ગુર્જરભાષા સમૃધ્ધિ-કીરિટકુમાર ગો ભક્ત

eyes.jpg

 

તે સાંજે મારા મિત્ર જહોન (જે અહિ યુનિવર્સિટિમાં અંગ્રેજી ભાષા શિખવે છે )સાથે ભાષા વિશે ચર્ચા નીકળી અને તેની અંગ્રેજી ભાષાની બડાશો સામે મેં એક વાત પુછી શું એક શબ્દને મહ્ત્તમ કેટલી વખત ઉપયોગમાં લઇ તુ અર્થ બદલી શકે..એના પ્રયત્નની સામે મેં સીગરેટના ખોખા પર નીચેની કસરત કરી અને આદર સાથે જહોન મને અને મારી માતૃભાષાને જોતો થઇ ગયો

આંખ

આંખ વહેવી – આંસુ આવવા,

આંખ ઉભરાવી – આંસુથી આંખ ભરાવી ,

આંખ પલળવી- પ્રસંગ જોઇને આંખમાં પાણી આવવા,

આંખ ટાઢી થવી –સુખદ અનુભવ થવો,

આંખ ઠરવી – જીવને શાંતિ થવી ,

આંખ ઠારવી- સુખના સંજોગો ઉભા કરવા,

આંખ બળવી – કોઇનું સુખ જોઇને પોતાને અસુખ થવું, રોગ કે કંઇકથી બળતરા થવી,

આંખ ઝબકવી-ભેદની વાતની ગંધ આવવી,

આંખ જાળવવી –કાળજી લેવી,

આંખ ફેરવવી-વિશ્વાસઘાત કરવો,

આંખ વળગવી –કોઇ વસ્તુ ગમી જવી,

આંખ નિચોવવી -ખુબ જ મહેનત કરવી,

આંખ મારવી –ઇશારો કરવો,

આંખ મિંચાવી –મૃત્યુ પામવું,

આંખ ઘેરાવી –ઉંઘ આવવી,

આંખ શરમાવી –સંબંધનો ગેરલાભ ઉઠાવવો,

આંખ આવવી –આંખનો એક રોગ,

આંખ બંધ થવી – મૃત્યુ થવુ

આંખ ઢાંકવી – આંખ બંધ કરવી

આંખ દાબવી-પ્રેમ ચેસ્ટા

આંખ દબાવવી-અણગમતુ કશુંક ન જોવા દેવાની ચેષ્ટા

આંખ ફાટવી –આશ્ચર્ય થવું,

આંખ નચાવવી-મનને ન કળાવા દેવુ

આંખ વાંચવી –મનની વાત સમજવી,

આંખ પટપટાવવી – કુતુહલતા વ્યક્ત કરવી

આંખ જતી રહેવી –નેત્રહીન થવું, 

આંખ લાલ કરવી – ગુસ્સો કરવો,

આંખ ફોડવી –બિન ઉપયોગી ઉજાગરા,

આંખ ગમવી –ગમતી વ્યક્તિ,

આંખ લડાવવી –પ્રેમ કરવો,

આંખ ઉઘાડવી –સાચી વસ્તુ નું ભાન કરાવવું,

આંખ રમવી-પ્રિય પાત્રને યાદ કરવું

આંખ થાકવી- રાહ જોઇને થાકવુ

આંખ પાથરવી –સ્નેહથી રાહ જોવી,

આંખ આડા કાન કરવા –જોયું ન્ જોયું કરવું,

આંખ પર ચશ્મા ચડાવવા –સારા-નરસાનુ ભાન થવું, ચોખ્ખુ દેખવુ

આંખ ની શરમ –માન આપવું,

આંખ રડવી –રડવું, દુ:ખ થવું

આંખ ઝાંખી થવી –દ્રષ્ટિ ક્ષીણ થવી,

આંખ કાઢવી –મૌન ગુસ્સો,

આંખ જોવી –વ્યક્તિની પરખ કરવી,

આંખ મટકાવવી –પ્રેમનાં ચાળા,

આંખ મિંચકારવી –ગર્ભિત ઇશારો,

આંખ મિંચામણાં કરવા –જાણી જોઇને અજાણ્યા થવું,

આંખ ભરાઇ આવવી-બહુ દુ:ખને અંતે આવતુ રૂદન

આંખ ચોળવી-નિંદ્રા પુર્વેની ચેષ્ટા

આંખ બગડવી-દાનત બગડવી

આંખનો કણો –અણગમતી વ્યક્તિ,

આંખ પર બેસાડવું –અતિશય પ્રેમ કરવો,

This entry was posted in કીરીટ ગો. ભક્તા. Bookmark the permalink.

5 Responses to ગુર્જરભાષા સમૃધ્ધિ-કીરિટકુમાર ગો ભક્ત

 1. આંખની કરામત! બરોબર કરી ભકતાએ મરામત!

 2. આંધળો આંખ મારે, ભાઈ એ તો એવુંજ હોય,
  બેરો કાનધરી, આંખ માંડે ,ભાઈ એ તો એવુંજ હોય,
  ભક્તાની ભીંડ ભાંગે, પણ આંખમાં થાય અંધારા ,
  રોજ રોજની રામાયણ,વાંચી આંખ થાકે,ભાઈ એ તો એવુંજ હોય,

 3. અભિનંદન, કિરીટ. આંખ ને લગતા શબ્દોનો સુંદર સંગ્રહ રજુ કર્યો છે.

  હું એક ઉમેરો કરવા માગું છું.

  આંખ મળવી – પ્રેમ થઇ જવો

  આંખમાં અમી આવવા – આનંદના આંસુ આવવા

  આંખે અંધારાં આવવા – ચક્કર આવી જવા

  હજું તો આવા ઘણા શબ્દો મળ એ તેમ છે. વાચકોને જ બાકીનું કામ કરવા દઇએ.

 4. પંચમ શુક્લ says:

  આંખ ફરકવી

  આંખનું તેજ ઓલવાવું

 5. Chirag Patel says:

  Very comprehensive and ‘eye opener’ list! Congrats.

Comments are closed.