આધુનિક યુગનાં પુણ્યો – મીનાક્ષી ચંદારાણા

( વાપી થી શ્રી ગોપાલ પરીખે આ લેખ ટાઇપ કરીને મોકલ્યો તે બદલ તેમનો આભાર.) 

આપણાં શાસ્ત્રો-પુરાણોએ જુદા જુદા ગ્રંથો દ્વારા આપણને પાપ-પુણ્યની વિભાવના આપી છે. જેમ કે ગરીબ(વંચિતો), ગાય (સમૃધ્ધિનો સ્ત્રોત), અને બ્રાહ્મણ(વિધા આપનાર) ને ખવડાવવું તે પુણ્ય. બિલાડી જેવું બિન-ઉત્પાદક પ્રાણી પણ ગુસ્સામાં તો નહીં, ભૂલેચુકે પણ આપણાથી મરી જાય તો સોનાની બિલાડીના મૂલ્યનું પાપ. પર્યાવરણની જાળવણી માટે કેવો સરસ ઉપાય ! આવા ઘણા નિયમો હતા, જેને અનુસરીને સામાન્ય માણસ પાપબોધથી બચી શકે, દરેક વ્યકિતને સારી રીતે જીવન જીવવા માટે એક સરળ માળખું મળે અને સમાજમાં સૌની સગવડ સચવાય. પરંતુ શું એ માળખું આજના યુગમાં પણ પ્રસ્તુત છે?

પાપ અને પુણ્યની વ્યાખ્યાની મથામણ દર્શાવતી ભગવતીચરણ વર્માની નવલકથા ‘ચિત્રલેખા’ પરથી વર્ષો પહેલાં એક સરસ ફિલ્મ બની હતી – ‘ચિત્રલેખા.’ તેનું એક સુંદર ગીત છે જે આખી નવલકથાનો મધ્યવર્તી વિચાર પણ છે. ‘હર યુગમેં બદલતે ધર્મો કા કૈસે આદર્શ બનાઓગે, ઇન્સાન સે ભાગે ફીરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે.’ યુગ બદલાય છે તેમ યુગધર્મ પણ બદલાય છે.

આજથી પચાસ વરસ પહેલાંની જ વાત લ્યો, તો એ વખતે પણ શહેરી મધ્યમવર્ગ પુણ્ય કમાવાની બાબતમાં એક્દમ સંતુષ્ટ હતો, કારણ કે એ વખતે પુણ્ય કમાવાના સ્ત્રોત ઘણા હતા. બહુમાળી મકાનો ન હતાં એટલે ગાય-કૂતરાંને ખવડાવવું (એટલે કે સામી કશી અપેક્ષા વિના નિયમિતપણે કોઇને આપી શકવું) સરળ હતું. મુસાફરી અઘરી હતી અને હોટલ બહુ ઓછી હતી તેથી અભાગ્યતને જમાડીને કૃત્કૃત્યતાની ભાવના અનુભવાતી હતી. સમાજ દ્વારા શોષિતોનો એક અલગ જ વર્ગ હતો જેને ‘હલકાવરણ’ ના નામે ઓળખવામાં આવતો હતો. એ શોષિત-વંચિત વર્ગને સાવ નહીં જેવી મદદથી ઉપકૃત કરીને થોકબંધ દુવાઓ સહેલાઇથી મેળવી શકાતી હતી. મહાન કારીગરો સિવાયના કારીગર વર્ગ (સુથાર, લુહાર, કુંભાર, કંસારા, કડિયા, મોચી વગેરે)ની સમાજને બહુ કિમત ન હતી તેથી એમને એમના હુન્નરના બદલામાં આર્થિક વળતર પણ ખાસ આપવામાં આવતું ન હતું. એટલે આવા વર્ગને પણ થોડાં વધારે પૈસા કે અનાજ આપીને ઉપકૃત કરી શકાતો હતો. દીકરીઓને સાસરામા બહુ ત્રાસ રહેતો, એટલે પરણાવેલી બહેન પિયર આવે ત્યારે થોડું સાચવીને પણ ‘પુણ્ય કમાયા’ ની ભાવના માણસને આત્મસંતોષથી છલોછલ રાખતી હતી. પુણ્ય થાય કે ન થાય, પુણ્ય કર્યાનો અહમ પોષાતો હતો.

જમાનો ઘણો બદલાઇ ગયો છે.
એક તો ફલેટમાં રહેનાર માટે ગાય-કૂતરાંને ખવડાવવું અઘરું છે. વળી ગાય-કૂતરાંને રોટલો નાખવાં જતાં, ગાય શેરી બગાડે તો આખી સોસાયટીના વચનો સાંભળવા પડે. અભ્યાગત સમજી જમાડો તો એ લૂંટીને જતાં રહે. સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતામાં ઘણો સુધારો થયો હોવાથી બહેનો-દીકરીઓને આપવામાં જો જરાય ‘મદદ કર્યાનો’ ભાવ રાખો, તો તેઓ એને સવિનય કે અવિનય નકારી પણ દે.

તો શું હવે પુણ્ય કમાવાનું શક્ય નથી ? ખાલી હાથે આવ્યો, ને ખાલી મનથી જતાં રહેવાનું?
સાવ એવું નથી. ભર્યા મનથી, આત્મસંતોષ સાથે જીવી શકાય છે. આપણી સંવેદનાની જરૂર હજી પણ છે, ડગલે ને પગલે છે. પણ થોડું જાગૃત રહેવું પડે. પુણ્યના આયામો અને ક્ષેત્રો દિવસે દિવસે બદલાતાં જાય છે. હજુ પણ બદલાશે.

પહેલું પુણ્ય તે જાતે નર્યા. દેશી-વિદેશી ખાધચીજોની ભરમારમાં તંદુરસ્તી જાળવવી તે એક પડકાર છે. જાતને નરવી રાખવી તે એક આકરી તપસ્યા છે. પ્રદૂષિત હવા-પાણી અને ખોરાકનો વાંક તો છે જ, વિજ્ઞાનના વિકાસને પગલે આપણું ખાઉધરાપણું પણ બહુ વધી ગયું છે. એટલે તો પ્રાકૃતિક ચિકિત્સક ડૉ.મહેરવાન ભમગરા માણસજાતને ‘ધરતી માતાના વંઠેલા સંતાન’ તરીકે ઓળખાવે છે. આપણાં ખોરાકનું પ્રમાણ વધવાની સાથે વિવિધ યંત્રોના પ્રતાપે શ્રમનું પ્રમાણ ઘટતું જાય છે. આ અસંતુલન બ્લડપ્રેસર, ડાયાબિટીસ જેવા જાત-જાતનાં રોગો ઊભા કરે છે, જેનાથી પોતાને તો નુકશાન થાય જ છે, પણ કુટુંબીજનોના રોજિંદા કામકાજ પર વિપરીત અસર થાય છે. મેદસ્વી સ્ત્રી-પુરુષો સામાન્ય કામો પણ બીજા પર લાદ્યા કરે છે. ભૂકંપ કે પૂર જેવી આફતોમાં મેદસ્વી વ્યક્તિઓને કારણે કામ ખૂબ જ અઘરું બની જાય છે. એટલે, જીભના સ્વાદ ખાતર હાથે કરીને રોગ ઊભા ન કરવા અને જાતને જાળવી રાખવી એ પહેલું પુણ્ય છે.

આવતીકાલના નાગરિકોને સ્વસ્થ તન-મનની ભેટ આપવી એ બીજું પુણ્ય કહી શકાય. નવી પેઢીની તંદુરસ્તીના મોટા દુશ્મન છે કૃત્રિમ સુગંઘ, કલર, પ્રીઝર્વેટીવ વગેરે. તૈયાર પેકમાં મળતી વેફરથી માંડીને આઇસ્ક્રીમ, કેક, પેસ્ટ્રી, ચોકલેટ…કંઇ કંઇ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે આકર્ષક રૂપ રંગ ધારણ કરે છે એ બધું હવે બહુ જાણીતું થઇ ગયું છે. એની આડઅસરો પણ જાણીતી થઇ ગઇ છે. છતાં, માબાપ થોડાં લાડ અને વધારે કંટાળાને કારણે અને કેટલાક કેસમાં આળસને કારણે બાળકોને જે-તે ખવડાવે છે. કૃત્રિમ ખાધપદાર્થોથી બાળકોને બચાવવાં હોય તો ચોકલેટ, બિસ્કિટ, ઠંડા પીણા અને બીજી અનેક ચીજો ઘરે બનાવાની માથાકૂટ વહોરવી પડે અથવા એના વિકલ્પો પૂરા પાડવા પડે. આ અઘરું છે, પરંતુ આ જ પુણ્ય છે. લાખ રૂપિયાનું પુણ્ય છે, કેમ કે લાખ રૂપિયાની ફિકસ ડિપોઝિટ બે માંદગીમાં વપરાઇ જશે, પણ બાળક તંદુરસ્ત હશે તો એનું મન પણ તંદુરસ્ત રહેશે, માંદગીમાં પૈસા જશે નહીં અને પ્રગતિનું બોનસ મળશે.

વિજ્ઞાનના ઝડપી વિકાસના કારણે પેઢીઓ વચ્ચેનું અંતર બહુ જ વધતું જાય છે. વળી ઘણી વખત વૃધ્ધ વ્યકિતના અહમ એટલા બળવાન બની જાય છે કે એમનાં માટે મનમાં લાગણી હોવા છતાં એમને અનુકૂળ થઇને જીવવાનું શક્ય જ નથી હોતું. એમના આગ્રહો પણ ઘણી વાર બહુ જ જડ હોય છે. પણ જેમને આપણને જન્મ આપ્યો અને આપણા તરફની મમતાને કારણે અનેક ભોગ આપ્યા એમની આંતરડી તો ઠારી શકાય. મોટે ભાગે વૃધ્ધોને ચટાકેદાર, ચટપટું ખાવાનું બહુ ભાવતું હોય છે. પણ શારીરિક અને આર્થિક પરવશતાને કારણે એ વ્યકત કરતા નથી. પ્રેમ અને કાળજીથી એમની આ માંગ પૂરી કરવામાં આવે તો મોટાભાગનાં વૃધ્ધો સુખી થઇ જતાં હોય છે. એમનું મન ભર્યુ રહે છે. ઉપરાંત, વૃધ્ધ મા કે બાપ પાસે બેસીને દીકરો કે વહુ એમની જૂની વાતો રોજે દસ મિનિટ પણ સાંભળે તો બીજી કોઇ વાતમાં મતભેદ થતાં સવિનય પોતાનો મત-આગ્રહ જણાવવાથી વૃધ્ધો એટલાં નારાજ થતાં નથી. આ થયું કૃતજ્ઞતાનું પુણ્ય.

આવી જ કૃતજ્ઞતાથી હજુ એક પુણ્ય કમાઇ શકાય છે. વિચાર કરીશું, તો ખ્યાલ આવશે કે સામાન્ય રીતે જે મહિનામાં ચાર રવિવાર સિવાયની કોઇ રજા ન આવી હોય એ મહિનો આપણને બહુ આકરો લાગે છે. અઠવાડિયાના શ્રમ પછી શરીર, મન આરામ માંગે છે અને કુટુંબજીવન એટેન્શન માગે છે. પણ કામવાળી મહિનામાં ચાર દિવસ પણ ન આવે તો આપણે ચલાવતા નથી કારણકે આપણે તેને મહિનાના સો-બસ્સો-પાંચસો રૂપિયા, વધેલું ખાવાનું અને ઊતરેલા કપડાં પૂરાં પાડીએ છીએ. એટલે કે, જેને પણ આપણે આપણા ખિસ્સામાંથી કંઇક આપીએ છીએ એની પોતાની જિંદગી હોવી જોઇએ એવું સ્વીકારવા પણ આપણે તૈયાર નથી હોતા. સામાજિક, આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ સહુનાં જીવનમાં આવે છે. આપણી નીચે કામ કરનારાં, આપણા જેટલી સગવડો નથી પામતાં હોતાં એ સમજીને તેમના કપરાં સમયે સહાનુભૂતિથી વર્તીએ તો તેમનાં દિલ જીતી શકીએ. બાકી તો વંચિતોનો ક્રોધાગ્નિ જાગે ત્યારે, આપણા કવિ ઉમાશંકર જોષીએ કહ્યું છે તેમ, ‘ખંડેરની ભસ્મકરણી ન લાધશે…..’. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘રુદ્રનું ઋણ ભરપાઇ કર્યા વિના, વિષ્ણુનો કાનૂન અમલમાં આવતો નથી.’

ભૌતિક સગવડો અને સુખ એટલા વધી ગયાં છે કે જો આપણે પાછું વાળીને જોવાની ટેવ ના રાખીએ તો આપણે જડ, સંવેદનહીન બની જઇએ. સારા પ્રસંગોની ઉજવણી વખતે ગરીબ વર્ગને યાદ રાખવા જોઇએ. આપણાં બાળકોના જન્મદિને કે ગૃહપ્રવેશ જેવા પ્રસંગે આપણે ખર્ચ કરીને સમાન આર્થિક વર્ગના લોકોને પાર્ટી આપીએ છીએ કે જમણવાર રાખીએ છીએ ત્યારે જેને સમયની પછડાટ લાગી છે એવી વ્યક્તિઓ માટે આપણે આપણા થનારા ખર્ચના 10 ટકા પણ આપી શકીએ તો આપણાં બાળકો ઉડાઉ, છીછરાં છેલબટાઉ અને સ્વાર્થી થવામાંથી ઊગરી જશે.

જાહેર સેવાઓની અવ્યવસ્થા બદલ અવાજ ઉઠાવવાની ટેવ રાખવી. મોટેભાગે તો કોઇ વિરોધ ન કરતું હોવાને કારણે જ જાહેર સેવાઓ (સરકારી દવાખાના, બેંક, પોસ્ટ ઑફિસ વગેરે)માં લાલિયાવાડી ચાલતી હોય છે. ભલે આપણે કાયદો ન જાણતા હોઇએ તો પણ પ્રેક્ટિકલી જે વાત આપણને તદ્દન ખોટી લાગતી હોય તેનો જોરપૂર્વક વિરોધ કરવો જ જોઇએ. આનો લાભ બીજા ન બોલનારને પણ મળે છે અને ઘણા ન બોલતા લોકો આપણને જોઇને બોલતા પણ થાય છે. આદર્શ રાષ્ટ્રના ઘડતરમાં આ વસ્તુ એક્દમ પરોક્ષ અને છતાં મહત્વનો ફાળો આપે છે.

આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરતાં હોઇએ, નોકરી, ધંધો કે પછી માત્ર ઘર ચલાવવું, આધુનિક પ્રવાહોથી અપડેઇટ રહેવાથી આપણે નવી પેઢીને સમજી શકીએ છીએ અને નવી પેઢી આપણા અભિપ્રાયોમાં વિશ્વાસ મૂકી શકે છે. જેથી ક્લેશ થતો નથી. પર્યાવરણની જાળવણી એ આજની તાતી જરૂરિયાત છે. પ્રદૂષણ ન થાય એ માટેનાં શક્ય વ્યકિતગત પગલાં સહુએ લેવાં જોઇએ. ઉપરાંત વૃક્ષોનું સંવર્ધન અને જતન કરી શકાય, સૂર્યકૂકર વાપરી શકાય, સાઇકલ ચલાવી શકાય, વીજળીનો બિનજરૂરી વ્યય રોકી શકાય. વૃક્ષ શક્ય ન હોય તો કૂંડા રાખી પર્યાવરણને જીવંત રાખી શકાય. આ જ રીતે જાહેર મિલકતોની જાળવણી પણ જરૂરી છે. બસની સીટો ફાડવી, જાહેર શૌચાલયો બગાડવાં, બગીચાના બાંકડા તોડવા આ બધાંથી એક પ્રકારની બેજવાબદાર વિચારસરણીનો ફેલોવો થાય છે. અને એ બે જવાબદાર વિચારસરણી જયારે બેદર્દ બનીને આપણને તોડે ત્યારે તે સમાજને અસ્તવ્યસ્ત કરી મૂકે છે અને ધીમે ધીમે અરાજકતાનું વાતાવરણ રચાતું જાય છે.

આજે વાહનોનો વપરાશ ખૂબ વધ્યો છે. વળી ટ્રાફિકના પ્રમાણમાં રસ્તાઓ પહોળા હોતા નથી. એ સંજોગોમાં આપણી ટ્રાફિકસેન્સ ખૂબ જવાબદાર હોવી ઘટે. આજકાલ બાળકો માટે પણ વાહનો જરૂરી થયાં છે, પણ ઘણાં બાળકોના હાથમાં વાહન આવતાં વાંદરાને દારૂ પાયા જેવો ઘાટ થાય છે, જે મોટા અક્સ્માતો સર્જી શકે છે. જરા સરખી નાદાની કે બેદરકારીનાં ફળ આ બાબતમાં ભંયકર હોઇ શકે છે. વિક્સતા દેશોના નાગરિકો માટે ટ્રાફિકસેન્સ કે અનિવાર્ય જરૂરીયાત છે.

ભ્રૂણપરીક્ષણ સરળ બન્યું છે ત્યારથી આપણે આપણી માનવતા, ધર્મ, સંસ્કાર બધું નેવે મૂકીને ઠંડે કલેજે ભ્રૂણહત્યા તરફ વળ્યા છીએ. માણસાઇની વાત બાજુ પર મૂકો તો પણ, આપણી જ નવી પેઢીને સામાજિક અસંતુલન સ્વરૂપે આ પ્રશ્ન નડવાનો છે. આપણે આપણી પછીની પેઢીમાટે સંપત્તિ મૂકી જવા બાબતે ખૂબ જ જાગૃત રહીએ છીએ, પરંતુ તેમને માટે અસાધ્ય પ્રશ્નો ના મૂકે જઇએ તેના માટે એવા જાગૃત રહેતા નથી. ઘણાં સમૃધ્ધ અને સુખી ઘરોમાં જ્યારે ઉપરાછાપરી દારિદ્રય, કંકાસ કે રોગના હુમલા થવા લાગે ત્યારે લોકો કહે છે કે, ‘પનોતી બેઠી’, ‘શનિની દશા બેઠી’ અને ‘સાત વરસે જશે’ પણ મને લાગે છે કે એ આપણા સંચિત કર્મો નું જ ફળ હોય છે. જ્યારે શારીરિક શક્તિ, સત્તા અને આર્થિક તાકાતનો હ્રાસ થવા લાગે છે ત્યારે આપણા અવગુણો જેમને નડ્યા હોય એ સંતાનો અને સગાંવહાલાં, મિત્ર સહિત બધા જ લોકો બેક્ટિરિયા અને વાઇરસની જેમ સક્રિય થાય છે આપણને ફોલી ખાવા માટે. જેને શુધ્ધ ગુજરાતીમાં કહેવાય છે ‘દશા બેઠી.’ ‘ગુડવીલ’ એ આપણી મોટી મૂડી છે, જે હંમેશા ‘ગુડલક’ ને ઇન્ફ્લુઅન્સ કરે છે, પ્રમૉટ કરે છે. કહે છે કે શિવલિંગને અજાણતા પણ બીલીપત્ર ચડી જાય તો ન્યાલ કરી દે છે, તો જેણે કલ્યાણદેવને સમજણ, સમભાવ, સહ્રદયતા અને સહિષ્ણુતાની વિધિપૂર્વકનાં બીલીપત્ર ચડાવ્યાં હોય, એની જીવનનૈયા ઝોલે ચડે ખરી?

આપણી સંસ્કૃતિમાં પુણ્યનો મહિમા ઘણો છે ? શું છે આ પુણ્ય ? કહે છે, પુણ્ય પરલોક માટેનું ભાથું છે. ભલે આપણામાંથી કોઇ પરલોક જોયાનો દાવો કરી શકે એમ નથી પણ એક વાત ચોક્કસ છે, કે આપણે કોઇનું સારું કર્યુ હોય તો તે આપણને અને આપણી પછીની પેઢીને પણ કામ લાગી શકે છે. એટલે…..ઇક ના ઇક શમ્મ અંધેરે મેં જલાયે રખીએ………..

This entry was posted in ચિંતન લેખ, પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to આધુનિક યુગનાં પુણ્યો – મીનાક્ષી ચંદારાણા

  1. gai, kutara, paxi,biladi, teva bija prani, paxi ne khavaravavu, pani pavu, dava karavi te aapani faraj chhe,bhagavane manas ne aabadhu kravani shakti, budhi aapi chhe, tenu upiyog kavo jove, tenathi potane ananad, ane santosh thai chhe, to dareke te kam karavu jove,

  2. pashu,paxi ne sachavava ni javabdari manusy ni chhe. te aapane palan karava ni chhe. jaisadguru

Comments are closed.