ફીક્કો ફસ – 11 -ઊર્મિસાગર

fikku-fas.gif

હીનાનો ઘેરો રંગ

સાંજે હરનીશભાઇ ઘરે આવ્યા. ચારુના ખબર અંતર પૂછ્યા અને આશિતભાઇ વિશે પૂછ્યું… આશિતભાઇ હજી હમણાં જ ઓફિસેથી આવ્યા હોવાથી એમનાં રૂમમાં જરા આરામ કરતા હતા. જયાભાભી એમને બોલાવવા જ જતા હતા ત્યાં જ હરનીશે કહ્યું કે “કાંઇ વાંધો નહીં ભાભી, હું જ એમને રૂમમાં જઇને મળી આવું.”

હરનીશને એકદમ રૂમમાં આવેલો જોઇને આશિત બેડમાંથી સફાળો ઊભો થઇ ગયો… થોડી ઔપચારિકતા પતાવી ને જયાને રૂમમાં ચા મોકલવા જણાવ્યું.

“આશિતભાઇ, હું આજે ચારુનો રીપોર્ટ લેવા ગયો હતો… અને એક ખરાબ સમાચાર છે.” હરનીશે હવે આડી અવળી વાત કરવા કરતાં સીધી જ વાત કરી.”

“શું છે રીપોર્ટમાં હરનીશભાઇ?” આશિત એકદમ ચિંતીત થઇ ગયો.

“ચારુને પેટનું કેન્સર છે…” હરનીશે એકીશ્વાસે બોલી નાંખ્યું.

આશિત ધબ્બ દઇને બેડ પર ફસડાઇ પડ્યો. રીપોર્ટની વાત સાંભળીને બારસાખે ઊભા રહી ગયેલા જયાભાભીનાં હાથમાંથી ચાની ડીશ પડી ગઇ… જયાભાભીની પાછળ ઊભેલાં ચારુને આંખે અંધારા આવી ગયા અને એણે દિવાલને ટેકો લેવો પડ્યો… પરંતુ પોતાની જ બિમારી વિશેની બધી વાતો કોઇ એને ન કરે તો, એ વિચારે આગળની વાતો સાંભળવા અંદર ઊઠેલા તોફાનને અવગણી ચૂપચાપ બારણા પાછળ ઊભો રહ્યો. થોડીવારે જ્યારે બંનેને કળ વળી હોય એવું લાગ્યું ત્યારે હરનીશે આગળ વાત ચલાવી… આશિત અને જયાભાભીને સેકંડ સ્ટેજ પર પહોંચી ગયેલી ચારુની બિમારી વિશે વિગતે વાત કરી… ગાંઠ તો સર્જરીથી નીકળી ગઇ છે પરંતુ કેન્સર સેલનો નાશ કરવા માટે કીમો થેરેપીની સારવાર લેવી પડશે એવું જણાવ્યું. એક-બે વરસ નીકળી જશે એને ફરી એકદમ નોર્મલ થતાં… હરનીશે એ પણ કહ્યું કે કીમો થેરેપીની સાઇડ ઇફેક્ટને લીધે એ કદી પિતા નહીં બની શકે.… અને એ પણ ચેતવણી આપી કે એકવાર કીમો થેરેપીની સારવાર લીધા પછી પણ કેન્સર ગમે ત્યારે ઊથલો મારી શકે છે… પરંતુ હવે મોર્ડન સાયન્સ ઘણું આગળ નીકળી ગયું હોય, એકંદરે જીવન જીવવામાં બીજી મુશ્કેલી નહીં આવે… બસ, સમયાંતરે ચેક-અપ કરાવતા રહી, પોતાની હેલ્થ વિશે ચારુએ હંમેશા એલર્ટ રહેવું પડશે. હરનીશને ઉતાવળ હોવાથી ખરાબ સમાચાર આપીને તરત ચાલ્યો ગયો…

એના ગયા પછી ચારુ ભાઇના રૂમમાં આવ્યો. ભાઇ-ભાભીની આંખોમાંથી ચારુ પ્રત્યેનો પ્યાર ટપ ટપ ટપકી રહ્યો હતો… ભાઇ-ભાભીએ ચારુને જોઇને સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો પરંતુ ચારુનું મોં જોઇને ખ્યાલ આવી ગયો કે એ બધું સાંભળી ચુક્યો છે… આશિત ચારુને વળગીને રડી પડ્યો… દર્દી થઇને પણ ચારુએ ઊલટાનું ભાઇ-ભાભીને આશ્વાસન આપ્યું.

ચારુ હવે હીનાની રાહ જોતો ન‘હોતો… પણ અહર્નિશ એના વિશે જ વિચાર્યા કરતો હતો. એણે તો મનોમન કંઇક નક્કી પણ કરી લીધું હતુ… હીના સાથે લગ્ન થાય તો પણ હવે એ બાળકનું સુખ આપી શકવાનો ન‘હોતો… અને ગમે ત્યારે કેન્સરનો ઉથલો મારવાનાં ભયનાં ઓથાર નીચે હીનાને એ કેવી રીતે સુખી કરી શકશે? ના ના, પોતાની સાથે દુ:ખી થાય એના કરતા કોઇ બીજા સાથે સુખી થશે તો એના હૃદયને પરમ શાંતિ મળશે… હીના મોકો જોઇને એને ઘરે ખબર પૂછવાને બહાને મળવા આવતી તો પણ જાણે એને કોઇ ખુશી નથી થઇ એવી જ રીતે વર્તતો હતો… એ જૈમિન અને શીતલ સાથે થોડી મસ્તી પણ કરતી કે એ બહાને પણ ચારુ કંઇ બોલે, પણ…

ચારુની કીમો થેરેપી હવે ચાલુ થઇ હતી, અને એની સાથે જ ધીમે ધીમે બધાને ચારુની બિમારીની જાણ પણ થઇ ગઇ હતી… હીના પર તો જાણે આભ તૂટી પડ્યું હતું… એને જ્યારથી ખબર પડી ત્યારથી એ ચારુ સાથે એકાંતમાં વાત કરવાની કોશિશ કરતી હતી… પણ એને સમજમાં ન્હોતું આવતું કે ચારુનું વર્તન એના પ્રત્યે એકદમ રુક્ષ કેમ થઇ ગયું હતું… કેમ એ જાણે બદલાયેલો લાગતો હતો? હા, એના બધા વાળ કીમોને લીધે ધીમે ધીમે ખરી ગયા હતા… પણ બાહ્ય દેખાવની હીનાને ક્યાં પરવા હતી! પોતાને જોઇને જ હંમેશા ખીલી ઉઠતા હીનાના રંગો ધીમે ધીમે ચારુનાં ચહેરા પરથી ઝાંખા થવા માંડ્યા હોય એમ લાગ્યું… પણ પછી એને એમ પણ થતું કે કદાચ કીમોની આડ અસરને કારણે એનો મુડ ઠીક નહીં રહેતો હોય… એટલે એનો મુડ ઠીક રહે એ માટે બને એટલા એ પ્રયત્નો કરતી હતી..

થોડા મહિનાઓ આમ જ વીતી ગયા… ચારુની કીમો થેરેપી પણ હવે પુરી થઇ ગઇ હતી… આ થોડા મહિનાઓ તો હીનાને યુગ યુગ જેવડા લાગ્યા… ચારુની લાગણી જાણે દિવસે દિવસે પત્થર જેવી થઇ રહી હોય એમ હીનાને લાગતું… ચારુની એક પ્રેમભરી નજર માટે એ કેટલું તરસતી હતી, પણ કોરા વાદળની જેમ ચારુ દૂર ચાલ્યો જતો, પણ કદી વરસતો નહીં. અને ચારુની દર્દનાક મનોસ્થિતીની હીનાને પણ ક્યાં ખબર હતી! હીનાને ક્યાં ખબર હતી કે, એની સાથેનાં વર્તનથી એનાં કરતાં પણ વધુ ઘાયલ ચારુ થતો હતો… હવે તો હીના માટે પરિસ્થિતી એકદમ અસહ્ય બની ગઇ હતી…

એક દિવસ જ્યારે એ ચારુના ઘરે ગઇ ત્યારે આશિત સાથે ચારુ હોસ્પીટલ ચેકઅપ માટે ગયો હતો… અને ઘરમાં માત્ર જયાભાભી જ હતા. ચારુના મમ્મી-પપ્પા બહાર ગયા હતા. જયાભાભી સાથે થોડી વાર આડી અવળી વાત કરી… પણ ક્યારનું એને તો મન થઇ રહ્યું હતું કે ચારુ વિશે ભાભીને કંઇક પૂછું… પણ એને ખબર નહોતી પડતી કે વાત કેવી રીતે શરૂ કરવી. જયાભાભી પણ ક્યારનાં જોઇ રહ્યા હતાં કે આ હીનાનું આજે ચિત્ત નથી કોઇ વાતમાં, એના મનમાં તો કંઇક બીજું જ છે….

“હીના તારે કાંઇ પૂછવું છે ચારુ વિશે?” જયાભાભીથી આખરે પૂછાઇ ગયું.

“હા ભાભી, પણ… “
“જે પૂછવું તે વિના સંકોચે પૂછ, તારી અને ચારુની પ્રેમકહાની મારાથી કાંઇ છૂપી નથી…” “હીનાને જરા હિંમત આવી અને સંકોચ ત્યાગીને સીધું જ જયાભાભીને પૂછ્યું,

“ભાભી, ચારુ કેમ ઘણા વખતથી થોડો બદલાઇ ગયો હોય એમ લાગે છે?”

“આટલી મોટી બિમારી સાથે જૂજતો માણસ થોડો બદલાયેલો તો લાગે જ ને હીના!”

“એમ નહીં ભાભી, માત્ર મારા પ્રત્યેનો એનો વ્યવહાર બદલાયો લાગે છે… એને જાણે મારા આવવાથી ખુશી નથી થતી એવું લાગે છે. મારી કોઇ વાતનો બરાબર જવાબ પણ નથી આપતો. મને એમ પણ લાગ્યું કે કીમોને લીધે એ થોડો ચીડિયો થઇ ગયો હશે… પરંતુ વાત કાંઇ બીજી જ લાગે છે. બીજા બધા સાથે એ બરાબર વાત કરે છે, માત્ર મારી સાથે જ કેમ….? ” આટલું બોલતાં બોલતાં હીનાથી ડૂસકું મૂકાઇ ગયું.

જયાભાભી હિનાને માથે હેતથી હાથ ફેરવતાં વિચારી રહ્યા… હિનાને પાણી પાઇને જરા શાંત કરી.

“ભાભી, કહોને… એવી શું વાત છે કે ચારુ મને દૂર ધકેલી રહ્યો છે?”

કહેવું કે ન કહેવું એની ગડમથલમાં ન પડતાં જયાભાભીએ હરનીશભાઇએ કહેલી વાત હિનાને કરી… હિનાને હવે બધું સમજાઇ ગયું હતું. જાણે કોઇ મોટો સાક્ષાત્કાર થયો હોય એમ હિનાનાં ચહેરા પરના ભાવો એકદમ બદલાઇ ગયા…

“ભાભી, તમે ચારુને લઇને કાલે પાંચ વાગ્યે મંદિરે આવશો? પણ એને કશું કહેતા નહીં, નહીંતર એ નહીં આવે…” હિનાએ એકદમ દ્રઢતાથી જયાભાભીને વિનંતી કરી.

જયાભાભી હિનાને એકીટશે જોઇ રહ્યા…

“પ્લીઝ, ભાભી!!” એણે ફરી કહ્યું…
“સારું, પણ ચાર વાગ્યે આવીશું… પાંચ વાગ્યે મમ્મી-પપ્પા ઘરે આવી જશે.”

હિના ત્યાંથી ઘરે આવી ત્યારે જાણે ‘કૌન બનેલા કરોડપતિ‘નો કરોડનો કોઇ કોયડો ઉકલી ગયો હોય એવી ખુશી એના ચહેરા પર ઝળકતી હતી…

* * *

મંદિરના પગથિયા પર આજે હીના ચારુની રાહ જોતી બેઠી… સવા ચાર વાગી ગયા હતા. અને એ વિચારી રહી કે, ઘણીવાર આ જ પગથિયા પર બેસીને આતુરતાથી એની રાહ જોતાં ચારુને એણે ઘણી વાર જાણી જોઇને પણ રાહ જોવડાવી હતી. એને ઘણું ઘણું યાદ આવી ગયું… ત્યાં જ સામેથી આવતા જયાભાભી અને ચારુને જોઇને એની વિચારધારા તૂટી. હિનાને અહીં રાહ જોતી જોઇને ચારુ જરા ચોંકી ગયો… પણ એ કાંઇ બોલે એ પહેલાં જ જયાભાભીએ એને જણાવ્યું કે એમને આગળ થોડું કામ હોઇ એ પતાવીને પછી આવશે… ચારુ પણ સમજી ગયો કે જયાભાભી એને હીનાને મળવા માટે જ સાથે લાવ્યા હતા. ચારુ હીનાની બાજુમાં બેસવાની જગ્યાએ થોડે દૂર જઇને બેઠો…

“કેવી ચાલે છે કોલેજ?” એણે ઔપચારિક વાત શરૂ કરી. “હવે તો તમે બધા મારાથી એક વર્ષ આગળ થઇ જશો ને?!”

હીના એને એકીટશે જોઇ રહી… એણે આજે આડી અવળી કોઇ વાત કરવી પણ નહોતી અને સાંભળવી પણ નહોતી. એની જગ્યાએથી ઊઠીને હીના ચારુની બાજુમાં આવીને લગોલગ બેસી ગઇ… પછી એકદમ સહજતાથી બોલી…”ચારુ, મને જો પેટનું કેન્સર થયું હોત અને ડૉક્ટર મને કહેત કે હવે હું કદી મા નહીં બની શકું, તો શું તું સાચ્ચે સાચ મને છોડી દેતે?” એકદમ ધારદાર પણ પ્રેમાળ નજરે એણે ચારુ તરફ જોયું… સાથે જ એની આંખમાંથી કોહીનૂરને પણ શરમાવે એવાં કિંમતી અશ્રુમોતી ખલવાઇ પડ્યાં… ચારુને આજે હીનાનું રૂપ એકદમ અલગ જ લાગ્યું. એના ચહેરા પર નટખટતાનું તો નામોનિશાન નહોતું. એનાથી હીનાની નજરનો તાપ સહન ન થતો હોય એમ એ નીચું જોઇ ગયો. જાણે એનાથી કોઇ ભયંકર ગુનો થઇ ગયો હોય એવી દિલમાં કણસ ઊઠી… એને ખ્યાલ તો આવી જ ગયો હતો કે જયાભાભીએ જ હીનાને બધી વાત કરી લાગે છે…

“હીના, મા બનવું એ દરેક સ્ત્રીને ભગવાને આપેલું મોટામાં મોટું વરદાન છે… એ જ વરદાનથી હું તને મારા સ્વાર્થ માટે વંચિત કેવી રીતે રાખી શકું? મારી જગ્યાએ તું હોય તો તું શું કરે?” એણે હીનાને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

જવાબમાં હીનાએ મસ્તીથી ચારુનો હાથ પોતાના હાથમાં લીધો અને ફરી નટખટ બની જઇ એક ડાયેલોગ ફટકાર્યો, “અરે મેરે રાજ્જા, ઈસમે ચિંતાકી કૌનસી બાત હૈ? હમારે દેશમેં તો કિતને સારે અનાથાશ્રમ હૈ… ઉસમેસે 5-10 બચ્ચે લોગ કો હમ ગોદ લે લેંગે!!! કૈસા લગા હમારા આઇડીયા??”

ચારુ હિનાને મુગ્ધ નજરે જોઇ રહ્યો… એકદમ હળવાશ અને મસ્તીથી હિનાએ કેવડી મોટી વાતને નાની કરી દીધી હતી!! થોડી પળો માટે તો એનું મન હીનાને આશ્લેષમાં લઇ લેવા લલચાઇ ગયું… પરંતુ આટલા મહિનાનાં અભ્યાસથી પોતાની લાગણી પર અંકુશ રાખવાનું હવે એ શીખી ગયો હતો. પરંતુ હંમેશની જેમ વિચારોનાં વમળમાં ફસાતો ગયો… શું એ પોતે હિનાની એ કુરબાની સહન કરી શકશે? વગર વાંકે એની કોખને સજા આપી શકશે? શું હિનાને ખબર હશે કે એ કેવડી મોટી કુરબાની આપી રહી છે? કે પછી માત્ર જુવાનીના જોશમાં હોશ ખોઇ બેઠી છે? પ્રેમનાં પંથ પર પોતાની કોખને કુરબાન કરવા તૈયાર થયેલી હિનાને હવે કેવી રીતે અને શું સમજાવું? ચારુનાં દિલોદિમાગમાં વિચારોનું ઘોડાપૂર આવી ગયું… અંદર મંદિરમાં ઘંટારવ ગૂંજી ઊઠ્યો… અને બહાર દૂરથી કોઇનાં રેડિયા પર એક ગઝલનો શેર સંભળાતો હતો…

હું જેને જોડવા મથતો રહ્યો, મટતો રહ્યો વર્ષો,
સંબંધોના એ તોડી તાર ઊભો છું અદબ વાળી.

ક્રમશ:

(અંતિમ શેર: ‘ઘાયલ’)

પૂર્વકથા

This entry was posted in લઘુ નવલકથા. Bookmark the permalink.

0 Responses to ફીક્કો ફસ – 11 -ઊર્મિસાગર

  1. Harnish Jani says:

    Dunia ma ek j Harnish chhe–Bijo Harnish joyo nathi-Mane joya pachhi Harnish nam thi loko dur rahe chhe–Natak-ke varta ma paN loko Harnish nam rakhta ghabray chhe-

  2. Jugalkishor says:

    હરનિશને કામિની પરણાવો;
    એની જુગતે જોડી કરાવો !