ગુજરાતી સાહિત્ય સરિતાની જૂલાઇ-09 મહિનાની બેઠક

232323232fp536_5_nu=32;8_399_;45_WSNRCG=32__345447336nu0mrj

(ફોટો સૌજન્ય શ્રી રાહુલ ધ્રુવ)

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂલાઇ મહિનાની બેઠક–અહેવાલ–દેવિકા ધ્રુવ.- ૧૯ મી જૂલાઇના રોજ,ઉનાળાની બળબળતી બપોરે “ક્વોલીટી ઇન” ના એક નાનકડાં હૂંફાળા હોલની અંદર ,વરસાદ વગર પણ સૌ ભીંજાતા હતાં એમ કહેવામાં આવે તો એને અતિશયોક્તિ ન સમજશો… હા, હયુસ્ટનની જાણીતી અને માનીતી સાહિત્ય સરિતાની 89મી બેઠક, વિષયનો “વરસાદ” લઇને આવી હતી..

શ્રી પ્રશાંત મુનશાની ભાવભીની યજમાનગીરી, શ્રીમતિ શૈલા મુનશાનું સંચાલન પદ અને શ્રી વિશ્વદીપ બારડનું નેતૃત્વ હોય પછી તો પૂછવું જ શું ?બરાબર બે ને પાંચ મિનિટે “મંદિર તારું વિશ્વ રૂપાળું”ની પ્રાર્થનાના સૂરો શ્રીમતિ રેખાબેન બારડના સુમધુર કંઠે રેલાયા અને શ્રોતાજનો પણ જોડાયા.પ્રશાંત્ભાઇએ સૌનું ભાવભેર સ્વાગત કર્યું અને તે પછી સભાનું સૂકાન શૈલાબેનને સોંપવામાં આવ્યું.તેમણે વિષયને અનુરૂપ મુંબાઇના વરસાદની વાત અને તેમના પ્રિય ગઝલકાર મનોજ ખંડેરિયાની “એવા ફર્યા છે શું ભલા જંતર અષાઢમાં”ની અછડતી ઝલક આપી ક્રમશ:વક્તાઓને બોલાવવાની શરૂઆત કરી દીધી.

સૌ પ્રથમ વારો હતો દેવિકાબેન ધ્રુવનો.તેમણે ગૌરવભેર કહ્યું કે,આપણી સાહિત્ય સરિતાની પોકારમાં કેટલો દમ છે કે વરસાદે ગઇકાલે સાંજે મન મૂકીને વરસવું જ પડ્યુ ! એવાં આ મેઘરાજની સ્વરચના રજૂ કરી :આહા…છલકતી ને મહેંકતી મૌસમ છે,થોડી સરક્તી ને બહેકતી મૌસમ છે. ભીના ભીના ગીતો ગવડાવતી મૌસમ છે,મોહબ્બતની મશાલને મમળાવતી મૌસમ છે. ને આવા વરસાદના આગમન પહેલાં શ્રી મુકેશ જોશીની “ લીલાંછમ પાંદડાએ મલકાતાં મલકાતાં માંડેલી અચરજની વાત” પણ વાંચી સંભળાવી..તે પછી એક વર્ષથી જેમની હાજરીની સતત ખોટ સાલતી હતી તે પ્રવીણાબેન કડકિયાનો નંબર હતો.તેમણે પોતાના યોગના અભ્યાસ અને અનુભવોની પ્રારંભિક વાત કર્યા પછી, એક નાનકડા ઓરડાની અંદર બેસીને બારીમાંથી માણેલા વરસાદની સ્વરચના છેડી કે ‘ આભલેથી અમ્રુત વરસ્યું ને ધરતીની સોડમ ઉભરાઇ;બારીની અંદર હતી તોયે નખશીખ ભીંજાઇ.”તાળીઓના ગડગડાટ વચ્ચે કુશળતાપૂર્વક શૈલાબેને દોર હાથમાં લઇ જાણીતા વિવિધ સર્જકોની ઝલક પંક્તિ અને શબ્દસ્પર્ધાની તૈયારીરૂપ બે બે નવા શબ્દો પીરસતા રહ્યાં. હવે વારો હતો ફૂલવાડીના રાજા શ્રી વિશ્વદીપ બારડનો.વરસાદ વિનાના હયુસ્ટનની જુન-જૂલાઇની ગરમીથી અકળાઇને આક્રન્દ કાવ્ય પોકાર્યું કે : રોટલી શેકાય એટલા રસ્તાઓ હોટ છે;વરસાદ લાવે એવો કોઇ રિમોટ છે ? અને શહેર આખું ભડભડ બળતું નગર લાગે છે,ધરતીની લાજ-આબરૂ લૂંટાઇ ગયા છે; આવ, વરસાદ આવ,કરું તારા વધામણા, કૃષ્ણની બંસીના સૂર પણ સૂકાઇ ગયા.એમની આક્રંદભરી રચનાને શાંત પાડવા હેમાબેન પટેલે કાનાને યાદ કરતું ગીત સંભળાવ્યું :શ્રાવણ વરસે સરવરી ને ઝરમરિયો વરસાદ ને કાના આવે તારી યાદ.

બેઠકમાં રંગ જામતો જતો હતો.એમાં નોખી ભાત પાડનાર વિજય શાહનું નામ આવતા તાળીઓની બુલંદી કઇંક ઓર વધી ગઇ.તેમણે અલબત્ત,વરસાદના શબ્દો વરસાવ્યા !!! ગુજરાતી ભાષાને જીવંત રાખવા,વિક્સાવવાના તેમના અવિરત,ભગીરથ પ્રયત્નરૂપ વરસાદના એકવીસ શબ્દો રજૂ કર્યાં.ઉપરાંત,તેમણે તાજેતરમાં લીધેલ ચીનુ મોદી અને ખલીલ ધનતેજી સાથેની મુલાકાતની થોડી વાતો પણ કરી..અંતે શબ્દસ્પર્ધાની રમત અંગે નિમંત્રણ જાહેર કરી સ્વસ્થાન ગ્રહણ કર્યું. આશા છે આગામી બેઠકમાં જરૂર ભજવાશે. ત્યારપછી શૈલાબેને ઇજન આપ્યું અમારા છંદગુરુ અને પ્રસિધ્ધ ગઝલકાર શ્રી રસિક મેઘાણીને.તેમણે પોતાની લાક્ષણિક ઢબમાં બે ગઝલો રજૂ કરી. “જીવનસાંજે જોઇ લીધી તો એક ના સીધી લીટી,દોરી દોરી થાક્યો એમ જ આડી અવળી લીટી. અને અશ્રુ-પાલવ શબભર એવું વર્ષે ઝરમર ભાદર એવું,,ડૂબવું,તરવું,ભવસાગરમાં,મોજાં,નૌકા, જળચર એવું. વાતાવરણ જામતું જતુ હતું એવામાં “વિચારલહેરીના સૌમ્ય સર્જક શૈલાબેનનો વારો આવ્યો.અને તેમણે સ્વરચના : ગોરંભાતું ગગન ગાજતુ..સનસન વીજ ઝબાકા;ઘનઘોર વાદળની ગર્જન,જાણે ધ્રબૂકતાં ઢોલ-નગારાં “વાંચી સંભળાવી શ્રોતાજનોની વાહ વાહ મેળવી ગયાં.ત્યારપછી અમારાં સૌના મુરબ્બી શ્રી ધીરુભાઇ શાહે એમની અનુભવી કલમમાંથી નીકળેલાં જ્ઞાનમોતી વરસાવ્યાં. “જ્ઞાન વધતું જાય છે છતાં અજ્ઞાન વધતું જાય છે;જ્યાં અજ્ઞાન વધતું જાય છે ત્યાં હકૂમત વધતી જાય છે. અને સાગરેથી ચઢ્યું ને આકાશે ભર્યું,આકાશેથી વરસ્યું ને ધરતી પર પડ્યુ;ધરતી પરથી વહયું ને સાગરે ભળ્યું,,સાગરેથી ચઢ્યું ને સાગરે ભળ્યું.જીવનના આ નિયત ક્રમને સરળતાથી રજૂ કરનાર ધીરુભાઇને સાંભળ્યા પછી બેઠકમાં હળવાશ ભરવા ઉપસ્થિત થયાં શ્રી પ્રશાંત મુનશા હરિન્દ્ર દવેની રચના લઇને ”ચાલ વરસાદની મૌસમ છે,વરસતા જઇએ,ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઇએ .“વાતાવરણમાં ભારોભાર ભીનાશ હતી.ભીંજાવાની એક જુદી જ મઝા હતી. એની વચ્ચે વિરામરૂપ એક ભજન “સખી મુને વહાલો રે,સુંદર શામળો રે ‘ ભારતીબેન દેસાઇના ખુલ્લા અવાજે સાંભળ્યું ત્યારે લાગ્યું કે જાણે ભજનને અને ભીંજાવાને પણ ઘેરો સંબંધ છે.! અને તે પછી નાટ્યવ્રુંદના પીઢ કલાકાર શ્રી અશોકભાઇ પટેલ દુલા કાગની એક વાત લઇને આવ્યાં.સાથે સાથે રમેશ પારેખની પેલી જાણીતી પંક્તિ “ બહાર વરસાદ નથી એમ ન કહીએ, એમ કહીએ કે આપણને પલળતા ન આવડ્યું”…કહી એક હળવી સ્વરચના .” મૌસમનો પહેલો વરસાદ પડ્યો ને સાથે નીકળ્યો તડકો; સવારે બોલ્યો હું એક શબ્દ ને સાંજે થયો ભડકો !!”રજૂ કરી સૌને ખુબ હસાવ્યાં.આ મઝામાં ઉમેરો કરવા મંચ પર આવ્યાં સદાબહાર શ્રી નવીન બેંકર.. ૧૯૬૩ની યાદો,”મૌસમનો પહેલો વરસાદ”ની પોતાની વાર્તા અને દર્પણમાં પડતા પોતાના પ્રતિબિમ્બની વાત રમૂજી રીતે વર્ણવી સૌને ખડખડાટ હસાવ્યાં.તે પછી ઇક્બાલ મોતીવાલાની એક ગઝલ વાંચી સંભળાવી.” મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,ને તમાર પુણ્યને પડકારવાનું મન થયું; આયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી,લ્યો,મળ્યાં તો કેમ આંસુ સારવાનું મન થયું ?

“ વરસાદના આ માહોલને માણતાં માણતાં કેટલાંક નવા વક્તાઓ પણ તૈયાર થઇ ગયાં થોડાં અચકાતા અચકાતા છતાં આનંદપૂર્વક અને સ્વેચ્છાએ, પલ્લવીબેન પરીખ લઇને આવ્યા વીપીન કિંકાણીનું એક મઝાનું વરસાદી ગીત .”મારાં મનનું ગીત એટલે લીલું છમ ચોમાસુ. પહેલી પહેલી પ્રીત એટલે લીલુંછમ ચોમાસુ.બળબળતા બપોરે પણ મનમોરને એવું લાગે,હોય ગઝલ કે ગીત એટલે લીલુંછમ ચોમાસુ.” તે પછી સદા શ્રોતા બનીને ,સ્મિતવદને માણનાર ફરીદા મેઘાણી એક ઉર્દૂ ગઝલ લઇને આવ્યાં “જો ખયાલ થે કયાસ થે,વો લોગ મુઝસે બિછડ ગયે;મેરી ધડકનોકે કરીબ થે,મેરી ચાહ થે મેરી ખ્વાબ થે, વો જો રોજોશબ મેરે પાસ થે, વો હી લોગ મુઝસે બિછડ ગયે’ સૌની દાદ મેળવી ગયા. સાહિત્ય સરિતામાંથી પ્રેરણા પામી ને આવો ઉમેરો થાય ત્યારે હૈયું ઝુમી ઉઠે. આજે વળી અમારી વચ્ચે અમદાવાદના એક શિક્ષક મહેમાન હતા તેમને કેમ ભૂલાય ? નામ નવિનભાઇ પંચાલ.વરસાદમાં પલળતા એમનું પણ હૈયું હાથ ન રહયું ને ઉભા થઇ, ગદગદ કંઠે,શિશુસહજ ભાવો પ્રગટ કર્યા તો સાથે સાથે વિદેશની ધરતી પર ગુજરાતી ભાષાના વિકાસની આવી પ્રવૃત્તિઓ જોઇ ઘણાં જ ભાવવિભોર થઇ ગયાં.એમના આ લાગણીના દોરને હાથમાં લઇ સ્વાભાવિક રીતે જ વિજય શાહથી ઉભા થઇ જવાયુ અને થોડી પળો માટે બંને વચ્ચે ભાષાપ્રેમનું તારામૈત્રક રચાયું. ખુબ મૃદુતાથી,પ્રેમપૂર્વક આ મોંઘેરા વરસાદની “ફી’ તરીકે શબ્દસ્પર્ધાનું વચન માંગ્યું ! ને નવિનભાઇ પંચાલે સ્વીકારી પણ લીધું.સૌના હ્રદય આનંદથી પુલકિત થઇ ઉઠ્યાં.

 છેલ્લે શિશુવત સહજતાની વાત આગળ વધારતાં અવી પહોંચ્યા મધુભાઇ દેસાઇ.”આવ રે વરસાદ,ઢેબરિયો પરસાદ,ઉની ઉની રોટલી’ ના સહિયારા નાદથી ઓરડો ભરાઇ ગયો.ઘડીભર સૌ કોઇ બાળક બની ગયાં.દિલ શિશુનુ હોવું ને દિલને દૂનિયા ન હોવી એ કેવી સરસ અને નિર્દોષ અવસ્થા છે ! હજી શૈલાબેન શોધી રહ્યા હતા કે કોઇ રહી જતું તો નથી ને ત્યાં તો દિપકભાઇ ભટ્ “યે કાગઝકી કશ્તી એ બારિશકા પાની” યાદ કરાવી ગયા.તેમણે ગુજરાતી ભાષાની થોડી વાતો કરી..ત્યારપછી ઘડિયાળ તરફ નજર ફેરવીને વિશ્વદીપ બારડે કેટલીક જરૂરી જાહેરાતો કરી..પોતાની આગેવાનીના સમય દરમ્યાન સહાયક તરીકે પ્રવીણાબેન કડકિયાની નિયુક્તિ કરી..વિનોદભાઇ પટેલે અજંટા આર્ટ વિશેની માહિતી આપી.,યજમાન દંપતિએ અને સંસ્થાએ પરસ્પર સ્સ્નેહ આભારર્વિધિ કરી..અંતે અલ્પાહારને ન્યાય આપી બેઠક સમાપ્ત થઇ.

 બે થી અઢી કલાકના સમય ગાળામાં યોજાયેલી આ આખી યે રસપ્રદ અને ભીની ભીની બેઠકના આયોજનનો યશ શ્રી વિશ્વદીપ બારડને ફાળે જાય છે તો સફળ સંચાલક તરીકે શૈલાબેન મુનશાને પણ મળે છે.એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે સર્જકો, શ્રોતાઓ,વક્તાઓ તો આના અનિવાર્ય અંગો છે જેમના વિના સઘળું મુશ્કેલ છે. વાંચકમિત્રો,અમારી બેઠકનો આ આનંદ આપના સુધી પહોંચ્યો હોય, થોડાં ઘણાં તમે પણ અમારા વરસાદથી ભીંજાયા હો તો જરૂર પ્રતિભાવ પાઠવશો.અમારું એ બળ અને સદભાગ્ય ગણીશુ અને આપને સહભાગી માનીશું.

અસ્તુ…..

–અહેવાલ–દેવિકા ધ્રુવ.

This entry was posted in વિશ્વદીપ બારડ. Bookmark the permalink.