જિંદગી ( હરિગીત છંદ)

         
શું શું નથી માંગ્યું અમે થઇને વિનીત તારી કને?
પણ હાથ તાળી તેં દીધી નિજ માયાને વિસ્તારીને!
ને ઝાંઝવાંનાં જળ સમાં રંગે મઢ્યાં સ્વપ્નો દીધાં
હાંફી હરણ-શા દોડીને ડૂકી ગયા ફાળો ભરી!

આભાસતું જે હસ્તમાં તે સુખ રહ્યું દૂર ભાગતું.
પણ આશ કેરો તાંતણો ના છોડવાને મન ચહે.
આંખો ઉપર ધરી ડાબલા ચકરાવમાં ઘુમતા રહ્યા
દેહ કોડિયે જ્યાં લગ બચ્યુ દમ તેલ ઘાણી-બેલ-શા.

વીંટળાવી સૂતર-ગાંઠથી સંબંધનાં જાળા રચ્યાં
તે તે બધાં અળગાં થયાં, આખર સમે ના સંગ રહ્યાં
ખાલી હથેળી આવીયા ને જાવું ખાલી હાથથી
ખંખેરીને માયા તણાં રજકણ જે દમ-ખમ ઘેરિયાં.

આ દોડને કેવુ રુપાળુ નામ જીવન આપિયું?
ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી.

પ્રો.સુમન અજમેરી

૨૬/૦૫/૧૯૯૮

   પ્રો. સુમન અજમેરીએ લખવાનુ ૧૧ વર્ષની નાની ઉંમરથી કરેલુ અને ત્યારથી કરેલા બહૉળા વાંચને ભાષાગત સજ્જતા અને છંદો પરનાં પ્રભુત્વને લીધે લોકભોગ્ય કાવ્યો ગીતો અને ખંડ કાવ્યો પર તેમનો પ્રભાવ ભારે.પ્રસ્તુત કાવ્યનુ શબ્દ માધુર્ય મનભાવન તો છે જ અને સાથે સાથે મેરેથોન દોડમાં દોડતા ખેલાડીનો છેલ્લા રાઉંડ્માં ભરાતો થાક અને માનસીક વલોપાત બહુ સુંદર રીતે રજુ કર્યો છે તેમના માર્ગદર્શનનો લાભ હ્યુસ્ટનમાં, કેનેડામાં અને અમદાવાદમાં ઘણા નવોદીતોને મળેલ છે.

રોકો-

આ મૌનને પડઘાતા તો રોકો
આ ગીત ને લરઝતા તો રોકો

ચોતરફ હિંસા આંધી છવાઇ
વિનાશને વળ ખાતા તો રોકો.

છાઇ ગયો ગોઝાર સન્નાટો
હત્યાકાંડને વકરાતા તો રોકો.

કેવા મચ્યાં ક્રંદનો ચારે-પા?
અંતર્દાહને ભડકાતા તો રોકો.

સંહારતા સગાં કાંધે, છેતરી
શ્રધ્ધાદીવો અળપાતા તો રોકો

શત્રુ થઇ સહુને સંતાપતા આ
સંત્રાસ ને ઉધમાત તો રોકો.

જન ક્યાં જઇ જીવે આંગણું છોડી?
સંતાપને સરજાતા તો રોકો.

This entry was posted in પ્રો. સુમન અજમેરી, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

2 Responses to જિંદગી ( હરિગીત છંદ)

  1. સુંદર રચના…

  2. rajeshwari says:

    સરસ રચના છે…

Comments are closed.