આવું અજવાળું.-શોભિત દેસાઇ.

 

આવું અજવાળું ના ઉગે ધણમાં ! કૈક જાદુ હશે રબારણમાં !

આજે તેં આંખ ફેરવી લીધી,કાલે બેઠોતો તારી પાંપણમાં.

સહે…..જ ઉમ્મર વધી હો વર્ષાની,એવું લાગી રહ્યું છે શ્રાવણમાં. 

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલાં,દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં.

 રેતી આવી રુપાળી તો ના હોય !ક્યાંક કૂવો છુપાયો છે રણમાં.

હા,લીલો કાચ જેવો મુંઝારો,વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

******

આપણું હોવું.

એમ આ અસ્તિત્વ ખોવું જોઇએ,

આપણું હોવું ન હોવું જોઇએ.

સાવ વેરણ સ્વપ્ન મારું થઇ ગયું,

એમનું ઘર આ જ હોવું જોઇએ.

તર્જની ! અશ્રુ નથી તો ગમ ન કર,

આપણે રણને ય લ્હોવું જોઇએ.

ડાઘ ભાષા પર પ્રસરતાં જાય છે,

મૌનનું આ વસ્ત્ર ધોવું જોઇએ.

ના બને ઘોંઘાટ,ઝાંઝર કીડીનાં,

દોસ્ત ! દુ:ખ એ રીતે રોવું જોઇએ.

શોભિત દેસાઇ.

This entry was posted in ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to આવું અજવાળું.-શોભિત દેસાઇ.

 1. સુંદર ગઝલ-યુગ્મ.

  સહે…..જ ઉમ્મર વધી હો વર્ષાની,
  એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.
  -કેટલી સરસ વાત… તરત જ મન ભીનું થઈ જાય!

  એમ આ અસ્તિત્વ ખોવું જોઇએ,
  આપણું હોવું ન હોવું જોઇએ.
  -સચોટ શેર… વાહ! ઉસ્તાદ, વાહ!

 2. સુંદર રચનાઓ !!!
  આભાર.

Comments are closed.