છૂટાછેડા: ઓપન સીક્રેટ (૧૦)- વિજય શાહ

૧૦. સુખનાં સમણાં – વિજય શાહ
  

સવારની રાજ્ધાની એક્ષપ્રેસ  પકડીને જવાનુ ક્ષમા માટે  અઘરું થતુ જણાતાં પરમે કહ્યું: ‘નવનું પ્લેન પકડી લઈશ તો પણ સમય સર પહોંચી જઇશ.’ કોણ જાણે કેમ તેને ક્ષમાનું સાનિધ્ય છોડવું ગમતું ન હતું.
તો ક્ષમાનેય પરમને એકલો મૂકીને જવું નહોતું. તેથી તેણે ઑફિસમાં ફોન કરીને જણાવ્યું કે તે હજી અઠવાડિયા પછી આવશે. સામે છેડે બે એક પ્રશ્નો પૂછાયા અને તેના હકારાત્મક જવાબો આપી ક્ષમાએ ફોન મૂક્યો.
પરમ આ બધુ સાંભળતો હતો. તે પણ અંદરથી તો ઇચ્છતો જ હતો કે ક્ષમા રોકાઈ જાય તો સારું…પણ ક્ષમાના તન્વી વિશેના પ્રશ્નોનો તેની પાસે જવાબ નહોતો. ક્ષમા પરમને ઘેર જતાં ખચકાતી હતી અને તેનો તે ખચકાટ વ્યાજબી પણ હતો. પણ તેને અંદરથી એમ પણ થતું હતું કે પરમ અને તન્વીનો કોયડો શંકાસ્પદ છે. ફોટામાં જે તન્વી હતી તે તો કોઈ મિહીર સાથે લગ્ન કરવાની વાતો કરતી હતી.
એક મીઠા પણ અવ્યાજબી સ્વપ્નમાં તેણે કલ્પી લીધું કે પરમને જો તન્વી છોડી દે તો? છૂટી ગયેલી  માનેલી ટ્રેન, પ્લેટ્ફોર્મ પર પહોંચો ત્યારે ખબર પડે કે તે મોડી છે અને હજી આવી જ નથી, તેવો આનંદ તેના મને કલ્પવા માંડ્યો હતો…
“પરમક્ષમા”માં પગ મૂકતાં તેને એક આછેરી ધ્રુજારી તો આવી પણ તેમ ડરે તો કેમ ચાલે? તેમ વિચારીને હિંમત કરીને પરમને ટેકો આપી તેને ઘોડી સાથે ઘરમાં લઈ ગઈ.
ઘરમાં દાખલ થતા સાથે જ જુની સ્મૃતિઓનું વંટોળ ક્ષમાને ઘેરી વળ્યું. હજી તો હમણાં બે અઠવાડિયા પહેલા અહીં આવી હતી ત્યારે તો આવું કશું જ નહોતું થયું અને આ વખતે પરમની સાથે અકસ્માત થયા પછી તેનું મન પરમને વધુ અને વધુ ઝંખવા માંડ્યું હતું.
ઘરમાં દાખલ થઇને ફ્રીજ ખોલ્યુ તો દૂધ નહોતું..બ્રેડ બગડી ચુકી હતી. પરમ તેને બુમો પાડતો હતો: ‘ક્ષમા! તું બેસ. હું કોઇકને બોલાવીને રસોડું ચોખ્ખું કરી દેવડાવું છું.’
ક્ષમાએ તેને કહ્યું: ‘કોઇની જરૂર નથી અને જે કોઈ આવશે તે તન્વીને હું અહી આવી હતી તેની જાણ કરશે.’
પરમથોડી વાર થંભીને બોલ્યો: ‘હા..! મેં તો તે વિચાર્યુ જ નહીં.’
ક્ષમા કહે: ‘તેમાં કોઈ જ નવાઈ નથી. અમે સ્ત્રીઓ અગમદર્શી અને તમે પુરુષો પચ્છમ દર્શી.’
ઘરની આગળ લટકતી ચાઈમ્સ ( વા ઘંટડીઓ ) ઝીણું ઝીણું રણકતી હતી. ક્ષમા માટે પરમ આ ચાઇમ્સ અમદાવાદના પારેખ્સમાંથી લાવ્યો હતો. એણે જ્યારે તે ક્ષમાને ભેટ આપી ત્યારે ક્ષમા લગભગ ઘેલી થઈને પરમને ભેટી પડી હતી. ‘વાહ રાજ્જા…તને મારી દરેક વાતોની ખબર છે ને કંઈ!’
પરમે ક્ષમાને ચાઇમ્સ જોતા અને વિચાર કરતાં જોઈને કહ્યું: ‘આજે પણ મને તારી નસ નસની ખબર છે.’
ક્ષમા કહે: ‘જવા દે ને તે વાત? હું ખરેખર તો તને અને આ ઘરને જોઈને વિચારતી હતી કે તારે શું કામ આવાં છાનગપતિયાં કરવાં જોઈએ?’
‘છાનગપતિયાં?’
‘હા સ્તો, પત્નીની ગેરહાજરીમાં એક્ષ સાથે રહેવું એ છાનગપતિયું જ કહેવાય ને?’
‘ના રે ના. આપણે મિત્રો છીયે અને એક મિત્રની તકલીફમાં બીજો મિત્ર તેને સહાય કરે તો તે છાનગપતિયાં નહીં મૈત્રી નિભાવી એમ કહેવાય.’
‘તન્વી તારી આ વાત માનશે? મને તો લાગે છે કે તેને ખબર પડશે એટલે તરત જ છૂટાછેડા માંગશે.’
‘તન્વીની વાત પડતી મૂકીને તારી જ વાત કર ને. શૈલને આ ખબર પડશે તો તારું શું થશે?’
 ‘હા, ગુનેગાર તો આપણે બંને છીયે. જોયું જશે જ્યારે એ થશે ત્યારે. હાલ તો હું રીક્ષામાં જઈને થોડુંક ખાવાનું અને ગ્રોસરી લઈ આવું.’
‘તારી ફ્રંટી લઈને જઈશ તો મને વાંધો નથી.’
‘મને વાંધો છે ને.’
‘કેમ? તને શું વાંધો છે?’
‘આવીને વાત કરું. બોલ, ખાવામાં શું લાવું? પીઝા કે ચાઇનીઝ?’
‘તને ગમે તે લાવજે અને હા, આઇસક્રીમ બે ચાર ફ્લેવરના લાવજે.’
ક્ષમા ગઈ અને પરમ એકલો પડ્યો ત્યાં કામવાળી બાઈ કોઈ નવી કામવાળી લઈને આવી. પગારની રક્ઝક વગર તેને રાખી લીધી કારણ કે તેને ગુજરાતી આવડતું નહોતું પણ પરમને મરાઠી આવડતું હતું અને તે બાઈને પાંવ શેકતાં અને વડાં બનાવતાં આવડતું હતું. પગે પાટો જોઈને તેણે કહ્યું કે તે કાલે આવીને બધું કરી જશે. જૂની કામવાળી મહારાષ્ટ્ર જતી હતી તેથી ક્ષમાને એ ઓળખી જશેવાળો ભય હંગામી રીતે ટળી ગયો હતો.
તેની આંખ ભારે થતી જતી હતી. પગમાં થતી પીડા શમાવવા જે ગોળીઓ એને દાક્તરે લખી આપી હતી એની ઘેનની અસર વરતાવા લાગી હતી. વળી કામવાળી બાઈની વાત ધારી રીતે પતી જતાં તે થોડોક નિશ્ચિંત થઈ ગયો હતો. તે નિંદરે ચઢી ગયો હતો.
સાડા અગિયારે ક્ષમા મોટો થેલો લઈને ઘેર આવી ત્યારે તેના થેલામાંથી ગરમ ગરમ મંચુરીયન અને ફ્રાઇડ રાઈસની સોઢમ આવતી હતી. ક્ષમાએ એને જગાડ્યો અને એક પ્લેટ પરમની અને બીજી ક્ષમા પોતાને માટે લઈને બેય જમવા બેઠાં ત્યાં ક્ષમાના ફોનની ઘંટડી વાગી. ફોન ઉપર શૈલ હતો.
‘હા બોલો, શૈલ!’ તેણે ફોન કાન પાસે લગાવીને વાત શરૂ કરી ત્યારે પરમનું મોં પડી ગયું. જાણે પોતાનું મનગમતું રમકડું બીજાનું થઈ ગયું હોય તેમ.
ક્ષમા પરમના આ ભાવને જોતી હતી.
શૈલ સાથેની વાતનો ટુંકસાર એ હતો કે બીજો પત્ર તેને મળ્યો છે અને હવે માંગણીની રકમ વધી હતી.
ક્ષમાએ જાણી જોઇને પદ્મજાને યાદ આપી અને પરમના પડી ગયેલા ચહેરાને ફરી ખીલતો જોઈ રહી.
પરમ કશું પૂછે તે પહેલાં ક્ષમા બોલી: ‘પદ્મજા શૈલની પહેલી પત્ની છે અને પેલો ગગનો સ્ટીલ હવે ૭૫,૦૦૦ રૂપિયા માંગે છે.’
‘તે પદ્મજાને તું શું કામ હવા આપે છે?’
ક્ષમાને આ પ્રશ્ન પુછાશે તે ખબર હતી તેથી તે મનમાં જ બોલી: ‘રાજ્જા! મને ખબર છે આ તન્વી જેમ ઉપજાવેલું પાત્ર છે ને તેમ જ  આ  શૈલ  ભટનાગર  પણ એક રીસે ચઢીને ઉપજાવેલું પાત્ર જ છે.’
હવે સ્તબ્ધ થવાનો વારો પરમનો હતો. થોડીક ક્ષણો તે સ્તબ્ધતામાં વહી ગઈ.

ઘરનો ડોર બેલ વાગ્યો અને ચાવીથી બારણું ખુલ્યું ત્યારે પરમને સમજાયું કે તે તો પોતાનો ભ્રમ હતો ક્ષમા તો હજુ હમણાં ઘેર આવતી હતી અને તે તો ચાઇનીઝ નહીં પણ તેને ભાવતું ઈટાલીયન ખાવાનું લઈને આવી હતી. એના મોં ઉપર થોડાંક બીક અને થાક વર્તાતાં હતાં.
પરમે ક્ષમાના મોં પર કશા અસુખના ઊાવ જોતાં પૂછ્યું: ‘ક્ષમા, થાકી ગઈ છે કે શું?’
‘ના થાકી તો નથી ગઈ પણ ડરી ગઈ છું મેં ગગનાના એક સાગરીતને હોટેલમાં કોઈની સાથે ગાળાગાળી કરતો જોયો.’
‘એણે તને જોઇ?’
‘એની તો ખબર નથી. પણ હું બે રીક્ષાઓ બદલીને આવી છું એટલે માનું છું કે તે ચૂકી જ ગયો હશે. છતાં મને કશુંક અમંગળ થવાની બીક લાગવા માંડી છે.’
‘શાંતિથી બેસ, પાણી પી અને થોડો પોરો ખા. તારે ડરવાની જરૂર નથી.’
‘પરમ! આ તે કેવી વિચિત્રતા? મન મળેલાં, તન મળેલાં છતાં આ બ્લેક મેલરના ડરથી ભાગતાં રહેવાનું અને બચતાં રહેવાનુ!’
‘મારું માને તો તારે કોઈથી ડરવાનું કોઈ કારણ નથી.’
‘એટલે?’
‘તન્વી રાજકોટ છે અને તેનાં કોઈ સગાંવહાલાં અહીં નથી એટલે એના સુધી આપણી વાત પહોંચે એવી કોઈ સક્યતા જ નથી.’
‘હં! પણ તોય શું?’
‘બીજો ભય શૈલનો હોય અને તે તો  મુંબઈમાં છે.’
‘બરાબર.’ ક્ષમા પરમનો તેને ભય મુક્ત કરવાનો આશય સમજી રહી હતી.
‘આપણી જૂની કામવાળી બાઈ કોઇ બીજી મરાઠી બાઈને મૂકીને ગઈ છે તેથી તે તને ઓળખી જશે તે ભય પણ અસ્થાને છે.’
‘પણ આ ગુંડાઓ!’
‘તે લોકો ધમકી તો શૈલ ભટ્ટનાગરને મોકલે છે ને?’
‘હા, પણ એ લોકો તને જ શૈલ ભટ્ટનાગર સમજે છે ને?’
’સમજવા દે ને એમને જેમ સમજવું હોય તોમ? અહીં પરમ અને ક્ષમા છે.’
ક્ષમાએ જરા ગમતીલા અવાજમાં પરમને પૂછ્યું: ‘તો તને એવી બીક નથી લાગતી કે એમની જાસા ચિઠ્ઠી અહીં પણ કદાચ આવી પહોંચશે તો!’
પરમે તેના પ્રશ્નના જવાબ રૂપે કહ્યું: ‘જો એક વાત સમજ. ભય કરતાં ભયની કલ્પના જ આપણ ને વધારે ડરાવતી હોય છે. જ્યાં સુધી એ ગગનો આપણા ઘરનું બારણુ ઠોકતો ન આવે ત્યાં સુધી હું તેની ચિંતા કરવા નથી માંગતો.’
ક્ષમાને પહેલી વખતે હુંફ અનુભવાઈ. તેણે માઇક્રોવેવમાંથી ઇટાલીયન ખાવાનું કાઢ્યું ને ઉપર સોસ નાખી ગરમ કરીને પરમને પ્લેટમાં આપ્યું. ને બે પ્રેમી પારેવડાં ઇટાલીયન ખાવાનું ખાઈ નયનોમાં નયનો ઢાળી એકમેકમાં ખોવાયાં ત્યારે રેડિયો ઉપર ગીત વાગતું હતું: પ્યાર હુઆ એકરાર હુઆ પ્યારસે ફીર ક્યું ડરતા હૈ દિલ!

જેલમાં બેઠેલો ગગનો હજુ સાવ નિષ્ક્રિય થઈ ગયો ન હતો. એને હાઈ કોર્ટમાં જઈને પોતાની સજા રદ તો નહીં પણ ઓછી તો કરાવવી હતી. પણ એના બધા પૈસા કેસ લડવામાં વકીલો પાછળ ખર્ચાઈ ગયા હતા.

એને ક્ષમાની પાસેથી પૈસા કઢાવવાનું યાદ આવ્યું. એણે જેલમાં પોતાનો દોસ્ત મળવા આવ્યો ત્યારે પૈસાની માગણી ક્યાં કરવી અને પૈસા લઈને એને કેમ અને ક્યાં બોલાવવી એની વિગતવાર વાત કરી કામ સોંપ્યું.

એણે મુંબઈમાં કાગળ લખવા માટેનું સરનામું પણ એને આપ્યું. એ તો હજુ ક્ષમાને શૈલ ભટનાગરની પત્ની જ માનતો હતો ને!    એના સાથીદારે મુંબઈને સરનામે પૈસાની માગણી કરતો ધમકીભર્યો પત્ર શૈલ ભટનાગરને સરનામે રવાના કર્યો.

પદ્માતો ગુંડાનાં પત્રથી ખુબ જ ગભરાઈ ગઈ.અને તર્તજ શૈલને ફોન કર્યો…” શૈલ!”

“હા બોલ.. શું કામ છે?”

” પેલા ગુંડાનો પત્ર આવ્યો છે. અને આવખતે પૈસા મોકલ્વાની જગ્યા અને વધેલી રકમો સાથે તને બોલાવ્યો છે.”

” પદ્મા! તારુ નામ ક્ષમા છે?”

“ના”

” તો પછી તુ શું કામ ડરે છે?”

” પણ કાગળો તારા નામે સાચા સરનામે આવે છે ને?”

” સારુ હું સાંજે આવી  પોલીસ ફરિયાદ કરીશ. પણ હું માનુ છું કે તારે ચિંતા કરવાની જરુર નથી.”

” હું માનુ છું કે આ વાતમાં વિલંબ ન કરવો જોઇએ.”

” સારું હું આવુ છુ”

પદ્માએ એ પત્ર પોતાના પતિ શૈલને બતાવ્યો અને શૈલે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે છટકું ગોઠવી પોલાને રંગે હાથ ઝડપી લેવા માટે શૈલને પેલાએ જણાવેલી જગ્યાએ એક સ્યુટકેસ લઈને જવાનું કહ્યું ને ચાર પોલીસવાળા અને એ પોતે ત્યાં અગાઉથી સંતાઈ ગયા. ને ગગનાનો દોસ્ત પકડાઈ ગયો.

લાંબી ઊલટ તપાસને અંતે એની પાસેથી મળેલી બાતમી પરથી એને બે વર્ષની સખત મજૂરીની સજા એને પછી વડોદરાની કોર્ટને હવાલે કરવાની વધારની સજા સાથે જેલમાં પૂરી ઘાલ્યો.

આ ઉપરાંત એની પાસેથી મળેલી માહિતી પરથી ગગના પર પણ બ્લેક મેઈલીંગ કરવાનો વધારાનો ચાર્જ લગાવવામાં આવ્યો ને એની જનમટીપની સજા પૂરી થાય એ પછી બીજાં બે વર્ષની સખત મજૂરીની સજા ફટકારવામાં આવી.

This entry was posted in છૂટાછેડા: ઓપન સીક્રેટ-. Bookmark the permalink.