ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ ! આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાસ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ? કંસના વધનું કાર્ય આરંભતાં શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ? કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે ?’
ચકિત થઈ મેં કહ્યું, ‘અકથ્ય, મહારાજ ! અકથ્ય.
ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ ! એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ મારો પોતાનો વેગ તને વિદિત છે ?’
મેં કહ્યું, ‘મહારાજ ! તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો ?
ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, ‘કંઈક તેવો, પણ તેથી સરસ.ઉત્સાહની વાતો કરતા-કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બન્નેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો.
બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.
ટિકિટ-માસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘સું બકેચ ? આય તો તિકિત ઑફિસ છે.
ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.
ટિકિટ-ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.
ટિકિટ આપતા સોરાબજી બોલ્યા, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ કે એ સું બકેચ.
ભદ્રંભદ્ર હવે કોપ શમાવી શક્યા નહિ. તેમણે મોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ –’
અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ હતું કે, ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે, માટે મારે સ્નાન કરી લેવું પડશે.સ્નાન કરી રહ્યા પછી અમે આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઉપડવાને પંદર મિનિટની વાર હતી, તેથી નીચે ઊતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઉપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા-દોડતા રધવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.એક પૉર્ટરે આવી બારણું ઉઘાડી બન્નેને જોસથી અંદર ધકેલી દીધા. તે ભદ્રંભદ્રની પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછયું, ‘કઈ નાત છો ?’ ‘બ્રાહ્મણ છીએ.એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછયું, ‘ક્યાં જશો?’ ‘મુંબઈકહ્યું એટલે જિજ્ઞાસાથી પૂછયું, ‘નામ શું ?’ પેલા બેમાંના એકે કચવાઈ જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ ભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદિયો અને ઘોરખોદિયો છે. છોકરાં ન જીવે તેથી માબાપે એવાં નામ પાડેલાં.
એક ઉતારુ બોલ્યો, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે છે ?’આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈમાધવબાગ કી જે !પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ જેપોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જેબધે ગાજી રહેશે, અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે બધા વહેમ કહી ટીકા કરનારે મને પૂછયું, ‘માધવબાગની જાત્રાએ જાઓ છો ? એ તીરથ ક્યાં આવ્યું ?’આવું શરમભરેલું અજ્ઞાન જોઈને સ્તબ્ધ થઈને મેં ભદ્રંભદ્ર ભણી જોયું.ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘કેવી મૂર્ખતા ! માધવબાગની વાત જાણતા નથી ! જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે, પૃથ્વીના ચતુરંગમાં વ્યાપી રહ્યા છે, દિગંતમા રેલી રહ્યા છે, જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે, દિગ્ગ્જ લથડી પડ્યા છે, દધિસમુદ્ર શાકદ્વિપને ઉલ્લંધી દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે, જે સભાના સમાચારથી સુધારાવાળા યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે, આશ્રયસ્થાન શોધતાં અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે, આર્તસ્વરથી દેવોની નિદ્રા હરી લે છે, જે સભાના દર્શન સારું આવતાં કરોડો જનોનાં ટોળાંએ માર્ગમાંના વ્યાઘ્રવરુને ભય પમાડી પોતે ઉજ્જડ મૂકેલાં નિવાસી કર્યાં છે, જે સભાનાં દર્શન સારું ઊતરી આવતા દેવોનાં વિમાનોથી સૂર્ય આચ્છાદિત થતાં બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે, જે સભાનાં દર્શન સારું સમુદ્ર ઘડીઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે, તે માધવબાગની સભાથી તમે અજ્ઞ છો ? અપશોચ ! અપશોચ !મોટે નાદે કહેલાં આ વાક્ય સાંભળી કેટલાક ઉતારુ ઊભા થઈ ગયા હતા, કેટલાક પાસે આવ્યા હતા, કેટલાક સામું જોઈ રહ્યા હતા, તેથી ભદ્રંભદ્ર પાટલી ઉપર ઊભા થઈ ગયા હતા અને તેમણે ભાષણ કરવા માંડ્યું.શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો ! શ્રવણ કરો ! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિ-રીતિગીતિધીતિપ્રીતિભીતિ ! અહા કેવી તે ઉત્તમ ! અહા શી તે ઉત્કૃષ્ટ ! અહા ! જયજય શ્રી રંગરંગ ! ઉમંગ ! નંગ ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય ! શિવ ! શિવ ! શિવ ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિના લોકોને ઈંદ્રાદિ દેવો વિશે માહિતી નહોતી, ઈંદ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી. આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય. એવી સર્વ કલા અને પ્રવીણતા, આ આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા ! હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે ! લોકો ધર્મહીન થઈ ગયા છે. વેદધર્મ કોઈ પાળતા નથી, પણ નિરાશ થવાનું કોઈ કારણ નથી. આપણો આર્યધર્મ તો સનાતન છે. આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ. વિપરીત દેખાય છે તે માયા છે. સંસાર સર્વ માયામય છે. માટે ઊઠો ! યત્ન કરો ! જય કરો ! અધર્મીનો નાશ કરો ! અહા ! આપણો ધર્મ કેવો નાશ પામ્યો છે ! શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખ આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી માધવબાગ સભા વિશે કેવળ અજ્ઞ છે. રે મૂર્ખ ! રે દુષ્ટ ! રે પાપી ! તારા જીવતરમાં ધૂળ પડી, તારાથી ગધેડા – ’હું ભદ્રંભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો. એથી તે એકાએક પડ્યા શાથી તે ખબર પડી નહિ, પણ પેલો વહેમ-વહેમ કહેનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આદેશમાં ભદ્રંભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય, પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો. ભદ્રંભદ્ર બૂમો પાડવા લાગ્યા. હું બારણું ઉઘાડું છું કે બંધ તે તપાસવા લાગ્યો. બેત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા, પણ યુદ્ધના નિ:સ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાંપવા લાગ્યો. કોઈ મારો’, કોઈ જવા દો, લ્યા જવા દોએમ બૂમો પાડવા લાગ્યા.કેટલાક ઉતારુ વચમાં પડ્યા. તેથી પેલો રજપૂત ખસી ગયો. એ બામણો મને કુણ ગાળો ભાંડનાર ! એ લાંબુલાંબુ બોલ્યો તે તો હું ના હમજ્યો, પણ મારા ભણી આંગળી કરી હો માણહ દેખતાં મને મૂરખ ને ગધેડો કહે સે તે જીવતો ના મેલુંએમ બોલતાં ઘડીઘડી તે અમારી તરફ વળતો હતો, પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા. ભદ્રંભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઊતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કાઢવા લાગ્યા. મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું ત્યારે કહ્યું કે, ‘આવતે અગ્નિરથસ્થાપન સ્થલે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું. એના એ જ માણસોને વકૃત્વશક્તિનો બધો લાભ આપી દેવો એ બીજા પર અન્યાય કહેવાય.ભદ્રંભદ્રના નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સાનંદાશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ભદ્રંભદ્ર રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા મંડી ગયા. શી મોટા માણસની ઉદારતા ! પેલા રજપૂતભણી ક્રોધમય દષ્ટિ કરવાને બદલે તેની નજર ન પડે તેમ એક માણસને ઓથે બેઠા. હું પણ તે તરફ પીઠ કરીને બેઠો. રામશંકરને પૂછયું કે, ‘મોહમયીમાં ક્યાં જશો ?’ રામશંકર કહે કે, ‘અમારું મુંબઈમાં ઘર નથી, પણ આ ઘોરખોદિયાના ભાઈબંધ કુશલ-વપુશંકરના કાકા પ્રસન્નમનશંકરને ઘરે ઊતરવાના છીએ. તમે ક્યાં ઊતરશો ?
ભદ્રંભદ્ર કહે, ‘અમારા પાડોશીના દીકરાના મામાનો સસરો ભરૂચમાં મહેતાજી છે. તેના ફુઆના સાવકા ભાઈનો સાળો શ્રી ભૂલેશ્વર સમીપ મોતી છગનના માળામાં રહે છે, તેને ત્યાં ઊતરવાનો વિચાર છે.આ વાતો ચાલતી હતી તેવામાં અમારા સામાનનાં પોટલા પર મારી નજર પડી. બધું ફીંદાઈ ગયું હતું. તેથી મેં તપાસી જોયું તો માંહેથી એક ધોતિયું ને એક ચાદર ખોવાયેલા માલૂમ પડયાં. ભદ્રંભદ્ર કહે, ‘લાભ અને અલાભ પર ધીર પુરુષે સમદ્રષ્ટિ રાખવી જોઈએ. આપણા વેદધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાવું છું, મન ગુમાવ્યું છે, અને ધન ગુમાવવાને તૈયાર છું. હજી તો મહાભારત પ્રસંગ આવવાના છે માટે અંબારામ ! શોક કરવો નહિ પણ મિત્રના શોકમાં ભાગ લઈ તે ઓછો કરવો એ કર્તવ્ય છે. તારી ચાદર માટે હું શોક મૂકી દઉં છું અને મારા ધોતિયા માટે તું શોક મૂકી દે.મને આ વહેંચણીમાં પૂરી સમજણ પડી નહિ, પણ ભદ્રંભદ્રના મુખની ગંભીરતા જોઈ મેં વધારે પૂછયું નહિ.એક માણસ શાસ્ત્રની વાતો કરનાર અમારી પાસે આવી બેઠો. તે ભદ્રંભદ્રને કહે કે, ‘મહારાજ ! આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે. શિંગોડાં ખવાય કે નહિ ?’
ભદ્રંભદ્રે કહ્યું, ‘કેમ ન ખવાય ? ફરાળમાં શિંગોડાનો લોટ વપરાય છે ને ?’
તે ઉતારુએ કહ્યું, ‘એ તો ખરું, પણ અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડાં ખાવાની ના લખીએ છે, કેમ કે અસલ તેનો આકાર શંકુ જેવો છે. અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે, કારણકે અસલ બ્રહ્માંડરૂપી ઈંડુ શિંગોડાં જેવું શંકુ-આકારનું હતું.શાસ્ત્રનું આ મોટું અને ઉપયોગી તત્વ સાંભળીને ભદ્રંભદ્રના મુખ ઉપર ગંભીરતા પ્રસરી રહી. તેમની આંખોના ચળકાટથી તેમને કોઈ ચમત્કારી નવું જ્ઞાન પ્રાપ્ત થયાનું ભાન થયું હોય તેમ જણાયું. તેમણે ઉત્સુકતાથી પૂછયું, ‘પછી તે શાસ્ત્રીએ શું કહ્યું ?’ તે ઉતારુ કહે, ‘શાસ્ત્રી મહારાજે આખા ગામને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવી ગોદાનના સંકલ્પ કરાવી તેના નિષ્ક્રિય દીઠ દરેક પાસેથી રૂપિયો-રૂપિયો લઈ સર્વને પાપમાંથી મુક્ત કર્યાં.ભદ્રંભદ્રના મુખ પર સ્વદેશહિતેચ્છુ હર્ષ જણાઈ આવ્યો. તેમની પરોપકારવૃત્તિ તત્પર થઈ રહી. કપાળે આંગળી મૂકી એક સ્થિર દ્રષ્ટિએ વિચાર કરી તેમણે પોટલીમાંથી એક નોટબુક કાઢી. તેમાં નામના મથાળાવાળા પાના પર લખી લીધું કે શિંગોડાં અભક્ષ્ય આખા હિંદુસ્તાનને અને શિંગોડાં ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રાયશ્ચિત્તની આવશ્યકતાશંકા પ્રશ્ન સિદ્ધાંત શાસ્ત્રાર્થ.પેલા ઉતારુને કહ્યું કે, ‘આ વિશે વધારે વિચાર કરી પંડિતોના મત પુછાવી અને બનશે તો વિદ્વાનોની સભા ભરી નિર્ણય પ્રસિદ્ધ કરાવીશું, એટલે તમારા ગામમાં ખબર પડશે.સ્ટેશન આવ્યું એટલે બીજી ગાડીમાં કઈને બેઠા. પછી મને ભદ્રંભદ્ર કહે, ‘આ શિંગોડાનો પ્રશ્ન બહુ અગત્યનો છે. આખા દેશના કલ્યાણનો આધાર આ પ્રશ્નના નિર્ણય પર છે. જે માણસના મનમાં સ્વદેશાભિમાનનો અંશ પણ હોય તેનાથી આની અવગણના થાય તેમ નથી. જો આ વાત ખરી ઠરશે તો શિંગોડાનિષેધક સભાઓ સ્થાપવી પડશે. શ્રી કાશી સુધી એ વાત લઈ જવી પડશે. વારુ, અંબારામ ! શિંગોડા શબ્દની વ્યુત્પત્તિ શી છે ?‘મને ખબર નથી.’‘એ પણ શોધી કાઢવું પડશે. કદાચ કાલની સભામાં આ વાત મૂકવી પડશે. મારે વિચાર કરી રાખવો જોઈએ. મારાથી હમણાં ભાષણ નહિ આપી શકાય.એમને ગંભીર વિચારમાં પડેલા જોઈ હું બારી બહાર જોવા લાગ્યો. તારના થાંભલા હું બહુ રસથી ગણતો હતો એવામાં ભદ્રંભદ્રની પાઘડી એકાએક મારા પગ પર પડી. જોઉં તો તેમની આંખો બંધ હતી, નાકમાંથી ધ્વનિ નીકળતો હતો અને ઘીના ઘાડવાવાળું ત્રાજવું સામે કાટલાં મૂકતાં ઊંચુંનીચું થાય તેમ તેમનું ડોકું હાલતું હતું. મને એમણે એક વખત કહ્યું હતું કે, ‘હું નેત્ર બંધ કરી ધૂણતો હોઉં ત્યારે મને ઊંઘતો ન સમજવો. એ તો એક જાતની સમાધિ છે. એક બાવા પાસેથી હું શીખ્યો છું.તેથી તેમાં ભંગાણ પાડવું મને ઠીક ન લાગ્યું. વખતે શિંગોડાના પ્રશ્ન માટે આ જરૂરનું હોય તેથી મેં પાઘડી મૂકી છાંડી.[શબ્દાર્થ : અગ્નિરથસ્થાપન સ્થલ = રેલ્વે સ્ટેશન, મૂલ્ય પત્રિકા = ટિકિટ, મોહમયી = મુંબઈ, અગાડી = આગળ, વિદિત = જાણવામાં આવેલું. વ્યુત્પત્તિ = શબ્દની મૂળ ઉત્પત્તિ ] Courtesy: www.Readgujarati.com 

This entry was posted in ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ

 1. Arun Bhimani says:

  I want “Bhadram Bhdra”(ભદ્રંભદ્ર) in PDF or any format if u have then please reply or forward me on this mail address..

  thanks and waiting for your reply…

  Arun Bhimani

 2. Dhimant Vyas says:

  You can do PDF it with your computer,
  Copy this write up to word document, click print, it will ask you to select the printer, there is PDF option also,
  Click pdf and save it,
  Cheers
  DV

 3. “Bhadram Bhdra”(ભદ્રંભદ્ર) etle kharekhar to gujarati Rajnikant….

Comments are closed.