સચોટ નિદાન

થોડા સમય પહેલા કોમ્પ્યુટરમાં સોફટવેર નાખવા માટે મારે પપ્પાના એક ડૉકટર મિત્રને ત્યાં જવાનું થયું. હું એમને ડૉકટર અંકલકહીને સંબોધતો. આમ પણ રજાના દિવસે કે કોઈકવાર તેમના ઘર બાજુથી નીકળવાનું થાય તો મુલાકાત થતી રહેતી. કોઈકવાર એ પણ અમારી ઘરે આવતા. વળી, નવરાશના સમયમાં હું એમને કોમ્પ્યુટરના બેઝિક ઉપયોગ વિશે માહિતી આપતો રહેતો અને એ પણ 50-55ની ઉંમરે પહોંચ્યા હોવા છતાં નવયુવાનની જેમ તરવરાટથી શીખતા રહેતા. પરંતુ એ દિવસે તેમના નસિંગ હોમના કોમ્પ્યુટરમાં કોઈ તકલીફ ઊભી થઈ હતી તેથી મારે તેમના કલીનીક પર જવું પડે એમ હતું.સોમવારની સવારનો સમય હતો. લગભગ દશેક વાગ્યે હું કલીનીક પર પહોંચ્યો. શનિ-રવિની રજાઓ ગઈ હોવાથી દવાખાનું દર્દીઓથી ઊભરાતું હતું. નર્સો અને વોર્ડબોય ચારે તરફ દોડાદોડી કરી રહ્યા હતા. કોઈ પેશન્ટને બોટલ ચઢાવવામાં આવી રહ્યા હતા તો કોઈને લેબોરેટરીમાં ટેસ્ટ માટે લઈ જવાતા હતા. કેટલાક દર્દીઓ એપોઈન્ટમેન્ટની રાહ જોઈ રહ્યા હતા. અમુકને રિપોર્ટ બતાવવાના હતા, તો કોઈકને વળી હોસ્પિટલમાંથી રજા લેવાની હતી.ખૂબ ભીડ જોઈને પહેલાતો મને થયું કે અત્યારે તો ડૉકટર અંકલ કદાચ ફ્રી નહીં હોય એટલે બપોર પછી જ મળવાનું રાખું, પણ વળી વિચાર આવ્યો કે, કોમ્પ્યુટર બીજા રૂમમાં હશે તો કામ સરળતાથી થઈ શકશે અને એમને વિક્ષેપ પણ નહીં થાય એટલે લાવ ને જરા પૂછી લઉં. મેં બહાર રિસેપ્શનિસ્ટ જોડે સંદેશો મોકલ્યો. તેમણે તરત આવકાર આપ્યો.મેં કેબીનમાં પ્રવેશ કર્યો. ડૉકટરએ વખતે કોઈ પેશન્ટને દવા વગેરે વિશે કંઈક પૂછી રહ્યા હતા. મને જોઈને સ્માઈલ કર્યું. ટેબલ પર ઘણી ફાઈલો અને કાગળિયા પડ્યા હતા. સાથે જુદી જુદી જાતના મશીનો અને દવાઓથી ટેબલ ભરેલું હતું. થોડે દૂર સામેની બાજુ ત્રણચાર ખુરશી, સોફા અને ટિપોય ગોઠવેલા. ત્યાં બેસીને હું ટિપોય પર પડેલા મેગેઝીનો વાંચવા લાગ્યો. આશરે દશેક મિનિટ બાદ પેશન્ટને તપાસીને વિદાય આપ્યા પછી તેમણે મને કહ્યું કે કોમ્પ્યુટર ઉપરના માળે છે પણ એ રૂમની ચાવી એક વોર્ડબોય પાસે છે, જે હજુ આવ્યો નથી. લગભગ દશ-પંદર મિનિટમાં એ આવશે એમ મને જણાવ્યું. એટલે મેં એમને વાંધો નહિ. હું રોકાઉં છું….’ એમ કહીને મેગેઝીન વાંચવાનું ચાલુ રાખ્યું.બેલ વાગ્યો અને એક નવો પેશન્ટ કેબીનમાં દાખલ થયો. લગભગ 32-34 વર્ષનો યુવાન એના પિતા સાથે આવ્યો હતો. ડોકટરની ખુરશી પાસે ચેકઅપ માટે તે બેઠો. મારું ધ્યાન વાંચવામાં હતું પણ અનાયાસે જ મારી નજર તે તરફ ખેંચાતી હતી.
ડોકટરે પૂછ્યું : યંગ બોય, વ્હોટ ઈઝ યોર ગુડ નેમ ?’
અનિલદર્દીએ કહ્યું.
શું થાય છે ?’
આમ તો કંઈ નથી પણ આમ ઘણું બધું થાય છે.
મને દર્દીની વાતમાં રસ પડ્યો એટલે મેં સામાયિક ખાલી હાથમાં પકડી રાખી ને દર્દી અને ડોકટર વચ્ચે ના સંવાદમાં મન પરોવ્યું.સાહેબ, છેલ્લા કેટલાક દિવસથી મને બહુ વિચિત્ર અનુભવો થાય છે. ઘડીકમાં મારું મન અત્યંત સંવેદનશીલ થઈ જાય છે. ક્યારેક હું ઊંડા વિચારોમાં ડૂબી જાઉં છું. નથી મને કોઈ ટેન્શન કે નથી મને કોઈ જ જાતની ચિંતા છતાં પણ મને કોઈ અજ્ઞાત ભય સતાવ્યા કરે છે. જમ્યા પછી મને ગેસ ઉપર ચઢી જાય તો જાણે એમ લાગે છે કે મને હાર્ટએટેક આવી જશે તો ? મારું હાર્ટ બંધ થઈ જશે તો ? રસ્તા પર જતો હોઉં અને દૂરથી કોઈ ટ્રક આવે તો મને એમ લાગે કે જાણે આ મને મારી નાખશે તો ? રાત કાઢવી તો મારા માટે અત્યંત મુશકેલ થઈ જાય છે. મને રાત પડે એટલે બહુ બીક લાગે છે. મને ખબર નથી પડતી કે શેની બીક લાગે છે અને આ બધું શું થાય છે. પહેલા કોઈ દિવસ મને આવું થયું નથી અને કોઈ એવી ઘટના પણ નથી બની કે હું આમ વિચલિત થઈ જઉં. હું મારું કામ બરાબર કરી શકું છું, ચાલી શકું છું, નોકરી એ જઉં છું પણ તેમ છતાં ખબર નહીં પણ હું અસ્વસ્થ છું એમ લાગ્યા કરે છે. ખોરાક પણ બરાબર લઉં છું, બાકી બધું નોર્મલ છે પણ તેમ છતાં મારું મન જાણે સુમ્મ છે એમ મને લાગ્યા કરે છે. જીવનનો ઉત્સાહ અને જીવનરસ જાણે અચાનક જ સૂકાઈ ગયો હોય એમ લાગે છે.અનુભવી અને વડિલ ડૉકટર અંકલ તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને પાછળ બેઠા બેઠા હું પણ આ સંવાદ મારા મનમાં રેકોર્ડ કરી રહ્યો હતો.તમને કેટલા વખતથી આવું થાય છે ?’ ડૉકટરે પૂછ્યું.
છેલ્લા બે મહિનાથી.
કઈ કઈ દવા ચાલુ છે હમણાં ?’
સાહેબ, મહિના પહેલા અમારા ઘર પાસેના એક ડૉકટરને બતાવેલું. તેમની સલાહ અનુસાર, ઈકો ટેસ્ટ, એમ.આઈ.આર – સીટી સ્કેન, થાઈરોઈડ, લીવરના રીપોર્ટ અને સંપૂર્ણ બોડી પણ ચેકઅપ કરાવ્યું અને બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા છે. સાઈક્રેટિસને પણ બતાવ્યું, એમણે પણ નોર્મલ છે એમ જણાવ્યું. તેમ છતાં હજી મને કોઈ ફરક નથી લાગતો, એટલે થયું કે આપનું નામ બહુ પ્રખ્યાત છે તો હવે આપને પણ બતાવી લઉં, સાહેબ.
ડૉકટરે કહ્યું : ઓહો. તમે તો બધા ટેસ્ટ પણ કરાવી લીધા છે ! લાવો તો જરા એ રિપોર્ટ. અને દવા જે ચાલતી હોય એની પણ માહિતી મને આપો.ડૉકટરે સ્ટેથોસ્કોપથી બરાબર ચેકઅપ કર્યું. બ્લ્ડપ્રેશર માપ્યું. આંખ, જીભ વગેરે જોયા. વજન કરાવ્યું. એ પછી અનિલભાઈ થેલીમાંથી બધા રિપોર્ટની ફાઈલ કાઢી અને ખાસ્સું એવું બે પાનાનું દવાનું લીસ્ટ કાઢ્યું.
ઓહો, આટલી બધી દવાઓ લો છો ?’
હા સાહેબ. અમુક બી.પી.ની, અમુક મન શાંત રાખવાની, અમુક રાતે ઊંઘ આવે એની. અને બીજી બધી કેટલીયે દવાઓ પેલા સાહેબે લખી આપેલી. પણ, સાચું કહું સાહેબ, હજી મને કોઈ ફેર નથી આ બધાથી.ડૉકટર સાંભળીને વિચારમાં પડી ગયા. અને હું તો આ બધું આશ્ચર્યવત્ જ જોઈ રહ્યો હતો. આ તે કેવો રોગ હશે કે આટલી બધી દવાઓ લેવાથી પણ ફેર ના પડે ? નથી માનસિક રોગ, નથી શારિરીક તો પછી આ હશે શું ? મનમાં હું વિચારી રહ્યો હતો કે પેલો વોર્ડબોય અત્યારે ચાવીઓ લઈને ના આવે તો સારું કારણકે ડૉકટર કઈ દવા કે ટેસ્ટનું સૂચન કરે છે તે સાંભળવાની મારી આતુરતા વધી રહી હતી.ડોકટરે બધી વિગતો તપાસી, વિચારીને એકદમ હળવાશથી કહ્યું : જુઓ મિ. અનિલ, તમારા રિપોર્ટ વગેરે જોતા મને નથી લાગતું કે તમને કોઈ શારીરિક બીમારી હોય. આટલી બધી દવાઓ પણ લેવાની કોઈ જરૂર નથી જણાતી. વળી, તમે તમારું રોજિંદુ કામ કરી શકો છો, નથી આપને કોઈ ટેન્શન કે નથી બન્યો એવો કોઈ બનાવ. વજન પણ તમારું એકદમ નૉર્મલ છે. આથી એ સાબિત થાય છે કે આપને કોઈ માનસિક બીમારી પણ નથી. મેડિકલની રીતે આપ તંદુરસ્ત છો. પરંતુ તેમ છતાં તમારું કહેવું એમ છે કે તમને સ્વસ્થતા મહેસૂસ નથી થતી. આ માટે મારું એક સૂચન છે. કદાચ મારી વાત આપને વિચિત્ર લાગે પણ જે મેં અનુભવથી જાણ્યું છે એ કહેવાની કોશિશ કરું છું. શક્ય હોય તો અમલ કરજો.હા, સાહેબ. ચોક્કસ કહો. હું ગમે તે કરવા તૈયાર છું. બસ, મને આ અજ્ઞાત રોગમાંથી મુક્ત થવું છે.તો સાંભળો.ડૉક્ટરે કહ્યું, ‘સૌ પ્રથમ તો મને કોઈ રોગ છે એવી ચિંતા છોડીને થોડું ધર્મ-ધ્યાનમાં મન લગાડો. જીવનમાં અમુકવાર એવો સમય આવતો હોય છે જ્યારે આપણને અમુક ઘટનાઓના કારણો નથી જડતા. મન પર શાંતિ રાખીને આ સમયને પસાર થઈ જવા દો. કરેલા કર્મોથી થતી અસરો કાર્ડિયોગ્રામમાં નથી દેખાતી ! આથી તમે એવું વિચારો કે હમણાંનો સમય મને અનુકૂળ નથી, આ સમય જશે એટલે જરૂર મારા માટે સારો સમય આવશે.મારું તો તમને અંગત સૂચન છે કે તમારો જે કોઈ ધર્મ હોય એમાં દ્રઢતા કેળવો. માણસનું શરીર મશીન તો છે નહીં, એ જે ચૈતન્ય શક્તિથી ચાલે છે એનું અનુસંધાન કરો. જીવનમાં પ્રાણબળ વધારો. જેમનું પ્રાણબળ વધે છે એને ગમે એટલા રોગો હોય તો પણ હિમાલય ચઢી શકે છે. ખુદ મારા પોતાના જ એવા કેટલાક દર્દીઓ છે જેને મેં ના પાડી હોય છતાં વિકટ યાત્રાઓ કરીને સહીસલામત આવ્યા હોય, પરંતુ આનો અર્થએ નથી કે જીવનને જોખમમાં મૂકવું. ….એ શક્ય બને છે આપણી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આપણામાં રહેલી પ્રાણશક્તિની જાગૃતિથી.આપણું જીવન હવે મહદઅંશે મીકેનિકલ થતું જાય છે તેથી એકના એક વિચાર આપણા પર હુમલો કર્યા જ કરે છે અને આપણને દબાવ્યા કરે છે. થોડુંક બહાર નીકળો…. શક્ય હોય તો પરિવારને લઈને નજીકમાં ક્યાંક પ્રવાસે જાઓ. પ્રકૃતિના સાંન્નિધ્યમાં રહો. થોડી હળવી કસરતો કરો. ભોગ-વિલાસ પર સંયમ રાખો. ભોગવૃત્તિ અને વાસના વધવાથી ચિત્તભ્રમ થાય છે, અને એમ થવાથી નાની નાની ઘટનાઓ પણ પહાડ જેવડી મોટી ભાસે છે. સુપાચ્ય અને હળવો ખોરાક લો. સાંજે થોડું ચાલવા જાઓ. સુંદર પુસ્તકો વાંચો.અખબાર અને ટી.વી ન્યૂઝમાં આવતી આગ, ખૂન, આત્મહત્યા વગેરે ઘટનાઓ મન પર સુક્ષ્મ છાપ છોડતી હોય છે માટે એનાથી દૂર રહો. બધાનાં મન એક સરખા નથી હોતા કે એવી વાંચેલી ઘટનાઓને સહજતાથી લઈ શકે. અને જ્યારે સંજોગોવશાત મન નબળું પડે છે ત્યારે એવી જોયેલી ઘટનાઓ આપણને અકારણ ભય ઊભો કરે છે. વર્ષો પહેલા કોઈ ચેનલ પર તમે કોઈને હાર્ટએટેકથી તરફડીને મરતાં જોયો હોય તો એ ઘટના કોઈ બીજા સ્વરૂપે તમારા મનમાં અજ્ઞાત ભય ઊભો કરતી હોય એમ બની શકે.સારા સંગમાં, સારા વાતાવરણમાં રહેવાનું અમથું થોડું કહ્યું છે ? જ્યારે બહારનું વાતાવરણ શાંત થાય છે ત્યારે મન શાંત બને છે અને શાંત મન શરીરની ક્રિયાઓમાં કોઈ ખલેલ નથી કરતું તેથી શરીરની પાચન આદિ ક્રિયાઓ સરળતાથી થઈ શકે છે અને તેથી શરીર સ્વસ્થ બને છે. એમ પરસ્પર મન અને શરીર સ્વસ્થ બનવાથી આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. મને તો આટલું સમજાયું છે જે મેં તમને જણાવ્યું. બાકી રોગ વગર દવા આપવાનો કોઈ અર્થ જણાતો નથી.પાંચ મિનિટનો આ સુંદર વાર્તાલાપ સાંભળીને હું તો અવાક્ થઈ ગયો. જાણે યોગ, વિજ્ઞાન અને ધર્મનો સાર ડૉકટર અંકલે અનિલભાઈને સંભળાવી દીધો. મેં એવું તો સાંભળ્યું હતું કે સંતો કહે છે કે રોગ હોય તો રોગનો વિજ્ઞાન પ્રમાણે બરાબર ઈલાજ કરાવો.પણ કોઈ ડૉકટર એમ કહે કે ધર્મમાં ધ્યાન આપો.એ વાત સાંભળીને ઘણું અચરજ થયું. જાણે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સેતુબંધ રચાયો ! કેટલી સુંદર વાત કરી ડૉકટર અંકલે !એટલામાં વૉર્ડબોય ચાવીઓ લઈને આવ્યો એટલે હું ડૉકટર સાથે વાત કરીને કેબીનમાંથી બહાર નીકળવા ઊભો થયો. મેં અનિલભાઈની સામે જોયું, તેમના ચહેરા પર કંઈક હળવાશ દેખાતી હતી. જતાં જતાં હું મનમાં વિચારવા લાગ્યો કે… ‘ડૉકટર અંકલ ! તમે સચોટ નિદાન કર્યું હોં !

મૃગેશ શાહ

http://www.readgujarati.com/SahityaMaster.asp

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.