માતૃભાષાનું દેવુ (5) વિજય શાહ

ગુજરાતી ભાષાને નબળી માનીને ચાલનારા સૌને તેમના અજ્ઞાન ઉપર શરમ આવવી જોઇએ. તેવુ મંતવ્ય ધરાવતા નર્મદે જ્યારે નર્મદકોશ  તૈયાર કર્યો ત્યારે સંસ્કૃત માતાની કોઇ પણ ભાષા નબળી ન હોય તે સિધ્ધ કરવા તે વર્ષો સુધી ઝઝુમ્યા. અંગ્રેજીકાળમાં તેમને જરુરી ક્લાર્ક જમાતને તૈયાર કરતા તેઓ એ જે ભાષા તેઓ સમજી શકે તે ભાષા કરતા બીજી દરેક ભાષા ઉતરતીનું જે વિષ પીવડાવ્યુ હતુ તેની માઠી અસરો હજી ઉતરી નથી. જે બ્રીટીશ કંપની દેશને 200 વરસ ચુસીને ગઇ છતા તેમના હજી કેટલાક અનુયાયીઓ માનવા નથી માંગતા કે તેમનામાં અને આપણી ભાષામાં ઘણો ફેર છે.

ચાલો મુળભુત વાતો પહેલા કરીયે

અંગ્રેજી માં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા? અને ગુજરાતીમાં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા?

અંગ્રેજીમાં સ્વર પાંચ અને વ્યંજનો એકવીસ

ગુજરાતીમાં સ્વર બાર વત્તા બે ( ભુલાયેલા) અને વ્યંજન છત્રીસ. વળી પ્લુત ગુજરાતી વ્યાકરણમાં છે જે અંગ્રેજીમાં જોવા નથી મળતુ.

ગુજરાતી ભાષામાં ભુલાયેલ ઘણી બીજી બધી બાબતો જેવી કે ‘હ’શ્રુતિ ‘ય’શ્રુતિ, ચંદ્રબીંદી, અનુસ્વાર અને શાંત વ્યંજનો જેવુ ઘણુ બધુ કામ છે જેનાથી ગુજરાતીને વાકેફ કરીને ભાષાનુ ગૌરવ વધારવુ જોઇએ. અત્રે મને એક તર્ક વધુ સાંભળવા મળે છે અને તે ગુજરાતી શીખવતા  શિક્ષકો જ આ બધુ ભુલી ગયા છે ત્યાં દોષ કોને દેવો? મારી માન્યતા એ છે કે તે વાત જો હોય તો તે રોગ છે જેને દુર કરવા ગુજરાતી પ્રાધ્યાપકો અને પંડીતો તે અભિયાન ઉપાડી શકે છે જેમ અંગ્રેજી ભાષા શિખવવા જે ચોક્કસાઇથી શિક્ષક શિખવે છે તે ચોક્કસાઇ અને સખતાઇ ગુજરાતમાં અને ગુજરાત બહાર લાવી શકાય તો લાવવી જોઇએ. આ એક મારું મંતવ્ય ગુજરાતી તરીકેનું છે.

 ( હું ભાષા વિદ નથી તે મારી મર્યાદાને ધ્યાનમાં રાખી હાલમાં ચાલેલા  જોડણીનાં વિવાદનાં કારણે હું ગુજરાતીમાં ઉંડો ઉતર્યો અને એવા નિશ્કર્ષ પર આવ્યો કે ભાષા નબળી બનાવવાનાં નામે પ્રજા પાસેથી અંગ્રેજો ઘણું લઇ ગયા અને તેમનું ઘણુ બધુ બીનજરૂરી આપણી પાસે છોડી ગયા. હવે તકનીક અને કોમ્પ્યુટરની સગવડતાનાં નામે સ્વરો દુર કરો વ્યંજનો ઘટાડો અને અનુસ્વાર કે ત્રણ સ શ ષ ની શું જરુર છે વાળા આત્મ ઘાતી વલણો થી માતૃભાષાનાં કલેવરને ઉઘાડુ કરવુ જોઇએ કે જે છે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવુ જોઇએ તે પ્રશ્નને ધ્યાનમાં લઇને હું મારી જાતને જવાબ આપુ છું. હું તે વિષયમાં વધુ સંશોધન  કરીશ. આ મારા જેવા નાના ગુજરાતી પ્રેમીનો માતૃભાષાનુ દેવુ ચુકવવાનો સંનિષ્ઠ પ્રયત્ન છે. )

મારા સંશોધનોની શરુઆત મેં વિદ્વાન કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક્નાં ‘બૃહત પિંગળ’ થી કરી.

તેમના જ શબ્દોમાં

અક્ષર એ બોલાતી વાણી નો એકમ છે. બોલાતી વાણી નાં દરેક સ્વરો અક્ષરો છે અને તે સ્વતંત્ર છે. એટલે કે દરેક સ્વરો અક્ષર સ્વરુપે એકલા હોઇ શકે છે. જ્યારે વ્યંજનને સ્વરનો આધાર મળે તો તે પુરો અક્ષર બને છે જેને ઉચ્ચાર પિંડ કહી શકાય. ઉચ્ચારમાં સ્વર પહેલા અને વ્યંજન પછી બોલાય છે જેમકે ‘અ’ ‘ક+ ષ’ બે વ્યંજનો ભેગા થઇને ક્ષ બને છે. અને પછી ‘ર’ ત્રીજો સ્વર એમ અક્ષર શબ્દ બને છે.’

સ્વર થી ઉચ્ચારણ થતુ હોય તેનુ લઘુ ઉચ્ચારણ અને ગુરુ ઉચ્ચારણ તે  માપ છે. તેથી સાચી ઉચ્ચારણની અભિવ્યક્તિ માટેની બંને સંજ્ઞા હ્રસ્વ અને દીર્ઘ લીપીમાં આવે છે. વ્યાકરણમાં આજ કારણે બધા દીર્ઘ સ્વરો ગુરુ છે અને બધા હ્રસ્વ સ્વરો લઘુ છે. ( કેટલાક અપવાદો આ નિયમમાં છે )

કાળક્રમે ઉચ્ચારણમાં આવતા તળપદા શબ્દો અને તેને યોગ્ય સાચા ગુજરાતી શબ્દોને પ્રયોજવાને બદલે ઝડપથી અંગ્રેજી માધ્યમના શબ્દો જ્યારે આપણા થી પ્રયોજાય ત્યારે જ્યારે જે મા બાપને શરમ આવશે ત્યારે તેના બાળકો શુધ્ધ અને સાચુ ગુજરાતી બોલી શકશે તેવુ હું માનુ છુ.

માતૃભાષા જો નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર તે વાપરતો ગુજરાતી જન છે અને તે સૌ ગુજરાતીને વિનંતી કે લાઇબ્રેરીમાં જાવ અને સારા પુસ્તકો જેવા કે સરસ્વતિચંદ્ર. ગુજરાતનો નાથ કે કલાપીનો કેકારવ કે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલી વાંચો અને મોટા થતા બાળકોને ગુર્જર સંસ્કારની સુંદર વાતો સમજાવો. લોકભાષા નબળી પડે છે કારણ કે ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.

હું એ પણ સમજુ છું કે આભનાં પાણી ને ન રોકી શકાય પણ છત્રી આપણે ધરીને વરસાદથી બચી જઇ શકાય. અને પહેલો સુધારો મારી જાત ઉપર જે જોતા મને મારી ભાષામાં ઉચ્ચાર શુધ્ધી અને લખાણમાં શક્ય તેટલી ભાષા શુધ્ધી લાવવા મથીશ અને આપ મારા સૌ વાચકોને પણ તેમ કરવા વિનંતી.

This entry was posted in ચિંતન લેખ, વિજય શાહ. Bookmark the permalink.

9 Responses to માતૃભાષાનું દેવુ (5) વિજય શાહ

 1. Yusuf parmar says:

  આપનો લેખ બહુજ સમતુલીત અને પાકટ છે.આપનુ સુચન બહુ વ્યાજબી છે. જે છે તેને કાઢવાની દલીલ સામે જે છે તેને સાચવવાની વાત હકારાત્મક વલણ સુચવે છે.આપના સંશોધનોની રાહ જોઇશ.આજથી શુધ્ધ ગુજરતી બોલવાનો પ્રારંભ કરુ છું.

 2. Khyati Desai says:

  છત્રીની વાત બહુ સચોટ છે

 3. Akash Amin says:

  ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.

  sachi vaata chhe

  I beleive web page serves good conservating technic and you guys are doing great work for the community as a whole
  Accept my gratitudes (Batley UK)

 4. ભાષાની સમૃધ્ધિ તેને પ્રદર્શિત કરતી લિપીની સમૃધ્ધિમાં સમાયેલી છે.

  સામાન્યપણે સમયની સાથે પરિવર્તન હમેશાં જોડાયેલું રહે છે. પણ પરિવર્તન મોટે ભાગે સકારાત્મક હોય છે. શું તમને નથી લાગતું કે આપણી ગુજરાતી ભાષામાં પરિવર્તન નકરાત્મક દિશામાં થઇ રહ્યું છે? તમે લખ્યું તેમ બે સ્વર ભુલાયેલા છે. સાથે સાથે જોડણીના નામે વધુ બે સ્વરને ખોવાની તૈયારીઓ ચાલી રહી છે. શું આપણે ગુજરાતીને અંગ્રેજી ભાષાની જેમ બને તેટલા ઓછા અક્ષરોના ઉપયોગ તરફ ઢાળીને સમૃધ્ધિને ખોવા બેઠા હોય તેમ નથી લાગતું.

  આમતો હું સાહિત્યનો જીવ નથી, અને કદાચ એટલેજ જ્યારે મેં પહેલી વખત વાંચ્યું કે જોડણી સુધારા માટે બે ઇ અને બે ઉ ને બદલે એકજ ઇ અને એકજ ઉ નો ઉપયોગ કરવો, ત્યારે ખરેખર આઘાત લાગ્યો હતો. જો જોડણીના નિયમો અટપટા હોય તો તેને સરળ રીતે સમજાય તેવા સ્વરુપમાં મુકી શકાય અથવા તેની ચર્ચા કરીને તેમાં જરુરી સુધારા કરવાનો અવકાશ વિચારાય, પણ સદંતર આંધળુકીયાં કરતા હોય તેમ લિપીમાંથી બે અક્ષરોનો છેદ જ ઉડાડી દેવો તે સારુ નથી લાગતું.

  હું કદાચ મારા વિચારો માં ખોટો પણ હોઉ પણ એક ગુજરાતી તરીકે મને આપણી ભાષાની/ લિપીની સમૃધ્ધિ ખોવાનું દુ:ખ જરુર થાય છે.

 5. જશવંત says:

  ક્યાંક એક બહુ સરસ વક્ય છે- “નવું અપનાવતા દસ વખત વિચાર કરવો પણ જૂનું ત્યજ્તાં સો વખત મનોમંથન કરવું.”

  ખાસ કરીને યુવાનોએ એ જાણી લેવું જોઇયે કે ઉપલક રીતે સરળ અને તર્કબધ્ધ લાગતી દલીલો જ હંમેશા સત્ય નથી હોતી. લિપી એ જુદા જુદા ઉચ્ચારો અને ધ્વનિને મૂળ રૂપમાં પ્રગટ કરવા માટેનું માધ્યમ છે. આ માધ્યમ અસંખ્ય લોકોની વર્ષોની જહેમત પછી ઉત્ક્રાંત થયું છે. આપણે એને સાચવવાનું છે. જો આપને આ વ્યાકરણ સમજવાનું અને ધ્વનિ સંવર્ધનનું કામ ન કરી શકીએ તો કંઇ નહિ કમ સે કમ અમુક સંજ્ઞાઓ ઉડાડી દઇને આ માધ્યમને અપંગ બનવવાના પ્રયાસોમાં સહભાગી ન થઇએ તો પણ ઘણું.

  રાજકારણીઓની સોડ સેવતા કેટલાક ભાષા શિક્ષકો અને પ્રચારકો ગોળમટોળ તર્કમાં લોકોને ઘૂમરી ખવરાવી, ઉપરથી મીઠી લાગે એવી વાતો વહેતી મૂકે છે. ૧૦૦% પ્રથમિક શિક્ષણના ઓઠા હેઠળ ગુજરાત સરકારની કોણીએ ગોળ લગાડી પાઠયપુસ્તકોમાં ‘સરળ’ ઉર્ફે ‘બુઠ્ઠી જોડણી’ ઘૂસાડવાની ગતિવિધિઓ પૂરજોશમાં ચાલે છે. આ પ્રચારકોને નવી પેઢીને ગુમરાહ કરવમાં રસ છે કેમેકે એ રસ્તો સરળ અને દીર્ઘાયુ છે.

 6. Chirag Patel says:

  સંતુલિત વિચારો!

  પરંતુ, જો એમાં વધુ ઊંડા ઉતરીને ભાષા શું છે અને તે વધુ ને વધુ અલંકારીત કઈ રીતે થઈ શકે એ વિશે કંઈક પ્રકાશ પાડી શકો તો ગમશે!

  આજે કવિતામાં છંદ ગેરહાજર થતાં જાય છે, જુનાં છંદો ભૂલાતાં જાય છે, કેમ?

 7. ગૌરવ says:

  માતૃભાષા એટલે મા. માની ગરિમા જાળવવી એ દરેક સભ્ય મનુષ્યની ફરજ છે. કપડા બચાવવા માને સાડીની જગ્યાએ સ્કર્ટ ના પહેરાવાય. જોડણી સાથે છેડખાની કરતા લોકો આ સાદી સીધી બાબત સમજી જાય તો બહુ.

 8. vilas bhonde says:

  saras. vat sachi chhe. aapni bhash a mate aapne man na rakhe to kon rakhe

 9. જશવંત says:

  ગુજરાતમાં બાળકોને સાચી જોડણીમાં રસ જાગ્યો છે અને કેટલાક લોકો આ માટે બહુ સુંદર કામ કરી રહ્યાં છે. આજે ગુજરાત સમાચારમાં આના પર મજાની એક બે વાત મુકાઇ છે.
  જુઓઃ http://www.gujaratsamachar.com/gsa/20070817/guj/supplement/plus1.html

  ઊંઝા જોડણીના રવાડે ચડેલા સમર્થ ભાષા શિક્ષકો આ રીતે એમના જ્ઞાનનો સદઉપયોગ કરે તો કેવા સુંદર પરિણામો મળી શકે.

Comments are closed.