એશા- ખુલ્લી કિતાબ(11)- રાજુલ શાહ

એક પછી એક કેલેન્ડરના પાના ફરતા જતા હતા.કીમોથેરેપીની એક પછી એક ટ્રીટમેન્ટ સમયાંતરે ચાલતી હતી.જો કે હવે રોહીત પ્રમાણમાં પહેલા કરતા વધુ સ્વસ્થ દેખાતા હતા. લગ્નના દિવસો પણ નજીક આવતા હતા તેમ બધુ જ ભુલીને પ્રસંગ ઉકેલવાના નિર્ણયમાં ઇશ્વર કૃપાએ સ્વાસ્થ પણ સારો સાથ આપ્યો.

લગ્ન મંડપની ”ચોરીમાં વિધી માટે બેઠેલા એશા અને રોહીત માટે ખરેખર ધન્ય ક્ષણ હતી.ઢોલી ના ઢોલના તાલે મામાઓ રુચાને માયરામાં લઇને આવ્યા અને જે પળે રુચાનો હાથ હેમાંગના હાથમાં મૂક્યો, છેડા છેડી ગઠબંધન થયા.રુચા હેમાંગને પરણીને ઉભી ત્યારે એશાના હ્રદયના બંધ છૂટી દયા.આટ આટલા સમયથી સ્વસ્થ દેખાતી એશા આજે કેમ કરીને પોતાની જાતને જાળવી શકતી નહોતી.સૌ સમજતા હતા કે રુચાની વિદાય એ એક માત્ર કારણ નહોતું.આજ સુધીની મનને રોકી રાખતી મનને બાંધી રાખતી આ દિવસોની વ્યસ્તતા પુરી થતા હવે શું?

રુચાના લગ્નન બહાને તો એશા અને રોહીત બંને એકબીજાને ટકાવી રાખવાનો પ્રયાસ કરતા હતા. હવે ખરો સમય હતો રોહિતને સાચવવાનો.રુચાની વિદાય પછી ખાલી પડેલું ઘર જાણે સાવ શાંત પડી ગયું હતું.લગ્નના લીધે થોડી ઘણી પણ કામની વ્યસ્તતા પરિવારજનો આવન-જાવન ના લીધે જે ચહલ-પહલ હતી તે સાવ સમી ગઇ હતી. શ્વાસ લેવામાં પણ મૂઝારો થાય એટલી હદે ધરમાં ભાર વર્તાતો હતો.

એશાએ વળી પાછું મન મક્કમ કર્યું.જાણે કશુંજ બન્યું નથી અથવા કશું બનવાનું પણ નથી એવી સહાજીકતા વર્તનમાં લાવવાનો પ્રયાસ કરવા માંડયો.મહ્દ અંશે સરળતા પણ મળી.ધીમે ધીમે થોડો થોડો સમય હોસ્પીટલ જવાનું શરુ કર્યું.આ પણ એક જવાબદારી તો હતી જ અને વળી એની આડ હેઠળ થોડું રોજીદુ જીવન સામાન્ય બનશે એવી આશા પણ હતી.રોહીત સમજી શકતો હતો એશાની આ મથામણ અને એમાંથી ભાર આવવાના વલખા .

થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતાં એણે પણ હોસ્પીટલ જવું એવો મનોમન નિર્ણય કર્યો પણ એના શરીર જોઇએ એટલે સાથ  આપતુ નહીં ધ્રુમિલે લંડન જવાનું માંડી જ વાળ્યું એવું એટલો સધિયારો તો હતો. ધ્રુમિલને સેટ થવા માટે એકડો ઘૂંટવાનો હતો.આટલા વર્ષ ભારત થી દૂર રહ્યા પછી અહીં એક ઓળખ ઉભી કરવાની હતી.જો કે ભારતથી દૂર રહ્યાના વર્ષોએ જ એના માટે નવી દુનિયા ખોલી નાખી.ફોરેન રીર્ટ્ન એ જ એક મોટી અને મહત્વની ઓળખ સાબિત થઇ. પરદેશનું ભણતર અને થોડો વર્ક એકપીરીયન્સ ઘણો બધો કામ લાગ્યો. આણંદ તો નહીં પણ બરોડામાં જોબ મળી ગઇ.સાવ સાથે રહેવાના બદલે ભલે જરાક જ દૂર પણ હાથ લંબાવતા પકડી શકે એટલો તો નજીક હતો ને?

એનો પણ વિકાસ રુંધાય એવું એશા અને રોહીત ઇચ્છતા નહોતા એટલે આણંદ રહેવાનો આગ્રહ તો કયારેય હતો જ નહી અને રુચા પણ તો અહીં હતી જ ને?

અશા એ ધ્રુમિલના જવાની તૈયારીઓ કરવા માંડી.

સરસ મઝાનું ઘર મળી ગયુ. નાનુ પણ બધીજ સગવડોવાળું અને સોસાયટી પણ અલકાપૂરી એટલે મારા માસીની મીરાના ઘરની પણ સાવ નજીક છે. મીરા ધ્રુમિલનું ધ્યાન રાખશે”. એશા અને ધ્રુમિલ બરોડા જઇ આવ્યા અને ઘરનું નક્કી કરી આવ્યા. એનો અહેવાલ આપતા એશા રોહીતને એની આ આવ-જા માં પરોક્ષ રીતે સામેલ કરે જતી હતી.

”Yes, ડેડી તમે આવશો ને તો તમને પણ ગમશે જ” ધ્રુમિલે એશાની વાત પર મત્તુ માર્યું.

ડેડી ક્યારેક રવિવારે હું આવું એના બદલે તમે અને મમ્મી ત્યાં આવશે તો તમને પણ ચેઇન્જ રહેશે.મીરા માસી અને માસા  પણ કેટલા ખુશ થઇ જશે ખબર છે તમને? .

રોહીત પણ આનંદથી આ બધી વાતોમાં સાથ આપતો થોડો સંતોષ અને શાંતિ પણ હતી ધ્રુમિલના નિર્ણય અને નિમણુકથી.

સારો દિવસ જોઇને એશા અને ધ્રુમિલે જરુરી સામાન પણ બરોડાના ઘરમાં ગોઠવી દીધો.પહેલી તારિખથી ધ્રુમિલને નવી જોબમાં જોઇન થવાનું હતું. એશા અને ધ્રુમિલ બરોડા જતા ત્યારે રુચા આવીને રોહીત પાસે રહેતી એટલે એની તો એશાને એટલી ચિંતા રહેતી નહી.

વળી પાછો ધ્રુમિલના બરોડા ગયા પછી ઘરમાં ખાલીપો વર્તાવા લાગ્યો.વાતોડિયા ધ્રુમિલની હાજરીથી ઘરમાં એશા અને રોહિતને વાતારણ જીવંત લાગતુ.લંડનની વાતો પણ ક્યારેય એની ખૂટતી નહી.

હવે વળી પાછા એશા અને રોહિત એકલતા અનુભવવા લાગ્યા. રોહિતે હોસ્પીટલનું કામ સંભાળવા એક આસીસ્ટન્ટ ડૉક્ટરની નિમણૂક તો કરી જ હતી અને હેમાંગ પણ સમય મળે ધ્યાન આપતો હતૉ.એશા બને ત્યાં સુધી હોસ્પીટલ જતી અને  ક્યારેક રોહિત પણ સાથે જતા.

પરંતુ  કીમોથેરેપી પછી અને અંદર પ્રસરતા જતા રોગે રોહિતેને થોડો ઢીલો તો પાડી દીધો હતો. એટલે એશા એ પણ ધીમે ધીમે હોસ્પીટલ જવાનુ ઓછુ કરવા માંડ્યુ.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.