એશા- ખુલ્લી કિતાબ(2)-રાજુલ શાહ

 

 

ઉડતા પતંગિયા જેવી એશાને પણ બેસવા એક નાની ડાળની જ  તો જરુર હતી! બસ રિવા આ ડાળ બની ગઇ. એશા માટે ધીરે ધીરે  એશાની વાતો સાંભળી તો રિવા એની કોલેજના સહાધ્યાયીઓ-પ્રોફેસરો અને પ્યુન સુધ્ધાને નામ અને ગુણધર્મ સાથે ઓળખતી થઇ ગઇ. ફરી એકવાર આ ગુણધર્મ ક્યાં યાદ આવ્યો? પણ એશાની આદત જ હતી દરેક વ્યકિત સાથે એના ફીઝીક્સ કેમેસ્ટ્રીના મૂળભૂત પાયાના ગુણધર્મોને જોડી દેવાની.

            એ સમયે સાયન્સના પ્રથમ વર્ષને પ્રિ-મેડીકલ કહેવાતું.આગળ જતા મેડીકલ અને  મેડીકલ માં એડમીશન ન મળે તો પછી કોલેજના બીજા વર્ષથી જુદા જુદા ક્ષેત્રમાં ફાંટા ફંટાઇ જતા.એશાએ પણ મેડીકલ ન મળે તો પેરા મેડીકલ એવા માઇક્રોબાયોલોજીમાં આગળ વધવાનું નક્કી કર્યું. મિજાજ થોડો સ્વતંત્રતો ખરો જ એટલે કેટલાક નિર્ણયો જાતે જ લેવાની પ્રકૃતિ. બીજી એક ખાસ પ્રકૃતિ એશાની એ પણ ખરી એને સૌ પોતાના જ લાગતા જ્યારે જેને મળે એ પણ પોતાના પરિવારની વ્યકિત હોય એટલી સરળતાથી એને સ્વીકારી જ લેતી.કદાચ નાનપણ થી સંયુક્ત કુટુંબમાં રહેલા સ્વભાવ બીજા જોડે સરળતાથી સંયોજન ઊભો કરવામાં કામ લાગતો. દિવસ ઓછો પડે તેમ રાત્રે રિવા સાથે વાંચતા પહેલાં આખા દિવસની સવિસ્તાર વાતો પૂરા રસ થી કરવાનો તો હવે એક અનુક્રમ થઇ ગયો હતો.રિવા આર્ટ્સમાં અને પોતે સાયન્સમાં ,પ્રકૃતિ ભિન્ન એમ ભણતર પણ ભિન્ન.પણ બંને વચ્ચેના તાદ્દ્મ્યના ચણતરમાં તો એ પણ ક્યાંય નડયું નહીં.

એશાના ‘અનિકેત’ના ધરમાં હવે ધીમે ધીમે એક પછી એક નવા સદ્દ્શ્યના ઉમેરા થતા હતા. મોટા ઇલેશભાઇ નું લગ્ન પતી જતા હવે ઘરમાં એશાના લગ્ન માટેની થોડી હળવી હલ ચલ ચાલુ થઇ જ ગઇ હતી.સામાજીક રીત-રસમ કે બંધનોથી અકળાતી એશા માટે વળી પાછી એક નવી સમસ્યા હતી.માઇક્રોબાયોલોજી પુરુ કર્યા પછી પોતે પેથોલોજી માં જવા માંગે એવુ એને સ્પષ્ટ જણાવી દીધું હતું. ઘરના જ બિઝનેસમાં રચ્યા પચ્યા રહેતા તમામ વડિલો કે ભાઇઓને ડીગ્રી સાથે કોઇ લેવાદેવા ન હતી.પણ એશાના આ નિર્ણયે માટાભાઇને હવે પોતાની શોધનું સુકાન બદલવાની ફરજ પાડી.

ચાલો! આ એક વાત તો સારી થઇ.એશા મનમાં વિચારતી કે હાલ પૂરતું તો હવે કોઇ પોતાને છંછેડશે નહી એવું લાગતા પેથોલોજીમાં આગળ વધવાની મોકળાશ મળતા,મનથી થોડી હાંશ થતા વળી પાછા પોતાના અસલ સ્વભાવની મસ્તીમાં આવતી-જતી હતી.નવી દિશા,નવી કોલેજ,નવી ઓળખાણ અને વળી બીજા નવા સંબધો.એમાં એશાને ક્યાં વાર લાગવાની હતી?  ‘વસુધૈવ કુટુંબકમ’ ની માફક એનું પોતાનું મિત્ર જગત વિસ્તરતું જતું હતું પણ આ વસુધાની ધરી કહો કે કેન્દ્ર બિદું કહો હજુ તો રિવા જ હતી.આટ આટલા મિત્ર વર્તુળ સાથે પણ એશા પોતાની જાતને એકલી પાડી શકતી હતી.

સાંજ પડતા બંગલાના ઝાંપે બૂમ પડી રિવાની નામની ”આજે તો કોલેજમાં મુડ નહતો એટલે હું પિકચર જોઇ આવી” આમ તો સામાન્ય રીતે રિવા-એશા  સાથે જ  પિકચરમાં જતા એટલે આ વળી નવી વાત સાંભળીને રિવા ને નવાઇ તો લાગી જ.એશા અને પિકચર? અને તે પણ સાવ એકલી? ગજબ છોકરી છે ને આ! થિયેટરમાં તો વળી કોઇ એકલું પિકચર જોવા જતું હશે? અને તે પણ એકલી છોકરી? થોડું હસવુ પણ આવી ગયું અને થોડી ખીજ પણ ચઢી રિવાને.

એમાં શું થઇ ગયું? મને ખબર હતી કે તારે કોલેજના એન્યુઅલ ડે ના ફંકશનની પ્રેકટીસ હશે એટલે તારાથી તો અવાશે જ નહીં.અને મારે વળી ક્યાં ત્યાં કોઇની સાથે વાત કરવાની હતી? બોલનાર તો બોલતા હોય મારે તો સાંભળવાનું ને જોવાનું જ હતું ને? એશા આવ અલ્લડતાથી જવાબ આપતી. અને પણ હવે ઘરમાં પણ બોલનારા બોલવા માંડ્યા હતા  ,એશાને ફ્કત સાંભવવાનું જ હતું.મોટાઇએ છોકરો પસંદ કરી લીધો હતો.વીરસદનો ડો. રોહીત. માઇક્રોબાયોલોજી કરતી એશા માટે હવે જો ડૉકટર છોકરો મળતો હોય તો લાંબુ વિચારવાની ક્યાં જરુર હતી?
સ્વિકારી લીધો એશાએ મોટાઇનો આ નિર્ણય પણ.ક્યારેક તો ખીલે બંધાવાનું જ હતું ને? તો પછી આનાકાની ને ક્યાં સ્થાન આપવું? ખાલી એક વાત કઠતી-ક્યાં મુંબઇ,કયાં અમદાવાદ, અને ક્યાં હવે લગ્ન પછી વીરસદ? તો શું થઇ ગયું? છોકરો ડૉકટર છે એટલે ગમે ત્યારે પોતાની પ્રેકટીસ કરશે અને ચાલશે એટલે વીરસદ થી બહાર જ આવશેને? છોકરી માટૅ ઘર  જોવાય,વર જોવાય  ,કોઇ ગામ જોવા બેસવાનું તો ના હોય ને? તારા મોટાઇ ક્યા ગામના હતા તેની આજે કોઇને ખબરે છે ?

મોટાઇના આ એક આદેશ સમાન વાક્ય થી વાત પતી ગઇ? એશાની મરજી પૂછવાની પણ નહીં ? ના વાત પતી જતી નહોતી, વાત પતાવી દેવાની હતી. વળી પાછું એશા મનથી વિચારતી મોટાઇ-મોટીબેન બધાનું સારું જ ઇચ્છતા હશે,વ્યવસ્થિત વિચારતા હશે ને? અને વાત ક્યાં ખોટી છે? ડૉકટર છે,જનરલ સર્જન છે એટલે કંઇ વીરસદમાં તો નહીં જ રહે ને?  બંડખોર એશાએ પોતાના બંડ મનમાં જ સમાવી લીધું મોટાઇ જે સૂચવ્યું તે સ્વિકારી લીધું પણ આગળ-પાછળ નાની નાની વાતમાં તો ઉભરો ઠલવાઇ જતો હતો.

 

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.