બેઅસર દુઆઓ – મોહમ્મદ અલી પરમાર

 

દુઆ તો હું કરૂં છું પણ નથી જોતો અસર કોઇ
કમી છે શું દુઆઓમાં નથી તેની ખબર કોઇ

હું જે માગું મને જલ્દી મળે તત્પરતા છે એવી
ભલે માગું તે આવી મારી બૂરી લે ખબર કોઇ

કલમબંધ થાય છે શું કર્મ મારાં ગેબી દુનીયામા
અગર એમ હોય તો પણ ક્યાં મને તેનો છે ડર કોઇ

ઘણી ધર્મગ્રંથોની વાતો કરે છે ધર્મવાળાઓ
ન જોયા ધર્મવાળા મેં જગતમાં ગરજ વગર કોઇ

છે સાચો કોણ કે ખોટો સુફી કે સંત દુનિયામાં
ખબર ક્યાંથી પડે જો હોય ના દિવ્ય નજર કોઇ

ગગનચુમી ઇમારત થાય ભસ્મીભૂત જે યુગમાં
સુરક્ષિત ક્યાં રહ્યું છે જગમાં કોઇનુયે ઘર કોઇ

હશે વિદ્વાન અને ડહાપણ ભરેલા માનવી જગમાં
ચીરે અસત્યનો પડદો નથી એવુ જીગર કોઇ

અવસ્થા જે હતી જંગલી નથી બદલાઇ દિલ અંદર
અસત્યની અધર્મની છે એવી દુષ્ટ અસર કોઇ

This entry was posted in મોહમ્મદઅલી પરમાર, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.