પૂછો – રમેશ પારેખ.

પૂછો કે pen માં ય ફરે ઝાંઝવાં, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બ્હાવરાં, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બ્હાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણાં, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું, વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતુ, વેદના, તો હા.

ઉપલેટાથી અમિતભાઇ પિસાવડીયાઆએ આ કવિતા ટાઇપ કરીને મોકલી તે બદલ આભાર.

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.

One Response to પૂછો – રમેશ પારેખ.

  1. “તો હા” જેવા અજુગતા જણાતા રદીફને લઈને પણ ચમત્કૃતિ સર્જી શકે એનું જ નામ ર.પા.

Comments are closed.