લીમડે..મોહાયું રે મારુ મન્.. (12) પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 લીમડાના ઓટલેથી અપમાનિત થઇ વીલા મ્હોંથી આવેલો પ્રબોધ સીધો પોતાની રૂમમાં ચાલ્યો ગયો.રોજ મમ્મી મમ્મી કરનાર પ્રબોધ સીધો આમ ચાલ્યો ગયો એટલે અલ્કાબેનને ચિંતા થઇ આને શું થઇ ગયું એટલે પ્રબોધની રૂમમાં આવ્યા તો પલંગ પર ખોળામાં  ઓશિકું મુકી ને બેઠેલા દીકરાને પુછ્યું

“શું થયું???”

“કંઇ નહી જરા થાકી ગયો છું અને માથું ભારે થઇ ગયું છે”

“બેસ તારા માટે ચ્હા બનાવી લાવું તને સારૂં લાગશે…”દીકરાના માથા પર હાથ ફેરવતાં કહ્યું

      થોડીવારમાં એક ટ્રેમાં ચ્હાનો કપ પાણીનો ગ્લાસ અને એક ટીકડી લઇને અલકાબેન આવ્યા “લે પાણી સાથે આ ટીકડી લઇ લે અને ઉપરથી ચ્હા પીલે તો માથાનો દુખાવો મટી જશે”

“હા લઇ લઇશ.”

“સારૂં…”કહી અલ્કાબેન બહાર ચાલ્યા ગયા.

    થોડીવાર પ્રબોધ શુન્ય મનસ્ક ટ્રે ને જોતો રહ્યો પછી ટીકડી ગળીને ચ્હા પીધી.

વારંવાર લીમડાના ઓટલે થયેલ પોતાનું અપમાન અને અન્ય દ્દશ્યો નજર સામે આવવા લાગ્યા. આદિતિ સુંદર હતી પણ પ્રિયા કે સુપ્રિયાની સરખામણીમાં ઊણી ઉતરતી લાગી.પ્રિયા અને સુપ્રિયાને તો એ જાણતો હતો તેમના સ્વભાવથી પરીચિત હતો જ્યારે આ અદિતિ સાથે ૮-૧૦ દિવસમાં  જિન્દગીભરનો પનારો પડનાર હ્તો. એનો સ્વભાવ કેવો હશે.લગ્ન પછી શું કરશે….????એ વિચારોમાં જ એની આંખ મળી ગઇ.

     તેણે જોયું થીયેટરના સ્ટેઝ પર પોતે એકલવાયો બેઠો હતો.ચારે બાજુ અંધકાર હતો. એકાએક તેણે નેપથ્યમાંથી તેના ક્લાસ ફેલોને આવતો જોયો.એક,બીજો,ત્રીજો,ચોથો,પાંચમો બધા તેના તરફ આવી ને હાથ જોડી ઊભા રહ્યા.

“કોણ…કોણ…છો તમે???શા માટે…શા માટે.. આવ્યા છો???”થોથવાતા પોતે પુછ્યું

“અમે તો આપના દર્શનાભિલાષી છીએ પ્રેમગુરૂ.અમારી પ્રેમ સમસ્યાઓ સાંભળી અમારૂં યોગ્ય માર્ગદર્શન કરો.અમને ઉપદેશ આપી કૃતાર્થ કરો હે પ્રેમગુરૂ.

“હું કોઇ પ્રેમગુરૂ નથી…નથી..નથી…”

“રોજ બધાને વણમાંગી સલાહ આપનાર અને પોતાને પ્રેમગુરૂ કહેવડાવતા આપશ્રી આજે પોતે કબુલ કરો છો કે તમે પ્રેમગુરૂ નથી ઓહો!!!!આશ્ચર્યમ્ …..”કહી બધા એકબીં જાને તાળી આપી હસ્યા

“ચાલ્યા…જાવ…અહીથી…ચાલ્યા જાવ…મેં કહ્યુંને હું કોઇ પ્રેમગુરૂ નથી….”કહી પોતે ગોઠણમાં માથું નાખી બરાડી ઉઠ્યો.

      થોડીવારે તેણે તાળીઓ પડવાનો અવાઝ ફરી સાંભળ્યો.એક પ્રબોધ નેપથ્યમાંથી આવ્યો. પ્રબોધ ગભરાઇને પાછળ હટવા લાગ્યો અને થોથવાતા પુછ્યું

“કોણ..કોણ..કોણ છો તું????”

“વાહ!સરસ સવાલ છે તું તને પોતાને નથી ઓળખતો??? હું તારી અંદર વસ્તો પ્રબોધ છું.તારો પોતાનો અંતરઆત્મા…..”

“અંતરઆત્મા!!!!!!”

“હા અંતરઆત્મા…જેને પુછ્યા વગર તે જે પગલા ભર્યા તે ન ભર્યા હોત અને થોડી ધીરજ ધરી હોત અને લીમડે જે ગલ્લા તલ્લા કર્યા તેના બદલે સુરતમાં નાટકના શો થયા ત્યારે સાચા દિલથી જો

પ્રિયા સામે પ્રેમનો એકરાર કરત તો એ તને પરણવા જરૂર રાજી થઇ જાત અને અશોકભાઇના કોઇ ધમપછાડાનું કશું ઉપજત નહીં પણ તેં…કહેવાય છે કે,માણસ પોતાના પગ ઉપર કુહાડો મારે છે પણ તેં…તેં તો કુહાડા પર પગ માર્યો હવે પેટ ભરીને પસ્તાયા કરજે…..”

“પણ હવે આનો રસ્તો…..પોતે આગળ પુછે તે પહેલા એ અદશ્ય થઇ ગયો.

      પ્રબોધનું મન ફરી ચકરાવે ચડી ગયું.અદિતિ દેખાવડી હતી પણ પ્રિયા કે સુપ્રિયાની તુલના કરતા તે વિચારવા લાગ્યો.પેલી બન્નેના સ્વભાવ તો એ જાણતો હતો.બન્નેને તેના પ્રત્યે કુણી લાગણી હતી.જ્યારે આ અદિતિ….જેને પોતે જાણતો નથી..એનો સ્વભાવ કેવો હશે અને મારા બધા ભોપાળાની તેણીને જાણ થશે ત્યારે તે મારા સાથે કેવી વર્તણુક કરશે????તેણી મને માફ કરશે કે મારા ઉપર દાઝ કાઢશે….ઓ ઇશ્વર…..આ મારાથી શું થઇ ગયું?????કહી ફરી ગોઠણમાં મ્હોં સંતાડી બેસી પડયો.

              થોડીવારે તેણે ઉપર જોયું તો શાહી લેબાશમાં સૌમ્ય હાથમાં છડી લઇને કોલેજની લોબીમાં ઊભો હતો,તે બોલ્યો બા-અદબ બા-મુલાઇઝા હોશિયાર… શહેનશાહો કે શહેનશાહ.. ફકિરો કે ફકિર સુલતાને ઇશ્કિયા જનાબેવાલા પ્રબોધખાન બહાદુર તસરીફ લા રહે હૈ…….અને પ્રબોધે પોતાને ચીંથરેહાલ દશામાં આવતો જોયો હાથમાં એક કટોરો હતો તેમાં કોઇ ચાર આના કોઇ દશપૈસા નાખતું હતું અને પોતે બધા તરફ આર્દ નજરે જોતો હતો.એકાએક બસ…કરો… બસ… કરો… બરાડા પાડતો જમીન પર બેસી પડયો.અચાનક તેની આંખ ઉઘડી ગઇ અને પથારીમાં બેઠો થઇ ગયો.

“શં થયું પ્રબોધ???”કરતાં અલકાબેન તેની રૂમમાં આવ્યા.

“કંઇ નહી કોઇ ખરાબ સ્વપ્ન હતું….” કહી પ્રબોધ પાછો સુઇ ગયો.

“શું થયું???”અશોકભાઇએ પડખું ફરીને અલકાબેનને પુછ્યું

“કંઇ નહી કહેતો હ્તો કોઇ ખરાબ સપનું આવ્યું હતું”કહી અલકાબેને લંબાવ્યું

“કપાતરને રાત્રે પણ હખ નથી…”કહી અશોકભાઇ પડખું ફેરવી સુઇ ગયા.

   બીજા દિવસે હંમેશ સૌથી પહેલાં બસમાં બેસનાર પ્રબોધ રોજની બસમાં ન ગયો.થોડીવાર રહીને તેણે કોલેજ જવા રીક્ષા પક્ડી.ક્લાસમાં આગલી પાટલીમાં બેસનાર પ્રબોધ નીચું માથું કરીને છેલ્લી પાટલીએ બેઠો હતો.છેલ્લા પેપરની સપ્લીમેન્ટરી સુપર્વાઇઝર આપી ગયા.કોઇ સાથે નજર મેળવવાની તેની હિંમત ન્હોતી ચાલી,એટલે ઉધું ઘાલી  મગજ્ના વિચારો ખંખેરીને પેપર લખવા લાગ્યો.આ બાજુ થોડીવારમાં એકબીજાને આંખના ઇશારે પુછવા લાગ્યા શું થયું?જવાબમાં ખબર નથી જણાવવા સૌ ખભા ઉલાડતા હતા.સમય પુરો થતાં સુધીમાં તો આપસમાં ગુસપુસ થવા લાગી અને ક્યાંકથી ખડખડાટ હસવાનો અવાઝ પણ આવ્યો અને પ્રબોધ પેપર આપી સડસડાટ કલાસમાંથી નીકળીને કોલેજ બહાર આવ્યો.બહાર આવતાં જ સામે ઉભેલી રીક્ષા પકડીને ઘર ભેગો થઇ ગયો અને સીધો પોતાની રૂમમાં જતો રહ્યો. 

   બપોરે અશોકભાઇ આવ્યા અને બંડી અને ટોપી ખીંટીએ ભેરવી સાથેની થેલીમાંથી પાંચ કંકોતરીના નમુના કાઢી અલકાબેનના હાથમાં આપતાં કહ્યું

“આમાંથી એક પસંદ કરી રાખ.  દિનકરભાઇનો ફોન આવે ને તારીખ પાકી થ્ઇ જાય એટલે મેટરમાં મુકીને છપાવવા આપી દઇએ.”

“પણ એટલી જલ્દી છપાઇ જશે???”કંકોતરીઓ જોતા અલકાબેને કહ્યું

“મેં પ્રેસના માલિક સાથે વાત કરી રાખી છે.સવારના મેટર આપશું તો સાંજે આપી દેશે”

“એતો ઠીક પણ સમયસર પહોંચશે સમય ઓછો છે…..”અલકાબેને પોતાની ચિંતા વ્યક્ત કરી.

“જો ખાસ જરૂરી છે તેમને કુરીઅરથી મોકલી ફોન કરી કહી દેશું મોક્લાવેલ કંકોતરી વહેલી મોડી થાય પણ તમે સમયસર આવી જજો.બાકીની સ્પીડ પોસ્ટથી રવાના કરીશું”

“હા એ બરાબર છે.આમં મને આ સારી લાગે છે.અલકાબેને આનંદ વ્યક્ત કરતાં એક કંકોતરી આપી

“ભલે તો આ જ છપાવીશું અને હા ઘરના કામમાંથી નવરી પડે ત્યારે કોને કોને મોકલવાની તેનું લિસ્ટ બનાવી લેજે અને હા ઓલા તારા નંગને પુછી લેજે એને કેટલી જોશે તેથી ચોક્કસ આંકડો ખબર પડે.ચાલ થાળી પીરસ અને શું શું લગ્ન પસંગની ખરીદી કરવાની છે તેનું લિસ્ટ બનાવ્યું કે નહી?”

“હા ભાઇ હા એતો તમે બિલ્લીમોરા ગયા તે દિવસે જ બનાવી લીધું છે.તે દિવસે મને બીજું કામ પણ શું હતું?”થાળીઓ પીરસતા કહી બુમ પાડી

“પ્રબોધ જમવા ચાલ”

    પ્રબોધે ચુપચાપ જમીને પાછો પોતાની રૂમમાં જતો રહ્યો.અશોકભાઇ જમીને આરામખુરશીમાં બેઠા અને બિલ્લીમોરાથી દિનકરભાઇનો ફોન આવ્યો.

“હલ્લો…..!!!!”

“દિનકર બોલું છું જયશ્રી કૃષ્ણ…….”

“જયશ્રી કૃષ્ણ વેવાઇ બોલો શું નક્કી કર્યું???”       

“મહારાજે આ મહિનાની ૨૪ તારીખને બુધવાર નક્કી કર્યુ છે”

“ઓહો….સરસ બુધ સર્વે શુધ્ધ…તો હવ કંકોતરી છપાવવા આપી દઉને???”

“હા..હા..શુભસ્ય સિઘ્રમ્ ….ભલે જયશ્રી કૃષ્ણ”

“જયશ્રી કૃષ્ણ…”કહી અશોકભાઇએ ફોન મુક્યો.

“શું થયું???હું જરા બાથરૂમમાં હતી”હાથ લુછતા અલકાબેને પુછ્યું

“૨૪ તારીખ નક્કી થઇ છે બુધવારની”

“આજે થયો ગુરૂવાર એટલે અઠવાડિયા પછી.સારો ટાઇમ હાથમાં છે”

“હા મારી બંડીને ટોપી અને ઓલી કંકોતરી પણ લાવ એટલે પ્રેસવાળાના માથે મારી આવું” કહી અશોકભાઇ ઊભા થયા.

    બીજા દિવસથી લગ્નની તડામાર તૈયારી શરૂ થઇ ગઇ.અશોકભાઇ કંકોતરી ઉપર સરનામા કરવામાં વ્યસ્ત થઇ ગયા.પ્રબોધ આ બધું નિર્લેપ ભાવથી જોતો હતો.સાંજે કંકોતરીઓ લઇને ભારે પગે લીમડે પહોચ્યો.શૈલેષે પ્રબોધને આવતો જોયો.

“આ માણસને લાજ શરમ જેવું કંઇ છે કે નહી????”

બધાએ પ્રબોધને આવતો જોયો.પ્રબોધના લગ્નની વાયરે વાત તો બધા પાસે પહોંચી ગાઇ હતી સૌને અંદાઝ તો હતો કે,કંકોતરી આપવા માટે જ આ તરફ આવે છે.લીમડે બેઠેલા બધાને એક નજર જોઇ તેણે કંકોતરી આપવા માટે હાથ લંબાવ્યો પણ કોઈ લેવા તૈયાર ન થયું.

“શું મ્હો લઇને અમને કંકોતરી આપવા આવ્યો છે.બેશરમીની પણ કોઇ હદ હોય છે.તું તો હદબાર છો મારાથી તારું વધુ અપમાન થાય તે પહેલા જેવો આવ્યો એવૉ જતો રહે”

“યાર જે મેં કર્યું એ બધું ખોટું થયું પાપ થયું પણ લગ્નમં મારા સસરાપક્ષના પૂછશે કે તમારા કોઇ મિત્રો નથી આવ્યા તો શું જવાબ આપીશ????”રડતી આંખે પ્રબોધે કહ્યું

“આ મગરનાઆંસુથી કોઇ પીગળનાર નથી અને આ બધુ પ્રિયા અને સુપ્રિયા સાથે કરતાં પહેલાં વિચારવું હતું હવે તારૂં કંઇ ઉપજે એમ નથી…એમ કહેતા બાંયો ચડાવતાં શૈલેષ નીચે ઉતર્યો

      હવે આ તલમંl તેલ નથી એમ સમજીને પ્રબોધ પાછો વળી ગયો.ઘેર આવીને બધી કંકોતરી કપડાના કબાટમાં તળીયે પડેલ જુના કપડાની થપ્પી નીચે સંતાડી દીધી.

    નક્કી કરેલા દિવસે બધા બિલ્લીમોરા જવા રવાના થઇ ગયા.સમયસર બધું સમુસુતરૂં પાર પડ્યું.જમણવારમં એકાએક પ્રબોધની સાસુએ પ્રબોધને પુછ્યું

“જમાઇરાજ કેમ તમારા કોઇ મિત્ર દેખાતા નથી???”

“એ..તો..મમ્મી જાણે વાત એમ છે કે,પરિક્ષા પતે અને બધા પીકનીક ઉપર જવાના હતા..અને લગ્નની તારીખ એજ તારીખે નક્કી થઈ તેથી મે કોઇને કહ્યું જ નથી…તે બધા ડુમસ ગયા છે.”

તમે કંકોત્રી આપી હોત તો પ્રોગ્રામ બદલાતને…અને અહી પણ કેવી ચહલ પહલ હોત્…

પ્રબોધની નજર નીચી થઇ ગઈ.તે  અદિતિને અને તેની મમ્મીને ના ગમ્યુ. જો કે પ્રબોધ્ દેખાવડો હતો અને બેંક ઓફ બરોડામાં કેશીયર થવાનો છે તે બે બાબતો ઉપર બંને સંતુશ્ઠ હતા.દીકરી તેનુ પણ ભાગ્ય લઈને જવાની હતી વળી અશોક્ભાઇ ને તો આખુ ગામ…આખી નાત ઓળખે.. તેથી ભવિષ્યની કોઇ ચિંતા તેમને નહોંતી.

 

  નવદંપતિને લઇ જાન નવસારી આવી.ઘરમં વવી વહુના વધામણા થયા ત્યાર બાદની બધી વિધિ પૂરી થતાં રાત ઢળવા લાગી.પ્રબોધ પોતાની રૂમમાં કાકા મામાના દિકરાઓ સાથે વાતો કરી રહ્યો હતો.ત્યાં તેની માશીની દીકરી સરલા અદિતિને લઇ રૂમમાં દાખલ થઇ.

“બધા બહાર ચાલો ભાડાની જગા ખાલી કરો…..”કહી હસી

“હા ભાઇ રાત બહુ થઇ છે.વરઘોડિયાને એકલા મુકો”કહી બધા બહાર જવા લાગ્યા.

“ભાભી આ તમારૂ ઘર અને વર બન્નેને સંભાળજો..શુભ રાત્રી”કહી સરલા રૂમના બારણા વાસ્યા.

        પ્રબોધ વાતની શરૂઆત કેમ કરવી એની અવઢવમાં હતો.અદિતિએ દુધનો ગ્લાસ અને કાજુકતરીની ટ્રે માંથી દુધનો ગ્લાસ પ્રબોધને આપ્યો.

“પહેલા તું પી…”પ્રબોધે અદિતિને નજીક ખેંચતા કહ્ય

“ના પહેલા તમે પીયો હું તો…”કહી પ્રબોધના હાથમાંથી ગ્લાસ લઇ પ્રબોધના હોઠે ધર્યો.પ્રબોધે અર્ધો ગ્લાસ પીને અદિતિના હોઠે ધર્યો.

“આટલું તો તારે પીવું પડશે”અદિતિ એ ગ્લાસ ખાલી કર્યો.એક બીજા કાજુકતરી ખવડાવી અને હળવે

બન્ને એક બીજામાં સમાઇ ગયા.

    સવારે અલકાબેન જાગ્યા ત્યારે અદિતિ દેવઘરમાં દીવો પ્રક્ટાવતી હતી.અલકાબેનને જોઇને કહ્યું

“જયશ્રી કૃષ્ણ બા”

“જયશ્રી કૃષ્ણ દીકરી”અલકાબેને કહ્યું એટલે સાડીનો પાલવ સરખો કરતાં અલકાબેનને અદિતિ પગેલાગણા કર્યા.

“સદા સુહાગણ રહે દિકરી”અલકાબેને આશિર્વાદ આપતાં ભગવાનનો પાડ માન્યો.વાહ!મારા વ્હાલા તેં તો મારા મનની મુરાદ પુરી કરી સંસ્કારી વહુ આપી.

“બા તમે પરવારી લો એટલે તમારા માટે ચ્હા બનાવું…અદિતિ વાક્ય પુઋઉ કરે તે પહેલાં અશોક્ભાઇ દેખાયા અને ઉમેર્યુ”મારા માટે પણ….”

“જયશ્રી કૃષ્ણ બાપુજી”કહી અદિતિ ચ્હાનો કપ આપતા કહી અશોક્ભાઇને પગેલાગણા કર્યા.

“અખંડ સૌભાગ્યવતિ રહે દિકરી”ત્યાંતો પરવારીને હાથ લુછતાં અલકાબેન આવ્યા અને અશોકભાઇની સામેની ખુરશીમાં બેઠા એટલે અદિતિ તેમના માટે ચ્હાનો કપ લાવી.”બા તમારી ચ્હા…”

“હા લાવ આજે તો ઘણા દિવસ પછી સાથે ચ્હા પીવાનો મોકો મળશે”

“હા અને તે પણ વહુના હાથની….વાહ મજા પડી ગઇ.

    ત્યાર બાદ સૌ રોજના રૂટીનમાં જોડાઇ ગયા.બપોરની ટપાલમાં પ્રબોધને બેન્ક ઓફ બરોડામાંથી

કેશીયર તરિકેની નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો.અશોકભાઇ ખુશ થઇ ગયા કે વહુ તરિકે તેમના ઘરમાં લક્ષ્મીજી પધાર્યા છે.

This entry was posted in લઘુ નવલકથા, લીમડે..મોહાયું રે મારુ મન્... Bookmark the permalink.

One Response to લીમડે..મોહાયું રે મારુ મન્.. (12) પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  1. Premal says:

    Hope its not the end of story. Still waiting for some more twists to come in future. Btw Nice try guys. Hope to get Part 13 soon

Comments are closed.