સ્વલક્ષણ મીમાંસા – બકુલ ત્રિપાઠી

(‘બત્રીસલક્ષણા બકનામનું મારું પુસ્તક હમણાં પ્રગટ થયું. હાસ્યરસના મારા લેખોનું આ સંપાદિત પુસ્તક છે. પુસ્તકના સંપાદકશ્રીને મેં પૂછયું, ‘તમે મને પૂછયા વિના જ આવું શીર્ષક શા આધારે બાંધી દીધું ? મારાં બત્રીસ લક્ષણો કયાં ?’ સંપાદકશ્રી વદ્યા ‘એ તો તમારે શોધી કાઢવાનાં. મેં તો શીર્ષક આકર્ષક લાગ્યું એટલે રાખી દીધું’ ‘કયાં હશે મારાં બત્રીસ લક્ષણો?’ – શોધવાના નમ્ર પ્રયાસ રૂપે આ લેખ…… બ. ત્રિ. )

નાનપણમાં મારા પિતાજીએ મારું મુખ્ય લક્ષણ ગણાવેલું – ભણેશરી હોવાનું ! મારા મોટાભાઈ જોડે સરખામણી કરતાં એ કહેતા, “આ મોટો તોફાની છે. ભણવાની દાનત જ નથી. હા આ બકુલના લક્ષણ ખરાં, ભણવાના !” જોકે ખાનગી હકીકત એટલી જ કે મારા મોટાભાઈ પ્રમાણિક હતા અને હું જન્મથી જ “એક્ટર” હતો ! માર ખાવાનો એમનો જ વારો આવતો, કારણ એ બહાદુરીથી પ્રમાણિકપણે ગુનો કબૂલ કરી લેતા, જ્યારે હું આંખમાં, વગર ગ્લિસરીને ઝળઝળિયાં લાવી શકતો. અને એવા તો નિર્દોષ ચહેરે કહેતો કે “વાંક ગમે તેનો હોય, પણ એમને નહીં, મને વઢો કારણ ગમે તેમ તોય એ મારા મોટાભાઈ છે.” અને અમારા વડીલ મારી ખાનદાની-શહીદીથી એવા તો પ્રભાવિત થઈ જતા કે…. માર મોટાભાઈને જ પડતો !

આ બધું ભવિષ્યમાં મારે મારી આત્મકથામાં લખવું જ છે. આત્મકથાનું નામ હશે “પાપ તારાં પરકાશ !” એક્ટિંગ કરવી, વાનરવેડા કરવા છતાં નિર્દોષ મોં રાખી શકવાની શકિત એ મારું પ્રથમ લક્ષણ આજેય !

એક્વાર મને એરોપ્લેનમાંથી નીચે પડતી પેરેશુટ વિશે વૈજ્ઞાનિક પ્રયોગ કરવાનું મન થયું, એટલે ઘરને માળિયેથી છત્રી ઉતારીને એ છત્રી પકડીને હું બાલ્કનીમાંથી બહાદુર સૈનિક તરીકે નીચે કૂદી પડેલો ! એ પ્રયોગથી જગતના વિજ્ઞાનનો ખાસ વિકાસ ન થયો પણ ત્રણ પરિણામ આવ્યા : (1) છત્રીને ઘણી ઈજા થઈ. છત્રી કાગડો બની ગઈ. (2) નીચેના રેતીના ઢગલાને થોડીક ઈજા થઈ – એમાં મારા પડવાને કારણે ખાડો થયો. (3) મને સહેજ પણ ઈજા ન થઈ, કારણકે નીચે રેતીનો ઢગલો હતો !

આ જાણીને મારા દાદાજીએ કહેવું જોઈતું હતું કે “આનામાં મહાન વૈજ્ઞાનિક થવાના લક્ષણ છે !” પણ એમણે મારી હિંમતની કદર કરવાને બદલે જાહેર કર્યું કે “ઢીંચણ ન છોલાયાં કે ટાંટિયો ન ભાંગી ગયો એ કહોને ! હાવ વાંદરા જેવો છે….એના લખ્ખણ જ એવા છે…..”

મને લાગે છે કે વાનરવેડા એ મારું લક્ષણ નથી, ભલે મારા દાદાજી એમ માનતા હોય અને જે શિક્ષક શ્રી લલ્લુભાઈ સાહેબના વર્ગમાં ટેબલના બંધ ખાનામાં મેં દેડકો મૂકેલો અને ચોકસ્ટિક લેવા એમણે ખાનું ખોલેલું ત્યારે દેડકો ઉછળેલો એ લલ્લુભાઈ સાહેબ પણ ભલે એમ માનતા હોય કે વાનરવેડા એ મારા ચરિત્રનું એક નોંધપાત્ર લક્ષણ છે – પણ એમ નથી, નથી અને નથી જ.

તો પછી મારાં બત્રીસ લક્ષણો કયાં ?

“ભૂલકણાપણું !”

હા, હું કૉલેજમાં પ્રોફેસર હતો ત્યારે મારા વર્ગના ટેબલ પર હું ઘડિયાળ ભૂલી ગયેલો – અસંખ્ય વાર ! કારણ ટાઈમ જોવા વારંવાર કાંડાં પરનું ઘડિયાળ જોવું એના કરતા પટો છોડીને ઘડિયાળ ટેબલ પર મૂકીને જોવું મને ફાવતું. પણ આ ક્રિયામાં વિસરચૂક થઈ પણ જાય ! ને ઘડિયાળ ટેબલ પર રહી પણ જાય ! પણ વિદ્યાર્થીઓ ખૂબ પ્રેમાળ, “સાહેબ, તમારું ઘડિયાળ” કહીને રિસેસમાં પાછું આપી જાય. એવું આઠ વાર, રહી ગયેલાં ઘડિયાળો પાછા આવી ગયેલાં !

પણ પછી કૉલેજમાંથી પાંત્રીસ વર્ષે રિટાયર થયો અને કૉમનરૂમનું ખાનું સાફ કર્યું ત્યારે એમાં વળી એક ઘડિયાળ નીકળ્યું ! જે મારા ભૂતકાળના વિવિધ ઘડિયાળો જેવું લાગતું હતું પણ કદાચ મારું નહીં હોય કારણ એનો પટ્ટો ખૂબ લાંબો – મારે કાંડે બાંધુ તો નાની કન્યાએ મોટી મહિલાની બંગડી પહેરી હોય એવું લાગે ! એટલે એ ઘડિયાળ મારું નહીં હોય !

પણ થયું શું હશે કે મારું ઘડિયાળ ખોવાયું હશે આઠવાર અને છોકરાં મને આપી ગયા હશે નવ વાર ! – એમ કલ્પી લઈને કે ટેબલ પર રહી ગયેલ ઘડિયાળ તો, ચીજવસ્તુઓ ખોઈ નાખવાના લક્ષણધારી, પ્રો. બકુલ ત્રિપાઠીનું જ હોય ને !

પણ કયા વર્ષના, કયા દિવસે, ક્યા વિદ્યાર્થીઓ આ નવ ઘડિયાળો આપી ગયેલાં એ કેમ ખબર પડે ? કોઈ બીજા પ્રોફેસર સાહેબનું હશે ? પણ એ ભૂલી જવાની ટેવવાળા નહીં હોય એટલે વિદ્યાર્થીઓને એ પ્રોફેસર યાદ નહીં આવ્યા હોય ! એમને મારું જ નામ યાદ આવ્યું હશે, સ્વાભાવિક રીતે. આ મારું બોનસ ઘડિયાળ ઊંચું કરીને બધા પ્રોફેસરોને બતાવ્યું કે આ કોનું છે ? કોનું છે ?….. પણ વર્ષોના ગાળામાં ડઝન પ્રોફેસરો ગયેલા ને દોઢ ડઝન આવેલા…. કયા પ્રોફેસર સદ્ગતનું આ ઘડિયાળ હશે એ કોને ખબર પડે ?

તો આમ મારું ભૂલકણાપણું એ મારા બત્રીસ લક્ષણોમાંનું એક એ હું કબૂલ કરું છું. પણ આ ભૂલકણાપણાને પ્રભુના આશીર્વાદ ગણું છું. કારણ ઘડિયાળ આઠ વાર ખોવાયું, અને વિદ્યાર્થીઓ નવ વાર પાછું આપી ગયા !

“પણ પછી તારા મિસિસવાળી વાત કરને !….” મારા ક્રૂર હ્રદયના મિત્રોની ચઢવણીથી મારો અંતરાત્મા મને પજવે છે.

બન્યું એવું કે આપણે તે દિવસોમાં સ્કૂટર ચલાવતા હતા. સ્કૂટર ચલાવતાં ચલાવતાં આપણને વાતો કરવાની ટેવ ! આપણે બોલતા જઈએ અને જીવનસખી પાછલી સીટે બેઠે બેઠે સાંભળતી જાય…. પાનકોર નાકે લાલબત્તી આગળ સ્કુટર ઊભું રાખીને હું કંઈ બોલબોલ કર્યા કરતો હતો – કંઈક – કશુંક –

– અને લોકો મારી સામે વિચિત્ર નજરે જોયાં કરે… હું લીલી લાઈટ થવાની રાહ જોતો હતો…

ત્યાં અચાનક પાછળથી બે છોકરાઓ મારતે સ્કૂટરે હાંફળા ફાંફળા આવી પહોંચ્યા.

“સાહેબ…”

“યસ…” આપણે ગૌરવથી જવાબ આપ્યો.

“સાહેબ, સાહેબ, આપના વાઈફ પાછલી સીટે નથી !” મેં પાછળ જોયું, પાછલી સીટ ખાલી !

“હતાં !” મેં ગભરાઈને કહ્યું.

“કોણ ?”

“જીવનસખી ! ઘરેથી નીકળ્યો ત્યારે હતાં !”

“સાહેબ, ઘરે હતાં કે પાછલી સીટે હતાં ?”

“પાછલી સીટે હતાં”, મેં કહ્યું.

ત્યાં બીજા બે જણ પ્રેમપૂર્વક રોકાઈને પૂછવા લાગ્યા, “શું થયું ? શું થયું ?”

“સાહેબનાં મિસિસ ખોવાઈ ગયાં !”

“ક્યાંથી ખોવાઈ ગયાં !”

મેં કહ્યું, “મને ખબર નથી. ઘરેથી નીકળ્યા ત્યારે પાછલી સીટ પર હતાં અત્યારે નથી !”

વળી બીજા બેત્રણ જણ ભેગા થઈ ગયા.

“પોલીસને ખબર કરો….”

“કારંજ પોલીસ જવું પડશે….” સાહેબ, સ્કૂટર અહીં બાજુએ પાર્ક કરી દો. મારી કાર છે….તમને કારંજ ઉતારી દઉં ?”

ત્યાં વળી એક સ્કૂટરવાળો વિદ્યાર્થી ધડધડાટ આવ્યો. “સાહેબ, તમારાં વાઈફ ચાલતાં ચાલતાં આવે છે !”

“ક્યાં ?….ક્યાંથી ?…..”

“સાંકડી શેરીના નાકા આગળ ! માણેકચોકમાં ! ત્યાં બહેને અમને કહ્યું કે જરા સ્કૂટર દોડાવીને તમારા સાહેબને પકડો ! એ મને ભૂલી ગયા છે !”

આમ તો પાછા જવાનો વન વે એટલે ચક્કર મારીને હું અને સ્કૂટર પર મારા ત્રણ વિદ્યાર્થી અમે માણેકચોક પહોંચ્યા. ત્યારે જીવનસખી એ હસીને કહ્યું “તમે મને ભૂલી ગયા છો !”

પછી ખબર પડી કે સાંકડી શેરી આગળના એક લાલ લાઈટ આગળ મેં સ્કૂટર ઊભું રાખ્યું ત્યારે જીવનસખી જરા સાડી સરખી કરવા અને પછી ફરીથી સરખા બેસી જવા નીચે ઉતરેલા…. ત્યાં લીલી લાઈટ થઈ…..એને આપણે મારી મૂક્યું સ્કૂટર સડસડાટ !

એ પછી પાનકોર નાકે પાછળની સીટ ખાલી અને આપણે આનંદપૂર્વક બબડતા, બોલતા, વાતો કરતા દેખાયા એટલે આસપાસનાને ખ્યાલ આવ્યો કે પાછલી સીટે કોઈ બેઠું છે એમ માનીને આ પ્રોફેસરશ્રી બોલ્યા કરે છે પણ પાછલી સીટે તો કોઈ છે જ નહીં !

પણ સૌ સારું જેનું છેવટ સારું. અમારું મિલન (સુખરૂપ) થઈ ગયું.

ઠીક, પણ વાતનો સાર એ કે મારા બત્રીસલક્ષણોમાં એક લક્ષણ તો સ્પષ્ટ જડી ગયું છે – ભૂલકણાપણું !

બીજાં 31 કયાં ?

ખૂબ દિલગીરી સાથે જાહેર કરવું પડે છે કે મારા અટકચાળાપણાના લક્ષણને પણ આપણે સ્વીકારવું પડે. મારા પૂજ્ય દાદાજીના શબ્દો સુધારીનેય આપણે સ્વીકારવા જ રહ્યા. એમણે “સાવ વાંદરા જેવો છે” એ કહ્યું તે હું પ્રાણાંતે પણ મંજૂર નહીં રાખું ! પણ હકીકતમાં…. શબ્દો સુધારીને કહીએ તો… તદ્દન નહીં તો થોડો છું તો ખરો જ એ વિશેષણને લાયક ! નહીં તો રોજ સવારે કાગળનું પેડ અને બોલપેન લઈને હું હાસ્યલેખો લખું છું તે…. અટકચાળાપણું નહીં તો બીજું શું છે ?

મારું ત્રીજું એક લક્ષણ તે, જોકે સુલક્ષણ છે. મને એ ઘણું ઉપયોગી છે. આજેય સાહિત્ય પરિષદના ( કે બીજા કોઈ પરિષદના) અધિવેશનોમાં એ મને ખૂબ કામ આવે છે. જિંદગીમાં જો કદી મોટો માણસ થઈશ તો આનંદ આનંદ વ્યાપી જશે, આ લક્ષણને લીધે. આ સુલક્ષણ તો ભાષણ સાંભળતા સાંભળતા ઊંઘી જવાની ટેવ ! આ સામાન્ય લક્ષણ નથી. આ એક વિશિષ્ટ શકિત છે. મને એ કહેતાં ખૂબ દિલગીરી થાય છે કે સમાજ મારી આ શકિતની પૂરતી કદર કરી શકતો નથી ! ઘણાઓ અદેખાઈથી મારી સામે જુએ છે અને એમના ત્રાટકથી હું ચમકીને જાગી જઉં છું પણ પછી એય હસી પડે છે ! અને હું ય હસી પડું છું !

પણ મંચ પર બેઠેલાઓ આટલા ઉદાર નથી હોતા. મેં એવા વક્તાઓ જોયા છે કે જેમણે મારી સામે જોઈને આંખો કાઢયા કરી છે – જો કે મને ખબર નથી પડતી ! આ તો પછીથી જોડે બેઠેલા મિત્રે કહ્યું છે ! અને મનેય કશો વાંધો નથી…. એ આંખો કાઢે તો આપણે કયાં જોવાનું છે ? આપણે તો ઊંઘતા હોઈએ !…..

“તને ફેંકતા સારું આવડે છે ! એને પણ તું તારું એક લક્ષણ ગણાવી શકે.” મારા એક વડિલ મને યાદ કરવા કહે છે.

“એટલે ?”

“તને ઓલિમ્પિકમાં મોકલવો જોઈએ.” એમણે હસી પડતાં કહ્યું.

“મને ભાલાફેંક, ગોળાફેંક, જેવેલીયન ફેંક એકે નથી આવડતું. ઓલિમ્પિકમાં તો આ ત્રણ સિવાય એક ફેંક આઈટમ નથી.” મેં કહ્યું.

“તારું સુખ શું છે કે તું ગોળા, ભાલા, જવેલીન – કે વેલણ, ચોપડી કે ફ્લાવરવાઝ – જે મહિલાઓ માટેની અનામત ગેમ્સ છે – એ એક્કેય ફેંકવામાં તું ચેમ્પિયન બની શકે એમ નથી.” એમણે સમજાવ્યું. “તને વિશુધ્ધ રીતે ફેંકતા આવડે છે ?”

“એટલે ?”

“બસ કશું જ ન હોય, કંઈ જ ન હોય, કોઈ કારણ ન હોય, કોઈ બહાનું ન હોય, કોઈ નિયમ ન હોય તો પણ તું ફેંકી શકે છે ! યુ આર એ ગ્રેટ ફેંકું !” એટલુંક કહેતાંક એ ખડખડાટ હસી પડયો. હું સ્વભાવે નમ્ર છું. હું ગ્રેટ ફેંકું નથી. પણ નમ્રતાપૂર્વક કબૂલ કરું છું કે મને…. એમ કે…..ફેંકવાની ટેવ સારી !

ચાલો, ચોથું લક્ષણ પત્યું. મને ફેંકતા આવડે છે ! હું સ્વભાવે નમ્ર છું. નમ્રતા એ મારું એક ઉત્તમ સુલક્ષણ છે. નમ્રતા ન હોય તે માણસ, આગળ કબૂલ કર્યાં તે ચાર લક્ષણ કબૂલ કરે ખરો ?

એટલે નમ્રતા એ મારું પાંચમું ઉત્તમ લક્ષણ.

હું શુરવીર છું. શૂરવીરતા એ અગત્યનું લક્ષણ ગણાય. મારામાં શૂરવીરતા છે, હું શુરવીર છું….

સાબિત કરવાનું ?

જવા દોને દોસ્ત ! હું શૂરવીર છું, બહાદૂર છું, હિમ્મતવાન છું એ સાબિત કરવાની શી જરૂર છે ? મારું શૌર્ય દેખીતું જ છે. હું ત્રીસ વર્ષથી આપણા શહેરના ટ્રાફિક વચ્ચે સ્કૂટર ચલાવું છું !

બહાદૂરીની આનાથી વધારે મોટી સાબિતી તમારે શી જોઈએ છે ? રાણા પ્રતાપ કે શૂરવીર શિવાજી મહારાજનીય તાકાત નથી કે આપણા શહેરમાં ગાંઘીરોડ – રીલીફરોડ પર ઘોડો દોડાવી શકે !

…પણ આ તો છ જ લક્ષણ થયાં !

“તને વગરકારણે હસતાં આવડે છે.” મારા એક મિત્રે કહ્યું.

“હાં….જોકે….”

“હસવા જેવું કંઈ ન હોય તો પણ…”

“ એ ખરું, પણ….”

“તદ્દન અક્કલ વિનાની વાત હોય તો પણ….” એમણે ચલાવ્યું.

“એમાં એવું છે કે….” હું તતપપ કરતો રહ્યો.

“ધૂળ જેવી વાત હોય કે હીરા મોતી માણેક જેવી વાત હોય…બધામાં તને હસવું આવે છે – મૂરખની જેમ !”

“પણ…”

“આને તું તારું એક અગત્યનું લક્ષણ ગણી શકે !” એ મિત્રે પૂરું કર્યું.

હવે હું ગણાવી ગણાવીને થાકી ગયો છું. માંડ માંડ મને મારાં સાત લક્ષણો મળે છે. મેં સંપાદકશ્રીને કહ્યું, “બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી” ટાઈટલ કાઢી નાખો.

“કેમ ?”

“મારે લોકોને મારાં બત્રીસ લક્ષણો ગણાવવાં પડે… પણ મને સાત જ જડે છે.”

“વાંધો નહીં !”

હું રાજી થઈ ગયો, હાશ !

“બીજાં 25 નથી જડતાં….”

“નો પ્રોબલેમ, આપણે તમારી ચોપડીનું નામ સપ્તલક્ષણા….સાત લક્ષણવાળા બકુલ ત્રિપાઠી રાખીશું.” મને થયું આ તો સાત પૂંછડિયા ઉંદર જેવું થયું. મેં સાત લક્ષણ થવાનો ઈન્કાર કર્યો અને બત્રીસ લક્ષણો મને જડતાં નથી.

“જો ટાઈટલ આ રીતનું જ જોઈતું હોય તો…તો…. પુસ્તક બહાર પાડવાનું માંડી વાળીએ.” મેં હારી થાકીને કહ્યું.

“અરે ! અરે ! નિરાશ શું થઈ ગયા બકુલભાઈ ?” અમારા સંપાદકશ્રી પડયા ! બકુલભાઈ, તમે બત્રીસ લક્ષણા છો જ મૂળભૂત !

“એટલે” હું ચમક્યો.

“તમે બકુલ ત્રિપાઠી એટલે બ. ત્રિ ખરા કે નહીં ?”

“હા….?”

“તો બકુલ ત્રિપાઠી એટલે કે “બ.ત્રિ.” – એ બત્રીનાં લક્ષણોવાળા જ હોય ને ? બત્રી – લક્ષણા !”

“ઓહ !” મેં વિસ્મયથી કહ્યું.

“બકુલભાઈ તમે બકુલભાઈ છો જ… તમે બત્રી લક્ષણા છો જ…. અને જેવા કે તેવા પણ એ લક્ષણો છે – બત્રીના જ લક્ષણો”

“અહા, મેં નિરાંતનો શ્વાસ મૂક્યો.”

પેલા સંપાદકશ્રીએ મારા બત્રીસ લક્ષણો શોધવાને મારી ગમ્મત કરી. પરમેશ્વર પણ મારી પાસે હું ખરેખર શું છું તે શોધાવવા આજે દાયકાઓથી આ બધી – વિચારવાની, બોલવાની, લખવાની

This entry was posted in સાહિત્ય સમાચાર. Bookmark the permalink.