ત્રણ ગઝલો – આદિલ મન્સૂરી


****રસ્તા સુધી આવો****
 

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચીં દઉં તમે સપના સુધી આવો

તમારા નામનાં સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશ્ તો તે પછી ચર્ચા ય માંડીશુ
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરૂં કોશિ્શ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો

****ઝાકળની નદી મળશે****
તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

          
તિમિરની ભેખડો ચારેતરફથી જયાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

         
સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
 નિરાશના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

           
પ્રપંચોના બધાં શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જયારે મહાછળની નદી મળશે

           
તમે મુકિ્તનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

          
તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે ‘આદિલ’
પછી જો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

****વિસ્તરવા માંડી છે****

તિમિર ને તેજની પેલી તરફ વિસ્તરવા માંડી છે
આ ઢળતી રાતની પાંદડીઓ પાછી ખરવા માંડી છે

હજી હમણાં જ મોસમ આવીને આ ડાળ પર બેઠી
અને ખિસકોલી કાચું ફળ લઈ કોતરવા માંડી છે

સમંદર પાણી પાણી થઈ ગયો છે દૂરથી જોઈ
મરેલી માછલીઓ ઝાંઝવામાં તરવા માંડી છે

ક્ષિતિજનાં જંગલોમાં માર્ગ ભૂલી કામધેનુઓ
ને ઢળતા સૂર્ય સાથે સાંજ પણ ભાંભરવા માંડી છે

ઊતરતા જાય છે આકારના ઓળાઓ કાગળ પર
અને આ મૂંગી લાગણીઓ ફરી અક્ષરવા માંડી છે

અરે આ તૂટલી હોડી અને ફાટેલ શઢ ‘આદિલ’
ને શ્વાસેશ્વાસમાં ઊંડે હવા ફરફરવા માંડી  છે

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

One Response to ત્રણ ગઝલો – આદિલ મન્સૂરી

  1. manish says:

    i like gujarati & sahitya

Comments are closed.