છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ -નીલા એન. શાહ

સંસાર એટલે પાપનો રાફડો… પાપ કર્યા વિના જયાં શ્વાસ પણ ન લઈ શકાય એનું નામ સંસાર….. સંસારમાં રહેલા જીવોને અમૂક પ્રવૃત્તિ જે ફરજીયાત પણે… જવાબદારી રુપે કરવાની હોય છે જે અર્થદંડ તરીકે ઓળખાય છે, કે જેના વગર સંસાર ચાલી જ ન શકે…. પરંતુ એનાથી આગળ વધીને જે પાપો બિનજરુરી છે…. કે જેના વગર ચાલી શકે છે તેવા પાપો અનર્થદંડ તરીકે ઓળખાય છે, જેને અહીં જ છોડવાના છે, અને એને માટે સૌ પ્રથમ તો પાપને સમજવું પડે તો જ અનર્થદંડ ની વિરતી કરી શકાય… જે આત્મા પાપને પાપ રુપે માને નહી તે આત્મા નાનું પાપ પણ નિધ્વંસપણે કરે છે… નિર્ભિક બનીને કરે છે… અને આ નિર્ભિકતા જ આત્માને પછાડે છે… મારે છે……

              જૈનશાસન માને છે કે, આત્મા પર સંસાર  એક જાતનો ભયંકર રોગ છે…. આત્માનું સાચુ આરોગ્ય એ મુક્તિ છે. સંસાર રુપી ભયંકર રોગથી રીબાતા મનુષ્યોને બચાવવા વીતરાગ દેવ ધન્વંતરી સમાન છે. સંસાર ઉપર વૈરાગ્ય જન્મ્યા સિવાય ઈશ્વર પર રાગ જન્મે જ નહી એથી સંસારમાં રહેવું હોય તો વિરક્ત પણે જ રહેવું… જયારે સંસાર ના પદાર્થોને મેળવવાની મહેનત નકામી અને નુકશાન પહોંચાડનારી છે અને આત્માનો નિસ્તાર કરે એ જ જૈનશાસનનું મંગળ છે. જૈનમૂનિઓ ધર્મગુરુ હોય પણ સંસારગુરુ ન હોય…. સંસાર દુખમય છે… દુખ ફલક છે અને દુખ પરંપરક છે જયારે મોક્ષ એકાંતે સુખમય છે. ભગવતીસૂત્રના પ્રવચનોમાં જણાવાયુ છે કે કે, સંસાર દુઃખની ખાણ છે… નિરાબાધ સુખનું સ્થાન મુક્તિ સિવાય બીજે કયાંય નથી અને મુક્તિ માટે અસાધારણ કારણ જો કોઈ પણ હોય તો તે સંયમ છે… નંદિ સયા સંજમે સંયમ એટલે સ્થિરતા… આ ગુણ આત્માની સાથે અભેદપણે રહેલ છે.

              મનુષ્યને વહેલા ઉઠવા માટે આદેશ છે. સંસારમાં જે પ્રમાદી છે તે સિવાયના મોટા ભાગના ઉઠયા તો છે પણ જાગ્યા નથી માટે સંતો એ તેમના માટે જાગો એવું સૂચન કર્યું છે… કારણ કે ઉઠવું એ પુરુષાર્થ સૂચક છે અને જાગવું એ જ્ઞાન સૂચક છે. સંસારની ઘરવગેરે ની પ્રવૃત્તિઓની સ્થિરતા એ હેય છે જયારે દેવ-ગુરુ-ધર્મની આરાધના ના અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં સ્થિરતા એ ઉપાદેય છે.

              સંયમ પ્રાપ્ત કરવા સંયમી સાધુ-સાધ્વીની ભક્તિ કરવી જોઈએ….. સંસારમાં રહેવા માત્રથી નહી પરંતુ તેમાં રાચીમાચીને રહેવાથી જૈનશાસન ચાલ્યુ જાય – આ જૈનશાસનમાં વૈરાગ્ય-વિરતી અને વિશુધ્ધિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નહી કે રાગ-અસંયમ અને દોષોને… જે જીવભક્તિમાં લીન છે… તરબોળ છે તેને તો સંસાર સમુદ્ર ખાબોચીયા જેવો જ લાગે છે. સંસારમાં આત્મોન્નતિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધર્મ જ મુખ્ય છે. અન્ય સર્વ ગૌણ છે… કામભોગ માં આસક્ત…. મોક્ષમાર્ગ પ્રત્યે વિપરીત બુધ્ધિવાળો…. અજ્ઞાની… આળસુ અને વિવેકહીન માનવ કફના બળખામાં ફસાતી માખીની જેમ સંસારમાં ફસાઈ જાય છે.

              જે સંસાર પ્રત્યે રસિક છે તેને વિવિધ સાધનોની ઈચ્છા થાય પરંતુ જે સંયમમાં રસિક છે એને આવા સાધનો તુચ્છ લાગે છે. જે દરેક કષ્ટમાં મસ્ત રહી શકે…. જેને કર્મના દહન માટે સહન કરવાની વૃત્તિ જ આવશ્યક લાગતી હોય… અંગાર જેવા અગાર (ઘર) ને છોડી ને અણગાર થયેલા એ સંયમીઓ જ પ્રતિપળ વધુ ચઢિયાતી – તીવ્ર સાધનાઓના આયોજન કરી શકે. ઉપદેશમાળામાં જણાવ્યું છે કે જે સંસારદુઃખથી દુખી એવા એક પણ જીવને જીનવચનથી પ્રતિબોધ પમાડે છે તે સમસ્ત જીવલોકમાં અમારિની ઉદ્દધોષણા કરાવે છે.

              સંસારની શેરીમાં રખડતા વિષયભૂખ્યા સંસારી જીવોને તૃપ્તિ સિવાય બધું જ મળે છે… ઘર મોટું હોવા છતાં મન નાનું થવાથી અલગ ઘર વસે એ સંસાર જગતની વાત સાધુ જીવનમાં હોતી નથી. સંસારની પ્રત્યેક સફળતા આગ પાસે રહેલા પાણી જેવી છે તે કયારે વરાળ બનીને ઉડી જાય તે કહેવાય નહી તેથી જ તો કહેવાય છે કે અધૂરા કાર્યે મળેલી સફળતામાં વાહ વાહ ને હવા હવા થતાં વાર લાગતી નથી… જે સાચા સંયમી છે તેને ક્ષણજીવી સફળતાનો નશો જ ચડતો નથી. સામે ચાલીને અનુકુળ વસ્તુ છોડવી તે શુધ્ધિની જાહેરાત છે અને સામે ચાલીને પ્રતિકુળ વસ્તુને વધાવવી તે સત્વની જાહેરાત છે કહ્યું છે ને કે…

              સંસાર કેરા સર્વ સબંધો, ક્ષણમાં વિખરાશે…..

              આયુષ્ય કેરી દોરી તૂટતા, સર્વ સબંધો કપાશે.

              જગમાં કોઈ કોઈનું નથી, એ વાત ન વિસરાશે

              ધર્મ જ સાચો છે આ જગમાં, અંતરમાં કોતરજે

              સંસાર સાગરથી પાર પામવા માટે સંયમ એ નૌકા સમાન છે પુદગલના અને પરમાત્મા સાથેના સમત્વને કેળવવા માટે સંયમધર્મ જરુરી છે. શ્રમણ જીવન જેવું સુખ આ સંસારમાં અન્યત્ર કયાંય નથી… કારણ કે આ જીવનમાં રાજશાસનનો, ચોરનો…. કે બીજા કોઈ ભય નથી… તેમને માટે આ લોક સુખમય છે. પરલોક હિતમય છે. અહી રાજાઓ તેમ જ નેતાઓ દ્વારા નમન – વંદન મળે છે અને યશકીર્તિ ફેલાય છે માટે જ તો સાધુજીવન સહુને કલ્યાણકર જ છે… કહો જોઈએ હવે આમા કોને સુખમય ગણીશું ? સંસારને કે સંયમને ?

સંસાર ક્ષેત્રે આગળ વધવા પુણ્ય જરુરી છે જયારે અધ્યાત્મક્ષેત્રે આગળ વધવા પુરુષાર્થની જરુર છે. શાસ્ત્રના જે વ્યાસંગી છે તેને સંસારિક સુખો માંથી રસ ઉડી જાય છે, કારણ કે તેને શાસ્ત્રનાં પઠનમાંજ આનંદ મળે છે. સંસાર રુપી મહેલ સુખ પ્રત્યેના રાગ અને દુખ પ્રત્યેના દ્વેષ રુપી બે સ્થંભ પર ઉભેલો છે. અસાર એવા સંસારમાં સુખ બિલ્કુલ નથી એટલું જ નહી પણ વ્યાધિ અને વેદના પ્રચૂર છે… ખૂબ છે…. અમાપ છે… આ સનાતન સત્ય આપણે જાણીએ છીએ છતાં આશ્ચર્ય  તો એ છે કે આપણો જીવ પ્રભુદર્શિત ધર્મને આચરતો નથી. આ વાત વૈરાગ્ય શતકમાં કહેવાઈ છે.

              સંસારનું સુખ તો એવું અળવીતરું છે કે જેને નથી મળ્યું એને મેળવવા માટે અને જેને મળ્યું છે એને અધિક મેળવવા માટે હૈયામાં દાહ પેદા કર્યા જ કરે છે. અગ્નિ તો નજીક જાય તેને ત્યારે જ દઝાડે છે જયારે સુખ તો દુર રહ્યું હોય તેને પણ જેવા માત્રથી હૈયામાં દાહ પેદા કરે છે. માટે જ જ્ઞાનીઓએ આવા સંસાર સુખથી સાવધ રહેવાનું કહ્યું છે. ભગવતી સૂત્રના પ્રવચનોમાં કહેવાયું છે કે સંસાર રુપી જેલમાં પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ કલાસ છે. જેમાં દેવલોક ફર્સ્ટકલાસ છે એમાં વિષયનું પ્રાધન્ય છે. મનુષ્યલોક સેકન્ડ કલાસ છે. જેમાં પ્રમાદાધિનતા નું પ્રાધાન્ય છે. તિર્યંચલોક એ થર્ડ કલાસ છે. જેમાં પરાધીનતાનું પ્રાધાન્ય છે જયારે નારકીનું સ્થાન ફોર્થ કલાસમાં આવે છે. જેમાં દુખાધિનતાનું પ્રાધાન્ય છે. આ ચારે ય ગતિ બાહ્ય અને આંતર દ્રષ્ટિએ દુખદાયક જ હોવાથી એને જેલરુપે જ માનવી માટે જેલ જેવા સંસારથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવા પૂર્વક –  આ પાપરુપ સંસાર છોડીને સંયમી બનવાની ભાવના જ કેળવવાની છે.

              ખાણ !!! આ એક એવું સ્થાન છે કે તે તે વસ્તુનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય જ અને વિશેષ તો એ છે કે એ જથ્થો કાઢી લઈએ તો પણ તે સાવ ખાલી તો થતો જ નથી…. એમાં સમયાંતરે નવો ને નવો જથ્થો ઉત્પન્ન થયા જ કરે છે, પરિણામે એ ખાણ અખંડ અને અભંગ જ રહે છે. સંસાર પણ આવી જ એક ખાણ છે…. પણ સબૂર ! એ સુખની નહી દુઃખોની ખાણ છે…. દારુણ દુઃખોનો એવો વિપૂલ જથ્થો આ ખાણમાં છે. કે પંચસૂત્ર કર્તા સંસારનો પરિચય આપતા ત્રણ વિશેષો ફરમાવે છે કે, આ સંસાર વર્તમાન સ્વરુપમાં વિશેષ દુખમય છે, ફળમાં દુખમય છે અને પરંપરાએ પણ દુઃખમય છે. સમુદ્રને જો કિનારેથી… મધ્યે થી કે ઉપરથી કયાંયથી પણ આસ્વાદ માણશો તો તે ખારો જ લાગે છે તેમ સંસાર પણ વર્તમાન સ્વરુપથી અનુબંધ પરંપરા સુધી સર્વત્ર ખારો અને દુઃખમય જ નીવડે છે…. અલબત… હા, જો સમુદ્રમાં કયાંક પણ મીઠું જળ હોય તો એનો સ્વાદ માત્ર શૃંગી મત્સ્ય જ પામી શકે છે એમ સંસારમાં ય કયાંક દેવાદિજન્મમાં બાહ્ય સુખાનુભૂતિ હોય તો એનો પ્રચૂર આસ્વાદ પૂણ્યાઈવંત જીવો જ માણી શકે છ ખરા પરંતુ વિરાટ જન્મપરંપરાની અપેક્ષાએ એવો જન્મ અત્યંત જૂજ… અલ્પ હોવાથી એને ખાસ ગણતરી માં લેવા તો નથી. એથી ય વિશેષ બાબત એ છે કે એ જૂજ જન્મમાં ય નિર્ભેળ સુખ તો હોતું જ નથી કારણ કે એમાં ય  દુઃખના મિશ્રણ તો અચૂક હોય છે જ …. જેમ કે જન્મ ભલેને અનુત્તર વિમાનના દેવોનો હોય…. તો તેમને પણ કાલાંતરે આંશિક દુખ તો છે જ, જે  છ માસે દેખા દેતું હોય છે. એવું તત્થાર્થકાર જણાવે છે. આનો સાર એ થયો કે, આ તમામ વાસ્તવિકતા જોતા સંસારને દુઃખમય કે દુઃખની ખાણ અચૂક કહી શકાય, માટે એને છોડવાનો પુરુષાર્થ કરવો..

              વર્તમાન વિશ્વમાં એવું ઘણીવાર નિહાળવા મળે છે કે, જેને વ્યક્તિ સુખનું સાધન ગણતી હોય એ જ દુઃખ  ના સાધન બની જઈને સંતાપ – સંકલેષ સર્જતા હોય…. માટે જ આપણે કુટુંબને જો રોવડાવવુ જ હોય તો મરીને નહી પણ, સંયમ લઈને રોવડાવવું જેથી કયારેક એ કુટુંબને ધર્મલાભ આપવા દ્વારા મુક્તિમાર્ગ પણ બતાવી શકાય.

              આપણે એવા પાંચ પરિબળો વિચારીએ, કે જેને વ્યક્તિ સુખના સાધન ગણતો હોય અને છતાં ઘણીવાર એ જ સાધનો પ્રત્યાધાત બનીને દુખના સાધન બનતા હોય – પૈસો – પત્ની – પુત્રાદિ -પરિવાર- પદ અને પાવર – સંસારના આ પાંચે પરિબળો દ્વારા આપણે કલ્પિત સુખની વિચારણા કરીએ તો પૈસો તમામ અનર્થનું મૂળ છે. પત્ની પણ દુઃખનું મૂળ છે. પુત્રાદિપરિવાર પણ દુઃખનું સાધન બની શકે છે –  પદ પણ પરેશાની કરાવે છે. અને પાવરના બળ પર રહેનાર ને પણ એ જ પાવર ભરખી જાય છે. હવે આ જ પાંચ પરિબળોને મુક્તાત્માના સુખની વિચારણાથી વિચારીએ તો પૈસો – મુક્તાત્માની અનંત જ્ઞાનાદિ ગુણની સંપત્તિ એવી અદભૂત છે કે એ ન ખૂટે કે ન કોઈ આંચકી શકે. બીજુ પત્ની – મોક્ષે જનાર આત્માની પત્ની છે મુક્તિ સાદિઅનંત ભાગે એ સિધ્ધાત્માની સહચારિણી બની રહે છે. ત્રીજુ પુત્રાદિ પરિવાર તો એ મોક્ષે ગયેલા આત્માનો પરિવાર છે, અનંત સિધ્ધાત્માઓ એ કદી વારા કરાવીને ઘર પરિવર્તન કરાવતો નથી…

              મુક્તાત્મા સ્થાનની દ્રષ્ટિએ અપુરણામિતિ રહે છે. ચોથું છે પદ… સંસારના તમામ પદો અશાશ્વત હોવાથી એમની આગળ ભૂતપૂર્વ લખાય છે પરંતુ સિધ્ધ પદ તો એવું શાશ્વત છે કે એની પાછળ કયારેય ભૂતપૂર્વ લગાડાતુ નથી અને પાંચમુ પદ છે પાવર અર્થાત તાકાત કે સત્તા સિધ્ધભગવંતોમાં એ સર્વોત્કૃષ્ટ ભાગે પ્રગટે છે. આમ પાંચેય પરિબળોની દ્રષ્ટિએ મુક્તિનું સુખ નિરાબાધ છે અને એ મુક્તિને માટે અસાધારણ કારણ જો કોઈ પણ હોય તો તે સંયમ જ છે. જો ચારિત્રના ગુણસ્થાનક ને જીવ ન સ્પર્શે તો આમાનું કાંઈ ન બને… માટે જ તો સાચા સ્થાને પહોંચવા માટે સંયમમાર્ગે પ્રયાણ કરવાનું છે. ખોટા સ્થાને ભેરવાઈ ગયા પછી ચતુર મુસાફરનું કર્તવ્ય એ જ છે કે ખોટું સ્થાન છોડવું અને સાચા રાહે ડગ માંડવા.. સાચી મંઝિલ તરફ આંખ માંડવી….

              સંયમ એ આ જગતનો મોટામાં મોટો ઉત્સવ છે જે આનંદ આપે એનું જ નામ ઉત્સવ – માટે જ સંસારના સુખો દુઃખમિશ્રીત હોવાથી નિરાબાધ નથી એ સ્પષ્ટ છે જયારે મુક્તિના સુખમાં દુઃખનો લેશમાત્ર પણ અંશ ન હોવાથી એ એક માત્ર નિરાબાધ સુખનું સ્થાન છે.

              જ્ઞાનીઓ કહે છે કે, સંસારમાં સુખ તો છે જ નહી પણ માનો કે હોય તો ય તે કારમુ છે માટે એમાં લીન ન બનવું આ લોકમાં ન મુંઝાતા પરલોકની ચિંતા કરવી…. સંયમી કહે છે કે રજોહરણ અમે માત્ર પરલોક માટે જ સ્વીકાર્યો છે. જે સંયમમાં રક્ત હોય તેને લુખ્ખો-સુક્કો આહાર પણ આત્માગુણની પુષ્ટિ કરે અને જે સંસારમાં રક્ત હોય તેને પુષ્ટિકારક આહાર પણ આત્મગુણની હાનિ કરાવી કેવળ સંસાર રોગની વૃધ્ધિ કરે છે માટે જ જયાં સંસાર છે ત્યાં સુખ, શાંતિ કે આનંદ નથી. અજ્ઞાની આત્માના સુખ ઝાંઝવાના નીર જેવા છે. ધર્મ તો તે જ છે કે જે સંસારના દુઃખનું મંથન કરનાર હોય… કારણકે જેનામાં સંસારના દુઃખોનો નાશ કરવાની શક્તિ નથી તે વસ્તુતઃ ધર્મ જ નથી. આજે આખો સંસાર લોભ ધ્યાનથી સળગી રહ્યો છે. સંસારનું સાચુ જ્ઞાન જેને થાય તેને સંસાર ‘હેય’ લાગે અને સંસારના તમામ કારણો પણ ‘હોય’ જ લાગે અને જેને સંસાર ઉપાદેય લાગે તેને સંસારના તમામ કારણો પણ ઉપાદેય જ લાગે માટે જ તો આપણી પાસે કોઈ ધર્મ સાંભળવા આવે તેને પહેલા તો સંસારની અસારતા સમજાવવી પછી મોક્ષની મહાનતા સમજાવવી અને છેલ્લે ધર્મની આવશ્યકતા સમજાવવી. આત્મા મોક્ષનું ધ્યેય નક્કી કરી લે પછી ઉત્તમ મનુષ્ય ભવ પામીને સંયમ દ્વારા સિધ્ધિની સાધના કરવાનું ધ્યેય ચોક્કસ કરી લે એવા સાધકોથી સિધ્ધિ દૂર રહી શકતી જ નથી.

આ જગતમાં આજે જુઓ તો, ધર્મ જોવા બહુ મળે, 

પણ એક સંયમ ધર્મ જેવો ધર્મ જોવા ના મળે,

જીવવા છતાં જયાં પાપની, કોઈ જરુરત ના ભલે,

ચારિત્ર ધર્મ નમું સદા, ચારિત્ર ધર્મ મળો મને.

 

ચારિત્ર વિણ તીર્થંકરોના તીર્થને સ્થાપી શકે, ચારિત્રી વિણ આ તીર્થ પણ, ઉરછેદને પામી શકે, ચારિત્ર છે તો સર્વ છે, ચારિત્ર વિણ અંધાર છે. માટે જ તો – ચારિત્રમાં મુજ ત્રાણ છે, ચારિત્રમાં મુજ પ્રાણ છે, ચારિત્રમાં મારો શ્ર્વાસ છે, ચારિત્રમાં મુજ વાસ છે, ચારિત્રનું દર્શન મને, નિ:શ્રેયસે પહોંચાડશે.

              જીવ જયારે જાગે છે ત્યારે તેને શરીર સાથેનો આત્માનો સબંધ બંધનરુપ લાગે છે. સંસારના સુખમાં લીન બનેલાને સમાધિ મળે એવુ કયારેય બને જ નહી – કારણકે જગતને ઉપદેશ આપવો સહેલો છે પણ જાતને ઉપદેશ આપવો અતિકપરો છે. સંસારમાં જે એક દેહમાંથી બીજા દેહમાં પરિભ્રમણ કરે છે તે આત્મા છે શરીર એ આત્મા નથી.

              આનંદ અથવા અભ્યુદય હંમેશા સંયમમાં જ હોય છે. સંયમ એટલે ચારિત્ર, પવિત્રતા…. રાગ – દ્વેષનો જેમ જેમ હાસ થાય તેમ તેમ પવિત્રતા વધે છે. આજના ટી.વી, કેબલ, વિલાસના સાધનો, ખરાબ નિમિતો વગેરે એ સમાજની પવિત્રતાને ખંડિત કરી છે એનું જ આ ભયંકર પરિણામ છે. હવે પાછા ઉંચો આવવાનો પ્રયાસ કરવો હશે, સુખ, શાંતિ, આબાદિ જોઈતી હશે તો પુનઃ પવિત્રતા તરફ પ્રયાણ કરવું પડશે. એક અંગ્રેજ તત્વચિંતક કહે છે કે…. One mans purification can save the world….. એક વ્યક્તિની શુધ્ધિ – પવિત્રતા પણ આખા જગતની રક્ષા કરી શકે છે. આ વાક્યનું મૂળ પણ જિનશાસનમાં જ છે.

              દેવ-ગુરુ અત્યંત પવિત્ર હોવાના કારણે જ તેઓની ભક્તિ પણ પવિત્રતા પ્રાપ્ત કરવાનું સાધન છે. ચાલો, આપણે સૌ શુધ્ધિ – પવિત્રતા પ્રગટ કરવા સંસાર સાગર પાર કરવા સંયમરુપી નૌકામાં સવાર થઈએ – કારણ કે સંસારએ એકાંતે દુઃખમય છે અને સંયમ એકાંતે સુખમય છે.

This entry was posted in નીલા એન. શાહનાં નિબંધો. Bookmark the permalink.

3 Responses to છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ -નીલા એન. શાહ

  1. Devang Shah from Africa says:

    Sarva Virti jevo koi dharam nahi. Panch mahavrat thaya pachhi darek jiv ne abhay dan te j temnu dhyeya

  2. દોલત વાળા ઝમરાળા તા.બોટાદ જિ. ભાવનગર ફોન ૯૯૭૪૪૫૯૯૦૦ says:

    સરસ

Comments are closed.