સુખી માણસ કોને કહો ?-ડૉ. સુરેશ દલાલ


 
સુખી માણસ કોને કહો ? તન, મન, ધનની જેને નિરાંત હોય. તન અને ધનની  વચ્ચે મન છે. જેનું મન સંતોષી નહીં હોય એને ધનની બાબતમાં કદીયે નિરાંત હોય જ નહીં. કેટલાક માણસને જેમ પ્રશંસા ઓછી પડે છે. એમ મોટા ભાગના ધનિક માણસને પણ ધન ઓછું લાગે છે. મનની સાથે સંતોષ નહી સંકળાય  તો ગમે એટલી મિરાતનો કોઈ અર્થ નથી હોતો. અને ગમે એટલી મિરાત હોય પણ શરીર જ દાદ ન આપતું હોય તો બધું જ કડવું ઝેર લાગે. પહેલું સુખ તે જાતે નર્યા, એમ કહેનાર જગતનો સૌથી શાણો માણસ હોવો જોઈએ. તનના માંદલા અને મનના માયકાંગલા માણસો માટે સુખ જોજનો દૂર હોય છે. સુખ સાપેક્ષ છે, એવી વધી તાત્વિક વાતમાં આપણે પડતા નથી. સુખની જગ્યાએ આનંદ શબ્દ પણ મૂકી શકાય.
તન, મન, ધન પછી સ્વજનનું સુખ. સાચો સ્વજન કોને કહેવાય ? એક જ જવાબ છે કે જે આપણા સુખમાં આનંદ લે અને આપણા દુઃખમાં પડખે રહે. બાકી તો સરઘસ કે સરકલ થઈ શકે એટલા બધા લોકો ક્યારેક આપણી આસપાસ હોય છે.
જીવનભર સ્વમાન સચવાય એ સૌથી મોટી વાત છે. સ્વમાન સાચવવાની વાત બીજાના હાથમાં નથી હોતી. એ આપણા પોતાના હાથમાં હોય છે. બધું સોંપાય, આપણું સ્વમાન કોઈને ન સોંપાય. મરે નહી ત્યાં સુધી કોઈ પણ માણસને સુખી ન કહેતા, એવું કોઈકે કહ્યું છે તેમાં કદાચ આ વાત પણ આવી જતી હશે.
ડૉ. સુરેશ દલાલના પુસ્તક ‘વ્યક્તિ અને અભિવ્યક્તિ’માંથી સાભાર

E mail by Vijay Dharia

This entry was posted in email, પ્રેરણાદાયી લેખ્. Bookmark the permalink.