ખરતો તારો-કિરીટકુમાર ગો. ભક્ત

 

 ગ્રહણ-

જ્યારે જગતનો સૌથી આધુનિક,અગ્રિમ અને શ્રીમંત મનાતા દેશનો એક વૈજ્ઞાનિક ભૂલો પડી ગયો.એને લાગતું હતુ કે એને હવે લાગતું હતું કે એને કોઇ બચાવી શકશે નહી. ગુજરાતના ગાઢા જંગલે એનો ભરડો લીધો હતો.અહીં એ ઘણીવાર આવી ચૂકેલો,પરંતુ આ વખતે પોતાના મનાતા જ્ઞાનના અહંકારને લીધે તેણે અહીંનો નકશો લેવાનું ટાળેલું.તે હવે શાંતિથી એક પત્થર પર બેસીને મૃત્યુની રાહ જોતો હતો. એને અહીં મરવુ ન હતું.પોતાના દેશમાં, પોતાના લોકોની વચ્ચે,સામાજિક અને રાષ્ટીય સન્માન સહિત દફન થવું. હતું. એકલતા તેને વિચારો થકી તેના દેશમાં લઈ ગઈ. વિશ્વના અતિ બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોનો તે પોતાને માલિક માનતો.અવકાશની નાનામાં નાની શોધ વૈજ્ઞાનિકો એને કહેતા,અને એ પોતાના નામે વિશ્વને જણાવતો. દેશના રાષ્ટ્રપતિ સહિત દેશવાસીઓમાં કેટલું બધું માન હતું.થાક અને ભૂખને લીધે તેની આંખો ઘેરાવા લાગી.
એની આંખો ખુલી ત્યારે, એણે જોયું કે બલિદાન આપવાના મોટા સપાટ પથ્થર પર એ સૂતો હતો. એની આજુબાજુમાં અઘોરી અને વનવાસીઓ એને કુંડાળામાં ઘેરીને ઉભા હતાં. એણે વિચાર્યુ કે હવે તેની કીર્તિ,માન,વૈભવ અને જ્ઞાન છોડીને શાશ્વત શાંતિમાં જવાનો વખત આવી ચુક્યો છે.આ દેશના વૈજ્ઞાનિકો સાથે એ ઘણીવાર આવા વિસ્તારોમાં ફર્યો હતો. એટલે એને આ લોકોની રીતભાત અને ભાષાના થોડા શબ્દો એને આવડતા હતાં.અંધશ્રદ્ધામાં જીવતા આ જંગલી લોકોને ધર્મથી બીવડાવીને પોતાની જિંદગી બચાવી લેવાનું તેણે મનોમન નક્કી કરી લીધું.કારણ કે આજે સૂર્યગ્રહણ છે
.
“જો તમે લોકો મને મારી નાખવાની કોશિશ પણ કરશો તો, હું તમારા પૂજ્ય સૂર્યને ઢાંકી દઈશ્.”
અઘોરીઓ અને વનવાસીઓના મુખના ભાવ બદલાયા વગર સ્થિર રહ્યા.તેમના મુખી જેવા લાગતા એક અઘોરીએ કંઈક ગર્ભિત ઈશારો કર્યો. આશરે બે-એક કલાક પછી,એક અઘોરી ઝાડના મોટા પાન પર કશુંક લખીને લાવ્યો.અને મુખીની આજ્ઞાથી બધાની હાજરીમાં મોટેથી વાચવાનું શરુ કર્યુ.આગામી સદીમાં,સુર્ય અને ચંદ્રનાં થનાર ગ્રહણોની માહિતી એણે ઍરિસ્ટોટલની મદદ વગર ત્યાં હાજર સર્વેને આપી. હવે,સુર્યનો પ્રકાશ અપારદર્શક થતો ચાલ્યો.અઘોરી બોલ્યો-
“અહમ ને પોષનારનો બલિ હંમેશા સમાજને લાભકર્તા હોય છે.”
અને, બલિના ધારદાર પથ્થર પર તેના હ્રદયના લોહીના ફુવારા ક્ષણમાં ઉડીને શાંત થઈ ગયા.

***
કાળા દોરાની બીડી.

પરમાને મર્યે આજે વરસ પુરું થયું.વરસ પત્યે તેની મૃત્યુતિથી પર માલીએ બ્રાહ્મણને બોલાવી ધાર્મિકવિધીઓ કરાવીને ગામ જમાડ્યું.આખું ગામ માલીની વાહ વાહ કરતું હતું. અને,પરમાનો જીવ પણ હરગમાં નચિંતથી બેઠો હોવાની વાતો કરતું હતું.માલીનો બાર વરસનો કાળુ તેની સમજણ મુજબ આ બધું સમજવાની કોશિશ કરતો. માલીના પંદર વરસના લગ્નજીવન દરમ્યાન,સામાન્ય માણસોની જેમ જ ઘણી તડકી છાંયડીઓ એણે જોઈ.અભણ માલી અને પરમો-સવારથી સાંજ ખેતરમામ કામ કરતાં.પરંતુ, ગણેલ માલીને એક બીજો જ વિચાર આવ્યો.એને પરમાને શહેરમાં દૂધ વેચવા મોકલ્યો. પોતાની ગામઠી બુદ્ધિ પ્રમાણે,શહેરના રીતરિવાજોથી અલગ.શહેરના સંપર્કથી એ ધીમે ધીમે શાકભાજી વેચતો થયો. એનું અનાજ ગામલોકોથી સારા ભાવે વેચાવા લાગ્યું.વાણિયાના ચોપડેથી પરમાના દેવાનું પાનું ફાટી ગયું.

એ બેપાંદડે થયાં.હવે પરમો ખાખરાની હાથે બનાવેલી બીડી છોડી તૈયાર કાળા દોરાની બીડી પીવા લાગ્યો.પરમાને માલી હંમેશા મા ભગવતીનો અવતાર દેખાતી.ચોપડીઓમાં લખેલ પ્રેમકથાઓ અને પ્રેમની વ્યાખ્યાઓથી અધિક પ્રેમનો જુવાળ પરમાના દિલમાં કાયમ ઘુઘવતો.શેણી-વિજાણંદ કે ખેમરો-લોડણની પ્રેમગાથાઓ કરતાં પણ આ પરિણિત યુગલનો પ્રેમ વધુ સાત્વિક જણાતો.પરમાને માલીનો વિરહ અસહ્ય લાગતો. પરતું આ બધુ વિધિને ક્યાં મંજૂર હોય છે.?

માલી રાંડી ગામલોકોને લાગેલું કે હવે પરમાનું ઘર તૂટી જશે. એટલે,માલીને નાતરું કરી લેવા માટે સમજાવી.૧૧ વરસનો કાળુ શું કરી લેવાનો હતો.પરમો રોજ રાત્રે માલીને હિંમત આપતો.અને આમ જ માલીની હિંમત વધતી.એને ઝાઝી સમજ પડતી નહીં.પણ,એ પરમાને અનુસરતી. કાળુ સાથે જ્યારે પ્રથમવાર ગામ કરતાં અડધી જ ભોંય ખેડાય ત્યારે, એને ચિંતા પેઠી.કાળુથી બીજા ખેડૂતોની જેમ કામ થતું નહી.આમેય ૧૧ વરસનો છોકરો મોટા જેટલું કામ તો કરી જ નથી શકવાનો.બીજા દિવસે માલીના આશ્ચર્યનો પાર ન રહ્યો.એનું આખું ખેતર ખેડાયેલું હતું. અને…સમળા નીચે જ્યાં માલી કાયમ પરમાને શિરામણ કરાવતી.ત્યાં કાળા દોરાની બીડી ના ઠૂંઠા પડેલા હતાં.

***
વારસ-

તે સાચ્ચે જ થાકી ગઈ હતી.સવારથી ઊઠી,ઘરનાં કામકાજ માંથી પરવારીને,લૂસ લૂસ કોળિયા નાખીને ઓફિસે ભાગવાનું.બસની લાઈન,એની અનિયમિતતા,લગભગ રોજ જ મોડું થતું.પરંતુ, પોતાના સારા કામને લીધે માલિકે મોડા આવવા બદલ વાંધો લેતા નહીં .પોતે સમજતી પણ,શું કરે? સારું છે કે બાળકો નથી,નહીતર આ નોકરી થાય જ નહી.કૂતરો ધારે તો એક જ દિવસમાં મક્કા પહોંચી જાય.પણ,રસ્તામાં એના કુટુંબીઓ એટલા મળે કે જીવનભર ગલીમાં જ રહે.

હાનીને લગ્ન કર્યે પાંચ વરસ પુરા થવા આવ્યા. આજે એને લાગતું હતુ કે હકીકતની સ્ત્રીની જિંદગીતો કદાચ એણે ત્રણેક મહિના જ જીવી. ઝહીર સાથે નિકાહ કર્યા પછી એને એનાં સાસરિયાંની સાચીબાજુ ખબર પડી.નવાબી ઠાઠમાં જીવતાં એના સાસરિયાંનો એક એક રોમ દેવા હેઠળ ડૂબેલો હતો. બધી જ મિલ્કતો શાહુકારને ત્યાં ગિરવી પડી હતી. હાલની પાતળી આવકના સાધનરૂપ જમીન પણ પિતરાઈઓ સાથે ઝઘડાને લીધે કોર્ટમાં હતી.એની જીતવાની આશા પણ નહિવત હતી. ઝહીર સહિત ઘરના પુરુષોને બહાર કામ કરવું એ પોતાની નવાબી શાન અને મર્યાદાઓની વિરુધ્ધ લાગતુ હતું.

પિતાને ત્યાં લીધેલ ભણતરને એણે કામે લગાડવાનો નિશ્ચય કર્યો.અને,ઘરનાં વડીલો અને પતિની ઈચ્છા વિરુધ્ધ એણે નોકરી શરુ કરી.મુસ્લિમ અને પુરુષપ્રધાન દેશમાં જો એ લડ્યા વગર જો હારી ગઇ તો નુકસાન બધું એને જ થશે.ઘર એનું જ ભાંગશે.આ ઘરમાં વહુ બનીને આવી છું, તો ઘરની જવાબદારીઓ પણ મારી જ છે. એનો પગાર સારો હતો એટલે ઘર ચલાવવામાં ઝાઝી મુશ્કેલી એને પડી નહી.

સમય એનું કામ કરતો રહ્યો.એ ઓફિસેથી આવી,ઘરનાં કામો પતાવીને સીધી પોતાના બૅડરુમમાં ઘુસી જતી.  થાકને લીધે પડતાવેંત જ ઉંઘી જતી. ઝહીર રોજ જ એની લાશ સાથે પ્રણય કરતો .હાનીની પોતાની પરિકલ્પનાઓ ઘણી ઉચ્ચ અને ઉન્માદપૂર્ણ હતી.પરંતુ, શું કરે થાકેલું શરીર ક્યાં સાથ આપતું હતું?

હવે ઝહીરના મિત્રોની પત્નીઓ પાસેથી વાતો સાંભળવા મળતી-એ ઠંડી છે,કદાચ દિવસે બીજે ક્યાંય? એના ચારિત્ર્ય વિશે સંભળાતુ.એ ચુપ રહેતી.એને સત્ય ખબર છે એટલે તેને ચિંતા થતી નહીં.એ ત્યારે સમસમી ઉઠી જ્યારે એણે સાંભળ્યું કે એ વાંઝણી છે, એને છોકરાઓ થાય તેમ નથી. એટલે ઝહીરના બીજા નિકાહ કરાવવા.એણે આ રવિવારે ઝહીર સાથે વાત કરવાનું નક્કી કર્યું.

તે રવિવારે, એના પહેલા જ એના સસરાએ વાત કરતા અને ચોખવટ કરતા જણાવ્યું કે-તેને સંતાન થાય તેમ લાગતું નથી.તો ઝહીરના ફરીથી નિકાહ કરાવવા.એમણે કહ્યુંકે એ ખુદાથી ડરીને ચાલનારો માણસ છે. એટલે એ તલાકની તરફેણ નથી કરતો.કારણ કે એ ઈસ્લામને સારી રીતે જાણે છે.અને, એની મર્યાદામાં રહેવા માંગે છે.

-અને શાંત પાણીમાં પથરો ફેંકાયો…

હાની ભભૂકી-

“ક્યા ઈસ્લામની વાત કરો છો? બાપદાદાની સંપત્તિ પર તાગડધિન્ના કરવી. અરે..એને સાચવી તો શક્યા નથી.ઘરના મોભ થવું છે.પણ ખીલા ઠોકાવાની હિંમત નથી.નહી જાણતા હો તો જાણી લો, ફક્ત ઉંમરના લીધે જ આદર છે.વડીલ થયા છો ને!તો વડીલની જેમ વર્તતા શીખો.”

ઝહીરથી અબ્બાનું આ અપમાન સહન ન થયું,અને, એણે હાથ ઉપાડીને હાની તરફ ફર્યો.
આગની ઝાળ હવે ઝહિર તરફ વળી-

“આનાથી વધારે મર્દાનગી આવડશે પણ કેવી રીતે?” ઝહીર ત્યાં જ થીજી ગયો.

“પત્ની તો મસ્તી અને છોકરા પેદા કરવાનું સાધન છે નહી?”આંખમાં આંખ નાખી ભવાં ચઢાવી તેણે ઝહીર સામે કટાક્ષભરી નજર કરી કડવાટ સાથે કહ્યું-”શરીર ચુંથી લીધુ એટલે પતિનું કામ પતી ગયું નહી? પહેલાં પત્ની માટે ચડ્ડી અને બૉડીસના પૈસા કમાતા શીખો, ગામ આખામાં નવાબ થઈને ફરો છો, પણ વિચાર તો કરો શું આપીશું આપણા વારસને? તમારા બાપદાદાની ઐયાશીનું દેવું? તમે જો પતિ હોત તો મારે મારા માતૃત્વને ગર્ભનિરોધક ગોળીઓથી દર મહિને પાછું ઠેલવું ન પડત.”

એની આંખો અંગારા વેરતી રહી.

હવે હબકવાનો વારો ઝહીર અને તેના બાપનો હતો
.”એટલે?”
” આ ભવિષ્યમાં કોર્ટે કેસ જીતશુ અને સૌ સારા વાના થશે એ તો શાહુકારનાં ચાળા છે .શેખ ચલ્લીઓને ત્યાં કદી સુખ આવતુ નથી. જે દિવસે દેવુ ધોશો, તે દિવસ આવતા વાળ ધોળા થઇ જશે.”

ઝહીરની માને પહેલી વખત ભણેલી અને ગણેલી હાની માટે વહાલ આવ્યુ. કડવુ અને સાચુ બોલતી વહુ બન્ને મરદ કરતા વધુ મરદાનગી વાળી લાગી.

***
પ્રીતિનો વ્યવસાય-

“ઘણાં લોકો પૈસાદાર છે. મારે પણ પૈસાદાર થવું છે. મારી પોતાની જરુરિયાત માટે મારે પૈસા નથી જોઈતા,ના! મારી પ્રેમિકા-વાગદત્તા,માનિની.એને હું લોકોને ત્યાં કામ કરતી જોઉં છું, ખુબ જ દુઃખ થાય છે. એના પગ આગળ મારે ભૌતિક સુખોનો ઢગ કરવો છે. હવે તો પૈસાદાર થયે જ છુટકો પરંતુ પૈસાદાર થવુ કેમ? અનીતિ મને આવડતી નથી, ધંધો કરવા માટે મુડી પણ ક્યાં છે? અને હજી અભ્યાસ પણ પુરો થયો નથી.ડીગ્રી પણ પછી મળશે. હા! છટાદાર વ્યક્તિત્વ અને બુધ્ધિશાળી છું.”

“એકલા પ્રેમને શું કરવું? એનાથી પેટ થોડું જ ભરાશે? મારો પ્રેમી-વિકાસ,એનું વ્યક્તિત્વ અને બુધ્ધિ જોઈ હું મારી જાતને ધન્ય માનું છું.એની સાથે જિંદગી જીવવાની મજા કંઈ જુદી હશે. પણ કંઈક જોરદાર જીંદગી જીવીએ. અને એના માટે પૈસાદાર થવું જરુરી છે. હા.પ્રેમથી સુખી તો થવાશે.પણ સુખના સાધનો ખરીદવા પૈસા તો જોઈશે.પણ કેવી રીતે? હું ઓળખાણ વગર ની-મારે પૈસા કમાવા કેવી રીતે…હા, મારી પાસે કંકાવટી જેવી કાયા, અનુપમ વાક્ચાતુર્ય તો છે જ પણ એનાથી પૈસાદાર કેમ થવાય? કંઈ જ ખબર પડતી નથી.”

શેઠ ઘનશ્યામદાસ-ઈન્ફ્રોમેશન ટેકનોલોજી ના બેતાજ બાદશાહ, ૬૫ વરસની ઉમર,જાત મહેનતથી અહીં સુધી પહોચેલા વ્યક્તિ હતાં.શહેર અને દેશમા ધનિકોમાં માનભર્યુ સ્થાન ધરાવતા હતાં.નદિનીદેવી-શેઠ ઘનશ્યામદાસના પુત્રીથી ઓછી ઉંમર ધરાવતા ધર્મપત્ની. અતિ રુપાળાની વ્યાખ્યામાં આવતા મૉડલ માંથી પત્નીની પદવી પામેલા અને માતૃત્વને તલસતાં સન્નારી.

એક દિવસ કૉલેજના ઇનામવિતરણના સમારંભમાં,નંદિનીદેવીએ વિકાસને પુછતાં એનામાં જ પોતાનો પુત્રદાતા દેખાયો. અંગત આમંત્રણ અપાયું. અને, વિકાસ એમના ઘરે પહોચ્યો. રતિક્રીડા ના પ્રથમ પાઠથી શરુઆત થઈ, બીજા અઠવાડિયે તો એનો અધ્યાપક બની ગયો. હવે તેને માનિનીની ભવિષ્ય માટેના નાણાની ચિંતા ન હતી. પરંતુ,આટલેથી કયાં અટકશે? તે નંદિનીદેવીની સખીઓમાં માનીતો બની ગયો.

શેઠ ઘનશ્યામદાસના ઘણા રુપો હતાં.એમાંનું એક મદદગારનું હતુ. છટાદાર બોલતી માનિની ને નોકરીથી બૅડરુમ સુધીની યાત્રા લગભગ નોટોની થપ્પીઓ પર અપાઈ. માનિનીને રસ્તો મળી ગયો. હવે તેને વિકાસ સાથેના જીવનમાં સુખોના સાધનોની ચિંતા ન હતી.શહેરના લગભગ બધાંય મોટા માથાઓ સાથે એને નજીકની ઓળખાણ છે.

’ શરીર અભડાય ભલે ને…મન તો પવિત્ર છે ને !’

વિકાસ અને માનિની પરણી ગયાં.સુહાગ રાતે,પ્રણય પછી થાકથી બંન્ને હાથમાં હાથ પરોવીને છતને તાકતા વિચાર્યુ કે-

માનિની-રસોઈયો એ જ છે,રસોઈ પણ એ જ છે.પરંતુ, જમનારા બદલાય છે એટલે જ તો રેસ્ટોરન્ટનું અસ્તિત્વ છે.

વિકાસ-રસોઇ,સોડમ અને સ્વાદ એ જ છે.પરંતુ કાયમ બહાર જમનારને ઘરનું ખાવાનું સ્વાદિષ્ટ લાગશે જ !

***
સર્વધર્મ મંદિર- સર્વાનુમતે મંજૂર-

હું દક્ષીણ ભારત ના જે શહેરમાં રહુ છું. ત્યાંના સ્થાનિક કાર્યતંત્રની આ સહજ અને સામાન્ય વાત છે. ગયા વરસે એમની વાર્ષિક બજેટની મિટીંગ મળી,ત્યારે ખર્ચાના આંકડાઓ રિપોર્ટમાં બરાડા પાડીને બોલતા હતા કે આ વર્ષનું બજેટ ખાધવાળુ આવવાનું.રાષ્ટ્ર્ની રાજધાનીથી ઢગલેબંધ મદદો આવી હતી.પરંતુ,તેના વપરાશનો હિસાબ તપાસવા બાબતે સર્વાનુમતે મૌન રાખવાનું મંજુર થયું.હવે મોટો પશ્ન એ આવતો હતો કે,શહેરીજનોની સામે એ પ્રસ્તુત કરતા પહેલાં એને કેવીરીતે ખાધમાંથી બચાવવું?કાર્યતંત્રમાં ઘણાં બુધ્ધિશાળી લોકો હતાં. આમેય,એમની આવી બુધ્ધિ વગર રાજકારણને રસ્તે અહીં સુધી પહોંચી શકાય તેમ ન હતું.
પહેલી વાત કરકસરની આવી.તેમણે નક્કી કર્યુ કે તમામ સરકારી કર્મચારીઓએ અંગત કરકસર કરવી.ઓફીસમાં એ.સી.,ચા,કૉફી વગેરેના વપરાશ પર નિયંત્રણ કરવું.પરંતુ તેથી બજેટને કંઈ જ ફરક પડયો નહી.
એક સદસ્યએ દરખાસ્ત મુકી કે જે કાંઈ બાંધકામો અને શહેરીવિકાસના કામો હાલ પુરતાં બંધ રાખીએ તો આ સમસ્યા ચપટીવારમાં ઉકલી જાય એમ છે.અને એજ કામો ટર્મ પુરી થવા આવે એટલે શરુ કરી દેવા.
પરંતુ-જણતર અટકે તો,ચણતર અટકે.‘વણલખ્યા આ નિયમે આ દ્દરખાસ્તનો ધરમૂળથી છેદ ઉડાડીદીધો.ઘણી દલીલો,સજેશનો અને વિચારો પછી,એક સભ્ય,સુરક્ષિત સમાજના ઘડતર માટે-
‘પૉલીસ ભરતી,પગારધોરણ અને ઈન્ક્રીમેન્ટ ઉપર કાપ મુકવો.‘ -સર્વાનુમતે મંજૂર…
‘શિક્ષક ભરતી,પગારધોરણ અને ઈન્ક્રીમેન્ટ ઉપર કાપ મુકવો.‘-સર્વાનુમતે મંજૂર…

આ જ શહેરમાં ગુજરાતીઓ પણ આ જ રીતનુ સર્વધર્મ મંદિર ચલાવે છે. અને તેના નવરા, બુધ્ધિહીનની સંપુર્ણ વ્યાખ્યામાં આવે તેવા, કામ વગરના પ્રમુખ,ભુતપુર્વ પ્રમુખો લોકોને ત્રાસ આપવાનું કામ સક્રિયરીતે કરે છે. અહી એ જૂનાં સર્વધર્મ મંદિરના જીર્ણોધ્ધાર માટે એમની કમિટીએ આવું કંઈક નક્કી કર્યુ

૧,મંદિર જે જગ્યાએ છે તે જગ્યાએ જ બાંધવું. સર્વાનુમતે મંજૂર

.૨,અદ્યતન મંદિર માટે ફાળો દાનના માધ્યમે ભેગો કરવો. સર્વાનુમતે મંજૂર.

૩,એન્ટીક વૅલ્યુ ધરાવતો સામાન ઉપયોગમાં જેવો. સર્વાનુમતે મંજૂર.

૪,જ્યાં સુધી નવું મંદિર બંઘાય નહીં ત્યાં સુધી જૂનું મંદિર તોડવું નહીં. સર્વાનુમતે મંજૂર.

***
સાડી છત્રીસ-

દીપક,એકવડિયું શરીર પણ જુસ્સાદાર અને બુધ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવતો છોકરો હતો નાનપણથી જ ગાંધીજીના અંતેવાસી દાદાજીના મુખેથી સ્વાતંત્ર્યય સંગ્રામની વાતો સાંભળેલી. અંગ્રેજી રાજ્યની જોહુકમી અને ભારતવાસીઓએ ભોગવેલી ગુલામીની વાતો સાંભળી ને એના રુંવાડા ઊભા થઈ જતાં.નિશાળમાં પણ એને શહીદ ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને નેતાજી ની વાતો એને રોમાંચિત કરતી.

અંગ્રેજોથી આઝાદ થયા પછી પણ,ભ્રષ્ટ રાજકારણીઓ,નિરક્ષરતા અને અંધવિશ્વાસમાં હજી પણ ગુલામ જેવી દશામાં અને પડોશી દેશની ત્રાસવાદી પ્રવૃ તિઓથી ભયના ઓથાર નીચે જીવતા દેશવાસીઓ માટે દાદાજી ને ચિંતા થતી. ત્યારથી જ એણે નક્કી કરેલું કે પોતાનું જીવન એ દેશને સમર્પિત કરશે. હાઈસ્કુલ પુરી કરતાં સુધીમાં એણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય પાકો કરી લીધો. તેની તૈયારીના ભાગરુપ એણે પોતાના શરીરને કસવાનું શરુ કરી દીધું.નિયમિત કસરત અને તંદુરસ્ત આહારથી એનું શરીર કસાવા લાગ્યું.એને પોતાની બુધ્ધિને પણ બધી પ્રકારના વાંચન અને પરીક્ષાઓથી ધારદાર બનાવવા માંડી.

કોલૅજ શરુ કરી.એન.સી.સી.માં જોડાઈ,વરસ પુરું થતામ જ ‘બેસ્ટ શૂટર‘અને ‘બેસ્ટ કૅડૅટ‘નો ખિતાબ જીતી લીધો.રમત-ગમતના ટોચના ખેલાડીના બધાં જ સર્ટિફિકેટૉ એને પોતાને નામ કરી લીધાં. કોલૅજના છેલ્લા વરસમાં હતો ત્યારે એને જેની મહત્વ્કાંક્ષાં હતી,તે દિવસ આવ્યો. ભારતીય લશ્કરનો ભરતી મેળો. લેખિત પરીક્ષાઓમાં તે સર્વપ્રથમ રહ્યો.દોડ,લાંબી કુદ,ઊચી કુદ જેવી દરેક સાંધિક રમતોમાં તે પ્રથમ રહ્યો.તબીબી તપાસમાં તે પાસ થયો. હવે એની ભરતી નક્કી જ એવું મનાવા લાગ્યું. શારિરીક લાયકાતમાં તે ઊભો રહ્યો-

નામ-દીપકકુમાર,

ઉંચાઈ-૬‘૧”

વજન-૬૮ કિ.ગ્રા.

છાતી-ફુલાવ્યા વગરઃ૩૨”,ફુલાવ્યા પછીઃ૩૪અને૧/૨”.

અને એ નાપાસ થયો,લશ્કરના કાયદા પ્રમાણે છાતી સાડી છત્રીસ જરુરી હતી.

એ નાસીપાસ થયો, હતાશ થયો.

બીજા દિવસે, ગામના તળાવમાંથી મળેલ લાશનું પોલીસ પંચનામું કરી રહી હતી.

નામ-દીપકકુમાર,

ઉચાઈ-૬‘૧”

વજન-આશરે ૭૫ કિગ્રા.

છાતી-૩૬અને૧/૨”.

***
મોર ના પીંછા-

મનીષા અને ઈશિતા,ગામડેથી શહેરમાં ૧૦ વરસથી વસવાટ કરી રહેલ,ઉચ્ચમધ્યમ વર્ગના
સંસ્કારી કુટુંબની લાયક દીકરીઓ હતી. ગામડાના સંસ્કાર અને મર્યાદાઓને તેના મૂળરુપે સાચવીને જીવતી મનીષા-સાધારણ શ્યામ, પણ ઘાટીલી અને દેખાવડી,સહેજ નીચી હતી. ભણવામાં નિપુણ અને સંગીતમાં રસ ધરાવતી હતી.પગની ઘૂંટી પણ જો કોઈને દેખાય જાય તો પણ તેને મર્યાદાનું ઉલ્લંઘન લાગતું. ફિલ્મી ગીતોની જગ્યાએ એના મનમાં રાધા અને મીરાએ વસવાટ કીધો હતો.
આ છોકરીની નાની બહેન ઈશિતા,મનીષાના સ્વભાવથી તદ્દન વિરુધ્ધ, સ્લીવલેસ ટૉપ કે શોર્ટ પહેરવું.ફિલ્મી ગીતોથી માંડીને અંગ્રેજી રૅપ ગાવા. છોકરાઓ સાથે બિન્દાસ્ત વાતો કરવી.અવળચંડી કોમેન્ટ કરનાર પર સેન્ડલ ચલાવી જાણતી.
આમને આમ,બંને છોકરીઓ ઉંમરલાયક થઈ.સ્વાભાવિક રીતે મા-બાપને જલ્દી હાથ પીળા કરીને, ઠેકાણે પાડવાની ચિંતા થાય.ભણેલ અને સંસ્કારી દીકરી માટે વાતો આવતી પરંતુ, ગાંધી અને સ્વામી વિવેકાનંદની પ્રેમની વ્યાખ્યા જાણતી આ છોકરીમાં કોઈપણ મૂરતિયાને ‘મૅડાના કે મલ્લિકા‘નજરે ચડતી નહી.સ્થાનિક સમાજમાં આ રુપાળીનું નામ લગભગ‘મણિબેન‘થઈ ગયેલું.

આ જોયા પછી ઈશિતાએ મનીષાને સખી ભાવે કહ્યું-

“શું કામ આ બધી મર્યાદાઓ ના પોટલાંઓ ઉંચકીને જીવે છે ?”

“કેમ, એમાં શું ખરાબ છે ?”

“ખરાબી એમાં નથી,શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરવાનો દુરાગ્રહ આદર્શ નથી, મુર્ખાઈ છે.”

“તને ખબર નથી,શિસ્ત જીવનમાં જરુરી છે,અને…”

“કેવી શિસ્ત ? તો પછી વસંતનું પતંગિયું વ્યભિચારી થયું ને ?”

“તને કેમ સમજ નથી પડતી,આ રીતની જિંદગી એ વ્યભિચાર…”

“અરે પણ ! આપણે ક્યાં નાગા થઈને ફરવું છે.થોડી મુકતપણે જીવતાં શીખ,તારી બુધ્ધિને
થોડોક આધુનિકતાનો ઓપ આપ.”

“ભલે…જોઈએ તો”

અને ઈશિતાએ મનીષાને શીખવવાનું શરુ કર્યું.મનીષા શીખતી ગઈ.

ત્રણેક મહિના પછી,મનીષાને એક સ્માર્ટ કહેવાતો છોકરો જોવા માટે આવ્યો.ઔપચારિક વાતો પછી એણે મનીષાને બહાર લઈ જવાની વાત કરી.મનીષા એની સાથે બહાર જવા તૈયાર થઈ. પેલો છોકરો અને મનીષા બે-એક કલાક બહાર ફર્યા,થાય એટલા વિચારોની આપ-લે કરી.

બીજા દિવસે, પેલા છોકરાના સંબંધી તરફથી સાંભળવા મળ્યું કે-

“છોકરી સારી છે.પરંતુ મુકત સ્વભાવની હોય એટલે કદાચ…?”

***

This entry was posted in કીરીટ ગો. ભક્તા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to ખરતો તારો-કિરીટકુમાર ગો. ભક્ત

  1. તમારા વિચારો જેવી જ ધારદાર વાર્તાઓ છે.

Comments are closed.