ઝાંઝવા જુઠાં મળે-રાજીવ ગોહેલ

autumn_forest

મૃગને રણમાં ઝાંઝવા જુઠાં મળે
ને અપેક્ષાના વનો ઠુંઠા મળે

ના મળે જો ને જરાયે ના મળે
ને મળે તો સેકડોં ગુંઠા મળે

ધાર આપો જ્યાં જરા એ ખ્યાલને
ને શબ્દો તમને બધા બુઠાં મળે

ના ભીતરના દર્દને ખાળી શક્યા
કે દિલાશાના જતન જુઠાં મળે

મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
ને બને એવુ બધાં ઠુંઠા મળે

– રાજીવ ગોહેલ

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે કે તે દરેક રીતે સંપૂર્ણ હોય્ ભાઈ રાજીવની આ રચના ગમી જવાનું કારણ પણ આ સંપૂર્ણતા છે. પાંચ શેર અને તે સર્વગૂણ સંપન્ન. ભાઈ રાજીવનાંજ શબ્દોમાં કહીયે તો  ” એમા સહજતાથી મે હૃદયના ભાવ રેડ્યા છે, કવિતાઓને મે મારી શબ્દોથી બહુ સજાવી નથી…!

 જેને કાફીયા કસવા પડતા નથી અને શબ્દો સજાવવા પડતા નથી તે જ આવુ કહી શકે કે

ના મળે જો ને જરાયે ના મળે
ને મળે તો સેકડોં ગુંઠા મળે

રાજીવ પોતેજ તેન પરિચયમાં લખે છે “હું ખુબ ચિક્કાર જીવ્યો છું… ખુબ પ્રેમ કર્યો છે… ખુબ દુઃખો સહન કર્યા છે… જીવનમાં અનેક ભુલો કરી છે… અનેક લોકોને મેળવ્યા છે અને લગભગ બધાને ગુમાવીને કઇ કેટલાય અનુભવો નો ખજાનો ભરી બેઠો છું…! અને છતાં હું જીવન વિશે, પ્રેમ વિશે કે સંબંધ વિશે કઇ પણ નથી જાણતો…!અને તે અનુભવો જે છે તે બધા દર્દ સ્વરુપે આ બે શેરમાં જોવા મળે છે

ના ભીતરના દર્દને ખાળી શક્યા
કે દિલાશાના જતન જુઠાં મળે

મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
ને બને એવુ બધાં ઠુંઠા મળે

ભાઈ રાજીવની આ રચના સચોટ એટલા માટે બની છે કે આ વાત લગભગ બધlની જ છે તેણે તેને સુંદર વાચા આપી છે.

This entry was posted in received Email, કવિતા, કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink.