એક મુસાફરી – ધીરુબહેન પટેલ

સપાટાબંધ ટ્રેન ચાલી જતી હતી, ફર્સ્ટ કલાસના ડબામાં ફકત બે જણ હતાં. બાપ કંઈક વિચાર મગ્ન, ઘરડો ને થાકેલો જણાતો હતો, જ્યારે દીકરી ચંચળ અને જીવનની ઉષ્માભરી હતી. ઘડીમાં તે બારીબહાર અવિરત વેગે ચાલી જતી, બદલાતી જતી વનરાજી સામે જોઈ રહેતી, તો ઘડીમાં હાથમાં પકડેલા પુસ્તકમાં નજર નાખતી. તે દેખાવે સુંદર હતી અને એ વાતની એને ખબર હતી તે એના પ્રત્યેક હલનચલનમાં જણાઈ આવતું હતું. છતાં એ જાતની ગર્વભરી સભાનતા અઢાર વર્ષની ઉંમરને ભારે શોભી ઊઠતી હતી.
કેટલીક વારે તેણે બગાસું ખાઈ બાપને લાડથી કહ્યું :
‘મને તો ભૂખ લાગી છે.’
‘ભાતાનો ડબો ખોલ ને !’
‘છિત્ , એ કોણ ખાય ? મારે તો આવતા સ્ટેશને ગરમાગરમ બટાટાનું શાક લેવું છે. જોઈએ, બીજું શું મળે છે ? નહીં તો પછી ડાઈનિંગ કારમાંથી થાળી મંગાવીશું. મંગાવીશું ને ?’

બાપ હંમેશ નમતું જોખવાને ટેવાયેલો હોય એમ ધીરજથી બોલ્યો, ‘બહારનું ખાવાનું શું સારું આવે ? પણ તને મન હોય તો ખાજે.’
‘ના, ના. આજે તો હું એકલી ખાવાની જ નથી. તમને પણ ખવડાવીશ. જોજો ને, રોજરોજ બહાનાં કાઢો છો તે !’
‘પણ સ્વાતિ, આજે તો એકાદશી છે, બહેન !’
‘તે બધું હું કંઈ જાણું નહીં. તમારે ખાવું પડશે.’

સંવાદ કદાચ આગળ ચાલત, પણ મોટું સ્ટેશન આવતાં ટ્રેન ધીરી પડી અને સ્વાતિ કુતૂહલથી બારણા આગળ ઊભી રહી ગઈ. તરેહતરહેના ફેરિયા અને બીજા માણસો જોવામાં એ એવી તો લીન હતી કે બારણા પાસે આવીને કાળજીથી નામની કાપલી વાંચતા માણસ તરફ એનું ધ્યાન ગયું નહીં. પરિણામે પેલાએ બારણું ખોલવા એકદમ જોરથી હડસેલો મારતાં તેને જરા આંચકો લાગ્યો. તે પાછળ હટી ગઈ અને પેલાએ ઉશ્કેરાઈને ઘાંટા પાડવા માંડ્યા :
‘ધોળે દહાડે બારણાં અંદરથી બંધ કર્યાં છે તે કોઈ ધણીધોરી છે કે નહીં આ દેશમાં ? કેમ, કોઈ પૂછનાર જ નથી ? એઈ મિસ્ટર, બારણું ખોલો જલ્દી. આ ડબ્બામાં મારી સીટ છે. અરે ગાર્ડ, ગાર્ડ ! એ માસ્તર સાહેબ ! જુઓ ને !’
સ્વાતિના પિતાએ ઊઠીને બારણું ખોલતાં શાંતિથી કહ્યું, ‘ધીરા પડો ભાઈ, અહીં તો ગાડી દસ મિનિટ થોભશે.’

‘તે તમારે જોવાનું નથી. તમે ગેરકાયદે વર્તન કર્યું છે. ટ્રેન દસ મિનિટ થોભે કે પાંચ મિનિટ, તેમાં તમારે શું ? એઈ પૉર્ટર, ચલો જલદી કરો. ક્યાં ગઈ પેલી લોઢાની ટ્રંક ? હા. ના, ના, એ નહીં, પેલી મોટી – લાવ ને ડફોળ ! ચાલ જલદી કર. હં. એમ. કોનું છે આ ? ખસેડો વચમાંથી, આગલે સ્ટેશનથી બેઠા હશો એટલે આ ડબો શું બાપનો માલ થઈ ગયો ? તમે સમજો છો શું ? એક તો બારણાં બંધ, વળી પાછા સામાન મૂકવા નથી દેતા !’

જેમ ફાવે એમ બક્યે જતા એ માણસના માર્ગમાંથી સ્વાતિના પિતા શાંતિથી પોતાનો સામાન ખસેડતા જતા હતા. તેમના મોં પર આછેરો મલકાટ હતો. એ સિવાય પેલાની વાણીની કશી અસર તેમના પર થતી જણાઈ નહીં. પરંતુ સ્વાતિનું એમ નહોતું. ગુસ્સાથી લાલપીળી થઈને તે પેલા માણસ સામે તાકી રહી. કેવો ગંદો હતો એ ? તપખીરિયા રંગનો લાંબો કોટ, કાળી ટોપી, પીળું શર્ટ અને ધોતિયું અને ભૂરી લીટીઓવાળું ઉજાસ વગરનું ખમીસ, પગમાં બૂટ ચડાવ્યા હતા અને આંખે જાડા કાચનાં ચશ્માં હતાં. ચહેરો કુદરતે જ ઘણો વિરૂપ બનાવ્યો હતો, પણ તેટલું પૂરતું ન હોય તેમ તે પોતાની ક્રોધીલી વાણીથી અને જાતજાતના કટાણા હાવભાવથી પોતાનો રહ્યોસહ્યો ઘાટ વિકૃત કરી નાખતો.

તેની પાસે ઘણો સામાન હતો. પણ તે ફર્સ્ટ કલાસના મુસાફરને શોભે તેવો નહોતો. ફાટી ગયેલા છાયલમાં બાંધેલા બે પોટલાં, ત્રણ મોટા કાથીની દોરડીથી વીંટાઈને જાણે કે પ્રાણ આપવા તત્પર એવા ફાટું ફાટું થતા કરંડિયા, બે નાની અને બે મોટી પતરાંની પેટીઓ, એક ધૂળિયું ને ઝાંખું પિત્તળનું ટિફિન બોક્સ, અને એક શેતરંજીમાં બાંધેલો બિસ્તરો. એટલું તેની પાસે હતું. એ બધું એણે મજૂર સાથે પુષ્કળ કચકચ કરીને આમથી તેમ ફેરવીને મનપસંદ રીતે ગોઠવાવ્યું. ત્રણવાર દાગીના ગણી જોયા અને અંતે રાડ નાખી :
‘લોટો ! પીવાના પાણીનો લોટો ક્યાં ? બદમાશ, હરામખોર. જુએ છે શું ? ભાગ જલ્દી ! ઊભો રહે, આ નંબર લાવ.’
સ્વાતિ આશ્ચર્યચકિત આંખોની સામે જ તેણે જોરથી આંચકીને મજૂરના ગજવા પરનો બિલ્લો કાઢી લીધો અને તે હાથમાં પકડી રાખીને વિજયી મુખમુદ્રાથી બોલ્યો :
‘જા, હવે લોટો લઈ આવ. જોજે બેટા, ચાલાકી કરી છે તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી. રેલવેના મોટા સાહેબો સુધી પહોંચીશ. મારો લોટો ! ગયો તો તારો રોટલો જશે, એ ધ્યાન રાખજે.’

એની આવી અભદ્રતાથી શરમાઈને સ્વાતિ પિતાની પાસે સરી. એને થયું કે કોઈક રીતે પેલા મજૂરને માટે પોતે કંઈક કરે, એને સમજાવે કે અમારો આખો વર્ગ આવો નથી. પેલા જંગલીના વતી માફી માગવા બીજું કંઈ નહીં તો છેવટે એક સ્મિત પણ આપે ! પરંતુ મજૂર તો વીજળીની પેઠે દોડી ગયો હતો. તરત તેણે લોટો આણીને બારીમાંથી આપ્યો. અને હાંફતા હાંફતા કહ્યું,
‘શેઠ પૈસા ?’
‘ચલ ચલ, બાજીરાવના દીકરા, અંદર આવીને લોટો સીટ નીચે મૂકવો તો છે નહીં અને પૈસા માગતાં રૂઆબ કરવો છે ?’
‘શેઠ ગાડી હમણાં ઊપડશે, વખત નથી. પૈસા આપી દો ને !’
‘હં એમ ! કંઈક નમનતાઈ રાખતો જા. લે આ તારો નંબર ને બોલ હવે, શું લેવું છે ? જોજે, એક વાત કરજે, ચીરવાનો ધંધો ન કરતો, હા !’
આવી સુંદર રીતે શરૂ થયેલી વાતઘાટ સંતોષકારક રીતે પૂર્ણ થવા દેવાની ગાર્ડમાં શક્તિ કે વૃત્તિ નહીં હોય, એટલે હજી તો સોદો અડધે પણ નહોતો આવ્યો ત્યાં જ સીટી વાગી.

મજૂરે કાલાવાલા કરવા માંડ્યા, પણ પેલાને કશી ઉતાવળ નહોતી. એણે તો ધીરે ધીરે દેશી બીડીનું ઓલવાઈ ગયેલું ઠૂંઠું ફરી ચેતાવતાં એની એ જ ઢબે સોદાની વાતચીત ચાલુ રાખી. ડબાને પહેલો આંચકો લાગ્યો એટલે એણે ગજવામાંથી ચાર આના કાઢી મજૂર સામે ધર્યા.
‘લે, જોઈએ છે કે હજી માથાકૂટ જ કરવી છે ?’
‘શું શેઠ, મશ્કરી કરો છો કે ધર્માદા ? એના કરતાં તો તમારી પાસે જ રહેવા દો. એમાં શું, જાણીશ કે એક દહાડો મફત મજૂરી કરી’તી. ભલે ગરીબને પૈસે તમે તાલેવાન થાઓ, બસ !’
‘શું હાલી મળ્યા છે મારા વા’લા ! જેમાં ને તેમાં બસ રાજદ્વારી ભાષણો જ ઠોકવાં છે. લે ને લેતો હોય તો નહીં તો ઠામુકો રહી જઈશ !’ ગાડીએ વેગ પકડ્યો અને ઝપાટા સાથે ચાલતા મજૂરે ફંટાઈ જઈને પથ્થર જેવો બોલ બારીમાં નાખ્યો : ‘મખ્ખીચૂસ !’
‘જે કહેવું હોય તે છો ને કહેતો, એમ ડરી જાય તે બીજા, આ સાંકળચંદ નહીં. આ પાવલી ગજવામાં નાખવા પ્રયત્ન કર્યો તે રહ્યો ને એમ ને એમ !’ સ્વાતિના બાપા સામે જોઈને પેલો બોલ્યો.

સ્વાતિનું મોં છેક જ વિલાઈ ગયું હતું. તેની નજર સામે જ ગૃહસ્થ ગણાતા વર્ગના એક પ્રતિનિધિનું આવું અશોભન વર્તન જોઈ તેને પારાવાર શરમ આવી ગઈ હતી. યૌવનસહજ કલ્પનાને ઘોડે ચઢી તેણે લૂંટાયેલા મજૂરનાં ભૂખે રડતાં કકળતાં ચીંથરેહાલ બાળકોની મુલાકાત લીધી, તેની કામ કરીને કંતાઈ ગયેલા શરીરવાળી સ્ત્રીની સાડીનાં થીંગડાં પણ ગણી લીધાં અને પછી સાંકળચંદની નજરથીયે અભડાતી હોય એમ કપડાં સંકોરીને બેઠી.

‘ફાટી ગયા છે મારા બેટા ! ધોળે દહાડે લૂંટ ચલાવવી છે, બીજું શું ?’ પેલો ફરીથી બોલ્યો, પણ ડબામાંથી કોઈએ જવાબ ન વાળતાં તે તિરસ્કારથી ફરી બીડી ચેતાવવામાં પડ્યો. ધુમાડાથી સ્વાતિને ત્રાસ થવા લાગ્યો હતો. પણ આ કજિયાખોર માણસને કશું કહેવાની ઈચ્છા તેને થઈ નહીં. બાપની વધારે પાસે સરીને તે બારી બહાર મોં રાખીને શ્વાસ લેવા લાગી. પછી તેને શોભનના વિચાર આવવા લાગ્યા. એ કેવો સરસ હતો ! હોશિયાર, દેખાવડો અને પ્રેમાળ ! સ્મૃતિ, કલ્પના અને દિવા સ્વપ્નના મિશ્રણમાંથી રચાયેલી કોઈ અજબ સૃષ્ટિમાં તે ઊંડી ઊતરી ગઈ. આંખ આગળથી શું શું પસાર થઈ ગયું અને ટ્રેન ક્યારે ઊભી રહી તેનો એને ખ્યાલ ન રહ્યો.
‘સ્વાતિ, ખાવું છે ને તારે ?’
‘ના, મને ભૂખ નથી.’ કહેતાં તે ફરી પાછી આ દુનિયામાં આવી. સામે જ સાંકળચંદ બેઠો હતો. ઓહ, કેવા કેવા માણસો થાય છે અહીંયા !’

હેતાળ પિતાએ ઘણો આગ્રહ કર્યો પણ સ્વાતિને પેલાના દેખતાં ખાવાનો વિચાર માત્ર અસહ્ય થઈ પડ્યો હતો. ફરી પાછી ટ્રેન ચાલુ થઈ અને તેણે રાહત માણતાં બારી બહાર જોવા માંડ્યું…. શોભન ખરેખર સારો હતો. પરસ્પરની પસંદગી પર આજે વડીલોની સંમતિની મહોર લાગી જશે પછી તો થોડાજ દિવસમાં વિવાહ અને પછી લગ્ન ! જીવન સાચે જ બહુ આનંદભર્યું હતું !……તૂટક વિચારોની વચમાં જ તેણે પોતાના પગ સામે નજર નાખી. કેવી સુંદર આંગળીઓ હતી ! માનો કે નખે ગુલાબી રંગ ન લગાડ્યો હોય અને આવાં સરસ સેન્ડલ ન પહેર્યાં હોય તોય કોઈ ધ્યાનથી જુએ તો ખુશ થઈ જાય.

રાજી થઈને તેણે બાપ સાથે વાતો કરવા માંડી. સ્ટેશન આવવાને બહુ વાર નહોતી. હસવા બોલવામાં વખત બહુ જલ્દી વીતી ગયો, પણ ગાડીએ આંચકો ખાધો કે તરત તે બાળક જેવા ઉત્સાહથી ઊભી થઈ ગઈ, ને બારણું ખોલી નાખી બહાર ડોકાવા લાગી. આઘેથી તેણે શોભનને જોયો અને હરખઘેલી થઈ કહેવા લાગી : ‘આવી ગયો છે હોં ! જોજો ને, એવો સારો છે !’ જમાનાના પૂર્વગ્રહોને લાડકી દીકરીના સુખ પાછળ ન્યોછાવર કરી ચૂકેલા બાપે ઉદારતાથી મોં મલકાવ્યું ને પળભર માટે રેલવેના ડબામાં એક મધુર વાતાવરણ રચાઈ ગયું. એક બાજુ થનગનતું આનંદભર્યું યૌવન ને બીજી બાજુ શાંત, વત્સલ વાર્ધક્ય. વચમાં ઝળાંહળાં થતો પ્રીતિનો સોનેરી દોર પડ્યો હતો. પણ એ સુભગ ક્ષણ પૂરી થાય ન થાય ત્યાં સાંકળચંદ ઊઠ્યો અને કંઈ ખાસ વાત ન હોય તેમ બારણા વચ્ચે ઊભેલી, ઝૂકેલી સ્વાતિને બાજુએ હડસેલી દઈને મજૂરને બૂમો મારવા લાગ્યો.

ક્રોધથી લાલચોળ થઈ ગયેલી સ્વાતિને બાજુમાં ખસેડીને એના બાપે પેલાનો ખભો ઝાલવા પ્રયાસ કર્યો, તે સાથે જ સાંકળચંદે તેમનો હાથ તરછોડીને કહ્યું : ‘ચલો, હટો મિસ્ટર ! તમારા બાપની ગાડી છે આ ?’

સ્વાતિના પિતા જવાબ આપત તો વાત વધી પડવાની હતી. પણ એટલામાં જ શોભન બારણા પાસે આવી ચડ્યો. હજુ તો સ્વાતિ ‘જુઓ, આ આવ્યો શોભન !’ કહી બાપનું ધ્યાન ખેંચે તે પહેલાં જ સાંકળચંદે રાડ નાખી, ‘ક્યાં ટળ્યો’તો શોભનિયા ! બારણા સામે જ ન ઊભા રહીએ, મૂરખા ?…. અને એ કુલી, તું જા હવે, તારું કંઈ કામ નથી. તે બોલાવ્યો તેમાં શું ગુનેગારી કરી છે તારી ? ચાલ શોભન, ઉતાર આ કંડિયો !’

‘પણ બાપા, જરા ધીરા તો પડો…..’ કહી કરંડિયા તરફ હાથ લંબાવવા જતાં જ શોભનની દષ્ટિ સ્વાતિના થીજી ગયેલા ચહેરા પર પડીને એક ધ્રાસ્કા સાથે તેને સમજાઈ ગયું કે મુસાફરીના પ્રયોજનનો પણ મુસાફરીની સાથે જ અંત આવી ચૂક્યો હતો.

www.readgujarati.com

This entry was posted in ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ. Bookmark the permalink.