નિષ્ફળતાઓ : જગતના મહાન સફળ પુરુષની – રાકેશ ચાવડા

હકીકતે જોવા જાઓ તો સફળ અને નિષ્ફળ વ્યક્તિના સંજોગોમાં ઝાઝો ફેર હોતો નથી. જે મુશ્કેલીઓ, અડચણો, વિટંબણાઓ, સમસ્યાઓ, તકલીફો નિષ્ફળ માણસને નડતરરૂપ હોય છે તે જ સફળ માણસને પણ હોય છે. કુદરત સફળ માણસ માટે એક પ્રકારના સંજોગોનું નિર્માણ કરે છે, તો નિષ્ફળ વ્યક્તિ માટે અન્ય પ્રકારનું એવું કશું જ હોતું નથી. કદાચ દરેકની પરિસ્થિતિની વિકટતાનું પ્રમાણ ઓછુંવધતું હોઈ શકે, પરંતુ તેથી એવું નથી કે સફળ વ્યક્તિને માટે હળવી વિકટ પરિસ્થિતિ જ હોય અને નિષ્ફળ વ્યક્તિ માટે ભયંકર વિકટ એકની એક પરિસ્થિતિને સફળ માણસ એક રીતે નિહાળે છે તો નિષ્ફળ માણસ તેને બીજી રીતે. તદ્દન સામાન્ય માણસ એકવાર પડી જાય તો તે પડેલો રહે છે ઊભો થતો જ નથી. તેનામાં થોડીક મહત્વાકાંક્ષા હશે તો તે શરૂઆતમાં ત્રણચાર વાર પડી જશે અને ત્રણચાર વાર ઊભો થશે. વળી, પ્રત્યેક વાર ઊભો થઈને કદાચ ડગલું આગળ માંડશે, પણ તેમ છતાં તેની મહાત્વાકાંક્ષાને અતૂટપણે વળગી રહેવાની વૃત્તિને અભાવે તે જો પાંચમીવાર પડી જશે તો તે ઊભો થશે ખરો પરંતુ તે પછી પોતાના પગલાં ઊંધી દિશા તરફ માંડશે અને મન મનાવશે મેં તો પૂરતા પ્રયત્નો કર્યા છે, પણ નસીબ યારી આપે તેવું લાગતું નથી એટલે હવે સફળતાની દિશામાં ફાંફાં મારવા જેવું નથી.એનાથી ઉલટું, મહત્વાકાંક્ષી વ્યક્તિ સફળ નીવડે છે કારણકે પોતે જેટલીવાર પડે છે તેટલીવાર ઊભો થતો રહે છે અને સફળતાની દિશા તરફ પોતાનાં ડગ માંડતો જ રહે છે.અમેરિકાના કર્મયોગી રાજપુરુષ અબ્રાહમ લિંકન આજ દિન સુધી જગતે જોયેલા મુઠ્ઠીભર મહાપુરુષોમાંના એક છે. તેઓ અમેરિકાના પ્રમુખ થયા, પરંતુ એ સ્થાને પહોંચતાં એમને કેટલીયે નિષ્ફળતાઓ જોઈ હતી. કેટકેટલા ફટકા પડ્યા હતા. તેઓ પુખ્ત બન્યાં તે પછીનાં ત્રીસ વરસની એમના જીવનની તવારિખ કંઈક કંઈક આ પ્રમાણે હતી :ધંધામાં નિષ્ફળ – 1831, ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832, ફરીથી ધંધામાં નિષ્ફાળતા – 1833, ધારાસભામાં ચૂંટાયા – 1834, પત્નીનું અવસાન – 1835, પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર – 1836, સ્પીકરની ચુંટણીમાં હાર – 1838, ઈલેકટર તરીકે હાર – 1840, ‘લૅંન્ડ ઓફિસરતરીકે હાર – 1843, કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843, કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846, કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848, સેનેટની ચુંટણીમાં હાર – 1855, અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856, સેનેટમાં હાર – 1858, અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860.આમ છતાં અબ્રાહિમ લિંકને પોતાની હારને હાર તરીકે સ્વીકારી નહોતી. ખરેખર જોવા જાઓ તો હાર એ તો માણસના મનની સ્થિતિ જ સૂચવે છે. માણસ પોતે પોતાના મનમાં જો હાર માની લે તો એ સૌથી મોટી હાર છે પરંતુ તેને એક વધુ પ્રયત્નતરીકે સ્વીકારે તો એ હાર, ‘હારરહેતી નથી….. અને કોણ કહી શકે કે દરેક માણસે જીવનની એકએક લડાઈ જીતવી જ જોઈએ? પોતે જે કંઈ કરે તેમાં એ સફળ જ નીવડવો જોઈએ? માણસનું પોતાનું મન માંહેનું અહંએવું કહે છે; એથી બીજું કોઈ જ નહિ. પણ એવી હાર વખતોવખત આવતી રહે એમાં ખોટું પણ શું છે? એને લીધે આપણા અભિમાન પર અંકુશ રહે છે; તે જાતને છકી જતાં અટકાવે છે.

Courtesy: www.Readgujarati.com

This entry was posted in ચિંતન લેખ, પ્રકીર્ણ. Bookmark the permalink.