ભગવાન શ્રી મહાવીરની વિચારધારાને આજના યુવકો-નીલા એન. શાહ

              મિત્તિમેં સવ્વ ભૂએસુ, વેરં મજઝં ન કેણઈ ’’

“ જગત ના સર્વજીવો સાથે મારે મૈત્રી છે, મારે કોઈની પણ સાથે વેર નથી ’’ એમ કહીને પ્રભુ વીરે આજના યુવકોને મૈત્રી ભર્યું જીવન જીવવાનો બોધ પાઠવ્યો છે. પ્રભુવીરે જિનેશ્ર્વર બનતાં પહેલા જગતનાં જીવ માત્ર સાથે મૈત્રી બાંધી હતી, તેઓ કહેતા, વેગળા રાખો તો વેર વધે, અળગા રાખો તો અદેખાઈ વધે, અળખામણા બનાવો તો સખણા રહે નહી માટે જીવ જ જીવનો મિત્ર છે. ’’ મૈત્રી સાધે તે માનવ, મહા મૈત્રી સાધે તે મહામાનવ અને પરમમૈત્રી સાધે તે પરમાત્મા, દુશ્મન બનનાર ને દુશ્મનાવટનો મોકો જ મળવા ન દેવો, શત્રુતાને શયતાનિયતમાં પાંગરવા જ ન દેવી, સ્વમાં સર્વ ભળી જાય તો જ સર્વજ્ઞ બની શકાય. જગતના સર્વ જીવોને ચાહવાથી જગતની ચાહના મેળવી શકાય છે. જગત પૂજય બનવાનો આ સરળ કિમીયો પ્રભુ વીરે આજના યુવકો ને બતાવ્યો છે.

              ગર્ભમાં રહીને માતાના સુખની ચિંતા કરનાર પ્રભુ વીરે આજના યુવકોને પ્રથમ સંદેશો આપ્યો કે, પરમ ઉપકારી માતાપિતાની સદા ભક્તિ કરો. બીજો સંદેશો નિર્ભયતાનો આપ્યો અને જણાવ્યું કે, હે યુવાનો ! અભય થયા વગર આત્મિક ઉન્નતિ નથી. તેમણે જનતાની ભાષામાં જ જગતને ઉપદેશ આપ્યો. યજ્ઞોમાં થતી પશુ હિંસા અટકાવી મુખ્ય સંદેશ અહિંસાનો અને એ દ્વારા આજના યુવકોને જણાવ્યું કે, તમે જે ધારો તે તમારા પ્રયત્ન થી થઈ શકે છે. તમારા ભાગ્યનાં વિધાતા તમે પોતે જ છો ખુદ ઈશ્ર્વર પણ નથી. તમારે પાંચ મહાવ્રત પાળવા ધટે… અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. યાદ રાખો સત્ય સાપેક્ષ છે. તમે નિરખ્યું તે જ સત્ય એવો એકાન્તે આગ્રહ ન રાખો. અનેકાન્તવાદ વિચારમાં અને અહિંસા આચાર માં સ્વીકારો. ’’.

              પ્રભુવીરે પ્રરૂપેલો સ્યાદવાદ એ જૈનધર્મનો પાયો છે. તે વિશ્ર્વ માટે અનુપમ અનોખી ભેટ છે. આ સ્યાદવાદ બધાં ધર્મોને પોતાનામાં સમાવી લે છે. જો કે સ્યાદવાદ અને અનેકાન્તવાદ બન્ને એક જ છે. સ્યાદવાદ એટલે દરેક પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ વિવિધ ધર્મનો સ્વીકાર કરવો. પ્રભુવીર આજ ના યુવકોને કહેવા માંગે છે કે, “ વ્યવહારની પ્રત્યેક વાતોને અનેકાન્ત દ્રષ્ટિથી જોવી જોઈએ એકાન્તદ્રષ્ટિ (આમ જ હોય ! થાય) ના માર્ગે જવાથી બધાંને નુકશાન થાય છે, પરંતુ અનેકાન્ત – સ્યાદવાદનો અભિગમ સ્વીકારીએ તો બન્ને પક્ષને લાભ છે. આ અનેકાન્તવાદ – સ્યાદવાદનો અભિગમ સ્વીકારીએ તો બન્ને પક્ષને લાભ થાય છે. જે સત્ય અને સમ્યગ છે. તેની સાપેક્ષતા સૌને જોડવાનું કામ કરે છે.

              આજના યુવાનોને પાંચ મહાવ્રતો, શ્રાવકના બારવ્રતો તથા રાત્રિભોજન ત્યાગ દ્વારા પ્રભુવીરે સાધુધર્મ તથા ગૃહસ્થ ધર્મનું સુંદર દર્શન કરાવ્યું છે, અને કહ્યું છે કે, કર્મના શુભાશુભ ફળ માનવીએ અચૂક ભોગવવા જ પડે છે. પ્રભુ મહાવીરે ઉદબોધેલ કર્મનું જ્ઞાન આજની યુવાપેઢીએ સમજવા જેવું છે. જેમાં જીવ – અજીવ, આત્માનું સ્વરુપ, કર્મનું સ્વરુપ તેમજ આત્મા કર્મના બંધનો માંથી કેવી રીતે મુક્ત થાય છે. તે તમામ બાબતોનું સૂક્ષ્મ વર્ણન કરવામાં આવ્યું છે. “ હસતાં બાંધ્યા કર્મ, રોતાં પણ છૂટે નહીં, કર્મસત્તા સર્વોપરી છે. ’’ આત્મામાં અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યનો ભંડાર ભરેલો છે. પરંતુ તેની ઉપર કર્મોના આવરણો આવી જવાથી આપણને તેના દર્શન થતાં નથી તેથી જ્ઞાન ઢંકાઈ જાય છે. પરંતુ અહિંસા, તપ અને સંયમ દ્વારા કર્મરુપી બંધનોનો ક્ષય કરી આત્માને મૂળ સ્વરુપે પ્રગટ કરી શકાય. પ્રભુવીરે આ પ્રકારનું તત્વજ્ઞાન પણ આપ્યું છે.

              પ્રભુવીરે પોતાના સમયની બ્રાહ્મણ સંસ્કૃતિ અને પાર્શ્ર્વનાથ પરંપરાના વિકૃત સ્વરુપોને સ્વચ્છ અને સુરેખ બનાવ્યા અને બ્રાહ્મણ તથા શ્રમણને પોતાના પ્રવચનોમાં એક સરખું સ્થાન આપ્યું. તેમની દ્રષ્ટિ સમ્યગદ્રષ્ટિ હતી. સત્યની શોધમાં તેમણે પ્રાપ્ય ભોગવિલાસોને ત્યજીને સાધનાનો અમરપંથ અપનાવ્યો. સમાજના તમામ વર્ગોને અપનાવ્યા. ધાર્મિક ક્રિયાકાંડમાં પ્રસરેલી હિંસા સામે પડકાર ફેંક્યો. સાચો યજ્ઞ, સાચું શ્રાધ્ધ, સાચું સ્નાન અને સાચા બ્રાહ્મણનું યથાર્થ સ્વરુપ સમજાવ્યું. સ્ત્રીઓ તથા શુદ્રો માટે આત્મ સાધના નો અધિકાર સ્થાપિત કર્યો. પોતાના પ્રવચનોમાં સંયમ, સદાચાર, ઈન્દ્રિય – વિજય, તપ, અપરિગ્રહ, ત્યાગ, બ્રહ્મચર્ય વગેરે પર વધારે ભાર મૂક્યો. 30 વર્ષની ભરયુવાનીમાં દિક્ષા લઈ સમગ્ર વિશ્ર્વને એ વાતની પ્રતિતી કરાવી કે, ભોગમાં સુખ નથી પણ ત્યાગ ભાવનામાં સુખ છે. સુખ બહાર નહીં પણ આત્માની અંદર છે. આત્મા અજર, અમર, અવિનાશી અને અખંડ છે.

              પ્રભુવીરે સ્વની ઉપલબ્ધિ અને સર્વનિષ્ઠ આનંદની શોધ કરાવી હતી. તેમને પરંપરાગત જીવનપથને બદલવાની અદમ્ય ઝંખના જાગી. આ પ્રેરણા તેમને બીજા પાસેથી યા તથા કથિત કોઈ ધર્મોપદેશક પાસેથી નથી મળી પરંતુ પોતાની અંદરની ગહેરાઈમાંથી ઉદભૂત થઈ હતી. તેમના વાક્યે વાક્યે વિભાજયવાદ ધબકે છે. દ્રવ્યદ્રષ્ટિ એ આત્મા અને જગત અનિત્ય છે. જે જે સાધનો વડે કર્મરજ અને સંચિત સંસ્કારોનો પ્રક્ષય થાય છે તે તે સમસ્ત સાધનો મોક્ષના ઊપાયો છે. તેમણે આપણા માથે કોઈ નિયત પરિપાટીનું બંધન લાદયું નથી. ધર્મચક્રવર્તી તરીકે પ્રસિધ્ધ થયા. તેમના વચને વચને શાશ્ર્વત સુખના દ્વાર ખુલે છે. તેમનો ઉપદેશ અને વાણી બન્ને સાદા અને સરળ છે. એમાં જગત પર સ્નેહથી વર્તવાની વાત છે. કોઈ પર ક્રોધ ન કરવો. માન-માયાનો ત્યાગ કરવો. લોભને ત્યજવો વગેરે…… આમ તેની વિચારધારાએ અનેક આત્માના જીવનના વહેણને બદલી નાંખ્યું તેમણે આપેલી અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈનધર્મની આહાર સબંધી ઉંડી વિચારણા પ્રગટે છે. આહારનો સીધો સબંધ મન સાથે છે, જેવું અન્ન તેવું મન એથી આહાર અંગેની જાગૃતિ રાખવાનું કહ્યું છે.

              વીતરાગ ભાવ પ્રભુવીરની વાસ્તવિક સાધના પધ્ધતિ છે અને નિઃશેષવિતરાગતા એમની સાધનાની સિધ્ધિ છે. મન પર વિભાવો, વિકારો અને કુસંસ્કારોના થર જામેલા છે આ આચ્છાદનને લીધે આંતરિક શુધ્ધ ચેતના પ્રગટ થતી નથી. શરીરમાં રાગદ્રેષ નથી હોતા. રાગદ્રેષનું કેન્દ્ર મન છે. શરીર અને ઈન્દ્રિયને દમવામાં સાધના નથી તેમ મનને મારવામાં પણ સાધના નથી મન ખરાબ નથી પણ તેની વિકૃતિઓ ખરાબ છે આ વિકૃતિઓને તથા તેના મૂળને ઉન્મુલિત્ત કરવા એ સાધનાની દિશા છે. જયારે ચેતના વિકૃતિઓથી મુક્ત થઈ તેના મૂળ સ્વરુપમાં પહોંચી સદાને માટે શુધ્ધ પદમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે ત્યારે તે પરમ ચેતના બની પરમતત્વમાંથી પરમાત્મતત્વ માં પરિણમે છે.

              આજના યુગનો માનવી જો પ્રભુ મહાવીરની વિચારધારાને સમજી અને તેનું આચરણ કરે તો ચારે બાજુ ફેલાયેલી અશાંતિ અને હિંસાની હોળીને સમાવી શકાય. પ્રભુવીરે જગતને કલ્યાણનો માર્ગ આપ્યો છે. અને જણાવ્યું છે કે “ જેને પણ આત્મા નો ઉધ્ધાર કરવો હોય તે બધાં એ જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવું પછી તે જીવ નાના હોય, મોટા હોય, સૂક્ષ્મ હોય, એકેન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય તે સર્વેનું સમાન પણે રક્ષણ કરો, કારણ કે સૌને જીવન વહાલુ છે, કોઈ જીવ મૃત્યુ ઈછતો નથી માટે સૌ જીવોનું રક્ષણ કરો.’’ તેમની ભાવના હતી, “ જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી ’’ ….. આમ સર્વ જીવોને શાસનના રસિક બનાવવાની તેમની ઈચ્છા હતી.

              અંતે, તારણહારો જીવે છે જીજીવિષા માટે નહીં પણ સંસારની વિજીગીષાને જીતવા માટે, પ્રભુવીર આવું જીવન જીવ્યા. તેમણે અનંતા તીર્થંકરોએ કહેલી અને આચરેલી આજ્ઞાને સ્વીકારી તેથી તેઓ માનવમાંથી મહામાનવ અને વામનમાંથી વિરાટ બન્યાં. આવા કરુણાના અવતાર, અહિંસાના ઉપદેશક, દયાના સાગર, વિશ્ર્વના ઉધ્ધારક અને સમતાના ભંડાર સમા પ્રભુવીરે અપૂર્વ તત્વજ્ઞાન આપી જગત પર અત્યંત ઉપકાર કર્યો છે. જેઓએ અનેક જીવોને શ્રેયમાર્ગના રાહી બનાવ્યા. જેમના જીવનની પળેપળ પરાર્થમાં વીતી, જેના સદબોધે આવું કલ્યાણકારી – શ્રેયકારી શાસન મને – તમને – સહુને મળ્યું છે તેવા પરમપિતા પરમાત્મા મહાવીર સ્વામીને ત્રિકાળ વંદના.

This entry was posted in નીલા એન. શાહનાં નિબંધો. Bookmark the permalink.