જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૫)-પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

 

“શતરંજની ચાલ”                                  

              જગદીશ સાથે આવેલા  ઢોંગી પ્રતાપ સોલંકીને જોઇને જ પહેલે જ દિવસે રાધિકાની ભૃકુટી ખેંચાઇ હતી. પહેલી નજરે જ તેણીને અણગમો ઉપજ્યો હતો તેમાં અંબિકાએ તેને નમન કર્યા ત્યારે જ તેણીએ સોલંકીને ખખડાવ્યો

“મોટી ઉંમરની મારી બાને પ્રણામ કરાવતાં તમને શરમ નથી આવતી?

“અરે રાધા……”

“તમે તો મામા વચ્ચે બોલશો જ નહી……”રાધિકાએ જગદીશને વડચકું ભર્યું.

“શિવ,,,,શિવ….શિવ તમારા માજી મને વંદન નથી કરતાં પણ મારામાં રહેલા પુરોહિત પણાને વંદન કરે છે આ સોલંકી તો પામર જીવ છે”

‘હં….પામર..જીવ ને તમે? માય ફૂટ” કહી મ્હોં મચકોડી પગ પછાડતી રાધિકા જતી રહી.

               સોલંકીએ અંબિકાના જન્માક્ષર જોઇ ૮૮-૯૦ વરસનું આયુષ્ય ભાંખેલું. ભવિષ્ય જૂઠુ સાબિત થયું શનિની વક્ર્દ્રષ્ટિની અને સાતમા ઘરમાં રહેલા રાહુ-કેતુની અસર ઓછી કરવા માટે શાંતિ-પાઠની વિધિ અને ત્રણ દિવસના અનુષ્ઠાન કર્યા બાદ પરિસ્થિતીમાં કશો ફર્ક ન પડ્યો. તેમાં ડૉકટર કાર્લોના નિદાનથી અન઼્નનળીના કેન્સર સાબિત જાહેર થતાં કેન્સર એટલે કેન્સલ જાણતાં અંદરથી હચમચી અવશ્ય ગયો હતો. બીક હતી તો હવે વધુ દાન દક્ષિણા મળવાના દ્વાર બંધ થઇ ગયા.

                   રાધિકાએ ગોલ્ડ એન્ડ ડાયમંડ સ્ટોરમાં અંબિકાના દાગિના ચેક કરાવ્યા બાદ હચમચી તો ગઇ હતી.તેમાં ક્રિશના મહેણાં ટોંણા

“મારી મા પાસે ૨૦૦ તોલા સોનું છે.”

“તે છે…જ ને…?

“આ…આ..૨૦૦ તોલા સોનું હુ….,અર્ધુ નકલી અને બાકીનું ૧૮ કેરેટનુ?

“મને શી ખબર કે આ બધું ડીંડવાણું નિકળશે…..”રાધિકાએ કહ્યું

“બન્‍નેને છુટા કરવાના પ્લાન કરતાં પહેલાં ચેક કરાવવાનું તને જરૂરી ન લાગ્યું?”

“પણ……”

“તેમાં તારી મા ને કેન્સર……”

“મને શું ખબર કે તેણીને કેન્સર છે…..”

“બહુ મોટા ઉપાડે લઇ આવી હતી ને? હવે મેડીકલના અને ટ્રીટમેન્ટ્ના ખર્ચા ભોગવ”

           આવી ચડભડ હવે રોજની થઇ ગઇ હતી.તેમાં જગદીશ આવ્યો એટલે વધુ વિફરી હતી તેના ખર્ચા પણ ભોગવવાના માથે આવ્યા.

              આ બાજુ સોલંકીના હાથમાં કોઇ બકરો ફસાયો ન હોવાથી તેનું સેતાની મગજ અંબિકા એક જ શિકાર હતો.તેના પહેલાં નાખેલા પાસા તો ઉલટા પડ્યા હવે  અન્ય શ્રોત શોધવા તે પાછો જગદીશને મળ્યો.જગદીશ પણ નારાજ હતો પણ તેણે તેને અષ્ટમ પષ્ટમ સમજાવી ને અંબિકાને ઘેર આવ્યો.

            ચ્હા-પાણીની આગતા સ્વાગતા થયા બાદ તેણે અંબિકાના જન્માક્ષર ફરીથી જોયા માંગ્યા.પોતાના થેલામાંથી પંચાંગ કાઢી ઉલટા સીધા પાના ઉથલાવ્યા બાદ કેટલી વાર સુધી કપાળ પર હાથ ફેરવ્યો,માથું ખંજવાળ્યું અને શિખાની ગાંઠ છોડી ફરી બાંધી, ગળામાં પહેરેલી રૂદ્રાક્ષની માળા ના મણકા ફેરવી સમય પસાર કરતા પ્રતાપ સોલંકી આંખ બંધ કરી ને ખોટે ખોટા આંગળાના વેઢા ગણતાં હવે શું કરવું એ વિચારતો હતો. આગળ શું કરવું તેની વેતરણમાં પડી ગયો.

             જન્માક્ષર ફરી ફરી જોતાં આંખો બંધ કરી અષ્ટમ પષ્ટમ શ્લોકો બોલી આંગળાના વેઢા ચાર પાંચ વખત ગણી સારો એવો સમય પસાર કર્યા બાદ નવો તુક્કો મળી જતાં જન્માક્ષરની ચોપડી પર ઉંધી હથેળી પછાળી ઘટસ્ફોટ કર્યો.

“ મોટીબેન તમારી કુંડળીમાં નક્ષત્ર દોષ છે.અરે! આ વસ્તુ તો સૌથી પહેલાં મારા ધ્યાનમાં આવવી જોઇતી હતી”

“એટલે ?”અંબિકાએ પુછ્યું

“તમારો જન્મ મઘા નક્ષત્રમાં થયો છે એટલે નામકરણ વિધિ પછી મઘા નક્ષત્ર શાંતિ કરાવવી જોઇતી હતી,મને નથી લાગતું કે, એ થઇ હોય એટલે હવે  તેના માટે શિવ તાંડવ સ્તોત્રના ૧૦૦૮ પઠન અને મહામૃત્યુંજયના સવા લાખ જપ કરી દશાંશ હોમ કરાવવા પડશે સાથો સાથ ૨૧ સોમવાર માત્ર અને માત્ર ફળાહાર પર  કરવાની જરૂર છે,”

“અરે! પ્રતાપ મોટીબેનની હાલત તો જુએ છે એ ક્યાં ૨૧ સોમવાર કરવાની હતી?”જગદીશે કહ્યું

“તું સમજ્યો નહી….હું તો શું કરવાનું છે તેનું વિધાન કરૂં છું”

“તો?”

“આ સોલંકી કયાં પાછળ પડે એમ છે? મોટીબેનની હાલત મારાથી ક્યાં અજાણી છે એટલે તેમના વતી હું કરીશ અને તેનું પુણ્ય તુલસીના પાંદડે મોટાબેનને અર્પણ કરીશ”

“હા તેના માટે જોઇતી સામગ્રીનું લિસ્ટ તને આપું તે લાવી આપજે”

“જો ભઇ તને જે જોઇતું હોય તે તું લઇ આવ વિધિ પુરી થયા બાદ તું દાન દક્ષિણા તો લેવાનો જ છો ત્યારે સાથોસાથ બીલના પૈસા લઇ લેજે”     

“ભલે જેવી તારી ઇચ્છા. તો આજે છે ૫ તારીખ એટલે અઠવાડિયા પછી ૧૨ દિવસ પછી મઘા નક્ષત્ર શાંતિ અનુષ્ઠાન શરૂ કરીએ” કહી પોતાની તરકીબ કામયાબ રહ્યા પર ખુશ થઇ પ્રતાપ ગયો. 

         જે દલ્લો મેળવવા ક્રિશ અને રાધિકાએ પેંતરા રચીને ત્રિભુવન અને અંબિકાને લાંબા લગ્નજીવનમાં ભંગાણ પડાવી છુટા કર્યા એ બધી ગણત્રી ખોટી પડતાં રાધિકા ધુધવાયેલી તો હતી તેમાં સોલંકીના આ ધતિંગ જોઇને અંબિકા પર વધુ ગુસ્સે થવા લાગી.

“મમ્મી આ શા ધતિંગ માંડ્યા છે??”

“તું તો પૂજા પાઠમાં માનતી નથી તને નહીં સમજાય”જગદીશે ડરતાં બચાવ કર્યો.

“મામા તમારા ધતિન્ગ તમને મુબારક મને સમજાવવાની જરૂર નથી”

           ક્રિશ સારા સાથે છુટા છેડા લીધા બાદ પણ રાધિકાને પરણવા તૈયાર ન્હોતો. એટલે જ્યારે રાધિકા લગ્નની વાત કરતી ત્યારે ક્રીશ ગલ્લા તલ્લા કરી ગમે તેમ વાત ઉડાવી દેતો હતો.ખરેખર તો લગન વગર પાંચ વરસથી સાથે રહેતી રાધિકાને તેણે શતરંજનો સેહ આપનાર વજીર સમજયો હતો એતો મામુલી પ્યાદાથી વિશેષ કંઇ સાબિત ન્હોતી થઇ.

        તેણે લેટ મી થિન્ક બેબી કરીને આડા અવડા ઊંઠા ભણાવીને અને પોતે ક્યારે તેણીનો વિશ્વાસ તોડ્યો છે? તને તારા ક્રિશ ઉપર ભરોસો નથી? એવા સવાલોના જાળામાં ફસાવીને રાધિકાને  મનહરની મોટેલમાં રહેવા જવાની સલાહ આપી.

રાધિકા મનહરની મોટેલમાં રહેવા જાય તો ત્યાં રહેતા ત્રિભુવનનો સામનો કરવો પડે અને ત્રિભુવન પાસે તો તેણીનો પુછાનારા પહેલાં સવાલ કેમ? ક્રીશે કરી દીધીને રખડતી એટલે તેણીને અંબિકા સાથે રહેવામાં શાણપણ લાગ્યું.

             આ પહેલી વખત પોતાનો પ્લાન ફેઇલ જતાં ક્રિશ અંદરથી હચમચી ગયો હતો.વારે વારે તે એક જ વાત વિચારતો હતો કે,ક્યાં ગણત્રી ખોટી પડી હતી.વારંવાર બનેલી ઘટના રિવાઇન્ડ કરીને સ્લો મોશનમાં જોતાં તેને કોઇ ખામી હાથ લાગતી ન્હોતી આમ કેમ થયું ક્રિશ??એ સવાલ વારંવાર પોતાને પુછી રહ્યો હતો.

                   પોતાના બેન્ક એકાઉન્ટમાંથી તેણે અર્ધી રકમ પણ ગુમાવી હતી અને એપાર્ટમેન્ટ પર તો કોર્ટના હુકમ અનુસાર સારાનો કબજો હતો એટલે તેણે હાલ ઘડી એલિઝબેથ સાથે રહેતા પોતાના જુના મિત્ર ઇવાન વિલબર ફોર્સનું બંધ પડેલું મળ્યું હતું.

આ મકાન ઇવાન ક્યારે ખાલી કરાવે તેનો ભરોસો ન્હોતો.રાધિકા પણ તેના કશા કામની ન્હોતી રહી.તેણીમાં હવે પહેલાં જેવી ઉષ્મા તેને ન્હોતી લાગતી.હવે સમય આવી ગયો હતો કે,તે બીજી કોઇ શોધી લે.

           પોતાની ત્યક્તા પત્નિ અંબિકાને ઇન્સાનિયતના નાતે મળવા આવેલ ત્રિભુવને રાધિકાને ત્યાં જોઇ વિચારમાં પડી ગયો.પોતાના બાપ સાથે હંમેશા બાખડતી અને આંખો દેખાડનારી રાધિકામાં તેના બાપ સામે આવવાની હિંમત ન્હોતી એટલે

“હું હમણાં આવી હો બા…….”કહી પોતાના બેડરૂમમાં જતી રહી.

            અંબિકા પાસે થોડીવાર બેસી શબ્દોથી સાંત્વના આપી ત્રિભુવન સીધો શાંતી શાહની ઓફિસે ગયો.તેના પાસેથી જાણવા મળ્યું કે,ક્રીશના સારા સાથે છુટા-છેડા થઇ ગયા હતા એટલે સારાએ કોર્ટના હુકમ મુજબ ક્રિશના એકાઉન્ટની અર્ધી રકમ, કિમતી ચીજ વસ્તુઓ અને એપાર્ટ્મેન્ટ પર કબજો કરી ક્રીશની હકાલપટ્ટી કરી દીધી હતી. મને લાગે છે ક્યાંનો પણ ન રહેલો ક્રીશ ક્યાંક ગાયબ થઇ ગયો છે એટલે ના છુટકે રાધિકા મા પાસે પાછી ફરી હશે.

             મોટેલ પર આવીને ત્રિભુવને જમવાની ટેબલ પર મનહર અને કલ્પનાને  આ બાબતની જાણ કરી.ખાસ મનહરને તાકીદ કરી

“તારે હવે રાધિકાથી દબાવાની જરૂર નથી અને તને જો કશું પણ કહે તો કહેજે મારી સાથે વાત કરે”

“પણ પપ્પા મોટાબેન આમ મુશીબતમાં હોય તો……”કલ્પના કશું આગળ બોલે તે પહેલાં જ વાત કાપતા ત્રિભુવને કહ્યું

“મુશીબતમાં…..??? આ મુશીબતનો અણસાર મને પહેલાથી જ હતો અને જેટલી વખત લાલબત્તી ધરી તેણીને સમજાવવાની કોશિશ કરી તે હંમેશા દાંતિયા જ કરતી હતી.”

“પણ…..”મનહર કશું કહે તે પહેલાં જ હાથ ઊંચો કરી ત્રિભુવને કહ્યું

“મનહર બેટા….કલ્પના વહુ.  હવે આ વાતનો અહીં પૂર્ણવિરામ કરો.”

This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.