એશા- ખુલ્લી કિતાબ(5)-રાજુલ શાહ

 

”હું મહેંદી નહી મૂકાવું -કોણે કીધું કે લગ્ન હોય એટલે મહેંદી મૂકવી જ પડે”

”હું વિદાય વખતે રડીશ નહીં અને કોઇએ પણ રડવાની જરુર નથી.જવાનુ જ છે અને મોકલવાનીજ  છે એ વાત નક્કી કર્યા પછી રડવાનું શેના માટે?”

અને ખરેખર અલિપ્ત રહી ને જ એશાએ આ વિવાહ થી વિદાય સુધીનો સમય પસાર કર્યો. ના કોઇ ખરીદીમાં રસ લીધો કે ના કોઇ ગમા-અણગમા વ્યક્ત કર્યા! મોટીબેનને જે ગમ્યું ,જે પસંદ પડયું તે નિર્લેપતાથી લેતી ગઇ .

અને એક દિવસ એટલીજ સાહજિકતાથી રોહીતનો હાથ થા્મી વીરસદની વાટ પકડી ,જેટલી સરળતાથી મુંબઇ થી અમદાવાદ આવી ગઇ હતી.

”હે ભગવાન? કઇ જાત ની છોકરી છે આ” ? રિવાને આ સમગ્ર સમય દરમ્યાન મનમાં ઉત્પાતો થયા કરતા હતા.એશા જેટલી ઠંડક થી જલકમલવત રહેતી એટલો વધુ ને વધુ ઉદ્વેગ, ઉચાટ રિવાને થયા કરતો.

”કેવી રીતે પોતાની જાત ને ગોઠવી શકતી હશે, એશા”? એકલી પડેલી રિવાને સતત મનમાં ધૂંધવાટ રહેતો.સો સવાલો રહેતા અને હવે ”અનિકેત” જવાની પણ ઇચ્છા રહેતી ન હતી.

પણ ના! આમ જલકમલવત દેખાતી એશાએ ક્યારેય મનથી પોતાને એ વીરસદની બંધિયાર હવામાં બાંધી ન હતી.સામાજીક રિત-રસમ તો પહેલેથી એશાને ક્યાં  મંજુર હતા? માત્ર દેખાડો કરવા થતા વ્યહવારોને એણે વીરસદમાં રહીને પણ સ્વીકાર્યા ન હતા.   મનને મંજુર ના હોય એવા કોઇ પણ સંબધો ને પરાણે પકડી રાખવા એની તૈયારી નહોતી. વીરસદમાં રહીને પણ એ તમામ વ્યહવારોથી વિરક્ત જ રહી.

સ્વાભાવિક છે બા-બાપુજી ને આ બધું જ આકરું લાગતું  .રોહીત પણ એશાની સાચી લાગતી વાતમાં  બા-બાપુજીની મરજી આડે સાથ આપતો નહીં અથવા આપવાની મરજી પણ બતાવતો નહીં.

પણ જો વગર બોલે ચાલ્યે એક નિર્ણય જો રોહીતે લીધો હોય તો તે વીરસદ છોડી બહાર નિકળવાનો જેથી તમામ દ્વિધા-ઝંઝટોનો અંત આવે.

હજુ પોતાની હોસ્પીટલ કરવા્ની તો વાર હતી એટલે  અમદાવાદની હોસ્પીટલમાં સર્જન તરીકે મળેલી તકને સ્વિકૃતિ આપી દીધી.

”ચાલો ! એક અણગમતા પ્રકરણનો અંત  તો આવ્યો ..નવેસરથી પોતાની જાતને એશા રોહીતના માળખામાં ગોઠવવા પ્રયત્ન કરતી.પણ મનમાં એક ખટકો તો હંમેશા રહેતો કે કદાચ રોહીતનો અંદરથી અને અંતરથી એને સાથ નથી જ?

સમય અને સંજોગો સાથે સમાધાન કરતા શીખેલી એશા માટે સાંત્વનની એક વાત હતી કે જે હોસ્પીટલ માં રોહીતને સર્જન પોસ્ટ મળી હતી ત્યાં જ એને પણ પેથોલોજીસ્ટની જોબ મળી ગઇ હતી. એ હોસ્પીટલના નાના અમસ્તા રુમમાં એશા અને રોહીતનો  નવેસરથી  વહેવાર-વ્યવસ્થા શરૂ થઈ .. હાસ્તો એ વ્યવ્સ્થા જ તો કહેવાય ને!

ઉડતા પવનના ઝોકા જેવી – રિવા કહેતી એમ વાવાઝોડા જેવી એશા અને શાંત-સ્વસ્થ, ખાસ કોઇ ચઢાવ ઉતાર,આરોહ-અવરોહ વગર નો રોહીતનો સ્વસ્થ સ્વભાવ તાલમેલ મળતા થોડો સમય તો લાગ્વાનો હતો પણ કહેવાય છે કે બે વિરૂધ્ધ છેડા  વચ્ચે આકર્ષણ વધુ થાય  એમ હળવેકથી ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવના છેડા એકબીજા તરફ આકર્ષાવા તો લાગ્યાજ હતા.

ક્યારેક ખડખડાટ હસી પડતી રિવા…. ”તારો આ સાયન્સના ગુણધર્મને દરેક વાતે જીંદગી સાથે વ્યકિત સાથે જોડાવાનો સ્વભાવ ક્યાં સુધી રહશે”?

”સારુ છે ને સાયન્સ ભણી છું એટલે જ કદાચ ડૉકટરો જેટલી તટસ્થતાથી દેહ-શરીરને જાણી શકે છે એઅટલી તટસ્થતાથી હું સંબંધોને માણી શકું છું.”એશા કહેતી.

અને આમ જોઇએ તો એની વાત સાચી પણ ઠરી.ધીરે ધીરે રોહીત અને એશા વચ્ચે એક સમજણ પૂર્વકનો સંબંધ વિકસતો ગયો.જેમાં લાગણીની કૂણી કૂંપળો પણ ઉગી હતી.

”ભમરો છે તારા પગે તો! એક જગ્યાએ ટકીને બેસવાની પ્રકૃતિ નથી તારી એટલે ભગવાન પણ તને ભમતી રાખે છે”. એક સવારે જ્યારે એશાએ હોસ્પીટલની જોબ છોડી નવેસરથી પોતાની હોસ્પીટલ ઉભી કરવા અમદાવાદ છોડી આણંદ જવાનો એનો અને રોહીતનો નિર્ણય રિવાને જણાવ્યો એ માટે રિવા થી સ્વાભાવિક જ પ્રત્યાઘાત અપાઇ ગયો.

રિવાને એશાની જીંદગીની આ નવી સફરથી આનંદ નહોતો એવું નહોતું.એશા અને રોહીત સાયુજયથી એ ખુશ પણ હતી પણ વળી પાછી એશા દૂર થઇ જશે? એ વિચારથી અકળામણ હતી.આમ જોવા જઇએ તો બંને કંઇ રોજ મળતા હતા અને થોકબંધ સમય સાથે પ્રસાર કરતા હતા! એવું પણ નહોતું અને છતાં પણ જ્યારે મળતા ત્યારે કયારેય એવું યાદ આવતું નહોતું કે  વચ્ચે મળ્યા વગર કેટલો સમય પસાર થઇ ગયો? હજુ તો કાલે જ મળી ને છુટા પડયા હોય એટલી તાજગી રહેતી બંને વચ્ચે ,અને અમદાવાદમાં અંતરો પણ ક્યાં દૂર દૂર ના હતા એટલે મન થાય ત્યારે એકબીજા પાસે પંહોચતાય ક્યાં વાર લાગતી?

“અતિથિ “–રિવા હંમેશા એશા માટે વિચારતી,ખરા અર્થમાં એશા અતિથિ હતી.એનુ આગમન હંમેશા અણધાર્યુ જ રહેતું ક્યારેય કોઇ તિથિ કે સમયની ક્યાં એણે પાબંદી રાખી હતી? અને એશાને પણ એટલી ખાતરી રહેતી કે એ જ્યારે રિવા પાસે પહોંચશે ત્યારે રિવા એને મળવાનીજ છે અને રિવા એના એ અણધાર્યા આગમનને પણ આવકારવાની જ છે.

પણ હવે! અમદાવાદમાં હતા તો આ જેટલું શક્ય બાનતું એ અટલું આણંદથી થોડું શક્ય બનશે? બસ આટલો નાનો અમસ્તો વિચાર રિવાને અકળાવા માટે પુરતો હતો.

જો કે આણંદ હોય કે અમદાવાદ આજે પંણ એશાની એ જ પ્રકૃતિ છે કેટલા સમયના વહાણા વિતી ગયા પણ આજે આટલા વર્ષે પણ એશા એની એ જ છે.ઓચિંતા અણધાર્યા આગમનનો અનુક્રમ પણ એનો એ જ છે. વચ્ચે જો કંઇ બદલાઇ હોય તો તે એશાની પરિસ્થિતિ સમય અને સંજોગો.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.