સમજણ- ડો. નીલેશ રાણા

samajan.jpg 

હવે એ સમજણો થયો હતો. છતાંય એને જાણે સમજાતું નહોતું. વરસું ન વરસુંની દ્વીધા..એણે બારી બહાર નજર કરી. આકાશે વરસવાનો નિર્ણય લઇ લીધો હતો ડ્રાઉં ડ્રાઉં કરતા દેડકઓની જેમ વિચારો એના મનમાં કૂદા કૂદ કરી રહ્યાં. થોડીક ક્ષણો પછી એણે એક નિર્ણયનું પતંગીયુ પકડ્યું. સ્પર્શ મુલાયમ નહોંતો. બીકનું લખલખું અળસિયાની ગતીએ એના શરીરમાંથી પસાર થવા લાગ્યું. જાણે એ પરી અને રાક્ષસ ની વાર્તા વાંચી રહ્યો હતો.

પોતે હવે પંદરનો થશે. ગઇ કાલે મા સાથે ટી વી માં જોયેલ ફીલ્મનું દ્રશ્ય..બેંગ..એક અવાજ અને ધ એન્ડ! હજુય એના ચિત્તને ખળભળાવી રહ્યું હતુ..પણ પણ પોતે શું કરી શકે?  એક તો તેના હાથ પેલાની ગરદન સુધી પહોંચતા ન હતા. અને બીજુ એ એનો બાપ હતો બાપ! ફિલ્મ અઢીથી ત્રણ કલાકમાં પતી જાય. આ અનંત વેદના… હવે એ સમજણો થયો હતો..

એ ઉભો થયો. એનો બાપ ખાટલામાં પડ્યો કંઇ બબડતો હતો. અને એની મા ત્રણેયના પેટની આગ બુઝાવવાનો સામાન લઇ ને આવતી જ હશે. લાગ્યુ એને જલ્દી કરવી જોઇએ. બરફનાં ચોસલાં જેવો નિર્ણય સમયની આંચ થી પીગળી જશે તો? એણે બારણાં તરફ પગલાં ભરવાનાં શરુ કર્યા. ફર્શ પર પડેલી ખાલી બોટલ એના જમણા અંગુઠાને અડી.’ બોટલ ઉપાડીને એના માથા ઉપર ઝીંકી દઉં’ નો વિચાર ગડી વાળી ને પાછો ગોઠવી દીધો. કારણ કે એનાથી એના આગળ લીધેલાં નિર્ણયને ખોટું લાગી જાય. મનમાં સીસોટી મારતું ફિલ્મનુ દ્રશ્ય…બેંગ..એક અવાજ..ધ એન્ડ! આમતો એને એ માહોલમાંથી ભાગી જવુ હતું પણ એની મા..મ. અહીં હતી. લીધેલા નિર્ણયે ફરી એક વાર ધક્કો મારી એને બહાર જવાં મજબૂર કર્યો.. બારણું ખોલતાજ વરસાદની વાછંટ એને વળગી પડી.

” અલ્યા વરસાદ પડે છે …છત્રી..”

‘ચુપ મારે ભીંજાવુ હોય એમાં તારા બાપનું શું ગયું?” મનને ઠપકારતો એ બહાર આવ્યો. બારણું બંધ કરી એ વરસાદની દિવાલમાં ગાબડુ પાડતો દોડવા લાગ્યો. વરસાદે ચીડાતા જોર પકડ્યું એની ગતિને અવરોધવા પવન ભુવાની જેમ આજુ બાજુ ઘુમી રહ્યો. વાદળાઓ ડાકલા વગાડતા અંધકારની ભુરકી નાંખવા લાગ્યા. રસ્તા પર દિશા શૂન્ય દડતા પાણીનાં રેલાઓને કચડતા એ દોડતો રહ્યો. ધારે તો આંખ મીંચીને પણ ત્યાં એ પહોંચી જાય. આજે એને લાગ્યું એની વધતી જતી ઉંમર ની જેમ એનો રસ્તોય લાંબો થઇ ગયો.

ક્રમશ:

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to સમજણ- ડો. નીલેશ રાણા

  1. nilam doshi says:

    nice…like this.

Comments are closed.