બળેલો કાગળ-‘રસિક’ મેઘાણી

રાત, દિલની વ્યથા વાગોળતા લખ્યો કાગળ
એ પછી વાંચ્યો તેં અશ્રુથી ભરેલો કાગળ

જીવ સમ સાચવી રાખ્યો મેં યુગોથી જેને
એ હતો સારો કે નરસો, છતાં તારો કાગળ

નોખ નોખી વ્યથા ટપકી પડી અક્ષર અક્ષર
એક સાથે હતો બંનેનો લખેલો કાગળ

એક ડૂમો, પછી વરસી પડી યાદો સઘળી
જ્યારે જ્યારે ફરી તારો કદી વાંચ્યો કાગળ

એક વેળા તને લખતા, મેં લખી તો દીધું
એ પછી તારો હતો કે નહિ મારો કાગળ

પ્રેમપૂવ્રક ન કદી તેં મને ઉત્તર દીધો
હું સતત લખતો રહ્યો લાગણી વાળો કાગળ

પત્ર મળ્યા પછી બદલી ગઈ દુનિયા જાણે
એ ના એવો હતો કે ના કહીં તેવો કાગળ

એને લખતા કદી વરસોના વરસ પણ લાગે
કોઈને જેની પ્રતિક્ષા રહે એવો કાગળ

એને આંખોમાં સમાવું ન કાં દિલમાં રાખું
જેવો ચહેરો હતો,એવો હતો પ્યારો કાગળ

જિંદગી એમ ગુજરતી રહી શમણા સાથે
હાથમાં જાણે કલમને હજી કોરો કાગળ

એક અંજામ અને એટલું તારી નજરે
રાખ થઈ વ્યાપી ગયો મારો બળેલો કાગળ

‘રસિક’ મેઘાણી

This entry was posted in રસિક મેઘાણી, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

3 Responses to બળેલો કાગળ-‘રસિક’ મેઘાણી

 1. vijayshah says:

  જિંદગી એમ ગુજરતી રહી શમણા સાથે
  હાથમાં જાણે કલમને હજી કોરો કાગળ

  wonderful!

 2. એને લખતા કદી વરસોના વરસ પણ લાગે
  કોઈને જેની પ્રતિક્ષા રહે એવો કાગળ

  સુંદર અભિવ્યક્તિ.

 3. Urmi Saagar says:

  khoobaj sundar KagaL chhe….

Comments are closed.