સુધીર પટેલની ગઝલો

મૂંગામંતર થઈ જુઓ ૦ સુધીર પટેલ

જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ
ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ

પુસ્તક સઘળાં બંધ કરી દ્યો, આંખોને પણ મીંચી દ્યો;
મેળે મેળે મળશે ઉત્તર, મૂંગામંતર થઈ જુઓ!

હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની;
મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઈ જુઓ

દર્પણ દર્પણ ભટકો નહિ ને બિંબ બધાં ફોડી નાખો,
ખુદને મળશો ખુદની અંદર, મૂંગામંતર થઈ જુઓ!

જળતરંગ માફક ઊઠો ને ત્યાં સુધી પહોંચો ‘સુધીર’,
ખુદ થઇ જાશો સુંદર સરવર, મૂંગામંતર થઈ જુઓ!

— સુધીર પટેલ.

****

મળજો મને ૦ સુધીર પટેલ

હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.

ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.

સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!

બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને!

કોઈ અંતિમનો નથી આગ્રહ ‘સુધીર’,
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!

— સુધીર પટેલ.

****

સાંભળ્યું છે ૦ સુધીર પટેલ

સાંભળ્યું છે કે હજી એ સાંભળે છે,
ભેદ ખોટાને ખરાનો પણ કળે છે.

સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે,
રાહ જોનારાઓને કાયમ મળે છે!

સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ,
આમ જુઓ તો બધે ઝળહળે છે!

સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ,
પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે!

સાંભળ્યું છે વજ્રથી પણ છે કઠણ એ,
જાત સળગે મીણ જેવું પીગળે છે!

સાંભળ્યું છે કે છે નિરાકાર ‘સુધીર’,
તો ય ધારો એ રૂપે તમને ફળે છે!
— સુધીર પટેલ.

This entry was posted in received Email. Bookmark the permalink.

0 Responses to સુધીર પટેલની ગઝલો

  1. dilip Gajjar says:

    Dear Vijaybhai, its unbelivable that in three verses so much sudhirbhai can say..mungamanter.. wonderful spiritual gazal.