એશા- ખુલ્લી કિતાબ(7) -રાજુલ શાહ

આજે પણ રિવાને એ સાંજ યાદ છે. અણધાર્યા અતિથિ  જેવી એશા ઢળતી સાંજે આવી ને ઉભી રહી.પણ નવાઇની વાત એ હતી કે સાથે રોહીત પણ હતો.આણંદ પોતાની હોસ્પીટલ કર્યા પછી રોહીતને ભાગ્યે જ બહાર નિકળવાનું થતું.પોતાની હોસ્પીટલ અને પોતે જનરલ સર્જન એટલે પ્રસંગ વગર તો રોહીતને ભાગ્યેજ અમદાવાદ આવવાનું થતું. ક્યારેક એશાથી નાની ટિયા કે અલ્પેશ ના લગ્ન સમય અલપ-ઝલપ આવવાનું થયું હશે અથવા તો જ્યારે ધ્રુમિલ અને રુચાનો જન્મ થયો ત્યારે રોહીતને મળવાનું થયું હશે.
હજુ આજે પણ એ દિવસ યાદ છે મોટાઇ-મોટીબેનના વાત્સલ્ય વચ્ચે જેમ એશા અને એના કાકાઓનો પરિવાર વિકસતો ગયો,એકબીજા સાથેનું બંધન વધુ મજબૂત થતું ગયું એમ એ વડ ની ડાળીઓ પણ વધુ વિસ્તરી ગઇ. પરિવારની એકસૂત્રતા એ તો વળી ત્રીજી પેઢીને પણ પોતાની પાંખમાં સમાવી લીધી.

આણંદના એ અતિ વ્યસ્તતા ભર્યા દિવસોમાં એશા ધ્રુમિલ અને રુચાની પાછળ કેટલો સમય આપી શકશે ને વળી એ નાનકડા આણંદમાં ધ્રુમિલ અને રુચાને ઉડવા કેટલી મોકળાશ મળશે એ વિચારીને બાબુકાકા-સરોજકાકી ધ્રુમિલને પોતાની સાથે બેંગ્લોર લઇ ગયા તો રક્ષાબેન અને અશોકભાઇ રુચાને પોતાની પાસે અમદાવાદ લઇ આવ્યા.
વડીલોની વ્હાલભરી કાળજી માં ધુમિલ અને રુચાનો વિકાસ વધતો જતો હતો તેવીજ રીતે એશા અને રોહીતના  સંનિષ્ટ પ્રયાસોથી હોસ્પીટલનું પણ નામ થતું જતું હતું,એશા એ રોહીતને ખાલી સપ્તપદીના સાત ફેરામાં જ સાથ આપ્યો હતો એવું નહોતું પણ રોહીતની તમામ પ્રગતિમાં પણ પૂરો સાથ આપ્યો હતો. એશા એ જ તો બાકી ની જવાબદારી સંભાળી લીધી હતી.પેથોલોજી લેવાનો એ નિર્ણય આજે કેટલો સાર્થક થયો એ એશાથી વિશેષ કોને ખબર પડવાની? હોસ્પીટલ માં જ પેથોલોજી ડીપાર્ટમેન્ટ હોવાથી પેશન્ટોને પણ બહાર ક્યાંય જવાની જરુર રહેતી નહીં. ભરપૂર જીવન જીવી હતી આ દિવસોમાં એશા. મનગમતી પ્રવૃતિ વચ્ચે દિવસો એના સાર્થક થતા જતા.સમયની પાંખે ઉડીને ધ્રુમિલ બેંગ્લોરથી વધુ અભ્યાસાર્થે લંડન પહોંચી ગયો.રુચા ગ્રેજયુએટ થઇ પાછી એશા પાસે આવી ગઇ.

પાછું વાળીને એશા જ્યારે જોતી ત્યારે એ સડસડાટ પસાર થઇ ગયેલા સમયનો સંતોષ-સાર્થકતા એના રાજીપામાં ડોકાતી.ધ્રુમિલ કે રુચા નિર્ણયોમાં ક્યારેય એણે પોતાના મંતવ્યનો ભાર ઠાલવ્યો નહોતો.ધ્રુમિલને ક્યારેય એણે મેડિકલમાં જઇ પોતાની આ ”સાર્થક હોસ્પીટલ” નો ભાર ઉપાડી લેવા કહ્યુ સુધ્ધાં નહોતું. ધ્રુમિલને જે પસંદ આવ્યું તેમાં જ આગળ વધવાની અનુમતિ આપી હતી . તો રુચાને એના મનપસંદ જીવનસાથી જોડે જીવન જોડવાની પણ સંમતિ ખરા દિલથી આપી હતી.  જે રીતે લગ્ન અંગે પોતાની ઉપર  નિર્ણયો ઠલાવાયા હતા એ રીતે ફરી ક્યારેય છોકરાઓને એમાંથી પસાર થવું પડે નહીં એનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો.અને આમ પણ રુચાની પસંદગીમાં ક્યાં કોઇ વિચારવા જેવું હતું?  જાણીતો સુખી, well educated,very well thought – પરિવાર.હેમાંગ પણ  સૌમ્ય અને સમજુ.. રુચા એકલી જ નહી પણ એશા અને રોહીતને સાવ સરળતાથી આ આખાય પરિવારે પોતાના માની લીધા હતા.

” જીવન એક સામાન્ય-સરળ પ્રવાહમામ વહી રહ્યું હતું.રોજનું કામ personal commitments અને બાકીનો સમય મનગમતી પ્રવૃતિઓમાં દિવસો પસાર થઇ રહ્યા હતા.પણ જ્યારે એકધારા પ્રવાહમાં અચાનક વળાંક આવે ત્યારે ફંટાઇ તો જવાય પરંતું   તેના ફાંટા કેવા  કારમા હોય તેનો એહસાસ થાય તે પહેલા જ પરિસ્થિતિ હાથ બહાર જતી રહે એવા કંઇક અનુભવમાથી મારે પસાર થવું પડયું ‘.

એ દિવસે સાંજે અણધારી એશાને રોહીત સાથે જોઇને પળવાર જ રિવા ખુશ થઇ હતી પણ રોહીતને જોઇને પેટમાં ફાળ પડી હતી.એશા કરતાં ઘણો ઉધડતો વાન,સરસ મજાની હાઇટ અને સપ્રમાણ એકવડીયો ટટ્ટાર બાંધો,સદાયના શાંત સૌમ્ય ચહેરા પર જરાક અમસ્તુ  નાનું અકળ સ્મિત.,સ્વામિનારાયણ સંપ્રદાયના કોઇ સંત  જેવી પર્સનાલિટી હતી રોહીતની. પણ આજનો રોહીત? છળી ઉઠી રિવા આજના રોહીતને જોઇને. સહેજ નિસ્તેજ ચહેરો.માથા પરના પેલા આછા પણ કાળા વાળનું પણ નામ-નિશાન નહીં.અને સાવ નંખાઇ ગયેલા રોહીતનું આ ભિન્ન સ્વરુપ તદ્દન કલ્પનાની બહારનુ  હતું અને એની સાથે એશાનું પ્ણ ચિંતાતુર મોં , એની  નફિકરાઇ તો ક્યાંય ગાયબ હતી.

એશા અને રિવાને  મળ્યાનો વચ્ચેનો ઘણો લાંબો સમય સાવ થોડી જ મિનિટોમાં કહેવાઇ ગયો.પળવારમાં પરિસ્થિતિની ગંભીરતા સમજાઇ ગઇ. અને બાકીના અડધા કલાકમાં તો રિવા અને કરણ  એશા-રોહિત સાથે હીમેટોલોજીસ્ટ  ડૉકટર સંદિપ શાહની  કલીનીક પર  હતા.સદ્દનસીબે ડૉ સંદિપ સાથે રિવા-કરણને પારિવારિક સંબંધો હતા તેનો પણ લાભ મળી ગયો.

રોહીતની વધુ લાંબો સમય બેસાય તેવી ફીઝીકલ કંડીશન નહોતી એટલે ચેમ્બરમાં હાજર પેશન્ટની મુલાકાત પતાવવા સુધી ડૉ સંદિપે ખાલી રુમમાં રોહીતને સુવડાવવાની વ્યવસ્થા ગોઠવી આપી. કરણે રોહીત પાસે રહેવાનું મુનાસિબ માન્યું. બહાર વેઇટીંગ રુમમાં હવે  રિવા અને એશા એકલા પડયા.અને કદાચ એમ જરુરી પણ હતું, કેટલીક ન કહેવાયેલી વાતો રોહીતની હાજરીમાં કહી શકાય તેવી પણ નહોતી.

એક હાથે રિવાનો હાથ સજ્જડ રીતે પકડીને એશા થોડીક વાર તો એમ જ બેસી રહી. રિવાએ પણ કશુંક પુછયા વગર એને એમજ બેસી રહેવા દીધી..જાણતી હતી રિવા એશાને,ઓળખતી હતી એના સ્વભાવને,ખબર હતી  રિવાને કે લાંબો સમય એશા બોલ્યા વગર ચૂપચાપ રહી શકે તેમ નહોતી જ. અને એની ધારણાં સાચી જ હતી.અંદરથી એક ધક્કાની એશા રાહ જોતી હતી.હ્રદયમાં બાઝેલો ડૂમો ઓગળે તેટલી ક્ષણો પસાર કરવાની હતી. મોટાભાગે સ્વસ્થ રહેતી એશાને ભાગ્યેજ કોઇએ રડતા કે ઢીલી પડતા જોઇ હશે.મોટાઇની અંતિમ ક્ષણો અને અંતિમ સંસ્કાર સુધી મક્ક્મ રહેલી એશા જરા મોકળાશ મળતા રિવા પાસે રડી પડી હતી.આજે પણ આ સહેજ  મોકળાશ મળવાની જ રાહ જોવાની હતી. ના! માણસો વચ્ચેની મોકળાશ નહીં પણ આટલા સમય સુધી સતત અટવાયેલા રહેલા મનની મોકળશની.

સાથે લાવેલી પાણીની બોટલ માંથી બે ઘૂંટડા પાણીના ગળાની નીચે  ઉતાર્યા એશાએ ..જાણે હ્રદયની વેદનાના ડૂમાને હોઠે ઉતાર્યો. ભાર ઝલ્લી એ ક્ષણો પણ હવે તો રિવાને લાંબી લાગતી હતી.અંદરની અધિરાઇને એ દિવાની વાટ સંકોરે તેમ સંકોરીને બેઠી હતી. હળવેકથી એશાનો હાથ પસવાર્યો ,પંપાળ્યો  જાણે હિંમત બંધાવતી હોય તેમ,અને એશાએ પણ એ મૂક સધિયારાની ભાષા સમજી લીધી. મન મક્કમ કર્યુ અને જાણે મન સાથે જ વાત કરતી હોય તેમ બોલતી રહી. એશા હીમેટોલોજીસ્ટ ડૉકટરના કલીનીકની બહાર વેઇટીંગ રુમમાં બેઠા બેઠા રિવા પાસે મન ઠાલવતી હતી.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.