પ્રમણિકતાથી કાર્ય કરો- વિજય શાહ

photo courtsey: divyabhaskar.co.in

પ્રમાણિકતાથી કાર્ય કરો

જૈન મુનિ વિજય રામચંદ્રસુરીનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું- જે કામ કરતા તમને તમારો આત્મા ડંખતો હોય તે કામ ન કરો. જે કામ તમારી સાથે કોઈ કરે અને તમને ન ગમે તે કામ ન કરો. પ્રમાણિકતાથી કાર્ય કરો. વક્તામાંથી પ્રતિભાવ આવ્યો. આજના સમયમાં અપ્રમાણિક કાર્યોમાં કયું સારુ અને કયું ખરાબ એ શોધીને સારુ અપ્રમાણિક કાર્ય કરવું પડે તેમ છે, કારણ કે પ્રમાણિક કાર્ય કરવાથી કમાઈ શકાય તેમ તો રહ્યું જ નથી.  

જ્યાં જુઓ ત્યાં અપ્રમાણિકતા દેખાઈ રહી છે. રિક્ષાના મીટરનું ભાડું બે રૂપિયા પાંત્રીસ પૈસા થયું હોય તો અઢી કે ત્રણ રૂપિયા માગશે, નહીંતર છુટા પૈસા આપો ની વાત થશે. નવ રૂપિયા ને સાઈઠ પૈસાની બસની ટિકિટનું ભાડું હોય તો દસ રૂપિયા જ ગણવાના, કારણકે ચાલીસ પૈસા છૂટા તો ક્યાંથી હોય? આઠ વાગ્યે ઑફિસમાં આવવાનો સમય હોય તો સવા આઠે આવવાનું, છૂટવાનો સમય ચાર વાગ્યાનો હોય અને સાડાત્રણે જોઇએ તો ટેબલ ઉપરના ચોપડા બંધ હોય… વચમાં લંચબ્રેક તો ત્રીસ મિનિટને બદલે પિસ્તાલીસ મિનિટ ભોગવાઈ જ હોય…  

એંડ્ર્યુ કાર્નગીની ઑફિસમાં એક નાનો ક્લાર્ક. ઑફિસ પૂરી થયા પછી પણ ટેબલ ઉપર બેઠો હતો. સંજોગોવશાત એંડ્ર્યુ કોર્નગીને એક પેન્સિલની જરૂર પડી – બેલ મારી અને તેની નજર ઘડિયાળ પર ગઈ –

 પછી થયું કે અત્યારે તો કોઈજ નહીં હોય એમ વિચારીને જાતે ઊભો થઈને લેવા જતો હતો ત્યાં પેલા ક્લાર્કે ચેમ્બરનો દરવાજો ખોલ્યો. એંડ્ર્યુ કોર્નગીને નવાઈ તો લાગી અને પૂછયું – ‘તમે હજી અહીં છો?’ પેલા ક્લાર્કે જવાબ આપ્યો ‘મને થયું આપ હજી ચેમ્બરમાં છો – આપને કંઈક જરૂર પડશે તેમ માનીને હું રોકાયો કહો શું કામ હતું?’ એંડ્ર્યુએ કહ્યું ‘મને પેન્સિલ આપી શકશો ?’ ‘જરૂરથી સાહેબ’  કહીને સસ્મિત વદને તેણે લાવી આપી. ત્યાર પછીના છ મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રમોશન મેળવીને અંગત સલાહકાર બની ગયો.  

પ્રમાણિકતા એ ચલણમાં ચાલતો રોકડો રણકતો રૂપિયો છે. તે સફળતા જરૂર અપાવે છે. લાંબાગાળાની પણ તેની પરખ તરત જ થઈ જાય છે. અને જે એને પારખી લે છે તે તેની નોંધ કર્યા સિવાય રહેતો નથી. એ જ વસ્તુ અપ્રમાણિકતા માટે પણ સાચી છે તે ક્વચિત ટૂંકાગાળાની સફળતા જરૂર અપાવે છે, પરંતુ લાંબે ગાળે તને કડડભૂસ થતા વાર લાગતી નથી  

એમનું નામ શાંતિલાલ. કરમચંદ. ભરુચ પાસે નિકોરા એમનું વતન. એમનો વિકાસ થવાની બાબતમાં એક નાનકડી ચાર આની કામ કરી ગયેલ. ૧૯૪૦ના સમયમાં પેટિયું રળવા મુંબઈ દોરી- લોટા સાથે પહોંચેલા. ભાગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા આવડે પણ કોઈ કામ કરવામાં નાનમ નહીં, અને પડ્યો બોલ ઉઠાવી લેવામાં પ્રમાણિક.  

ડોકયાર્ડ ઉપર નવી નોકરી મળી. કૅપ્ટન જોન ભારે ચોક્કસ, પરીક્ષા કરવામાં ભારે ઉસ્તાદ. શરૂ શરૂમાં ડોકયાર્ડ પરના જહાજ સાફ કરવાનું કામ તે સમયમાં સોંપાયેલું અને સૌથી છેલ્લી કૅબિન કૅપ્ટન જોનની સાફ કરવાની. જ્યારે તે કૅબિનમાં દાખલ થયા ત્યારે તે કૅબિનમાં કોઈ હતું નહીં. કૅબિન સાફ કરતાં કરતાં પલંગ નીચે ચાર આની  પડેલી મળી. કૅબિન સાફ કરીને ચાર આની પલંગ ઉપર મૂકી દીધી. પછી તો કૅબિનમાંથી દરરોજ કંઈક મળે. પણ દરરોજ તે એની યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય.  

કૅપ્ટન જોન આમ એમની વારંવાર લાલચો આપીને પરીક્ષા જ કરતા હતા. પરંતુ શાંતિલાલને તો એમના દાદાની વાત ઉપર પૂરો ભરોસો હતો. તેમના દાદા કહેતા, કોઈનો એક ઘઉંનો દાણો પણ હરામનો આપણે ત્યાં આવે તો તે તો જાય પણ સાથે ઘરના પણ બે દાણા લેતો જાય – તેથી જ્યાં સુધી તે નોકરી પર રહ્યાં ત્યાં સુધી કૅબિનમાંથી કશું ગયેલ નહીં. શીપ છૂટવાનો દિવસ આવ્યો ત્યારે કૅપ્ટન જોને શાંતિલાલને સાથે આવવા પૂછ્યું, અને શાંતિલાલ તૈયાર થઈ ગયા. બે વર્ષે શીપ પાછુ આવ્યું  ત્યાં સુધીમાં નેવીગેશનનું ઘણું બધું શીખીને આવ્યા હતા. કેપ્ટન જોને પોતાની નેવીગેશન કંપનીમાં ભાગીદારી આપી ત્યારે કહેલું “શાંતિલાલ – આ તારો ચાર આની ભાગ – તને તારા પહેલા દિવસની ચાર આની પાછી મૂકવાની પ્રમાણિકતાનો છે, સમજ્યો ?”  

પ્રમાણિકતાના સમયમાં જેમ અપ્રમાણિક બનવું અઘરું છે તેમ અપ્રમાણિકતાના જમાનામાં પ્રમાણિક બનવું અઘરું છે. પ્રમાણિક માણસ જ્યાં ને ત્યાં ટીકાને પાત્ર બનતો હોય છે. બાઘો છે, કોમન સેન્સ નથી તેવી તેના વિશે વાતો થતી હોય છે. તેથી વિજય રામચંદ્રસુરી મહારાજે તેમને જવાબમાં કહ્યું – જો તમે તમારી અપેક્ષાઓને અને ઇચ્છાઓને કાબૂમાં રાખી શકશો તો પ્રામાણિક જરૂર થઈ શકાશે પણ મારી પાસે હજી સ્કૂટર છે – ગાડી લાવવી છે. બંગલો કરવો છે, તેમાં રંગીન ટીવી લાવવું છે, ફ્રીજ લાવવું છે, જેવી અપેક્ષાઓના વાઘને લોહી ચખાડતા જશો, તો પ્રામાણિક નહીં થઈ શકો, અને પછી શું થશે તે ખબર છે?  

શ્રોતાનો જવાબ નકારમાં સાંભળીને મહારાજે કહ્યું – “હાઈ બીપી, હાર્ટ એટેક, એસીડીટી, ઇન્ક્મટેક્સની રેડ, સેલ્ટેક્ષની મુદ્દતો, છોકરો કુસંસ્કારી નીક્ળ્યો, છોકરીનું નામ બગડી ગયું….. હવે તમારે જ નિર્ણય કરવાનો તમારે શું કરવાનું બરાબરને?”  

પ્રમાણિક બનો. લાંબાગાળાની સફળતા મેળવો, અપ્રમાણિક બનો લાંબાગાળાની નિષ્ફળતા સહો.     

This entry was posted in સા. બુ. કહું તો... Bookmark the permalink.

2 Responses to પ્રમણિકતાથી કાર્ય કરો- વિજય શાહ

  1. FUNNYBIRD says:

    ખુબજ સુન્દર ……………………“જો તમે તમારી અપેક્ષાઓને અને ઇચ્છાઓને કાબૂમાં રાખી શકશો તો પ્રામાણિક જરૂર થઈ શકાશે“

    http://www.web4designing.com

  2. Perfect matter. Should be personally circulated thro’email !

Comments are closed.