એશા- ખુલ્લી કિતાબ(10)-રાજુલ શાહ

 

ડૉ સંદીપ સાથેની મુલાકાત પછી તો રોહિતની પરોસ્થિતિ વધુ સ્પષ્ટ બની. વળી પાછો ટ્રીટમેન્ટનો દોર ચાલુ થયો. બીજા જ દિવસે કીમોથેરેપીની શરૂઆત કરવી એમ નક્કી થયુ. જેણે આજ સુધી અસંખ્ય સર્જરી કરીને કેટલાય પેશન્ટૉને સાજા-નરવા ઘરે પહૉચતા કર્યા એવા જનરલ સર્જન રોહિત માટે સર્જરીનો તો કોઇ અવકાશ જ નહોતો. કીમો થેરેપી સિવાય કોઇ આરો નહોતો. કીમોથેરેપીની યાતના અને આડ અસરો થી રોહિત અને એશા બંને  ચિંતિત હતા પણ છુટકો ક્યાં હતો?

બીજા દિવસે કીમોથેરેપીની શરૂઆત થઈ .એક દિવસ આરામ કરી પાછા આણંદ ગયા. હવે આણંદ  અમદાવાદ વચ્ચે ની આવ-જા નિશ્ચિત થઈ ચુકી હતી. સમયાંતરે કીમોથેરેપી ચાલુ રહેવાની હતી . પરંતુ ફરી પાછો એક ઉથલો , વળી પાછો એક હુમલો , નવી કટોકટી.

પહેલી કીમો પતી અને ચાર દિવસ પછી રીએક્શન આવ્યુ. રોહિત બેભાન અવસ્થામાં સરી પડ્યા. થયુ કે હવે બાજી હાથમાંથી જ ગઈ . જ્યારે પરિસ્થિતિ સામે લડવા હાથ હેઠા પડે ત્યારે આપોઆપ પ્રાર્થના માટે હાથ જોડાઇ જતા હશે?  વિજ્ઞાનની વાસ્તવિકતા અને ઇશ્વર પરની શ્રધ્ધા એ બે નદીના સામસામા કીનારા છે. પણ ક્યારેક  આ વાસ્તવિકતા અને શ્રધ્ધાના  બે  છેડાને જોડતો ભગવાન પરના ભરોસાનો સેતુ  જાણે-અજાણે મનમાં બંધાઇ રહ્યો હતો. આ ભરોસાના તાંતણે તો જીવાદોરીની જાળ ગુંથવા માંડી હતી. જ્ઞાન-વિજ્ઞાનના છેડા ટુંકા પડે ત્યાં આસ્થાનું ઓકસીજન કામ આવ્યું.ભગવાન પરના ભરોસાનો જવાબ મળ્યો.એશા અને રુચાની મૂક પ્રાર્થના પ્રભુએ  સાંભળી.રોહીત કટોકટીમાંથી બહાર આવ્યા. સામાન્ય વ્યકિતને પણ ચમત્કાર લાગે તેવી ઘટના હતી.

આવી પરિસ્થિતિમાં હવે વડિલોનો આગ્રહ હતો કે દીકરીના ઘડીયા લગ્ન લઇ લો.કોઇ પ્રકારની રાહ જોવી નથી.એશા મનમાં વિચારોના વંટોળમાં અટવાયેલી હતી. મનથી કોઇ તૈયારી કરી શકતી નહોતી.ફક્ત એશા અને રુચા એ જ મક્કમ થવાનું હતું. બાકી તો પછી સૌ સાથ આપવા તૈયાર હતા.

ધ્રુમિલને હજુ આવી આકરી  પરિસ્થિતિની એટલી જાણ કરી નહોતી. લંડનથી એને પણ તાત્કાલિક પાછો બોલાવી લેવો એવો નિર્ણય એશાએ લઈ લીધો.જે પિતાને હંમેશા કામ જ કરતા જોયા હતા તેમની આ પરિસ્થિતિથી તો આવતા વેંત ધ્રુમિલ સ્તબ્ધ થઈ ગયો. પરંતુ તે પણ સચવાઇ ગયો. ઝાઝી આળ -પંપાળ કે ઠાલા અશ્વાસનોનો અવકાશ જ નહોતો. ત્રણે જણ એક વિચારથી બંધાઇ  રહ્યા હતા. તબિયતની કાળજી પહેલા ,પછી બીજુ બધુ.

ફરી એશાનો વિશ્વાસ જીત્યો.રોહિતની  તબિયત સારી થતી ગઈ .દવાઓ  તો ચાલુ હતી. અશક્તિ ઘણી લાગે છતાં જીવન સામાન્ય થતું  જતુ હતુ. ઘણીવાર તો પરિસ્થિતિને પણ સૌ હળવાશથી લેવા પ્રયત્ન કરતા હતા. અને એમાં સૌથી વધુ સફળતા રોહિતને મળતી . કોઇક ડૉઝમાં એક સાથે ૮૦ ગોળીઓ લેવાનુ બનતુ. અડધા ગ્લાસ પાણીમાં ઓગાળી એશા આપે ત્યારે તે રૂચા અને  ધ્રુમિલને બતાવીને કહેતા ” ડેક્ઝોનાનો થીક શેક પીવુ  છુ. ” એશા જ નહી સૌ જાણતા હતા કે શબ્દો બોલાતા હતા પણ અંતર કાંપતુ  હતુ.

હવેનો સમય તો વળી એથી વધુ કઠીન હતો. આણંદ અમદાવાદ વચ્ચે કેમોથેરેપીની સારવાર માટે આ તબિયતે  આવ -જા થોડી મુશ્કેલ તો હતી. એટલે રોહિતની  જ હોસ્પિટલમાં  એશાએ જ બાકીની કીમોથેરેપીની ટ્રીટમેન્ટ આપવી એવુ ડૉક્ટરોનુ સુચન હતુ અને સલાહ પણ. ૮૦ ગોળીઓ ઓગાળી ડેક્ઝોનાના ડૉઝ આપવા જેટલી સરળ વાત નહોતી.

સગા-સંબંધીઓ સ્તબ્ધ હતા, સંતાનો  સેહમી ગયા હતા. એક માત્ર જો સ્વસ્થ હોય તો તે હતી એશા. અને રોહિતે પણ સાથ આપવાનુ નક્કી કર્યુ હતુ. મનથી અને તનથી .અંદરથી અને અંતરથી એશા પર અતુટ વિશ્વાસ હતો. મૂક સંમતિ હતી  આ નિર્ણય માટે રોહિતની .આમે ક્યાં એણે ક્યારે વાણી કે વર્તનમાં પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવામાં અગ્રેસરતા રાખી હતી કે આ નખાઇ ગયેલા તન અને નબળા મનથી દર્શાવવાની હતી?

“એશા એક બાજુ રૂચાના લગ્ન લીધા છે અને બીજી બાજુ આ ટેન્શન, તુ કેમ કરીને પહોંચી વળીશ? અને બીજી બાજુ આ ટેન્શન, તું કેમ કરીને પહોંચી વળીશ? ક્યારેક એશા અને રોહીત એકલા પડતા ત્યારે રોહીત મનની વાત એશા પાસે ઠલવતો. મનના ઉડાંણથી હંમેશા એને લાગતું કે એ ક્યારેય એશાની સાથે ઉભો રહી શકયો જ નથી.જ્યારે એનો હાથ થામીને વિરસદ આવી ત્યારે પણ અને આજે પણ.

કોણ જાણે એશા કઇ માટીની બનેલી હતી? દુરથી દેખાતા ભયના ભણકારા માત્ર કાન નહી હ્રદય પર પણ સંભળાતા હતા.જાણે એક મોટા પડઘમમાં પુરીને ઉપરથી દાંડી ટીપાય અને અંદર કાન,મન,હ્રદય બધુંજ ફાટી જાય એવી સ્થિતિ હતી અને છતાંય એશા પરિસ્થિતિને સંભાળી લેવાની પૂરેપૂરી કોશિશ કરતી હતી .

”હું આજે જ વિક્રમભાઇ અને દક્ષાબેનને મળી આવી છું. હેમાંગ પણ ત્યાં જ હતો. લગ્ન જેટલી ઝડપથી લેવાય એમાં એમને કોઇ વાધો નથી” એશા હળવેકથી રોહીતનો હાથ પસવારતા કહેતી જતી હતી.

વિક્રમભાઇએ કહ્યું છે કોઇ ચિંતા આપણા માથે રાખવની નથી.પાર્ટી પ્લોટ, ડેકોરેટર સુધ્ધા એ લોકો નક્કી કરી લેશે. હેમાંગ અને રુચા કંકોતરીના નમૂના ઘરે લઇ આવી આપણને બતાવી દેશે.તમને ગમે એ કંકોતરી ફાઇનલ કરી લઇએ એટલે એ છપાવવા પણ આપી દેશે.” આ કોઇ કામ માટે ધ્રુમિલને પણ જવાની જરુર નથી એવું કહેવડાવી દીધું છે.એ અહીં જ રહેશે તમારી પાસે”.

એશા ઉત્સાહથી બધું રોહીતને કહે જતી હતી પરંતુ એ પોતે જાણતી હતી કે ઘણી વાર બહારના- અંદરના વર્તનમાં આભ-જમીનનો ફેર હતો.

ધ્રુમિલે પણ લંડન જવાનું માંડી વાળ્યું હતું. અહીં જ ડેડી પાસે રહેવાનું નક્કી હતું. ડેડી સારા થાય રુચાના લગ્ન પતી જાય પછી અહીં જ સેટ થવું છે એવો નિર્ણય જોતાની સાથે એણે લઇ લીધો હતો.

એશા અને રોહિતની અમદાવાદની  આવન-જાવન ના બદલે હવે અમદાવાદથી બધાની આણંદ  આવન- જાવન ચાલુ થઈ ગઈ હતી. લગ્ન અંગે હોય કે રોહિતની તબિયત  અંગે , સૌ એશાની  જવાબદારી  ક્યાંથી ઉપાડી લઈ શકે તે વિચારીને સાથ આપતા હતા.

બીજી કીમોથેરેપીનો સમય નજીક આવતો હતો તેમ તેમ સૌ ના મન પર ભાર -ઉચાટ વધતો હતો.એક તો પ્રથમ થેરેપી  વખતે રોહિતને રિએક્શન આવ્યુ અને બેહોશીમાં સરી ગયા હતા એ અને હવે અહીં એશાએ જ બધુ સંભાળવાનુ હતુ તે. રખેને ફરી કોઇ પ્રોબ્લેમ ઉભો થયો તો?  જો કે હોસ્પીટલ રોહિત્તની હતી અને સાથે બીજા એના ડૉક્ટર મિત્રો પણ રહેવાના હતા.એટલે થોડુ સાંત્વન પણ રહેતુ સાથે એશાની સ્વસ્થતા જોઇ આશ્ચર્ય પણ થતુ.

એક જો નવાઇ ના લાગતી હોય તો તે રિવાને .બરાબર ઓળખતી હતી  એ એશાને.

એ દિવસે રિવાને એશાની હોસ્પીટલ જવાનું હતુ. જ્યારે એશા એ પેથોલોજી જોઇન કર્યુ હતુ . ત્યાંથી  પછી બસ દર વખતની જેમ મુવી જોવા જવાનું હતું. સસ્પેન્સ ફિલ્મ “ઇત્તફાક “  રિલિઝ થઈ હતી અને રાજેશ ખન્ન્ના એશાનો ફેવરિટ એટ્લે જોવા માટે તો આજ ની કાલ પણ ના થાય.રિવા જ્યારે હોસ્પીટલ પહોંચી ત્યારે એશા chiladren ward માં હતી.બાર-ચૌદ વર્ષના છોકરાના પગમાંથી બોનમેરો લઈ ટેસ્ટ કરવાનો હતો. ભય હોય કે દર્દ  ગમે તે કારણે એ છોકરો કારમી ચીસો પાડીને ગામ હોસ્પિટલ ગજવતો હતો. બે જણાએ એના હાથ અને પગ પકડી રાખ્યા હતા

છતાંય સખત રીતે ધમપછાડા કરતો હતો. ઝાલ્યો ઝલાય એમ નહોતો.એવામાં સેમ્પલ કેવી રીતે લેવું એ સમસ્યા હતી . એશાએ બીજા બે વૉર્ડ બોયને એ છોકરાને પકડી રાખવા  બોલાવ્યા . સતત રડારોળ  અને છોકરાની માં ના આંખમાં આંસુ જોઇને રિવા તો ડઘાઇ ગઈ અને ભાગી આવી ત્યાંથી  ઘેર પાછી . જહન્ન્નમાં ગયુ મુવી અને વહેતી મુકી એશાને .

આ આખી વાતથી  અજાણ એશા સારો એવો સમય રિવાની રાહ જોઇને સમય થતા એ પણ ઘેર  પાછી આવી. આવતાં વેંત  પહેલા તો રિવાના ઘેર પહોંચી એનો ઉધડો લેવા.”સમજે છે શું એના મનમાં ? નક્કી કરીને મને રાહ જોવડાવીને બેસાડી રાખી અને બેન પધાર્યા જ નહી? આજે તો વાત છે રિવાની “

પણ જ્યારે રિવાનું મ્હોં ચઢેલુ જોયુ અને આખી ઘટના વખતે એની ઉપસ્થિતિની જાણ થઈ ત્યારે  એશા ખડખડાટ હસી પડી.રિવાને ઓર ગુસ્સો આવ્યો.” હસે છે શું ? એક તો પેલા છોકરાનો જીવ નીકળી જાય એટલુ રડતો હતો અને અહીં તુ હસે છે?”

“તો શું થઈ ગયું ?” એશા ને વળી વધુ હસુ આવતુ હતુ. ” જે કઈ કરતી હતી તે એના સારા માટે ને?”

કોઇના ય સારા માટે જો એશા કઈ પણ કરી શકતી હોય તો રોહિત માટે કેમ નહીં?

રોહિતની જે  પરિસ્થિતિ  હતી એમાં સુધારો થવાની શક્યતા તો હતી જ નહી પણ વધુ બગડે નહી અથવા ઝડપથી વધે નહી તે માટેના  પ્રયત્નો કરવાના હતા.અને આપ્રયત્નોમાં રોહિતને જેટલી તકલીફ ઓછી પડે  એ જ હવે જોવાનુ હતુ.એશાએ  પોતાની જાતને એ માટે સજ્જ કરી લીધી હતી.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.