એશા-ખુલ્લી કિતાબ(16) રાજુલ શાહ

રિવા પણ જાણતી હતી કે ”જન્મ છે એનું મરણ છે”. એ વાત જેટલી સાહજીકતાથી બોલાય એટલી સ્વીકારી શકાતી નથી.એને જ્યારે જીરવવાની થાય ત્યારે કેટલી વિષમ પરિસ્થિતિ ઉભી થાય એ હવે વારંવાર એશાની વાતમાં ડોકાતું હતું. આમ વિકરાળ અજગર જીવનનો ભરડો લેવા તત્પર હતો એ સૌને સમજાઇ ગયું હતું.

એશા અને રોહીતની આંખો જ્યારે મળતી ત્યારે વણબોલાયેલા શબ્દો પણ એકબીજા સાંભળી-સમજી લેતા.મનમાં ઘણા શબ્દો ઉઠતા ઘણું એકબીજાને કહેવાનું હતું પણ શબ્દો હોઠ સુધી આવી ને ઠેલાઇ જતાહતા.મનના ખૂણે એક વાસ્તવિકતા જડાઇ ગઇ હતી.અને હવે તો ડૉકટરો પણ કહેતા”ઇશ્વર ઇચ્છા બલિયસી”

પણ હવે તો ઇશ્વરની ઇચ્છા પણ સાફ દેખાઇ આવતી હતી. રુચાના લગ્ન પહેલા જાન્યુઆરી-૦૧ નો પ્રસંગ ફરી એકવાર ભજવાયો સૌથી પહેલાં જે રિપોર્ટ આવ્યા પછી સ્વીકારવાની વાતો કરી હતી એ જ રીતે અંત સ્વીકારની ઘડી પાસે આવી રહી છે એ ઉઘાડી કે બંધ આંખે પણ દેખાઇ આવતું.

રુચા-હેમાંગ, ધ્રુમિલ-જાનકીની ઘરમાં હાજરી સતત રહેતી.ધ્રુમિલ બરોડા જાય તો પણ જાનકી અહીં જ રહેતી એશાની પાસે,એશાનીસાથે.

છેલ્લા ત્રણ દિવસ તો રોહીત લગભગ બેભાન અવસ્થામા…

બાકીના પાંચેના મનમાં એક સરખી વિચારો,આંખો ખોલશે કે આંખો બંધ કરશે?

કોણ કોને સમજાવે? અંતે તો બધાએ સાથે જ,બધાએ જાતે જ સમજવાનું હતું.રુચા-હેમાંગ,ધ્રુમિલ-જાનકીની હાજરીથી, એમનો હાથ પકડીને ઉભી ત્યારે એશાને લાગતું કે સહન કરવાની શકિતને મજબૂતાઇ મળે છે.

મન માનતું નહોતું અને છતાંય મન નજરે જે દેખાતું એને ખોટું ઠેરવી શકે તેમ નહોતું.પહેલી વાર તો પુછી લીધું હતુ કે ‘રિપોર્ટ’ તો બરાબર છે ને પણ હવે તો એ પણ હવે તો એ પણ પુછવાની જરુર ન હતી.

એક પછી એક આવતા મોજા પગ જ ભીના કરતા હતા એવું નહોતું. પગ નીચેથી જમીન પણ સરકાવતા જતા હતા.

હવે કશુંજ કરવાનું બાકી રહેતું નહોતું. જ્યારે પહેલી કીમો પછી રોહીત બેભાન અવસ્થામાં સરી ગયાહતા અને હ્રદયમાં પ્રાર્થનાઓએ સ્થાન લીધું હતું,હાથ હેઠા પડયા ત્યારે પ્રાર્થના માટે હાથ જોડાયા હતા એ જ પરિસ્થિતિ ફરી આવી હતી પણ પ્રાર્થનાનું સ્વરુપ બદલાયું હતું.

એશા ખરા હ્રદયથી-ખરા મનથી પ્રભુને પ્રાર્થના કરતી-”હે, પ્રભુ સહાય કરજે-યોગ્ય કરજે.જે થવા બેઠું જ છે તેમાં વધુ સમય યાતના ભોગવવી ના પડે તે જોજે”.

અને એ જ થયું.નજરની સામે ક્યારે જીવન સરકી ગયું તે ખબર પણ ના પડી.જેને ક્યારેય બાંધી શકાય નહીં. તે ”આત્મા” ચાલી ગયો.

ન કોઇ રોકકળ,નાકોઇ શોક-સંતાપ અત્યંત સમજ પૂર્વક એશા એ પોતાની જાતને સંભાળી લીધી.રુચા-ધ્રુમિલ-જાનકીને સંભાળી લીધા.હેમાંગ તો આ આખીય પરિસ્થિતિમાં પરિવાર જનની માફક જ નહિ  પણ એક ડૉકટર તરીકે પણ સતત એશાની સાથે જ રહ્યો હતો.

લોકાચારને  પણ એશાએ ખાસ મહત્વ આપ્યું નહોતું.સ્વસ્થતાથી પોતાનું મન જે માને એ રીતે રોહીત્ની પાછળ જે કરવા યોગ્ય સમજયું તે કર્યું. અહીં પણ ફરી પાછો રોહિતના પરિવારનો વાંધો વચ્ચે આવ્યો. એશાએ જે કર્યુ તે દેખાયુ પણ એશાએ જે કરવાની ના પાડી તે નજરે  ચઢી ..પણ આ વખતે તો એશાનો પોતાનો પરિવાર એની સાથે હતો. ધ્રુમિલ અને  રુચા પણ સાથે હતા. એ લોકોએ તો જ્યારથી એશાને ઓળખી હતી -જાણી હતી એમાં ક્યાંય કોઇ બાંધ છોડ નો અવકાશ દેખાતો નહતો.

એશાએ એની કટોકટીના સમયે ક્યારેક મંદીરે જવાનો ક્રમ રાખ્યો હતો. મન એથી ઘણું શાંત રહેતુ હતુ. નાના શહેરની એ જ તો મઝા હતી . નાની અમસ્તી ઓળખાણ પણ આત્મીયતામાં બદલાતા વાર ન લાગે તો અહીં એશા અને રોહિતની એક અલગ ઓળખ હતી. દર્દીઓને ક્યારેય માત્ર દર્દી તરિકે ટ્રીટ  નહોતા કર્યા પણ સાચા અર્થમાં એમના ફેમિલી ડૉક્ટર બની રહ્યા હતા.એટલે આ શહેરમાં એક સન્માનીય વ્યક્તિ તરિકેનો  એમનો મોભો હતો.

માત્ર કમાવાની નેમ પણ ક્યાં રાખી હતી એ બંને જણે ? જરૂર પડે સેવાઓ આપવા તત્પર રહેતા.  માનવમંદિરમાં જ્યારે જ્યારે મેડીકલ કેમ્પ થતા ત્યારે ત્યારે એ બંને જણે પોતાની સેવાઓ આપી હતી એટલું જ નહીં પણ પોતાની હોસ્પીટલ  પણ આવા કેમ્પ સમયે ખુલ્લી મુકી દીધી હતી.ક્યારેક ડાયબીટીસના કેમ્પ તો ક્યારેક ટોટલ બોડી ચેક-અપ ના ફ્રી કેમ્પના સમયે એશા પેથોલોજીસ્ટ તરિકે પુરેપુરો સમય અને  સ્કીલ સેવા માટે  આપતી. એટલે મંદિરના સંતો સાથે પણ એક તાદાત્મ્ય જોડાતું ગયું હતું. અહીં માત્ર ઠાલી વાતો નહોતી , મનને સમાધાન થાય એવા તમામ જવાબો હતા.

જે બની ગયું તે દુઃખદ તો હતું જ પણ જીવનમાં જ્યારે જે  પરિસ્થિતિ ઉભી થાય તે દરેક આપણા હાથમાં હોતી નથી એવી સમજ પણ એશાને અહીં થી મળતી. ધીમે ધીમે  પોઝીટીવ થીંકીંગ ના સહારે વાસ્તવિકતા ઘણી ઝડપથી  સ્વીકારાઇ ગઈ હતી. જીવન ગોઠવાતુ ગયું. રુચાને ધ્રુમિલને પણ સામેથી એશાએ રોજના કામે લાગવા સમજાવી લીધા.

“મમ્મી, હવે હું બરોડા રહેવાનો જ નથી.આણંદ અને બરોડા ક્યાં દુર છે? અપ-ડાઉન કરવા વાળા કેટલાય લોકો છે એવી રીતે હું પણ અપ- ડાઉન જ કરીશ.અને જાનકી પણ તમારી પાસે હશે તો તમે સાવ એકલા નહીપડી જાવ.”

ધ્રુમિલ એશાને કેમ કરીને એકલી મુકવા તૈયાર જ નહોતો.

“હું એકલી છું જ ક્યાં? એશા એને  હળવેકથી સમજાવતી. આ આખુ આણંદ  મારું જ તો છે. તે જોયું ક્યારે ક્યાં મહેમાનો સચવાઇ ગયા તે ખબરે પડી?

અને એશાની વાત પણ સાચી હતી.લગભગ ૧૩ દિવસ સુધીની મહેમાનોની અવર-જવરને મંદિરના સંતોએ ,ડીવોટીઓ એ સાચવી લીધા હતા એનો ભાર એશા કે એના ઘર સુધી પહોંચવા  પણ દીધો નહોતો.

“હવે મને કોઇ બાંધશો નહી અને મારાથી બંધાયેલા પ રહેશો નહી.હવે હુ  અને  પ્રવ્રુત્તિઓ વિસ્તરવા માંગીએ છીએ. તમે મારી સાથે હશો તો તમે મને સાચવ્યા  જ કરશો. મારે હવે મારો  સમય માત્ર મારા પર કેન્દ્રીત નથી કરવો, અને જરૂર પડે તો તમે અહીં આવો કે હું તમારી પાસે ક્યાં નથી આવી શકતી? ”

આમ એશાએ ધ્રુમિલ અને જાનકીને  સમજાવી લીધા. રુચા તો બાજુમાં જ રહેતી હતી ને?

એકલી રહેતી એશાનો ખાલીપો ભરાતો ગયો.જીંદગી જીવવા જેવી લાગે છે.એકલા જીવવાનું કદીક અધરું તો લાગે છે પણ કોઇ પ્રવૃતિમાં તે બાધક નથી બનતું.

”એકલા આવ્યા છીએ એકલા જ  જવાનું છે.” એ  જીવનમંત્ર આજે એશાએ એટલી હદે આત્મસાત કર્યો છે કે એકલી હોવા છતાં ક્યારેય એકલવાયી નથી. એકલતા એને ક્યારે સાલતી નથી.

સંપૂર્ણ.

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.

4 Responses to એશા-ખુલ્લી કિતાબ(16) રાજુલ શાહ

 1. Mamta H.Oza says:

  Khub Khub Khubaj saras. koi sabad nathi kahva mate.

 2. Komal Patel says:

  very very nice

 3. poonam says:

  very nice story i like it

 4. kavita trivedi says:

  really very nice story, i can imagine aesha throught out the story.

Comments are closed.