પુ. મોટાભાઇ ( સોળ)

motabhai-2.jpg

આજે ધર ભર્યુ ભર્યુ છે..લગ્નની ચહલ પહલ શરુ થશે..ગણેશ પુજનમાં આનંદનાં ગીતો ગાતી બાને જોઇ મન અતિ પ્રસન્ન થઇ ગયું. ગોર મહારાજ વિધિ વિધાન સમજાવતા જતા હતા અને આશ્કા નાના બાળક સમ નિર્દોષ ભાવોથી સાંભળતી અને ઝરણા જેવુ ખીલ ખીલ હસતી. મારી જેમ તેને પણ બાએ ગીતો ગાયા તે ગમ્યું. પીઠી ચોળતા મામાનું હેત છ્લક્યું માસીઓ ફોઇઓ અને મિત્રો સૌએ મન ભરીને આશ્કાને હળધર થી સુગંધી. વહાલ્ થી પ્રિયતમને જોવી ગમે તેવી રુપાળી બનાવી. કાકા કાકી પિત્રાઇ ભાઇઓએ મંડપ ની થાંભલી રોપી અને ઘર શણગારાયુ..

વાતાવરણમાં અનેરો આનંદ છે. સાંજે મહેંદીમાં ધમાલ અને મસ્તી ઘરને ઘમરોળતી હતી. મોટાભાઇનો પુલકીત ચહેરો અને બાનું મલકતુ વદન ઘરનો સર્વ શ્રેષ્ઠ આનંદ હતો અંશ કેમેરા થી સૌને પ્રસન્ન રાખતો હતો જ્યારે શીખા વારંવાર આશ્કાને જોતી અને તેના ભુતકાળમાં સરી પડતી. કયારેક તેની સદગત મા અને બાપને સંભારીને રડી પડતી.. કદાચ લગ્ન જેવા પ્રસંગે મા બાપ યાદ આવે તે જ તો સંસ્કાર પણ છે ને?

આ ધમાલમાં મોટી ફોઇબા અચાનક ઝળઝળતી આંખે ગણ ગણ્યા

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..
કાળજા કેરો કટકો મારો….

અને આ ગણગણાટ સાંભળતા હું અને મોટાભાઇ ક્ષણમાં આંસુનાં તોરણો બાંધી બેઠા..

બા બોલ્યા દિકરી તો પારકી થાપણ. તે તેના ઘેર જાય તેનો અફસોસ ના હોય. તેનુ તો કન્યાદાન કરાય અને થાપણ મુક્તિનો આનંદ ઉજવાય… વળી સારે ઘેર તેડીજવા સાજન અને મહાજન આવશે તો તેના રુડા ઢોલ વગડાવો … આમ પોચકા ના મુકો. પણ બાબુલનાં મન એમ શીદ માને..?

લગ્ન મંડપ સજાવાતો હતો ગરબાની તૈયારી થતી હતી અને યુવા પીયરીયા અને સાસરીયાની હાજ્રરીમાં ગરબા રંગે ચઢ્યા..બા અને મોટાભાઇ આનંદ થી પ્રસંગને માણતા હતા..હું મોટી બેનની અને બાની વાતો વાગોળતો હતો.. પોતાનું સંતાન આંખનાં પલકારામાં માળો છોડીને પારકુ થઇ જશે?

આશ્કાનાં સાસુ બાજુમાં આવીને ટહુક્યાં અમે દિકરી લઇ જશું પણ દિકરો દઇ પણ જશું. વેવાઇ આમ ઉદાસ ના બનો!

ગરબામાં સુર ગુંજતા હતા મનમાં અજબ બેચેની હતી..મન રડવા ઇચ્છતુ હતું અને હ્રદય કહેતું હતું

આ ક્ષણ ને માણી લે.. આ ખોટને આનંદ બનાવી લે
કન્યાદાનનું કુમકુમ ભાલે લગાવી લાડલીને ગુમાવી દે

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પુ. મોટાભાઇ ( સોળ)

 1. Kaushik Desai says:

  કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
  મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..
  કાળજા કેરો કટકો મારો….

  અને આ ગણગણાટ સાંભળતા હું અને મોટાભાઇ ક્ષણમાં આંસુનાં તોરણો બાંધી બેઠા..

 2. Geetesh says:

  excellant description!

 3. Premal Bhatt says:

  પોતાનું સંતાન આંખનાં પલકારામાં માળો છોડીને પારકુ થઇ જશે?

  Touchy and sentimental!

 4. kaalja kera katkaane vidaai aapvi e kai saheli vaat nathi