વેરાન હરિયાળી-૧૮ જયંતીભાઈ પટેલ

૧૮. જખનો ઘાવેડુ 

        તે દિવસે તરઘાટીમાં લાખાજી ભૂવાની પોલ ઉઘાડી પાડી એ વાત માસ્તર અને એમના ટોળાના જુવાનિયાઓ ભૂલીય ગયા હતા પણ લખાજી એ ભૂલ્યો ન હતો. પોતાનું થયેલું એ ધોર અપમાન એનાથી ભુલાય એમ પણ ક્યાં હતું! પણ માસ્તરની સામે પડતાં એ ગભરાઈ રહ્યો હતો. એ પોતે કોવો ભૂવો હતો અને એને કઈ જોગણીનો માથે હાથ હતો એ તો એને જ ખબર હતી. એના જાગરિયા એના પરચાની વાતોની બડાઈ કર્યા કરતા હતા ને ગામડાંની અબુધ પ્રજા એ માની લેતી હતી ઓટલી એનાં આવાં ધતિંગ ચાલ્યા કરતાં હતાં.

માસ્તરે એની પોલ ઉઘાડી પાડી એ વાત એ કદાચ ભૂલવા માગે તોય એના મળતીઆઓ એને એ ભૂલવા દે એવા ક્યાં હતા? એ લોકોએ ભૂવાને એ વાત નહીં નહીં તોય છેલ્લા મહિનામાં દસેકવાર યાદ દેવડાવી હતી અને એનો બદલો લેવા એને ઉશ્કેર્યો હતો.

        આઝાદી આવ્યા પછી માસ્તરની ફરતાં બારેય ગામમાં એવી પ્રતિષ્ઠા જામી ગઈ હતી કે એમની સામે પડવાની ભૂવામાં જાણે હિંમત જ રહી ન હતી પણ એના મળતીયાઓથી તો ભૂવાને કારણે એમને મળતાં માનપાન અને બોકડા અને દારૂની શીશીઓ ભૂલાતી ન હતી. એ લોકો ભૂવાની છાપ ફરી પહેલાંના જેવી થાય એ માટે ભૂવાને માસ્તર સામે ચડાવ્યા કરતા હતા ને માસ્તરને કેમનો પરચો બતોવવો એની જાતજાતની તરકીબો ઘડતા રહેતા હતા.

        છેવટે એક રાતે અટધો શીશો પેટમાં પડ્યા પછી ભૂવો એમની સાથે માસ્તરની સામે વેર લેવા સંમત થયો ને બધાએ જાતના પેંતરા ઘડવા માંડ્યા. બધાની વાતમાં એક સૂર સરખો હતો કે એમણે ઉઘાડા ઊઠવાને બદલે કોઈ ત્રહિત માથાભારે માણસ મારફતે એ માસ્તર અને એના સાગરિતોને બરાબરનો પાઠ ભણાવવો. ઉઘાડા ઊઠવા તો એ મળતિયા કે ભૂવામાં હિંમત જ ક્યાં હતી?

ફરતાં બાર ગામમાંથી તો એમની સામે પડવા કોઈ તૈયાર થશે જ નહીં એની તો બધાને ખબર હતી જ એટલે એમણે દૂરનાં ગામોમાં આવા માણસની તપાસ કરવા માંડી.

બહુ તપાસને અંતે મારગિયાનો જખનો ઘાવેડુ એ કામ કરવા તૈયાર થયો. એને પચાસ રૂપિયા અને દારૂની એક શીશી એને એના બેય મળતિયાઓને દસ દસ રૂપિયા એક એક શીશી દારૂ આપવાનું નક્કી કરીને બધા પાકો પેંતરો ઘડવાના કામમાં લાગી ગયા. બધાને માસ્તર અને એમના ટોળામાંના જુવાનિયાઓને પરચો બતાવવો હતો ને એમાં પોતાનું નામ ક્યાંય ન આવે એવું પણ કરવું હતું.

        અંતે જખનાએ એનો મારગ બતાવ્યો. છેવટે એવો પેંતરો નક્કી થયો કે ફરતાં બધાં ગામમાં વાત વહેતી કરવી કે મારગિયાનો જખનો ઘાવેડુ નામનો ભૂવો આ કાળી ચૌદસની રાતે મહાંણાંમાં સાધના કર્યા પછી તૈણ નાકાંને પેંપળેથી વરધા ડોહાના ભૂતને નાથીને મહીસાગરને પેલેપાર મેલી આવવાનો છે.

‘માસ્તર આ વાત જાણશે એટલે જખનાને ભીડાવવા આવ્યા વગર નહીં રહે. આપડે દસપંદર માંથાભારે જણની એક ટોળી કરીને આઘે હંતઈ રહીશું અને માસ્તર જખનાનો પરચો જોવા આવશે તો એમનાં ઠાઠાં ભાંગી નાંખીશું. લોકો માંનશે કે એમનાં ઠાઠાં જખનાએ ભાગ્યાં છે.’ એક જણાએ મમરો મૂક્યો.

‘આપડે પૂરી તૈયારી સાથે જવું પડશે. માસ્તરની હાર્યે એના ટોળાના પાંચહાત બીજાય હશે.’ બીજાએ કહ્યું.

        ‘આપણે કોઈએ ધારિયાં કે ભાલા લેવાના નથી. પોલીસનું લફરું થાય એવું કશું આપડે કરવાનું નથી. આપણે એમનાં ઠાઠાં જ ભાગવાનાં છે. કોઈને જાનથી મારી નાખવાના નથી. કદાચ આપણામાંથી કોઈ ઓળખાઈ જાય તોય કહેવાનું કે અમે તો જખના ઘાવેડુને ઢમઢોળવા આવ્યા હતા. અમને શી ખબર કે તમે ત્યાં હશો? અંધારામાં જખનાના માણસ જાણીને તમને એકાદ ઝોંટ વાગી ગઈ હોય.’

        ‘કાળી ચૌદસની રાતના અંધારામાં આપણને કોઈ ઓળખી જવાની બીક નથી. તોય ફળિયાંની હાર્યે બધાએ બુકાનીય બાંધવાની એટલે ઓળખાઈ જવાનો કશો ભો તો નહીં.’

***

        એમની આ જખનાની વાતનો ચગોવગો સાંભળી માસ્તર કહે: ‘અલ્યા એ પીપળામાં તો ભૂત છે જ ક્યાં? પણ એને એવું ધતિંગ કરવું હોય તો ભલે આવતો. એ ભૂતને વશમાં કરે કે ના કરે પણ હું એના ભૂતને તો વશ કરીને એને જ ફરતાં બારેય ગામમાંથી બહાર તગેડી મૂકીશ.’

        એમની વાત જાણીને જુવાનિયાઓ કહે: ‘સાહેબ, તમે એકલા જ શું કરવા અમે બધાય તમારી ભેળા આવીશું. અમનેય તમારો પરચો જોવાની મઝા પડશે. પછી અમે એને મહીસાગરની પેલી પાર મેલી આઈશું.’

        ‘લખાને ઢીલો પાડ્યો ત્યાં એની જગા લેવા આ જખનો ઘાવેડું આવી પહોંચ્યો છે તે એને તો બરાબરનો પાઠ ભણાવવો જ પડશે. મને લાગે છે કે પેલા લાખાએ જ એને તેડાવ્યો હશે.’

        ‘જો એણે એને તેડાવ્યો હશે તો એય ભેળો આવશે તો આપડે એનુંય ભૂત કાઢી નાંખીશું.’ બીજા એકે કહ્યું.

        બધા જુવાનિયાઓએ માસ્તરથી ખાનગીમાં મસલત કરી લીધી: ‘આપડે બધાએ બેટરીઓને દોરી બાંધીને હાર્યે રાખવાની એટલે એને ખભે કે ગળે લટકાવી દેવાય ને બેય હાથ ઝાપોટ મારવા નવરા રહે.’

        ‘કાળી ચૌદશનું અંધારું બરાબરનું હશે. આપણે બોયડી કે કાંકોરનાં ધુંગાં આગળ ઊભા રહેવાનું અને એ ભૂવા ને એના ખાંધિયાના મોઢા પર બેટરીનો શેયડો પાડવાનો. એવોએ પાંહે આવે એટલે બેટરી બંધ કરીને એક બાજુ ખસી જવાનું. કે પેલો સીધો જાય ધુંગામાં. પછી એને ઊપરા ઊપરી બેચાર ઝોંટો મારીને આખો ધુંગામાં ધકેલી દેવાનો.’ આવી સંતલસ કરીને બધા એની તૈયારી કરવામાં પડ્યા.

        રતનાએ પોતાના ગોઠિયાઓને ગામની ભાગોળે મહાદેવમાં ભેગી કર્યા ને બધાને એમણે કરવાનાં કામની સોંપણી કરી દીધી. બધાનું કહેવું એમ હતું કે જખનાને લાખાએ જ તેડાવ્યો હશે. વળી જખનોય કંઈ એકલો નહીં આવે, એની હાર્યેય પાંચ હાત માંણહ તો હશે જ. એટલે આપડે ઊંઘતા ના ઝડપાઈ જઈએ એનું ખાસ ધ્યાન રાખવું પડશે.

        ‘તે આપડેય કંઈ ઊંઘતા ઝડપઈએ એવા છીએ! આપડે તો એમને ઊંઘતા ઝડપવાના છે. એમને કદાચ વહેમ હશે કે માસ્તર એકલા આવશે કે હાર્યે બેચાક જણાને લઈને ઉઘાડા આવશે. પણ આપડે પચાસ માંણહનું ધાડું લઈને પૂરી તૈયારી હાથે જઈશું એવી તો એને શંકાય નહીં હોય.’ બીજાએ કહ્યું.

        ‘ને આપડે ઉઘાડા જવું છેય ચ્યાં! આપડે પહેલાં તો એમનો તાલ જોઈશું ને પછી બરાબર લાગ જોઈને એવી તડી બોલાવીશું કે એમને નાહતાંય નહીં આવડે.’

        ગમે તેમ પણ બધા જખના ને લાખાને પરચો બતાવવા તત્પર થઈ ગયા હતા. હા, આ બધી સંતલસની એમણે માસ્તરને જાણ થવા દીધી ન હતી. માસ્તર એમની ગાંધીવાદી નીતિ પકડી રાખે તો કદાચ જખનો ઘા કરી જાય ને બધાં ગામને તો ડૂબી મરવા જેવું થાય.

જેમ રતનાની ટોળી તૈયારી કરતી હતી એમ લાખાની ટોળીય એમની તૈયારીમાં વળગી ગઈ હતી. એમણે એમના એક સાગરિત ગોતાને છાપરે સાંજથી જ ભેગા થવાનું, ત્યાં જ પાર્ટી કરવાનું ને ત્યાંથી બારોબાર જરખડા તરફ રવાના થવાનું ગોઠવ્યું હતું. એમના પંદર જણા સિવાય ગામમાં કે ઘરમાં કોઈને એમના એ કાવતરાની ગંધ સુધ્ધાંય એમણે આવવા દીધી ન હતી.

***

આમ કરતાં દિવાળીના દિવસો શરૂ થયા. રતનાની ટોળી તૈયાર થઈને બેઠી હતી. કાળી ચૌદસની સાંજે બધાએ પોતપોતાને ઘેર બહાનાં કાઢીને વહેલું જમવાનું પતાવી દીધું હતું ને નક્કી કર્યા પ્રમાણે બધા મહાદેવમાં ભેગા થઈ ગયા હતા. શંકર એના પાંચેક દોસ્તો સાથે આણંદ દૂધ રેડીને બારોબાર તૈણ નાકાંએ આવી જવાનો હતો.

        નક્કી થયા મુજબ જખનો ઘાવેડુ અને એના ચાર મળતિયા રાતે સાડા બાર–એક વાગ્યે આવી પહોંચ્યા. થોડી વાર પહેલાં લખાના માણસો પણ આવીને તરઘાટી તરફનાં ધુંગાં પાછળ સંતાઈ ગયા હતા. તો માસ્તરની ટુકડીના જુવાનિયા તો વળી એમના કરતાંય વહેલા આવી ગયેલા હતા. એ બધા જરખડા તરફની સીમમાં સંતાયેલા હતા.

એમણે જખનાના આવવાની ગણતરી રાખેલી પણ લાખાના માણસોના આવવાની એમને ગણતરી ન હતી. વળી એ લોકો જખનાની સાથે ન આવતાં જુદા આવીને સંતાઈ ગયા હતા એટલે માસ્તરની ટોળી વિચારમાં પડી ગઈ હતી. એમને એમાં કાવતરાની ગંધ આવી એટલે એ બધા વદારે સાવધ થઈ ગયા.

જખનાની ટોળીએ આવીને આમથી તેમથી થોડાં લાકડાં ને ઝૈડાં ભેગાં કરીને તાપણું સળગાવ્યું. જખનાએ અષ્ટમ પષ્ટમ બબડતાં એ તાપણામાં ગુગળ જેવું કશુંક નાંખ્યું ને તાપણાની ઝાળ તેજ થઈ. ત્યાં એના બે સાથીઓએ ડાકલાં કૂટવા માંડ્યાં ને એમના અલગ લહેંકામાં કાંઈક ગાવા માંડ્યું. વચમાં વચમાં એવાં હાકોટા ને કિલકારીઓય કરવા માંડયાં કે છેક જરખડાની ભાગોળ સુધી સંભળાય.  

હજુ તો જખનો વાતાવરણ તૈયારકરતો હતો ત્યાં તો માસ્તર એની સામે પહોંચીને ઊભા રહી  ગયા. એમની પાછળ બે જુવાનિયા પણ જઈ પહોંચ્યા. ‘મારેય આ ભૂત જોવું છે. મને એ ભૂત દેખાડ પછી તારે એને છેક મહીસાગર સુધી ના લઈ જવું હોય તો એ મને જ વળગાડી દેજે. હુંય ગાંધી બાપુનો ભૂવો છું. મને તારા કોઈ ભૂત કે પલીતની બીક નથી લાગતી.’

        ‘એનાં પારખાં કરવાનાં પડતાં મેલીને હમજીને ઘરભેળા થઈ જાવ. ને જેણે આવાં પારખાં કરવાની હઠ પકડી હોય એને જઈને પૂછી આવો.’ જખને ગર્જના કરી.

‘એના કરતાં તું જ ઘરભેળો થઈ જા ને! તારાં આવાં ધતીંગની મને બધી ખબર છે એટલે તારું અહીં કશું ચાલવાનું નથી.’ માસ્તરે સામી ત્રાડ પાડી.

પણ જખનો એમ ગભરાય એવો ન હતો. તું ગાધીબાપુનો ભૂવો હો કે પછી વિલાયતની સરકારનો હો, જેનો ભુવો હો તો એનો પરચો બતાય નહીં તો હેંડતો થા અહીંથી.’

        ‘તું પહેલાં પરચો બતાવ નહીં તો તું જ હેંડતો થા. આ અમારું ગામ છે ને તું તો રખડતા ભૂત જેવો અહીં આવેલો છું. નહીં તો હું તને એવો પરચો બતાવીશ કે તને નાસતાંય નહીં આવડે.’ માસ્તરને બદલે એક જુવાનિયો બોલી ઊઠ્યો.

માસ્તરને બદલે એક છોકરડા જેવો જુવાનિયો સામે આવ્યો એ જોઈને ભૂવો તાનમાં આવી ગયો ને એને ડરાવવા બોલી ઊઠ્યો: ‘બેસ હવે તું પરચો જોવાવાળી. જા જઈને તલાવડીમાં મોઢું ધોઈ આય.’

        ‘તારે પરચો ના બતાડવો હોય તો હું તને પરચો બતાડું.’ કહેતાં એક જુવાનિયે તાપણામાં આડી ડાંગ ઠપકારી. ને એમાંથી બળતાં લાકડાં જખના પર ઊડ્યાં ને એ ગુસ્સે થઈ પેલાની તરફ ધસ્યો ત્યાં તો બીજા જુવાનિયાઓ દોડી આવ્યા ને ભૂવાને અને એના સાથીઓને આડેધડ ઝુડવા જ માંડ્યા.

આટલું મોટું ટોળું જોઈ જખનાની ટોળી વાળા લોકો ગભગાઈને ભાગ્યા. ત્યાં લખાવાળા બહાર આવ્યા એટલે એ લોકો સમજ્યા કે લાખાવાળા એમની મદદે આવ્યા છે એટલે એ પાછા વળ્યા. ત્યાં તો નક્કી કર્યા મુજબ રતનાની ટોળીના બધા જુવાનિયાઓ પાછા હઠી ગયા.

        બધાને ભાગતા જાણીને સામેવાળા તાનમાં આવી ગયા. એમણે ધૂંગાં પાસેથી બેટરીનું અજવાળું આવતું જોયું ને બધા એ તરફ ધસ્યા. માસ્તરની ટુકડી એમના સ્વાગત માટે તૈયાર જ હતી. એમણે બધાને આડેધડ ઝાપોટીને ધૂંગાંમાં ધકેલી દીધા. ત્યાં કોઈએ તાપણામાંથી બળતા ફાચરા લઈને ધૂંગાંમાં નાંખ્યા ને કાંટા વાગવાની પરવા કર્યા સિવાય પેલા જે ભાગ્યા છે.

        બધાને દૂર સુધી તગેડી મૂક્યા પછી આ જુવાનિયાઓએ આજુબાજુ તપાસ કરી તો કેટલીય ડાંગો, કેટલાંય ફળિયાં ને કેટલાય જોડા જ્યાં ત્યાં વેરવિખેર પડ્યાં હતાં. એમાંથી ડાંગો અને ફળિયાં રાખી લઈને બાકીનું બધું તાપણીમાં નાંખી ઉપર વધારે ઝૈડાં નાંખીને હોળી સળગાવી બધા ટ્રેક્ટરમાં બેસીને પાછા ઊપડ્યા.

***

બીજે દિવસે તરઘાટીને જુવાનિયાઓ તાલ જોવા કામનાં બહાનાં કાઢીને લાખાના મળતિયાઓને ઘેર ઘેર ફરી વળ્યા. એમણે જોયું તો કોઈને લમણે ઢીબું ઠયું હતું તો કોઈને કપાળે ઝૈડાંથી સાથિયા ચિતરાઈ ગયા હતા તો કોઈ મીઠા અને હડદરનો લેપ લગાવીને આડા પડેલા હતા.

બધાએ એમની મશ્કરી કરવા માંડી: ‘શું થયું આ? રાતે ધાડ પાડવા ગયા હતા કે છાપરું સંચારતાં પગ લપસ્યો?’

‘મને લાગે છે કે આંબો વેડતાં પડ્યા હશે, તે વગર આટલું બધું વાગે નહીં.’ બીજો ટાપસી પૂરતો.

‘પણ એવાં દા’ડે કરવાનાં કામ રાતે કરવા જાય તો આવું થઈ જ જાય ને!’ ત્રીજાએ કહ્યું.

This entry was posted in વેરાન હરિયાળી. Bookmark the permalink.