21 મી સદીમાં જૈન ધર્મ અને અહિંસા-નીલા એન. શાહ

            જૈન ધર્મ એ વિશ્વનો એક મહાન ધર્મ છે. જૈન ધર્મ અહિંસા ધર્મ કથંચિત અર્થાત અનેકાંતવાદ કે સ્યાદ્વાદધર્મ, આર્હત ધર્મ, નિગ્રંથ ધર્મ આદિ નામે ઓળખાય છે. અહિંસા એ જૈન ધર્મનો પ્રાણ છે. જૈન સાધુઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. અહિંસા જ ઉત્કૃષ્ટ માનવધર્મ છે. જૈન ધર્મ સંસારનો કર્તા, ધર્તા અને સંહર્તા એવા એક ઈશ્વરને માનતો નથી. આ ધર્મમાં મનુષ્યથી મોટું કોઈ બીજું મહાન પ્રાણી નથી.

              સમગ્ર વિશ્વએ ષડજીવનિકાય જીવંત જીવસૃષ્ટિ છે. 21 મી સદીમાં માનવજાતે પ્રકૃતિનું ભયંકર શોષણ કરી મુંગી જીવસૃષ્ટિનો કચ્ચરધાણ કર્યો છે. આજે કરોડોની સંખ્યામાં પશુઓની કતલ માત્ર માનવીઓના ખોરાક માટે થઈ રહી છે. ધરતીકંપ, વાવાઝોડા, અનાવૃષ્ટિ જેવા પ્રકૃતિના ઉપદ્રવોથી જો માનવજાતને બચાવવી હોય તો પૃથ્વીને પાટલે અમારિપડહની જરુર છે. “ અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ, અહિંસા પ્રભવો ધર્મ ’’ એ માનવ સંસ્કૃતિનું સુરક્ષા સૂત્ર છે. જેનો અનાદર સ્વયં ના વિનાશને નોતરશે.

              અહિંસા એ જૈન ધર્મનો પાયો છે. અને પ્રથમ મહાવ્રત છે. બધાં જીવોની સમાનતાના સિધ્ધાંત માંથી અહિંસાનો આવિષ્કાર થયો છે. સર્વ જીવ જીવવા ઈચ્છે છે. કોઈને મરવું ગમતું નથી. હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે. આથી જૈનધર્મમાં હિંસા અને અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જયાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. અસત્ય વાણી અને વર્તન એ હિંસા છે. બીજાને આધાત આપવો કે ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે. વળી ભગવાન મહાવીરની અહિંસા એ માત્ર મનુષ્ય પુરતી જ મર્યાદિત નથી પણ પ્રાણીમાત્રને આવરી લે છે, અને જીવનની એકતા માં માને છે. જે પ્રાણી પ્રત્યે ધાતકી થાય તે મનુષ્ય પ્રત્યે પણ ધાતકી થઈ શકે છે. ક્રુરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુર્વૃતિ છે. જેના હ્રદયમાં ધાતકીપણું હશે તે પ્રાણી હોય કે મનુષ્ય – સહુ પ્રત્ય ધાતકી વર્તન જ કરશે. 21મી સદીમાં માનવી એટલો ધાતકી બન્યો છે કે પોતાની નવી બંદુક બરાબર ચાલે છે કે નહીં તે જોવા થોડાક લોકોને ગોળીથી ફુંકી દેતા એનું રૂંવાડુંય ફરકતું નથી. આમ માનવીના જીવનમાં એના આહારમાં તેમજ અખબાર, ટી.વી., કે સિનેમા જેવા સમૂહ માધ્યમો થી. હિંસાવૃત્તિને ઉશ્કેરતાં પુસ્તકોથી એનું ચિત્ત હિંસાથી ખદબદે છે. ત્યારે જૈનધર્મમાં પ્રભુ મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવના પથ-દર્શક બને. જેના હ્રદયમાં કરુણા હશે એ બધાં પ્રાણી કરુણા ભર્યું વર્તન કરશે.

              જૈનધર્મમાં પ્રભુ મહાવીરે પ્રરૂપેલી આ અહિંસાની કુંચી અઢી હજાર વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે એની તાકાત બતાવી આપી. અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં આવતી સદીના પ્રત્યેક માનવીએ ઉતારવાનું રહેશે. જૈનધર્મ એ અખંડિતતા, સમગ્રતાનો આગ્રહ સેવે છે. ખંડિત નહી પણ અખંડિત આચરણ અને ભાવનાનો આ ધર્મ છે, તેથી ઘરનો માનવી અને દુકાનનો માનવી બન્ને એક હોવા જોઈએ…. એટલે કે કીડી – મંકોડાને બચાવે પરંતુ માણસનું શોષણ કરે તે ન ચાલે. એ કુંટુબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તે પણ ન ચાલે એક સ્ત્રી ઘરમાં સર્મપણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે પણ ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં, ભક્ષ્ય – અભક્ષ્યના વિચાર આગળ જ અટકી જતી નથી, બલ્કે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ. અહિંસાની આવી સક્રિયતા ને પ્રભુ વીરને ચંડકૌશિક જેવા કારણ વિના દંશ દેનારા ક્રોધી સુધી લઈ ગયા છતાં એની સાથેના વર્તનમાં એમનું વશ્ર્વવાત્સલ્ય જરાપણ ઓછું થયું નહોતું.

              પરિગ્રહનો સીધો સબંધ હિંસા સાથે છે તેથી 21 મી સદીના સમાજને માટે શોષણ અને ભ્રષ્ટાચાર એ હિંસાનું જ એક રુપ બનશે. ગરીબ, નબળા, દલિત કે લાચારનો ખોટો લાભ લેવો તે માત્ર સામાજિક અન્યાય જ નથી. પરંતુ એ હિંસા અને ધાતકી પણું જ છે. આજ અહિંસા અન્ય મન, ધર્મ કે દર્શન સાથેના સહઅસ્તિતત્વનું સૂચન કરે છે. આથી જ સંતબાલજીએ કહ્યું છે કે, “ માનવ સમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિતત્વની ભેટ આપનાર જો કોઈ ધર્મ હોય તો તે જૈન ધર્મ જ છે. ’’ આજના યુગને અને આવતી કાલના વિશ્વને આવી ભાવનાની વિશેષ જરુર છે. આજે જગતમાં આંતકવાદ અનેક વિધ સ્વરુપે ફેલાયેલો છે. ત્યારે આ અહિંસા દ્વારા જ માનવજાતને ઉગારી શકાય.

              આજે દુનિયા પ્રદુષણથી ધેરાઈ છે. વૃક્ષોના નાશે માનવીને દુષ્કાળનો શ્રાપ આપ્યો છે. પ્રાણીઓની અમુક જાતો નષ્ટ થઈ ગઈ છે ત્યારે જૈન ધર્મની જયણાને સંભારવા જેવી છે. જૈનશ્રાવકો તિથિએ લીલોતરી ખાતા નથી. જૈન સાધુ ના આચારમાં પણ પર્યાવરણની ખેવના કેટલી બધી જોવા મળે છે ? પ્રભુ વીરે આપેલી અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સબંધી ઉંડી વિચારણા પ્રગટે છે. 21મી સદીમાં જૈનધર્મની સાથે સાથે અહિંસા શબ્દ બહુ વ્યાપક બન્યો છે, અને તેની વ્યાપકતાનું શ્રેય પ્રભુ વીરને અપાય. પ્રભુ વીરે પોતાના જીવન દ્વારા વિશ્વને અહિંસા અને ક્ષમા ભાવના બે મજબુત પરિબળ બતાવ્યા. જીવનમાં આ બે પરિબળ હોય તો દેશ, સમાજ, પરિવાર અને સ્વયં અવશ્ય સુખી બની શકે. અહિંસા અને ક્ષમા પરસ્પર સંકળાયેલા છે અહિંસાને માનનાર વ્યકિતની વાણી – વર્તન – વિચાર કયારેય બીજાને દ્વેષભાવ ઉત્પન્ન કરે તેવા ન હોય. રાગ – દ્વેષ વગેરેની અનુત્પત્તિ જ અહિંસા છે એની ઉત્પત્તિ હિંસા છે.

              ઘણાં લોકોની માન્યતા છે કે અહિંસાનું પ્રવર્તન મહાવીર સ્વામીથી થયું છે પણ વસ્તુ:ત જૈનધર્મના તમામ તીર્થંકરોએ અહિંસાનો ઉપદેશ આપ્યો છે. દૈનિક જીવનમાં અહિંસાપાલન સહજ બનશે ત્યારે દેશ, સમાજ, પરિવાર અને સ્વયંના વર્તન બદલાઈ જશે. આજે આપણી પ્રવૃત્તિ અને આકૃતિ બદલી છે પણ પ્રકૃતિ બદલાઈ નથી. અહિંસા પાલન અને ક્ષમાભાવ આવા સ્વસ્થ ભાવ ને ત્યજીને હિંસા એને દ્વેષભાવથી દિવસે દિવસે અધોગતિ તરફ જઈ રહ્યા છીએ આજે પ્રભુવીરે બતાવેલી અહિંસાની તાત્કાલિક જરુર છે તો જ દેશ અને પ્રજા સુખી બનશે, સમૃધ્ધ બનશે. સ્વાર્થના અંધકારથી આચ્છાદિત દેશ, સમાજ અને પરિવાર એ અહિંસા રૂપ સદાચારની નિતાંત આવશ્યક્તા છે, ત્યારે પ્રભુ વીરે દર્શાવેલ મહામાર્ગનો સ્વીકાર જ લાભકર્તા નિવડશે.

              વર્તમાન સમયમાં સમાજમાં અહિંસાના નામે હિંસા વધતી ગઈ છે. ભ્રષ્ટાચારે માઝા મુકી છે, પરંતુ આ ભ્રષ્ટાચાર વધવા પાછળનું કારણ આર્થિક પ્રલોભન છે. વ્યકિતના પોતાના અસંતોષે માઝા મુકી છે. આર્થિક પ્રલોભન આર્થિક વિકાસનો આધાર બની ગયું છે, તેનો એકાંતવાદ માનવીને યાંત્રિક બનાવતો ગયો છે. આપણા જગતમાં એક જ તત્વ હોય તો અનેકાંત નું દર્શન વિકસીત થઈ શક્યુ હોત. બે વિરોધી તત્વોનું સહઅસ્તિતત્વ જ અનેકાંતનું પ્રારંભબિંદુ છે.

              વિશ્વની માનજાતને હિંસા અને ત્રાસવાદથી ઉગરવું હશે તો ભગવાન મહાવીરે બતાવેલી અહિંસાના સિધ્ધાંતને અપનાવવો જ પડશે. વ્યકિત કે સમષ્ટિ માટે અહિંસા સિવાય કોઈ બીજો તરણોપાય નથી. આ ત્રૈકાલિક સત્ય છે. વીરપ્રભુએ બતાવેલી અહિંસા આપણા જીવનમાં આવે  તો સાંપ્રદાયિકતામાં સૌહાર્દ અને ભાઈ ચારો થાય એ અપિક્ષત છે. પ્રભુની કરુણાથી સમગ્ર વિશ્ર્વમાં ચાલતાં અનેક વિવાદોનો અંત આવે, અને છેલ્લે ભગવાન મહાવીરે ચીંધેલા માર્ગે ચાલીને તેમની તથા શાસનની આરાધના ઉપાસના કરી તેમના આદેશોનું પાલન, ઉપદેશોનું આચરણ કરી આત્મકલ્યાણ ના અધિકારી બનીએ એ જ મંગલકામના…….

This entry was posted in નીલા એન. શાહનાં નિબંધો. Bookmark the permalink.

One Response to 21 મી સદીમાં જૈન ધર્મ અને અહિંસા-નીલા એન. શાહ

  1. PIYUSHJI says:

    VERY GOOD

    THANKS.

Comments are closed.