એશા-ખુલ્લી કિતાબ(9)-વિજય શાહ

આ બાજુ રોહિત ખુબ જ નબળાઇ અનુભવતો બેડ પર સુતો હતો. કરણ સાથે ક્યારેક અલપ ઝલપ વાતો કરી હતી પણ આ પ્રસંગે હાથ પકડીને રડી શકાય તેવા તો જાણે કોઇ સબંધ હતા જ ક્યાં?  પણ કરણની આંખોમાં થી નીતરતી ચિંતાજન્ય લાગણીઓ તેને રડાવતી હતી. રોહિત બધી રીતે તૈયાર હતો પણ આમ મૃત્યુ તેને પેલી સમડી જેમ પોતાના શિકારને ઓચિંતી જકડી લે તેમ મોતનો ભય તેને જકડી રહયો હતો. પોતે ડોક્ટર હતો અને તેથી જાણતો જ હતો કે કેન્સર એટલે કેન્સલ… પણ તે વિચારતો કે મારે તો હજી ઘણું જીવવાનું બાકી છે. 

આશિકને રિવાએ ફોન કરીને બોલાવ્યો હતો જે અત્યારે ડો સંદિપ સાથે તેમના હીમેટોલોજીકલ પરિણામો જોતો હતો.. બંનેની નજરો ફરી એક વખત મળી અને ઉંડા નિઃસાસા સાથે ડો. હિમાંશુ એ ડો આશિકને કહ્યુ એડવાન્સ સ્ટેજ છે. રોહીતને તો બધી ખબર પડી જશે એશાભાભી અને રિવાને તુ જણાવજે. આશિક ક્ષણભર માટે તો સ્તબ્ધ થઇ ગયો..મૃત્યુ પોતાનાને જ્યારે ડસવા આવે ત્યારે જે ભય લાગે તે ભયનું લખલખુ તેને પસાર થઇ ગયુ. રીપોર્ટ હાથમાં લઈને તે રોહીતને જ્યાં રાખ્યો હતો ત્યાં આવ્યો. કપરી કટોકટી ભરેલી ક્ષણ તો હતી જ. એશા રીપોર્ટની ભાષા સમજી શકતી હતી તેથી આશિકે રિવાને કહ્યું “હું રોહિત પાસે જઉ છું જરા સ્વસ્થ થઇને તેના રુમમાં આવો.”

એશા ફક્ત એકજ વાત કહેતી હતી રોહિતને આ રોગ કેમ? રિવા તેની વેદના સમજતી હતી પણ કહેતી હતી કે વિજ્ઞાન રોજે રોજ આગળ વધે છે. આશિક અને ડો. સંદિપ શું તારણો લાવ્યા તે સમજીએ અને પછી તુ આગળ શું કરીશું તે વિચારીશુ. કરણ પણ ચિંતાતુર હતો.ડો સંદીપે રીપોર્ટ ડો. રોહિતને આપ્યો અને આશિક સાથે જઈને બેઠાં. જિંદગીનું યુધ્ધ હવે શરુ થવાનું છે આ રોગ તેને કેટલો સમય આપશે તેજ આ રીપોર્ટ થકી નક્કી થવાનું હતુ. તેણે રીપોર્ટ ખોલીને જોયુ તો રોગ ખુબ જ એડવાન્સ સ્ટેજ ઉપર છે. રિવા અને એશા આવી ગયા હતા. એશાએ રીપોર્ટ વાંચ્યો અને આશિક સામે જોયુ. રિવાને મનમાં ઘણા જ પ્રશ્નો હતા. આશિક તે પ્રશ્નોનાં ઉત્તરો આપવા કરણ ને લઇ બહાર આવ્યો. 

એશા અને રોહીતની નજર મળી. બંને ચુપ હતા..ડો સંદિપ કહે આ રોગ ગમે તે કક્ષાએ હોય આપણે હમણાજ કીમોથેરાપી શરુ કરી દઇએ.

રિવા અને કરણ આશિકની ફીયાટ પાસે પહોંચ્યા.

આશિકે તેમને ગાડીમાં બેસવા કહ્યું

ગાડી ચલાવતી વખતે આશિક રિવા અને કરણ, ત્રણેય ની આંખો ભીની હતી. નજીકની એક રેસ્ટોરાંમાં જઇ ત્રણે બેઠા. આશિકે પાણી પીધુ અને રિવાને કહ્યું ” મલ્ટીપલ માયલોમા એટલેકે બોન્મેરોનું કેન્સર છે. એશા આ વસ્તુ જાણે છે એટલે તે જ્ઞાન તેને માટે કેટલુ ઘાતક છે તે મને ખબર છે.દવા અને કીમોથેરાપી થી બહુ બહુ તો ૬ મહિના એશા પાસે રોહિત છે.”

રિવાથી રડાતું નહોંતુ તે એશાને વિના ચાંદલે જોવાની કલ્પના પણ કરી શકતી  નહોંતી. તેને ડુમો ચઢ્યો..કરણે તેને પાણી આપ્યુ અને રિવાએ આશિકને પુછ્યું કે હવે આગળ શું?

આશિક પણ છુટ્ટે મોઢે રડી પડ્યો.. રોહિત તેનો દોસ્ત હતો અને તેને પડનારું દુઃખની કલ્પના તેને રડાવતી હતી.

થોડાક સમય પછી રિવાએ તેને પુછ્યુ ” પણ આ રોગ શું છે?”

આશિક કહે ” શરીરની પ્રતિકાર શક્તિ કરતા સફેદ કણો અને શરીરને જરુરી પોષણ આપતા રક્ત કણોને શરીરમાં પેદા થતા કેન્સરનાં કણો ખાઈ જાય તેને કારણે રોગ સામે લઢવાની પ્રતિકાર શક્તિ ઘટતી જાય. નવા કણો બનવાની ગતિ કરતા આ ખવાવાની ગતિ વધી જાય એટલે ધીમું પણ મોત નક્કી અને નક્કીજ.

રિવા એશાની પીડા હવે સંપૂર્ણ રીતે સમજી શકી. મૃત્યુ ઝેરી નાગની જેમ ફુંફાડા મારે છે અને બચાવવાનાં રસ્તા અપુરતા છે. 

આશિકે થોડોક સમય પછી રોહિતને પડનારા શક્ય દુઃખની આછી પાતળી રેખા આપતા રિવાને કહ્યું બેન આવો રોગ લાખ દર્દીમાં ભાગ્યેજ બે કે ચાર જણાને થાય છે અને તે પણ આફ્રિકાનાં જંગલોમાં અહીં એશિયામાં તો આ જોવા પણ નથી મળતો. મને નવાઇ લાગે છે કે રોહિતને તે ક્યાંથી થયો. તેના હાડકા બરડ થઇને બટકી જવાનાં કારણ કે કેલ્સીયમ હાડકા દ્વારા શોષાવાને બદલે પેલા કેન્સરનાં કોશોમાં શોષાય અને હાડકા પોલા કે ગળતા જવાની દર્ક પ્રક્રિયામાં ફક્ત દુઃખ અને દુઃખ જ રહેવાનં. જો કે આ દુઃખને હોર્મોનથી દબાવી શકાય પણ તે હોર્મોન પણ અમુક સમય પછી પેલા કેન્સરનાં કોશોને વશ થઇ જતા અસરહીન થવાના.

રિવાની આંખો અશ્રુધાર વરસાવતી હતી પણ ત્યાં બેસી રહેવાથી અને રોવાથી રોહિત કે એશાને માટે કશુ થવાનું નહોંતુ તેમ વિચારીને આશિકે રિવાને કહ્યું” બેના એશા-રોહિત સાથે રહીને શક્ય હકારાત્મક ટેકો કરવો હોય તો મજબુત બન..તુ રડીશ તો એશાતો ભાંગી જશે.

આશિકની ફીયાટ ડો સંદીપની ક્લીનીક તરફ પાછી વળી.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.