ગઝલ સર્જનની કેડીએ..

ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે શરુ થયેલ ગઝલો લખતા શીખવાનાં તાલિમ વર્ગો..

મહિનામં બે વખત હ્યુસ્ટનની ‘વિશાલા’ હોટેલમાં એક ખુણાનાં ટેબલ ઉપર સફેદ દાઢી અને પડછંદ અવાજે વાતો કરતા જો કોઇ સજ્જન દેખાય તો તે હશે જનાબ અબ્દુલ રઝાક ‘રસિક’ મેઘાણીનો ગઝલ સર્જનનો તાલિમ વર્ગ.. ચાલો તે વર્ગની ટુંકી અને નિયમીત સફરે તમને લઇ જાઉં.

વર્ગ 1
(24 જુન 2007)

પદ્યની રચના એટલે વાણી જ્યારે કાવ્યનું પ્રયોજન સિધ્ધ કરવા અમુક લયવાળુ સ્વરુપ લે તેને પદ્ય કહેવાય.વાણી શબ્દોની અને શબ્દો અક્ષરથી બને છે.જેમાંથી અર્થ સર્જાય છે.
અક્ષરનાં બે સ્વરુપો છે
1.લઘુ = U ( ઉચ્ચારમાં એક તાલ)
2.ગુરૂ = _ ( ઉચ્ચારમાં વિસ્તૃત તાલ)

લઘુ અક્ષરો : હ્રસ્વ સ્વર, અ, ઇ, ઉ, ઋ તથા હ્રસ્વ સ્વરથી યુક્ત અક્ષરો લઘુ કહેવાય. ( ઉદાહરણ ક,કિ,કુ, કૃ, ર્ક.વિગેરે)
ગુરુ અક્ષરો : દીર્ઘ સ્વર, આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: તથા દીર્ઘ સ્વરથી યુક્ત અક્ષરોને ગુરુ કહેવાય ( ઉદાહરણ કા, કી, કૂ, કે, કૈ, કૌ, કં, ક: વિગેરે)

આટલી ઓળખ પછી કેટલીક છુટ કે નિયમો પણ સમજવા જરુરી છે જે મુખ્યત્વે ઉચ્ચાર સબંધી છે.
(1) જોડાક્ષરની અગાઉ આવેલ લઘુ અક્ષર સાથે જો જોડાક્ષર્માંનો પ્રથમ અક્ષર બોલાય તો જોડાક્ષરની અગાઉ આવેલો લઘુ ગુરુ બની જતો હોય છે ( ઉદાહરણ અગમ્ય માં ‘ગ’ ની સાથે ‘મ’ બોલાતો હોવાથી ‘ગ’ ગુરુ થાય છે)
(2) છેલ્લો અક્ષર ગુરુ ઉચ્ચારની દ્રષ્ટી એ હોય તો તેને લઘુ બનાવી શકાય છે.
(3) છેલ્લો અક્ષર ગુરુ હોય તો છંદની જરુર પ્રમાણે તે લઘુ બની શકે છે.
(4) છંદ જે પંક્તિમાં હોય એ પંક્તિને છેડે આવેલો અક્ષર લઘુ હોય તો પણ તેને ગુરુ ગણી શકાય છે.
(5) છુટા અક્ષરો જે શબ્દ સ્વરુપ હોય તેને ગુરુ હોવા છતા લઘુ બતાવી શકાય છે ( અહીં ઉચ્ચારનાં નિયમો લાગુ ન પડતા હોવાથી તે છુટ છે)

ગણ :
ત્રણ અક્ષરનાં સમુહને ગણ કહે છે અને તે કુલ્લે આઠ પ્રકારનાં હોય છે

U _ _ _ U _ U U U _
ય મા તા રા જ ભા ન સ લ ગા

દરેક ગણનાં ત્રણ વર્ણનાં લઘુ ગુરુની વ્યવસ્થા યાદ રાખવા માટે ઉપરની પંક્તિના જે ગણ વિશે વાત કરવા માંગતા હોઇએ તે વર્ણ અને તે પછીનાં બે અક્ષર લઇએ એટલે એ ગણ નાં લઘુ ગુરુ નક્કી થાય જે સ્વરુપ રચના નીચે મુજબ લખી શકાય

________________________________________________
ગણ નિશાની વર્ણ બંધારણ લગાત્મક રુપ
________________________________________________

‘ય’U _ _ ય મા તા લઘુ ગુરુ ગુરુ લ ગા ગા
‘મ’ _ _ _ મા તા રા ગુરુ ગુરુ ગુરુ ગા ગા ગા
‘તા’ _ _ U તા રા જ ગુરુ ગુરુ લઘુ ગા ગા લ
‘રા’ _ U _ રા જ ભા ગુરુ લઘુ ગુરુ ગા લ ગા
‘જ’ U _U જ ભા ન લઘુ ગુરુ લઘુ લ ગા ગા
‘ભા’ _ U U ભા ન સ ગુરુ લઘુ લઘુ ગા લ લ
‘ન’ U U U ન સ લ લઘુ લઘુ લઘુ લ લ લ
‘સ’ U U _ સ લ ગા લઘુ લઘુ ગુરુ લ લ ગા
_______________________________________________________
આ ગણોમાં લઘુ ગુરુની એક સમતુલા છે જે છંદમાં લયની સમતુલા જાળવવામાં અને લયનું ચારુત્વ પ્રગટ કરવામાં સહાયરુપ બનતા હોય છે.

ઉદાહરણ અને કવાયતો

વિરાટ = U _ U
સંગીત = _ _ U ( સમ=ગુરુ)
હ્રદય= U _ ( ‘હ્ર’ ગુરુ હોવા છતા લઘુ છે અને ‘દય’ એક ઉચ્ચાર છે)
રમત= _ U ( ‘રમ’ સાથે બોલાય છે તેથી બે લઘુ હોવા છતા એક ગુરુ બને છે)
તમામ=U _ U
સમસ્ત=U _ U ( ‘મસ’સાથે બોલાય છે તેથી ગુરુ)
સમભાવ= _ _ U ( ‘સમ’ સાથે બોલાય છે તેથી તે ગુરુ)
સંભવ= _ _ ( ‘સમ’ અને ‘ભવ’ સાથે બોલાય છે તેથી તે બે ગુરુ_
ભવિષ્ય =U _ U ( ‘વિષ’ સાથે બોલાય છે)
હરદમ્= _ _ ( ‘હર’ અને ‘દમ બે સાથે બોલાય છે)

સોનેરી સલાહ : લખવાની ઉતાવળ કરવાને બદલે સારું વાંચન વધારો અને શબ્દ ભંડોળ વધારો

સભ્ય સંખ્યા 5/5

***************

વર્ગ 2
8 જુલાઇ 2007

ગઝલના પ્રથમ શેરને મત્લા અને અંતિમ શેરમાં જ્યારે કવિ પોતાના નામ કે તખલ્લુસનો સમાવેશ કરે, ત્યારે તેને મક્તા કહેવાય છે. પ્રત્યેક શેરના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ-ને રદીફ તરીકે ઓળખવામાં આવે છે. રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે શબ્દને કાફિયા કહેવાય છે. જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને બહર કહેવાય છે. શેરની પ્રથમ પંક્તિને ઉલા અને દ્વિતીય પંક્તિને સાની કહેવાય છે. ગઝલમાં સામાન્યત: પાંચથી ઓગણીસની સંખ્યામાં જ શેર હોવા જોઈએ.   
જયદીપની વેબ સાઇટ ઉપર્થી લીધેલી આટલી મૂળ વાત સાથે ગઝલનું સર્જન કેમ થાય તે વિશે માહિતી આપતા કવિ શ્રી રસિક મેઘાણી એ સમજાવ્યું કે ગઝલ લખતા પહેલા રદીફ નક્કી કરાય અને ત્યાર પચી કાફિયા નક્કી થાય. અરબી છંદ અને સંસ્કૃત છંદની વચ્ચે તેમને અરબી છંદ ઉપર ભાર મુક્યો કારણ કે તે ઘણી બધી જગ્યાએ કવિની છુટ લેવા દે છે.

મુત્કારીક છંદ
જેનું બંધારણ છે લગાગા લગાગા લગાગા લગાગા

1. મનહર મોદીની એક ગઝલને માણતા તેમણે શીખવ્યું કે

કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડુ?
મેં અક્ષર ભર્યા છે , હું ખેંચુ છુ ગાડું.

કરે છે હજી કે મ ‘હોંચી’ ગધાડુ?
લગાગા લગાગા લગાગા લગાગા
મેં અક્ષર* ભર્યા છે , હું ખેંચુ છુ ગાડું.
લગાગા લગાગા લગાગા લગાગા

‘અક’ ‘સર’ બે ગુરુ
2. મનોજ ખંડેરીયાની ગઝલ જોઇએ

મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું
મને કોઇ આપે છે મનમાંથી જાસો

3. ડો રઇશ મણિયારે પણ લખ્યુ છે

જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે

આ છંદ ઉપર હવે રદીફ નક્કી થયો ‘છે’ અને કાફીયા નક્કી થયો મતા
દરેકને કાફીયા શોધવાનો રસ્તો સમજાવતા તેમેણે કહ્યું કે તમને સુઝે તેટલા કાફીયા લખો
અને કાફીયા શોધાયા
મતા
ખતા
પ્રભા
ગયા
વ્યથા
પ્રથા
દયા
કલા
રજા
સજા
મઝા

હવે બીજી પંક્તિ આપી પાદપૂર્તિ કરવાની કસરત સૌને મળી તે પંક્તિ છે

તમારી નજરતો અમારી મતા છે

તે વખતે સર્જાયા પાંચ શેર જે નીચે મુજબ છે

તમે આંખ કાં ફેરવો છો અમસ્તી?
તમારી નજર તો અમારી મતા છે.(1)
ફતેહ અલી ચતુર્

અમારી તમારી નજર ક્યાં મળી છે?
તમારી નજર તો અમારી મતા છે.(2)
વિશ્વદીપ બારડ

છુપાવો ના દ્રષ્ટી શું મારી ખતા છે?
તમારી નજરતો અમારી મતા છે(3)
વિજય શાહ્

અરે ના છુપાવો તમારા નયનને
તમારી નજરતો અમારી મતા છે(4)
વિજય શાહ

નજર ફેરવો ના અમારી નજરથી
તમારી નજરતો અમારી મતા છે(5)
હિંમત શાહ

પાદપૂર્તિ-2
કાફીયા ‘છે’
રદીફ ‘દયા’

બીજે પંક્તિ છે
અમારુ આ જીવન તમારી દયા છે.

આ કસરતમાં 4 શેર થયા તે નીચે મુજબ છે

સુમન રોજ ખીલીને કે’તા રહ્યા છે
અમારુ આ જીવન તમારી દયા છે.(1)
વિજય શાહ

કરેલા આ કર્મો અમારી ખતા છે
અમારુ આ જીવન તમારી દયા છે.(2)
વિશ્વદીપ બારડ

કાં અસ્તિત્વ ઇશ્વરનું ભુલી ગયા છે
અમારુ આ જીવન તમારી દયા છે.(3)
ફતેહ અલી ચતુર

કહું શું શાને હૈયે હરખ છે અમારા
અમારુ આ જીવન તમારી દયા છે.(4)
હિંમત શાહ

સભ્ય સંખ્યા -5/7
ઘર કામ :
વધુ વાંચન અને આ છંદ ઉપર બીજા શેર લાવવાનાં કે લખવાનાં (મરજીયાત)

*****

વર્ગ 3
29 જુલાઇ 2007

This entry was posted in રસિક મેઘાણી. Bookmark the permalink.

5 Responses to ગઝલ સર્જનની કેડીએ..

 1. ખરેખર ક્લાસમાં બેસીને ભણતા હોઇ એ એમ લાગ્યું.

  આ કેડીને લંબાવતા રહેશો તો તેના પર્ર ચાલનારાઓ ને થાક નહીં લાગે, પણ રસ્તો ટૂંકો જરુર લાગશે.

 2. Sangita says:

  Excellent! Only few days ago, I was talking to a relative about learning chhands and I found this here. Very informative lessons, in a simple language.

  Wish it continues and lot of people take advantage of it. I know, I will. Big thanks to Shree Rasikbhai Meghani.

 3. પુજામાં નમીને શિર કહી રહ્યાં છે,
  અમારું આ જીવન તમારી દયા છે.

 4. સુંદર કામ થયું છે…. આભાર અને અભિનંદન…

 5. Chiman Patel "CHAMAN" says:

  I learned some thing new too.
  Keep it up.
  Thanks

Comments are closed.