પ્રકરણ –(10) પહેલુ સુખ તે જાતે તર્યા…

તમને નવાઈ લાગશે હું ખુબ અગત્યનાં વિષય ઉપર આટલો મોડો કેમ આવ્યો ? 

નિવૃત્તિ ની પ્રવૃત્તિઓમાં આ પ્રવૃત્તિ જરુરી છે જે પણ આગળ બાંધેલ વિવિધ વિષયો ની પૂર્વ ભૂમિકા એ આ પ્રકરણનું લવણ છે. જયારે તમે નિવૃત થયા ત્યારે માનસિક સ્થિરતા જાળવવા આગળ ઘણી વાતો કરી… હવે શરીરને સાચવવાની કેટલીક વાતો અત્રે હું કરીશ. 

હીરાકાકા અમારા એવા કુટુંબી કે જેમને નખમાંય રોગ નહીં, આખી જિંદગી કુંવારા રહ્યા હતા તેથી જીવન જીવવાની પધ્ધતિ બહુ કેળવાયેલી નાના ભાઈઓ ની પત્નીઓ સાથે રહેવાનું અને સંયુક્ત કુટુંબ વિકસાવવાનું ઘણુ અઘરું કામ તેમણે  નાળીયેર ના કાચલાની કડકાઈથી કરેલુ અને અંદરનું હ્દય તો એજ મીઠું ટોપરું અને વ્હાલનો ધુધવતો દરિયો… 

રવિવારે પાંચશેરીયા માર્કેટમાં પાંચ થેલીઓ અને બે છોકરાય લઈને જાય અને આખા અછવાડીયાનું શાક, ફળ, મસાલા લઈને આવે… અને સવારનાં પહોરમાં ચપ્પુ લઈ શાક સમારી નાખે… નાની ભાભીઓ રસોડામાં આવે ત્યારે તેમનો પહેલો કપ ચા હીરાકાકા પાય… પણ પછી કડે ધડે ત્રણે ભાઈઓ નાં છોકરાય ને નવડાવે… તૈયાર કરે અને કામે ચઢે…. સેલ્સમેન નું કામ એટલે ચાલવાનું ખુબ થાય… અને શરીર પડછંદ તેથી કસરત તો રોજ થાય. તેઓ કહેતા…. 

જે હોય ઉણોદરી ફળાહારી અને બ્રહ્મચારી

તે પીએ ઘણુ પાણી અને રહે સદા પદાચારી

 

તેઓ 80 વર્ષ જીવ્યા. પણ નખમાંય રોગ નહીં. તેમનું સવારનું ભોજન એટલે એક સફરજન અને વાડકો ભરીને કાચુ સલાડ… જેમાં મૂળા, ગાજર, કાકડી અને જુદી જુદી ભાજી તો હોય્. બપોરે એક વાગે નાસ્તાના ડબ્બામાં બટાકા પૌંઆ ઉપમા કે બે થેપલા દહીં સાથે હોય… સાંજે છ વાગે ઘરે આવે ત્યાં  લગભગ 4 થી 6 માઈલ ચાલીને આવ્યા હોય ત્યારે ભર પેટ પાક ભાણું જમે. અને જમતા જમતા ખુબ ચાવી ચાવીને ખાવાનું ખાય અને પુરી લીજ્જત થી જમણ ને માણે કદી કોઈ ટીકા નહીં ટીપ્પણ નહીં કયારેક ભાત મોળો લાગે તો જાતે ઉઠીને મીઠુ લઈ લે પણ કોઈ હુકમ નહીં કોઈ ચર્ચા નહી અને જો કોઈ છોકરો વાંકુ ચુકુ બોલ્યો કે રડારોળ કરી તો આવી જ બને… સાંજે સાત સાડા સાતે ખાસ તો મોટા છોકરાઓને લઈ હેંગીગ ગાર્ડન કે ચોપાટી ઉપર સુર્યાસ્તને જોવા જાય… આ નિયમ તેમનો 75 વર્ષ સુઘી ચાલ્યો… પછી પડી જવાથી ઘુંટણો અને પગનાં સાંધામાં દર્દ થયુ અને તે ટેવ ડોકટરનાં કહેવાથી છોડી.

 

હીરાકાકાની આ રોજનીશી અત્રે લખવાનું પ્રયોજન સ્પષ્ટ છે. જાતે સુખી રહેવા કેટલોક ક્રમ સુયોગ્ય રીતે અહીં નોંધુ છું.

 1. પુરી 8 થી 9 કલાકની ઉંઘ લો…. તે લેવા રાત્રે 10 વાગ્યે સુઈ જવુ અને પ્રાત કાલે 6 વાગે ઉઠી જવું.
 2. નરણા કોઠે બે થી ચાર ગ્લાસ પાણી પીવું….
 3. નિત્ય ક્રીયાઓથી પરવારી શક્ય હોય તે ધર્મ જાપ કે અંતરાત્મા તરફ વળવા જરુરી આધ્યાત્મ ક્રિયા કરવી.
 4. જીવન સાથી ને શક્ય સહાય.. શાક સમારવું ચા બનાવવી જેવી કરવી કે જેથી તેની સવાર પણ પ્રફુલ્લીત બને.
 5. ગઈકાલ જતી રહી છે તેની ચિંતા ન કરવી આવતી કાલ હજી આવી નથી યોગ્ય પ્લાનીંગ કરવુ પણ આજ તો આજ છે તે આજ માં જ જીવવું.
 6. હસવું અને હસાવવું…. જીવન સાથી, કુટુંબી જનો…. આસપાસના સૌને.
 7. ખુબ પાણી પીવુ.. કોસીરીયુ ગરમ પાણી પીવુ, જાપાન નાં લોકો નું આયુષ્ય લાંબુ હોવાનું કારણ છે રોજ નાં દસ ગ્લાસ પાણી પીવુ અને ઉણોદરી રહેવું. ઓડકાર આવે ત્યાં સુધી ખાધા કરવુ તે જઠર ઉપર બળાત્કાર છે. મોટી ઉંમરે ખાવા માટે જીવવા કરતા જીવવા માટે ખાવાનું તે સુત્ર જીવન ને પીડા રહીત કરે છે.
 8. સાંજ પડે અર્ધો કલાક ચાલવું બાગ બગીચા અને ઘર બહારની વાતો સંસારનાં તણાવો ને કયાંય ભગાડી જાય છે.
 9. દર છ મહીને શરીર નો તબિબિકીય હિસાબ ( Financial Check up) કરવો.
 10. દર વર્ષે નાણાકીય અને કાનુની હિસાબ કરવો ખાતે નફો જ રહેવો જોઈએ તે માટે જરુરી કરકસર અને પુન: રોકાણ જેવા પગલા લેતા રહેવા જોઈએ.
 11. હીરાકાકા જેવી વાત દરેકની ન પણ હોય… તબિ.યત અસ્વસ્થ રહેતી હોય તો પરહેજી  ને દવા લેવા માં નિયમિતતા એ જરુરી કવાયત છે.
 12. કહે છે ઘી નો ઉપયોગ દિવો કરવામાં અને ખાંડનો કે મીઠાનો ઉપયોગ કવચિત કરવાથી આયુષ્ય ની દોરી દસ વર્ષ વધે છે. અને ડાયાબીટીસ, હ્દયરોગ અને બ્લડ પ્રેસર જેવા રોગ કદી તમને સ્પર્શી નથી શકતા….બાગ, ટહુકા, બાંકડા, હવાને સાંજ છે…. ચોતરફ આમંત્રણો છે તુ બહાર નજર કર. ઉણુ પેટ, ચાલતા પગ અને હસતુ મો એ સ્વસ્થ નિવૃત જીવનની આરસી છે. જમ્યા પછી ખુલ્લા પાર્કમા અર્ધો કલાક ચાલો….
 13. કુદરત નાં સાનિધ્ય માં રહો…. તે નિત્ય નવી તાજગી અને સ્ફુર્તિ બક્ષતા હોય છે. સૂર્યોદય દરિયા કીનારો કે હીમાચ્છાદીત ગીરીશૃંગો કે ગામનું તળાવ…. રોજીંદી જિંદગી નાં તણાવોને બાળી જઈ શકે છે.  (ચિત્ર – 13)
 14. ફળાહારી અને ઉણોદરી બનો. (ચિત્ર – 14) તાજા ફળો અને તેના રસો વિશેનો લેખ પરિશિષ્ટિમાં આપ્યો છે. તે વિવિધ પ્રકારનાં ફળ રસો નું નિત્ય સેવન યોગ્ય માત્રામાં કરો.
 15. ઘોંઘાટીયા વાતાવરણથી દૂર રહો…. શાંત સમયે ભકિતનું ભજન કે કોઈક શાંત રાગ સાંભળો…. ઘોંઘાટ તણાવ વઘારનારો હોય છે. અને તણાવ…. શીરદર્દ કે હાઈ બ્લડ પ્રેસર વધારનારો હોઈ શકે… ટી.વી. સીરીયલો જે રોતલ અને દર્દ દાયક હોય તેને જોવાનું ટાળો. તે ભલે ચટપટી હોય પણ તે તણાવ પેદા કરતી હોય છે. અને તણાવ કોઈપણ ઉંમરે નુકશાન દેય હોય છે.

 

This entry was posted in નિવૃત્તિ ની પ્રવૃત્. Bookmark the permalink.