એશા-ખુલ્લી કિતાબ(8)-રાજુલ શાહ

રિવા જાણતી હતી રૂચાનાં વિવાહનું નક્કી કર્યું તે.રૂચાના વિવાહ સાથે સંકળાયેલા આનંદના સમાચાર હજુ તો લોકો સુધી પહોંચે તે સાથે જ ચિંતાજનક સમાચારે પણ એશાના જીવનમાં  દ્વંદ મચાવી દીધું.અનુભૂતિના બે છેડા જેવા આનંદ અને આધાતના સમાચારનું એક સાથે આગમન થયું.રુચાના લગ્ન માટે વાતચીત ચાલુ હતી તે લગભગ નક્કી થઇ જવાની હતી.સામી ઉતરાણે સારા  સમાચારની વાત ટાળી અને ઉતરાણ પછી એટલેકે ૧૫મી જાન્યુઆરી પછી બંને કુટુંબો વચ્ચે વાતચીત પાકી કરવાનો નિર્ણય લેવાયો.પ્રથમ પ્રસંગ હતો એટલે ખુબ ઉત્સાહ હતો.સગામાં તેમજ મિત્ર વર્તુળમાં વાત વહેતી મુકતા જતા હતા.

૧૭મી જાન્યુઆરીએ તો સગાના એક સગપણના પ્રસંગમાં પણ સાથે ગયા હતા. ત્યાં સાધારણ નાક સાફ કરતા તેમાંથી જરા લોહી આવેલું સફેદ રુમાલ પર રોહીતે જોયું શરદી છે અને જોરથી નાક સાફ કરતાં આવું બન્યું હશે તેમ તે વખતે વિચારી લીધું. બીજી કોઇ જાત ની તકલીફ કોઇ ન હતી. પરંતુ પોતે ડૉકટર હોવાથી કશુંજ અવગણવું નહી તેમ માની એક દર્દી તરીકે E N T સર્જન પાસે જઇ આવ્યા. સાયનસની તકલીફ કરવી નથી તેમ જણાવી  X-RAY કરાવી લેવાનો E N T સર્જને   અભિપ્રાય આપ્યો.

રેડીઓલોજીસ્ટ ડોકટર રોહીતના ખાસ મિત્ર.  બંને મિત્રો જેવા એકબીજાની અંતરની વાત સમજતા હતા તેવી જ રીતે જાણે બિમારીની વાત પણ સમજી લીધી.X-RAY રિપોર્ટ જોઇ શંકા થઇ અને ત્યાર પછી જુદા જુદા blood test ના રિપોર્ટ ચિંતાજનક આવ્યા. આ બે-ત્રણ દિવસ દરમ્યાન રોહીત પણ થોડા ચિંતામાં-વિચારમાં હોય તેવું લાગતા એશાએ પુછયું પણ કંઇ સંતોષ કારક જવાબ ના મળ્યો.

”હું પણ હોસ્પીટલમાં જ કામ કરતી હતી. કલીનીક લેબોરેટરી ઉપરાંત સર્જરીમાં પણ આસીસ્ટ કરતી હતી છતાંય મને બિલકુલ ખ્યાલ ના આવ્યો કે આવી કોઇ ગંભીર બાબત અમારા જીવનમાં આવી ગઇ છે.

એશા રિવાને કહેતી ગઇ. રિવા સાંભળતી ગઇ વચ્ચે એક પણ સવાલ કર્યા વગર. બસ એક ધારી એશા બોલતી ગઇ અને એકી ટસે રિવા એને જોઇ રહી, જાણે કાન માત્ર નહીં,આંખની સમસ્ત ચેતનાથી એશાને ઓગળતી જોઇ રહી.

પછી ધીમે રહીને એક દિવર કલીનીકમાં બેસાડીને રોહીતે મને કહ્યું ”જે કંઇ કહું તે સ્વસ્થ મનથી સાંભળજે અને સ્વીકારજે. રોહિતે તેના હાથમાં મુક્યા blood test ના રીપોર્ટ અને તેના પરથી ફલિત થતા રોગની ગંભીરતાના પરિણામે મને હચમચાવી મૂકી”.

સમય થોભી ગયો હતો એ વખતે એશા મા્ટે આ વજ્ર સમાન પળ પણ આગળ વધતી નહોતી.મન બધીરતા ના આરે આવી ઉભું .કોઇ વિચારો આગળ વધતા નહોતા અને છતાંય મનમાં વિચારોનું દ્વંદ્વ ઉઠયું હતું.

નિયમિત ખોરાક,વ્યસન રહિત જીવન છતાં મલ્ટીપલ માયલોમા? પેથોલોજીસ્ટ તરીકે એશા જાણતી હતી મલ્ટીપલ માયલોમા એટલે એક જાતનું હાડકાનું કેન્સર .મન માનવા તૈયાર નહોતું. આધાત ઓસરતો નહોતો છતાં સ્વભાવવશ પૂછાઇ ગયું-રીપોર્ટ તો બરાબર છે ને?

મન અને હ્રદય જાણે તુમુલ યુધ્ધે ચઢયા હતા.નજરે દેખ્યા એહવાલને નજરઅંદાજ કરતા મન માનતું નહોતું તો જે વંચાય છે જે આંખે સામે આવનારો કટોકટીનો સમય સ્વીકારવા હ્રદય તૈયાર નહોતું.

પરંતુ અમદાવાદ કેન્સર હોસ્પીટલના બાયોપ્સી રીપોર્ટ રહી સહી શંકાને પણ હકીકતમાં પલટી નાખી. ડૉકટર બની દર્દી માટે નિદાન કરવામાં જેટલું તાટસ્થય  જળવાતું હતું એટલી તટસ્થતા અહીં કેમ જળવાતી નહોતી? દર્દી નો રિપોર્ટ આપતા પહેલાંય મન તો કાઠુ કરવું પડતું હતું પણ અહીં તો પોતાના જ ઘર પર  પડેલી વીજળીએ બધું વેરણ છેરણ કરી નાખ્યું હતું તેને  કેમ કરીને સમેટવું ? મન -હ્રદય પર જે ભાર વધતો જતો હતો તેને કેમ કરી ને જીરવવો ? સુન્ન્ન થઈ ગઈ હતી બધી ચેતનાઓ , વિચારોની ધાર પણ કુંઠીત થઈ ગઈ હતી, બધિર થઈ ગયુ હતુ મન.

એશાને થતુ ભગવાન એને કેમ સ્થિરતા આપતો નહી હોય? શા માટે ?  શા માટે  એક જગ્યાએ, એક પરિસ્થિતિમાં ,એક સંજોગમાં એ સ્થિર થાય તે પહેલા જ એને મૂળસોતી ઉખાડી નાખે છે?

બધું જ બરોબર ગોઠવાઈ ગયુ હતુ . બધુ જ બરોબર ચાલતુ હતુ ,એશા અને રોહિત પણ ખુશ હતા આ જીવનથી. આવનારા પ્રસંગની અત્યંત પ્રસન્ન્નતાથી ઉકેલવાની તમામ તૈયારીઓમાં લાગવાનુ હતુ, અને આમ બસ આમ અચાનક કોઇ સંકેત વગર આફત આવીને ઉભી.

ખેર ! હવે તો બેવડી શક્તિથી સામનો કરવાનો હતો. ઓન્કોલોજીસ્ટને બતાવ્યુ . બને તેટલો ઝડપી ટ્રીટમેન્ટનો દોર શરૂ થઈ ગયો. જાણે થોડા સમયમાં દુનિયા બદલાઇ ગઈ. રૂચાના જીવનનો યાદગાર પ્રસંગ  જાણે- અજાણે બાજુ માં જ રહી ગયો. એક આંખમાં આનંદ હતો તો બીજી આંખમાં સતત ડોકાતી ચિંતા.

” પરંતુ હું, રોહિત અને રૂચા અમે ત્રણે  કોઇ દિવ્ય શક્તિથી જોડાયા હોય એમ દરેક સુખ-દુઃખની ક્ષણ  સાચવી લેતા હતા. અમે ત્રણે એક બીજાને રાજી રાખવા અને પોતે પણ રાજી રહેવા પ્રયત્ન કરતા હતા અને મહદ અંશે સફળ પણ રહેતા હતા .” એશા એકધારુ બોલે જતી હતી .આંખ અને ચહેરા પર જાણે સ્થિરતાના -જડતાના ભાવ આવી ગયા હતા. રિવા એનો હાથ પસવારતા મૂક સધિયારો આપતી હતી .એ જાણતી હતી કે અત્યારે એશા ઠલવાઇ જાય એ જરૂરી હતુ. જે ભાર મન- હ્રદય પર હતો એ હલકો  થઈ જવો જરૂરી  હતો   તો  જ  એશા નવેસરથી  આવતી  કટોકટીનો  સામનો  કરવા  કટીબધ્ધ  થઈ  શકશે.  ડૉક્ટરો  કહેતા  કે  હવે તો કેન્સર પણ મટી જાય છે અને રોહિત કે એશા પણ ક્યાં નહોતા જાણતા આ વાત? પણ એ કયા સ્ટેજ પરનુ કેન્સર હોય અથવા તો કયા અંગ પર જાળાની જેમ બાઝેલી કેન્સરની ગાંઠ હોય તો  જ મટવાની શક્યતા હોય એ વાત થી પણ ક્યાં અજાણ હતા એ બંન્ને ? અને માટે જ તો આજે અહીં અમદાવાદ સુધી ખેંચાયા હતા. આશાનો તંતુ છોડવો નહોતો.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.