કન્યા-વિદાય -અનિલ જોશી

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

http://layastaro.com/?p=52

 આ ઉર્મિ કાવ્ય કોઇ પણ બાપ કે જેણે દિકરી વાળાવી છે તેની આંખ ભીની કરી દેવા સક્ષમ છે. આનંદ છે કે દિકરીને તેના સાસરે વળાવવી એ જિંદગીનુ એક મોટુ કાર્ય સંપન્ન થાય છે જે જન્મી હતી ત્યારથી જોવાતુ એક સ્વપ્ન હતુ પણ તેજ ઘટના બાપને માટે ઘરમાં હસતી નાનકડી પરીને પારકા દેશમાં કે પારકા ઘરમાં મોકલ્યા પછી સર્જાનાર શુન્યાવકાશ પણ ડરાવે છે. ચાલો આ કાવ્યનું રસ દર્શન કરીયે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે-

કેટલી ઉમદા કલ્પના..જે ફળીયામાં રુમઝુમ રમતી લાડલી આજથી તે ફળીયાની અનેક યાદોને લીધે કેશરિયાળા સાફા સાથે ફળીયું બનીને ચાલી. કવિની કાવ્ય કલા આ એક વાક્યમાં સંપૂર્ણ ખીલી છે. કવિએ તેમની કલ્પના શક્તિ નો પરિચય બાપની વ્યથા અને દિકરીની વ્યથા બંને સ્વરુપે આપ્યો છે.
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પાદર બેસી માવતરને રડતી આંખે જોતી દિકરીની વાત ફફડી ઉઠતી ઘરચોળાની ભાત તે તો અતિસુંદર અને ભીનુ ભીનુ સુંદર કલ્પન છે.તે રડે છે કારણ તેનાં સૌ પરિચિત પિયરીય હવે પરાય થવાનાં છે અને મનનાં માનેલા સાથે નવુ જીવન જીવવાનું છે
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે 
જાન વળાવી પાછા ફરેલ બાપનો ખાલીપો દીવડો થર થર કંપેનાં પ્રતિકથી બહુજ બળુકી રીતે અનિલ જોશી જેવો સમર્થ કવિ લખી શકે. ખડકી પાસે ઉભો રહીને દિકરીનું બચપણ જોવા ઇચ્છતો બાપ અજવાળુ ઝંખે તેમ કહીને મારા જેવા દરેક પિતાને કન્યાવિદાયનાંપ્રસંગે આવેલ આંખનાં પુર લવડાવી શકે છે  બહુ જ સુંદર રચના અને આવી એક જ રચનાથી તે કાવ્ય જગતમાં સંવેદનશીલ કવિ તરીકે પ્રસિધ્ધ થયાં. કન્યાવિદાય જેવો બહુ ખેડાયેલા વિષયમાં સંપૂર્ણ નવી તાજગી અને નવા કલ્પનો તેમને અને તેમની કૃતિને સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચતમ કક્ષા અપાવી છે. આ કવિ પાસે હજી આવી ઘણી કૃતિઓ મળશે તેવી અપેક્ષા.
વિજય શાહ

હ્યુસ્ટન (ટેક્ષાસ)

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ. Bookmark the permalink.

6 Responses to કન્યા-વિદાય -અનિલ જોશી

 1. ધવલ says:

  સુંદર !

 2. Suresh Jani says:

  આમ જ રસાસ્વાદ કરાવતા રહો.

 3. સુંદર ગીત અને એટલો જ સુંદર આસ્વાદ… અભિનંદન !

 4. Parul says:

  Aava sundar geet ne etlij sundartathi shri Purushottambhaie gaayuN chhe. tak male to Tahuko.com per jarurthi mukjo.

 5. pravinash1 says:

  નવી પરણેતર પાનેતરમા
  પિયરની પોથી પસવારે

 6. maheshwari says:

  very emotional.want to listen the song How?

Comments are closed.