી લીધી અને બધી જ પ્રવૃતિનો દોર બદલાઈ ગયો. સાયક્લોસ્ટાઈલ મશીન વહેલી સવારને બદલે મોડી રાત્રે ચાલતું થયું. અને પત્રિકાઓ રાતના ૩ વાગ્યે તો વહેંચાઈ જવા માંડી. ચતુરને કામ સોંપાયા પછી વધેલી પ્રવૃત્તિઓ તો જાડેજા સાહેબ જોતા હતા પણ  ધનજીભાઈ માસ્તરને આ પ્રવૃતિઓ સાથે જોડતો કોઈ પુરાવો નહોતો મળતો.

આજુબાજુનાં બધાં ગામોમાં પ્રભાત ફેરી દરરોજ નીકળતી. સર્વધર્મ સમભાવની વાતો થતી અને દેશ્ભક્તિનાં ગીતો લલકારાતાં. ચતુર હવે ધનજીભાઈના ઘર પાસે રોજના ચારથી પાંચ આંટા મારવા માંડ્યો.

ગીધુ ઘાંયજો રોજે રોજ ગામની વાતો જાડેજા સાહેબને પહોંચાડતો. એક દિવસ તે વાતોમાં બોલ્યો: ‘સાયેબ, મને કંઈક આલો તો મારા પેટમાં અમળાતી એક વાત કહું.’

જાડેજા સાહેબ કહે: ‘વાત સાચી હશે તો એક મોટી નોટ (સો રૂપિયા) આલીશ.’

‘લો તારે, એક વાત છે કે વડીયાના ધનજી માસ્તર, જરખડાના નાગજી મોટા ને પેલો માવાની ભઠ્ઠીવાળો ગબો ગઈકાલે અંદર અંદર ઝઘડતા હતા અને ગબો કહેતો હતો માસ્તર મને બધી ખબર છે કે તમે શું કરો છો.’

જાડેજા કહે: ‘એ વાતનો પૂરાવો આલ.’

ગીજુ ઘાંઈજો કહે: ‘એ પૂરાવા હોધવાનું કામ તમારું. ગબાની પુઠે બે દંડા પડશે એટલે પોપટની જેમ બોલવા માંડશે.’

કોન્સ્ટેબલ ચતુરને કહેણ મળ્યું. તેની ડ્યુટિ બદલાઈ ને એ જરખડામાં આંટા મારવા માંડ્યો.

ગબો ભાવોમાં ગરબડ કરતો હતો તેથી તેના પર ખાર રાખનારા  બે ત્રણ જણે કોન્સ્ટેબલ ચતુરને જોઈતો મસાલો આપી દીધો અને ગબાને ઈન્સ્પેક્ટર જાડેજાએ પોલીસ સ્ટેશન ઉપર બોલાવ્યો.

શેર શેર પેંડાનાં બે પડીકાં લઈને ગભરાતો ગબો આણંદ પોલીસ સ્ટેશને પહોંચ્યો.

જાડેજા સાહેબની ઓફિસમાં ‘સલામ સાયેબ’ કહીને દાખલ થયો.

જાડેજા સાહેબ ફોન ઉપર હતા તેમણે ગબાને બેસો એમ કહી તેમની વાતો ચાલુ રાખી. તે વાતોમાં અને વાતોમાં કહેતા હતા વડીયા અને જરખડામાં વધી રહેલ જન જાગૃતિ તો હવે દબાઈ જશે. ઈનામની પણ વાતો કરી અને ફોન મુકાયો. ગબાને ખબર ના પડી કે સામે છેડે કોણ હતું. પણ ઈનામની રકમ સાંભળી મોંમાં પાણી આવી ગયું.

કોન્સ્ટેબલ ચતુર ચા લાવ્યો અને ગબાએ પેંડાનાં બે પેકેટ કાઢી ટેબલ ઉપર મૂક્યાં. ‘સાયેબ, તાજા માવાનાં પેંડાનાં બે પેકેટ.’

‘ કેમ અલ્યા મેં ક્યાં મંગાવ્યાં હતાં?’

‘ના સાયેબ મારે તો ઘરનો ધંધો છે. અને તમારા જેવા ઓફીસરની રહેમ નજર રહે તેથી આ તો પરસાદ છે.’

ચાની ચૂસકી મારતાં જાડેજા સાહેબ બોલ્યા: ‘ખેડા જિલ્લાના ઈન્સ્પેક્ટર આલ્ફ્રેડ સાહેબે ઈનામ કાઢ્યું છે અને સાથે ફરમાન પણ તને ખબર છે?’

‘હા સાયેબ તમે વાતો કરતા હતા તે ઉપરછલ્લી સાંભળી. આ પોતડી ધારીની વાતો સાંભળવી નહીં અને તેવી વાતો કરતી પત્રિકાઓ વહેંચવી કે વાંચવી તે ગુના માટે જેલ થશે. બરોબર ને?’

‘હા એટલું જ નહીં પણ આવી પ્રવૃત્તિ કરનારને પકડાવવામાં મદદ કરનારને સરકાર ઈનામમાં લીલી નોટ આપવાના છે.’

ગબો વેપારી હતો તેથી લલચાયા વિના બોલ્યો: ‘બોલો સાયેબ, મને શું કામ યાદ કર્યો?’

જાડેજા સાહેબે હવે અવાજમાં કરડાકી ભરીને કહ્યુ: ‘તમારા વિશે લેખીત ફરિયાદ આવી છે તેથી પૂછપરછ કરવાની છે.’

ગબો કહેઃ ‘આપ દયાળુ માલિક છો અને અમારો ધંધો એવો કે કોઈક્ને તો અમારી જલન થાય જ. કહો કોણે અમારી ફરિયાદ કરી છે?’

જાડેજા સાહેબ કહે: ‘ચતુર, લાવ તો એફ. આઈ. આર.નું રજીસ્ટર.’

ગબાએ ચુપકીદી સાધી. તેને તો ખબર હતી જ કે ચોપડે કશું નહીં જ હોય. એને પોલીસની આવી ખોટી દાટીનો થોડો તો અનુભવ હતો જ.

કોન્સ્ટેબલ ચતુરે કહ્યુ: ‘સાયેબ, ગબાભાઈને જે પૂછવું છે તે પૂછ્યા વગર જ એફ આઈ આર બતાવવી છે?

જાડેજા સાહેબે સીગરેટ સળગાવી અને સીધી આંખે કહ્યું: ‘મને ખબર છે કે તું પેલા માસ્તર અને નાગજી મોટા સાથે મળીને જુવાનીયાઓને ચઢાવે છે.’

ગબો કહે: ‘સાયેબ, અમે વેપારી માણસ. અમને દૂધનાં પાલાં ભરતાં અને તેમાંથી રૂપિયો રળી લેતાં આવડે. અમને એવો બધો ટેમ જ ક્યાં છે કે અમે એવા નવરાઓને ટલ્લે ચઢીયે.’

‘પણ આ ચતુરે તને તેમની સાથે ઝઘડતાં જોયો હતો તેનું શું?’

‘સાયેબ, નાગજી મોટાએ માસ્તરને પૈસા આલવા મને સમજાયો’તો અને મેં કીધું એમની નોકરીનો શું ભરોહો! એમને ગામમાં ન જમીન મળે કે ઘર એવાને હુ પૈસા ના ધીરું. એટલે થોડી તું તું મેં મેં થયેલી.’

‘તું સાચું બોલે છે? નાગજી મોટાએ તઈણસો રૂપિયાનું છાપવાનું મશીન અપાવ્યું તારા પૈસે તેવી લેખીત માહીતિ અમારી પાસે આવી છે એટલે તો તને બોલાવ્યો છે. હાચું બોલી જૈશ તો ઈનામની નોટ અપાવીશ નહીંતર આજે રાતે અહીં જ તારી ધોલાઈ કરીને જેલમાં ઘાલી દૈશ.’

ગબો કહે સાયેબ ‘એ માસ્તર સાથે મારે વારંવાર બોલાચાલી થાય તેનો મતલબ એ નહીં કે જે હું ના જાણતો હોય તે પણ કૈ દૌ.’

‘એટલે?’

‘સાયેબ! મને ડાકોરનાં રાજાની આણ જો હું ખોટું બોલતો હોઉં તો..’

બેચાર કલાક્ની માથાકૂટે પણ ગબા પાસેથી વાત ના નીકળી અને પૂરાવો મળવાનો તો બાજુ ઉપર રહ્યો ગબાએ જાડેજાને અલ્ફ્રેડ સાહેબને ફરિયાદ કરવાની હુલ આપી ત્યારે માંડ માંડ છૂટ્યો. એ હવે સમજી ગયો હતો કે પોલીસ સાથે સારા સંબંધો રાખવા કરતાં ગામ સાથે સારા સંબંધ રાખવા આગળ પડે.

જરખડાના કેટલાક દૂધ ભરનારાઓએ નાગજી મોટાને પત્રિકાઓ વહેંચતાં જોયા અને  ક્યાંકથી વાત ફૂટી. યુવાટોળકીને ગબા પર વહેમ આવ્યો. ને જરખડામાંથી કેટલાકે આ વાતની પૂર્તિ પણ કરી. ને જરખડામાં ગબા પ્રત્યે અણગમો ઉભરાવા માંડ્યો. વળી ગબાને પોલીસ કચેરીમાં બોલાવ્યો હતો અને પાછો કતાકમાં જ છોડી મૂક્યોય હતો એટલે બધાને વહેમ પડી ગયો હતો કે એણે પોલીસમાં ગામની માહિતી આલી હશે જ.

એક દિવસ માસ્તરને ત્યાં રેઈડ પડી ને સાયક્લોસ્ટાઈલ મશીન અને ઢગલાબંધ પત્રિકાઓ એમને ત્યાંથી મળી આવી. એટલે માસ્તરને તાત્કાલીક નોકરીમાંથી છૂટા કરી દઈ એમને જેલમાં પૂરી દીધા.

યુવા ટોળકી એ જરખડાના બીજા લોકો સાથે મળીને ગબાની દુકાન અને એના વાડામાં તોડફોડ કરી.

ગબાએ પોલીસમાં ફરિયાદ કરી અને કોન્સ્ટેબલ ચતુરે જરખડામાંથી આ તોડફોડ કર્યાના ગુનામાં રતના સહિત ચાર જણને જેલમાં ઘાલી દીધા. પણ એમને નાગજી મોટા તરત જામીન પર છોડવી લાવ્યા ને પંદર દા’ડા પછી એનો કેસ નીકળતાં એમની સામે કોઈ સાક્ષી ન મળતાં એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

જો કે માસ્તરનો ગુનો સંગીન ગણીને એમને એક વરસની સજા ઠબકારી દેવામાં આવી. પણ આને કારણે વડિયામાં વધુ જાગૃતિ આવી ગઈ. ગામના જુવાન વર્ગે ચળવળ ઉપાડી લીધી અને હવે તો ગામના મોટેરા પણ એમની સાથે જોડાયા. રોજે રોજ ચાલતી પ્રભાત ફેરીમાં હવે ધનજી માસ્તરને સ્વાતંત્ર્ય ઝુંબેશના સેનાપતિની પદવી અપાઈ. ગાંધી ચિંધ્યા માર્ગે પોલીસ સ્ટેશન ઉપર ધરણાં થવાં માંડ્યાં.

ક્રિસ્ટીનાબેને હવે માસ્તરની જગ્યાએ પત્રિકાઓ લખવાનું અને વહેંચવાનું કામ હાથમાં લીધું.

૧૪. સ્વરાજ મળ્યું- ડો. ઇન્દીરાબેન શાહ

૧૨ ઓગસ્ટે આખા દેશને સમાચાર મળી ગયા, બે દિવસમાં સ્વરાજ મળી જશે. આઝાદીની કપરી લડતનો અંત આવ્યો, બાપુની સત્યાગ્રહ લડતની જીત થઈ. જોકે ભાગલા તો થયા, બાપુના ઉપવાસની અસર ઝીણા પર ન થઇ અંગ્રેજોએ હિન્દુસ્તાન છોડ્યું પરન્તુ હિન્દુસ્તાનના ભાગલા પડ્યા.

૧૨મી તારીખથી જ ક્રિસ્ટીનાબેને આ શુભ સમાચારની પત્રિકાઓ છાપવાનું કામ શરૂ કરી દીધું હતું, પત્રિકાઓ ગામો ગામ પહોચાડવાનું કામ શંકર, રતનો અને તેના દોસ્તોએ ઉપાડી લીધું હતું. આમ ગામોગામ આઝાદી મળવાના ખુશખબર પહોંચી ગયા.

૧૪ઓગસ્ટની મધરાતે બન્ને દેશને આઝાદી મળી. પાકિસ્તાન પોતાનો સ્વાતંત્ર દિન ૧૪ ઓગસ્ટને ગણે છે, હિન્દુસ્તાન ૧૫ ઓગષ્ટ ગણે છે. જેલમાંથી સૌને રજા મળી, ધનજી માસ્તરને તો તેઓની સારી વર્તણુકના અનુસંધાનમાં વહેલી જ રજા મળી ગયેલી જ હતી, તેઓએ  અને ક્રિસ્ટીનાબેને મળી આઝાદીની ઉજવણીની રૂપરેખા તૈયાર કરી દીધી. શંકર, રતના અને મનહરની સાથે મિટીંગ કરી બધી કાર્યવાહી સમજાવી દીધી હતી.

જરખડાની આજુબાજુનાં ગામોનું કામ રતના અને તેના મિત્રોએ સંભાળી લીધું વડિયાની આજુબાજુના ગામોનું કામ શંકર અને તેના મિત્રોએ સંભાળી લીધું. આમ સૌને કામ સોંપાઇ ગયાં.

૧૪મીની રાતથી જ શંકરે પોતાનુ ટ્રેક્ટર શણગારવા માંડેલું, આસોપાલવનાં તોરણો ઘેર ઘેર થવા લાગેલાં, શંકરે આણંદથી લાવેલા રંગ બેરંગી કાગળોનાં તોરણ પણ રેવા અને તેની સહેલીઓએ કરવા માંડેલાં, કોઇ વળી કોતરણી કરી તોરણ બનાવતી તો કોઇ મોર પોપટ વગેરેનાં ચિત્રો દોરી શણગારતી, તો કોઇ રંગ બેરંગી પુષ્પોની વેલો બનાવતી, આમ મધરાત પહેલાં ભાત ભાતનાં તોરણો તૈયાર થઈ ગયાં.

શંકરે ટ્રેક્ટર સરસ શણગાર્યુ. ઓરડા ઓસરીમાં બેનો દિકરીઓના કામ ચાલુ જ હતાં, રેવા અને તેની સહેલીએ કેલેન્ડરના પુંઠા પર રંગ કરી તેના પર બાપુ, જવાહર અને સરદારનાં ચિત્રો ચોટાડ્યાં. શંકર અંદર ગયો તો ઓસરીમાં જ રેવા મળી.

રેવા કહે: ‘હારું થયું હું તને જ હાદ પાડવાની હતી.  આ અમારા ચીતર જોતો જા.’

શંકરઃ ‘ચીતર! લાય જોવા દે.’

રેવાઃ ‘જોવા દઉં પણ એક શરતે.’

શંકરઃ ‘શરત શેની! હાલ્ય બોલ્ય, શરત શી છે? મારે મોડું થાય છે.’

રેવાઃ ‘હાંભળ, ચીતરમા કંઇ ભૂલ હોય કે સુધારા કરવા જેવું જણાય તો કહી દેવાનું.’

શંકરઃ ‘હાલ્ય બઉ મોણ્ય નાખ્યા વિના ચીતર દેખાડ્ય.’

રેવા અંદર ગઈ ને બાપુ, સરદાર અને જવાહરનાં ચિત્રો લૈ બહાર આવી. એની પાછળ અમરત પણ આવી: ‘જો ભઇ, છોડીઓયે કેવું સરસ કામ કીધું છે!’

રેવાએ ચીત્રો શંકરના હાથમાં મૂક્યાં. શંકરે ચિત્રો જોયાં ને એ બોલ્યો: ‘બા છોડીઓએ કામ તો હારું કીધું છે.’ ને બા મલકાયાં.

શંકરઃ ‘પણ આ બાપુના ચહમાં ગોળ હોય ને દાંડી પાતળી હોય તો ચ્ય્મ?’

રેવાઃ ‘હા, તારી વાત હાચી અને આ સરદારને જો બરાબર છે? એમને બંડી પેરાવી તો ચ્ય્મ?’

શંકરઃ ‘હાચુ બંડી પેરાવ્ય. સરદાર બરાબર લાગશે બરાબરને, બા?’

અમરતઃ ‘હાઉ હાચુ અને ભઇ જવાહરને ચોયણું પેરાવે તો ચ્યમ?’

રેવાઃ તમે હાચું કીધું, ચોયણા, ઝભાને બંડીમાં જ જવાહરલાલ શોભે એ તો પરદેશમાં રહેલા એમને ધોતીયું ના શોભે.’

શંકરઃ ‘અલી, આપણા માસ્તરનું ચીતર ચ્યાં?’ આપણા જ જણને ચ્યમ ભુલાય? એમણે તો ચતુર્યાના દંડા ખાધા છે ને જેલમા ગોરા અમલદારોના જુલ્મ વેઠ્યા છે.’

રેવાઃ ‘મુઈ હું ભુલી જ ગૈ, હારું થયું તમે બતાયું તે, નહિ તો કાલ્ય આપણો ફજેતો જ થાત. હવાર પે’લાં એને કોટ, પાટલુન ને ગાંધી ટોપી પેરાવી ચીતરી દઉં.’

આમ મધરાત થતાં બધાં ચિત્રો, તોરણો વગેરે તૈયાર થઇ ગયાં. શંકર અને તેના દોસ્તોએ ઘેર ઘેર જૈ  જેને જરૂર હતી તેને તોરણો વગેરે આપ્યાં ને ક્યાં લગાવવાં એ સમજાવી દીધું. સૌને વાહનો અને ઘર શણગારવામાં મદદ કરી. કોઇએ તો વળી બળદો અને ગાયોને પણ શણગાર્યાં, તેમની પીઠ પર ભરત ભરેલા ચાકળા મૂકેલા, ગળામાં ઘુઘરમાળાઓ પહેરાવેલી. આમ ૧૪મીની આખી રાત વડિયાના યુવાન ભાઇઓ તથા બેન દિકરીઓએ સવારની તૈયારીમાં ગાળ્યા. કોઈની આંખમાં ઊંઘનું નામ નહિ.

શંકર જુવાનિયાઓને પોરો ચડાવતો અને રેવા યુવતીઓને. કોઇ કોઇ તો વળી મનોરંજન કરતી, ગીતો ગાતી હતી:

એ…આજ મારે આંગણીએ અવહરખનો

મારે હૈયે હરખ ના હમાય  રે 

હુ તો ઘેલી થૈ આંગણાં લીપાવું રે..

આજ હુ બાયણે તોરણો બંધાઉ રે.

હરખે હાથિયા પુરાઉ રે.. 

 

તો અમરત ચા બનાવી બધાને આગ્રહ કરતી: ‘લો, બે ઘુંટડા હઉ પીઓ તો કામ હારું થાય. તો રૂડો વળી મોટેરાને ચલમ ભરી દેતો પણ ટકોર કરતો: ‘જો જો હોં આ છેલ્લી. બાપુએ વ્યસન છોડવાનું કીધું છે. કાલ્યે હઉએ બાધાઓ લેવી પડશે. આપણા ગામના માસ્તર સાહેબે આટલું સહ્યું, તો આપણે આટલું વ્યસન ન છોડી હકીયે?’

માવજીઃ ‘રૂડા કાલ્યની વ્યાત કાલ્યે અતારે તો આલ તો આ ઊંઘ ઊડે.’

આમ વાતોમાં ગામના મોટેરા અને યુવાનોના ઉલ્લાસ ઉંમંગમાં મધરાત થૈ તેની કોઇને ખબર ન રહી. શંકરે આણંદથી લાવેલો રેડિયો ટ્રેક્ટરની બેટરી સાથે જોડીને રાતના અગિયાર વાગ્યાનો ચાલુ કરી દીધો હતો ને બધા આઝાદીના સમાચાર સાંભળવા ને રેડિયોનું આ નવું વાજું માણવા એકકાન થઈ રહ્યા હતા.

સૌએ સાંભળ્યું: ‘દોઢસો વર્ષ બાદ અંગ્રેજોની પકડમાંથી આઝાદી મળી હતી, આઝાદી અમર રહો, જય હિંદ, જય ભારત, ભારત માતાની જય.’ સૌએ રેડિયાના અવાજ સાથે અવાજ પૂર્યો.

જન ગણ મન રાષ્ટ્રિય ગીત ગવાયું.

માસ્તરે બધાને ઊભા થવા ઇશારો કર્યો સૌએ ઊભા થઈ રાષ્ટ્ર્ને માન આપ્યું. સૌ સાથે ‘જયહિન્દ’ બોલી છૂટા પડ્યા.

શંકર ટ્રેક્ટર લૈ જરખડા જવા ઊપડ્યો. ત્યાં રતનો અને તેના મિત્રો રાહ જોતા ઊભા જ હતા. બધાએ શંકરના ટ્રેકટરને આસોપાલવનાં વધારે તોરણો બાંધ્યાં તો એક જણે લીમડાનાં તોરણો બાંધ્યાં. કોકે ટકોર કરી: ‘અલ્યા લીમડાનાં તોરણ ચ્યમ બાંધ્યાં?’

‘અમારા જમઇના ટ્રેકટરને  નજર ન લાગે એ હાટું.’

શંકરે સૌને બપોરની સભાની યાદી આપી ને વહેલાસર  વડિયા આવી જવા જણાવ્યું ને સૌ જુવાનિયાઓએ ઘેર ઘેર જઈ સૌને વહેલાસર વડિયે પહોંચી જવા નો સંદેશો વહેતો કર્યો. રતનો અને શંકર નાગજી કુબેરને ઘેર પહોંચ્યા. એ ઓસરીમાં જ હિંચકે બેઠા હતા, મનહર પણ ત્યાં જ હતો તેને પણ સભાના સંચાલનની જવાબદારી સોંપવામા આવી હતી. જમની પણ આંગણામાં સાથિયા કરવામાં પડેલી પણ પગ સંચાર સાંભળી ઊંચે જોઇ બોલી: ‘ અરે ભાઇ, આવ. રતનાભાઈ, આવો જુવો અમારું ઘર કેવું લાગે છે? કંઇ ખામી જણાતી હોય તો બોલો.’

શંકરઃ ‘મારા બનેવી ભણેલા તે તને બહુ હોશયાર બનાયી દીધી, પછી કંઇ કેવાપણું હોય?’

ત્યાં હિંચકેથી નાગજીભાઇ બોલ્યા: ‘આવ શંકર, જોજે સભાના મંડપમાં કાંઇ કચાસ ન રહે.’

શંકરઃ બાપા, હું અને રતનાભાઇ તમારી કને એની સલાહ લેવા જ આયા છીએ. તમે કહો તેમ બધું ગોઠવીએ. મંડપ તો બંધાઈ રહેવા આયો હશે.’

નાગજીભાઇઃ ‘થોડી પાટ્યો મંગાવી રાખી છે પાછળ વાડામાં જ છે, તમે બેઉ થઈ અત્તારે જ લૈ જાવ.’

‘બાપુ, હાલ તો મારે આણંદનો ફેરો કરવાનો છે એટલે પાછા ફરતાં લેતો જઈશ.’

જમની રસોડામાથી બાહર આવી બોલી: ‘રતનાભાઈ, ચા તૈયાર છે એ પીતા જાવ.’

નાગજીભાઇએ પણ સૂર પુરાવ્યો: ‘ભાઈ, ચાનું નામ પડ્યું છે એટલે પીને જ જા.’

જમની ચા લૈ બહાર આવી ને સૌએ ચા પીધી. પછી શંકર આણંદનો ફેરો કરવા ગયો.

એ બપોરે શંકરના ટ્રેક્ટરમાં પાટ્યો ને રતનાના ગાડામાં દૂધનાં ખાલી કેન ભરીને નાગજીભાઇની રજા લૈ રતનો, શંકર અને જુવાનિયાઓ વડિયા ઊપડ્યા. એ વડિયા પહોંચ્યા ત્યારે શંકરને ઘેર બધાં રાહ જ જોતાં જ  હતાં. વડિયામાંથી તો ફક્ત બે જ પાટ્યો મળી હતી વળી જરખડાથી નાગજી મોટાએ ચાર પાટ્યો મોકલી હતી બધી પાટ્યો ગોઠવીને છગન સુથારે સરસ મઝાનો મંચ તૈયાર કરી આપ્યો.

પછી એ મંચની ત્રણ બાજુએ મોદ્યો બાંધીને શણગારી દેવામાં આવ્યો. ગામમાંથી ગાદલાં માગી લાવીને મંચ પર પાથરી દીધાં ને ઊપર ચાદરો પથરાઈ ગઈ. ગામના પરભુ માળીએ હજારીના હારથી મંચને મહેંકતો કરી દીધો.

ચારે બાજુ આસોપાલવનાં તોરણ બાંધ્યાં, તોરણ પર રેવાએ તૈયાર કરેલાં ચાર ચિત્રો પણ લટકાવાઇ ગયાં. કોઇએ ઝાડનાં થડને કાગળનાં તોરણથી શણગાર્યાં, બે ઝાડવાં વચ્ચે પણ તોરણો લગાવી દીધાં, ને મંચ પર પાંચ છ ખુરસીઓ પણ ગોઠવી દીધી

આટલું કરતાં એક વાગ્યો, સૌ જમવા પોત પોતાને ઘેર ગયા. શંકરને ત્યાં તો રતનાની સાથે જરખડાના જુવાનિયાઓ પણ જમવાના હતા. અમરતબાએ રોટલા, દૂધ, માખણ, છાસ તૈયાર જ રાખ્યાં હતાં.

સૌ એ જમ્યા, શંકર અને બધા જુવાનિયાઓ તરત જ નીકળ્યા, રેવા અને અમરત રસોડું આટોપી  નીકળ્યાં.

ત્રણ વાગતાંમાં તો આજુબાજુનાં ગામથી ટોળે ટોળાં આવવા લાગ્યાં, સૌ પોત પોતાની રીતે મંડપની આજુબાજુ જગ્યા સોધી બેસવા માંડ્યાં.

બરાબર ચાર વાગે, નાગજીભાઇ જીપમાં મહેમાનોને લઈને આવ્યા. મુખ્ય મહેમાનમાં શિક્ષણ અધિકારી બમનજી હતા, પોલીસ વડા જાડેજા પણ જીપમાં સાથે હતા.

મનહર માસ્તરસાહેબ અને ક્રિસ્ટીનાબેનને બોલાવીને આવી ગયો. શંકર સૌને સ્ટેજ પર દોરી ગયો સૌ ખુરસી પર ગોઠવાયાં. આ દરમ્યાન ‘આઝાદી અમર રહો, બાપુ અમર રહો’ જય હિંદ’ વગેરે નારા ચાલુ જ હતા.

મનહરે બધાને શાન્તિ જાળવવા વિનંતી કરી. ને સભાનું કામ શરૂ થયું.

મનહરે શરૂઆત કરી: સૌ પહેલાં મંચ પર બેઠેલા સૌ મહેમાનોનું સ્વાગત કરીશું. કહેતાં મનહરે સૌ પ્રથમ મુખ્ય મેહમાન બમનજીસાહેબનુ હાર તોરાથી બહુ માન કર્યું. ત્યાર બાદ શંકરે જાડૅજા સાહેબને હાર પહેરાવ્યા. ત્યાર બાદ મનહરે માવજીભાઇને માસ્તર સાહેબનું માન કરવા વિનંતી કરી.

માવજીભાઇ ઊભા થયા ને બોલ્યા: ‘મને તમારા જેવું બોલતાં નહીં આવડે, મારે એટલું જ કહેવું છે કે વડિયા ગામ માસ્તર સાહેબનુ ખુબ ઋણી છે. હું હાર પેરાવી તેઓનું બહુમાન કરું છું.’ તાળીઓના ગડગડાટ.

શંકરઃ ‘હવે મારા બાપુ રૂડાભાઇ વડિયા ગામના પંચમુખી વાલજીકાકાને હાર પેહરાવશે.’ તાળીઓના ગડગડાટ.

શંકરઃ ‘હવે હુ નાગજીકાકાને હાર પેહરાવીશ તેઓશ્રીએ જરખડા રહીનેય આ લડત અને આ સમારોહમા ઘણી મદદ કરી છે.’ તાળીઓના ગડગડાટ સાથે લોકોએ એમને વધાવ્યા.

પછી મનહરે શરૂ કર્યું: ‘મુખ્ય મેહમાન શ્રી બમનજી સાહેબ, પોલીસવડા શ્રી જાડેજા સાહેબ, શ્રી માસ્તર સાહેબ, પૂજ્ય વડીલો, ભાઈઓ તથા બેનો, માસ્તર સાહેબ છેલ્લાં ૨૫ વર્ષથી વડિયા ગામને સેવા આપી રહ્યા છે.

‘આપ સૌ જાણો છો કે તેઓશ્રીની મહેનત શાળામાં પણ ઘણી છે. એમના આવ્યા પછી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે વળી પોલ્સનનાં માપો આપણાં ગામોમાં શરૂ કરવામાં તેઓશ્રીની મેહનત ઘણી હતી.

‘એ આઝાદીની લડતમાં જોડાયા, એમણે ખાદી પેહરવાનું શરૂ કર્યુ, સરકારનો કોપ સહન કર્યો ને જેલમાં પણ ગયા. હવે વધારે સમય ન બગાડતાં માસ્તર સાહેબને વિનંતી કરીશ તેઓશ્રી આઝાદી અંગે આપ સૌને વિગતવાર સમજણ આપે.’

માસ્તર બોલવા ઊભા થયા એટલે સૈએ તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા.

માસ્તરઃ ‘માનનીય શ્રી બમનજી સાહેબ, શ્રી જાડેજા સાહેબ, પૂજ્ય વડીલો, ભાઈઓ તથા બેનો, વ્હાલાં વિદ્યાર્થીઓ અને બાળકો.

‘મારા જેવા સેંકડો દેશપ્રેમીની મેહનત ફ્ળી ને આજનો યાદગાર દિવસ પ્રાપ્ત થયો. હવે આપણી જ્વાબદારી વધી છે. આપણે જ આપણા દેશને સાચવવાનો છે. આપણે ગામડે ગામડે શાળાઓ ખોલવાની છે.

‘સરકારી દવાખાનાં પણ ખોલવામાં આવશે, ત્યાં સરકારી દાક્તર ૨૪ કલાક હાજર હશે, તાત્કાલિક સારવાર મળી શકે એવી ગોઠવણ પણ કરવામાં આવશે. બાળકો અને સગર્ભા બેનો માટે ફરતા દવાખાનાની સગવડ પણ વખત જતાં કરાશે, આ બધામાં જિલ્લા અને તાલુકાનાં મથકોએથી સંચાલન થશે.

આપણે જ સરકાર રચવાની છે. તેના પ્રતિનિધિયો પણ આપણે જનતાએ જ નક્કી કરવાના છે.

આપણે હવે ગોરા અમલદારો નીચે કારકુની નહિ કરવી પડે. આપણા પોતાનામાંના જ ઊચ્ચ અધિકારી બનશે. આવા અનેક ફાયદાઓ છે જેનો ધીરે ધીરે અમલ થશે અને તેની અસર ગામડે ગામડે જોવા મળશે.

‘હવે કોઇ ને પ્રશ્ન પૂછવા હોય તો હાથ ઊંચા કરી પૂછો.’

આ ભાષણ દરમ્યાન રેવા ને મંગુ કાનમા ગુસપુસ કરતાં હતાં. મંગુઃ ‘અલી રેવલી, પૂછ ને ગામમાં છોડીઓની નિહાળ ચ્યારે થશે?’

રેવા: ‘તું જ પૂછ ને!’

મંગુઃ ‘ના બૈ મને તો લાજ આવે છે. તું તો શંકરજીની વહુ ને શંકરજી આગળ પડતા, તારી અસર હારી પડે.’ રેવાએ હા ના કરતાં છેવટે હાથ ઊંચો કર્યો.

માસ્તરઃ ‘પૂછો, રેવાબેન?’

રેવાઃ ‘માસ્તર સાહેબ છોડીઓની નિહાળ ચ્યારે થશે કે છોડીઓનાં નસિબમાં કાયમ છાંણ વાસીદાં જ છે?’

માસ્તરઃ ‘સરસ સવાલ, ગાંધીબાપુ પોતે કન્યા કેળવણીમાં ખુબ માને છે એટલે ગામડે ગામડે કન્યાશાળાઓ શરૂ કરાશે. બેનો પણ ભાઈઓ જેટલી જ કેળવણી મેળવશે.’ તાળીઓના ગડાગડાટ.

માસ્તરઃ ‘બોલો છે કોઇને સવાલ?’

કોઈ આંગળી ઊંચી ના થઈ એટલે મનહરે સભા પૂર્ણ કરતાં કહ્યું: ‘હું સૌનો આભાર માનું છું. તમે સહુ ગામ વાસીઓએ આજનો આ સમારંભ ઉજવ્યો ને વક્તાને શાંતિથી સાંભળ્યા તે બદલ સૌ પ્રથમ તમારો આભાર. આ મંડપ ઊભો કરવામાં ને વ્યવસ્થા જાળવવામાં જે ભાઇ બેહનોએ મદદ કરી છે તે બધાનો આભાર માનું છું.

ને તાળીઓના ગડ્ગડાટ સાથે સભા સમાપ્ત થઈ.

૧૫. ગાંધીજીની હાકલને માસ્તરનો જવાબ વિજય શાહ   

સ્વરાજ્ય મળ્યા પછી થયેલાંતોફાનો શાંત પડતાં સ્વરાજ્યના બધા કાર્યકરોને ગાંધીજીનો આદેશ હતો કે બધા એકએક ગામ સંભાળીને બેસી જાવ. એ ગામના વિકાસની રૂપરેખા કંડારી કાઢો ને ગામના યુવાનોને એની તાલીમ આપો. ને માસ્તરે એ આદેશ અપનાવી લીધો.

સરકારે માસ્તરને એમની નોકરી પાછી આપવા માંડી તો માસ્તરે એમને કહ્યું: ‘એ નોકરી કોઈ જરૂરિયાતવાળા જુવાનિયાને આપો હવે મારે અવેતન સેવા સિવાય કાંઈ ખપે નહીં. ને એમણે વડિયામાં સેવાની ધૂણી ધખાવી. તેમના વિચારો ઘૈડિયાઓને ખુબ જ ઉદ્દામવાદી લાગતા. જ્યારે જુવાનીયાઓને એમાંથી નીત નવું માર્ગદર્શન મળતું. અસ્પૃશ્યતા વિશેના તેમના વિચારોથી તેઓ બામણ અને પટેલોમાં ધુંધવાટ ફેલાવતા પણ બારૈયા, કોળી અને હલકી મનાતી કોમમાં આશા જગાવતા.

તેઓ નરસિંહ મહેતાનાં પદો ”એક તુ શ્રી હરી” ને બુલંદ અવાજે ગાતા અને ગવડાવતા. સ્વરાજ્ય મળ્યા પછી એમણે પોતાના ઘરને માનવ મંદિર નામ આપ્યું હતું. અને માનવતાને લગતાં કામો કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. જો કે આ બધુ ગાંધી બાપુની દેશને સ્વાવલંબી બનાવવાની હાકલના ભાગ સ્વરૂપે હતું. ક્રીસ્ટીનાબેન, બમનજીભાઇ અને ઘણા લોકો તેમના આ પ્રયત્નને વખાણતા. ધનજીભાઈ અંદરથી ખરેખર ઇચ્છતા કે આ ગ્રામ્ય સુધારાની પ્રવૃત્તિ તે વધુ સારી રીતે કરી શકે અને તેથી એમએ આજે સાંજની પ્રાર્થનાસભા પૂરી કરી જુવાનીયાઓને ભેગા કર્યા હતા.

રતનાનેય જરખડાથી તેડ્યો હતો. શંકર અને તેના બધા જ ભાઈબંધોને એમણે એક જ વાત પુછી: ‘તમને શું લાગે છે સ્વરાજ્ય આવ્યું તેનો ગામે કેટલો લાભ લીધો?’

જુવાનીયાઓમાંથી કોઇ બોલ્યુ.: ‘કેમ રાજ્ય હવે આપણું તેથી કોઈ વેરો નહીં ભરવાનો. આપણે રાજ્ય ચલાવવાનું આપણે જે ઊગાડીયે એ બધું આપણે રાખવાનું. આપ્ણે હવે અંધારામાં કોઈની તાબેદારી હેઠળ નહીં રહેવાનું. વિજળી. પાણી અને જીવન જરૂરિયાતની વસ્તુઓનો હવે સુકાળ હશે.’

આવા કેટલાય વિચારો સાંભળ્યા પછી ધનજીભાઇ બોલ્યા: ‘તમને ખબર છે આ બધું આપણે કરવાનું છે. હવે કોઇ ગોરો અધિકારી આવીને આપણને સુચવવાનો નથી કે તમે આમ કરો.’

‘હા, માસ્તરસાહેબ, એ ખબર છે પણ એને કેમ કરાવું તે હમજાવો એટલે આપ્ણે કરીયે કંકુના.’ શંકરો બોલ્યો.

‘હમણા આણંદ ગ્યોતો ત્યારે સાંભળ્યું પંચવર્ષિય યોજના નહેરૂજી કરી રહ્યા છે અને તે મુજબ ગામના પ્રશ્નોનો ઉકેલ પંચાયત કરશે.’ બધાએ મુક સંમતિ આપી અને માસ્તર આગળ શું કહેશે તે સાંભળવા કાન સરવા કર્યા.

‘પહેલાં તો આપણા ગામડામાં શું પ્રશ્નો છે તે સાંભળીયે અને પછી તેના શું શું ઉપાયો હોઇ શકે તે વિચારવા જ આજે તમને બધાને રોક્યા છે. આપણા મુખ્ય દુશ્મનો છે ગરીબાઇ, અજ્ઞાન, અને અઢારંમી સદીના કેટલાક કુરીવાજો. પહેલો પ્રશ્ન છે ગરીબાઈ. તે તો જાણે હવે દૂર થૈ જ જવાની છે કારણ કે રાજ્ય આપણું છે તેથી ગોરાઓને કશું જ કર્યા વિના કંપની સરકારને પૈસા ભરતા હતા તે હવે અહી રહેશે. પણ એ અહી રહેલા પૈસા આપણે મોજ મઝામાં નથી વાપરવાના. આપણા કુટુંબને અને આપણાં ગામડાંને સમૃધ્ધ કરવા માટે વાપરવાના છે. રેવા! કાલે આ રૂડાજી ઠાકોરને તુ પૌત્ર કે પૌત્રી આપીશ તો તેને તું ભણાવીશ કે નંઈ?’

‘કેમ નંઈ?’

‘એ માટે તને નથી લાગતું કે તારે પણ થોડું ભણવું જોઈએ? તેં જ કન્યાકેળવણીની વાત કહેલી ને?’

‘હા, પણ હવે નાના છોકરડાઓ સાથે ભણતાં મને તો શરમ આવે. અને ઘરમાં રોટલાય ટીપવાના ને.’

‘આ એક પ્રશ્નનું નિરાકરણ હું આપું.’ ક્રીસ્ટીનાબેને ટહુકો કર્યો.

બધાએ ક્રીસ્ટીના બેન સામે જોયુ અને માસ્તર સાહેબે હકારાત્મક રીતે માથું હલાવ્યું.

‘જેમને મૂળભૂત જ્ઞાન જેવું કે વાંચતાં લખતાં આવડે, સરવાળો બાદબાકી કરતાં આવડે તેટલું ભણવું હોય તો હું સાંજે જુદો વર્ગ લઇશ. એકલી રેવા માટે નહીં ગામમાં જેમને ભણવું હોય તે સૌને માટે હાં કે.’

બધાએ ક્રીસ્ટીના બેનની વાત વધાવી લીધી. ધનજીભાઇએ વાતનો દોર લંબાવતાં કહ્યું: ‘આ તાળીઓ પડી તે એમ સુચવે છે કે દેશની ચિંતા સૌને છે. ગાંધી બાપુ એમ માને છે કે ગામડું સુધરે એ ઘટના આખા દેશને સુધારવા બરાબર થશે.

રતનાએ હાથ ઉંચો કર્યો અને પુછ્યું: ‘જરખડેથી આવતાં તો વાંધો નહીં પણ પાછા જતાં અંધારામાં કશું ચરિતર…?

******

તે સાંજના જ માસ્તર રૂડાના ટ્રેક્ટર પર આણંદ જવા નીકળ્યા. પેલી ચરિતરવાળી જગ્યા આવતાં એમણે ટ્રેક્ટર ઊભું રખાવ્યું ને રૂડાને કહ્યું: ‘તમે હવે તમારા કામે જાવ, મને પાછા ફરતાં લેતા જજો.’

એમની વત સાંભળતાં રૂડો ગભરાઈ જ ગયો એ કહે: ‘માસ્તર અહીં રોકોવા જેવું નથી. તમારે આ બાજું કોઈને મળવાનું હોય તો કાલે શંકરના દા’ડાના ફેરામાં આવજો.’

‘કેમ અહીં શાની બીક છે? અજવાળી રાત છે ને ઠંડો વાયરો વાય છે. તમે તમારે આણંદ દૂધ પહોંચાડી આવો ત્યાં સુધી હું આટલામાં જ ફરતો હોઈશ. પાછા ફરતાં મને લેતા જજો.’

‘માસ્તર, તમે હમજતા નથી. અહીં ચરિતર થાય છે. કંઈક ના થવાનું થઈ જાય તો મારે માથે કાળીટીલી ચોંટે કે હું તમને રાતવરત અહીં એકલા મેલીને ગયો હતો.’ રૂડાએ એમને સમજાવતાં કહ્યું.

‘એ ચરિતરની ખાતરી કરવા તો હું આવ્યો છું. મને કશું થવાનું નથી તમ તમારે આણંદનો ફેરો કરી આવો. એ ચરિતર કેવું છે એ જાણ્યા પછી હું તમને આ ચરિતર થાય છે કે નહીં એની નજરે જોયેલી વાત કરીશ.’

આણંદ દૂધ ભરીને રૂડો મારતે ટ્રેક્ટરે ચરિતરવાળી જગ્યાએ આવ્યો તો ત્યાં માસ્તર જ ન મળે. એકવાર તો એને શું કરવું એ જ ન સમજાયું. એ ફફડી ગયો. ત્યાં માસ્તરનો અવાજ આવ્યો: ‘રૂડાભાઈ, ઊભા રહેજો હું આવું છું.’

માસ્તર આવીને ગાડામાં બેઠા ત્યાં સુધી એ આંખ બંધ રાખીને બેઠો રહ્યો. એના હાથ ટ્રેક્ટરના સ્ટેરીંગ પર જાણે ચોટી ગયા હતા. માસ્તર બેઠા એટલે એણે ટ્રેક્ટર એવું તો ભગાવ્યું કે આવ જરખડા વહેલું.

માસ્તર રૂડાજી હાર્યે ટેક્ટર પર બેસીને આણંદ ગયા છે તે કશુંક અગત્યનું હશે એમ માની જરખડાના કેટલાક માણસો ગામની ભાગોળે ટ્રેક્ટરની રાહ જોતા ઊભા હતા. એમણે માસ્તરને પૂછ્યું: ‘આણંદ ગયા હતા તે કશું અગત્યનું કામ હતું?’

માસ્તર કહે: ‘હું આણંદ ગયો ન હતો. હું તો પેલી ચરિતરવાળી જગ્યાએ ઊતરી ગયો હતો. મારે એ જોવું હતું કે તમે બધા વાત કરો છો એ ચરિતર કેવુંક છે! પણ મારે ખોટો ઉજાગરો થયો. ત્યાં તો ચરિતર કશું ના દેખાયું. હા, એક ચરિતર થયું, હું પેલે આંબેથી બશેર જેટલી કેરીઓ અથાણા માટે તોડતો આવ્યો. જેનો એ આંબો હોય એને કેરીઓના આ ચાર આના આપી દેજો.’

એ આંબાનો ધણી ટોળામાં જ હતો. એ કહે: ‘સાહેબ, એ મારો જ આંબો છે. તમારી પાંહે કેરીઓના પૈસા લેવાતા હશે? તમારો હાથ અડ્યો તે મારો આંબો પવિતર થઈ ગયો.’

‘મારો હાથ અડ્યે એમ પવિતર થવાતું હોય તો લો, તમને બધાને હાથ અડાડ્યો. હવે તમે બધા પવિતર થઈ ગયા. તમારામાં જે દારૂ કે બીડી પીતા હો એ આજથી દારૂ બીડી છોડી દેશો તો પવિતર રહેશો.’

આ અનુભવ પછી માસ્તરને પહેલું કામ ભૂતપ્રેતની માન્યતાઓ દૂર કરવાનું અગત્યનું લાગ્યું. એમણે આજુબાજુનાં ગામોમાં ફરી આવી માન્યતાઓ દૂર કરવા, પોતે એનો પરચો જોવા માગે છે એમ કહી એની પોકળતા પૂરવાર કરવા માંડી. આમાં કેટલાક જૂનવાણી અને અંધશ્રધ્ધાળું લોકોનો એમને સામનો કરવો પડ્યો તો કેટલાક દોરાધાગા કરવાવાળા લેભાગુ લોકોય એમની સામે પડ્યા.

ત્યાં એમને કાને વાત આવી: ‘માસ્તર, તરઘાટીમાં લખાજી કરીને એક ભૂવો છે. બહુ સિધ્ધ છે. એણે કહેવડાવ્યું છે કે તમે આ ધતીંગ બંધ નહીં કરો તો એ તમને એવી મૂઠ મારી દેશે કે તમે છો મહિના ખાટલે પડશો ને એમાં જ ઊકલી જશો. સાહેબ, અમારી વાત માંનો ને આવાં પારખાં કરવાનું મેલી દો. એ બહુ પહોંચેલો ભૂવો છે.’

‘એ પહોંચેલો હોય તો હુંય એનાથી કમ ક્યાં છું? મને એનું ઘર બતાવો એટલે એને ઘેર જઈને જ એની બોચી પકડું.’

‘માસ્તર સાહેબ અમારી વાત માંનો. એક વખત વરધકાકાને ને એને ખેતરમાં બોલાબોલી થઈ ને એણે એમને કહેલું કે દહ દા’ડામાં તમને પરચો બતાડીશ. તે સાહેબ તૈણ જ દા’ડામાં એની હાજી હમી ભેંસ મરી ગઈ.’

‘એમ તો પેલા ગુમાનસંગને એની સાથે બોલાચાલી નહોતી થઈ તોય એમની ભેંસ મરી જ ગઈ હતી. એમાં તો એણે મૂઠ ક્યાં મારી હતી?’

‘તમે ભણેલા લોકો એમાં ના માનો પણ આવા તો કેટલાય કિસ્સા છે. એની હાર્યે બાખડી બાંધનાર કોઈ સુખી નથી થયું. એ જે હોય એ પણ તમારે એની હાર્યે કંઈ દુશ્મની છે? ભૂંડાથી તો ભૂતેય ભાગે એમ માંનીને તમે એનો તાગ લેવાની વાત જ પડતી મેલો ને!’ બીજાએ કહ્યું.

‘મારે એને કહેવું છે કે પાંચ માંણસનાં સાંભળતાં એ મને હું પંદર દિવસમાં મરી જાઉં એવી મૂઠ મારે ને જો સોળમે દિવસે હું જીવતો હોઉં તો એ ગામના ચોક વચ્ચે ઊભો રહીને, પોતે આજ સુધી ધતીંગ કરતો હતો એ કબૂલ કરે ને મારી માફી માગે.’

‘પણ સાહેબ એમ કરતાં કંઈક ઓડનું ચોડ થઈ જાય. મેલો ને એ તંત. એ ખોટો હશે તો ઉપર જોવાવાળો બેઠો છે એ એનો ન્યાય કરશે.’

‘પણ આવા નાના કામ માટે ભગવાનને શું કરવા તસ્દી આપવી? હું અત્યારે જ તરઘાટી એ લાખાજી ભુવાને પરચો બતાવવા જાઉં છું. જેને મારો પરચો જોવો હોય એ મારી સાથે ચાલો.’ એમને રંગે રંગાએલા બે જુવાનિયા એમની સાથે જવા તૈયાર થયા ને એમની સાથે માસ્તર તરઘાટી ઊપડ્યા.

લાખાજી ભુવો ઘેર જ હતો. માસ્તર કહે: ‘મેં તમારી ઘણી વાતો જાણી છે. મારે એક મૂઠ મરાવવી છે.’

‘તમારા જેવા માણસને એવી કેમ જરૂર પડી? તમે તો ભગવાનના માણસ છો. એ તો કહો તમારે કોને મૂઠ મરાવવી છે?’

‘તમે મારા પર જ હું પંદર જ દિવસમાં મરી જાઉં એવી મૂઠ મારો.’

‘એટલે એમ કહો ને કે તમારે મારો પરચો જોવો છે. પણ એમ કારણ વગર મારાથી કોઈને મૂઠ ના મરાય.’

‘મને લાગે છે કે તમને મૂઠ મારતાં આવડતી જ નથી. તમારે પૈસા જોઈતા હોય તો હું પૈસા આપવાય તૈયાર છું, બોલો, મારા પર મૂઠ મારો છો કે નહીં?’ આ જીભાજોડી ચાલતી સાંભળીને તરઘાટી ગામના કેટલાક લોકોય ત્યાં ભેગા થઈ ગયા હતા,

‘ના. તમારે જે માનવું હોય એ માનો પણ મારે તમારા પર મૂઠ નથી મારવી. તમારી સાથે મારે કશું વેર નથી કે તમે મને કશું નુકશાન કર્યું નથી.’

‘હું તમને નુકશાન કરું તો તમે મને મૂઠ મારશો એમ ને?’ કહેતાં માસ્તરે એને આડા હાથની બે અડબોથો જમાવી દીધી. પેલો માસ્તર સામે હાથ ઉપાડશે એ બીકે ગામના બે જણા માસ્તરની આગળ આવીને ઊભા રહી ગયા.

લાખાજી પરિસ્થિતિ પામી ગયો. એ પોતાની આબરૂ બચાવવા હવાતિયાં મારતાં બોલ્યો: ‘મને ખબર છ કે તમે મને ગુસ્સે કરીને તમારું કહ્યું કરાવવા માગો છો. પણ તમે મારા કટકા કરી નાંખો તોય હું તમારા પર તો મૂઠ નહીં જ મારું.’ કહેતાં એ માસ્તર ફરીથી પોતાને ઉશ્કેરવા ધોલધાપટ કરશે એ ભયે બે ડગલાં પાછળ હઢી ગયો.

ત્યાં તરઘાટીનો એક જુવાનિયો આગળ આવ્યો: ‘એમને મૂઠ ના મારવી હોય તો મને મૂઠ માર. મને તારી બીક લાગતી નથી. જો મને મૂઠ નહીં મારું તો કાલથી તું જ્યાં આવાં ધતીંગ કરવા જઈશ ત્યાં અમે દસ જણા તારી પાછળ આવીશું ને તારી પોલ ઉઘાડી પાડીશું કે તારી પાસે ભૂત કાઢવાની કે મૂઠ મારવાની કશી સિધ્ધિ નથી.’

ત્યાં આ હોબાળાની વાત જાણતાં લખાજીના બે ખાંધિયા આવી પહોંચ્યા. એમણે બધી વાત જાણી માસ્તરને બદલે પેલા જુવાનિયાને ધમકી આપતા હોય એમ કહેવા માંડ્યું: ‘શના તને તો લખાજીના પરચાની ખબર્ય છે. પેલા મકનની ભેંસને પાડું પેટમાં આડું થઈ ગયું હતું ને લખાજીએ ભેંસને શીંગડે મંત્રેલો દોરો બાંધ્યો કે તરત એનો છૂટકારો થઈ ગયો હતો કે નહીં?’

‘એ બધી વાતો કાગનું બેસવું ને તાડનું પડવું જેવી છે. આજે તો અમારે હાચેહાચનો પરચો જોવો છે. આજે એ પરચો નહીં બતાડે તો અમે એને એવો પરચો બતાડીશું કે એને બિસ્ત્રા પોટલાં બાંધીને ગાંમમાંથી નીકળી જવું પડશે.’

‘એ તો લખાજીની આંખ ફરશે એટલે ખબર પડશે કે કોનાં બિસ્ત્રાપોટલાં બેધાય છે.’ પેલા ખાંધિયામાંના એકે કહ્યું.

‘તે એને કહે ને કે આંખ ફેરવે. આમ બાયલાની પેઠે ઊભો શું રહ્યો છે?’

‘આપડે અંદર આવતા રહો ને. એમની સામે આપડે કંઈ બાખડી બાંધવી છે?’ કહેતાં લખો ઘરમાં પેસી ગયો ને એના ખાંધિયાએ એની પાછળ ઘરમાં પેસીને બારણાં બંધ કરી દીધાં.

‘ધણી આવ્યા ને ચોર ભાગ્યા.’ એક જણે કહ્યું.

*****

પણ ઘરની અંદર ચંડાળચોકડીની મિટીંગ ગોઠવાઈ હતી. લખાએ ભલે માસ્તરને એમ કહ્યું હોય કે એમણે એનું કશું બગાડ્યું નથી એટલે એ શા માટે મૂઠ મારે? પણ એને પોતાને તો ખબર જ હતી કે પોતે જો મૂઠ મારવા જાય તો એનું બધું ધતિંગ ઊઘાડું પડી જાય એમ હતું. અત્યાર સુધી તો કોઈ દુશ્મનનું કશુંય ખરાબ થાય તો એ પોતાને નામે ચડાવીને એ લોકોની અંધશ્રધ્ધાને વેગ આપ્યા કરતો હતો. પણ કોઈ આમ જ્યારે સામેથી મૂઠ મરાવવા નીકળે ને પોતાનું કહ્યું સાચું ના પડે ત્યારે તો ફરતાં બારેય ગામને પોતાના આ ધતિંગની ખબર પડી જ જાય.

પણ એના ને એના ખાંધિયાના રોટલા રઝળી જાય એવો ઘાટ થાય એવી પલ આવે ત્યારે તો એને ગુસ્સો આવ્યા વગર તો ન જ રહે ને! એટલે માસ્તરને અને એમની સાથે ભળેલા પેલા પોતાના ગામના જુવાનિયાને બીજી રીતે સકંજામાં લેવાના પેંતરા એમણે ઘડવા માંડ્યા.

‘એ માસ્તર ટોળામાં હોય તારે બહાદુરી બતાવતો હોય પણ આખરે તો એ પંતુજી જ ને! એને પરચો જોવો છે તો એક વખત છટકું ગોઠવીને સેમાડે બોલાઈને એને ખોખરો કરીએ એટલે પછી ફરી પરચો જોવાની વાત કરવાની જ ભૂલી જાય.’ એક ખાંધિયાએ કહ્યું.

‘પણ આપડે માંનીએ છીએ એવો એ બીકણ નથી. એ તૈણ નાકાંને પેંપળે ચરિતર જોવા એકલો ગયો’તો.’ બીજાએ કહ્યું.

‘એને ચરિતરનો ભો ના લાગતો હોય પણ ચૌદમા રતનનો ભો તો એને લાગશે જ. આપડે ઊઘાડા ઊઠવું નહીં. કાઈકને કામ હોંપી દઈશું ને આઘા રહીને તમાસો જોઈશું.’ લખાએ કહ્યું. એની વાત બધાને પસંદ પડી ગઈ. કોઈને ઉઘાડા ઊઠવું ન હતું.

****

પ્રાર્થનાસભા પહેલાં તો ખાલી રવિવારે થતી હતી, હવે  તે વધુ નિયમિત રીતે ગુરુવાર અને રવિવાર એમ બે દિવસે થતી અને એકલા જુવાનીયા જ નહીં ગામના ડાહ્યા માણસો, પંચો અને પંડિતો પણ એમાં આવતા થઈ ગયા હતા. અમૂલ ડેરીનું કામ મળવાથી શંકર હવે ટ્રેક્ટર દ્વારા વડીયા, તરઘાટી, જરખડા અને ગામડીમાંથી પણ દૂધ લઈ જતો. ફેરાનાં પૈસાના ભાવો વધ્યા અને અમૂલ ડેરીએ રતનાને નોકરી આપીને પગાર બાંધ્યો  તેથી રતનો અને શંકરીઓ તો જાણે આર્થિક સમૃધ્ધિનાં શિખરો આંબવા માંડ્યા હતા.

તે દિવસે માસ્તરને મળવા ડેરીના અધિકારી સુખદેવ પંડિત આવ્યા હતા તેમણે તેમના પ્રવચનોમાં બે વાત બહુ સરસ રીતે કહી. એક તો દેશનું સુકાન નવી પેઢીના હાથમાં છે એ અને બીજી વાત અનુભવી આવતી પેઢીની વાતોને આજના અનુસંધાનમાં જોઈને સમજવી જોઈએ.

ઉદાહરણ તરીકે, ઘીના દીવા ભગવાન ને થાય, કેરોસીનના દીવા રાત પડે ત્યારે થાય. એ જૂની વાત. પણ જ્યારે ગામમાં ઇલેક્ટ્રીસીટી આવે ત્યારે જે સુધારો આવે તે છે કેરોસીનના દીવા જાય પણ ભગવાનનો દીવો ઇલેક્ટ્રીસીટીથી ના થાય. તે તો ઘીના દીવાથી જ થાય. પરિવર્તન એ સંસારનો નિયમ છે પણ તેમાં નીરક્ષીરનો વિવેક રાખવાનું કામ આજના જુવાનીયાઓનું છે.

મંત્રમુગ્ધ થઈને સાંભળતા સૌ શ્રોતાજનોમાંથી નાગજી મોટા બોલ્યા: ‘પંડીત સાહેબ! આજે વડીયાને જરખડા ખેડા જિલ્લાનાં આગળ પડતાં ગામો છે પણ ગામમાં હજી ઘણી બધી સુવિધાઓ નથી. તે મેળવવાના રસ્તા બતાવો. ખાસ તો અમારા ઢોરાંને સારું પોષણ મળે અને તેમના દૂધના ઊંચા ભાવો મેળવવા શું કરવું જોઇએ?’

‘બહુ સરસ મુદ્દો તમે ઉઠાવ્યો. ઘીના દીવા જેમ કરીયે છીએ એ તો ચાલુ જ રાખવાના, જેમ કે સારું દાણ અને સમયસરની માવજત. મુંગુ પ્રાણી કે જે ભાંભરવાનું જ સમજે છે એટલે ડોબુ નહીં પણ તેના દરેક ભાંભરવામાં તમે સહ્જ બુધ્ધિ સાથે તમે સમજી જાવ છો કે તેને ભૂખ લાગી છે કે તેને પાણી પીવું છે કે તેને ક્યાંક વાગ્યું છે. આ બધુ પ્રાણી કહી શકે છે. તમે જેમ મા તેનાં બાળકો સાથે કાલી કાલી વાતો કરી તમારી ભાષામાં તેને સમજાવો છો. તમે જેમ તેના ભાવો સમજો છો તેમ તમારાં પશુઓના ભાવને પણ સમજો. કદાચ કૃષ્ણ ભગવાનની વાંસળીથી ગાયો દોડી આવતી તેવું લોકો કહેતા તેમાં આવું જ કંઇક હશે. હા આજનું વિજ્ઞાન કહે છે તમે વહાલ કરશો અને ગુસ્સો કરશો તે બંને વાત તમારું પશુ સમજે છે અને તેથી તો તેને કુટુંબનું સભ્ય છે તેમ માની ઊછેરો. તેને આહારમાં વૈવિધ્ય આપો.

‘રૂડા ઠાકોરની આંખમાં ઝળઝળિયાં આવેલાં જોઇ અમરતબેન બોલ્યાં: ‘હા, મારી ચાંદરીને વેચી ત્યારે તે પણ રડતી હતી અને એ વાત સંભારી આ ઠાકોરની આંખ પણ ભીંજાઈ.’

માસ્તરે રૂડા ઠાકોરને સાંત્વના આપતાં કહ્યું. પંડિત સાહેબની વાતો આપણા માટે પ્રેરણાનો સમુદ્ર છે. આપણે ગામમાં પોસ્ટ ઓફિસ અને બસો લાવવાની છે તે બાબતે પંડિત સાહેબને વિનંતી કરવાની છે.’

કોણ જાણે કેમ ગબાને આ બધા સુધારાથી પેટમાં તેલ રેડાતું હતું કારણ કે તેની આવકો કપાતી હતી એને દૂધ મેળવવા ડેરી જેટલો ભાવ આપવો પરવડતો ન હતો તેથી તે બોલ્યો: ‘સાહેબ, અમારા જેવા વેપારીઓનો વેપાર તમે લઈ લીધો તે સારું ના કર્યું. કહે છે ને જે દેશનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી.’

ધનજીભાઈ બોલ્યા: ‘ના પ્રમાણિકતાથી રહો અને ઓછે નફે બહોળો ધંધો કરો ને. ડેરીનું કામ ચોખ્ખું. ક્યાંય ઘાલમેલ નહીં. જેટલો દૂધમાં ફેટ તેટલું વળતર. જ્યારે તમે તો સહુને એક જ લાકડી એ હાંકતા હતા ને. સુધરી જાવ અને મુખ્ય પ્રવાહમાં ભળી જાવ તો સુખી થશો.’

પ્રાર્થનાસભા પૂરી કરતા પહેલાં ધનજીભાઇએ કહ્યું: ‘વડીયા ખેડાનું સમૃધ્ધ ગામ બને તે માટે આપણે સૌએ એક નિર્ધાર લેવાનો છે. અને તે છે ગામમાં સંપ રાખવાનો અને ભાંગ ફોડીયાઓને શોધી શોધી મુખ્ય પ્રવાહમાં લાવવાના. બોલો, છે મંજુર?’

એકી અવાજે બધાએ ‘મંજુર’ કહી સાદ પુરાવ્યો.

માસ્તર કહે: ‘ફક્ત વાતો નહીં નક્કર કામ. બીડી, દેશી દારૂની શીશીઓનો અને જુગારનો આ ગામમાંથી નિકાલ કરશો તો આ ગામમાં ઘર દીઠ હજાર રૂપિયા બચશે. લોકોની નજર માધા કલાલ પર પડી  અને એ બોલ્યો: ‘હું તો વેપારી છુ જેનો ખરીદનાર નહીં મળે એટલે તે વસ્તુ મારે ત્યાંથી એની મેળ્યે બંધ થઈ જશે. હું ગબાની સાથે નહીં બેસું. હા, હું કોઇક બીજું કામ શોધી લૈશ. પણ દારૂ વેચવાનું તો આજથી જ બંધ.

શંકરીયો કહે: ‘જોજે પાછલે બાયણે વેચતાં પકડાયો ને તો તને ગામ આખું ટીપી નાંખશે હાં!’

ખૈર. પ્રાર્થનાસભા પૂરી થઈ ત્યારે સૌના મનમાં નવા સમયની ઉજળી આશા હતી. વિશ્વાસ હતો ગ્રામસુધારની ગંધીજીએ કરેલી હાકલને માસ્તરે આજે વહીવટીય સ્વરૂપે અમલમાં મૂકી હતી. નાગજી મોટા આમ તો માસ્તરની સથે હતા. પણ હવે તેમને માસ્તર સામે ઊભા થતા દુશ્મનોની વધતી સંખ્યા ઉપર ચિંતા પણ થવા માંડી. ગબો, વનેચંદ અને કલાલ સુધારાને સારી રીતે લેશે નહીં તેવું તેમનું આંતરમન કહેતું હતું.

વેરાન હરિયાળી-૧૬ -પ્રવિણા કડકીયા 
 
આણંદમા દૂધની ડેરી

આઝાદી આવી, ઉમંગ લાવી . સારાયે ભારતમાં હર્ષોલ્લાસ છવાયા. હા, આઝાદી ખૂબ મોંઘી પડી. આઝાદ થયાને પાંચ મહિના નહોતા થયાને પૂજ્ય બાપુ ગુમાવ્યાનું દુખ ઓછું ન હતું. પંડિત જવાહરલાલ નહેરૂની દીર્ઘદૃષ્ટિ હવે ભારતની પ્રગતિ પર મંડાઈ હતી. વડિયા અને જરખડા ભલે ગામ નાનાં હતાં પણ તરવરિયા જુવાનોથી ઉભરાતાં હતાં.

ભારતના ભાગલા પડ્યા. ભાગલા દરમ્યાન પંજાબથી આવેલા બે કુટુંબ વડિયામાં સમાયાં. એમાંના એકે બેકરી શરૂ કરી ને પાઉં બિસ્કુટ બનાવીને વેચવા માંડ્યાં. તો બીજાએ ગામમાં અનાજ કરિયાણાની દુકાન શરૂ કરી. ગબાના પેટમા તેલ રેલાયું. તેની બદદાનત તેને નડતી હતી પણ વડિયામાં જેમ તેને માવજીભાઈનો સહકાર હતો તેમ જરખડામાંય તેને ટેકો કરનારા થોડા લબાડ આગેવાનો મળી રહ્યા હતા તેથી તેને એમ કે વાંધો નહી આવે. સ્વાર્થી લોકો આંધળા હોય છે.   પણ પેલા લોકો તો વખાના માર્યા આવેલા. એ મહેનત કરી પેટીયું રળી ખાતા હતા.

તેને આ નવા આવેલા લોકો આંખમાં કણાની જેમ ખુંચતા હતા. તેઓ ઇમાનદારીથી કમાતા તેથી તેમનું કશું એ બગાડી ન શક્યો. વળી ગામડા ગામના લોકોએ કદી પાંઉ રોટી ભાળી ન હતી તેથી ગામલોકોને ચા જોડે એ ખાવામા મઝા પડી ગઈ.  બિસ્કુટ તો નાના મોટા સહુ પ્રેમથી ખાતા. નાનું બાળક રડતું હોય ત્યારે મા કહે ‘બિસ્કુટ આપું’ તો જાદુઈ ચિરાગની જેમ રડવું બંધ. વખાના માર્યા આવેલા જરખડામાં સમાયા.  પંજાબના હતા તેથી હાટડીવાળો અનાજ કરિયાણું વેચતો. જરખડા ગામના લોકોને તો હવાદ પડી ગયો. પણ તેલ રેડાયું ગબાના પેટમાં. એના જેવો અનીતિનો પૈસો રળવા ટેવાયેલો કોઈની પ્રગતિ ક્યાંથી દેખી શકે? સુધરવાનું નામ તો હરિ, હરિ.

શંકર, રતનો ને ભાઈબંધોની ટોળીએ ભારતમાનું શિર ઊંચું રાખવા કમર કસી.  શંકર અને રતનાએ તેમની સાથે દોસ્તી બાંધી. એ લોકો ઘણી વાર તેની વહારે ધાતા. ઘણીવાર હાટડીવાળો પૈસા લેવાની પણ ના પાડતો. શંકર અને એના સાથીદાર એને પૈસા આપ્યા વગર કશું લેતા ન હતા. અરે, કોઈ વાર તો શંકર રેવલી માટે પણ પાઉં કે બિસ્કુટ લઈ જતો. રેવલી હરખાતી એ ખાતી તે  જોવાની શંકરને મઝા આવતી. રેવલી શંકરની હારોહાર બધાં જ કામમાં તેને સાથ આપતી.

શંકર, પૂનમની રાતે ઘેલાં કાઢતાં રેવલીને કહે: ‘તને પૈણીને  હું તો રાજીનો રેડ થઈ ગયો છું.’ રેવલી શરમથી નીચું જોઈ તેની સોડમાં સમાઈ. ને આભે ચાંદો શરમનો માર્યો વાદળમાં છુપાઈ ગયો.

શંકર વહેલો ઉઠ્યો. રેવલીએ ચૂલો પેટાવી જરાવારમાં બે રોટલા ટીપી, ડુંગળી અને લુણચાનું અથાણું ગાંઠે બંધાવ્યાં. સવારનો ગયેલો શંકર બારેક વાગ્યે આવતો રેવલી કાગને ડોળે ડેલીમાં રાહ જોઈને બેસતી. જેવું શંકરના ટ્રેક્ટરનું ભુકછુક સંભળાય એટલે તેનો પાટલો ઢાળતી. નાવણિયામાં ગરમ પાણી કાઢી ને દિલ લોવા વેહરું તૈયાર કરતી. શંકરનો વેપલો, દૂધના ફેરા અને ખેતરમાં ટ્રેક્ટરથી થતી ઉપજ. ઉપરવાળો મહેરબાન હતો. એ તો ભઈ દાનત સારી હોય તો બરકત આવે. બાકી નબળી સ્થિતિમાં રૂડાને થયેલા અનુભવ યાદ આવતા ત્યારે શંકર પરભુનો અહેસાન માનવો ન ભૂલતો.

ચાંદરી વેચી ત્યારે ખાવાનાં ફાંફાં થઈ ગયાં હતાં. ભલું થજો નાગજી મોટાની ભલમનસાઈ અને સજ્જનતા તે એમને લીધે દી ફર્યા. આજે બે પાદડે થયેલો રૂડાનો પરિવાર જમીન પર માભાભેર પગ રાખીને હાલતા હતા. કોઈને ભીડ હોય તો મદદે ધાવામાંય દેર ન કરતા. પોલસનની ડેરીને લીધે હાથ છૂટો રહેતો. હારાં પગલાંની રેવલી ઘરમાં જરાય કંકાસ ન કરાવતાં બધાં કામમાં હાથ બટાવતી. કજીયાનું મોં કાળું. એવું એની માએ એને ભણાવ્યું હતું. મનનો માનીતો શંકર પણ તેને લાડ લડાવવામાં પાવરધો હતો.

આજે પોલસનનું દૂધ પોગાડવા શંકર બે વાર  આણંદના ફેરા મારીને આવ્યો હતો. પાછા આવતાં તેનો જૂનો જોડીદાર શહેરથી આવેલો એ સમાચાર લાવ્યો કે ગુજરાતમાં દૂધની ગંગા વહેવાની છે. આણંદ ગુજરાતનું મોટુ જંક્સન છે. મુંબઈથી આવતી ગાડીઓ  આણંદ થઈને જાય છે. દિલ્હી જવું હોય કે અમદાવાદ કે પછી ગોધરા. બધી ગાડીઓ આણંદ આવે અને ત્યાંથી ગાડી બદલી ગુજરાતનાં નાનાં નાનાં ગામોમાં જાય. અરે ખંભાત જવું હોય કે ડાકોર, ઉમરેઠ જવું હોય કે ઓડ બધાએ ગાડી આણંદ ઊતરીને બદલવાની. આણંદની આદુવાળી ચા લોકો પીએ અને આણંદના ગરમા ગરમ લાલ ગોટા ખાય. ભલે ને હવારના બે વાગ્યા હોય કે પાંચ. આણંદ મોટું જંક્સન કહેવાય. સ્ટેશનેથી પછી નાનાં નાનાં ગામ જવું હોય તો બસમાં બેસીને જવાનું. એસ ટીની બસ પર હમાલ અને કંડક્ટર સામાન ઉપર ચડવે અને પછી મોટું દોરડું લઈ તેને બાંધે નહી તો સામાન રસ્તામાં ધબાક દેતો ને પડે.

એક દિવસ પાછાં વળતાં શંકરનો લંગોટિયો ભીરુ  આણંદમાં નોકરી કરતો તે બસ ચૂકી જવાથી તેના ભેળો ટ્રેક્ટરમાં ચડી બેઠો. તે બે ચોપડી વધારે ભણેલો તેથી ખેતી કરવામાં એને નાનમ લાગતી હતી.  એ સરકારી ઓફિસમાં કારકુની કરતો અને પોતાને ગવર્નર હમજતો હતો. એ શંકરને કહે: ‘ગાંધીબાપુ તો વિંધાયા આઝાદી આવી. પણ તને ખબર નથી કલકત્તા બાજુ અને નૌઆખલીમાં મુસલમાન અને હિંદુઓના લોહીની ગંગા વહી . હજી એ ટાઢું ન પડ્યું ત્યાંતો આપણા લોખંડી સરદારેય લાંબી વાટ પકડી ને એય ગામતરે ગયા.

‘આણંદમાં સરકારી દૂધની ડેરી નાખવાની વાતો ચાલે છે. પંડિત જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન રોજ નવી નવી વાતો લાવે છે. પંચવર્ષિય યોજનાના નામ હેઠળ આણદ ગામડુંય ન કહેવાય કે શહેર. પણ જંક્સન હોવાને કારણે મોકાનું છે એટલે આણંદમાં પોલસનથીય મોટી સરકારી ડેરી શરૂ કરવાની વાતો ચાલે છે.’

એની વાત સાંભળતાં શંકરના કાન સાબદા થયા. ‘શું વાત કર છ, અલ્યા કચરા!  દૂધની સરકારી ડેરી?’

કચરો કહે: ‘હા ભઈ હા. દૂધની ડેરી. અમારી કચેરીમાં મોટાં મોટાં થોથાં સાથે બે પાટલુનવાળા આજ આયા ‘તા. હું તો જો કે ચોપડામાં મારું માથું ઘાલી નાંમું લખતો હતો પણ મારા કાન સાબદા હતા. હેં અલ્યા શંકર, જો આણંદમાં દૂધની ડેરી આવે તો તારા ધંધાનું શું થશે?’

‘મેં બધીય તપાસ કરાવી લીધી છે. અરે, પણ હજુ તો વાતો ચાલે છે. એ સરકારી ડેરી કાંઇ કાલ ને કાલ તો નથી શરૂ થવાની. જ્યારે આપણી સરકાર ડેરી શરૂ કરશે તો આજુબાજુનાં ગામવાળાને ને ભરવાડોને ને પોલસનની ડેરીવાળા એ દરેકની સાથે મળી વાતો કરશે. આ તો અંદરની વાત છે.’

‘ભૈ, ધણીને હુજ્યું એ ઢાકણીમાં પણ હાબદો રહેજે. આ તો તારુ દાઝે એટલે વાત કરી.’ જાણે પોતે કોઈ મહાન ખાનગી વાત શંકરને કરતો હોય એવો એણે ડોળ કર્યો. શંકર ભણેલો થોડું ઓછું હતો પણ ગણેલો ઝાઝું.  રેવલી એમ જ કાંઇ તેના પ્રેમમાં પડીને પૈણી હશે?  અચાનક આવા બોંબ જેવા સમાચાર સાંભળી  શંકર મનમાં ગભરાઈ તો ગયો. તેનું ટ્રેક્ટર જાણે રસ્તા વચ્ચે ખોડાઈ ગયું. એક મિનિટ  તો જાણે એનાં ભાનસાન ખોવાઈ ગયાં. પણ પછી જાતને સંભાળી લીધી. શંકર જેનું નામ ઝેરને પચાવનાર .

‘અલ્યા કચરા, આ બાબતમાં કાંઈ પણ ઊડતી વાતો તને માલમ પડે કે પહેલો મારી પાંહે દોડ્યો આવજે. કોઈને પણ કહીશ ના. તારે ઘેર દિવાળીએ જારનો કોથળો પહોંચાડીશ.’ કચરાને તો શંકરનું આવું કહેવું વહાલું જ લાગે ને! બધા સમાચાર દેવા એ શંકરને ઘેર રોજ હાંજ પડ્યે પહોંચી જવા માંડ્યો.

શંકરે, રતનાને ને નાગજી મોટાને આ વાત કરી. પોતે પણ પોલસનની ડેરીવાળાને વિશ્વાસમાં લઈ  સાપ મરે નહી ને લાકડી ભાંગે નહી એવો ઉપાય કરવાનું વિચારવા માંડ્યું. માસ્તર હવે આરામથી છોકરાં ભણાવતા. ભણેલા હોવાથી તેમને ગતાગમ વધારે પડે એ બાબતમા શંકર, રતનો અને પોલસનની ડેરીવાળો ઠક્કર એક મત હતા. પણ ઠક્કરે કહ્યું: ‘તારા કરતાં અમને વહેલી ખબર પડે એવું ચિંતા કરવા જેવું હોય તો. તું મનમાં ધરપત રાખજે. હું બધી તપાસ કરીને તને કહીશ.’

નાગજીભાઈએ કોંગ્રેસ કચેરીમાં ને પોલસન ડેરીમાં તપાસ કરી. એમને બેય જગ્યાએથી જાણવા મળ્યું કે આણંદમાં સહકારી ડેરી શરૂ થવાની છે એ સો ટકા સાચી વાત છે. પણ પોલસન ડેરી કાંઈ બંધ થઈ જવાની નથી. આણંદમાં કેટલાંક વરસો પહેલાં સરકારે ડેરી શરૂ કરી હતી પણ પોલસનની સામે એ ટકી શકી ન હતી ને સરકારે એને બંધ કરી દેવી પડી હતી. એટલે પોલસનનાં માપ ચાલુ જ રહેવાનાં હતાં.

વધારામાં એમને એ પણ જાણવા મળ્યું કે હજુ અમૂલનાં માપ ગામડાંઓમાં શરૂ થાય અને એમનું દૂધ આણંદ લાવવાની વ્યવસ્થા ગોઠવતાં એમને વખત લાગશે. વળી એમની પાસે પોલસનના જેવી અદ્યતન મશીનરી પણ નથી એટલે એ દૂધનો યોગ્ય નિકાલ કેમ કરશે એ જ બહુ મોટો સવાલ છે. ને સામે પોલસન ડેરી કાંઈ નાની નથી. એની અસ્ક્યામત કરોડોમાં ગણાય છે. એ કાંઈ બેપાંચ વરસમાં ઊડી જવાની નથી. એ અમૂલને લોઢાના ચણા ચવડાવશે.

રવિવારની રજા હતી માસ્તર જમીને આડેપડખે થયા હતા. ત્યાં ત્રણેય આવી પહોંચ્યા. માસ્તરને અચરજ થયું. મારું શું કામ પડ્યું હશે?  બધાને પ્રેમથી બેસાડી ચા પિવડાવી. બોલો મારું ખોયડું કાં પાવન કર્યું?

શંકર ચાનો હબડકો લગાવતાં બોલ્યો: ‘વાત એમ છે ને માસ્તર સાહેબ આઝાદીતો મળી. આ વર્ષે મારે વળી ખેતી ની ઉપજે બમણી થઈ. પોલસનની ડેરીના દૂધના ફેરાથી ઉપરની કમાઈ પણ સારી પડે છે. આ મારો લંગોટિયો ભાઈબંધ સમાચાર લાવ્યો છે કે આણંદમાં દૂધની ડેરી શરૂ કરવાની છે તે હેં મારો ધંધો ચોપટ તો નહીં થઈ જાય ને? એમાં વળી આ પોલસનની ડેરી નું શું થશે?’

આણંદમા દૂધની ડેરી આવશે તો ફરતાં ગામોનું શું થશે? માસ્તર સાહેબ, તમે ભણેલા ગણેલા કઈ બે વાત હમજાવો તો અમે હમજીએ. હજુ મારા બાપાને પણ વાત નથી કરી તેથી જરા છાનું રાખજો.  તમે ખુલાસાથી વાત હમજાવો તો અમારા દલને તાઢક થાય.’ માસ્તર હવે ઊંડા વિચારમાં પડી ગયા. પણ છોકરાં ભણાવી જાણનાર માસ્તર બહુ હોંશિયાર હતા.

તૈણેય જણ માસ્તરને એકી ટશે જોઈ રહ્યા. માસ્તરતો જાણે ઊંડા વિચારમાં ડૂબી ગયા. આ શાંતિ તો જાણે ભરખી રહી હતી. પણ છૂટકોય કોના બાપનો હતો તેથી બેઠા રહ્યા. પાંચેક મિનિટ પછી મસ્તરે આંખો ખોલી અને કહે: ‘અરે, આના તો ઘણા બધા ફાયદા છે. રાતો રાત આંબા ન પાકે પણ જો વિચાર કરશો અને હા તે પણ શાંતિથી તો શીરા ને જેમ કોળિયો ગળશો. જો અધિરા થયા તો તમે દુઃખી થશો અને હાથમાં આવેલી તક ગુમાવશો. આ ત્રિપુટીને આમાં કાંઈ બહુ ગતાગમ પડી નહીં.

માસ્તર હવે નિવૃત્ત હતા તેથી સમય ઘણો મળતો. વળી આ સમાચારે તેમનામાં નવું જોમ પૂર્યું. ગુરુવાર અને રવિવારે પ્રાર્થનાસભા થતી. ઘેર ઘેરથી જેને ભણવામા રસ હોય તેમને વગર ફીએ એ વિદ્યાની ખુલ્લા હાથે લહાણી કરતા.

‘તે હેં માસ્તર, ફોડ પાડીને હમજાવોને. અમે કાંઈ ઝાઝું ભણેલા નથી. પણ હમજાવશો તો હમજી જઈશું.’

ત્યાં રતનો કહે: ‘માસ્તર, આ વાતની મારા બાપા કે રૂડાજી કોઈને હજુ ખબર નથી.’

શંકર શાંત હતો. તેને માસ્તર પર ગળા સુધીનો વિશ્વાસ હતો. માસ્તર ખોટું ન બોલે તે શંકર બરાબર જાણતો. માસ્તરનો લાગણી ભર્યો સ્વભાવ. સ્વાર્થ તો માસ્તરની પાંહે ફરકે પણ નહીં.

લાંબો શ્વાસ લેતાં માસ્તર કહે: ‘એમા ગભરાવાની જરૂર નથી મને આણંદ જવા દો. હું સરકારી વડી કચેરીએ જઈ આવીશ. ત્યાં મારો એક ભાઈબંધ છે. મને બધી તપાસ કરવાનો સમય આપો. પછી આપણે આગળ ચર્ચા કરીશું. આપણે હવે આઝાદ થયા છીએ જે પણ થશે તે આપણા હારા માટે હશે. શંકર અને રતન તમે જરાય ઉતાવળા ન થાશો. તોડ કાઢીશું. તમારાં બેયનાં નસીબ પાધરાં છે. ઘીના ઠામમા ઘી પડી રહેશે. ઘેર જાવ આવતા અઠવાડિયે દશેરા  છે, હું આણંદ મારા મિત્રને મળવા જઈશ.’ કહીને ત્રણેયને વિદાય કર્યા. માસ્તર થાકેલા હતા પાછી લાંબી તાણીને સૂઇ ગયા. વિચાર પીછો ન છોડે પણ શરીરને વિહામો મળ્યો.

ગબાની ગડબડ કરવાની આદતને કારણે તેનેય ક્યાંકથી આણંદમાં ‘દૂધની ડેરી’ આવવાના સમાચાર મળ્યા હતા. એ તો ધોતિયાની કાછડી હાથમાં ઝાલી માવજીભાઈની ડેલીએ પહોંચ્યો. માવજીભાઈ ગબાથી દૂર રહેવા માગતા હતા. પણ એને પોતાને આંગણે આવીને ઊભેલો જોઈ તેને બેસાડ્યો. ‘અરે, ગબો આવ્યો છે. પાણી લાવજો અને પછી ચા મેલજો.’  મોઢે મીઠું બોલે તેનું નામ માવજીભાઈ.

ગબાએ માંડીને બધી વાત કરી. પોતે છેલ્લાં બે વરસમાં જે કામમાં હાથ નાખ્યો તે બધાંમાં ભલીવાર નહોતો વળ્યો. કમાણીને માર પડ્યો હતો. તેમાં વળી આ નવું તૂત. માવજીભાઈએ તેને ધીરજ બંધાવી. એક રકાબી ચા ઉતરી એટલે ગબાના જીવમાં જીવ આવ્યો. એણે અને માવજીભાઈએ મસલત કરી . પહેલાં તો ડેરી વિશે જાણવું. પછી કોને ‘ફોડી’ કામ કઢાવવું તેનો પેંતરો રચવા માંડ્યા.

શંકર અને રતન પોલસનની ડેરી પર બેઠા હતા. પ્રભુને વિનતી કરતા હે પ્રભુ અમારી દાનત સારી છે. જે કરવું હોયતે કરજે અમે તો મહેનત કરીને પેટીયું રળીયે છીએ. હવેતો આઝાદી આવી. બે પાંદડે થાશું તો ગામના તળાવની પાકી દિવાલ ચણાવશું. ગામમા કાના મંદિરયે ઓટલો બનાવીશું પુજારી રાખી રાત પડે ભજન કરશું. નાની નિશાળ બનાવશું કે અમારા છોકરા ભણે. જુવાન ભેળા થાય એટલે કશું કરવાની ઇચ્છા જાગે.  છોકરીઓ માટે પણ જુદી નિશાળ. છોકરીઓ ભણેલી હોય તો છોકરા કેળવે. તેમને સારા સંસ્કાર અને ઘરકામ વ્યવસ્થિત શીખવાડે.  ચાર દી નિકળી ગયા અને આવી પુગ્યા માસ્તરને આંગણે.

માસ્તર તેમને જોઈને ખુશ ખુશ. અરે ફકર કરો મા. સહુ સારાં વાનાં થશે. આણંદમાં દૂધની ડેરી તો વડિયા અને જરખડા માટે ખૂબ સારા સમાચાર છે. તમે  જો જો તો ખરા નસીબ આડેનું પાંદડું ખહી જશે. તમે ત્રણેય ગામના સારા માણસો છો. તમારા સ્વભાવની મારા દોસ્તને વાત કરી. તેનું નામ છે અનુપ.

માસ્તર જે સમાચાર લાવ્યા તે જાણીને શંકર અને રતન તો ખુશખુશાલ થઈ ગયા. પોલસનવાળો ઠક્કરતો આ ચિત્રમા પોતે ક્યાં ગોઠવાશે તેનો વિચાર કરી રહ્યો હતો. એણે પોલસનમાં જઈને તપાસ કરવાનું મનમાં નક્કી કરી લીધું.

નાગજીભાઈએ શંકરને બોલાવીને બધી વાત સમજાવી એટલે શંકરનો શ્વાસ હેઠો બેઠો.

□ □

આંણંદમા એક જુની દૂધની ડેરી બંધ પડી હતી. ડો. કુરિયન પરદેશ જઈ ડેરી વિષે અભ્યાસ કરી તાજેતરમાંજ ભારત પાછા ફર્યા હતા. આણંદમા દૂધની  ડેરીની થતી વાતચીત સાંભળી   યોગ્ય વ્યક્તિઓનો સંપર્ક સાધી પોતાની કુશળતા જણાવી. તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને દેશની પ્રગતિમાંમાં પોતાનો ફાળો આપવાના તેમના ઉમદા વિચાર સાથે તેમની આગેવાની હેઠળ કાર્ય શરૂ થયું. તેમને વિશ્વાસ હતો કે આ બંધ ડેરી જરૂરથી  ધમધમતી બની શકશે.

તેમણે ૩૫૦ રૂ.ના મામૂલી પગારથી પોતાનું કાર્ય સંભાળ્યું. ઠેર ઠેર દૂધ મંડળીઓ અસ્તિત્વમાં આવી. “આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ”  જેનું નામ પડ્યું “અમૂલ”. પછી સહકારી મંડળ રજીસ્ટર થતાં તેનું નામ ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ’ રાખવાનાં આવ્યું. પણ તોય એનું પહેલું નામ ‘અમૂલ’ જ જણીતું અને માનીતું રહ્યું.

ડો. કુરિયન સાથે કોલેજમાં ભણતો હતો. હું ને અનુપ તો એક ગામના લંગોટિયા દોસ્ત છીએ. કુરિયન અનુપની ઇમાનદારી ના  જાણકાર  તેથી તેને  પોતાના હાથ નીચેની નોકરીમાં રાખી લીધો. માસ્તરે અનુપને વડિયા બોલાવ્યો. અનુપે ગામલોકોને સઘળી જાણકારી આપી, માસ્તરને ઘણો આનંદ થયો.

ખેડા જિલ્લાની અંદર આવેલાં બધાં નાનાં મોટાં ગામડાં સંગઠીત થઈ સહકાર દર્શાવી હાથમાં હાથ મિલાવી કામ કરવા તત્પર થયાં.  ડેરી ચાલુ થયા પછી દૂધ ક્યાંથી આવશે. તેમાંનું દૂધ પેસ્યુરાઈઝ કરીને મુંબઈ ને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં વેચવાની તથા તેમાંથી બટર અને ઘી બનાવવાની વ્યવસ્થા ગોઠવાવા માંડી.

જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ‘આણંદ દૂધની ડેરી’ના આંગણમા સવારથી ચહલપહલ શરુ થઈ ગઈ.  ૩૧મી ઓક્ટોબર, આપણા સહુના પ્યારા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ ડેરીના ઉદઘાટન માટે નક્કી કરાયો હતો. ગુજરાતનું ગૌરવ, લોખંડી પુરુષને આથી વધુ સુંદર શ્રધ્ધાંજલી શું હોઈ શકે.

સવારથી જ લોકોના ટોળે ટોળાં આવવાનાં શરૂ થઈ ગયાં હતાં.  પંડિત જવાહરલાલ નહેરૂના હાથે સમારંભ ઉજવાયો. મશીનની ઘમઘમાટી કાનને પ્યારી લાગી. શું અદભૂત કાર્ય હતું. ગામડાંઓમાંથી આવેલું દૂધ ઠલવાતું અને પેસ્ચ્યુરાઈઝ ઝતું હતું. વડિયા અને જરખડાના લોકો આણંદથી નજીક હતા તેમના કિસ્મતનો સિતારો ઝગમગી રહ્યો. ચારેબાજુ  આનંદનું મોજુ ફરી વળ્યું.

ડેરી ચાલુ થઈ. બધા કામની વેતરણ સરસ રીતે થઈ ગયું હતું . તેવામાં દલાયા જે ડો. કુરિયન સાથે ડેરી વિશે અભ્યાસ કરી રહ્યા હતા તેમણે પોતાની મરજી જોડાવા માટે દર્શાવી. નવું કાર્ય હતું તેથી સંસ્થાએ કુરિયનને જણાવ્યું કે નવી વ્યક્તિ યોગ્ય છે પણ તેમનો પગાર પોષાશે નહીં. પણ સારા કાર્યમાં માનતા ડો. કુરિયને પોતાના પગારમાં ૧૦૦ રૂ.નો કાપ લેવાની મરજી દર્શાવી. દેશના કાર્ય માટે કેવી ઉદાત્ત ભાવના! દલાયા જોડાયા અને ડેરીની પ્રગતિ કૂદકે અને ભૂસકે વધી રહી. કેટલાય માણસોને રોજી રોટી સાંપડ્યાં.

આ બાજુ પોલસનવાળા ઠક્કરને પણ માસ્તર સાથેની દોસ્તીની કિંમત હતી એટલે એણે વડિયા, જરખડા ને તરઘાટીનાં માપ બંધ કરી દીધાં અને ત્યાં જે તે ગામમાં માસ્તર અને નાગજીભાઈની દોરવણી હેઠળ સહકારી મંડળીઓ સ્થાપી અમૂલનાં માપ શરૂ થઈ ગયાં.

હવે તો ખરું કામ શંકર અને રતને કરવાનું હતું. મનોરમુખીને મોટાભા બનાવવાના. વાલજીકાકા, પોલીસના વડા જાડેજા એ બધાનાં માન સાચવવાનાં એ ખાવાના ખેલ નથી એની એમને ખબર હતી જ. પણ વડિયા અને જરખડાના નાકના ધણી જો રાજી ન રહે તો કેંદ્ર ચલાવવામાં તકલિફ પડે. વડિયાનું કેંદ્ર શંકર અને જરખડાનું રતન સંભાળે એવી ગોઠવણ કરવામાં આવી. અમૂલના અધિકારીઓ આવાં બધાં કેન્દ્રોમાંથી દૂધ નિયમિત મળે તેના પર દેખરેખ રાખે. બેય ગામનું દૂધ આણંદ પહોંચાડવાનું કામ શંકરને આપવામાં આવ્યું હતું ને એના ફેરાના ભાવ પણ વધારવામાં આવ્યા હતા એટલે એને તો રોજના પાંચ રૂપિયા વધારે મળતા થયા હતા. વળી ટ્રેક્ટર આવ્યા પછી ખેતીની આવક પણ વધી હતી. એનાં તો પાંચેય આંગળાં ઘીમાં હતાં.

આણંદની ‘અમૂલ ડેરી’એ દૂધના ભાવ વ્યાજબી ઠેરવ્યા હોવાથી ગામલોકો પણ ખુશ હતા. દૂધમાં ફેટ હોય એના પ્રમાણમાં જૈસા મળતા થતાં દૂધમાં પાણીની મિલાવટ પણ બંધ થઈ ગઈ હતી. બસ દરેકને પોતાને યોગ્ય વળતળ મળતું હોવાથી સંતોષ હતો. અમૂલનેય દૂધ ચોખ્ખું મળે તેથી મલાઈ નીકળે. માખણ થાય અને વધે તેનું ચોખ્ખું ઘી. અમૂલ ડેરીનો પ્રસ્તાવ અને તેનું ઉદઘાટન ભારત માટે શરૂથી જ એક સાચી દિશાનું સફળ પગલું સાબીત થવા માંડ્યું હતું.

વિઘ્ન સંતોષી ગબો, માધા કલાલ જેવા આવા ઉમદા કાર્યમાં રોડાં નાખવાના પ્રયત્નો કરતા હતા. માસ્તર ધનજીભાઈ તો સેવાનો ભખધારીને બેઠા હતા ને નાગજીભાઈ જેવાનો એમને સાથ હતો એટલે એમની કોઈ તરકીબ ફાવતી ન હતી. ઘીના ઠામમા ઘી પડી રહ્યુ ને વડીયા તથા જરખડા ગામ ચરોતર વિસ્તારમાં જાણે દૂધે નાહી રહ્યાં.

શંકર, જમની, રેવલી, રતન,  બધા ખુશ. રૂડો ઠાકોર અને અમરતબા દીકરા વહુ પર વારી જતાં હતાં. નાગજી મોટા તો સમતા ધારણ કરેલ વ્યક્તિ હતા. એ આનંદ અને સંતોષ ભરી નજરે બધું નિહાળી રહ્યા હતા.

વેરાન હરિયાળી-૧૭ -પ્રવિણા કડકીયા

રૂડો ઠાકોર પંપ મૂકાવે છે.

આઝાદી આવી, ઉમંગ લાવી, આનંદ લાવી , ખુમારી લાવી સ્વપનો સાકાર કરવાની ઘડી આવી. વડિયા અને જરખડાની તો સિકલ જ બદલાઈ ગઈ. ઘર ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. દરેકને એમ થયું સ્વરાજ મળ્યું હવે ઘડી આવી કે આપણે સહુ મહેનત કરીને ઉપર આવીએ. પૂ.ગાંધી બાપુએ દર્શાવેલા આદર્શો ઉપર ચાલીશું તો જરૂર સારાં ફળ પામીશું , બે પાંદડે થઈશું.

વડિયા અને જરખડા માટે એક વાત કહેવી જરૂરી છે. જ્યાં સારા માણસો વધુ હતા અને અનીતિ આચરનારા ઝૂઝ. અંતરનો અવાજ સાંભળીને લોકો બૂરાઈથી બચતા. માવજી અને ગબાની ટોળી છમકલાં કરતી પણ ફાવતી નહી ત્યારે ગામલોકો ફિટકાર વરસાવતા.

કૂતરાની પૂંછડી ભોંયમા દાટો તોયે વાંકી જ રહેવાની એ ઉક્તિ અનુસાર તે બેઉને સુધારવાની આશા જ છોડી દેવાની. જો કોઈ ચમત્કાર થાય તો જ બે જણા સુધરે. એમાં પાછો માધો કલાલ ટોળીમાં મળેલો. પેલો ગીધુ ઘાંયજો બે બાજુ ઢોલકી વગાડતો. ખેર, એવા લોકોને ન વતાવવામાં જ માલ છે એમ સહુ માનતા.

ટ્રેક્ટર આવ્યું, અમૂલની ડેરી ચાલુ થઈ. નવું સવું હતું તેથી અડચણો ઘણી પડતી. પણ ડો.કુરિયનની કાર્ય કુશળતા તરી આવતી. દલાયા જોડાયા પછી થોડી રાહત થઈ હતી. છતાંય વીજળીનાં લફરાં. ડેરીનાં મશીનો ચલાવવા પાવર જોઈએ. કોઈ વાર ફ્યુઝ ઉડી જાય તો કોઈ વાર ટ્રાન્સફોર્મર જવાબ દઈ દે ત્યારે બે કલાક કામ ખોટવાઈ જાય. એવા સમયે દૂધ ન બગડે તેનું ધ્યાન રાખવું પડતું. જનરેટર હતું તે લાંબો સમય કામ આપી શકવા શક્તિમાન ન હતું.

શંકર અને રતન ડો. કુરિયનની પાસે આવે વખતે દોડી જતા. તેઓ ભલે ગામડાના હતા, બે ચોપડી ઓછું ભણ્યા હતા પણસાથ સહકાર આપવામાં વિશાળ દિલવાળા હતા. રૂડો ઠાકોર દિલમાં ખૂબ હરખાતો. એને હજી શાંતિને પરણાવાની બાકી હતી. જો રવલીને સારો દહાડો હોય તો સિમંત પણ ખૂબ ભપકાદાર કરવું હતું. અમરત જોડે બેઠો હોય ત્યારે એ પોતાના સપનાની વાતો કરતો.

જુવાનિયા કાયમ એમ જ માનતા હોય કે અમને જ બધી ગતાગમ છે. અમારાં માબાપ તો હવે ખર્યું પાન. પણ કોનો આવરદા કેટલો છે એ તો પેલો હજાર હાથવાળો જ જાણે. માબાપે કેટલી વીસું સો કરીને બાળકોને મોટાં કર્યાં. પેટે પાટા બાંધી તેમના ઉછેરમાં જુવાની વેડફી બે પાંદડે થયા. તેમ છતાંય માબાપનાં મોઢાં સદાય હસતાં. હર્યોભર્યો સંસાર જોઈ હરખાય. રૂડાને વિચાર આવ્યો, જમનીના લગનમાં નાગજી મોટાએ હ્રદયની જે વિશાળતા દાખવી એ જીવનમાં મને ડગલે ને પગલે કામ લાગી. રતનના લગન વખતે એણે એવું જ સુંદર વર્તન રવલીનાં માબાપ સાથે કર્યું. એ મનમાં વિચારતા હતા હવે નાનીને ખૂબ ધામધુમથી પરણાવીશ .

અમૂલની ડેરી જોવા અમરત અને ગામનાં બૈરાંને લઈને ગયા હતા. જાતજાતની અને ભાતભાતની મશીનરી જોઈને સૌને આશ્ચર્ય થયું. દૂધ ડેરીમાં આવે ત્યાંથી તે ગરમ કરી તેને પેસ્યુરાઈઝ કરે એ બધું મશીનની સહાયથી થતું. અમરત તો આ બધું જોઈને આભી બની ગઈ. રૂડો તેને પોતે સમજતો એ સઘળું પ્રેમથી સમજાવતો. રૂડો તેના પર જાન છિડકતો કેમ વહાલ ન કરે? ૩૦ વરહોથી જેનું પડખ્યું સેવ્યું હોય અને સુંદર ત્રણ બાળકો દીધાં હોય આવી લક્ષ્મી જેવી બૈરી પામીને પોતાને નસીબદાર માનતો. અમરત પણ નામ પ્રમાણે ‘અમરત’ જેવી મીઠી હતી.

આજે રુડો જરા થાકેલ હતો. સવારના ઊઠતાં મોડું થઈ ગયું. શંકર તો સવારમાં ભાથું લઈને કામે નિકળી ગયો હતો. રવલી રાહ જોતી હતી કે સસરા આવે તો નવશેકા દૂધ સાથે બે ગરમ રોટલા ટીપી દઉં. ચાનો સબડકો બોલાવતાં રૂડો કહે્ઃ ‘હવે મારા ‘રામ લક્ષ્મણ’ બળદિયા કૂવામાંથી પાણી ખેંચતાં થાકી જાય છે. કોહ ભારે લાગે છે. તેમની પણ ઉંમર થઈ છે. રવલી નીચે મોઢે પીરસી રહી હતી.

જમીન ખોતરતાં એ બોલી્ઃ ‘બાપુ, નાને મોઢે મોટી વાત લાગે તો માફ કરજો. આપણા બંને બળદના પ્રતાપે પાક સારો ઊતરે છે અને સુખી થયા છીએ. જો એમને પાંચ વરહ વધારે જીવાડવા હોય તો આપણે કૂવા પર ‘પંપ’ મુકાવીએ તો કેવું.’

રૂડો ઠાકોર મોઢામાંનો કોળિયો ગળે ઉતારીને કહે્ઃ ‘વહુ’ તને આવો વચાર કંઈથી આયો. ગઈ કાલે આખી રાતથી મારા મગજમા આ વાત ઘોળયા કરતી હતી એટલે તો હવારમાં ઊઠતાં મોડું થઈ ગયું. હું રાતનો એ વિચાર કરતો હતો. મારો દીકરો જુવન થયો, વહુ લવ્યો, મારું અને અમરતનું અડધુ કામ ઓછું થઈ ગયું. ગયા ભવનાં હારાં કરમ હશે કે પરભુએ અમને આવાં હમજું દીકરો વહુ દીધા.

‘બેટા, તારી વાત વચારવા જેવી છે. રાતે વાળુ કરી આપણે બધા ભેગા બેહી વચાર કરીશું. રાતે શંકર આવ્યો. આણંદથી ઘરનાં બધાં માટે ઠંડુ કેસર એલચીવાળું દૂધ પણ લાવ્યો હતો. શંકરને ઘરમાં શું વાત થઈ હતી તેની એને ખબર હતી નહીં. એ થાકેલો આવ્યો અને રવલીએ પાણી નવશેકું કરી રાખ્યું હતું. ખંખોળિયું ખાધું અને કહે ‘આજે તો ખૂબ ભૂખ લાગી છે. રોટલા ઘડ્યા છે કે ખાલી ખિચડી જ ખાવામાં આલીશ.’

રવલી ના રવલીની આંખો જાણે કહી રહીઃ ‘અરે, ‘ હજુ તું રવલીને ન ઓળખી શક્યો. તારા મનમાં હું ચાલે છે તે મારા વગર કોણ જાણી હકે?’ પણ પેરગટ કહેઃ ‘ખબર નથી કેમ આજે મને થાતું હતું કે તમે  વધારે ભૂખ્યા થયા હશો એટલે મેં મઝાના ચાંદા જેવા ગોળ ગોળ રોટલા ટીપી રાખ્યા છે.’

અમરતબા કહેઃ ‘રેવા બેટા, આજે કેમ રોટલા?’

‘મેં કહ્યું બા, આજે વાળુ વખતે ખાલી રોટલા ને રેંગણાંનું શાક કરીએ. શંકર તો એના આવા જવાબથી ઓવારી ગયો. કોઈ દેખે નહી તેમ આંખો નચાવી. જમી પરવારીને બધાં પરસાળમાં આવ્યાં. રવલી પણ ઢાંકોઢૂબો કરીને આવી પહોંચી. પરસાળમાં કાથીના ખાટલા પર રૂડો ઠાકોર ઢોલિયાને અઢેલી બેઠો હતો. અમરતબા તેમના પગ પાસે બેઠાં હતાં. શંકરે નીચે શેતરંજી પર લંબાવ્યું ને રવલી આવીને ખૂણામાં સંકોરાઈને બેઠી.

શંકર ડેરીનું ઠંડુ દૂધ લાવ્યો હતો બધાંએ પવાલામાં કાઢીને પીધું. રૂડાજી કહેઃ ‘અલ્યા શંકર સાંભળ, આજે મને રાતના ઉંઘ આયી ન હતી. આખી રાત રામ અને લક્ષમણના વિચાર આવતા હતા. સવારે રેવા વહુ કહે કે આપણે કૂવા પર પંપ મુકાવીએ. મને ખબર નથી પડતી જે વિચાર મારા દિમાગમા ઘુમરાતા હતા એની રેવા વહુને કેમની ખબર પડી.

‘પંપ મુકાવશું તો પાણીની છૂટ રહેશે, આપણા રામ અને લક્ષમણને પોરો ખાવાનો ટેમ મળશે. માત્ર વરસાદ પર આધાર નહી રાખવો પડે. શિયાળુ પાક અને ઉનાળે બને વખત પાણીની છૂટને કારણે માતબાર વાવણી થશે. વળી ક્રુડના ખર્ચા જોગું તો આપણને લોકોનાં ઍાળવણમાંથી મળી રહેશે.’

સવાર પડી, રૂડા ઠાકોર આજે સવારથી ખેતરે જવા નીકળ્યા. આજે કેમ તેમને ગાડું જોડવાનું મન થયું. પ્રેમથી રામ લક્ષમણને ચારો નાખ્યો. પેટ ભરીને ખવડાવ્યું અને પછી ગાડે જોડ્યા. ટ્રેકટર આવ્યા પછી ગાડું બહુ જોડતા નહી. આજે થયું ખેતર પર જે કૂવો છે, તેમાં પાણી એકદમ મેઠું છે. કૂવામાં પાણી વધારે છે છતાં પાણીની આવણી પૂરતી છે એની તપાસ કરાવવી  જોઈએ. અત્યાર સુધી તો કોહ જોડવામાં ધકેલ પંચાં દોઢસોની જેમ કામ ચાલતું હતું. હવે જ્યારે પંપ મૂકવો હોય ત્યારે બધી વાતની તપાસ પડે. ખરચો કરીને એંજીન પંપ મૂકીએ અને પાણીની આવણી પૂરી ના હોય તો ફિયાસ્કો થાય.

ગાડે ચડીને રૂડા ઠાકોર નીકળ્યા, લગભગ ચારેક કલાક ખેતરમાં ફરી કૂવાને તપાસતાં એમ કાંઈ પાળીની આવણીની ખબર તો ક્યાંથી પડે પણ જો એના પર એંઝીનપંપ મૂકવો હોય તો કૂવાને સમરાવવો પડશે એ વાત એમના ધ્યાન પર આવી ગઈ.

એ ખેતરની જમીન કાળી હતી ને એમાં ડાંગર પણ થઈ શકે તેમ હતી. જો પાણીની સગવડ પુરતા પ્રમાણમાં થાય તો એમાં ડાંગરનો પાક લઈ શકાય તેમ હતો. બપોરે જ્યારે ઘરે આવ્યા તો એમની ભૂખ મરી ગઈ હતી. અમરત લોટો ભરીને તાજા દહીંની છાશ આપી તે ગટગટાવીને મોઢે માંડીને પી ગયા.

સાંજે જ્યારે શંકર ઘેર આવ્યો ત્યારે એને પેટ છૂટી બધી વાત કરી. શંકર કહેઃ ‘બાપા, કાલે મારે બદલે રતન ફેરા કરશે. આપણે બંને જણા તમે જે તપાસ કરી આવ્યા તે ફરીથી ચકાસી જોઈએ અને પછી એંજીન મૂકવાનો નિર્ણય લઈએ.’

રાતના શંકર જ્યારે ઊંઘવા ગયો ત્યારે રવલી કહેઃ ‘આપણે મારા બાપાને અને નાગજી મોટાને કાને વાત નાખીએ તો કેવું. જો એમ નહી કરીએ તો એમને કદાચ ખોટું પણ લાગે.’ શંકરને વાતમાં વજૂદ જણાતાં એણે દશેરી હલાવી ને એ પડખું ફરીને ઘસઘસાટ ઊંઘી ગયો.

સવારે ઉઠીને કહેઃ ‘બાપા, થાવ તૈયાર આપણે ખેતરે. જઈ બધી બરાબર તપાસ કરીએ. એકથી બે ભલા. તમે કાલે આંટો મારી આવ્યા છો તેથી બહુ ટેમ નહીં લાગે. રૂડો ઠાકોર હરખાયો. એમને મનમાં થયું મારો દીકરો બાપનો પડ્યો બોલ ઝીલે છે. ખેતરે જતાં જતાં શંકરે વાત કરવા માંડીઃ ‘તે હેં બાપા, કૂવા પર એંજીન પંપ મુકાવીશું તો પાણીની છૂટ રહેશે ને બળદોને આરામ પણ મળશે. આ બળદની જોડીએ તો આપણને તાર્યા છે. હવે જો તેમને થોડો પોરો ખાવા મળે તો હારું. બાપ દિકરો આજે ઘણે દિવસે પેટ છૂટ્ટી વાત કરી રહ્યા હતા.

‘એટલે તો આ વિચાર કર્યો છે. હજુ મોટાને ને મગનજીને કાનેય વાત નાંખીશું. એમનીય સલાહ લઈને પછી નક્કી કરશું.’

શંકર એકચિત્તે બાપાની વાત સાંભળી રહ્યો હતો. પછી એણે ધીરેથી કહ્યું, ‘તો બાપા, નાગજી બાપાને પણ વાત કરશું અને મારા હાહરાને પણ. એમની સલાહ લઈશું તો એમનાય સારું લાગશે ને આપણને નાગજી બાપાની ચીવટનો લાભ મળશે. ટ્રેક્ટર લેતા પહેલાંય આપણે એમની દોરવણી પરમાણે જ કરેલું ને.’

શંકરની આવી સમજણભરી વાતથી  રૂડો રાજી થયો. પછી ધીરેથી રતનાને કહેઃ ‘એક પેટ છૂટી વાત કરું. તને ગમે તો હા, પાડજે. મને જરાય ખોટું નહીં લાગે, તને કદાચ હસવા જેવું પણ લાગે.’ શંકર વિચારમાં પડ્યો એવી તે શી વાત હશે?

ત્યાં રૂડો કહેઃ ‘સાંભળ ગઈ કાલે રાતે સમણામાં મને “કાનો” આયો’તો. કહે અલ્યા રૂડા, પૈસા કમાયો તો કાંઈ જર જાનવર કે ઢોરાંનો તો ખ્યાલ કર. સવારના પહોરમાં સમણું આયું તું. હું ગોદડામાં બેસી વચારે ચડી ગ્યો. ને થયું અરે મારા વહાલા, તું કેવો દયાળુ છે. હવે ચિત્ત દઈને હાંભળજે  મને થાય છે ઢોરાં માટે પાણીનો હવાડો બાંધવો છે. પાંજરાપોળની બહાર જે જગ્યા છે તે પંચાયતમાં પૂછીને કોની છે તે તપાસ કરી ખરીદી લઈશું. ઉનાળાના તાપમાં ઘણી વાર ઢોરાં પાણી માટે વલખાં મારે છે. ભલે વડિયા નાનું રહ્યું. પણ મારા માવતર પાછળ પાણીની એક પરબ ગામમાં બંધાવવી છે. ગામને ચૌટે ચબૂતરો છે ત્યાં પક્ષીઓ માટે પણ પાણી પીવાની બે કુંડીઓ કરાવીશું. પંપ મૂક્યા પછી પાણીની છૂટ રહેશે.

શંકર એકીટશે બાપાને જોઈ રહ્યો હતો. દરિયાવ દિલનો તેનો બાપ! એ અંતરથી ઉપરવાળાને મનમા વંદી રહ્યો આવાં સુંદર માવતર દીધાં. શંકર કહેઃ ‘બાપા, ‘તમારી એ બધીય મનષા પૂરી કરીશું.’ રૂડો મનમાં હજાર હાથવાળાનો  ગણ માની રહ્યો આજે બાપ દિકરા બંનેને ધરમનું કામ કરવાની મત આલી,

બેય ખેતરે પહોંચ્યા, શંકરને પણ વાડી કૂવો ગમતો તો હતો જ એણે ક્યાં ક્યાં સમારકામ કરવા જેવું લાગતું હતું એની રૂડા સાથે સમજી લીધું.. બસ હવે વાત કરવાની હતી રવલીના બાપને અને નાગજી મોટાને.

આજે આમ પણ બધું કામ રતન સંભાળવાનો હતો એટલે શંકરની પાસે પહરતો સમય હતો. રવલીનો તો હરખ માતો ન હતો. બપોરે બાપ દીકરાને એણે પ્રેમથી ગરમ રોટલા, રીંગણાંનું ભરથું અને અડદની દાળ જમાડ્યા. અમરત તાજી વલોવેલી છાશ પવાલી ભરીને લાવી ને બેયને મોટા લોટા ભરીને દીધા. બને જણ ખાઈને આડે પડખે થયા. ઊઠીને પાછું ગાડુ જોડાવ્યું.

‘બા, અમે બાપદીકરો જરખડા કામે જઈને આવીએ છીએ.

બેય ખેતરે પહોંચ્યા, શંકરને પણ વાડી કૂવો ગમતો તો હતો જ એણે ક્યાં ક્યાં સમારકામ કરવા જેવું લાગતું હતું એની રૂડા સાથે સમજી લીધું.. બસ હવે વાત કરવાની હતી રવલીના બાપને અને નાગજી મોટાને.

આજે આમ પણ બધું કામ રતન સંભાળવાનો હતો એટલે શંકરની પાસે પહરતો સમય હતો. રવલીનો તો હરખ માતો ન હતો. બપોરે બાપ દીકરાને એણે પ્રેમથી ગરમ રોટલા, રીંગણાંનું ભરથું અને અડદની દાળ જમાડ્યા. અમરત તાજી વલોવેલી છાશ પવાલી ભરીને લાવી ને બેયને મોટા લોટા ભરીને દીધા. બને જણ ખાઈને આડે પડખે થયા. ઊઠીને પાછું ગાડુ જોડાવ્યું.

‘બા, અમે બાપદીકરો જરખડા કામે જઈને આવીએ છીએ.

બેય ખેતરે પહોંચ્યા, શંકરને પણ વાડી કૂવો ગમતો તો હતો જ એણે ક્યાં ક્યાં સમારકામ કરવા જેવું લાગતું હતું એની રૂડા સાથે સમજી લીધું.. બસ હવે વાત કરવાની હતી રવલીના બાપને અને નાગજી મોટાને.

આજે આમ પણ બધું કામ રતન સંભાળવાનો હતો એટલે શંકરની પાસે પહરતો સમય હતો. રવલીનો તો હરખ માતો ન હતો. બપોરે બાપ દીકરાને એણે પ્રેમથી ગરમ રોટલા, રીંગણાંનું ભરથું અને અડદની દાળ જમાડ્યા. અમરત તાજી વલોવેલી છાશ પવાલી ભરીને લાવી ને બેયને મોટા લોટા ભરીને દીધા. બને જણ ખાઈને આડે પડખે થયા. ઊઠીને પાછું ગાડુ જોડાવ્યું.

‘બા, અમે બાપદીકરો જરખડા કામે જઈને આવીએ છીએ.’ કહીને ગાડું હંકારી ગયા. નાગજી મોટાને ત્યાં પહોંચ્યા. કચરો ત્યાં હતો તેથી રવલીના બાપને બોલાવા મોકલ્યો. નાગજી મોટાને થયું કંઈક કામની વાત કરવાની હશે તે બેય જણા સાથે આવ્યા છે. બાપ બેટો ના ના કરતા રહ્યા ને જમના ચા જોડે ભજીયાં ઉતારીને લઈ આવી. ત્યાં સુધીમાંતો રવલીના બાપા પણ આવી પહોંચ્યા.

ચા નાસ્તો પકરીને પરવાર્યા એટલે રૂડાજીએ જરા ખોંખારો ખાઇને વાતની દોર હાથમાં લીધો. ‘જુઓ આણંદની ડેરીએ વાડિયા અને જરખડાની સિકલ બદલી નાખી છે. ટ્રેક્ટર લાવ્યા એનાથી આપણને ઘણી શાંતિ મળી. છેલ્લા પાંચ દિવસથી મારા મગજમાં એક વાત મને ચેન લેવા દેતી નહીં.

‘વાત એમ છે ને કે અમે કૂવા પર પંપ મૂકાવવાનો વચાર કરીએ છીએ. ને તમે તો જાંણો છો કે તમને પૂછ્યા વગર તો અમારાથી પાણીય ના પીવાય. તમે કહો તો બાથ ભીડીએ. મને લાગે છે કે એનાથી પાણીની લીલા લહેર થશે, ખેતીવાડીમાંય બરકત આવશે ને ઢોરાંનેય ઉનળે રાહત મળશે. એક વાર તમે આણંદ જઈને બધી તપાસ કરીને એમને જણાવો કે એમાં જોખમ તો નહીં ને એટલે આગળ વધીએ.’

નાગજી મોટા અને મગન વાત જાણી ખુશ થયા. વાત બરાબર હમજ્યા અને હોંકારો દીધોઃ ‘ભઈ, કરો કંકુના. હું આણંદ જઈને બધી તપાસ કરી આવીશ. તમારે રૂડાજી, ફેરો ખવાની જરૂર નથી. શંકર ને હું જઈ આવીશું.’ પછી પાણીની પરબ, ઢોરાં માટે હવાડો, પંખી માટે કુંડીઓ બધી વાતો કરી. છૂટા પડ્યા.

હવે રૂડો ઠાકોર રંગમા આવ્યો. શંકરને કહે તું તારે તારું કામ સારી રીતે કર, હું હવે કૂવામાં જે હમુંનમું કરાવવાનું છે એ શરૂ કરાઈ લઈશ. મને જરૂર પડશે તાં(ત્યાં) તારી માદદ માગીશ. આમ બધું નક્કી કરતાં મહિનો નીકળી ગયો.

રૂડાની સાથે નાગજીભાઈ અને મગનભાઈ પણ કામમાં વળગી પડ્યા હતા. રતનો શંકરના દૂધના ફેરા પછી નવરા પડેલા ટ્રેક્ટરથી જરખડાનાં દાંતી મારવાનાં કામ પતોવી દેતો હતો. ક્યારેક વચિયામાં આવીને ત્યાંનાં ખેતરોય ખેડી આપતો હતો.

નાગજી મોટાની સલાહથી એંજીન ને પંપ ઉપરાંત દળવાની ઘંટી એને ડાંગર ભરડવાનું હલર પણ રૂડાએ કૂવા પર ગોઠવાવી દીધાં હતાં. ને બે મહિનામાં તો બધું રાગે પણ પડી ગયું હતું. લોકોનેય આ કામમાં વિશ્વાસ પડતાં રૂડાની પોતાની જમીન સિવાય બહારનુંય લગભગ ચાળીસ વીઘાંનું ઍાળવણ પણ થયું હતું. બહીરનાં ખેતરોમાં કલાકના બે રૂપિયાના ભાવથી એમણે પાણી આપવા માંડ્યું હતું.

વળી રોજ સાંજે ચાર વાગ્યે આજુબાજુનાં ગામેથીય લોકો ઘઉં, બાજરી ને જુવાર દળાવવા આવવા માંડ્યા હતા. રૂડાએ તો જાણે રહેવાનું જ કૂવા પર કરી નાખ્યું હોય એમ સવારથી તે અડધી રાત સુધી એ કૂવા પર જ હોતો. બધાને એમાં બરકત દેખાવા માંડી હતી. અહીં કૂવા પર જે આવક થતી હતી એની સરખામણીમાં પેલી ટ્રેક્ટરની આવક તો કશુંય ન હતી.

વેરાન હરિયાળી-૧૮ જયંતીભાઈ પટેલ

૧૮. જખનો ઘાવેડુ         તે દિવસે તરઘાટીમાં લાખાજી ભૂવાની પોલ ઉઘાડી પાડી એ વાત માસ્તર અને એમના ટોળાના જુવાનિયાઓ ભૂલીય ગયા હતા પણ લખાજી એ ભૂલ્યો ન હતો. પોતાનું થયેલું એ ધોર અપમાન એનાથી ભુલાય એમ પણ ક્યાં હતું! પણ માસ્તરની સામે પડતાં એ ગભરાઈ રહ્યો હતો. એ પોતે કોવો ભૂવો હતો અને એને કઈ જોગણીનો માથે હાથ હતો એ તો એને જ ખબર હતી. એના જાગરિયા એના પરચાની વાતોની બડાઈ કર્યા કરતા હતા ને ગામડાંની અબુધ પ્રજા એ માની લેતી હતી ઓટલી એનાં આવાં ધતિંગ ચાલ્યા કરતાં હતાં.

માસ્તરે એની પોલ ઉઘાડી પાડી એ વાત એ કદાચ ભૂલવા માગે તોય એના મળતીઆઓ એને એ ભૂલવા દે એવા ક્યાં હતા? એ લોકોએ ભૂવાને એ વાત નહીં નહીં તોય છેલ્લા મહિનામાં દસેકવાર યાદ દેવડાવી હતી અને એનો બદલો લેવા એને ઉશ્કેર્યો હતો.

આઝાદી આવ્યા પછી માસ્તરની ફરતાં બારેય ગામમાં એવી પ્રતિષ્ઠા જામી ગઈ હતી કે એમની સામે પડવાની ભૂવામાં જાણે હિંમત જ રહી ન હતી પણ એના મળતીયાઓથી તો ભૂવાને કારણે એમને મળતાં માનપાન અને બોકડા અને દારૂની શીશીઓ ભૂલાતી ન હતી. એ લોકો ભૂવાની છાપ ફરી પહેલાંના જેવી થાય એ માટે ભૂવાને માસ્તર સામે ચડાવ્યા કરતા હતા ને માસ્તરને કેમનો પરચો બતોવવો એની જાતજાતની તરકીબો ઘડતા રહેતા હતા.

છેવટે એક રાતે અટધો શીશો પેટમાં પડ્યા પછી ભૂવો એમની સાથે માસ્તરની સામે વેર લેવા સંમત થયો ને બધાએ જાતના પેંતરા ઘડવા માંડ્યા. બધાની વાતમાં એક સૂર સરખો હતો કે એમણે ઉઘાડા ઊઠવાને બદલે કોઈ ત્રહિત માથાભારે માણસ મારફતે એ માસ્તર અને એના સાગરિતોને બરાબરનો પાઠ ભણાવવો. ઉઘાડા ઊઠવા તો એ મળતિયા કે ભૂવામાં હિંમત જ ક્યાં હતી?

ફરતાં બાર ગામમાંથી તો એમની સામે પડવા કોઈ તૈયાર થશે જ નહીં એની તો બધાને ખબર હતી જ એટલે એમણે દૂરનાં ગામોમાં આવા માણસની તપાસ કરવા માંડી.

બહુ તપાસને અંતે મારગિયાનો જખનો ઘાવેડુ એ કામ કરવા તૈયાર થયો. એને પચાસ રૂપિયા અને દારૂની એક શીશી એને એના બેય મળતિયાઓને દસ દસ રૂપિયા એક એક શીશી દારૂ આપવાનું નક્કી કરીને બધા પાકો પેંતરો ઘડવાના કામમાં લાગી ગયા. બધાને માસ્તર અને એમના ટોળામાંના જુવાનિયાઓને પરચો બતાવવો હતો ને એમાં પોતાનું નામ ક્યાંય ન આવે એવું પણ કરવું હતું.

અંતે જખનાએ એનો મારગ બતાવ્યો. છેવટે એવો પેંતરો નક્કી થયો કે ફરતાં બધાં ગામમાં વાત વહેતી કરવી કે મારગિયાનો જખનો ઘાવેડુ નામનો ભૂવો આ કાળી ચૌદસની રાતે મહાંણાંમાં સાધના કર્યા પછી તૈણ નાકાંને પેંપળેથી વરધા ડોહાના ભૂતને નાથીને મહીસાગરને પેલેપાર મેલી આવવાનો છે.

‘માસ્તર આ વાત જાણશે એટલે જખનાને ભીડાવવા આવ્યા વગર નહીં રહે. આપડે દસપંદર માંથાભારે જણની એક ટોળી કરીને આઘે હંતઈ રહીશું અને માસ્તર જખનાનો પરચો જોવા આવશે તો એમનાં ઠાઠાં ભાંગી નાંખીશું. લોકો માંનશે કે એમનાં ઠાઠાં જખનાએ ભાગ્યાં છે.’ એક જણાએ મમરો મૂક્યો.

‘આપડે પૂરી તૈયારી સાથે જવું પડશે. માસ્તરની હાર્યે એના ટોળાના પાંચહાત બીજાય હશે.’ બીજાએ કહ્યું.

‘આપણે કોઈએ ધારિયાં કે ભાલા લેવાના નથી. પોલીસનું લફરું થાય એવું કશું આપડે કરવાનું નથી. આપણે એમનાં ઠાઠાં જ ભાગવાનાં છે. કોઈને જાનથી મારી નાખવાના નથી. કદાચ આપણામાંથી કોઈ ઓળખાઈ જાય તોય કહેવાનું કે અમે તો જખના ઘાવેડુને ઢમઢોળવા આવ્યા હતા. અમને શી ખબર કે તમે ત્યાં હશો? અંધારામાં જખનાના માણસ જાણીને તમને એકાદ ઝોંટ વાગી ગઈ હોય.’

‘કાળી ચૌદસની રાતના અંધારામાં આપણને કોઈ ઓળખી જવાની બીક નથી. તોય ફળિયાંની હાર્યે બધાએ બુકાનીય બાંધવાની એટલે ઓળખાઈ જવાનો કશો ભો તો નહીં.’

***

એમની આ જખનાની વાતનો ચગોવગો સાંભળી માસ્તર કહે: ‘અલ્યા એ પીપળામાં તો ભૂત છે જ ક્યાં? પણ એને એવું ધતિંગ કરવું હોય તો ભલે આવતો. એ ભૂતને વશમાં કરે કે ના કરે પણ હું એના ભૂતને તો વશ કરીને એને જ ફરતાં બારેય ગામમાંથી બહાર તગેડી મૂકીશ.’

એમની વાત જાણીને જુવાનિયાઓ કહે: ‘સાહેબ, તમે એકલા જ શું કરવા અમે બધાય તમારી ભેળા આવીશું. અમનેય તમારો પરચો જોવાની મઝા પડશે. પછી અમે એને મહીસાગરની પેલી પાર મેલી આઈશું.’

‘લખાને ઢીલો પાડ્યો ત્યાં એની જગા લેવા આ જખનો ઘાવેડું આવી પહોંચ્યો છે તે એને તો બરાબરનો પાઠ ભણાવવો જ પડશે. મને લાગે છે કે પેલા લાખાએ જ એને તેડાવ્યો હશે.’

‘જો એણે એને તેડાવ્યો હશે તો એય ભેળો આવશે તો આપડે એનુંય ભૂત કાઢી નાંખીશું.’ બીજા એકે કહ્યું.

બધા જુવાનિયાઓએ માસ્તરથી ખાનગીમાં મસલત કરી લીધી: ‘આપડે બધાએ બેટરીઓને દોરી બાંધીને હાર્યે રાખવાની એટલે એને ખભે કે ગળે લટકાવી દેવાય ને બેય હાથ ઝાપોટ મારવા નવરા રહે.’

‘કાળી ચૌદશનું અંધારું બરાબરનું હશે. આપણે બોયડી કે કાંકોરનાં ધુંગાં આગળ ઊભા રહેવાનું અને એ ભૂવા ને એના ખાંધિયાના મોઢા પર બેટરીનો શેયડો પાડવાનો. એવોએ પાંહે આવે એટલે બેટરી બંધ કરીને એક બાજુ ખસી જવાનું. કે પેલો સીધો જાય ધુંગામાં. પછી એને ઊપરા ઊપરી બેચાર ઝોંટો મારીને આખો ધુંગામાં ધકેલી દેવાનો.’ આવી સંતલસ કરીને બધા એની તૈયારી કરવામાં પડ્યા.

રતનાએ પોતાના ગોઠિયાઓને ગામની ભાગોળે મહાદેવમાં ભેગી કર્યા ને બધાને એમણે કરવાનાં કામની સોંપણી કરી દીધી. બધાનું કહેવું એમ હતું કે જખનાને લાખાએ જ તેડાવ્યો હશે. વળી જખનોય કંઈ એકલો નહીં આવે, એની હાર્યેય પાંચ હાત માંણહ તો હશે જ. એટલે આપડે ઊંઘતા ના ઝડપાઈ જઈએ એનું ખાસ ધ્યાન રાખવું પડશે.

‘તે આપડેય કંઈ ઊંઘતા ઝડપઈએ એવા છીએ! આપડે તો એમને ઊંઘતા ઝડપવાના છે. એમને કદાચ વહેમ હશે કે માસ્તર એકલા આવશે કે હાર્યે બેચાક જણાને લઈને ઉઘાડા આવશે. પણ આપડે પચાસ માંણહનું ધાડું લઈને પૂરી તૈયારી હાથે જઈશું એવી તો એને શંકાય નહીં હોય.’ બીજાએ કહ્યું.

‘ને આપડે ઉઘાડા જવું છેય ચ્યાં! આપડે પહેલાં તો એમનો તાલ જોઈશું ને પછી બરાબર લાગ જોઈને એવી તડી બોલાવીશું કે એમને નાહતાંય નહીં આવડે.’

ગમે તેમ પણ બધા જખના ને લાખાને પરચો બતાવવા તત્પર થઈ ગયા હતા. હા, આ બધી સંતલસની એમણે માસ્તરને જાણ થવા દીધી ન હતી. માસ્તર એમની ગાંધીવાદી નીતિ પકડી રાખે તો કદાચ જખનો ઘા કરી જાય ને બધાં ગામને તો ડૂબી મરવા જેવું થાય.

જેમ રતનાની ટોળી તૈયારી કરતી હતી એમ લાખાની ટોળીય એમની તૈયારીમાં વળગી ગઈ હતી. એમણે એમના એક સાગરિત ગોતાને છાપરે સાંજથી જ ભેગા થવાનું, ત્યાં જ પાર્ટી કરવાનું ને ત્યાંથી બારોબાર જરખડા તરફ રવાના થવાનું ગોઠવ્યું હતું. એમના પંદર જણા સિવાય ગામમાં કે ઘરમાં કોઈને એમના એ કાવતરાની ગંધ સુધ્ધાંય એમણે આવવા દીધી ન હતી.

***

આમ કરતાં દિવાળીના દિવસો શરૂ થયા. રતનાની ટોળી તૈયાર થઈને બેઠી હતી. કાળી ચૌદસની સાંજે બધાએ પોતપોતાને ઘેર બહાનાં કાઢીને વહેલું જમવાનું પતાવી દીધું હતું ને નક્કી કર્યા પ્રમાણે બધા મહાદેવમાં ભેગા થઈ ગયા હતા. શંકર એના પાંચેક દોસ્તો સાથે આણંદ દૂધ રેડીને બારોબાર તૈણ નાકાંએ આવી જવાનો હતો.

નક્કી થયા મુજબ જખનો ઘાવેડુ અને એના ચાર મળતિયા રાતે સાડા બાર–એક વાગ્યે આવી પહોંચ્યા. થોડી વાર પહેલાં લખાના માણસો પણ આવીને તરઘાટી તરફનાં ધુંગાં પાછળ સંતાઈ ગયા હતા. તો માસ્તરની ટુકડીના જુવાનિયા તો વળી એમના કરતાંય વહેલા આવી ગયેલા હતા. એ બધા જરખડા તરફની સીમમાં સંતાયેલા હતા.

એમણે જખનાના આવવાની ગણતરી રાખેલી પણ લાખાના માણસોના આવવાની એમને ગણતરી ન હતી. વળી એ લોકો જખનાની સાથે ન આવતાં જુદા આવીને સંતાઈ ગયા હતા એટલે માસ્તરની ટોળી વિચારમાં પડી ગઈ હતી. એમને એમાં કાવતરાની ગંધ આવી એટલે એ બધા વદારે સાવધ થઈ ગયા.

જખનાની ટોળીએ આવીને આમથી તેમથી થોડાં લાકડાં ને ઝૈડાં ભેગાં કરીને તાપણું સળગાવ્યું. જખનાએ અષ્ટમ પષ્ટમ બબડતાં એ તાપણામાં ગુગળ જેવું કશુંક નાંખ્યું ને તાપણાની ઝાળ તેજ થઈ. ત્યાં એના બે સાથીઓએ ડાકલાં કૂટવા માંડ્યાં ને એમના અલગ લહેંકામાં કાંઈક ગાવા માંડ્યું. વચમાં વચમાં એવાં હાકોટા ને કિલકારીઓય કરવા માંડયાં કે છેક જરખડાની ભાગોળ સુધી સંભળાય.

હજુ તો જખનો વાતાવરણ તૈયારકરતો હતો ત્યાં તો માસ્તર એની સામે પહોંચીને ઊભા રહી  ગયા. એમની પાછળ બે જુવાનિયા પણ જઈ પહોંચ્યા. ‘મારેય આ ભૂત જોવું છે. મને એ ભૂત દેખાડ પછી તારે એને છેક મહીસાગર સુધી ના લઈ જવું હોય તો એ મને જ વળગાડી દેજે. હુંય ગાંધી બાપુનો ભૂવો છું. મને તારા કોઈ ભૂત કે પલીતની બીક નથી લાગતી.’

‘એનાં પારખાં કરવાનાં પડતાં મેલીને હમજીને ઘરભેળા થઈ જાવ. ને જેણે આવાં પારખાં કરવાની હઠ પકડી હોય એને જઈને પૂછી આવો.’ જખને ગર્જના કરી.

‘એના કરતાં તું જ ઘરભેળો થઈ જા ને! તારાં આવાં ધતીંગની મને બધી ખબર છે એટલે તારું અહીં કશું ચાલવાનું નથી.’ માસ્તરે સામી ત્રાડ પાડી.

પણ જખનો એમ ગભરાય એવો ન હતો. તું ગાધીબાપુનો ભૂવો હો કે પછી વિલાયતની સરકારનો હો, જેનો ભુવો હો તો એનો પરચો બતાય નહીં તો હેંડતો થા અહીંથી.’

‘તું પહેલાં પરચો બતાવ નહીં તો તું જ હેંડતો થા. આ અમારું ગામ છે ને તું તો રખડતા ભૂત જેવો અહીં આવેલો છું. નહીં તો હું તને એવો પરચો બતાવીશ કે તને નાસતાંય નહીં આવડે.’ માસ્તરને બદલે એક જુવાનિયો બોલી ઊઠ્યો.

માસ્તરને બદલે એક છોકરડા જેવો જુવાનિયો સામે આવ્યો એ જોઈને ભૂવો તાનમાં આવી ગયો ને એને ડરાવવા બોલી ઊઠ્યો: ‘બેસ હવે તું પરચો જોવાવાળી. જા જઈને તલાવડીમાં મોઢું ધોઈ આય.’

‘તારે પરચો ના બતાડવો હોય તો હું તને પરચો બતાડું.’ કહેતાં એક જુવાનિયે તાપણામાં આડી ડાંગ ઠપકારી. ને એમાંથી બળતાં લાકડાં જખના પર ઊડ્યાં ને એ ગુસ્સે થઈ પેલાની તરફ ધસ્યો ત્યાં તો બીજા જુવાનિયાઓ દોડી આવ્યા ને ભૂવાને અને એના સાથીઓને આડેધડ ઝુડવા જ માંડ્યા.

આટલું મોટું ટોળું જોઈ જખનાની ટોળી વાળા લોકો ગભગાઈને ભાગ્યા. ત્યાં લખાવાળા બહાર આવ્યા એટલે એ લોકો સમજ્યા કે લાખાવાળા એમની મદદે આવ્યા છે એટલે એ પાછા વળ્યા. ત્યાં તો નક્કી કર્યા મુજબ રતનાની ટોળીના બધા જુવાનિયાઓ પાછા હઠી ગયા.

બધાને ભાગતા જાણીને સામેવાળા તાનમાં આવી ગયા. એમણે ધૂંગાં પાસેથી બેટરીનું અજવાળું આવતું જોયું ને બધા એ તરફ ધસ્યા. માસ્તરની ટુકડી એમના સ્વાગત માટે તૈયાર જ હતી. એમણે બધાને આડેધડ ઝાપોટીને ધૂંગાંમાં ધકેલી દીધા. ત્યાં કોઈએ તાપણામાંથી બળતા ફાચરા લઈને ધૂંગાંમાં નાંખ્યા ને કાંટા વાગવાની પરવા કર્યા સિવાય પેલા જે ભાગ્યા છે.

બધાને દૂર સુધી તગેડી મૂક્યા પછી આ જુવાનિયાઓએ આજુબાજુ તપાસ કરી તો કેટલીય ડાંગો, કેટલાંય ફળિયાં ને કેટલાય જોડા જ્યાં ત્યાં વેરવિખેર પડ્યાં હતાં. એમાંથી ડાંગો અને ફળિયાં રાખી લઈને બાકીનું બધું તાપણીમાં નાંખી ઉપર વધારે ઝૈડાં નાંખીને હોળી સળગાવી બધા ટ્રેક્ટરમાં બેસીને પાછા ઊપડ્યા.

***

બીજે દિવસે તરઘાટીને જુવાનિયાઓ તાલ જોવા કામનાં બહાનાં કાઢીને લાખાના મળતિયાઓને ઘેર ઘેર ફરી વળ્યા. એમણે જોયું તો કોઈને લમણે ઢીબું ઠયું હતું તો કોઈને કપાળે ઝૈડાંથી સાથિયા ચિતરાઈ ગયા હતા તો કોઈ મીઠા અને હડદરનો લેપ લગાવીને આડા પડેલા હતા.

બધાએ એમની મશ્કરી કરવા માંડી: ‘શું થયું આ? રાતે ધાડ પાડવા ગયા હતા કે છાપરું સંચારતાં પગ લપસ્યો?’

‘મને લાગે છે કે આંબો વેડતાં પડ્યા હશે, તે વગર આટલું બધું વાગે નહીં.’ બીજો ટાપસી પૂરતો.

‘પણ એવાં દા’ડે કરવાનાં કામ રાતે કરવા જાય તો આવું થઈ જ જાય ને!’ ત્રીજાએ કહ્યું.

 
૧૯. ગાંધીબાપુ આશ્રમશાળા 

વડિયા, જરખડા અને એની ચારેય બાજુંનાં બારેય ગામ આઝાદી અને અમૂલ ડેરીનો પ્રતાપે આગળ આવી ગયાં હતાં. વળી એ બધાં ગામોને માસ્તર અને નાગજીભાઈની દોરવણી મળવાથી બીજાં ગામો કરતાં એ બધાં વધારે પ્રગતિ કરવા માંડ્યાં હતાં. આ ગામોમાં ગામસફાઈ માટે સ્યંસેવકોની ટુકડીઓ ઊભી થઈ ગઈ હતી એમણે સફાઈ ઉપરાંત અંધશ્રધ્ધા અને કુરિવાજો સામે પણ માસ્તરની દોરવણી મુજબ કાર્યક્રમો હાથ ધરવા માંડ્યા હતા.

આ સેવય માસ્તરે કન્યાકેળવણી ઝુંબેશ ઉપાડી હતી એને કારણે આ બધાં ગામોમાં છોકરીઓ પણ સારા પ્રમાણમાં નિશાળે જવા માંડી હતી. હવે માસ્તરે આ બધાં ગામો વચ્ચે એક હાઇસ્કૂલ શરૂ કરવાનું કામ હાથ ધર્યું હતું. એમને ખબર તો હતી જ કે વડિયા કે જરખડા કે બીજા કોઈ એક ગામની તો આ સાહસ કરવાની કે એને નિભાવવાની ગુંજાઈશ ન હતી. એટલે એમણે જરખડા, તરઘાટી અને વડિયાને ત્રિભેટે હાઇસ્કૂલ શરૂ કરવાનો વિચાર ત્રણેય ગામના મોવડીઓ આગળ રજૂ કર્યો.

ને સૌએ એમના આ વિચારને વધાવી લીધો. એ ત્રિભેટા ઉપરનાં ખેતરો દરેક ગામની સીમને છેવડેનાં હતાં એટલે એવાં મોંઘાં પણ ન હતાં. નાગજીભાઈનું એક અઢી વીઘાંનું ખેતર એ ત્રિભેટા પર જ હતું. એમણે એ ખેતર હાઇસ્કૂલ માટે દાનમાં આપવાની સંમતિ દર્શાવી. એટલે વડિયા એને તરઘાટીવાળાએ પણ એને અડોઅડ આવતી જમીનોવાળાને સમજાવીને કે ગામવતી એને જમીનની કિંમત આપવાની ગોઠવીને પોતાનાં ગામેથીય એટલી જમીનો અપાવી. આમ લગભગ દસ વીઘાં જમીન પર ગાંધીબાપુ આશ્રમશાળા શરૂ કરવાની વાતના શ્રી ગણેશ મંડાયા.

આ દરમિયાન જિલ્લા લોકલ બોર્ડની ચૂંટણી ઝઈ હતી ને નાગજીભાઈ એમાં ચૂંટાઈ આવ્યા હતો. માસ્તરે સરકારમાં આ માટે માગણી મૂકી ને નાગજીભાઈએ પોતાની વગ લગાડી એટલે સરકારમાંથીય આ શાળા માટેની મંજૂરી તાત્કાલિક મળી ગઈ. આ શાળામાં થોડે દૂરને ગામેથીય બાળકો ભણવા આવે એવું કરવું હોય તો ત્યાં એક છાત્રાલય પણ હોવું જોઈએ એવી માસ્તરે વાત વહેતી મૂકી. એ માટેના મકાનની વાત કરતાં પહેલાં તો એના નિભાવની વાત ગામલોકોએ જાણે ઉપાડી લીધી.

રૂડાએ કહ્યું: ‘એમાં રોજ જેટલાં શાકભાજી જોઈએ એ આણંદથી અમે અમારે ખરચે લઈને કાયમ છાત્રાલયમાં પહોંચાડીશું.’

નાગજી મોટા કહે: ‘બાર મહિને એમાં વાપરવાના પાંચ મણ ચોખા હું મોકલી આપીશ. આપણે છોકરાં છાત્રાલયમાં રહીને ભણે એવું કરવું હોય તો એમાં રહેવાની ને ખાવાની વ્યવસ્થા મફત કરવી જોઈએ.’ પછી તે જાણે બધાં ગામોમાંથી આવાં દાનનો પ્રવાહ વહેવા માંડ્યો.

કોઈ કહે: હું ઘઉં આપીશ, તો કોઈ કહે: હું અઠવાડિયે એક દિવસ દૂધ આપીશ તો કોઈ કહે: હું અઠવાડિયામાં બે દિવસ તાજું દહીં આપી જઈશ.

માસ્તર કહે: ‘આટલા બધાની જરૂર નહીં પડે. પણ તમારા બધાંનાં નામ નોંધી રાખીશું ને જેમ જરૂર પડશે એમ ટહેલ નાંખીશું ત્યારે તમે એટલી વ્યવસ્થા કરી આપજો. પણ આપણે સ્કૂલ એને છાત્રાલય માટે મોટી રકમ જોઈશે. જો કે સરકારમાંથી પણ મોટી ગ્રાંટ મળશે તોય આપણે પચાસ હજાર જેટલા તો કરવા જ પડશે.

પચાસ હજારની વાત સાંભળીને બધા ચમક્યા. પણ નાગજીભાઈએ પાંચ હજાર રૂપિયા પોતે આપવાની જાહેરાત કરી એટલે રૂડાએ બે હજાર, વનેચંદે એક હજાર, મગનભાઈએ એક હજાર લખાવ્યા. પછી તો ત્રણેય ગામમાંથી નાનીમોટી રકમની લખણી થવા માંડી. એમ કરતાં આંકડો વીસેક હજારે પહોંચ્યો. ત્યાં શંકર અને રતનાએ પોતાના ગામની દૂધમંડળીના ધર્માદા ફંડમાંથી બે બે હજાર આપવાની જાહેરાત કરી એટલે બીજાં ગામની દૂધમંડળીઓમાંથી પણ દાન લખાવા માંડ્યાં. આંકડો પાંત્રીસ હજારે પહોંચયો પણ એથી આગળ વધવાની જાણે કોઈ આશા ન રહી.

તો નાગજીભાઈ કહે: ‘બાકીનું વખત જતાં થઈ રહેશે. આપણે એક વખત પ્લાન કરીને સરકારમાં મોકલીએ તો ખરા. ગામફાળો પાંત્રીસ હજાર આપણે શહેરની બૅંકમાં પહેલાં જમા કરાવી દેવો પડશે.

તો જુવાનિયાઓ કહે: ‘અમે ઘેર ઘેર ફરીને પચાસ પચાસ ને સો સો કરીને દરેક ગામમાંથી બે બે હજાર તો એકઠા કરી લાવીશું.’ ને એમની સાથે બધા તૈયાર થઈ ગયા.

આ બાજુ ફાળો થોડે થોડે બૅંકમાં જમા થવા માંડ્યો ત્યાં સરકાર તરફથી પંચોતેર હજારની રકમની ગ્રાન્ટ મળવાનો પત્ર આવી ગયો. સરકારમાન્ય કોન્ટ્રાક્ટરને શાળા ને છાત્રાલયનાં મકાનો બાંધવાનું કામ આપી દીધું ત્યાં શંકરે કોન્ટ્રાક્ટરની પાસે ઈંટો અને સીમેન્ટ વહેવાનું કામ માગી લીધું ને એના મહેનતાણાની રકમ શાળાને કામમાં પોતાના તરફથી દાન પેટે જમા આપવાનું ગોઠવ્યું. એનું જોઈને કેટલાક માણસોએ પાયા ખોદવાથી માંડીને ચણતર અને સુથારી કામમાં એ રીતે મજૂરી કામ કરવાનું પણ માગી લીધું.

નાગજીભાઈ કહે: ’જો બધા આ રીતે સહકાર આપશે તો ખૂટતી રકમ આપોઆપ ઊભી થઈ જશે.’

પછી તો જાણે કામને પાંખો આવી. એક તરફ મકાનો તૈયાર થવા માંડ્યાં તો બીજી તરફ માસ્તરે નવી ટર્મથી ધોરણ ૫, ૬ અને ૭ના વર્ગો શરૂ કરવાની વિધિ શરૂ કરી દીધી. એમણે ત્રણ ધોરણના ત્રણ શિક્ષકો પસંદ કરી લીધા. તો કારકુની કામ માટે મોટાના અવિનાશે માનદ વેતને કામ કરવાની તૈયારી બતોવી એટલે માસ્તરે આ ત્રણ ગામ તથા એની આજુબાજુનાં ગામોમાં ફરીને વિદ્યાર્થીઓની નોંધણી શરૂ કરી દીધી.

બધાં ગામોમાંથી પાંચમા ધોરણ માટે તો ત્રીસ નામ થયાં પણ ધોરણ છઠ્ઠા અને સાતમા ધોરણ માટે પાંચ પાંચ જ નામ થતાં હતાં. માસ્તર કહે, એક વર્ષ તકલીફ પડશે પણ આવતા વર્ષથી તો આપણી શાળાના વિદ્યાર્થીઓથી જ છઠ્ઠાનો વર્ગ ભરાઈ જશે ને એના પછીને વરસે સાતમાનો. હવે આપણે કન્યાઓને ભણતી કરવાની વાત વિચારવાની છે. બધાં ગામોના આગેવાનો નક્કી કરો કે કોઈ પણ ગામમાંથી શાળાએ જવા લાયક દીકરી ભણ્યા વગરની ન રહે.

આ બધી વ્યવસ્થા ગોઠવાતી હતી ત્યાં ૩૧મી ઔક્ટોબર ને લાભપાંચમને દિવસે રેવાએ એક દીકરાને જન્મ આપ્યો. માસ્તરે જમનાંને કાનમાં એક શિખામણ આપી એટલે એણે ભત્રીજાનું નામ અમૂલ પાડ્યું ને ઘરમાં ને ગામમાં બધાંએ એ વધાવી લીધું. બધાંને ખબર હતી જ કે શંકરનાં પ્રતિષ્ઠા અને છત અમૂલને આભારી હતાં.

***

ગાંધી બાપુ આશ્રમશાળાને શરૂ થયાને છ વરસ વીતી ગયાં છે. માસ્તરની કુનેહ અને ગામોના આગેવાનોની ધગસને કારણે શાળાની છાપ દૂર સુધી પ્રસરી ગઈ છે. દૂર દૂરને ગામેથી પણ વિદ્યાર્થીઓ આ શાળામાં આવવા માંડ્યા છે.

ચાલુ વરસથી તો આ શાળામાં મેટ્રિક સુધીના વર્ગો શરૂ થઈ ગયા છે. આ વરસે તો મેટ્રિકના અગિયારમા ધોરણમાં ફક્ત બાર જ વિદ્યાર્થીઓ છે. આવતા વરસે તો એમાં આ શાળામાંથી જ બે વિદ્યાર્થિનીઓ પણ આવવાની છે. હવે બહારથી પણ કન્યાઓ અહીં ભણવા આવે એ માટે માસ્તર કન્યાછાત્રાલય શરૂ કરવાની વેતરણમાં પડ્યા છે.

ગબો કોઈ ધંધામાં સ્થિર ન થઈ શકતાં દૂરને બીજે ગામ ચાલ્યો ગયો છે. વનેચંદ શેઠ પણ હવે પોતાની હાટડી તો સંભાળે છે પણ એમનો સ્વભાવ બદલાઈ ગયેલો લાગે છે. જો કે હજુ કોઈ ગરજાઉ માણસ મળી જાય તો એનો અંગુઠો પોતાના ચોપડામાં પડાવી લેવાનું ચૂકતા નથી.

સંપૂર્ણ

This entry was posted in વેરાન

3 Responses to વેરાન હરિયાળી

  1. pankaj says:

    Hai
    માં રે આ પુસ્તક ખરીદવું છે

  2. માં રે આ પુસ્તક ખરીદવું છે plz

  3. આ એમ .એમ .પ્રકાશન વાળા કહે છે .કે અમારી પાસે આ પુસ્તક નથી. …

Thanks for Inspiring me by your gracefull visit