“ જૈનધર્મ અને વિજ્ઞાન’’- નીલા એન. શાહ

           

“ Science, without religion is lime; Religion, woithout science is blind ’’

(ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે.)

ઉપરોક્ત વિધાન આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું છે. તેઓ જણાવે છે કે જૈનદર્શન એ વિજ્ઞાન સાથેનો ધર્મ / દર્શન છે.

 • શંકા તથા સમાધાન – વર્તમાન કાળમાં વિજ્ઞાન એ માનવ જીવનનું આવશ્યક અંગ બની ગયું છે, એટલે દરેક માનવ કોઈપણ પ્રશ્નનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ વિચાર કરે છે, અને વૈજ્ઞાનિક પધ્ધતિએ જ તેનો ઉત્તર મેળવવાનો પ્રયાસ કરે છે જો કે જૈનધર્મના શાસ્ત્રો – ગ્રંથોમાં ઘણાંખરા વૈજ્ઞાનિક સિધ્ધાંત પ્રાપ્ત થાય છે. તેમ છતાં હાલમાં ઘણાંખરા પ્રશ્નો એવા છે કે જૈમાં જૈનશાસ્ત્રો તથા આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ રીતે અલગ પડે છે.
 • અવગાહના જૈનપુરાણોમાં કલિકાંલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી એ રચેલ ત્રિષશ્ઠી શલાકા પુરુષ ચરિત્ર નું અદ્વિતિય સ્થાન છે. આ ગ્રંથમાં મહાપુરુષોના શરીરની અવગાહનાની વાત કરવામાં આવી છે, તે મુજબ પ્રભુ શ્રી આદિનાથની ઉંચાઈ 500 ધનુષની હતી. જેને અત્યાર ની દ્રષ્ટિએ ફૂટમાં ગણીએ તો 3000 ફુટ થાય. પરંતુ આજે આ બધી વાતો કાલ્પનિક ગણાય છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે વિજ્ઞાનનો કોઈપણ સિધ્ધાંત અપરિવર્તન શીલ નથી. આજે જે સત્ય સાબિત થાય તે ભવિષ્યમાં અસત્ય પણ સિધ્ધ થઈ શકે છે.
 • કાળ ચક્ર કાળચક્રની બાબતમાં જૈનધર્મ અને વિજ્ઞાન ને ઘણું સામ્ય છે. વિજ્ઞાનીઓની માન્યતા મુજબ પૃથ્વીની ઉત્પત્તિ સૂર્યમાંથી થઈ અને આ ઘટના લગભગ સાડાપાંચ અબજ વર્ષો પૂર્વે બની. જૈનકાળ ચક્રની સાથે તેનો મેળ અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગને એક કોસ્મિક કેલેન્ડર તૈયાર કર્યું છે તેમાં આબેહૂબ બેસાડયો છે.

જો કે જૈનધર્મ અનુસાર સૂર્, પૃથ્વી, સજીવસૃષ્ટિ ની ઉત્પત્તિ નવી નથી, પરંતુ આધુનિક વિજ્ઞાન એ બાબત માં સંમત નથી થતુ…. તે તો ઉત્પત્તિને નવી જ માને છે. જૈનધર્મ પ્રમાણે કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી – જયારે વિજ્ઞાનમાં માત્ર ઉત્કાંતિકાળની જ વાત આવે છે. ડાર્વિનના ઉત્કાંતિકાળનું આદિબિંદુ એટલે જ જૈનધર્મના કાળચક્રના અવસર્પિણી વિભાગનું આદિબિંદુ રુપ પ્રથમ આરાની શરુઆત.

              જૈનધર્મ અને વિજ્ઞાનમાં પાયાનો તફાવત એ છે કે વિજ્ઞાન માને છે કે બ્રહ્માંડનો સંપૂર્ણ નાશ થઈ ગયા પછી બધું જ ફરીથી અસ્તિત્વમાં આવે છે, જયારે જૈનધર્મ અનુસાર પ્રથમથી જ બધાનું અસ્તિત્વ હોય છે માત્ર સંજોગો અનુકૂળ બધાંનો વિકાસ થાય છે.

 • કંદમૂળ આજ કાલ ઘણાં કાં લોકો કંદમૂળ અંગે પણ જાત જાતના પ્રશ્ર્નો કરે છે….. દા.ત. કંદમૂળમાં અનંત જીવ હોય તો તે સૂક્ષ્મ દર્શક યંત્રમાં તો અવશ્ય દેખાવા જોઈએ જેમ કે… દહીંમાં બેકટેરીયા દેખાય છે તેમ….. પરંતુ આ દલીલ યોગ્ય નથી…. બેકટેરીયા સાથે યીસ્ટ વગેરે બેઈન્કિય જીવો હોવાથી દહીંમાં તે અલગ તરી આવે છે, અને તેથી જ તે સૂક્ષ્મદર્શક યંત્રમાં અલગ દેખાય છે. જયારે વનસ્પતિ સ્વયં સજીવ છે માટે તેમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જીવ – આત્માને જોવાનો પ્રશ્ર્ન જ અસ્થાને છે. વનસ્પતિકાયના મુખ્ય બે ભેદ છે.
  • પ્રત્યેક વનસ્પતિકાય – જેમાં દરેક આત્માના સ્વતંત્ર અસ્તિત્વને જણાવનાર પોતપોતાનું સ્વતંત્ર શરીર છે.
  • સાધારણ વનસ્પતિકાય જેમાં અનંત જીવોનું એક જ શરીર છે. 

આધુનિક વિજ્ઞાનની માન્યતા છે કે પ્રત્યેક સજીવ પદાર્થમાં તેના શરીરના મૂળભૂત એકમ સ્વરુપ કોષ છે. આવા અબજો કોષો મળીને સજીવ પદાર્થનું શરીર બને છે. દરેક કોષ સજીવ હોવાથી બટાકા વગેરેમાં અનંત જીવરાશિ છે માટે કંદમૂળને અભક્ષ્ય ગણી શકાય. કેટલાક કહે છે કે જયાં જીવોનો સમૂહ છે તેની અનુકૂળ પરિસ્થિતિનો નાશ કરી દેવામાં આવે તો તે જીવો મરી જતાં તેમાં સડો થઈ જતાં લાંબા સમય સુધી સારા રહી શકે નહીં. પરંતુ કંદમૂળ ઘણાં લાંબા સમય સુધી તાજા રહે છે….. જો તેમાં જીવ હોય તો તે જમીનમાં સૂરક્ષિત રહે પણ માટીમાંથી બહાર કાઢયા પછી તે જીવો નાશ પામે અને સડવા માંડે પરંતુ આ માન્યતા ખોટી છે. જીવો ત્યારે જ નાશ પામે, જયારે તે અગ્નિથી રંધાય.

બીજી વાત એ છે કે, સજીવ પદાર્થમાંથી આત્મા નીકળી જાય એટલે તેમાં સજી જ થાય એવો  કોઈ નિયમ નથી. આધુનિક વિજ્ઞાનમાં મૃતકને શુષ્કીકરણ દ્વારા લાંબો સમય સુધી સાચવી શકાય છે. આમ, કંદમૂળમાં જીવોનું મૃત્યુ થયા પછી તેને સુકવી દેવામાં આવે તો તેમાં સડો થતો નથી… જેમ કે, આદુ માંથી સૂંઠ….. તેનું શુષ્કીકરણ આપો આપ થઈ જાય છે. જયારે બટાકાનું શુષ્કીકરણ પોતાની જાતે થતું ન હોવાથી તે કંદમૂળ સુકુ થયા પછી પણ અભક્ષ્ય છે.

              આહાર શુધ્ધિ જ આચાર શુધ્ધિ લાવી શકે માટે આહાર શુધ્ધિ જ અતિ આવશ્ય ક છે અને તેથી જ કંદમૂળ અનંતકાય હોવાથી તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. હવે, એક પ્રશ્ર્ન એ પણ ઉદભવે કે મગફળી પણ જમીન માં જ થાય છે તો તે ભક્ષ્ય કે અભક્ષ્ય ? તો એનો ઉત્તર એ આપી શકાય કે મગફળીમાંથી નવો છોડ ઉત્પન્ન થયો નથી તેથી તે ભક્ષ્ય છે.

 • બહુબીજ રીંગણા અભક્ષ્ય છે કારણ કે તે બહુબીજ છે તો પ્રશ્ર્ન એ થાય કે કાકડી – ભીંડા પણ બહુબીજ છે તો તે કેમ ભક્ષ્ય ગણાય છે ? તો આનો ઉત્તર એ અપાય કે કેટલાંક શાકભાજી રંધાય ત્યારે તેના બીજ નિર્જીવ થઈ જાય છે અને કેટલાંક નિર્જીવ થતાં નથી. હવે, અંજીર કાચા ખવાય તેથી તેના બી નિર્જીવ થતાં નથી તેથી તે અભક્ષ્ય કહેવાય કાકડી – ભીંડા રંધાઈ જતાં બી નિર્જીવ થઈ જાય તેથી તે ભક્ષ્ય છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે રીંગણમાં અન્ય શાકભાજી કરતાં વિષમય દ્વવ્ય વધુ હોવાથી તે અભક્ષ્ય છે.
 • જયણા જૈનધર્મમાં જયણા જ મુખ્ય ધર્મ છે માટે ઓછામાં ઓછા સાવધ વ્યાપાર દ્વારા જીવન નિર્વાહ કરવાની સૂચના શાસ્ત્રકારોએ આપી છે જે જયણાના પાલન દ્વારા જ સફળ બને.
 • જીવોમાં લીંગ જૈનશાસ્ત્રોમાં એકેન્દ્રિય – તેઈન્દ્રિ – ચઉરિન્દ્રિય જીવો નપુસકલિંગ હોય છે અને તેમનો જન્મ સંમુર્છન પધ્ધતિએ થાય છે પરંતુ વિજ્ઞાન તેને અસત્ય બતાવે છે. વિજ્ઞાન કહે છે કે કીડી, માખી, મધમાખી વગેરેમાં રતિક્રિયા થાય છે અને તેમાં લિંગી પ્રઝનન થાય છે. તેમાં નર-માદા હોય છે…. તો શું ખરેખર એવું હોય ? એનો ઉત્તર મેળવવા જૈનશાસ્ત્રોનું પરિશીલન કરવું જોઈએ…. તો પ્રથમ તો જૈનશાસ્ત્રોમાં પરસ્પર વિરોધી જણાતા વચનોનો નય સાપેક્ષ દ્રષ્ટિએ વિચાર કરીએ તો તત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં જણાવાયું છે કે નારક યોનિમાં ઉત્પન્ન થનારા જીવો અને બધાં જ સંમુર્ચ્છિમ જીવો નપુંસક છે. દેવયોનિમાં કોઈ નપુંસક હોતું નથી. દેવ-દેવી એમ બે જ પ્રકાર છે જે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય હોય છે તેમાં ત્રણે લિંગ હોય છે.
 • જીવોમાં સંજ્ઞા પ્રત્યેક જીવમાં વ્યક્ત કે અવ્યક્ત રુપે નીચેની ચાર સંજ્ઞા તો હોય છે જ, આહાર, ભય, મૈથૂન, પરિગ્રહ – શાસ્ત્રોમાં કયાંક દશ સંજ્ઞા પણ બતાવાઈ છે. પણ ઉપરની ચાર સંજ્ઞા તો પ્રત્યેક જીવ માત્ર માં હોય જ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુસકલિંગ હોય, મૈથૂન સંજ્ઞા તો દરેકમાં હોય છે.
 • પુદગલ સંજ્ઞાના ભેદ પુદગલ દ્વવ્યના મુખ્ય ચાર ભેદ છે. સુંધ, દેશ, પ્રદેશ, પરમાણુ – પુદગલ સ્ક્રંધના મુખ્ય 6 ભેદ છે. બાદર – બાદર, બાદર, બાદર – સૂક્ષ્મ, સૂક્ષ્મ – બાદર, સૂક્ષ્મ, સૂક્ષ્મ – સૂક્ષ્મ આ 6 પ્રકારમાં તો જૈનધર્મ અને વિજ્ઞાન બન્ને માને છે, પરંતુ પ્રશ્ન તેના ઉદાહરણ અંગેનો છે. જૈનશાસ્ત્રકારો વાયુને સૂક્ષ્મ – બાદરમાં મૂકે છે. જયારે પ્રકાશને બાદર – સૂક્ષ્મમાં મૂકે છે. આમ પ્રકાશ કરતાં વાયુને અધિક સૂક્ષ્મ બતાવ્યો છે. જયારે આધુનિક વિજ્ઞાને એ સિધ્ધ કરી બતાવ્યું છે કે, વાયુના કણ કરતાં પ્રકાશના કણ અતિસૂક્ષ્મ છે, તેથી જૈન માન્યતા બરોબર નથી, પરંતુ જૈનશાસ્ત્રોનું વિધાન હમેશા નયસાપેક્ષ જ હોવાથી તે અન્ય નયની અપેક્ષા એ કદાચ અસત્ય હોય પરંતુ સર્વથા અસત્ય હોતુ નથી.

આપણે અગ્નિને સ્પષ્ટ રુપે જોઈ શકીએ છીએ તેને સ્પર્શતા તે ઉષ્ણ પણ લાગે છે જયારે વાયુ ગતિમાન થાય છે ત્યારે ફક્ત તેનો સ્પર્શ જ ઈન્દ્રિયગોચર થાય છે માટે અગ્નિને બાદર – સૂક્ષ્મમાં અને વાયુને સૂક્ષ્મબાદર શ્રેણીમાં મુકવો જ યોગ્ય છે. આ બધી વાતો તફાવતની થઈ અને હવે જૈનધર્મ અને વિજ્ઞાનની સમાનતા કયાં કયાં છે તેની વાતો જોઈએ.

 • સમાનતા જૈનદર્શનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મેળ છે, અલબત્ત, જૈનવિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તિર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે. જયારે આધુનિક વિજ્ઞાન મહદઅંશે પરિણાત્મક છે. તો પણ બન્નેમાં મૂળભૂત ખ્યાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. વિજ્ઞાન એ નવા વિચારો નીપજાવવાની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ઘટના કે પદાર્થની ત્યાર પછીની પૂર્નરચના માટેનો પ્રયત્ન છે જયારે જૈનદર્શન એ સજીવ – નિજીવ પદાર્થો સહિત આ બ્રહ્માંડના પ્રત્યેક પાસાનું નિરુપણ કરે છે.

સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપ્ત સજીવ – સૃષ્ટિમાં મનુષ્ય એ સર્વોપરી પ્રાણી છે એમ વિજ્ઞાન અને જૈનધર્મ બન્ને સ્વીકારે છે. વિજ્ઞાન મનુષ્યને સજીવ સૃષ્ટિમાં સૌથી વધુ બુધ્ધિશાળી અને પ્રગતિશીલ માને  જયારે જૈનધર્મ વિજ્ઞાને કહેલી બાબતને સ્વીકારે છે પણ જુદી રીતે…. કે આ વિશ્વમાં મનુષ્ય સિવાયનું કોઈ પણ પ્રાણી કર્મના બંધન તોડી મુક્તિ પામવા સમર્થ નથી અને એ રીતે જોઈ તો વિજ્ઞાન અને જૈનધર્મ બન્ને સિક્કાની બે બાજુ જ છે. છતાં એક વાત તો સ્પષ્ટ છે કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી જયારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મૂખ્ય વસ્તુ છે.

ભારતીય દર્શનોમાં જૈનધર્મ મહત્વનું સ્થાન ધરાવે છે. અત્યારે વિજ્ઞાનીઓ કાળના સૂક્ષ્મ એકમ તરીકે સેકંડને ગણે છે. જયારે જૈન પારિભાષિક માપમાં સમય એ સેકંડ કરતાં પણ સૂક્ષ્મ છે. આમ જોવા જઈએ તો ધર્મ અને વિજ્ઞાન એ જુદાં જુદાં સ્તરના વિષયો છે. ધર્મ એ ચિંતનજન્ય પ્રવૃત્તિ છે જયારે વિજ્ઞાન એ અનુભવ જન્ય પ્રવૃત્તિ છે. પરંતુ તેના મૂળભૂત સિધ્ધાંતો તો ચિંતનજન્ય જ છે ફેર એટલો કે આ ચિંતનજન્ય સિધ્ધાંતોમાંથી જે પરિણામ મળે તે પ્રયોગની દ્રષ્ટિએ કસોટીએ પાર ઉતરે પછી જ આ ચિંતનજન્ય સિધ્ધાંતો વિજ્ઞાનમાં સ્થાન પામે.

ચિંતનજન્ય પ્રણાલી આપણને સાંસ્કૃતિક વારસામાંથી મળી છે અને વિજ્ઞાનની અનુભવજન્ય પ્રણાલી આપણેને પશ્ચિમ સાથેના સંપર્ક થી મળી છે.

અંતે….. જીનાજ્ઞા વિરુધ્ધ કંઈ પણ લખાયું હોય તો “ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડંમ ’’

This entry was posted in નીલા એન. શાહનાં નિબંધો. Bookmark the permalink.