એશા-ખુલ્લી કિતાબ.(૪) વિજય શાહ

       

બીજે દિવસે આશિક અને રિવા રોહીતની રુમ ઉપર આવ્યા. બેચલર રૂમ રીવાએ ધાર્યો હતો તેના કરતા સાવ જુદો હતો.એક ખુણામાં ચાર પુસ્તકો વ્યવશ્થિત રીતે ગોઠવી ને મુક્યા હતા. એક સોફા અને બે ખુરશી હતી. એક બાજુ દિલરુબા અને હાર્મોનીયમ હતુ. ભીંત ઉપર એક સરસ અજંટાનું ચિત્ર કાળી જાડી ટેપ થી ભીંત ઉપર ચીટકાડેલું હતું. કોઇક સંસ્કારી છોકરાનો રૂમ લાગતો હતો. બીજા ખુણે સ્વામીનારાયણ બાપાનું ચિત્ર હતુ અને ત્યાં ધૂપ હતી.

રોહીત રીવાને જોઇ ને સહેજ ચોંક્યો પછી પહેલોજ પ્રશ્ન આશિકને પુછ્યો…”તો તને વાતની ખબર પડી ગઇ છે નહીં?”

હા કાલે સાંજે બે બેનપણીઓ તારું ચિત્ર જોતા હતા અને મારી તેની ઉપર નજર પડી ગઇ એટલે મેં પુછ્યું  “કોનો રોહીતનો ફોટો છે?” અને જો મારુ આવી બન્યુ.. રિવાએ પ્રશ્નો પુછી પુછીને મારું માથુ ફેરવી નાખ્યું.

“અરે પણ તમે આવો તો ખરા? મને તો એમ કે હજી આવતી કાલે મને મળવા આવવાના છે એશા અને તેના મોટીબેન અને મોટાઇ.”

રિવાએ પ્રતિપ્રશ્ન કર્યો કે “મારી બેનાને તમે પસંદ કે નાપસંદ કરો તે પહેલા હું તમને મળી લઉં અને તેથી આશિક સાથે તમને જાણ કર્યા વિના આવી ગઇ.”

રોહીતે સહેજ પણ સંકોચાયા વિના કહ્યું કે “મેં અને આશિકે તો એશાને કાલે રાઉંડમાં જોઇ અને સાંજે મેલ માં તેનો ફોટો જોયો અને..”

“અને?” રિવાએ અધ્ધર શ્વાસે પ્રશ્ન કર્યો

“અને શું? હુંતો માનીજ ના શક્યો પ્રભુની મહેરબાનીને…મન મારુ હજી પણ ગાય છે कबसे संभाले रख्खा है दिल तेरे लीये तेरे लीये..”

રિવાની અને આશીકની પણ નજરો ખુશી થી તરબતર હતી…

રોહીત કહે ” તો રિવા તારુ શું માનવુ છે હું એશાને ગમીશ ખરો?

” અરે જુગતે જોડી છે. નાતો શું કહે એશાડી. પણ તમારી કોઇ પૂર્વ શરતો છે ખરી?”

” જો ભાઇ અહીં મારે તો ફક્ત હા કે ના જ કહેવાની છે. જે મેં પેપર ફોડીને તમને કહી દીધુ હવે કાલે તો ખાલી નાટક જ કરવાનુ છે.. જો કે હું તો તેની પણ વિરુધ્ધ છું પણ વડીલોનો એ અધિકાર છે તેથી તેને માન આપીશુ.”

રિવાને આ સીધી વાત ગમી જો કે તેને ખબર હતી કે એશા પણ આવી જ છે જે હોય તે સ્પષ્ટ કહેવું અને પછી જે થાય તે હસવું કે રડવું.

આશિક પછી તેમના પેશન્ટોની  વાતે ચઢ્યો પણ બે ડબ્બા ખોલી મગસની બે લાડુડી અને સેવગાંઠીયા પ્લેટમાં કાઢી ને મુક્યા. આશિકને આ જોઇને ખુબ હસવુ આવ્યુ..કહે” જોને કેવો ગઠીયો છે બે લાડુડીમાં તને પટાવે છે.”

અરે ના રે આતો તારી બેન પહેલી વખત રૂમ પર જણાવ્યા વિના આવી એટલે જરા આદર સત્કાર…

આશિક હજી મજાકનાં મુડમાં જ હતો તેથી બોલ્યો “એમ કહે ને જો હા પડી પછી તારા ઘરનાં પણ ચક્કર વધશેને? એટલે ..”

રિવા જોકે રોહીત સાથે હજી વાતો કરવા માંગતી હતી તેથી એ મજાકને અવગણતા બોલી,” રોહીત પ્રેક્ટીસ તમે વીરસદ કરશો કે બહાર જવાનો વિચાર છે?”

”  શરુઆત તો વીરસદ થી જ કરવાનો છું. પણ આ ટર્મ પતી જાય પછી વધુ ખબર પડે.”

“મને એક જ વાત નથી સમજાતી કે જે વડીલોને સમજણ પડી ગઇ છે અને તે એશા તો મુંબઈ અને અમદાવાદમાં ઉછરી છે તે વીરસદમાં કેવી રીતે ટકશે?”

રોહીતે બહુ ઠાવકાઇ થી કહ્યું ” જો થડીયુ મજબુત હોય તો ડાળા પાંદડાની ચિંતા નહીં કરવાનુ એશા અભુ જ સહજ રીતે સમજશે.”

રિવા વિચારમાં પડી ગઈ અને આશિક ફરીથી તેની વહારે આવ્યો કે “એશા રોહીતને ગમે છે્ ને  તેથી કશું નહી થાય ચિંતા નહીં કર.” 

રોહીતે સીધો જ પ્રશ્ન કર્યો ” રિવા બોલ હવે તારે એશાની બેન થવું છે કે નણંદ?” લગ્ન પહેલા નક્કી કરી લેજે.

રિવા એ તરત જ કહ્યું એશા અને તે પણ ભાભી? નો વે…

બીજે દિવસે રોહીત અને એશા મલ્યા વડીલોની હાજરીમાં.. એશાને તો જે પ્રશ્નો હતા તેની જવાબો રિવા લઇ આવી હતી તેથી તે ખુશ પણ હતી અને નાખુશ પણ. એને હજી ભણવુ હતું પણ મોટીબેન જે કરતા હશે તે મારા માટે સારું જ હશેને… વિચારી ને તેણે બહુ વિરોધ ન કર્યો. જોકે તેને કલ્પના પણ નહોંતી કે મુંબઈ છોડીને તે અમદાવાદ આવી અને હવે વીરસદ…લોકો ગામડુ છોડી શહેરમાં આવે અને તે શહેર છોડીને…હશે જેવી પ્રભુની મરજી.છ મહિનામાં લગ્ન લેવાયા

રોહીત જોઇ તો ચુક્યો હતો કે એશા શાંત થઈ ગઈ હતી.એમ એસ ની છેલ્લી સેમેસ્ટર હતી તેથી અલપ ઝલપ મળીને છુટા પડી જતા હતા.

લગ્નના બે અઠવાડીય પહેલા રોહીતને તેણે પુરુષપ્રધાન સ્વભાવ જોઇ લીધો. તેનું મગજ થોડુ સુન્ન તો થઇ ગયુ…પણ હવે જે તખ્તો ગોઠવાઇ ગયો હતો ત્યાં જે નાટક ભજવવાનું હતું તે ભજવી લેવાનું નક્કી કરી લીધુ. એશા જે ઉછળતુ ગંગોત્રી થી નીકળતુ ઝરણું હતી તે હવે કાંઠા પહોળા થતા નદીમાં ફેરવાવા લાગી. નવાઇ ની વાત એ હતી કે મોટી બહેન ને કે મોટાભાઇને તેમા જરાય અજુગતુ લાગતુ નહોંતુ..તેઓ માનતા કે પુરુષોએ કમાવાનું અને સ્ત્રીઓએ ઘર સંભાળવાનું.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.