પૂ. મોટાભાઇ ( તેર)

motabhai.jpgઆજે જ્યારે તમને પત્ર લખુ છુ ત્યારે મારુ મન ઘણું જ ઉદાસ છે.
અહીં ક્રેડીટ રેટીંગ સારુ રાખવુ તે ખુબ જરુરની બાબત છે. અને તે ચેક કરતો હતો અને અંશના નામે લગભગ 15 જેટલા ખોટા રીપોર્ટ દેખાયા. અને તે આખા અમેરિકાના જુદા જુદા સરનામે ….અને તે પણ બે મહીનાનાં ગાળામાં…સગવહાલાનાં નામો માં અમારા નામો દેખાય..મને ચિંતા થઇ પણ ફોન સંપર્ક નહીં તેથી શું કરવુ? બીજે દિવસે મારુ ઓફીસમાં કામ પતાવી હું તેને ગામ પહોંચ્યો…મેં બેલ માર્યો અને ઘરનાં બારણા પાસે ઉભો રહીને કહે
“તમે?”
મેં કહ્યું “હા તારુ થોડુ કામ છે તેથી આવ્યો છું”
” પપ્પા કદી આવી રીતે ફોન કર્યા સિવાય તમારાથી ના અવાય.”


મેં કહ્યું “અંશ..હું હજી તેટલો અમેરિકન નથી થયો કે મારે તારી રજા લઇને આવવુ પડે.”
બે ચાર ક્ષણો તેના ચહેરા ઉપર મારા પ્રત્યેનો “પછાત્ બાપા” જેવા ભાવને ગળી જઇને હું બોલ્યો
” આ તારો ક્રેડીટ રીપોર્ટ આટલો બધો ખોટો કેમ બતાવે છે? મને ચિંતા થાય છે તેટલા માટે દોઢસો માઇલનું ચક્કર ખાધું”
“પપ્પા! મને કેટલા વર્ષ થયા?”
“એકવીસ”
“આપણે ક્યાં રહીયે છે?”
” મને બધી ખબર છે હવે તુ તારા પગ ભર છે તેથી કંઇ હું બાપ મટી નથી જતો. તારુ આટલુ ખરાબ રેટીંગ તને ક્યાંયનો ય નહી રાખે..તે કહેવા આવ્યો છું” ક્ષણની ચુપકીદી પછી હું બોલ્યો “અને આ ફોન નંબર કેમ બદલી નાખ્યો છે?”
” મમ્મી બહુ ફોન કરી કરી હેરાન કરે છે અને ગમે તેવુ બોલ્યા કરે તો મારે શું કરવાનું?”
” અંશ! તે તારી મમ્મી છે તેને તારી ચિંતા થાય અને તુ ફોન ન ઉપાડે તો શું કરે?”
” પણ કલાકનાં પંદર ફોન? મને પણ મીટર ચઢે છે.”
” જો સાંભળ તુ ભણી રહે અને સારી નોકરી એ લાગી જાય અને ભણવાનુ દેવુ પુરુ કરે ત્યાં સુધી બાપ તરીકે મારી જ્વાબદારી છે અને તેથી તારી બાબતોમાં માથુ મારુ છું. આશ્કા ભણી ને સાથે રહે છે તો પગાર પણ બચે છે અને છ મહિનામાં તે સંપૂર્ણ મુક્ત થઇ જશે.”

“પપ્પા! તમે મને સલાહો આપવાનું બંધ કરો તમને ખબર જ ક્યાં છે દુનિયા અત્યારે ક્યાં છે? મને ભણવાની કોઇ જ ઉતાવળ નથી. હું જેમાંથી પૈસા બનાવુ છું તે હજી બે પાંચ વરસ મને પૈસા આપશે. ભણવાનું દેવુ તો એક વરસમાં હું પણ કાઢી નાખીશ.. અને હા આશ્કા ભલે ઘરમાં રહેતી હોય પણ તે ઘણું બધુ તમારાથી છુપાવીને કે ખોટુ બોલી ને કરે છે જ્યારે હું મને જે ગમે છે તે ખુલ્લે આમ કરીશ”

મને મનમાં ખુબ જ ગુસ્સો આવતો હતો પણ મને સંસ્કૃતનો પેલો શ્લોક્ પણ યાદ હતો પ્રાપ્તેષુ ષોડ્શે વર્ષે પૂત્રં મિત્ર વદાચરેત… મેં બને તેટલા મારા અવાજને નિયંત્રિત કરતા કહ્યું
‘અંશ કમાવાનુ તો આખી જિંદગી છે હાલ એક વર્ષ બાકી છે તો ભણી લે અને આશ્કાનાં લગ્ન નક્કી થયા છે તો તે સમયે એક્ના એક ભાઇ તરીકે તારી લગ્નમાં જરુર પડશે.”

તેના સેલફોન ઉપરથી ફોન કરી શીખા સાથે વાત કરાવી. તેણે કહ્યું મમ્મી તુ મને બહુ ફોન કરે છે તેથી થાકીને મેં નંબર બદલી નાખ્યો હતો.. શીખા કહે ભલે દિવસમાં સાંજે એક વખત અંશ ફોન કરશે.

પાછા ફરતી વખતે શીખાની દરેક વાતો યાદ આવતી હતી..તેણે તો ના જ કહ્યું હતુ છોકરાને સમજણો ના થાય ત્યાં સુધી કાંખમાંથી ના કઢાય.. આપણે એને ક્યારેય એકલો રાખ્યો નથી અને તે ભટકાઇ જશે..હા આજે તે મારો નાનો અંશ નથી તે તો પૂખ્ત હોવાનો દાવો કરતો અને સામ દામ દંડ ભેદે ડોલરોને પાડતો અંશ છે..ક્રેડીટ્માં પડેલા દરેક વાંધા મને એમ સુચવે છે કે કાંતો અંશ બુરી લતે છે કાં તે ભ્રમિત છે..

હે પ્રભુ! શું આ ભવિષ્ય આપવા હું આ ફૂલને અહીં લાવ્યો હતો? મનનું લોલક ભુતકાળ તરફ વળ્યું.

શક્ય છે મેં પણ નાદાનીમાં આવી જ કોઇ ઉધ્ધતાઇ કરી હશે જેનો મને આ બદલો મળે છે તેમ વિચારી વિચારી ખુબ જ આંખો છલકાઇ..આજે જો તેવું કંઇક મારાથી થયુ હોય તો ક્ષમા પ્રાર્થી લઉં

ભરોંસો જ્યારે ખોટો પડે છે
ખામોશ હૈયે રુદન જ રહેને?

પોતના જેને માન્યા તે નડે છે
ત્યારે વેદનાનું જોર બહુ રહે છ

ભરોંસો ન કરવો તેવુ સમજ કહે
અને ભરોંસો તુટે ત્યારે હૈયુ રડે છે

જ્યારે દેશ છોડીને અહીં આવ્યા ત્યારે થતુ હતુ કે કદાચ ભારત કરતા વધુ તકો અહીં છે..હા તકો તો ઘણી છે તેને રોકડી કરવા કિંમતો પણ ઘણી ઉંચી અપાય છે મોટાભાઇ.. ડોલર તો મળશે પણ ઘરનાં હીરાની સાટે…

અટકું?

સોહમનાં પ્રણામ

સોહમનાં પ્રણામ

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પૂ. મોટાભાઇ ( તેર)

 1. Gandhi K says:

  જ્યારે દેશ છોડીને અહીં આવ્યા ત્યારે થતુ હતુ કે કદાચ ભારત કરતા વધુ તકો અહીં છે..હા તકો તો ઘણી છે તેને રોકડી કરવા કિંમતો પણ ઘણી ઉંચી અપાય છે મોટાભાઇ.. ડોલર તો મળશે પણ ઘરનાં હીરાની સાટે

 2. Axar Sayanwala says:

  દીવા તળે અંધારુ તે આનુ નામ્!

  છોકરો જ્યારે મા બાપને ના ગાંઠે ત્યારે કાં તો તાલિમનો અભાવ અથવા ખોટી સંગત્..

  આંખ ભરાઇ જાય તેવુ દુઃખદ અને સચોટ શબ્દ ચિત્ર…

 3. gopal h parekh says:

  તમારી વાતો હૈયું વલોવી નાંખે છે,પ્રતિભાવ માટે શબ્દોની મર્યાદાનો પનો બહુ જ ટૂંકો પડે છે

 4. Kiritkumar Bhakta says:

  mari,tamari ane aapna sauni varta.

 5. nilam doshi says:

  very nice..pan aje kem avu dekhay che ?some problem..with site.pl.check it

 6. pravinash1 says:

  You are pouring HEART in the story.