ફીક્કો ફસ-3 ( લઘુ નવલકથા)

fikku-fas.gif

સાંજનાં ચારેક વાગ્યે વરંડામાં જઇ હાથ પગ ધોતા નજર હીનાનાં ઘર તરફ કરી તો કોઇ દેખાતુ નહોંતુ. શ્રાવણનો પહેલો સોમવાર અને મોદીની પોળનાં મહાદેવનં દર્શને જવાનો વાયદો કામિનીને કર્યો હતો. પાંચ વાગે પાણી આવશે ત્યારે ફરીથી ડોલ પાણી માટે બહાર આવશે ત્યારે હીના દેખાશે તો વાત તેમ વિચારીને અંદર જતો હતો ત્યાં બારણું ખુલ્યું આછા બદામી શર્ટ અને ઘેરા કથ્થાઇ બેલ બોટમમાં હીના ઉભી હતી.ચારુને ફરી પગમાં પાણી ભરાવાનાં ચાલુ થવા માંડ્યા અને છતા તેણી હિંમત કરીને હીના સામે હાથ હલાવ્યો..હીના મીઠુ મધ જેવું હસીને ઉભી રહી. જાણે કહેતી ન હોય બોલ મેરે રાજા. હવે ચારુમાં થોડી હિંમત આવી અને તેની મમ્મીને કહેતો હોય તેમ મોટા અવાજે બોલ્યો હા. હું જવાનો છું, પાંચ વાગ્યે મોદી પોળનાં મહાદેવનાં દર્શને. પછી ઇશારા થી હીના ને પુછ્યુ તુ આવીશ? એણે હા પાડી અને હસતી હસતી અંદર જતી રહી.મોદીની પોળ ચારુ ની ખડકી થી બે પોળ આઘી હતી. ચાલતા પાંચ મીનીટ થાય.કલાકનો સમય છે તેમાં તૈયાર થતા દસ મીનીટ ..કામિની અને તેની પલટન ને મળવા માટે જે તૈયારી કરવી પડે તેના કરતા અહિં વધુ કરવી પડે તેમ વિચારીને સવારે દાઢી કરી હતી છતા અત્યારે ફરી દાઢી કરવા તે બેઠો. કોણ જાણે કેમ તેનાં મનમાં હાસ્યનાં હિલ્લોળ ઉઠતા હતા.મનમાં વારંવાર પ્યાર હુઆ.. ઇકરાર હુઆ ની ધુન ગુંજતી હતી. દાઢી કરી સરસ રીતે નહાવું હતું પણ પાણી પાંચ વાગ્યે આવવાનુ હતુ તેથી કચવાતા મને ડોલનાં પાણી થી મોં સાબુ થે ધોયુ. અરીસામાં જોયુ તો થોડુંક ઝાંખુ લાગ્યું તેથી ફરી સાબુ લીધો..આ વખતે સુગંધી સાબુ લીધો અને બરોબર ઘસી ઘસીને ચહેરો સાફ કર્યો. આછો આછો પાવડર લગાડ્યો અને તેને ગમતા ફુલોની ભાત વાળા શર્ટંને ઇસ્ત્રી કરવા બેઠો અને લીલુ બોટલગ્રીન રંગનું પેંટ તે શર્ટની ભાતને સંપૂર્ણ મેચ થતુ હતુ તે પહેર્યુ.ત્યાં બાજુનાં રુમમાંથી જૈમિનને છાનો રાખતી જયાભાભીનો અવાજ આવ્યો અને ચારુ બહાર નીકળ્યો. રસોડામાંથી મમ્મી એ કહ્યુ ચારુ ચા મુકું? મારી અને જયાની મુકુ છુ.ચારુએ ઘડીયાળમાં જોયુ તો હજી સાડા ચાર થયા હતા એટલે હકાર માં માથુ હલાવ્યુ અને બહાર દિવાનખંડનાં હિંચકે બેઠો.તેને મનમાં થયું આજે આ સમયને શું થયું છે? હજી પાંચ વાગતા જ નથી…છાપુ ફેરવ્યું. પેનથી બે ચાર કુંડાળા કર્યા અને બબડ્યો. આ સમયને શું કહેવું? તૈયાર થઇને બેઠો છું ત્યારે તે ચાલે કીડી વેગે. મમ્મી તે વખતે ચા નો કપ લઇને આવ્યા અને આ બડબડાટ સાંભળ્યો અને પુછ્યું ચારુ શું એકલો એકલો બબડે છે?કંઇ નહિ આ જગન આવ્યો નથી તેથી. આજે શ્રાવણી સોમવાર છે તેથી મંદિરે જવાનાં છીયે.મમ્મીએ આશ્ચર્ય ચકીત અવાજે પુછ્યું તે જગન વળી ક્યારથી મંદિરે આવતો થયો?ચા પીતા પીતા ચારુ બોલ્યો મમ્મી ચા સરસ બની છે.વાત્ને બીજે વાળી પાંચનાં ટકોરે તે ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે જયાની ચકોર દ્રષ્ટી માપી ચુકી હતી કે ચારુભાઇ આજે કોઇ અનેરી મૂડમાં છે.પોળમાંથી બહાર નીકળતો હતો અને એક બાજુથી કામિની અને મધુ આવતા દેખાયા અને સામે ની બાજુથી હીના ઘરમાંથી નીકળી.ચારુ ને પહેલી વખત તેનો મુક્ત વહેવાર બંધન રુપ લાગ્યો છતા તેણે હીના તરફ હાથ હલાવ્યો અને હીનાએ પણ તેના તરફ જવા પગ ઉપાડ્યા.ગામફોઇ સવિતા આ ચાળો જોઇ ગઇ. કહે છેને દો દિલોકે મીલને સે સો દીયે જલ જાતે હૈ પણ અહિ તો જુદુ હતુ દો દિલોકે મીલને સે સો દિલે જલ જાતે હૈ…જેમાં ગામફોઇ સવિતા ઉપરાંત કામિની પલટન અને કિશન પણ હતો.(ક્રમશ:)

This entry was posted in રચનાનો પ્રકાર, લઘુ નવલકથા, વિજય શાહ. Bookmark the permalink.