બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-(૯) પ્રવિણાબેન કડકીયા

બચીબેનને તો અમેરિકાની મોહિની લાગી ગઈ. બાબુભાઈને ગમ્યું. પણ એ તો માસ્તર મારેય નહી અને ભણાવે પણ નહી. એમનો સ્વભાવજ એવો કે જ્યાં રહે તેવા થઈને રહે. કોઈને કનડવાનું નામ જ નહી. હરી ફરીને બેય પાછા હ્યુસ્ટન આવ્યા.  અઠવાડીયુ વધારે રોકાયા. બધું કામકાજ સરસ રીતે ગોઠવાઈ ગયું હતું.
  સિંથિયા ને થયું જો ગરબડ કરીશ તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. આજની મોંઘવારી અને બેકારોની વધતી જતી સંખ્યા જોઈને તેણે મનમા નક્કી કર્યું કામ એવું કરીશ કે મને બોનસ આપવાનું મારા શેઠને મન થાય. પ્રવિણભાઇ પણ ક્યાં સિંથીયાને કાઢવા માંગતા હતા..પણ બાબુભાઇ દ્વાર એક ચીમકી આપવાની હતી તે અપાઇ ગઈ.
              ભલું થજો બાબુભાઈ અને બચીબેનનું ભલે ગામડિયા રહ્યા પણ બધાને પાઠ ભણાવ્યો. કે નોકરી કરવી તો દિલથી. દેશી માણસ કામકાજમા હોશિયાર હોય તેમા બે મત નથી. હા,તેમની રહેવાની, બોલવાની, ચાલવાની ઢબ અલગ હોય. તે તો સ્વાભાવિક છે. ગુજરાતના ગામડામાંથી આવેલા હોય તો અહિંની રીતભાત ન જાણે. બાકી ધંધામા કોઈના બાપની સાડાબારી નહી.
                  મોટલને ધમધોકાર ચાલતી કરી દીધી. બચી બેનેના પૂજાપાઠ અને આરતીએ તો રંગ રાખ્યો.  શ્રધ્ધા અને ભક્તિને કોઈ ભાષા નથી હોતી ! વગર બોલ્યે તે ફેલાતા હોય છે. આવ્યા ત્યારે અંહી વસંત ઋતુ હતી તેથી બહુ ગરમી નહી પણ હવે તો ભર ઉનાળો. દેશમા ગરમી પડે પણ ભઈ આવી નહી . બચી બેનને તો આખે ડીલે ગરમી ફૂટી નિકળી. જેમ ગરમી વધુ લાગે તેમ એમની જીભ ધાણીની માફક તડ તડ ફૂટે.
         “બળ્યું તમારું અમેરિકા, ભઈ આવી ગરમી. કેમ સહન કરો છો તમે બધા. એ હાલો હવે આપણે ગામ ભેગા થાશું ? ગમ્યું હતું અમેરિકામા પણ ધરતીનો છેડો ઘર.”
              હ્યુસ્ટન આવીને તરતજ ધડાકો કર્યો. રમકડા અને કપડા લેવા છે. વહુ અને દિકરી માટે સાડી. દિકરા અને જમાઈ માટૅ પાટલુનનું  કાપડ અને ટીશર્ટ. જગ્યા નહોય તો મારે કાંઇ નથી જોઈતું. હા થોડો ભગવાનને માટે સૂકો મેવો લઈશું.
          હીલ્ક્રોફ્ટ પરનાં   ગ્રોસરી સ્ટોરમાંથી બધો સામાન લીધો .મોંઘુ દાટ કેસર પણ બે ડબ્બા લીધા. જીંદગીમા પહેલી વાર બચી બહેન કમાયા હતા અને તે પણ પાછા ડોલર. પેલો કોણ, બળ્યું તેનું નામ પણ ભુલી ગઈ. હા, જ્હોન એણે તો ખુશ થઈને પાંચસો ડોલર આપ્યા હતા. તેમાંથી  સોનાની લગડી પણ ખરીદી.
        બચી બહેન ચાર મહિના રહ્યા તેમા ઘણું શીખી ગયા હતા. બાબુભાઈ સાથે પ્રેમથી વત કરતા  શીખ્યા તેથી બાબુભાઈએ તેમને વઢવાનું છોડ્યું. માસી ભાણેજને અવનવું ગુજરાતનું ખાણું ખવડાવતી , પ્રવીણભાઈ તો દેશી ખાવાનાથી ખુશ હતા.
     બચી બહેનના દેદાર અને ઢંગધડા વગરનો પહેરવેશથી ચાર માણસમા નોખા લાગે પણ જ્યારે મોકો મળે ત્યારે લાગે કે ના ‘આ બાઈ માણહ છે હોંશિયાર’. હવે તો ત્રણ મહિનામા થોડું અમેરિકાનું પાણી લાગ્યું હતું.
    આવતા શનિવારે સાહિત્ય સરિતાની બેઠકમા આમંત્રણ મળ્યું હતું પ્રવિણભાઈ અને પ્રવિણા બહેનને થયું ચાલો તેમને પણ હ્યુસ્ટનની ખુબી ના દર્શન કરાવીએ. ચારેય જણ તૈયાર થયા. બચી બહેને આજે પાવડર અને લિપસ્ટિક લગાવ્યા. બાબુ ભાઈને ન ગમ્યું પણ ન બોલવામા શાણપણ માન્યું. ફેમસ ફુટવેર ના ચંપલ ચડાવ્યા.  હા, જોઈએ તો હસવુ   આવે એવા દિદાર હતા. પ્રવિણભાઈએ પ્રવિણા સામે આંખ મિચકારી પણ મોઢુ બંધ રાખ્યું.પણ પ્રવિણાબહેનથી બોલાયા વગર ના રહેવાયુ..
” માસી આપણે ગુજરાતી બેઠકમાં જઇએ છે…આપણી ગુજરાતી સાડી અને હલકો ફુલકો ડ્રેસ પહેરશો તો સારુ…”
બચીબેન તરત જ બોલ્યા..”આપણે અમેરિકામાં છીયે તો અમેરિકન તો લાગવા જોઇએને?”
“ હા તેનો વાંધો નહી પણ આ ભારેખમ ઠંડીનો વેશ.. તમને જ તાપ લાગશે..”
“ મારાથી એ.સી સહન ન થાય એટલે પહેર્યુ છે.. અને લોકોને એવુ ના લાગેને કે દેશમાંથી આયા છે. હું તો દેશ તેવો વેશ કરવામાં માનુ..”
“ ભલે ત્યારે જો તાપ લાગે તો કાઢી નાખજો” કહી પ્રવિણા એ પડતુ મુક્યુ..
         ગાડી પૂરપાટ સુગરલેંડ તરફ જઈ રહી હતી. દિપક શેઠ અને સંગિતાને ત્યાં બેઠકનું આયોજન હતું. સુનિલ અને શિલા મોતીવાલા કોઓર્ડિનેટર હતા.  પ્રાર્થનાથી શરુઆત થઈ . ઓળખાણ વિધી ચાલી અને આજનો વિષય હતો. આઝાદી ઉપર બધા બોલ્યા.  સરિતાની બેઠકમા ઘણા ખૂબ સુંદર લખનાર છે. નવા લોકોને પ્રોત્સાહન આપવાવાળા અક્ષયભાઈ દરેકના  ચાહિતા છે. છંદમા લખવાનો આગ્રહ આવકારણીય છે.
               બચી બહેનને્ શરુઆતમાં તો ગોઠ્યું  નહીં પણ જ્યારે દીપક્ભાઇએ કહ્યું કે હવે આપણે લોક્ગીતો ની અંતાક્ષરી રમશુ ત્યારે તેમને જરા ચહેરા ઉપર હાસ્યભાવ આવ્યો. દેશી માણસ અને નવા નિશાળીયા ભલે ઓછું ભણેલા પણ ગામઠી સંગીત,દુહા, મીરાના ભજન બધું તેમને જીહવાગ્રે હતું. દુલા કાગ અને હેમુ ગઢવી તેમના ખાસ હતા. ભાઇઓ અને બહેનો ની એમ બે ટીમ પડી  અને લોક્ગીતો ગવાવા માંડ્યા
બાબુભાઇએ  હલક ભેર મણીયારો શરુ કર્યો બે લીટીએ અટકવાનુ હતુ.ત્યાં તે અટક્યા અને સંગીતાબેને
હો રાજ રે કુવા કાંઠે પાણઈ ભરવા ગઇતી ને મને કેર કાંટો વાગ્યો ઉપાડ્યુ અને બચી બહેને તેમને સથવારો આપ્યો. મીઠો લહેકાદાર પહાડી અવાજ. અને સૌ ઝુમી ઉઠ્યા. અક્ષયભાઈએ કહ્યુ કે કોઇ ગીત આખુ આવડતુ હોય તો ગાવ!          
હું તો કાગળિયા લખી લખી થાકી, ભોળી રે ભરવાડણ, અમે મહિયારા, દુધે ભરી તળાવડી વિ. ગાવા મંડી પડ્યા. બચી બહેનની ઝલક અને અવાજે બધાને મંત્ર મુગ્ધ કર્યા. તેમની વેશ વિસંગતતા તેમની કલા આગળ વિસરાઈ ગયો. તાળિયોના ગડગડાટ અને વાહથી બચી બહેનને આનંદ થયો.
             વગર ખર્ચે મેળાવડો થઈ ગયો. સાધારણ રીતે બે કલાક પછી નાસ્તા પાણી કરી બધાને છૂટા પડવાનો નિયમ હોય છે.  યજમાનની ઈચ્છાથી નાસ્તા પછી મહેફિલ જામી.
      બાબુભાઈ માથુ ખંજવાળવા લાગ્યા આ તો બંધ નહી થાય. પણ બચીબહેન જેનુ નામ સાંપડેલી તક હાથમાથી કેમ જવા દે.એટલે સમયનાં ચુસ્ત આગ્રહી કાળીદાસભાઇ બોલ્યા બચી બહેન આપ મહેમાન છો તેથી આપને પાંચ મીનીટને બદલે પંદર મીનીટ આપી.. હવે બીજાને પણ બોલવા દો. કાળીદાસ ભાઇની કવિતા પુરી થયા પછી કીર્તિ ભાઇ પટેલે પોતાની પાંચ મીનીટ બચી બેન ને આપી કહ્યું
“બેન મને ગમતુ કસુંબીનો રંગ ગીત ગાવને?”
બચીબેને તો માઇક મુકી દીધુ બાજુમાં અને હલકભેર ઉપાડ્યુ હેમુ ગઢવીનું ગીત..ગીત પુરુ થયું અને
મેહુલભાઇ, સુગંધા બેન અને જતીનભાઇએ તો ઉભા થઇને તાળીઓ પાડી અને દુબારા દુબારા કહીને બચીબેન ને સ્ટેંડીગ ઓવેશન્થી નવાજી દીધા..
પહેલા તો બચી બહેન ને લાગ્યુ કે આ લોકો ઉભા થઈને મારવા આવ્યા કે શું? ગભરાતી નજરે પ્રવિણભાઇ સામે જોયું તો તે પ્રસન્ન હતો તેથી તે અટક્યા
દરેક વક્તાઓએ તેમનો સમય બચીબેન ને આપ્યો અને સાહિત્યની બેઠકને લોક્ગીતો થી રંગી દઈ અજબનું માન પાન પામ્યા..તેમની ઓડીયો અને વીડીયો કરી દીપક્ભાઇ તો પ્રવિણ્ભાઇને કહે આ તમારા મહેમાન ને રોકો તો આપણે તેમની સીડી પ્લેબેક મ્યુઝીક  સાથે તૈયાર કરાવીયે.
બાબુભાઇ તો બચીબેન ને આટલા માન પાન પામતા જોઇ અચંબામાં જ પડી ગયા..જો કે આનંદમાં પણ હતા
પાછા વળતા પ્રવિણાબેન બોલ્યા “ માસી! તમે તો લોકગીતોનો ખજાનો છો.. મઝા આવી ગઈ…પેલા કાળીદાસ ભાઇ તો તમને મળતા પ્રતિભાવોથી ઠંડા જ પડી ગયા”
બચી બહેન કહે “ મને ખબર હોત તો હું મારી ડાયરી લાવી હોત..ને વધુ રંગત લાવતે…”
વાતો કરતા કરતા ઘરે પહોંચ્યા ત્યાં પ્રવિણભાઇનો ફોન રણક્યો…
ફોન ઉપર રેડિયો સ્ટેશન “મ્યુઝીક ધમાકા”ના ચીતલે હતા બચીબેન ને આવતી કાલે બપોરે રેડિયો સ્તેશન ઉપર એક કલાક ફાળવ્યો હતો .
પ્રવિણભાઇ બાબુભાઇની સામે જોતા હતા અને બાબુભાઇ કહે બચી.. તુ તો અમે્રિકન રેડીયો ઉપર…જવાની..ને!
                  બચીબેન તો જાણે સ્વર્ગમા વિહરતા હતા. ‘અરે હું તો રેડિયો પર ગાવાની અને એ પણ અમેરિકામા.’ બાબુભાઈ પાસે ઘેલા કાઢવા લાગ્યા. રાતના બે વાર બાબુભાઈ ને
ઉઠાડી કહે કેટલા વાગ્યા મારે તૈયાર થવાનું છે.
         બાબુભાઈ કહે તું રેડિયો પર જવાની છે ટી વી પર નહી.  જો હવે મારૂ ઉંઘમા ખલેલ પાડીશ તો સવારનો કાર્યક્ર્મ બંધ. ટુંટિયું વાળી બચીબેન હાલ્યા ચાલ્યા વગર સૂઈ ગયા.
 પાછા સવારના પહોરમા વેશ કાઢ્યા. બાબુભાઈ ગુસ્સાથી કહે’ તું ગુજરાતી સાડલો પહેર નહી તો હું આ બેઠો.”  બચીબેને જો મોઢું ન ફેરવ્યું હોત તો બોર જેવડું આંસુ દેખાત.
મુંગા મંતર થઈને ગાડીમા બેઠા. મોઢા પરથી આનંદ અને ઉમંગ છિનવાઈ ગયો. પણ ભોળા બચીબેન શું કરે. માણહ પોતાનો સ્વભાવ કેમ કરી બદલે!
                   વળી રેડિયો સ્ટેશન પર બધા રંગ ઢંગ જોઈ વિફર્યા. એ તો બાબુભાઈ હોય નહીને બચી બેન સચવાય નહી. ગાવાનો સમય થયો એટલે ‘ના હું તો નહી ગાંઉ’.
ખબર નહી કેમ બાબુભાઈને વહાલ ઉછળ્યું, બચીબેનને બાથમાલઈ કહે અરે ગાંડી હું તારે પડખે બેઠો છું શાની ગભરાય છે.
                 બચીબેનને વિશ્વાસ બેઠોને ક્યાં રૂડા રૂપાળા બે ગાયન ગાયા. રેડિયો સ્ટેશનના ફોન ધણધણી ઉઠ્યા. શ્રોતા વર્ગ ફોન કરીને અભિનંદન આપવા લાગ્યા. બચીબેન તો જાણે પોતે લતા મંગેશકર ન હોય તેમ ફુલાઈને ફાળકો થઈ ગયા.
                ખેર, અમેરિકાની મુસાફરી ભાતભાતના રંગ લાવી રહી હતી. બચીબેને અને બાબુભાઈએ અનેરો આનંદ માણ્યો. ગામડા ગામના  સાદા સીધા માનવી હવે ઘરે જવા તલપાપડ થઈ રહ્યા હતા.  રેડિયો સ્ટેશનનો ચીતલે તો આખી ટોળી લઈ ભોજનમા બધાને જમવા લઈ ગયો અને બચીબેનને મોંઘીદાટ સાડી ભેટમા આપી.
             બચીબેન થોડો સમય ગોટાળા વગર રહી શક્યા તેથી બાબુભાઈ પ્રસન્ન હતા.

વાહ ભાઇ વાહ બચીબેને તો કમાલ કરી. મનમા ને મનમા પોતાને લતા મંગેશકર માની બેઠા. એ તો ભલુ થજો કે બાબુભાઈ સંભાળતા તેથી તેઓ કાબૂમા રહેતા. જો કે બચીબેનમા કોઇ અવગુણ ન હતા.ભઈ, એ તો ગામડાનું માણસ એટલે અમેરિકાના વ્યવહારમા ન સમજે. બાકી દિલના બહુ સારા. કોઈનું પણ કામ કરી છૂટવામા પાછી પાની ન કરે.
હવે જવા આડે એક જ અઠવાડિયું બાકી હતું. શની અને રવીવાર છેલ્લા હતા. પ્રવિણભાઈને થયું ચાલોને એમને ગેલ્વેસ્ટન ફરવા લઈ જઈએ. ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.’ તેનો અર્થ તેમને બરાબર સમજાઈ ગયો. જીભ કચરાઈ ગઈ હવે શું થાય. છોકરાઓ તો બચીબેન અને બાબુભાઈથી સો જોજન છેટા રહેતા. બચી બેનનું વર્તન તેમની સમજ્મા આવતું નહી.
બીચ પર જવાનું, નાસ્તાપાણી, ચાનું થર્મસ, કોકોકોલા અને મેંગોલા લીધા. શીંગચણા પણ બાંધ્યા. હાંડવો ને થેપલા. ગોળપાપડી બનાવી.એટલું બધુ ખાવાનું લીધું કે હવે માણસો ક્યાં બેસે એ એક સવાલ થઈ ગયો. ૭૦ માઈલ જવાનું હતું તેથી ઓશિકા અને ઓઢવાના વગર કેમ ચાલે. ગાડીમા બચીબેન થર થર ધ્રુજે.
પ્રવિણભાઈ અને બાબુભાઈ આગળ બેઠા. પ્રવિણાબેન અને બચીબેન પાછળ. સીટ પર ચાદર પાથરી, ઓશિકુ ગોઠવ્યું. પગ લાંબા કરીને બેઠા. પ્રવિણાબેન બિચારા બોલ્યા ચાલ્યા વગર સંકોચાઈને બેઠા.
ગેલ્વેસ્ટન ખાસુ દૂર હતું એટલે ગાડીમા અંતાક્ષરી રમવાનું શરું કર્યું. બચીબેનતો બસ મંડી પડ્યા. તેમનો વારો હોય કે ન હોય ગાયન શરુ જ કરી દે. બાબુભાઈ અને પ્રવિણભાઈ તો ઠીક પણ પ્રવિણાબેનેને ન રુચ્યું. ગાવાનો વારો આવવા દે તો એ બચીબેન શાના ? કંટાળ્યા અને બધા અલકમલકની વાતો એ વળગ્યા. રસ્તામા શીંગ ચણાના ફાકા માર્યા. થોડી બટાકાની કાતરી તળી હતી તે ખાધી. પ્રવિણાબેને તો નક્કી જ કર્યું હતુ કે બચીબેનેને લઈ બહાર ખાવા જવું જ નથી.
અંહી તો બધા લોકો બિનશાકાહારી હોય એટલે તેમના નાકનું ટેરવું ચઢે. વગર મફતનું નાટક ભજવાય. ગેલ્વેસ્ટન આવી ગયું. સીધા બોટ રાઈડ પર પહોંચ્યા. આખે આખી ગાડી બોટમા ગઈ.
બચીબેન તો એવા ગભરાયા કે આંખ જ ન ખોલે. તેમેને થયું ભગવાન ભજો હવે આપણે તો આ દરિયામા ડૂબવાના. બાબુ ભાઈને છોડે નહી અને ગાડીમાંથી ઉતરવાની તો વાત જ ક્યાં કરવી. બોટ ચાલુ થઈ આજુબાજુની ગાડીઓમાંથી માણસો ઉતર્યા અને સીગલને પાંઉ ખવડાવતા જોઈ તેમના જીવમા જીવ આવ્યો. ધીરે રહીને ગાડીમાંથી ઉતર્યા અને સાથે લાવેલા પાંઉના ટુકડા પક્ષીઓને ખવડાવ્યા. પછીતો નાના બાળકની જેમ તાળી પાડવા મંડી પડ્યા. લગભગ ચાલીસ મિનિટમા એક ચક્કર પુરું થયું. ગાડી બોટની બહાર આવી એટલે પ્રવિણભાઈએ બીચ તરફ હંકારી. દરિયો ગાંડો થયો હતો. ઉનાળાની રજાઓ હતી તેથી બાળકો અને સહેલાણીઓ દરિયાની મઝા માણી રહ્યા હતા.
બીચ ઉપરનું દૃશ્ય જોઈ બચીબેને બે હાથે આંખો ઢાંકી દીધી.અરે, આ રોયાઓને કાંઈ લાજ શરમ છે કે નહી? સ્વિમિંગ કોસચ્યુમમા નાના મોટા બધાં ફરી રહ્યા હતા. બિકીની તો વળી બચીબેનને વધારે ઉશ્કેરતી. બાબુભાઈ સમજાવે પણ સાંભળે એ બચીબેન નહી.
એક છત્રી નીચેથી અમેરિકન કુટુંબ ઉઠ્યું એટલે તેમને જગ્યા મળી ગઈ. પ્રવિણાબેન તો હિમત જ નહોતા કરતા. તેમના પર બચી બેન તડૂકતા. બાબુભાઈ ઘાંટો પાડે એટલે કાબૂમા રહેતા.
બાબુભાઈ કહે તારા ને મારા બાપના કેટલા ટકા જાય છે. આ અમેરિકા વાળા તો આવા જ હોય. અરે, આપણા દેશીઓ પણ જો ને તને નથી દેખાતા! અરે ગાંડી, આ તો દેશ તેવો વેશ.બચીબેન જરા ટાઢા પડ્યા. સમય જોઈને પ્રવિણાબેને ખાવાના ડબ્બા ખોલ્યા એટલે તેમનું ધ્યાન ખાવામા પરોવાયું. પેટમા ઉંદરડા બોલતા હતા. ખાઈને એવડો મોટો ઓડકાર ખાધો કે બાજુમા બેઠેલા અમેરિકનો મોઢું ફેરવીને જોઈ રહ્યા.
એવામા એક બોલ તેમની પાસે ઉછળીને આવ્યો. ગભરાયેલા બચીબેન બીચબોલ જોઈને ફુટબોલની જેમ જગ્યા પરથી ઉછળ્યા. તેવામા બોલ લેવા આવેલી સ્ત્રી બાબુભાઈ પાસે આવીને શાંતીથી બોલ માગી રહી હતી. ત્યાં ઓ ચંપલી તને કાઈ લાજ શરમ છે, મારા વરની સામે આવી ઉઘાડી આવીને ઉભી છે અને હાથ હલાવી વાતો કરે છે.
બાબુભાઈએ તેમને વાળ્યા અને સમજાવ્યું કે એ બોલ માગી રહી છે.
પ્રવિણા બહેને હિમત કરીને પૂછ્યું ,માસી દરિયામા પગ પલાળવા આવવું છે ? હાય, હાય તારે મને ડૂબાડી દેવી છે. મોજા તો જો કેવડા મોટા મોટા છે. બેન મારી ઘરે છોકરા છે સાજા સમા ઘર ભેગી થાવા દે. જેમ તેમ દિવસ પૂરો થયોને પ્રવિણભાઈની સુચનાથી ગાડીમા બેસી બધા ઘર ભેગા થયા. બચીબેન એટલાતો થાકેલા હતા કે ગાડી ચાલુ થઈ નથી ને તેમના નસકોરા નું સંગીત શરુ થયું નથી. આખે રસ્તે એ સંગીત સાંભળતા કોઈને રેડિયો કે ટેપ વગાડવાનું યાદ જ ન આવ્યું.———–

This entry was posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં. Bookmark the permalink.

2 Responses to બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-(૯) પ્રવિણાબેન કડકીયા

  1. Kavita says:

    Maja aavi gai.

  2. બચીબેન સાથે ફરવાની અને હસવાની મજા આવી.

Comments are closed.